Andhari raatna ochhaya - 4 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | અંધારી રાતના ઓછાયા-4

Featured Books
Categories
Share

અંધારી રાતના ઓછાયા-4

કુલદીપ પોતાની અદ્વિતીય સાહિત્ય પ્રીતિને પોષવા માટે નવસર્જનના ઇરાદે ચાર મહિનાથી પ્રવાસમાં હતો. એના કોઈ જ સમાચાર નહોતા.

કુમારે માસ્ટરજીને ફોન કરી કુલદીપના ખબર-અંતર પૂછ્યા. પણ કુલદીપ ક્યાં ગયો હતો એના વિશે કશી જાણકારી નહોતી. કુલદીપના વળતા વાવડ ન હોવાથી તેનો પરિવાર અત્યંત ચિંતિત હતો. કુમારના મનને પણ અનેક આશંકાઓ ઘેરી વળી હતી. છતાં કુમાર જાણતો હતો કુલદીપ ગમે તેવી આફતને એકલે હાથે પહોંચી વળે એવો તેજસ્વી બુદ્ધિ પ્રતિભા શાળી હતો. ગમે તેવા સંકટમાંથી તરીને ઝડપથી ઘરે આવશે એ વાત પર કુમારને ભરોસો હતો.

એટલે માસ્ટરજીને આશ્વાસન આપી કુમારે હિંમત બંધાવેલી કે એની ફિકર ન કરો કુલદીપ એક અદ્ભુત વ્યક્તિત્વને પામી જશે.

એની મહત્વાકાંક્ષાને મારા કરતાં આપ વધારે સમજો છો. જાણો છો એકાંત જગ્યાએ નવસર્જનમાં તલ્લીન કુલદીપ ફોન કરવાનું ટાળ્યું હશે. "don't worry કદાચ એના વળતા પગલાં પણ થયા હશે..!"

કુલદીપના ગયા પછી ઘણું બધું બની ગયું હતું. કુમારના લગ્ન થયાં એકાદ મહિના પછી કુમારના દાદીમા પરધાન ગયાં. આવી ક્ષણોમાં એની સાથે 'શ્રી' ના હોત તો કુમાર ભાંગી પડ્યો હોત. 'શ્રી' જેવી પત્ની મળવાથી એના તરફડતા હૈયાને સાંત્વના મળી હતી. એકલતાને લગામ મળેલી દાદીમાના ગયા બાદ શ્રી એ કુમારને સંભાળી લીધો હતો.

કુમાર અંતરમાં ઉદાસીને ક્યારેય ના પ્રવેશવા દેવા શ્રી હંમેશા પ્રયત્નશીલ રહેતી. કુમારના ગમા-અણગમા વિશે એના ભૂતકાળ અને વર્તમાન ના મિત્રો વિશે જાણકારી પ્રેમના અમી પાથરીને કુમાર જોડેથી એ કઢાવી લેતી.

કુમારે જ એને કહેલું, મિત્ર કુલદીપનું એના જીવનમાં મહત્ત્વનું સ્થાન હતું. કુલદીપના સહવાસમાં કુમારનું હૈયું હળવું ફૂલ રહેતું. પ્રસંગોપાત કુલદિપનો શાયરાના અંદાજ કુમારને પ્રિય હતો.

પોતાના જીવન વિશે તે ઘણીવાર કહેતો હતો.

"ઝાંઝવાના જળની જેમ ફાલી છે આ જિંદગી

અરમાનો મારા કંટક બાગ છે ને ખૂદ માલી છે આ જિંદગી.."

કુલદીપની યાદોનુ શ્રી કુમારને સ્મરણ કરાવતી. એટલે કુમાર પોતાના મિત્રની વાતો કરવામાં સમયનું ભાન ભૂલી જતો.

ક્યારેક મન બહેલાવવા બંને નંદપુરાના માધવબાગમાં પણ જતાં. એ ક્યારેકમાં આજનો દિવસ શામિલ હતો. ઉપવન અતી રમ્ય હતો.

અનેક રંગીન ફૂલોનું અસ્તિત્વ વિભિન્ન ખુશ્બુના માદક માહોલમાં એક બેઠક પર બન્ને બેઠાં હતાં. સંધ્યાના રંગોમાં ભળી જતું ઉભયનું સ્મિત ગાર્ડનના મેઘધનુષી ફુવારા જેવું મોહક લાગતું હતું.

પરસ્પરના હ્રદયમાં સુવાળા સ્પંદન ઝંકૃત થઈ રહ્યાં હતાં. બંને મૂક હતાં છતાં.

આંખો બોલતી હતી. કુમારનું અંતર્મન કુમાશથી નીરખી ઉઠેલા શ્રીના વદનારવિંદને મુગ્ધ નજરે ટગરટગર તાકી રહેતાં વિચારતો હતો.

પૂર્ણિમાના ચાંદ જેવુ આનન મારા જીવનમાં શિતળતા પાથરી દે છે.

કુમારના ખાલીપાનો ક્યારેય મને શ્રીએ એહસાસ થવા દીધો નથી." હે પ્રભુ ક્યારેય મને મારા પ્રિયજન થી અલગ ન કરીશ.. નહીં તો મારું જીવન બદતર બની જશે..!"

કુમારને આવી રીતે જોઈ રહેલો જોતો શ્રી શરમાઈ ગઈ.

" કુમાર મારામાં આજે કંઈક નાવીન્ય છે ખરું...?"

"હા શ્રી તારી ભાવવાહી આંખોમાં નિત્ય નવુ કૌતૂક જોવું છું..મારી આંખો તારી આંખો સાથે સંવાદ સાધે છે.

જેથી મને પરમ સુખ મળે છે શ્રી.. પરમસુખ...!" કહેતાં કુમાર શ્રીને આલિંગવા આગળ વધ્યો.

"ઓહ નો જનાબ.. હવે સબર પણ કરો.. આજૂબાજુની ચહલ પહલ જુઓ..!"

શ્રીની વાત ખોટી નહોતી.

સાંજના સમયે આ રમણીય ઉપવનમાં થોડીક પળો શાંતિથી માણવા આવતા ઘણા લોકોની ઉપસ્થિતિ હતી.

ઉપવનમાં જુદીજુદી વનસ્પતિ, વૈવિધ્યસભર નાના-મોટા ફુલો નાનકડી પણ કુદરતી સૌંદર્યના અજોડ અંશ સમી ઝીલ.. કલબલાટ કરતા પંખીઓનુ કલરવ ગાન.. અને સંધ્યાના રંગોનું સંમોહન કારી દ્રશ્ય અહીંનું આકર્ષણ હતું..

બાગમાં પ્રવેશ્યા પછી ઊઠવાનું મન જ ના થાય એટલું સુંદર સ્થળ હતું.

અહીં કુલદિપ સાથે કુમાર ઘણી વખતે આવી ગયેલો. હવે તો શ્રી એની આદત બની રહેલી.

આ ફૂલો અને ફોરમની જેમ... કુમારની વિચાર મગ્ન દશામાં ખલેલ પડી.

એક ચિર-પરિચિત અવાજે એને ઝબકાવી દીધો.

" આ રંગોની મહેફિલ ગુલાબી-ગુલાબી

હસે છે બધા ફૂલ ગુલાબી-ગુલાબી

મૃદુતાને રંગો એ ચોરી લઈ આવ્યાં

પતંગાઓની મહેફિલ ગુલાબી ગુલાબી"

"આ તો કુલદીપ નો અવાજ છે..

કુમાર અને શ્રીએ અવાજની દિશામાં નજર કરી.

એની નજર સામે જ મેઘધનૂષિ રંગોને ઉજાગર કરતી ઝીલને કુલદિપ અને એના મિત્રો તાજ્જૂબથી નિહાળી રહ્યા હતા.

કુમારની સાથે શ્રીના હૈયામાં ખુશીનો ફૂવારો છૂટ્યો. પેલી નયનરમ્ય ઝીલમાં સંધ્યાના રંગોએ ડૂબકી લગાવી હતી.

રેશમી ઉજાસમાં પતંગાઓ ફૂલોની મખમલી ત્વચાનો વધુને વધુ સ્પર્શ પામી લેવા પરસ્પર સ્પર્ધા કરતા હોય એમ ટોળે વળી ઊડતા હતા.

ઝીલમાં તરંગાતા અદભૂત નજારાને વિસ્મયથી કુલદીપ અને એના બે મિત્રો જોઈ રહ્યા હતા. ત્યારે કુલદીપના મુખમાંથી કાવ્યપંક્તિ સરી પડી.

" કુમાર તમારા મિત્રોને હું લઈ આવુ.

એમના માટે સરપ્રાઇઝ.. જોઈએ તો ખરા મને જોઈ એ લોકો કેવી અકળામણ અનુભવે છે..?"

"યસ્... જલ્દી જા નહીં તો વળી પાછા છટકી જશે..!" કુમાર પોતાના પ્રિય મિત્ર ને જોઈ ગેલમાં આવી ગયો હતો.

લજિત થતી શ્રી મંથર ગતિ ત્રણેય મિત્રોની સમિપ જઈ ઉભી.

"હેલ્લો..!" એના મધુર હોઠ ખૂલ્યા.

કોકિલના ટહુકા જેવો મધુર સ્વર એકાએક ત્રણેય સાંભળ્યો.

કુલદીપ અને એના મિત્રે અણધારી પરિસ્થિતિથી ભારોભાર આશ્ચર્ય અનુભવ્યું.

ટગર-ટગર ત્રણેય મિત્રો શ્રીને ઓળખવા મથતા હોય એમ જોતા હતા. શ્રી એ પણ બેપળ માટે ત્રણેય મિત્ર પર નજર નાખી લીધી.

ફૂલગુલાબી હસતા ચહેરા પર એની નજર ઠરી ગઈ. એની આંખોમાં છુપાયેલું સ્મિત ભાવવાહી દ્રષ્ટિ, અને વાંકડિયા વાળ, ગહેરી શાંતિ, ઉજળો દેદિપ્યમાન દેહ ગમે તેવા વ્યક્તિને આકર્ષવા સક્ષમ હતાં.

શ્રી કુલદીપને ઓળખી ગઈ.

જ્યારે બાકીના બે ચહેરાઓ અને એમની આંખો નું ખૂન્નસ શ્રી ને ભીતરથી ધ્રુજાવી ગયું.

એ ચહેરાઓ એ એના મનને અણગમાથી ભરી દીધું તેમ છતાં એણે અણગમો જરા પણ વર્તાવા ના દીધો. ત્રણે મિત્રો સાથે સહસ્મિત એણે અકળામણ તોડી"

"કંઈ ઓળખાણ પડે છે..?"

" જી..ના " કુલદીપે ઉત્તર વાળ્યો.

"તે..ના જ પડે ને..!" ખડખડાટ હસતાં એ બોલી.

" હું તમારા દોસ્ત કુમારની પરણેતર તમારા ભાઈબંધ પેલા સામે રહ્યા. કહી શ્રીએ કુમાર તરફ આંગળી ચીંધી કહ્યું.

શ્રી ની વાત સાંભળી કુલદીપ હરખઘેલો બની ગયો.

"ભાભીજી..! તમે જલદી ચાલો કુમાર જોડે.. એને મળવાની ઇચ્છા કેવી સામેથી પૂરી થઈ ગઈ..?" કુલદીપ કુમારને દોડીને ગળે લગાવી દીધો ત્યારે જ શ્રીને બંને મિત્રો વચ્ચેની ગાઢ આત્મીયતાનો ખ્યાલ આવ્યો.

"કુલદીપ તુ ક્યાં હતો આટલો સમય..? શી જરૂર હતી બધાંથી દૂર જવાની..? તારા ગયા પછી કેવા ઉતાર-ચઢાવ આવ્યા મારા જીવનમાં.. આ તારી ભાભી હોય ને મને સંભાળે.. બાકી હું તો ભાંગી પડ્યો હોત..!" કુમારનું દુઃખ એના શબ્દોમાં વરતાતું હતું.

"કુમાર હું તને બધી વાત માંડીને કરીશ..! હું તારી લાગણી સમજી શકું છું..! મને તારો ખ્યાલ હતો જ એટલે જ તો સૌથી પહેલાં તને મળીને પછી જ ઘરે જવાનું અમે નક્કી કરેલું..! પણ કુદરતની લીલા તો જો મારા મિત્રોને અહીંના રમણીય બાગના દર્શન કરવા હતા. અમે ભીતર આવ્યા તો અહીં જ તમારો ભેટો થઈ ગયો.

કુમારને કુલદીપ પોતાના બંને મિત્રોની ઓળખાણ કરાવી પછી શ્રી અધીરતાથી બોલી.

"હવે એ બધી વાતો ઘરે જઈને ચાલો કુમાર તમારા મિત્રોને આગળ કરો..!"

"જેવો હુકમ સરકાર..! કુમારે કહ્યું એટલે બધા ખડખડાટ હસી પડ્યા બગીચાની બહાર આવી બધાં ગ્રેકલરની કારમાં ગોઠવાઈ ગયાં.

શ્રીએ ડ્રાઈવિંગ સીટ સંભાળી.

કુમાર અને કુલદિપ એની પડખે બેઠા. પાછળની સીટ પર મેરુ મોહન હતા.

ધીમી ઘરઘરાટી સાથે ગાડી વળાંકો વટાવતી દોડવા લાગી.

બધાંનાં ચિત ચકડોળે ચડ્યાં હતાં. કુમારને કુલદીપના નવા આવિષ્કાર વિશે જાણવાની તાલાવેલી હતી. ચંચળ શ્રીને જોઈ કુલદીપના અંતરમાં "મિન્ન" યાદ તાજી થઇ ગઈ.

મેરુ અને મોહનનાં ભેજામાં કંઈક બીજી ગડમથલ ચાલી રહી હતી.

હવે શું કરવું બંનેએ પિશાચ વિદ્યાનો પ્રયોગ કર્યા પછી માણસનું રકત પીવાની તીવ્ર લાલસા જાગી હતી ગળું સુકાતું જતું હતું.

આંખો હવે શિકાર શોધતી હતી.

પરંતુ આ ક્ષણે કુલદીપની હાજર બંને માટે ઘટી રહી હતી.

બંને મિત્રોનાં ચહેરા પર ના હાવભાવને વાચવાની મથામણ સાથે શ્રી વારંવાર મિરરમાંથી એમના ચહેરાઓ પર નજર નાખતી હતી.

કારણકે એ બંનેની આંખોમાં કંઈક એવું વિચિત્ર તત્વ હતું.

જેને જોયા પછી સામાન્ય વ્યક્તિતો ભીતરે થી થથરી જ ઊઠે.

એકાએક શ્રીની નજર મીરર પર પડી.

પાણીમાં પ્રતિબિંબ જેવા બે ચહેરા માણસના ન હતા. એ કોઇ પિશાચના ચહેરા વધુ લાગતા હતા.

ચહેરા પરથી જગ્યા જગ્યાએથી તરડાઈને ચામડીના લીરેલીરા લટકવા લાગ્યા હતા.

જેથી બંને ચહેરા બદસુરત લાગતા હતા.

એમની આંખોમાં હજાર વોલ્ટના બલ્બની જેમ ચળકાટ હતો.

હોઠમાંથી બહાર આવી ગયેલા બે કાળા દાંતમાં શિકારી કૂતરાઓની લોલુપતા શ્રીને વર્તાઈ.

અનાયાસે જ શ્રીનો પગ બ્રેક પર દબાઇ ગયો. હળવા આંચકા સાથે ગાડી ઉભી રહી ગઈ.

( ક્રમશ: )

-સાબીરખાન (સુરત)