No Return - 2 - Part - 5 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-૫

Featured Books
Categories
Share

નો રીટર્ન-૨ ભાગ-૫

નો-રીટર્ન-૨

ભાગ-૫

એક લાંબા સમયનાં અંતરાલ બાદ આજે હું રેલ્વે સ્ટેશને આવ્યો હતો. હોસ્ટેલમાં આવ્યા બાદ મોટેભાગે મારે બહાર જવાનું ઓછું રહેતું. ભાગ્યે જ કયારેક હું મુંબઇ, મારા ઘરે પણ ગયો હોઇશ. આજે ઘણા વર્ષો પછી હું મારા ઘરે જઇ રહયો હતો. એ ઘર, કે જેનાં પ્રત્યે મારા મનમાં કોઇ જ લાગણી નહોતી. અને ત્યાં મારુ પોતાનું કહી શકાય એવું હતું પણ કોણ...! એક પિતાજી હતાં, જેમની સાથે છેલ્લે કયારે વાત થઇ હતી એ પણ મને યાદ નહોતું. જો મારે વેકેશન ન હોત અને ગઇરાત્રે મને જે સ્વપ્ન આવ્યું હતું તેને મેં બહું અગત્યતા આપી ન હોત તો કદાચ આજે પણ હું મુંબઇ જવાનો કોઇ પ્રોગ્રામ ન બનાવત. પણ ખેર,... કદાચ કુદરતે જ બધુ નિર્માણ કર્યું હશે. અત્યારે મારું અહીં અમદાવાદનાં રેલ્વે પ્લેટફોર્મ પર હોવું એ કંઇ સંજોગોવશાત નહોતું તેની તો મને પછી ખબર પડી હતી. વિધાતાની આ એક ગજબનાક ચાલ હતી જે મારું આવનારું ભાવિ નિર્ધારીત કરવાનું હતું.

લગભગ દોઢ વાગ્યે હું કાલુપુર રેલ્વે સ્ટેશને ઓટોમાંથી ઉતર્યો. મારી ટીકીટ કન્ફર્મ હતી એટલે એ કડાકૂટમાં પડવાનું નહોતું. કાલુપુર રેલ્વે સ્ટેશનનાં એક નંબરનાં પ્લેટફોર્મની બહાર ઘણી ભીડ હતી. મારે બે નંબરનાં પ્લેટફોર્મ પરથી શતાબ્દી એક્સપ્રેસ પકડવાની હતી એટલે બહારથી જ બીજા બધા પ્લેટફોર્મ સુધી જતાં ઓવરબ્રીજનો દાદર ચડી બે અને ત્રણ નંબરને જોડતાં પ્લેટફોર્મ પર હું ઉતર્યો. મારી પાસે સામાનમાં ફક્ત એક હોલ્ડ ઓલ બેગ હતી જે મેં પીઠ પાછળ લટકાવી રાખી હતી. શતાબ્દીને આવવાને હજુ ઘણી વાર હોવાથી પ્લેટફોર્મ પર મુકાયેલા બાકડાં પર હું બેઠો. બે અને ત્રણ નંબરનું પ્લેટફોર્મ સાથે હતું એટલે લોકોની ભીડ ઘણી હતી. અમદાવાદનું કાલુપુર રેલ્વે સ્ટેશન ગુજરાતની મધ્યમાં હતું. અહીંથી જ સૌરાષ્ટ્રમાં જવાની, ઉત્તર ભારત, દક્ષીણ ભારત અને મધ્ય ભારતને જોડતી રેલ્વે લાઇન પસાર થતી એટલે મુસાફરોની સતત અવર-જવર રહેવી સ્વાભાવિક હતી. એ ભીડનો એક હિસ્સો બનીને હું મારી આગળથી પસાર થતાં લોકોને ધ્યાનપૂર્વક નિહાળતો હતો.

લગભગ બધાને જ ઉતાવળ હતી. લોકો આમથી તેમ દોડી રહ્યાં હતાં. પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવી ન હોવા છતાં જાણે એમની ટ્રેન છૂટી જવાની હોય એવો ઉચાટ લગભગ દરેક મુસાફરનાં ચહેરાં ઉપર વર્તાતો હતો. ટ્રેન આવશે ત્યારે કેવી પરિસ્થીતી સર્જાશે એ જોવાનું કુતુહલ સ્વાભાવીક રીતે મને ઉપજતું હતું. આજ પહેલાં મેં કયારેય ટ્રેનની સફર ખેડી ન હતી. હું હંમેશા ફ્લાઇટમાં જ મુસાફરી કરતો. ફ્લાઇટ અને ટ્રેનનાં મુસાફરોમાં જોકે જાજો ફરક નહોતો. ફ્લાઇટનાં મુસાફરો શિસ્તબધ્ધ રીતે રઘવાયા થઇને ફરતા , જ્યારે અહીં ટ્રેનનાં મુસાફરોમાં એ શિસ્તનો અભાવ આંખે ઉડીને વળગતો હતો, પણ રઘવાટ તો બન્ને જગ્યાએ સરખો જ હતો. મને આ બધું નિરખવાની ખરેખર મજા પડી રહી હતી. આ પહેલા આટલા બધા માણસોને એકસાથે મેં કયારેય જોયા નહોતાં એટલે ચારે-કોર ગરદન ઘુમાવી રેલ્વે પ્લેટફોર્મ પર બેસવાનો લુફ્ત હું ઉઠાવી રહયો હતો.

હું જે બાકડાં ઉપર બેઠો હતો તેનાં જમણાં હાથે ઓવરબ્રીજનો દાદર હતો. એ દાદર ઉતરીને જ હું અહીં આવ્યો હતો. એ દાદરમાં એક બાજુએથી લોકો ઉપર તરફ જતાં હતાં જ્યારે તેની સામેની બાજુએથી નીચે, અહીં પ્લેટફોર્મ પર ઉતરી રહયાં હતાં. મારી નજરો એ તરફ મંડાયેલી હતી. એકધારા આવી રહેલાં માણસોનાં હજૂમને તલ્લીનતાથી હું જોઇ રહયો, કે અચાનક મારી નજર ભીડમાં દાદર ઉતરી રહેલી એક યુવતી ઉપર સ્થિર થઇ. પહેલાં તો સાવ સાહજીક રીતે જ મેં તેને જોઇ હતી પરંતુ... દાદર ઉતરતાં થતાં હલકારામાં તેનાં ટૂંકા સીલ્કી વાળ હવામાં ઉંચકાઇને ફરી કાન ઉપર પથરાતાં હતાં એ અદ્દભૂત દ્રશ્ય જોઇને હું સ્થિર થઇ ગયો.

ભીડની વચ્ચેથી રસ્તો કરતી એ યુવતી ઝડપથી દાદર ઉતરતી હતી. કદાચ તે બહુ ઉતાવળમાં હશે એવું જણાતું હતું. એક-એક પગથીયું ઉતરતાં ઉછળતાં તેનાં બોબ કટ વાળ મને તેની તરફ જોવા મજબુર કરી રહયા હતા. આ પહેલાં કયારેય કોઇ છાકરીને મેં આટલું ધારી-ધારીને નિહાળી નહોતી. અરે...જોવાની વાત છોડો, કયારેય નજર ઉઠાવીને જોવાની હિંમત સુધ્ધા કરી નહોતી. મારી લઘુતાગ્રંથિએ હંમેશા મને એવું કરતાં રોકયો હતો. રખેને કોઇ મારું અપમાન કરી નાંખે તો...એ ડર સખત રીતે મારી અંદર ઘર કરી ગયો હતો તેનું એ પરીણામ હતું. પરંતુ અત્યારે વાત કંઇક અલગ બની રહી હતી. લાખ ચાહવા છતાં હું એ યુવતી ઉપરથી મારી નજર હટાવી શકતો ન હતો. તે હવે દાદરનાં છેલ્લે પગથિયે આવીને ઉભી રહી ગઇ હતી. પોતાની ડોક ઉંચી કરીને કદાચ તે કોઇકને શોધી રહી હતી. તેની આંખો ઉપર ગોગલ્સ ચડાવ્યા હતાં પરંતુ ચારેકોર તે જે રીતે ડોક ઘુમાવતી હતી એના પરથી મેં અનુમાન કર્યુ હતુ. તેની પાછળ ઉતરતાં મુસાફરો આમ કોઇને દાદર વચ્ચે ઉભું રહી ગયેલું જોઇ નારાજગીનાં ભાવ સાથે તે યુવતીને તાકતાં આગળ વધી જતાં હતાં. પરંતુ એ યુવતી ઉપર જાણે તેની કોઇ અસર થતી નહોતી. તે ભારે અધીરાઇ ભેર પ્લેટફોર્મ ઉપર નજર ઘુમાવતી હતી.

હું એક ટી સ્ટોલની બાજુમાં બાંકડા ઉપર બેઠો હતો. અહીંથી ઓવરબ્રીજનાં દાદર વચ્ચે ઝાઝુ અંતર નહોતું. મને દાદર ઉપર ઉભેલી એ યુવતીનો ચહેરો સ્ષ્ટ દેખાતો હતો. તેનો ચહેરો લંબગોળ હતો, કંઇક બદામ આકારનો... લંબગોળ ચહેરા ઉપર ઝૂલતાં એકદમ લીસા, સુંવાળા ટૂંકાવાળ તેનાં ચહેરાને ઓર અદ્દભૂત બનાવતાં હતાં. તેણે આંખો ઉપર મોટા કાચનાં ગહેરા બ્રાઉન રંગની ફ્રેમવાળા ચશ્મા પહેર્યા હતાં. ચશ્મા હેઠળ તેની છુપાયેલી આંખો મને દેખાતી નહોતી છતાં હું અનુમાન લગાવી શકતો હતો કે એ આંખો પણ ખરેખર દિલકશ હશે. તેનાં ચહેરાની ચામડી એકદમ ગોરી હતી, કોઇ ટી.વી. એડમાં આવતી ફેરનેસક્રીમની જાહેરાતમાં આવતી મોડેલ જેટલી ગોરી. ગોરા ચહેરા સાથે બ્રાઉન રંગનાં ગોગલ્સ અજબ સંયોજન રચતા હતાં. કાનમાં તેણે એકદમ નાનાં ગોળ ઇયરીંગ્સ પહેર્યા હતાં...બ્લેક કલરનાં. ચહેરાનાં પ્રમાણમાં તેનાં કાન વધુ રતાશ ધરાવતાં હતાં. રતુંબડા કાનમાં બ્લેક સ્ટોન ઝડેલા ઇયરીંગ્સ્ આટલે દુરથી પણ સુંદર લાગતાં હતાં. તેણે મરૂન રંગનું કંઇક ખૂલ્લા ગળાવાળું ટી-શર્ટ પહેર્યું હતું જેના ઉપર મારી નજર પછી ગઇ હતી. હું તો તેનાં ચહેરાંને નીરખવામાં જ ખોવાઇ ગયો હતો. આટલો સુંદર ચહેરો, જાણે એક-એક ઇંચ માપ લઇને પરફેક્ટ રીતે તરાશીને બનાવાયો હોય, મેં મારી લાઇફમાં કયારેય જોયો જ નહોતો. મારી પાસે તેને વર્ણવવા માટે બે જ શબ્દો હતાં.. અદ્દભૂત...અવિસ્મરણીય..! હું જાણે તેનાં સંમોહનમાં ખોવાઇ ગયો હતો. રેલ્વે પ્લેટફોર્મ ઉપર મચેલો જબરો કોલાહલ મારા કાને અથડાતો નહોતો. માણસોનો હજૂમ જાણે એકાએક ગાયબ થઇ ગયો હોય અને તે યુવતી એકલી જ પ્લેટફોર્મ પર ઉભી હોય એવી ચાતક નજરે હું તેને જોઇ રહયો. આટલી સુંદર યુવતી આજ પહેલાં કયારેય મેં જોઇ નહોતી. સુંદરતા ઉપરાંત પણ કંઇક એવું તત્વ તેનામાં હતું જે મને ખેંચી રહયું હતું. એ શું હતું, મને સમજાતું નહોતું.

“ વિનીત...!“ અચાનક તેણે બુમ પાડી, સાથોસાથ હાથ ઉંચો કર્યો અને જાણે કોઇને બોલાવતી હોય એમ હલાવ્યો. તેનાં ચહેરા પર એકાએક સુરખી આવી અને દાદરનું છેલ્લું પગથીયું ઉતરી તે તેની સામેની દિશામાં ચાલી. હું બાંકડા પરથી ઉભો થયો અને ગરદન ઘુમાવી તે યુવતી કયાં જાય છે તે જોઇ રહયો. હું જે ટી-સ્ટોલ પાસે હતો એનાથી થોડે છેટે એક બુકસ્ટોલ હતો. ત્યાં બુકસ્ટોલ પાસે એક યુવાન ઉભો હતો. પેલી યુવતીને પોતાની તરફ આવતાં જોઇને એ યુવાન પણ બે ડગલાં ચાલ્યો હતો. એ યુવતી તેને જ બોલાવી રહી હતી...એ જ “વીનીત” હતો. ઝડપભેર ચાલતી યુવતી તેની પાસે પહોંચી અને એકદમ તેની સામે જઇને ઉભી રહી ગઇ. બે-ઘડી તે બંને એકબીજાને તાકી રહયાં. આટલે દુરથી પણ મને પેલા યુવાનની આંખામાં યુવતીને જોઇને આવેલી ચમક સ્પષ્ટ દેખાતી હતી. એક પ્રેમીની આંખોમાં હોય એવી ચમક...! પેલી યુવતીએ કંઇક કહયું અને પછી ખભે લટકતાં પર્સને ખોલી તેમાંથી ખાખી રંગનું એક પરબીડીયું કાઢી પેલા યુવક આગળ ધર્યુ. યુવક જાણે અચંભીત બનીને જોઇ રહયો, હાથ લંબાવીને તેણે પરબીડીયું લીધું અને હર્ષનો આવેગ છવાયો હોય એમ તે પેલી યુવતીને ભેટી પડયો. એ પરબીડીયું જાણે કોઇ ખજાનાની ચાવી હોય એટલો આનંદ તેનાં ચહેરાં ઉપર દેખાતો હતો. હું અચંભીત બનીને તે બંનેને જોઇ રહયો. માણસોની જબરજસ્ત આવા- જાહી વચ્ચે કોઇ યુવતીને આમ ભેટવું સભ્યતાની નિશાની તો નથી જ, છતાં તે યુવક બધું ભૂલીને યુવતીને ભેટયો હતો. મારી જેમ ત્યાં આજુબાજુમાં ઉભેલા લોકો પણ અચરજ પામીને તેમને જોઇ રહયાં. એક તો તે યુવતી હતી જ એટલી ખૂબસુરત કે પહેલેથી જ બધાનું ધ્યાન તેની તરફ ખેંચાયેલું હતું, અને તેમાં ઉપરથી સરેઆમ એક યુવક તેને ભેટી પડયો હતો એટલે ત્યાં કુતુહલ ફેલાવું સ્વાભાવીક હતું. પેલી યુવતીને કદાચ ખ્યાલ આવ્યો હશે એટલે હળવેક રહીને તેણે પેલાને પોતાનાથી અળગો કર્યો. પછી એ લોકો વાતોએ વળગ્યાં.

સાચું કહું તો અત્યારે મને પેલા યુવકની ઇર્ષા થઇ રહી હતી. ખબર નહી કેમ, પણ હું મારી જાતને એ યુવકની જગ્યાએ કલ્પવા લાગ્યો હતો. તેઓ બંને ખૂબ જ ગંભીરતાથી કોઇ વિષય ઉપર ચર્ચા કરતા હોય એવું પ્રતિત થતું હતું. મને અચાનક તેમની વાતચીત સાંભળવાનું મન થયું. મારી જગ્યાએથી ખસીને હું તેમની તરફ ચાલ્યો અને બુક સ્ટોલ સુધી આવીને ત્યાં મુકાયેલા મેગેઝીનનાં થપ્પાઓમાં ખાંખાખોળા કરવા લાગ્યો.

“હું તારી સાથે આવું તો તને તકલીફ શું છે...?” પેલા યુવકનાં શબ્દો મારા કાને પડયા

“ નહિં વિનીત...! મારે કારણે તારે જોખમ ઉઠાવવાની જરૂર નથી. હું પહોંચી વળીશ...” યુવતી બોલી. તેનો અવાજ થોડો ભારે હતો... સાંભળવો ગમે એવો. યુવકનું નામ વિનીત હતું એ મને જાણવા મળ્યું હતું...પરંતુ મને તો એ યુવતીનું નામ જાણવાની તીવ્ર ઇચ્છા હતી.

“ હું પહોંચી વળીશ...! હંહ્... જોઇ હવે ઝાંસીની રાણી બનીને ફરે છે તે...!” યુવકનાં અવાજમાં મજાકનો “ટોન” હતો. છતાં જે રીતે તે બોલ્યો હતો એનાં ઉપરથી લાગતું હતું કે તેને એ યુવતીની ચીંતા છે.

“ વિનીત...! ડીયર, તું ફક્ત આ રોલ મને ડેવલપ કરાવી આપ, બાકીનું બધું હું ફોડી લઇશ. તને ખબર છે, મહા-મુસીબતે પેલો લાઇબ્રેરીવાળો છોકરો મને આ રોલ લાવી આપવા સહમત થયો હતો. કેટલા ધક્કા, કેટલી સમજાવટ પછી તેણે ખાંખાખોળા કરીને આ ચીજ શોધી હતી. અને તેમાં પણ ઉપરથી પેલા બુલેટવાળાની ઉપાધી...! ”

“ બુલેટવાળો...? કોણ બુલેટવાળો...? ” યુવકે હેરાનીથી પુછયું.

“ અરે હતો એક...! મારી પાછળ પડયો હતો. માંડ-માંડ તેનો પીછો છોડાવ્યો...”

“ ડોન્ટ ટેલ મી....! અને તું કહે છે કે મારી ઉપર જોખમ થશે. જોખમ તો તને છે એવું મને લાગે છે. તું મને આખી વાત જણાવતી કેમ નથી કે આખરે માજરો છે શું...? અને તું કયા ચક્કરમાં ફસાઇ છો...? ” યુવક ખરેખર ચીંતીત થઇ ઉઠયો.

“ અરે બાબા...! કોઇ જ ચક્કર નથી. હું તને બધું જણાવીશ, પરંતુ નિરાંતે. અત્યારે સૌથી અગત્યનું કામ આ રોલમાં છે એ ફોટા મેળવવાનું છે. તું ગમે ત્યાંથી આ રોલ ડેવલપ કરાવવાનો મેળ પાડ...પછી તને હું બધુ સમજાવીશ...” યુવતી ધરાર માનતી નહોતી. તે બંન્ને બસ, એમ જ વાતો કરી રહયાં હતાં. લાંબા સમય સુધી હું પણ ત્યાં ઉભો રહી શકું તેમ નહોતો. પેલો બુકસ્ટોલવાળો મારી સામું કંટાળાભરી નજરે જોતો હતો. જે રીતે હું બધી મેગેઝીનોનાં પેજ ઉથલાવી રહયો હતો એના ઉપરથી તેને હું કોઇ લપળો ગ્રાહક લાગતો હતો.

“ અચ્છા, તું રોકાઇ છો કયાં.....?” આખરે વિનીત નામનાં યુવકે વાત પડતી મુકવાનાં ઇરાદાથી પુછયું.

“ હોટલ ગેલેક્ષીમાં..! અહીથી બહાર નીકળતાં સામે જ છે. પણ તું ત્યાં આવતો નહી. બની શકે કે અહી પણ કોઇ મારો પીછો કરી રહયું હોય. રોલ ડેવલપ થાય એટલે તું મને ફોન કરજે, હું તને સામેથી મળવા આવીશ.” યુવતી બોલી. તેને પણ હવે કદાચ ઉતાવળ હતી. હું એ લોકોની એકદમ નજીક ઉભો હતો એટલે તેમની વચ્ચે થતી વાતચીત સ્પષ્ટ રીતે સાંભળી શકતો હતો. પછી એ લોકો છૂટા પડયાં. પેલો યુવક ફરીથી તેને ભેટયો હતો. યુવતીએ તેને “ બાય” કહયું અને પાછી ફરીને તે પણ ચાલવા લાગી. હું મુંઝાયો....! મારે શું કરવું જોઇએ એ તરત નિર્ણય ન લઇ શકયો. દિલ કહેતું હતું કે હું એ યુવતી પાછળ જાઉં...મારે હજુ તેનું નામ પણ જાણવું હતું. જો તે અહીથી ચાલી ગઇ તો કદાચ ફરી આ જન્મારે તે ફરી મને મળે એવાં કોઇ ચાન્સ જ નહોતો. પરંતુ બીજી બાજું મારું દિમાગ મને મુંબઇ ધકેલી રહયું હતું. મારી ટ્રેનનો સમય થતો આવતો હતો. મારે તાત્કાલીક કોઇ નિર્ણય કરવાનો હતો. હું ઘડીભર મુંઝાઇને ત્યાં જ ઉભો રહયો. તાત્કાલીક કોઇ નિર્ણય પર આવવું એ મારા સ્વભાવમાં પહેલેથી જ નહોતું.

(ક્રમશઃ)

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.

ધન્યવાદ.

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નસીબ.

અંજામ.

નગર.

આંધી. પણ વાંચજો.

***