Sambandhoni Sachavani in Gujarati Philosophy by Mohammed Saeed Shaikh books and stories PDF | સંબંધોની સાચવણી

Featured Books
Categories
Share

સંબંધોની સાચવણી

સંબંધોની સાચવણી

મોહમ્મદ સઈદ શેખ

પ્રસિદ્ધ અમેરિકન મોટીવેશનલ સ્પીકર અને લેખક એન્થની રોબીન્સે કહ્યું હતું કે તમારા જીવનની ગુણવત્તા એ ખરેખર તમારા સંબંધોની ગુણવત્તા કેવી છે એના ઉપર આધાર રાખે છે. સમાજમાં આપણે એકલા નથી. કોઈને કોઈની સાથે આપણે જોડાયેલા છીએ. આપણા કુટુંબીઓ, સ્વજનો અને બીજા લોકો સાથે આપણા સંબંધ હોવાના. સંબંધીઓ સાથે જન્મજાત સંબંધ હોય છે તો બીજા લોકો સાથે સંબંધો કેળવવા પડે છે. આપણે એકલા રહી શકતા નથી. રહેવું પણ ના જોઇએ. બીજા લોકો સાથે જેટલા સારા સંબંધ કેળવી શકીએ એટલું જીવન અર્થપૂર્ણ બને છે. આપણા સુખી હોવાનો આધાર બીજા લોકો સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ એના ઉપર છે. તમને તમારા ભાઈબહેનો સાથે ન બનતુ હોય, પાડોશી સાથે ન બનતું હોય, સંબંધીઓ સાથે તમારે ઝઘડા થતા હોય તો એનો અર્થ એ છે કે મુશ્કેલી તમારા સ્વભાવમાં કે તમારા વર્તનમાં છે. ખામી તમારી વિચારસરણીમાં છે. બીજાને દોષ દેવાને બદલે તમારી જાતને સુધારો. બીજા લોકો તમારી સાથે ખરાબ વ્યવહાર કરે છે, તમને માન આપતા નથી કે તમને પ્રેમ કરતાં નથી ત્યારે એ વિચારજો કે તમે બીજા લોકો સાથે સારો વ્યવહાર કરો છો? તમે બીજાને માન સન્માન આપો છો? તમે બીજા લોકોને પ્રેમ આપો છો? જે દિવસે આ જવાબ મળી જશે સમજો તમારી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે. આપણે જેમ સ્વાર્થી અને અહંકારી છીએ એમ બીજા લોકો પણ છે.

આપણે આપણી શરતો મુજબ જીવન જીવવા માગીએ એ બરાબર છે પરંતુ એ વાતનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે બીજા લોકો કંઈ આપણી શરતો કે ઇચ્છા મુજબ જીવવા બંધાયેલા નથી. આપણે જો એમની ઇચ્છા મુજબ ન ચાલીએ તો એમને આપણી ઇચ્છા પ્રમાણે ચાલવાની ફરજ કેવી રીતે પાડી શકીએ? પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો પડે. બીજા આપણને પસંદ કરશે કે નહીં એની ચિંતા કરવાને બદલે આપણો વ્યવહાર એવો હોવો જોઇએ કે સામેવાળાના હૃદયમાં આપણા માટે લાગણી જન્મે. સારા સંબંધો કેળવવા માટે પ્રેમની તાકત પ્રગટાવવી પડશે. બળજબરીથી કોઈને તમારા બનાવી નહીં શકે. હા, જો તમે થોડા પણ નમવા માટે તૈયાર હો તો સામેની વ્યક્તિ જરૃર નમશે. અહંકારને ઓગાળવાની જરૃર હોય છે. બીજા લોકો જેવો વ્યવહાર આપણી સાથે કરે એવો જ વ્યવહાર આપણે એમની સાથે કરીએ એ સંકુચિત માનસ છે. બીજા લોકો આપણી સાથે ખરાબ વ્યવહાર કરે તો પણ આપણે એમની સાથે સદ્વર્તાવ કરીએ એમાં મોટાઈ છે. આપણા આવા વર્તનથી કદાચ એમને શરમ ઉપજે અને એ પણ આપણી સાથે સારો વ્યવહાર કરવા લાગે એવું પણ બને. કૂતરો આપણને બટકું ભરે તો કંઈ એને બટકું ભરવા ન જવાય. લા રોશકોફો નામના ફિલસૂફે કટાક્ષમાં કહ્યું હતું “મને મારી જાતમાં ખૂબ રસ છે. બીજા લોકો મુર્ખ છે તે મારામાં એટલો જ રસ દાખવતા નથી.” આ જગત ગીવ એન્ડ ટેકના નિયમ મુજબ ચાલે છે. જેટલું આપણે બીજાને આપીશું એનાથી વધારે આપણને આવી મળશે. એરિક ક્રોમ નામના મનોવિજ્ઞાનીએ નિરિક્ષણ કર્યું છે કે માણસ બીજાને કશું આપીને જેટલો આનંદ અનુભવે છે એટલો બીજા કશાથી બનતો નથી.એટલે આનંદી બની રહેવું હોય તો બીજા લોકોને સતત કંઇક ને કંઇક આપતા રહો. જરૃરી નથી કે ભૌતિક વસ્તુઓ જ તમે આપો. એક મોહક સ્મિત કે દિલાસાના કે પ્રેરણાના બે શબ્દો પણ કોઈને આનંદ આપી શકે છે. શા માટે આપણે આપો અને લો ના આ નિયમ અનુસરવું જોઈએ? કારણકે આખી સૃષ્ટિમાં ‘સિમ્બીઓસીસ’ અર્થાત્ સહજીવન કે પરસ્પરી જીવનનો સિદ્ધાંત ચાલે છે. તમે ઘણી વનસ્પતિઓ કે પ્રાણીઓ વિશે વાંચ્યું કે સાંભળ્યુ હશે કે તેઓ એકબીજા ઉપર ખોરાક માટે આધાર રાખતા હોય છે. આપણે પણ આજ સૃષ્ટિમાં જીવીએ છીએ. કુદરતના નિયમો વિરુદ્ધ આપણે જઈ શકતા નથી. આખું વિશ્વ બુનિયાદીરૃપે ‘હાર્મની’ કે સંપ-સુમેળના આધારે રચાયેલું છે. દરેક વસ્તુ બીજાના સહકારના આધારે થાય છે.

આજે ઘણા લોકો કહે છે કે લોકો બહુ સ્વાર્થી થઈ ગયા છે. અહીં બધા સ્વાર્થના સગાં છે. નિસ્વાર્થ સંબંધો હવે રહ્યા નથી. આવું આપણે કહીએ ત્યારે વિચારવું જોઈએ કે ‘બધા’ ‘સ્વાર્થી’ લોકોમાં આપણો પણ સમાવેશ નથી થતો? આપણે એક સરસ ઉપાય શોધી કાઢ્યો છે. કંઇપણ ખોટું થાય તો એ બીજાનો જ વાંક હોય છે, બીજા લોકોને તરત જ જવાબદાર ઠેરવી દેવાના જેથી આપણા ઉપર આક્ષેપ ન થાય. આ રીત એક કવિએ કહ્યું છે એમ

ખુદને ખરાબ કહેવાની હિમ્મત નથી રહી

તેથી લોકો કહે છે જમાનો ખરાબ છે

આપણે પોતાને ખરાબ માનતા જ નથી એટલે જમાનાને ખરાબ કહીને છુટા થઈ જઈએ છીએ. એક ઝેન કથા વાંચી હતી. બીજા ગામથી એક ભાઈ આવીને લોકોને પૂછે છે કે આ ગામના લોકો કેવા છે? એક હોશિયાર માણસ સામો પ્રશ્ન કરે છે કે જે ગામમાંથી તમે આવ્યા ત્યાં કેવા લોકો હતા? એ મુસાફર કહે છે બહુ ખરાબ હતા, સ્વાર્થી હતા બહુ નાલાયક માણસો હતા. પેલા ચતુરે જવાબ આપ્યો ભાઈ, અહીં પણ આવા જ લોકો છે. પેલો ચાલ્યો જાય છેે. એક બીજો પ્રવાસી આવે છે અને એમને પૂછે છે આ ગામના લોકો કેવા? ચતુર એ જ પ્રશ્ન સામો પૂછે છે કે ત્યાં કેવા હતા? પ્રવાસી કહે છે કે ત્યાં તો બહુ સારા લોકો હતા, ખૂબ પ્રેમાળ અને નિસ્વાર્થ લોકો હતા. ચતૂરે જવાબ આપ્યો ભાઈ આ ગામમાં તમને એમનાથી વધારે સારા, પ્રેમાળ અને નિસ્વાર્થ લોકો મળશે. તમે ગામ છોડીને જવાનું નામ જ નહીં લો. પેલો પ્રવાસી ગામમાં વસી ગયો. આ વિરોધાભાસી વાતો સાંભળી ચતુર સજ્જનના સાથીઓ મુંઝવણમાં મુકાઈ ગયા કે બંનેને વિરોધાભાસી જવાબ કેમ.

એક જણે પૂછી લીધું કે તમે પહેલાને કહ્યું ગામના લોકો ખરાબ છે અને બીજાને કહ્યું બહુ સારા છે. આ અવળી વાતનું કોઈ કારણ ખરૃં? ચતુરે જવાબ આપ્યો કે પહેલા પ્રવાસીને સામા ગામમાં કંટાળો આવ્યો લોકો બુરા લાગ્યા તો અહીં પણ એને કંટાળો આવવાનો. અહીંના લોકો પણ એને બૂરા જ લાગવાના. બીજા પ્રવાસીને પેલા ગામના લોકો પ્રેમાળ લાગ્યા તો અહીંના લોકો પણ એને એવા જ લાગવાના.

આ જગત પડધા અને પ્રતિબિંબોની હારમાળા છે. પહેલાના મનમાં જો કંટાળો અને ધિક્કાર ભરેલો હશે તો એને બધે જ કંટાળો આવવાનો અને ધિક્કાર જ મળવાનો. જેના અંતરમાં પ્રેમ ભરેલો છે એને સર્વત્ર પ્રેમના દર્શન થવાના. આ સાવ સાદા નિયમના આધારે દુનિયા ચાલે છે. એમ છતાંય આજે સંબંધીઓથી સંબંધ વિચ્છેદ કરવાના ઘણા કિસ્સા આપણે જોઈએ છીએ. નાની નાની બાબતોમાં લોકો રીસાઈ જાય છે, ફલાણા પ્રસંગમાં અમને બોલાવ્યા નહીં અને જો બોલાવ્યા હોય તો અમને મહત્વ આપ્યું નહીં. આખી બાબતોને લઈ લોકો સંબંધો તોડી નાખે છે. એ લોકો ભૂલી જાય છે કે આ દુનિયા ગોળ છે, ક્યાંકને ક્યાંક એમની સામે ભેટો થવાનો જ છે. અને ભેટો થાય ત્યારે જે નાનમ અને ક્ષોભ મનમાં ઉદ્ભવે છે એનું કોઈ વર્ણન થઈ શકે નહીં.

આપણા સમાજ જીવન કે ધંધાની સફળતા આપણા સંબંધીઓ, મિત્રો અને બીજા લોકો સાથેના સારા વ્યવહાર ઉપર નિર્ભર છે. જો બધા સાથે સારા સંબંધ હોય તો તમે મુશ્કેલીમાં મુકાઈ જાય ત્યારે કે ધંધામાં બહુ મોટું નુકસાન થઈ ગયું હોય ત્યારે આ સ્વજનો અને મિત્રો જ કામમાં આવે છે. સંબંધીઓનું કેટલું મહત્ત્વ હોય છે એનો અંદાજ આ હદીસ ઉપરથી આવશે. હદીસમાં કહેવામાં આવ્યું છે કે “જેણે સંબંધીઓ સાથે સંબંધ વિચ્છેદ કર્યો એ સ્વર્ગમાં નહીં જાય.” કેટલી મોટી વાત છે.!

જે લોકો સંબંધીઓ તો ઠીક, પોતાના સગા ભાઈ-બહેન અને માતાપિતા સાથે દુર્વ્યવહાર કરે છે એમના વિશે શું કહેવું?

જ્હોન સી. મેક્સવેલ નામના મોટીવેશનલ લેખકે સરસ પુસ્તક લખ્યું છે “વીનીંગ વિથ પીપલ” એમાં એમણે ૨૫ પ્રકારના જુદા જુદા સંબંધો વિશે ચર્ચા કરે છે. સંબંધો બનાવી રાખવા એ મેનેજમેન્ટનો સૌથી મોટો નિયમ છે. આ પુસ્તક વાંચવા જેવું છે. એમાંથી અમુક બાબતો અહીં ટુકમાં જણાવા માંગુ છું.

સારા સંબંધો સફળતા કે અચીવમેન્ટ માટે પાયારૃપ છે. લોકો સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ એનાથી આપણી સફળતા કે નિષ્ફળતાનો સંબંધ છે. જો તમે ભરોસાપાત્ર હશો તો બીજા પણ એવા જ દેખાશે. તમે જોવા હો છો એવા બીજા લોકો તમને દેખાય છે. તેથી તમે તમારી જાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમે તમારી જાતને સુધારશો અને જે બનવા માગો છો એનો પ્રયત્ન કરો છો તો તમે એવા બનો છો. બીજા લોકો સામે ફરિયાદ કરવાની જરૃર રહેશે નહીં. સફળતા માટે હકારાત્મક ઇમેજ ઊભી કરો. નકારાત્મક ઇમેજ ઊભી કરનારા સફળ થતા નથી. તમારી પાસે જે કંઇ ખુટે છે કે તમારામાં જે ત્રુટીઓ છે કે જે કંઇ સમસ્યાઓ છે એના પ્રતિ પ્રમાણિક બનો. યાદ રાખો, એકલા એકલા સફળતા મળતી નથી. બીજાનો સાથ સહકાર લો. જે લોકો પોતાની જાતમાં શ્રદ્ધા રાખે છે તેઓ સફળ થાય છે. જે લોકો બીજાની વાતોથી દુખી જલ્દીથી થઈ જાય છે તેઓ બીજાને પણ એટલા જ દુખી કરે છે. લોકો આપણા શબ્દો કરતા અભિગમ ઉપર વધારે ધ્યાન આપે છે. એટલે અભિગમ હંમેશા સકારાત્મક રાખવો. બીજા પાસેથી મેળવવું સરળ છે, બીજાને આપવું બહુ મુશ્કેલ છે. પરંતુ સાચો આનંદ આપવામાં જ છે. બીજાને ઉપર ઉઠાવવામાં છે. બીજાને કંઇક લાભ થાય એવા કાર્યો કરવામાં વધુ આનંદ આવે છે. બીજા સાથે સંબંધો બાંધવામાં પ્રેમનો રોલ બહુ મહત્ત્વનો હોય છે. પોતાના વિશે વિચારવાને બદલે બીજા વિશે વિચારવામાં આવે છે ત્યારે સંબંધો વધુ ગાઢ બને છે. જીવનમાં સૌથી મહત્ત્વની બાબત છે લોકો. દરેક માણસ કે જેને આપણે મળીએ છીએ કંઇક ને કંઇક ખુબી કે સારી લાક્ષણિકતા ધરાવતો હોય છે. એટલે એનાથી કંઇકને કંઇક શીખવા મળે તો શીખી લેવું જોઈએ. રાલ્ફ વાલ્ડો ઇમર્સને કહ્યું હતું કે “હું એવા કોઈ માણસને નથી મળ્યો જે કોઈને કોઈ બાબતમાં મારાથી ચડીયાતો ન હોય.” તમારે વિકાસ કરવો હોય તો તમારા કન્ફર્ટઝોનમાંથી બહાર નીકળો. કશુંક કરો-કશુંક શીખો અને શીખવાની પ્રક્રિયા શરૃ થાય છે સાંભળવાથી. એટલે બીજા લોકોની વાતો ધ્યાનથી સાંભળો. સંબંધો વિશ્વાસના પાયા ઉપર રચાય છે અને વિશ્વાસ કેળવાય છે નિષ્ઠાથી. બીજા પાસેથી વિશ્વાસ અને પ્રમાણિકતાની અપેક્ષા હોય તો સૌથી પહેલા આપણે પ્રમાણિક અને વિશ્વાસુ બનવું જોઈએ. ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય કે સંપત્તિ, આપણો હોદ્દો અને ભૌતિક વસ્તુ એક તરફ અને બીજી તરફ સંબંધમાંથી પસંદગી કરવાની આવે તો સંબંધ બચાવવાનો પ્રયત્ન કરજો. સંબંધોમાં જેટલું રોકાણ કરશો એટલું જ એનું રિટર્ન સારૃ મળશે. હાર્વડ હોગસને કહ્યું હતું, “તમે જે કોઈ ધંધામાં હોવ, યાદ રાખજો, કે તમે સંબંધોના ધંધામાં છો. તેથી તમારી નામના કે પ્રતિષ્ઠા સૌથી મોટી મૂડી છે.”

***