Jo Kevi Kari - 3 in Gujarati Short Stories by bharat maru books and stories PDF | જો કેવી કરી - 3

Featured Books
Categories
Share

જો કેવી કરી - 3

જો કેવી કરી

ભાગ-3

છેલ્લે ભાગ-2 માં આપણે જોયું કે

(થોડી વારે ચોકી તો આવી ગઇ. પોતાના બધા ઘેટા સલામત હતા એ જોઇ આનંદ થયો પણ હવાલદાર છગન જ એનું ધ્યાન રાખતો ઉભો હતો એ જોઇને બંનેના ચહેરે ગુસ્સો અને ચીંતાના મિશ્ર ભાવ પ્રગટ થયા. પણ બંનેને નવાઇ તો ત્યાંરે લાગી જયાંરે હવાલદાર છગન અટ્ટાહાસ્ય સાથે બોલ્યોં “આવો આવો સરકારી મહેમાન. ” હરીયો બોલી પડયોં “ અમારી પાસે બધી માહીતી આવી ગઇ છે. કોણ શું કારસ્તાન કરે છે ઇ?” બંને ચોકીના પગથીયા ચડતા હતા ત્યાંજ હવાલદારે બુમ પાડી “ઇ. સાહેબ, આવી ગયા બંને હીરો. ” ઇ. સાહેબ દોડીને બંને તરફ ધસ્યાં બંનેના એક એક હાથ પકડી લીધા. બધી ઘટનાઓ હરીયા અને સુરીયાની ધારણા વિરુદ્ધ બનતી હતી એમાં એક આ ઘટના પણ ભળી. ઇ. સાહેબે બંનેને પકડી કસ્ટડીમાં નાખ્યાં. ).... હવે આગળ

કસ્ટડીમાં હરેશ અને સુરેશને બંધ કર્યાં ત્યાંરે હવાલદારની સામેની ખુરશીમાં કોઇ બેઠું હતુ. સુરીયાએ ઇ. સાહેબને આજીજી કરતા કહયું “ અરે પણ સાહેબ,અમારો વાંકગુનો શું?અમને પહેલા સાંભળો તો ખરા?” પણ હવાલદાર છગન તરત જ અંદર સુરીયા પાસે જઇ બોલ્યોં “પહેલી વાત કે સાહેબ સાંભળતા નથી અને બીજી વાત કે સાહેબ હવે તો તમારું કઇ સાંભળશે પણ નહીં. ” આટલુ બોલી હવાલદાર છગન બહારથી સુરીયાનું ધારીયુ લઇ આવ્યોં. સુરીયા અને હરીયાએ જોયુ. એટલામાં પેલા પાછળ વળીને બેઠેલા અજાણ્યાં શખ્સે પણ આ બંને તરફ કસ્ટડીમાં નજર કરી તો હરીયાથી બુમ નીકળી ગઇ. વાકયની શરૂઆત હરીયાએ અપશબ્દથી કરી આગળ બોલ્યોં “એલા રમેશ તુ તારા ગલ્લેથી ભાગીને અહીં શું કરવા આવ્યોં?” ત્યાં જ હાથમાં ધારીયુ પકડી હવાલદાર છગને શાનથી અને ઇ. સાહેબના કાનથી નજીક જઇ કહયું “ સાહેબ આ એજ હથીયાર છે જે ગુનામાં વપરાયું છે. ” ઇ. સાહેબને ગુસ્સો આવ્યોં એટલે એ ઉભા થઇ કસ્ટડી તરફ ધસ્યાં અને બંને હાથ ઉગામ્યાં. જાગૃત હરીયો સાવચેતી વાપરી સળીયાથી દુર થયો. સુરીયાએ ભય પર કાબુ રાખ્યોં. એટલે વાસ્તવીકતા સામે આવી કે ઇ. સાહેબ તો પોતાના બંને હાથ કાનને ઢાંકવા લઇ ગયા. અને બુમ પાડી બંનેને એક એક ગાળની સજા ફટકારી. હરીયાએ તરત જ સુરીયાને કહયું “સુરીયા તુ આગળ ઉભો છે એટલે બેય તારી. મને કઇ સંભળાયું નથી. ” સુરીયો સમસમી ગયો. અને બોલ્યોં “સાહેબ, આ ખોટુ થાય છે. ” સુરીયાએ એટલો મોટેથી અવાજ કાઢયોં કે બહાર ઉભેલા એના ઘેટા પણ સાંભળી જાય અને સમજી જાય કે માલીક નિર્દોષ છે. ઇ. સાહેબને પહેલી વાર ‘પરફેકટ’ સંભળાયું. એટલે એ પણ ગુસ્સામાં તાડુકયાં “ખોટુ થાય છે વાળીનો થા નહીં. એક તો ચોકીનું છાપુ લઇ ગયા અને ઉપરથી આ રમેશ જેવા નિર્દોષ માણસ પર ધારીયાથી હુમલો કર્યોં? આ તો અમે બેઠા છીએ અહીં નહીંતર તો તુ શું કરે?” કસ્ટડીમાં બંનેએ એકબીજા સામે જોયું. પછી બંનેએ રમેશ સામે જોયું. રમેશને ફરી ડર લાગ્યોં એટલે એણે નજર ફેરવી. ઇ. સાહેબ ફરી પોતાની ખુરશી પર બેઠા. થોડી ક્ષણ બધુ શાંત રહયું. સુરીયાને અચાનક કઇક યાદ આવતા એ પોતાની પાઘડી ખોલવા લાગ્યોં. હરીયો આ જોઇને બોલી પડયોં “ના સુરીયા ના,આ ખોટી દુનીયા સામે પાઘડી ન ધરતો. ભલે જેલમાં જ રહેવું પડે પણ વટ ન જાય. ” સુરીયાએ આખી પાઘડી ખોલી અને એના કપડામાં કઇક શોધવા લાગ્યોં અને સામે ઉભેલા છગનને કહયું “સાહેબ ઓ સાહેબ, આ જેલની ટયુબલાઇટ ચાલુ કરોને. ” છગનને વળી શું મજાક સુઝી તો એણે રમેશને કહયું “જો પેલા ઇ. સહાબ બેઠા છેને એની બાજુમાં બોર્ડમાં પાંચમાં નંબરી સ્વીચ ચાલુ કરી આવ. ” રમેશ થોડુ વિચારી ઉભો થયો. કસ્ટડી પાસે ગયો અને સુરીયાને પુછયું “તારે પ્રકાશનું શું કામ છે?” સુરીયાએ ધમકીના સ્વરમાં પણ ધીમા અવાજે કહયું “તુ ચાલુ તો કર એટલે તને બધુ બતાવું. ” રમેશ કસ્ટડી પાસે ઉભો એટલે ઇ. સાહેબનું એ તરફ ધ્યાન ગયું. આ બંનેની વાતચીત ઇ. સાહેબને ફકત દેખાઇ. પણ એમણે વિચાર કર્યોં કે સમાધાનની વાત થતી હશે. ત્યાં તો રમેશ સીધો જ ઇ. સાહેબની બાજુમાં ધસી ગયો. એણે જેવો સ્વીચ બોર્ડ તરફ હાથ લંબાવ્યોં કે તરત જ ઇ. સાહેબે પોતાની કમરે ટીંગાયેલી રીવોલ્વોર પકડી કારણકે સ્વીચબોર્ડ એની કમરની બાજુમાં જ હતુ. અને મોટેથી અવાજ કર્યોં “એએએ રમલા શું કરવુ છે?” ઇ. સાહેબનો એક હાથ રીવોલ્વર પર જોઇ રમલો ગભરાયોં. ડરતા ડરતા કસ્ટડી બાજુ આંગળી ચીંધીને બોલ્યોં “ લાઇટ કરવી છે. ” ઇ. સાહેબને સાંભળવામાં તકલીફ છે એ વાત રમલો ભુલી ગયો હતો. ઇ. સાહેબ ખરેખર કઇક ઉંધુ જ સમજયાં અને ગુસ્સાથી બોલ્યાં “એ રમલા તારે હજી ફાઇટ કરવી છે? સુરીયાના હાથે વધેરાય જવાનો હતો, માંડ બચ્યોં અને હજી ફાઇટ કરવી છે?” રમલા સિવાય બધા હસ્યાં. રમલો પાનના ગલ્લે બેસીને હોશીયાર થઇ ગયેલો. એટલે એણે આગળ વાત ન કરી. પણ ફરી શરીરને કમરથી સહેજ નમાવી પોતાનો જમણો હાથ સ્વીચબોર્ડ તરફ આગળ કર્યોં. એણે જોઇ લીધુ હતુ કે એક સ્વીચની નીચે અંગ્રેજી અક્ષર એલ લખેલો હતો. પણ ઇ. સાહેબને રમલાની હોશીયારી દાદાગીરી લાગી. એટલે એ એમનો એક હાથ રીવોલ્વર પર રાખી ઉભા થયા અને બીજા હાથે રમલાને પકડી એને પણ કસ્ટડી ભેગો કર્યોં. રમલો “અરે સાહેબ,પણ સાહેબ” એમ કરતો રહયોં. હરીયા અને સુરીયાના ચહેરા પર આજના દિવસમાં પહેલીવાર પ્રસન્નતા છવાઇ. એટલે એણે ખોલેલી પાઘડી પાછી પહેરી લીધી અને હળવેથી બોલ્યોં “આ સાલા ચુનાના દાઘ કેમ દેખાતા નથી?અરે રમલા ચુનો પણ નકલી વાપરતો લાગે. ” રમલો કઇ બોલી ન શકયોં. થોડીવારે હવાલદાર છગન ઉભો થઇ ગયો. અને હળવેથી ઇ. સાહેબના કાનમાં કઇક કહયું. આ જોઇ રમલો ધીમેથી ગણગણયોં “આ છગન નહીં મહાભારતનો શકુની છે. ” હરીયા અને સુરીયાએ જયાંરે આ ગણગણાટ સાંભળી લીધો ત્યાર પછી રમલો સુરક્ષીત અંતરે ખસી ગયો. હરીયાએ જવાબ આપતા કહયું “હા, અમને ખબર જ છે આ છગન હવાલદાર જ આ બધી બબાલનું મુળ છે. જોયું રમલા, તનેય પુરી દીધોને જેલમાં!!” સુરીયાને આવી પરીસ્થીતીમાં પણ મંદ મંદ હસવુ આવતુ હતુ.

છગનથી રહેવાયુ નહીં એટલે એ ઉભો થઇ ઇ. સાહેબના છેક કાન સુધી ગયો. આ ઘટના જોઇ કસ્ટડીના ત્રણેય ગુનેગારોને કુતુહલ થયું અને ડર પણ લાગ્યોં. ઇ. સાહેબના કાનમાં છગને હળવેથી ફુંક મારી “સાહેબ, પેલા બે જણનો ભરોસો ન કરાય. રમલાને પતાવી દેશે હો. ” આ સાંભળીને ઇ. સાહેબને મનથી ઉત્પન થયેલું ભયનું લખલખુ પગ સુધી પસાર થયું. એમણે કસ્ટડીમાં સુરીયા અને હરીયા તરફ ડોળા ફાળ્યાં. રમલાએ પણ ઇ. સાહેબનો આ ડરામણો ચહેરો જોયો. રમલો ફરી ગણગણયોં “ જોયું? આ છગન કેટલો ખટપટી છે. ” પણ આ વખતે રમલો ગુસ્સામાં થોડા મોટા અવાજે બોલ્યોં. છગનને કઇક સંભળાયું એટલે એણે ચોખવટ કરવા પુછયું “શું તકલીફ છે રમલા તારે?” રમલો મુંજાયો તો સુરીયો બાજી સંભાળતા બોલ્યોં “ના ના છગનભાઇ, રમલો તો કાઇ બોલ્યોં નથી. ” રમલાની સુરીયા પ્રત્યેની નફરત હવે પ્રેમમાં પરીવર્તીત થઇ. ત્રણેય એકબીજાની નજીક આવ્યાં. આ જોઇ ઇ. સાહેબ પણ છગનના કાન નજીક આવ્યાં. અને બોલ્યાં “તારી વાત તો સાચી છે. એક કામ કર, રમલો ભલે અંદર એકલો રહે. પેલા બંનેને બહાર લઇ લે. તારા ટેબલ પાસે બાકડે બેસાડી દે. આપણે કોઇ જોખમ લેવું નથી. ” છગન જી સાહેબ કહી કસ્ટડીનો દરવાજો ખોલ્યોં. ઘડીયાલમાં બપોરના ત્રણ વાગવા આવ્યાં અને છતા ભુખ્યાં પેટે ત્રણેય ખુશ થયા કે હાશ છુટકારો થશે. પણ છગને હરીયા અને સુરીયાને એક પછી એક બહાર કાઢી બાકડે બેસાડયાં. રમલો રાહ જોતો જ રહી ગયો. પણ એ અંદર જ રહયોં.

“ઓ સાહેબ,મે શું ગુનો કર્યો? મને તો છોડો. મારુ ટીફીન પણ આવી ગયું હશે. હું તો કારણ વિનાનો અંદર છું” રમલો જયાંરે આવી બુમો પાડતો હતો ત્યાંરે જ એનો ભાઇ ભુરો ટીફીન હાથમાં લઇ ચોકીમાં પ્રવેશ્યોં. ભુરાએ આ દ્રશ્ય જોયું અને સાંભળ્યું પણ ખરુ. એ સીધો જ ઇ. સાહેબ પાસે ગયો. છગનના પેટમાં તેલ રેડાયું. પણ જો એ ઉભો થઇને ભુરા પાસે જાય તો પેલા બંને ગુનેગારનો ભાગી જવાનો ડર લાગે. બધા માટે સંકટનું કારણ બનનાર આજે ખુદ સંકટમાં ફસાયો. પણ છગન વિવસ થઇને જોતો રહયોં. ભુરાએ ઇ. સાહેબના ટેબલ પર ટીફીન મુકયું. અને આજીજી ચાલુ કરી “સાહેબ, આ ટીફીનનું ભોજન તમે જમી લો. ” ઇ. સાહેબે ટીફીન જોઇને અંદાજ લગાવ્યોં કે ભુરો શું કહે છે? અને કહયું “ મારે આજે શનિવારનો ઉપવાસ છે. અને આ પંદર દિવસથી હું હાજર ન હતો. જોને ભુરા બધુ કેવુ અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ” ભુરાના હાથનું પાન ઇ. સાહેબને બહું ભાવતુ. એટલે ભુરો પાન પણ લઇને જ આવેલો. પાનને લીધે સબંધો સારા હતા. ભુરાએ તરત જ પાંચ છ પાન કાઢીને ઇ. સાહેબને ન્યોછાવર કર્યાં. ઇ. સાહેબે તરત જ પાન મોઢામાં નાખ્યું. ભુરાએ એમનો આનંદિત ચહેરો જોઇ વાત ઉપાડી “સાહેબ, આ હું શું જોવ છું?” ઇ. સાહેબે કાનમાં બહાર ડોકીયા કરતુ રૂ અંદર કર્યું અને કહયું “હા,જોને ભુરા બેય કાનમાં કરાવવું પડયું. ” “અરે એમ નહીં, મારો ભાઇ રમલો કેમ કસ્ટડીમાં છે?” રમલાએ ચોખવટ કરી. “એ કાઇ ચોર નથી. હરીયો અને સુરીયો પણ ચોર નથી. ” પણ પાન ખાવામાં મસગુલ ઇ. સાહેબને અચાનક બે દાઢ વચ્ચે સોપારીનો મોટો કટકો આવી ગયો અને ભાંગી ગયો. એ તાકાત કરવામાં ઇ. સાહેબને એક કાનમાં દુખાવો ઉપડયોં. એમણે સીધો જ પાછળની બારી તરફ કુદકો માર્યોં. અને પાનનો ત્યાગ કર્યો. પાનની મજા સજા બની ગઇ. પાછા આવ્યાં ત્યારે પણ કાન પર હાથ હતો. અને હળવેથી બોલ્યાં “ભુરા આ પાન...... ” ભુરાએ અધવચ્ચે જ ટાપસી પુરી “હા સાહેબ આ કાન તો તમને હેરાન કરે છે. ” ઇ. સાહેબને પાન સંભળાયું એટલે એ બોલ્યાં “હા, આવું બનાવાય?” ભુરો કહે “ હા સાહેબ ઇ તો કુદરતની મરજી. કોના કાન કેવા બનાવવા એ મારા કે તમારા હાથની વાત નથી. ” “તો આવા પાન કોણ બનાવે છે?” ઇ. સાહેબે સવાલ કર્યોં. ભુરો પણ ચકડોળે ચડયોં. પણ ભુરાને ચકકર આવે એ પહેલા એણે હોશીયારી વાપરી, ખીસ્સામાંથી ડાયરી અને પેન કાઢયાં. ભુરો તો લખવા માંડયો. થોડીવારે લખાણ પુરુ થયું. છગન હવે આ જોઇ ગભરાયો એટલે સુરીયાને કહયું “તમે બેય ખોટા આ ચકકરમાં આવી ગયા. તમારો કઇ વાંક નથી. હું જો ઇ. સાહેબની જગ્યાએ હોવ તો તમને છોડી દઉં. આ ગલ્લાવાળાઓ જ ખટપટી છે. જો સાહેબને કઇક લખીને આપે છે. ” હરીયો છગનની વાતોમાં આવી ગયો એટલે જ બોલ્યોં “સાચી વાત છગનભાઇ તમારી. તો હવે અમે અને અમારા ઘેટા છુટ્ઠાને? અમે નીકળી શકીએ હવે?” પણ છગનનું ધ્યાન હવે સંપુર્ણપણે ઇ. સાહેબ શું વાંચે છે ત્યા જ કેન્દ્રીત થયેલુ હતુ એટલે હરીયાના શબ્દો એના કાને અથડાઇ નકામા જ પાછા ફર્યાં. ઇ. સાહેબે આખુ લખાણ વાંચી છગન તરફ વિચીત્ર ચહેરો કરી જોયું. પછી છગનને પોતાના ટેબલ પર હાથના ઇશારાથી બોલાવ્યોં.

આ તરફ હરીયો અને સુરીયો બંને એકલા થયા. સુરીયાએ મોકો જોઇ હરીયાને કહયું “જો હરીયા તુ હળવેથી ઘેટાને હંકારી જા. હું અહીં બેઠો છું. હું સંભાળી લઇશ. ” હરીયો થોડો મુંજાતો હતો એટલે સુરીયો ફરી બોલ્યોં “અરે ઉભો થા. આવો મોકો પાછો નહીં આવે. ” સુરીયાની વાતથી હરીયાની અંદર હિંમતનો સંચાર થયો.

ક્રમસ: