Devil - EK Shaitan -4 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૪

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ડેવિલ એક શૈતાન-૪

ડેવિલ-એક શૈતાન

ભાગ:૪

અર્જુન અને નાયક ની ડ્યૂટી રાધાનગર માં હોય છે-કોઈની જાણ બહાર થોડા દિવસ પહેલા કબ્રસ્તાન માંથી એક સંદિગ્ધ દ્વારા લાશ ની ચોરી થયેલી હોય છે-શહેર માં ૧ યુલગ ની બહુ ખરાબ દશા માં લાશ મળે છે-ફોરેન્સિક ટીમ દ્વારા એને હિંસક પશુ નો હુમલો ગણવામાં આવે છે-ફાધર થોમસ અર્જુન ને રાધાનગર શહેર પર મોટી મુસીબત આવવાની છે એ વાત જણાવે છે-અર્જુન ને એક બીજો રહસ્યમયી લેટર મળે છે-રાઉન્ડ પર નીકળેલ નાયક અર્જુન ને બીજી હત્યા ની ઘટના વિશે જાણ કરે છે-હવે આગળ......

અર્જુન જ્યારે મુનલાઈટ સોસાયટી ના બંગલા નમ્બર ૨૭ જોડે પહોંચે છે ત્યારે બહાર બહુ ભીડ જમા થઈ હોય છે. અર્જુન પોતાનું બુલેટ પાર્ક કરી લોકો ની ભીડ ને ખસેડતો ઘર માં પ્રવેશ કરે છે. બારણાં ની બહાર જાવેદ ઉભો હોય છે જે એ વાત નું ધ્યાન રાખતો હોય છે કે કોઈ વ્યક્તિ અંદર ના જાય. અર્જુન ને જોઈ એ સલામ કરે છે અને કહે છે

"જય હિન્દ, સાહેબ અંદર નાયક સાહેબ અને બીજા કોન્સેબલ હાજર છે. નાયક સાહેબે ફોન કરી ફોટોગ્રાફર ને બોલાવી લીધો છે. ફોરેન્સિક ટીમ પણ હમણાં આવતી જ હશે.

"ગુડ, તું અહીં જ ઉભો રહેજે અને ધ્યાન રાખજે કોઈ અંદર આવી ન જાય"આટલું કહી અર્જુન ફટાફટ અંદર પ્રવેશે છે.

નાયક અને બીજા કોન્સ્ટેબલ આખા ઘર ને ફંફોસી રહ્યા હોય છે અર્જુન ને જોઈ બધા અટકી જાય છે.

"નાયક, આ બધું ક્યારે બન્યું અને તમે કેવી રીતે અહીં આવ્યા? "અર્જુને નાયક ને સવાલ કર્યો.

"સાહેબ અમે રાઉન્ડ પર હતા અને ચા પીવા મુનલાઈટ સોસાયટી ની સામે આવેલા કિસ્મત ટી સ્ટોલ એ ઉભા હતા ત્યારે ખૂન ખૂન એવી બુમો સાંભળવા મળી એટલે અમે બધા દોડતા એ તરફ આવ્યા.. આવીને જોયું તો એક મહિલા બુમો પાડી રહી હતી, એના ચહેરા પર ડર ના ભાવો સ્પષ્ટ દેખાતા હતા.. પહેરવેશ પર થી એ કામવાળી હોય એવું લાગતું હતું"નાયકે કહ્યું.

"પછી શું થયું?"અર્જુને સવાલ કર્યો.

"પછી એ મહિલા અમને આ બંગલા સુધી લાવી અને કહ્યું આ બંગલો કનુભાઈ દેસાઈ નો છે હું આ ઘર માં ઘરકામ કરવા આવું છું. શેઠ એમના પત્ની વિમળા બેન અને વાલજી કરી ને એક નોકર જોડે રહેતા હતા. સવારે જ્યારે હું કામ પર આવી તો કોઈએ બારણું ના ખોલ્યું એટલે મેં બારી માંથી અંદર નજર કરી તો મારા શેઠ અને શેઠાણી ની લોહી નીતરતી લાશો જોવા મળી, આટલું કહી એ મહિલા જેનું નામ લીલા હતું એ પોક મૂકી રડવા લાગી"નાયકે કહ્યું..

"ત્યારબાદ તમે કઈ રીતે અંદર પ્રવેશ્યા?"અર્જુને પૂછ્યું.

"સાહેબ મેં બારી માંથી અંદર નજર કરી તો લીલા ની વાત એકદમ સાચી હતી. મેઈન હોલ માં સોફા ની બાજુ માં વૃધ્ધ દંપતી ની લાશો પડી હતી અને એની આજુબાજુ લોહીનું ખાબોચિયું હોય એવું લાગી રહ્યું હતું. પછી કોન્સ્ટેબલો ને ઘર ની ફરતે ચક્કર મારવા કહ્યું ક્યાંક અંદર જવાનો કોઈ રસ્તો મળી જાય તો બારણું તોડવાની કોઈ નોબત ના આવે. થોડી વાર માં જયેશ એ કહ્યું કે પાછળ એક બારી ખુલ્લી છે એમાંથી અંદર જવાય એવું છે. ત્યારબાદ મેં લીલા ને પાણી પાયું અને બહાર ઓટલા પર જ બેસવા કહ્યું અને હું બીજા પોલીસ ઓફિસરો ને લઈ પાછળ ની બારી ના રસ્તે અંદર આવ્યો અને મેઈન ડોર જે અંદર થી લોક હતો અને ખોલ્યો"નાયકે વિગતવાર વાત કરી.

ત્યારબાદ અર્જુને હોલ માં રાખેલી ત્રણેય લાશો પર થી કાપડ દૂર કરી એક નઝર નાખી. પહેલી ઘટના ના જેમ આ વખતે પણ ત્રણેય ડેડબોડી ના આખા શરીર પર ઠેકઠેકાણે કોઈએ બચકા ભર્યા હોય એવા નિશાન હતા. ચેહરા અને ગળા પર તો માંસ અને લોહી સિવાય કંઈ દેખાતું જ નહોતું એમાંયે નોકર વાલજી ની લાશ તો ખૂબ બિહામણી લાગી રહી હતી, એની આંખો નો એક ડોળો બહાર લટકી રહ્યો હતો અને માથું ધડ થી લગભગ અલગ થઈ ગયું હોય એવી દશા માં હતું. પેટ ના ભાગે તો કોઈએ ઝનૂનથી ચીરફાડ કરી હોય એવું લાગતું હતું.

"આ લાશ ની દશા તો બહુ ખરાબ છે"અર્જુને વાલજી પર કપડું પાછું ઢાંકતા કહ્યું.

"હા સાહેબ આ નોકર ની લાશ છે જે અમને હોલ અને રસોડા ના વચ્ચે થી મળી. એની લાશ જોઈને તો એવું જ લાગે છે કે એને મારતી વખતે પાશવીપણા ની હદ ને પણ વટાવી દેવામાં આવી હોય. "નાયકે કહ્યું.

આ દરમિયાન ફોરેન્સિક ટીમ પણ આવી ગઈ અને ફોટોગ્રાફર પણ ત્યાં હાજર હતો એટલે એ પોતપોતાની રીતે આગળ ની પ્રોસેસ પુરી કરવામાં લાગી ગયા. ફોટોગ્રાફર દ્વારા સમગ્ર હોલ અને કોર્ડન કરેલા વિસ્તાર ના ફોટો લેવામાં આવ્યા. અર્જુન પોતાની રીતે બંગલા ના બધા રૂમ માં ફરી આવ્યો. અર્જુને અનુમાન લગાવ્યું કે કાતિલ કોઈ ઓળખીતું હોવુ જોઈએ અથવા તો પાછળ ખુલ્લી રહેલી બારી માંથી આવ્યું હોવું જોઈએ. કેમકે દરવાજા ને બળપૂર્વક તોડવાના કોઈ ચિહ્નો જોવા મળ્યા નથી. અર્જુન ત્યારબાદ વાલજી ની લાશ જ્યાં મળી હતી ત્યાં ગયો અચાનક એની નજર ખૂણા માં પડેલા એક મોટા લાકડા ના મજબુત ડંડા પર પડી.

અર્જુને સાવચેતી પૂર્વક એ ડંડા ને હાથમાં લીધો અને એનું નિરીક્ષણ કરવા લાગ્યો. અર્જુન ની નજર એ ડંડા ના છેડા પર ગઈ જ્યાં કાળા રંગ નો કોઈ ચીકણો પદાર્થ હોય એવું એને લાગ્યું. એને એ ડંડા ને લાવીને ફોરેન્સિક ટીમ ને આપ્યો.

પછી અર્જુન બહાર આવીને ફોરેન્સિક ટીમ ની કાર્યવાહી જોવા લાગ્યો. ફોરેન્સિક ટીમ ને પણ પાછળ આવેલી ખુલ્લી બારી જોડે થી ડંડા પર છે એવા જ ચીકણા પદાર્થ ના ટીપાં મળી આવ્યા જે એમને લેબ માં તપાસ કરવા માટે લઈ લીધા. બધી કાર્યવાહી પતી ગયા બાદ અર્જુને ત્રણેય લાશો ને પોસ્ટમોર્ટમ માટે મોકલવાનો હુકમ કરી દીધો અને ૨ કોન્સ્ટેબલો ને ત્યાં જ હાજર રહેવાનું કહી બંગલા ની બહાર આવ્યો.

બહાર ઓટલા પર બેઠેલી લીલા જોડે કનુભાઈ અને વાલજી ના ફેમિલી મેમ્બર વિશે જાણકારી મેળવી નાયક ને એ બધા ને આ ગોઝારી ઘટના વિશે જાણ કરવાનું સૂચન કરી એ પોતાની બુલેટ લઈને પોલીસ સ્ટેશન જવા માટે રવાના થયો. રસ્તામાં એના મગજ માં સવારે મળેલા લેટર ના શબ્દો ચક્રવાત મચાવી રહ્યા હતા.

પોલીસ સ્ટેશન પહોંચીને એ તાત્કાલિક પોતાની કેબીન માં આવ્યો અને આજે મળેલા લેટર ને હાથ માં લઈને એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરવા ની કોશિશ માં લાગી ગયો.

"સત્ય એક એવી વસ્તુ છે જેનાથી તમે દૂર ભલે ભાગો પણ એ એક ના એક દિવસ તમારી આંખ સમક્ષ આવીને ઉભું જ રહે છે અને ત્યારે જ તમને એના સાતત્ય નો સાચો અહેસાસ થાય છે"

એનો મતલબ કાઢતાં અર્જુન એ નિષ્કર્ષ પર આવ્યો કે કોઈ વ્યક્તિ એને આ લેટર દ્વારા એ વાત નું સૂચન કરી રહ્યો છે કે અત્યારે એ જે વિચારે છે એ ખોટું છે, સત્ય કાંઈક બીજું જ છે જે કોઈ ચોક્કસ સમયે એની સામે આવશે.. . !! કાળા રંગ નો એ ચીકણો પદાર્થ શું હતો? એ તો ફોરેન્સિક તપાસ પછી જ ખબર પડવાની. પણ જે રીતે શહેર ની મધ્ય માં અને ગીચોગીચ વસ્તી વાળા એરીયા માં આ લાશો મળી આવી છે એ પર થી એ વાત તો માનવી જ રહી કે આ કોઈ જંગલી પશુ દ્વારા થયેલો હુમલો નથી.

સાંજ પડતા તો ફોરેન્સિક ટીમ નો રિપોર્ટ અને ડોકટર નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પેહલા બનેલી ઘટના માં આવેલ રિપોર્ટ જેવો જ હતો. શરીર પર ના ઘા અને લાશો ની દશા પર થી આને પણ ડોકટર હિંસક પશુ નો હુમલો જ કહી રહ્યા હતા. ગળા ની નસ કાપીને પેહલા ત્રણેય ની કરપીણ હત્યા થઈ હતી પછી એમની લાશો ની દાવત કરવામાં આવી હોય એમ આખા શરીર ને ચૂંથવામાં આવ્યું હતું. આ પુરાવા પર થી તો એજ સાબિત થતું કે આ કોઈ હિંસક પશુ દ્વારા થયેલો હુમલો જ છે.

ફોરેન્સિક રિપોર્ટ માં જે ખુલાસા હતા એ અર્જુન ને ચોંકાવી દેવા માટે કાફી હતા. ફોરેન્સિક રિપોર્ટ મુજબ ડંડા પર મળેલો ચીકણો પદાર્થ અને બારી જોડે મળેલા ટીપાં એક જ વસ્તુ ના હતા. ફોરેન્સિક ટીમ દ્વારા તપાસ માં એ દ્રવ્ય નું બંધારણ માનવ ના લોહી ને મળતું હોય એવું માલુમ પડી રહ્યું હતું. આ ઉપરાંત ફોરેન્સિક ટીમ દ્વારા એ વાત ની પણ પૃષ્ટિ કરાઈ હતી કે આ પ્રકાર નું લોહી એમની લેબમાં પહેલી વાર ટેસ્ટિંગ માટે આવ્યું છે. એનું બંધારણ તો માનવ લોહી ને મળતું આવે છે પણ સેમ્પલ માં મળેલો લોહીનો DNA બહુ વિકૃત અવસ્થા માં હતો. જેનું પણ આ લોહી હતું એ વ્યક્તિ ની સ્થિતિ અત્યારે નોર્મલ તો નહોતી જ.. . !!

પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા પછી અર્જુને ત્રણેય લાશો ને એમના પરિવાર ને સુપ્રત કરી દીધી અને નાયક અને બીજા કોન્સ્ટેબલ ને ૩-૪ અલગ અલગ ટીમો બનાવી શહેર માં આખીરાત રાઉન્ડ કરવા માટે નું કડક સૂચન પણ આપી દીધું.

આજે અર્જુન ને જમવાનો મૂડ નહોતો એટલે એને પીનલ ને કોલ કરી પોતે સાંજે જમવા આવવાનો નથી એટલે મારી રાહ જોયા વગર તું ખાઈ લેજે અને બારી બારણાં બંધ કરી સુઈ જજે એમ જણાવી દીધું. આજે રાતે અર્જુને પોલીસ સ્ટેશન માં જ રોકાવાનું નક્કી કરી લીધું.

અત્યારે ફોરેન્સિક રિપોર્ટ વાંચ્યા પછી અર્જુનનું મગજ જાણે કે સુન્ન મારી ગયું હતું એટલે એને પોતાની રોજ ની ટેવ મુજબ મૂડ ઠીક કરવા ઉપરાઉપરી ૨ સિગરેટ ફૂંકી મારી અને પછી ખુરશી માં બેઠો.

અત્યારે એના હાથ માં કોઈ અજાણ્યા માણસે મોકલાવેલા ૨ લેટર હતા.. વારંવાર વાંચ્યા પછી પણ અર્જુન કોઈ નિર્ણય પર ના પહોંચી શક્યો કે આ લેટર કઈ દિશા માં સૂચન કરી રહ્યા છે. અચાનક એને ફાધર થોમસ ના શબ્દો યાદ આવ્યાં જેમાં એમને કહ્યું હતું કે"૨-૩ દિવસ માં બીજી કોઈ ઘટના રાધાનગરમાં જરૂર બનશે, અને નજીક માં આપણી મુલાકાત થશે" તો શું ફાધર થોમસ પેહલા થી આ ઘટના વિશે જાણતા હતા. અને જાણતા હતા તો કેવી રીતે?

આ સવાલો ના જવાબ કોઈ આપી શકશે તો એ ફાધર થોમસ જ. એટલે મારે એમને અત્યારે ને અત્યારે મળવું પડશે એમ વિચારી અર્જુન જાની ને પોતે ક્યાંક બહાર જાય છે એમ કહી બુલેટ ને સ્ટાર્ટ કરી નીકળી પડ્યો સેન્ટ લુઈસ ચર્ચ તરફ.

ચર્ચ ની બહાર બાઇક ને પાર્ક કરી અર્જુન અંદર પ્રવેશ કરે છે. ત્યાં ફાધર થોમસ નાના અનાથ બાળકો ને કંઇક ભણાવતા હોય છે આ દ્રશ્ય જોઈ અર્જુન થોડે દૂર ઉભો રહી જાય છે. અચાનક ફાધર ની નજર એના પર પડે છે એટલે અર્જુન ને ઉદ્દેશીને ફાધર કહે છે

"અર્જુન, હું આવું છું તું આ તરફ આવ"ત્યારબાદ બાળકો ને શાંતી થી બેસવાનું કહી ફાધર અર્જુન ની તરફ આવ્યા.

અર્જુને ફાધર ના ચરણ સ્પર્શ કર્યા અને બોલ્યો"ફાધર મારે તમારી સાથે એક વાત કરવી છે"

"મને ખબર છે બેટા તારે શું વાત કરવી છે, અને તારા મન માં શું ચાલી રહ્યું છે. મને ખબર જ હતી તું મને મળવા જરૂર આવીશ. "ફાધરે કહ્યું.

"તમને ખબર હતી કે હું તમને મળવા આવવાનો છું અને હું કેમ મળવા આવ્યો એનું કારણ પણ તમે જાણો છો?"અર્જુને આશ્ચર્ય સાથે કહ્યું.

"હા અર્જુન તું એજ પૂછવા આવ્યો છે ને કે આજે મુનલાઈટ સોસાયટી માં બનેલી ઘટના વિશે મને પેહલા થી જ અંદેશો કેમ આવી ગયો હતો.. અને આજે જ્યારે ન્યુઝ માં સાંભળ્યું આજ ની ઘટના વિશે ત્યારે મને વધુ નવાઈ ના લાગી"ફાધરે કહ્યું.

"પણ આપ કઈ રીતે પેહલા થી જ એમ કહી શકો કે નજીક માં કોઈ ભયંકર ઘટના આ શહેર માં બનવાની છે.. જે આ શહેર પર આવનારી મુસીબત ની નિશાની હશે? અર્જુને સવાલ કર્યો.. .

"બેટા એ પણ તને જણાવું પણ તારે હવે મારી વાત ને ગંભીરતા થી લેવી જ પડશે નહીંતો આવી ઘટનાઓ આ શહેર માં અટકવાનું નામ જ નહીં લે"ફાધર થોમસે કહ્યું.

"હા ફાધર હવે હું મારું કાર્ય ખૂબ સતેજતા થી કરીશ. "અર્જુને વિશ્વાસ ના સ્વર માં કીધું.

"તો સાંભળ.. જ્યારે પ્રથમ ઘટના બની એ દિવસે સવારે હું મારી રોજ ની ટેવ મુજબ બગીચા ના ફૂલો ને પાણી પીવડાવતો હતો ત્યારે એક વસ્તુ એ મારું ધ્યાન ખેંચ્યું. બગીચા માં આવેલ ફૂલો માંથી કોઈ લાલ રંગ નો પદાર્થ ઝરતો હતો.. મેં હાથ નો સ્પર્શ કરી જોયું તો એ પદાર્થ બીજું કંઈ નહીં પણ રક્ત હતું.. આ પ્રસંગે મને અંદર સુધી હચમચાવી દીધો હતો અને આવી જ ઘટના ગઈકાલે સવારે બની.. . "આ બોલતી વખતે ફાધર ના ચેહરા પર નો ડર અર્જુન થી છુપો નહોતો.

"એનો મતલબ કે કોઈ દૈવી શક્તિ એ તમને પેહલા થી જ આવી કોઈ ઘટના બનશે એના સંકેત આપી દીધા હતા.. "અર્જુને કહ્યું..

"યસ માય ચાઈલ્ડ.. એમ જ સમજ.. આ વખતે ભોગ બનનારા વ્યક્તિઓ ની લાશો શહેર ની મધ્ય માંથી મળી છે અને એ વિસ્તાર પણ ગીચ વસ્તી વાળો છે એટલે જંગલી પશુ દ્વારા આ ઘટના ને અંજામ અપાયો હોય એ વાત પર મને થોડો પણ વિશ્વાસ નથી"ફાધરે કહ્યું.

"હા ફાધર મને પણ એવું લાગે છે કે આ કોઈ માણસ નું કામ છે. પણ લાશ ની હાલત અને મારવાની રીત પર થી એ વાત હું કેમેય કરી સ્વીકારી શકતો નથી. કેમકે કોઈ માણસ આટલી ક્રૂરતા થી કોઈ હત્યા કઈ રીતે કરી શકે??"અર્જુને કહ્યું..

"બેટા તારી વાત સાચી છે આ હરકત ના તો કોઈ મનુષ્ય ની છે ના તો કોઈ પશુ ની.. આ બધા ઘટનાક્રમ પાછળ કોઈ શૈતાની શક્તિ નો હાથ છે.. હજુ એને રોકવામાં નહીં આવે તો આખા રાધાનગર શહેર માં હાહાકાર મચી જશે.. કોઈ બચશે નહીં એ શૈતાની શક્તિ ના પ્રકોપ થી. "ફાધરે કહ્યું ત્યારે એમની આંખો ના ભાવ સાવ બદલાઈ ગયા હતા. હંમેશા શાંત દેખાતી ફાધર ની આંખો માં અત્યારે ચિંતા દેખાઈ રહી હતી.

"ફાધર હું મારા થી બનતા પૂરતા પ્રયાસ કરીશ આ બધા પાછળ કોણ છે એ શોધવામાં, આ બધી ઘટના પાછળ જે કોઈપણ હશે એ મારી ચુંગાલમાંથી બચી ને ક્યાંય જઇ નહીં શકે. શૈતાની શક્તિ ની વાત સાથે તો હું સંપૂર્ણ સહમત નથી પણ આ બધું કરવાવાળો કોઈ શૈતાન થી ઓછો તો ના જ કહેવાય"અર્જુને કહ્યું.

"એતો અર્જુન તું જે વિચારે એ ખરું, પણ એક વાત ચોક્કસ યાદ રાખજે આ ઘટના ને રોકવા માં તારી બુદ્ધિ અને તાકાત ઉપરાંત દૈવી શક્તિ ના આશીર્વાદ ની પણ તારે જરૂર પડશે.. બેટા આ દોરો તારા હાથ માં વીંટી દઉં છું.. એ તને દરેક મુશ્કેલી સામે લડવાની તાકાત આપશે"આટલું કહી ફાધર થોમસે અર્જુન ના હાથ માં એક કેસરી રંગ નો દોરો પહેરાવી દીધો.. અર્જુને પણ એનો કોઈ વિરોધ ના કર્યો.. !!

"ફાધર મને આશીર્વાદ આપો કે હું આ અપરાધ ની જડ સુધી પહોંચી જાઉં"અર્જુને માથું નીચે નમાવી ને કહ્યું.

"ગોડ બ્લેસ યુ માય ચાઈલ્ડ, પરમ કૃપાળુ પરમાત્મા હંમેશા તારી સાથે જ છે.. "અર્જુન ના માથે હાથ મૂકી ને ફાધર થોમસે કહ્યું.

"હવે હું નીકળું પોલીસ સ્ટેશન જવા માટે"અર્જુન ફાધર ની રજા લઈને નીકળે છે.

બુલેટ પર સવાર થઈને જતાં અર્જુન ની પીઠ ને જોઈ રહેલા ફાધર થોમસ હાથ વડે ક્રોસ નું ચિહ્નન બનાવી અર્જુન ને એના કામ માં સફળતા મળે અને આ શહેર ની શાંતી જળવાઈ રહે એવી લોર્ડ જીસસ જોડે મનોમન કામના કરે છે. !!!

To be continued.....

ફાધર થોમસ ના કહ્યા પ્રમાણે શું આ ઘટના પાછળ કોઈ શૈતાની શક્તિ નો હાથ હશે? અર્જુન ને લેટર મોકલાવનાર વ્યક્તિ કોણ હતું? એ કાળા રંગ નું લોહી કોનું હતું? લાશ ને ચોરી કરી લઈ જનારી વ્યક્તિ કોણ હતી? હજુ રાધાનગર માં બીજી કોઈ દુર્ઘટના થશે કે અર્જુન એને રોકી લેશે? આ બધા સવાલો ના જવાબ આપને મળશે આવતા મંગળવારે ડેવિલ-એક શૈતાન ના નવા ભાગ માં. આ નોવેલ અંગે નો આપનો કિંમતી અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર જણાવી શકો છો.

-જતીન. આર. પટેલ