Premagni - 17 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમાગ્નિ - 17

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

પ્રેમાગ્નિ - 17

“મનસા ! મારા જીવ, મારી જાના, મારી પ્રિયા ! મને માફ કરી દે. મોક્ષ ક્યારેય અન્ય કોઈનો નહીં થાય માત્ર મનસાનો જ છે અને રહેશે. પરંતુ તું મારી વાત શાંતિથી વાંચ અને સમજ. હું તારા હસુમામા સાથે વાડીમાં લટાર મારવા નીકળ્યો હતો. હું ખૂબ જ ખુશ હતો. મને મામાએ સામેથી બોલાવેલ. મને હતું હવે આપણું મિલન જરૂર થશે. કોઈ વિરોધ નથી પરંતુ મનસા, હું તને અંધારામાં નથી રાખવા માંગતો. મામાની વાત સાંભળીને મને લાગ્યું કે મારા કારણે તારા કુટુંબને, તારા મમ્મી – કાકી – મામા-મામીનું સમાજમાં નીચા જોણું થશે. એક બીજવર, વિધુર સાથે તારા લગ્ન થશે તો સમાજમાં વાતો વહેતી થશે કે છોકરીમાં એવી કેવી એબ કે ખામી હતી કે વિનોદાબાએ કુટુંબની એકની એક છોકરીને બીજવર સાથે પરણાવી ? હું બળજબરીથી તારી સાથે પ્રભુતામાં પગલાં માંડવા નથી માંગતો. મારા કારણે તારા કુટુંબની બદનામી થાય એ મને મંજૂર નથી. મારો પ્રેમ એટલો સ્વાર્થી નથી કે મારા થકી તારું આખું કુટુંબ દુઃખી થાય. મને સમજવા પ્રયત્ન કરજે. મને ભૂલીને તારો સંસાર વસાવી લેજે. વ્યોમ સારી વ્યક્તિ હોય તો એને મળીને નિર્ણય કરજે. તારા સુખી સંસાર માટે હું કાયમ પ્રાર્થના કરીશ. આવતા જન્મમાં મને તારાથી કોઈ જુદા નહીં કરી શકે. હું તારી રાહ જોઈશ. હવે હું કદી પાછો નહીં આવું. તું તારું આ જીવન જીવી લે ઘરમાં બધાને સુખ આપજે. આપણા પ્રેમનું ગૌરવ નિભાવજે. ખૂબ સુખી થજે. હું એવું તપ કરીશ કે ખુદ ઈશ્વર મને તારો સંગાથ, તારો હાથ મને આવતા જન્મે સોંપી દેશે પછી છેક આપણાં બન્નેનાં મોક્ષ સુધી એક જ જીવ આપણા બંનેનું સહજીવન હશે.

પછી મોક્ષે બે લીટી કાવ્યાત્મક લખી નાખી –

“ખેરાત મેં મિલી હુઈ ખુશી હમેં પસંદ નહીં હૈ ક્યોંકિ,

હમ ગમ મેં ભી નવાબ કી તરહ જીતે હૈ.

મનસા, મારો રોબ તારા લીધે જ છે. મને આશા છે કે તું મને રોબમાં જ જીવન વિતાવતો જોવા માંગીશ. હું તારા કુટુંબને છેહ દઈને કે બિચારો થઈને જીવવા નથી માંગતો. મને માફ કરજે. સુખી રહેજે. તારો જ મોક્ષ.”

***

મનસાએ પોતાના રૂમમાં આવીને જોયું કે એના મોબાઈલમાં મેસેજ છે. એ એકાએક દોડી. ઝડપથી મોબાઈલ હાથમાં લઈને મેસેજ ઓપન કર્યો. એના જીવમાં જીવ આવ્યો. ખુશીથી નાચી ઉઠી. એણે મેસેજ વાંચ્યો. વાંચીને જોરથી ચીસ પાડીને રડી ઉઠી. વિનોદાબાએ મનસાને પૂછ્યું, “શું થયું દીકરા, કેમ ચીસ પાડી ? તું કેમ રડી રહી છે ? દીકરા કહે તો ખરી શું થયું ?” મનસાએ રડતા રડતા વિનોદાબાને કહ્યું કે મોક્ષનો સંદેશ આવ્યો છે. વિનોદાબાએ શાંતાકાકી સામે જોયું અને ઇશારામાં સમજાવી દીધું કે મોક્ષે મનસાને હકીકત જણાંવી દીધી છે. હવે મનસાને સાચવવી પડશે.

***

આમ ને આમ 15-20 દિવસ નીકળી ગયા. મનસાના શરીરમાં જીવ જ ના રહ્યો હોય એવી હાલત થઈ ગઈ છે. એ એના રૂમમાંથી બહાર જ નથી નીકળતી. મનસાની આંખ આસપાસ કાળા કુંડાળા થઈ ગયા છે. પીરસેલી થાળી છોડીને ઊભી થઈ જાય છે. કોઈની સાથે વાત નથી કરતી. બોલતી નથી. ચૂપચાપ પોતાના રૂમમાં બેડ પર બેસી રહે છે. અચાનક રડવા માંડે છે. સૂઈ જાય તો કલાકો સુધી ઉઠતી જ નથી. વિનાદાબા ખૂબ ચિંતામાં પડી ગયા છે. એમણે હસુમામાને ફોન કર્યો ને આવવા જણાવ્યું. વિનોદાબા શાંતાકાકીને કહે મનસાની સ્થિતિ બગડતી જાય છે એનાં કરતાં તો મોક્ષ સાથે પરણાવી દીઘી હોત તો સારું થાત. સમાજની નિંદાની ચિંતામાં મારી છોકરી ગુમાવીશ. શાંતાકાકીએ ધીરજ રાખવા જણાવ્યું. વિનોદાબા રડી પડ્યા એ બોલ્યા, “મારાથી મારી દીકરીની આ દશા જોવાતી નથી. મને એના બાપુ માફ નહીં કરે. આ વાડીનાં વૃક્ષો પણ જાણે શોક મનાવી રહ્યા છે. ફૂલો કે ફળ શાતા નથી આપતા, મને બધા જ નિસ્તેજ લાગે છે. મને બહું ચિંતા થાય છે. મનસા મને માફ કર મારી દીકરી હું શું કરું ? હું સાવ એકલી પડી ગઈ છું. તું મારી પીડા સમજ.” એમ કહીને આક્રંદ કરવા લાગ્યા.

***

વિનોદાબાએ હસુમામાને ફોન કર્યો. કહ્યું, “હસુ, મનસાની તબિયત અને સ્થિતિ સારી નથી. તું ઝડપથી આવી જા. મને ખૂબ જ ચિંતા થાય છે. મોક્ષને અવગણવામાં આપણે ક્યાંક દીકરી ના ગુમાવી બેસે. હસુ, મને ખૂબ ચિંતા થાય છે.” હસુભાઈ કહે, “બહેન, તમે ચિંતા ના કરો ધીરજ રાખો. થોડા દિવસ આવું થશે તમારે ધીરજ રાખવી પડશે. મનસાને કંઈ જ નહીં થવા દઉં. તમે સાંભળો આજકાલ મારે થોડું કામ છે એનાથી પરવારીને પરમદિવસે હું આવું છું ત્યાં સુધી ધીરજ રાખજો. ચિંતા ના કરશો.”

***

હસુમામા અને હિનામામીની ગાડી ઘર પાસે આવીને ઊભી રહી. એ કાયમ સવારે વહેલા આવી જાય, આજે છેક બપોરે આવ્યા. વિનોદાબા કહે, “તમે લોકોએ બહુ રાહ જોવરાવી. હું સવારથી રાહ જોઉં છું.” હસુમામા કહે, “હું સવારથી અહીં સુરતમાં જ છું.” કહી વરંડામાં હીંચકા પર ગોઠવાયા. હિનાભાભી, વિનોદાબા અને સાંતાકાકી મૂડા પર બેઠા. હસુમામા કહે, “બહેન હું સવારથી મનસાની કોલેજમાં જ હતો અને ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું સાથે મીઠાઈ પણ લઈને આવ્યો છું.”

તરત મનસા પોતાના રૂમમાંથી બહાર દોડી આવી. હસુમામાને જોઈને પૂછવા લાગી, “શું સમાચાર લાવ્યા છો ? તમે મારી કોલેજ ગયા હતા ? તમે મોક્ષનાં સમાચાર લાવ્યા છો ? મોક્ષને મળ્યા ?” હસુમામા કહે, “અરે દીકરા હું તારી કોલેજથી આવ્યો છું પરંતુ તેં તારી શું હાલત કરી નાખી છે ? તને કેમ છે ? બહેન ચિંતા કરે છે. તારી તબિયત સારી નથી.” હસુમામાએ મનસાના માથા પર હાથ ફેરવ્યો. મનસા હસુમામાના ખભા પર માથું રાખીને રડવા લાગી. મામીએ ઉઠીને મનસાની પીઠ પર હાથ ફેરવવા માંડ્યો. “મામા, તમે શું કરી નાખ્યું ?મોક્ષને તમે શું કહ્યું હતું ? કેમ તમે મોક્ષને ના પાડી ?એમનામાં શું ખોટ હતી ? પરણેલા હતા પરંતુ વિધુર છે. એમનામાં કંઈ ખરાબી નથી. સંસ્કારી છે. તેઓ મને છોડીને ચાલ્યા ગયા છે. હવે ક્યારેય નહીં આવે. મને તરછોડી દીધી. આપણા કુટુંબનું નાક રાખવા એમણે પોતાનો ભોગ આપી દીધો.” હસુમામાને ખ્યાલ આવી ગયો બહેને ફોનમાં કહ્યું હતું મોક્ષનો મેસેજ આવી ગયો હતો.

હસુમામાએ પોતાનો બચાવ કરતાં કહ્યું, “દીકરા તું અમારી એકની એક દીકરી છે. અમે તારા લગ્નનો કોઈ પણ નિર્ણય ઉતાવળથી ના લઈ શકીએ. એમણે જ મને ખાતરી આપી હતી કે હું તમારી મનસા સાથે લગ્ન કરવા નથી માંગતો. તમારા ઘરની ઇજ્જત ખરાબ થાય, વિધુર સાથે લગ્ન કરી તમારા સમાજમાં હું તમારી આબરૂ કાઢવા નથી માંગતો. દીકરા, મોક્ષ સર તો ખૂબ સારા માણસ છે. તું સમજવાની કોશિસ કર. ચાલ, આજે તો તારી કોલેજે જઈએ. તારા માટે ખૂબ સારા સમાચાર લાવ્યો છું.” મનસાને ખબર પડી ગઈકે મામા વાત બદલી રહ્યા છે. મામાએ એમની બેગમાંથી મોટું કવર કાઢીને મનસાનાં રિઝલ્ટની માર્કશીટ કાઢીને કહ્યું, “હું તારું રિઝલ્ટ લેવા ગયો હતો. જો તું ડિસ્ટિંગ્શન સાથે પાસ થઈ છું અને તારા મનપસંદ વનસ્પતિશાસ્ત્રનાં વિષયમાં તો આખી કોલેજમાં પ્રથમ આવી છું. આખી કોલેજમાં તારો ત્રીજો નંબર છે. દીકરા ખૂબ સારું પરિણામ આવ્યું છે.” આમ કહીને હિનાભાભી પાસેથી મીઠાઇનું પેકેટ લઈને તરત મનસાનાં મોંમા એને ભાવતો પ્રિય ઘારી મૂકી મોં મીઠું કરાવ્યું.

“દીકરા, હું કોલેજમાં સ્ટાફરૂમમાં ગયો હતો અને મોક્ષ અંગે પૃચ્છા કરી હતી. મિસ પંડ્યાએ સમાચાર આપ્યા કે કોઈ અગત્યનાં કામસર બહારગામ ગયા છે. મોક્ષે કોલેજમાં ત્રણ માસની રજા મૂકી દીધી છે. વિનોદાબહેનનો ફોન આવ્યો પછી હું મોક્ષની તપાસ કરવા જ ગયો હતો પરંતુ કોલેજમાં પણ કોઈને જાણ નથી મોક્ષ ક્યાં ગયા છે ?”

વિનોદાબા મનસા પાસે આવીને વહાલ કરતાં કહ્યું, “આજે તો ખૂબ જ શુભ અને આનંદનો દિવસ છે. તારું આટલું સરસ રિઝલ્ટ આવ્યું છે. આજે વાડીમાં તું મીઠાઈ વહેંચી આવ. બધા જ ખુશ થશે દીકરા તું આનંદમાં આવ તારી ખુશીમાં જ અમારી ખુશી છે. મનસા, તું સમજવા પ્રયત્ન કર તું જેને ચાહે છે માને છે એની પણ ઇચ્છા છે કે તું ખૂબ ખુશ રહે. આપણાં ઘરમાં તું જ ચિરાગ છે. તારાથી જ અજવાળું છે. મારું કહ્યું માન અને આનંદમાં રહે.” વિનોદાબા મનસાને સમજાવતા રહ્યા “દીકરા તારા બાપુ કાયમ મને સમજાવતા કે જે કાંઈ થઈ રહ્યું છે એ ચોક્કસ કારણથી જ થઈ રહ્યું છે. સારા માટે જ થાય છે. કારણ વિના કાંઇ જ ના થાય.” મનસાએ તરત વિનોદાબાની આંખમાં આંખ પરોવીને પૂછ્યું, “મા, મને મોક્ષ મળ્યા, હું અને મોક્ષ એકબીજાના દિલ-જીવનમાં પ્રવેશ્યા, એકબીજાને પસંદ કર્યા એ પણ ઈશ્વરની જ ઈચ્છા છે ને !” વિનોદાબા કંઈ બોલી ના શક્યા. હસુમામાએ તરત જ કહ્યું, “દીકરા ઈશ્વરની ઈચ્છા અને કારણ આપણે શું જાણી શકીએ ? મોક્ષે તને મળીને જવું હતું ને અમારી વચ્ચે કૌટુંબિક અને સામાજિક વાત તો થાય જ ને આટલો મોટો નિર્ણય લેવાનો હતો. તારી જિંદગીનો સવાલ છે. શું અમને એટલો પણ હક્ક નથી કે તારા માટે, તારા જીવન માટે અમે નિર્ણય કરતાં પહેલાં ચર્ચા કરીએ કે વિચારીએ ? તારા માટે આટલો બધો પ્રેમ અને પસંદગી હતી તો મોક્ષે તારી સાથે અમારી વાત કરવી હતી, નિખાલસ ચર્ચા કરવી હતી તને મળ્યા વિના જ કેમ ગયા ? આ તારી ઉંમર છે ચિંતા કરવાની ? મોક્ષ તને શેની સજા આપી રહ્યો છે ?” મનસાએ હસુમામા સામે એવી તીખી નજર કરી કે હસુમામા આગળ બોલતા જ બંધ થઈ ગયા.

હસુમામાને બોલતા બંધ થયેલા જોઈ વિનોદાબાએ મનસાને કહ્યું, “દીકરા આ ઉંમરે મને ક્યા પાપની સજા મળી રહી છે ? તારા બાપુ આ વાડી અને તને કેવો ઉછેર અને સંસ્કાર આપીને ગયા છે ? આજે એમની ગેરહાજરીમાં મારે કેવા દિવસ જોવાના આવ્યા છે ? આ બધું કેવી રીતે પાર ઉતારીશ ? મારા ગળે અન્નનો કોળિયો નથી ઉતરતો ! મનસા, જીવનના કોઈ વળાંક પર તમે લોકો મળી ગયા, થોડુંક સાથે ચાલ્યા બરાબર છે પણ જિંદગીનાં દરેક વળાંક તમને તમારી મંઝિલ સુધી નથી પહોંચાડતા. શા માટે તારું જીવન બગાડે છે ? તારા જીવન સાથે અમારા નસીબ જોડાયેલા છે. મનસા મારી દીકરી ! એટલું સમજ કે તારી ખુશી, તારો આનંદ અમને સુખી રાખશે. તારી ખુશીમાં અમારું સુખ છે. જ્યારથી તું ઉદાસ ફરે છે. વાડીનાં વૃક્ષો ફળ કે ફૂલ આપતા નથી, નથી અમને ચેન કે સુખ. તું જો તારી અસર અમારા બધા ઉપર કેટલી છે ? વાડીના વૃક્ષો દુઃખી છે એની તને પણ ખબર છે, અહેસાસ છે. તારા બાપુને દુઃખ પહોંચે છે, એ પણ નિરાશ છે સમજે છે ને તું ? દીકરા તું સમજીને પાછી વળ.”

મનસાએ આંખો લૂછી – વિનોદાબાએ ગળે વળગી વહાલ કરી એમના આંસુ લૂછીને હસી અને પછી હસુમામા પાસેથી માર્કશીટ લઈને રૂમમાં ગઈ. વિનોદાબાને આશા બંધાઈ, મનસા માની જ જશે હવે. એમણે થોડી રાહતનો શ્વાસ લીધો.

મનસા પોતાના રૂમમાં આવીને પ્રથમ હેતલને ફોન કર્યો અને પોતાના રિઝલ્ટની ચર્ચા કરી. હેતલે પણ પોતાનું રિઝલ્ટ જણાવ્યું – એ પણ ફર્સ્ટક્લાસમાં પાસ થઈ હતી. મનસાએ એને વાડીમાં આવવા કહ્યું હેતલે કહ્યું, “હું એક કલાકમાં જ આવું છુ.”

***

મનસાએ પોતાનો ફોન ઓન કર્યો. મોક્ષના નંબર ઉપર પ્રયત્ન કર્યો. પરંતુ સ્વિચ ઓફ હતો. એણે મોક્ષને મેસેજ આપવા માટે મેસેજ લખવાનું ચાલુ કર્યું –

“મોક્ષ મારા મહાદેવ, તમારા નામના શ્વાસ સાથે હું જીવી રહી છું. તમારો મેસેજ વાંચ્યો. હું તમારી ઇચ્છાઓ પ્રમાણે જીવીને તમારો સાથ નિભાવવાનો સંતોષ લઈશ. મારી તડપન, તમારો વિરહ તમને પળ પળ એહસાસ કરાવે. તમે તો સંસાર છોડીને ચાલ્યા ગયા હો એમ જીવી રહ્યા છો. પરંતુ હું કપરી પરીક્ષાઓ આપીશ. સંસારમાં રહીને પણ ફક્ત તમારામાં જીવીશ. મને ખબર છે, તમે કુદરતનાં ખોળે જ ગયા હશો ત્યાં પણ તમે મને નહીં ભૂલી શકો. તમે મારામાં અને હું તમારામાં જ જીવીશ. મોક્ષ, તમારા વિના મને ચેન નથી, અહીંબધાની વચ્ચે તમારામાં જીવીને એમની અપેક્ષાઓ સંતોષવાની અઘરી પરીક્ષાઓ આપી રહી છું. મને તમારા સાથની ખાસ જરૂર છે તેવા સમયે તમે મારી સાથે નથી. મને તમારા પ્રેમ પર ખૂબ જ વિશ્વાસ છે. મને ખબર છે તમે પણ ખૂબ વ્યથિત છો. તમે મારા કુટુંબના સુખ માટે જ પીડા વહોરી લીધી છે. આપણે બન્ને એકસરખી પરિસ્થિતિમાં છીએ. મોક્ષ મારા મહાદેવ ! મને ફક્ત તમારા નશામાં તમારા પ્રેમમાં જ જીવવું છે અહીં ભીડમાં પણ એકલી જ છું ફક્ત તારામાં જ છું. મોક્ષ, વર્ષાઋતુ આવી રહી છે તમારી સાથે પલળવું, ગીતો ગાવા સાંભળવાની આશ છે. મારું ઇચ્છેલું કંઈ જ મળી નથી રહ્યું. બસ, વિરહ જ છે. મને હવે તારો વિરહ જ વહાલો કરી લઉં એવું થાય એમાં પણ પ્રેમનો સાગર જ જણાય છે મારા મેહુલા આઈ લવ યુ.

“તારા વિના તડપું છું મારા મોક્ષ મેહુલા

તડપન છે વિરહની છતાં નથી વરસતો મેહુલા

છે દરિયો પ્રેમનો તારી પાસે છતાં હું તરસતી

આપણા ઓરાની પવિત્રતાને નહીં અભડાવું કદી

દિદાર નથી તારો મારા મોક્ષ પણ કદી ભૂલીશ નહીં

આ સંસારમાં રહીને પણ આપણા ઓરાને અભડાવીશ નહીં.”

આવી જા મારા મોક્ષ મારા મેહુલા, તારા વિના તારી આ મનસા જીવિત લાશ બની ગઈ છે. તારી ઇચ્છા પ્રમાણે જીવવામાં આ સંસાર પ્રમાણે વર્તવામાં મનસા પાછી નહીં પડે. એક તારી ઇચ્છા છે પણ છતાં મોક્ષને અળગો કરીશ નહીં. લખતાં લખતાં મનસા રડી રહી – એણે દિલથી લખેલા અક્ષરો જાણે ભૂંસાય નહીં. બસ લાગણીઓ બધે પ્રસરી ગઈ. મોબાઈલમાં લખાયેલા અક્ષરો ના પલળ્યા, ના પ્રસર્યા. એક હકીકત સમજાવી ગયા કે નિષ્ઠુર સામે ગમે તે કરો, એ ક્યારેય પીગળે નહીં પ્રસરે નહીં. મનસાએ મેસેજ સેન્ડ કરી દીધો.

વિનોદાબાએ સાદ પાડી, “મનસા જો હેતલ આવી છે.” પરંતુ મનસા મેસેજ લખતા લખતા ક્યારે સૂઈ ગઈ ખબર જ ના રહી. વિનોદાબા કહે, “બેટા એ અંદર સૂઈ ગઈ લાગે છે.” હેતલ મનસાના રૂમમાં આ 0.વી. મનસાને ઢંઢોળી કહ્યું, “બહેનબા મને બોલાવીને સૂઈ ગયા ?” મનસાએ તરત જ આંખ ખોલી. હેતલે સારા રિઝલ્ટ માટે વધાઈ આપી. સામે મનસાએ પણ કોન્ગ્રેચ્યુલેશન કહી થેંક્સ કીધું. હેતલ કહે, “મનસા તારી કેવી દશા કરી છે ?” મનસા કંઈ બોલી નહીં. પછી એણે બહાર તરફ જોઈ કહ્યું, ચાલ વાડીમાં જઈએ ફરીશું વાત કરીશું. તેઓ રૂમની બહાર નીકળ્યા. વિનોદાબાએ હેતલને કહ્યું, “દીકરા તારું પણ રિઝલ્ટ સરસ આવ્યું છે. બંને દીકરીઓ આજે સાથે જમજો. તમારું ભાવતું ભોજન બનાવું છું.” હેતલે કહ્યું, “ભલે કાકી, હું જમીને જ જઈશ.”

મનસા અને હેતલ વાડીમાં ગયા. ચાલતા ચાલતા મનસાએ બધી જ વાત કરી. મોક્ષને મામાએ બોલાવ્યો ત્યાંથી શરૂ કરી મોક્ષ મળ્યા વિના ચાલ્યા ગયા. બધું છોડી બહારગામ ગયા, એમનો મેસેજ આવ્યો, આજે એણે જવાબ આપ્યો ત્યાં સુધીની બધી જ વાત કરી. મનસા વાત કરતાં કરતાં હેતલનાં ખભે માથું મૂકીને ખૂબ રડી. હેતલે એને કહ્યું, “મનસા, તું નાનું દિલ ના કર, મોક્ષ કંઈક વિચારીને જ ગયા હશે ને ! વિનોદાબા આ ઉંમરે શું કરશે ? એમને કોનો સહારો છે ? જે થાય એ જ આપણું નસીબ છે એમ સ્વીકારી લે. મનસા, તારા ઘરમાં તો તું જ એમનું સુખ છે. તારા વિના અહીં સાવ અંધારું છે મનસા, તું વિનોદાબાને દુઃખી ના કરીશ. મોક્ષ માટે પણ સહાનુભૂતિ છે જ પરંતુ તારું કુટુંબ વિધુરને તારા માટે કેવી રીતે સ્વીકારે ? સામાજિક રીતે વિચાર. શું આ શક્ય છે ? તું એવું પગલું ભરી બેસે ત્યારપછીનો વિચાર કર્યો છે ? આ લોકોનું શું થશે ? આ લોકોનું કોણ ? જીવતા મરી જશે બધા. મનસા, તારો પ્રેમ સાચો, બધું જ બરાબર પણ ઘણી વાર આપણું ધાર્યું નથી થતું. મનસા મારું કહ્યું માન – મોક્ષને ભૂલી જા અને તારું મન એમાંથી પાછું વાળ એ તારું નસીબ જ નથી. એને કોઈ નહીં સ્વીકારે. તને મારું કહેવું નહીં ગમે પણ હું તારી મિત્ર છું. કડવું લાગે તોય સાચું કહેવાની મારી ફરજ છે. મારી બહેન ! માની જા અને ઘરમાં બધાને સુખ આપી સુખી થા. ચાલ, હવે શાંતિથી માર કહેવા પર વિચાર કરજે.” એમ વાતો કરતાં ઘરે પાછા આવ્યા.

વિનોદાબાએ બન્ને બહેનપણીઓને આવતી જોઈને કહ્યું, “બન્નેનાં પરિણામની ખુશીથી આજે ઘરમાં આનંદ છવાયો છે. આજે મેં તમારું ભાવતું ભોજન બનાવ્યું છે જમવા બેસી જાઓ. સુરતની ઘારી મામા લાવ્યા છે અને મેં ચીકુનો હલવો ફરીથી બનાવ્યો છે.”

જમ્યા બાદ બધા પાછા વરંડામાં બેઠક જમાવી અને હેતલે વિનોદાબાના આશીર્વાદ લેતા કહ્યું, “કાકી ! મારા પણ વિવાહ નક્કી થઈ ગયા છે. અમદાવાદ, મણિનગરમાં તેઓ રહે છે. મારા મંગેતર MBA છે. વિકાસ નામ છે.” વિનોદાબા હરખાઈ ઉઠ્યા કહે, “આજે તો બેવડી ખુસી છે” હેતલના સગપણ વિશે વિગતવાર બધી વાત જાણીને ખુશ થયા. વિનોદાબાએ પૂછ્યું, “લગ્ન ક્યારે લેવાશે ?” હેતલ કહે, “એમને ટ્રેનિંગ માટે કંપની તરફથી ઓસ્ટ્રેલિયા જવું પડે એમ છે તેથી આવતા ડિસેમ્બરમાં લગ્ન લેવાશે.”

***