Adhura Armano - 8 in Gujarati Fiction Stories by Ashq Reshammiya books and stories PDF | અધુરા અરમાનો ૮

Featured Books
Categories
Share

અધુરા અરમાનો ૮

અધુરા અરમાનો-૮

સેજલની મમ્મી પાછળ જુએ, કંઈ વિચારે એ પહેલાં તો સેજલ હોસ્પિટલમાં સૂરજના પલંગ પાસે ઊભી હતી.હૈયે હીબકા નહોતા સમાતા અને નયનોમાં નીર નહોતા ખૂટતા.

"સૂરજ, આ બધું મારા પ્રેમમાં થયું.મારા કાજે જ તારે આ ખૂન વહાવવું પડ્યું ને તું ઘાયલ થયો.હાય રે હાય! હું કેવી અભાગણ!" એ મનમાં બબડતી હતી.પોતાને જ કોષતી હતી. કિન્તું એને શાતા થઈ કે એનો આશક ભયંકર અકસ્માત થવા છતાંય હેમખેમ હતો.નહી તો આવા અકસ્માતે તો એ ક્યારનોય કોમામાં સરી પડ્યો હોત.

આવારા લાગતા સૂરજનું સર્વસ્વ બનીને એ એના ચરણોમાં માથું ઢાળીને રડ્યે જતી હતી.આ તરફ શિલ્પાબેન સેજલની ભાળ મેળવવા બેબાકળી બની ગઈ હતી.

"આમ, અચાનક ક્યાં ગઈ મારી દીકરી સેજલ?" દુભાયેલા દિલમા ધ્રાસકો પડ્યો.સાંજ સૂની થઈ.

દરમિયાન સેજલના માથે સૂરજનો હાથ બેઠો.એણે અચરજભેર નજરો ઉઠાવી.જોયું તો સૂરજ મંદ મંદ મુસ્કરાઈ રહ્યો હતો.

"મને માફ કરી દે સૂરજ! મારા કાજે જ .....!" એ વાક્ય પૂરૂ કરે એ પહેલાં જ એના હોઠ પર સૂરજની આંગળી બેઠી.

"બકા,સેજલ તારો વાંક જ ક્યાં છે? તે તું આમ પોતાને કોષે છે? તારા કાજે જ તો હું આજે આબાદ રહ્યો છું.નહી તો શાયદ....!" અને સેજલ સૂરજની આગોશમાં ઓટવાઈ ગઈ.

એમના આ દર્દભર્યા મિલનને જોઈને દરવાજે ઊભેલી નર્સ આનંદિત થઈ ઊઠી હતી.

બન્યું એવું કે સેજલને જોવામાં મશગૂલ સૂરજને પૂરપાટે આવતી બસ ભટકાઈ.એનો ધડામ અવાજ સેજલના સુંવાળા કાને ઊતર્યો ને એણે દોટ મૂકી. સૂરજને ચત્તોપાટ પાડીને બસ એના ઉપરથી વહી ગઈ.સારૂ થયું કે બસના ટાયર સૂરજના શરીર પર આવ્યા નહી, નહી તો સૂરજનો રામ રમીને એના શરીરનો રોટલો બની ગયો હોત..! જેવી બસ સૂરજ પરથી હેમખેમ પસાર થઈ કે ચારેકોર લોકોના ટોળા ઊભરી આવ્યા.તત્ક્ષણ એને દવાખાના ભેગો કર્યો.

ઈમરજન્સી સારવાર મળતાં જ સૂરજ કોમામાં સરી જતાં બચી ગયો.

સેજલ સવાર સુધી સૂરજની સેવામાં રહી.

સાંજે આરામ લાગતા સૂરજે ઝાંઝાવાડાની વાટ પકડી.

બે-ચાર દિવસ સુધી સૂરજે દેખા ન દીધી.એટલે સેજલ અકળામણથી આકુળવ્યાકુળ થઈ ઊઠી.સવારે દશ વાગ્યા પછીના સમયે જો ગલીમાંથી ગાય નીકળે તો એની ખરીઓના અવાજે એ બહાર દોડી આવતી.જાણે સૂરજ આવ્યો હશે એમ માનીને.ત્રીજા દિવસે એણે સૂરજે જેની મના કરી હતી એવા એના ગામ જવા તૈયારી કરી.

ઘેરથી ક્યારેય કલાક માટે પણ બહાર ન નીકળતી સેજલે પગ ઉપાડ્યા.

નવના ટકોરે મમ્મીને મયુરીના ઘેર જવાનું કહીને એણે સ્કુટી હંકારી મૂકી.

આ તરફ સૂરજ પણ બરાબર સાડા નવના ટકોરે કુપવાડાના પાદરે ઊભો હતો.બન્યું એવું કે સૂરજ જેવો સેજલની ગલીમાં વળ્યો કે એનો એક મિત્ર મળી ગયો.અનેક આનાકાની છતાં એ સૂરજને એના ઘેર લઈ ગયો.

"આહ! શું ડુંગરાઓ ઉગ્યા છે! કેવા રળિયામણા કેસૂડા ખીલ્યા છે.કાશ,હું પણ આવા ગામમાં જ રહેતી હોત! કેવી કુદરતમાં રમમાણ બની ગઈ હોત!" આમ વિચારતા એ આગળ વધી.અચાનક ઉંચારા પાસે આવતા એ અટકી.એને લાગ્યું કે શાયદ એ રસ્તો ભૂલી ગઈ છે.ડુંગરાની આડમાં આગળ કોઈ ગામ હોતું હશે? પરંતું પાકો રસ્તો હોવાથી એણે હિંમત કરી અને જોમ ભરીને આગળ વધી.ઉંચારે ચડતાં જ એ ઝુમી ઊઠી.સામે જ ડુંગરાઓથી ઘેરાયેલું રળિયામણું ઝાંઝાવાડા એને આવકારવા જાણે આતુર ઊભું હતું.સામેના મંદિર પર ધજા ફરફરી રહી હતી.ચારેકોર લીલાછમ્મ લીમડાઓ હવામાં લહેરાઈ રહ્યાં હતાં.એ આનંદની કીકીયારી પાડી ઊઠી.એનો એ અવાજ સાંભળી પાસેની ઝાડીમાં સંતાયેલા હરણા બીકના માર્યા અન્યત્ર જવા દોડવા લાગ્યા જેનો અવાજ સાંભળી સેજલ ડરી અને એણે પૂરપાટે સ્કુટી હંકારી મૂકી.એ સીધી જ સૂરજના મહોલ્લાના નાકે આવી ઊભી રહી.

એ ચશ્મા ઊતારે એ પહેલા તો એ પરીને માણવા અને એની મદદે આવવા ગામના કેટલાંક નવરા યુવાનો એને ઘેરી વળ્યા.એ યુવાનોમાંથી કોઈનાય મનમાં કોઈ કુવિચારો નહોતા,હતી તો માત્ર રૂપને નીરખવાની નિર્દોષ તાલાવેલી!

"મારે સૂરજના ઘેર જવું છે!" ચહેરા પર આવેલી મખમલી લટને કાતિલ અદાઓથી પાછળ હટાવતા સેજલે મીઠો સવાલ કર્યો.એના સુગંધી શ્વાસોને માણવામાં ઓતપ્રોત યુવાનોએ એ સવાલને ઘોળીને પી લીધો.બીજીવાર એ સવાલ નીકળ્યો ત્યારે સૂરજનું નામ સાંભળીને સૌને સૂરજની અદેખાઈ આવી ગઈ.

"સૂરજને ગજબનું શું સ્વર્ગ નસીબ થયું છે!" સૌના મનમાં અચરજ ભર્યો એક જ સવાલ વંટોળની જેમ ઉમટી આવ્યો.

એ સૂરજને ઘેર પહોચી તો ત્યાં સૂરજ નહોતો.ખુશમિજાજ દિલમાં અચાનક ઉદાસી ઊમટી આવી.ઉરમાં ઉમટેલ ઉત્સાહ પળમાં ઓસરી ગયો.આંખે આંસું ઊતરી આવ્યા.

જે અરમાન લઈને અહી સુધી આવી હતી એ અરમાન આંસુઓમાં ધોવાઈ ગયા.

સૂરજના ઘેરની લાગણીસભર આગતાસ્વાગતા માણીને એ ઊભા પગે ત્યાથી જયના ઘેર ગઈ.ત્યાં એને વાવડ મળ્યા કે સૂરજ એને મળવા જ પાલનવાડા જવા નીકળી ગયો છે તો એ જાણીને સેજલને અજાણ્યો ભય પેઠો.

પળનીયે પરવા કર્યા વિના સેજલ મારતે ઘોડે પાલનવાડા આવી પહોંચી.કિન્તું હવે શું? સૂરજને ગોતવો ક્યાં? એ આખા પાલનવાડાની ગલી ખુંદી વળી પરંતું સૂરજની કોઈ ભાળ મળી નહી.સાંજ થવા સુધી તો એક અજાણ્યા ભયે એના અંતરમાં ઘેરો ઘાલ્યો.

આ બાજું સૂરજ બપોરી વેળાએ કુપવાડાથી પાલનવાડા આવવા નીકળ્યો ત્યારે માર્ગમાં બનેલી એક ગોઝારી ઘટનાએ એને ઉલમાંથી ચૂલમાં પાડ્યો.બન્યું એવું કે કુપવાડાથી સહેંજ આગળ નીકળ્યો કે એણે રસ્તામાં અકસ્માતથી બેભાન બાઈકસવારને ઉગારવાની કોશિશ કરી.એ જ પળે ત્યાં પોલીસ આવી પહોંચી.પોલીસ સૂરજને શંકાના ઘેરામાં ઘાલીને થાણામાં લઈ ગઈ.અનેક આનાકાની અને સફાઈ બાદ મોડી સાંજે માંડ સૂરજ પોલીસની પળોજણમાંથી છૂટી શક્યો.

છૂટ્યો એવો જ સીધો સેજલની ગલીમાં ઘુસ્યો.દરમિયાન સાંજ થવાથી સેજલના દરવાજા બંધ થઈ ચૂક્યાં હતાં.

વદન પર વિષાદ વીંટળીને એ ઘેર પહોચ્યો.ઘેર પહોંચતાં જ ગલીના નાકે જય ઊભો હતો.

કુદરતની કેવી ગઝબ લીલા! બે જીવ એકમેકને શોધતા આવ્યા નજીક તો ગયા બહું દૂર-દૂર!

"આપના દીદાર કાજ આદરી સફર મે આપના ઘર લગી,

આખરે આપ મળ્યા મધરાતે શાહી શમણા મહીં!"

"સેજલ અહીં આવી હતી." સાંભળતા જ સૂરજના મોતિયા મરી ગયા.પગ તળેથી ધરતી ખસી ગઈ.જીવ નીકળું-નીકળું થઈ ગયો.ક્યાં મોએ ઘેર જવું અને જવું તો શો ઉત્તર વાળવો કે આવનાર યુવતી કોણ હતી અને શા કારણે અહી આવી હતી? એ ધર્મસંકટમાં અટવાયો.

વાળું ટાણે એણે આંગણામાં પગ મૂક્યો.ઈંતજારથી થાકી ગયેલા માં-બાપને હૈયે કળ વળી.

કિન્તું સૂરજની ધારણા મુજબના કોઈ સવાલ થયા નહી.એને હૈયે રાહત થઈ.

રાત્રે બંનેને માંડ નીંદર મળી.

મળસ્કે જ સૂરજની આંખો ઉઘડી.ફટ પરવારીને એણે ટેક્ષી પકડી.હજીયે જાણે ભાગ્ય ફૂલેકા ફેરવવાનું હોય એમ માર્ગમાં ટેક્ષીને પંક્ચર પડ્યું.ટેક્ષી ડ્રાઈવરને જેટલું ટેન્સન નહોતું એનાથી વધારે ટેન્સન સૂરજના દિલમાં ઉપડ્યું.

એ પાલનવાડા આવ્યો ત્યારે બજાર લોકોથી ઊભરાઈ રહી હતી.ભરચક ભીડમાં એ પોતાને તન્હા મહેસૂસ કરી રહ્યો હતો.સેજલની ગલીમાં વળવાની તૈયારી કરતો હતો એ જ પળે એણે સેજલને દીઠી.એ સૂરજની સહેંજ આગળ જ આગળ જ આગળની દિશામાં જઈ રહી હતી.ઉત્સાહમાં આવેલ સૂરજે સફાળે પગ ઉપાડ્યા.એ સેજલની લગોલગ પહોચવા થયો કે એને હરજીવન મળ્યો.બંને ઉમળકાભેર એકબીજાને ભેટ્યા.

"શું યાર સૂરજ! કંઈ દુનિયામાં જીવી રહ્યો છે?" હરજીવને કરેલા આ સવાલનો રણકાર સૂરજના ભણકારામાં ફરતી સેજલના સરવા કાનોમાં ઊતર્યો.ને એ જ ઘડીએ સેજલ પગ નીચેની ધરતીની ધૂળને ઉખેડીને ફરરર કરતી અવળી ફરી. એણે જોયું તો સૂરજ ઊભો હતો.દોડતી આવીને એ સૂરજને ભુજાઓમાં જકડીને ભેટી પડી.બંધ પડવાના આરે ઊભેલું હૈયું ઉછળી ઉછળીને ધડકી રહ્યું હતું.પરંતું સૂરજનું શું? એ લજ્જાથી મૂર્તિ બનીને લાલપીળો થઈ ઊઠ્યો. ન હાથ હલાવ્યા ન પાંપણ ફરકાવી.મીઠા મહેબૂબને બિન્દાસ્ત બાથમા ભરીને ઊભેલી સેજલના પાગલપણાને લોકો બાઘાની માફક તાકી રહ્યાં.

સેજલનો પાવન શ્પર્શ થતાં જ સૂરજને પ્રેમનું બ્રહ્મગ્નાન લાધ્યું.દિવ્ય રોમાંચકતાથી રૂવે-રૂવા જવાન થઈ ઊઠ્યા.આંખોએ ઊમળકાભેર અશ્કના દરિયા ખાળ્યા.

બપોરનો સમય થયો હતો.પરબની પાછળના ભાગે આવેલ મહાદેવના મંદિરની હરિયાળી લૉન પર બંને બેઠા.મીઠી વાતે વળગ્યા.

બીજી બાજું બજારમાં જેમણે એમના મિલનને માણ્યું એમાંથી કેટલાંકે ચોફેર પ્રેમની ફોરમ ઊડાડી તો વળી કેટલાંકે બદનામીની ધૂળ ફેલાવી.કેટલાકને પ્રેમનું શૂરાતન ચડ્યું તો વળી કેટલાંકને એમાં મોત દીઠું.

ખરે જ પ્રેમ એ મીઠું ઝેર છે તો વળી એ જ ઝેરનું કાતિલ મારણ પણ છે.

હવે આપણે જોવું જ રહ્યું કે એ ઝેર કોને ચડે છે!

વાંચો આવતા અંકે....

ક્રમશ: