Andhari raatna ochhaya - 3 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | અંધારી રાતના ઓછાયા-3

Featured Books
Categories
Share

અંધારી રાતના ઓછાયા-3

આ પિશાચી અત્યાચારો અને હત્યાઓની કહાની અહીંથી શરૂ થતી હતી.

માલદિવ પર અણધાર્યો કાળોકેર ઉતર્યો હતો. કોઈ ભયાનક રોગના સકંજામાં માણસજાત આવી ગયેલી. લોકોમાં ઠેરઠેર ફફડાટ વ્યાપી વળ્યો હતો. રોકકળ મચી ગયેલી. કોણ કોનાં આંસુ લૂછતુ. જગ્યા-જગ્યાએ વૃક્ષના પીળાં પાંદડાની જેમ માણસો ખરી રહ્યાં હતાં. કોઇ કારી કારગત નીવડે એમ નહોતી.

કોઈ પણ ઈલાજ આ ઘાતક રોગને નાથી શકવા માટે અસમર્થ નીવડ્યો હતો. રોગચાળાના આ ભયાનક ભોરીંગના ભરડામાં જે કોઈ આવતું ગયું. એના શરીર ઉપર કાળાં ચાઠાં ઉપસી આવતાં હતાં. અસહ્ય ખંજવાળ આવતી. ન રહેવાતા જે કોઈ રોગ ગ્રસ્ત વ્યક્તિ એ ચાઠાં ઉપર ખંજવાળ તું તો જાણે શરીર આખું પાકી ગયું હોય એમ જગ્યા જગ્યાએથી પરૂ નીકળવા લાગતું. અસરગ્રસ્તોની હાલત અત્યંત દયાજનક હતી. ઝડપથી અનેક જિંદગીઓ રૂંધાઇ રહી હતી. લોકો ત્રાહિમામ પોકારી ગયેલા. સૌની દયાજનક દ્રષ્ટિ હવે વળી-વળીને ઉપર તરફ ઊઠતી હતી. હે પરમાત્મા..! હવે રહેમ કર ..! લોકોની આંતરડી કકળી ઊઠેલી.

ત્યારે જ...ત્યારે જ એક ચમત્કારિક ઘટના ઘટી. ગામની બહાર ઘટાટોપ વટવૃક્ષની છે. લાંબી દાઢી અને જટાધારી તપસ્વિની પેઠે સમાધિ લગાવી બેઠેલા એક સાધુ બાબાને સૌએ બિરાજમાન જોયા. જાણે કે સાક્ષાત ઈશ્વરના ફરિશ્તા.. રોગગ્રસ્ત ગામ લોકોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ. એક-બે આગેવાનોએ બાબા પર આશા ભરી નજર માંડી. માલદીવ ગામ ઉપર કાળો કેર વર્તાવનાર અસાધ્ય વ્યાધિને નાથવા બાબાના પગ લોકોએ પકડી લીધા. ગામના મુખીએ નમન કરી બાબાને કહ્યુ.

"પોતાના ઓજસથી દૈદિપ્યમાન.. સૌમ્ય વદનારવિંદ વાળા ઋષિ-મુનિ ગામ આખું પ્રાણઘાતક વ્યાધિની અસરથી કણકસી રહ્યું છે. ટપ-ટપ માનવ જીંદગીઓ ખરી રહી છે. બની શકે તો આપ જપ તપ અને જ્ઞાનના અમૃતકુંભ વડે અમારા દુખો, અમારી યાતનાઓને ભસ્મીભૂત કરો. તમારાં કર્મોને અજવાળવા કદાચ પ્રભુએ આ દિવ્યયોગ સર્જ્યો હશે. જેથી આપના પાવન પગલાં આ ગામમાં પડયાં.

ગામના આગેવાનોની અને મુખીની ભીની આંખની તડપ ભરી આજીજી એ તપસ્વી મહામાનવને સ્પર્શી ગઈ. પછી જે થયું એ એક ચમત્કાર હતો. બાબાના સંમતિસૂચક 'હું'કારથી રોગીઓને ક્રમશઃ એમના સાનિધ્યમાં લાવવામાં આવ્યાં. કોઈ ગુણકારી વનસ્પતિનો મિશ્રિત ગર સુજ્ઞ વૈદજીની જેમ જરૂરિયાત મુજબ તેઓ આપતા રહ્યા. બાબા નો ઈલાજ રામબાણ સાબિત થયો. મૃત્યુના મુખમાંથી પાછા ફરેલા લોકોની આંખમાં હર્ષની હેલી હતી. કોઇ પણ જાતની અપેક્ષા વિના આ દૈવી આત્માએ માનવજાતની અંતઃ પૂર્વક સેવા કરી. ગામલોકો અહોભાવથી દેવદૂત જેવા પરોપકારી આત્માની ચરણરજ માથે ચડાવી રહ્યા હતા. ગામમાં તેઓ વિરલ અસાધારણ આત્મારૂપે પ્રસિદ્ધિ પામી ગયા. ધીમે-ધીમે માલદીવ પરથી એક ભયંકર રોગનો ખતરો ટળી ગયો. ત્યારે એક નવું જ કૌતુક લોકોએ નજરે નજર જોયું. વટવૃક્ષ નીચે સમાધિગ્રસ્ત બેઠેલા ઋષિ-મુનિ એકાએક અદ્રશ્ય બની ગયા હતા.

આ ઘટનાની લોકમાનસ પર ઘેરી અસર થયેલી. લોકોમાં ઘણી અટકળો વહેતી થયેલી. કોઈ એમને સિદ્ધ યોગી કહેવા લાગ્યું, તો કોઈએ ઈશ્વરીય દૂત તરીકે એમને ઓળખે.. કેટલાંક બુદ્ધિશાળી લોકો એ 'સુવર્ણગીરીના' પર્વતાળ પ્રદેશની ફરતે આવેલા પ્રગાઢ જાળીવાળો ગીચ જંગલોની મધ્યમાં શ્વેત ગુફાની અને કિવદંતિઓથી ઘેરાયેલા "ધવલગિરિ મહારાજ" સાક્ષાત પ્રગટ થયા હોવાનું કબૂલ્યુ.

ચોક્કસ રીતે અપરિચિત એવા ઋષિ મુનિના આગમન પછી કુલદીપના માનસપટ પર એકદમ પલટો આવી ગયો હતો. પોતાના ઈલમના ઓજસથી માનવજાત પર છવાઈ જનાર આ ઋષિને લઈ કુલદીપે મિત્રો મોહન અને મેરુ સાથે ચર્ચા આદરી.

"ભાઈ આવું અદભૂત ઈલમતો ધવલગિરિ મહારાજને વર્યું છે. આપણા વડવાઓની માન્યતાઃ રહી છે જ્યારે જ્યારે સૂવર્ણનગરીના પર્વતાળ પ્રદેશની આસપાસ નાના ગામોમાં આફતો આવી છે ત્યારે ત્યારે ધવલગિરિ મહારાજે કોઈને કોઈ રૂપે અણધાર્યું આગમન કરી માણસજાતનું રક્ષણ કર્યું છે અને આ વખતે પણ ધવલગિરિ પોતે જ આવેલા એ વાતમાં મને કોઈ શક નથી...!"

કુલદીપે પોતાનો મત રજૂ કર્યો.

"તારા આ સચોટ મત સાથે અમે સહમત છીએ કુલદીપ...!" મેરુએ કહ્યું

"પોતાની બુદ્ધિ અને અસામાન્ય જ્ઞાનથી અજવાળી અસાધારણ વ્યક્તિત્વ પ્રાપ્ત કરી સમગ્ર જીવસૃષ્ટિની સેવામાં આવા લોકો પોતાની જાતને તન-મનથી જોતરી દે છે..!"

"હા યાર..બૌદ્ધિક મનુષ્ય અવતાર મળ્યો જ છે તો સાર્થક કરી જાણવો જોઈએ..!" મોહનની આંખોમાં કંઈક કરી બતાવવાની મહત્વકાંક્ષા તરવરી ઊઠી.

કુલદીપને લાગ્યું હવે પોતાની વાતને રજુ કરવામાં કશો વાંધો નથી. પૂર્વભૂમિકા તૈયાર થઈ ગઈ હતી એટલે એણે મિત્રો સામે વાત મૂકી.

"તો પછી આપણે એમ કરીએ. ધવલગિરિ ઋષિના આ કિસ્સાથી આપણને પ્રેરણા મળી છે . આપણે એમના શિષ્ય બની જઈએ તો કેમ રહેશે...?"

કુલદીપના આ વિચારથી મેરુ અને મોહનની આંખમાં એક ચમક પસાર થઈ ગઈ.

"વિચાર ખૂબ સરસ છે. પરંતુ તમને ખબર છે. સુવર્ણ ગિરિમાળાના પ્રદેશમાં પ્રવેશતા જંગલોના માર્ગમાં સદીઓ પુરાણો એક શિલાલેખ છે. જેના પર સ્પષ્ટ ઉલ્લેખ છે ગીચ જંગલો અને પર્વતોની મધ્યમાં શ્વેત ગુફા આવેલી છે..જ્યાં પહોંચી જનારો કોઈપણ વ્યક્તિ અમી કુંભ સાથે અસાધારણ વ્યક્તિત્વ પામશે..!" પરંતુ આજસુધી કોઈ શ્વેતગુફા સુધી પહોંચી શક્યું નથી...!" મેરુ એ ખુલાસો કર્યો

"સાચી વાત છે..!"મોહને શાખ પૂરી શ્વેત "ગુફાએ જવાનો જેણે-જેણે પ્રયાસ કર્યો છે. એણે કાંતો રાની પશુઓનો ભોગ બનવું પડ્યું છે યા પછી એ કમભાગીને કોઈ ગેબી ભયથી માનસિક સમતુલા ગુમાવવી પડી છે. શ્વેત ગુફાનાં ધવલગિરિ સુધી કોઈ પહોંચી શક્યું હોય એવું સાંભળવામાં આવ્યું નથી.

ધવલગિરિ જેવા વિદ્વાન ઋષિના શિષ્ય બનવાની મનોકામના કોને ન હોય..? પરંતુ એ સૌના નસીબની વાત થોડી છે..! ભાગ્યશાળી હોય એજ આવા ઉત્તમ ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત કરી શકે છે અને વળી એટલુ આસાન હોત તો દરેક જણ ગુરુના પરમ ભક્ત બની ના જાય..? "

"એટલે સુધી પહોંચવું કઠિન જરૂર છે પરંતુ સાવ અશક્ય નથી. આપણે પ્રયાસ કરવો જોઈએ.

"તારી વાત સાથે હું સહમત છું કુલદીપ..! ગજુ હોય તો ગુરુઓના ચરણ સ્પર્શ થઈ શકે. અને મુસીબતો વેઠવાની હોય તો ત્યારે મોતને મુઠ્ઠીમાં લઈ નીકળવું પડે તો જ ધાર્યું કાર્ય પાર પડે. ડરપોકનું એમાં કામ નહીં...!"

"ઠીક છે હું મારા પિતાજીને મનાવી લઈશ..!" મેરુ ઉત્સાહથી કહ્યું.

"ગામના સરપંચ છે તારા પિતાજી...ઘરમાં તુ લાડકો હોવાથી તારી મનોકામના કોઈ ઉથાપી શકે એમ નથી.

કુલદીપ એ કહ્યું . "મોહન તારે તો કોઇની પરવાનગી લેવાની જરૂર નથી..!"

"હા, મારી આગળ-પાછળ કોઈ છે જ નહીં પંદર વર્ષની ઉમર હતી અને માતા-પિતા અકસ્માતમાં મારો સાથ છોડી ગયેલાં. ત્યારથી જ આ બંદા એકલા જ છે. મમ્મી પપ્પા મારી પાછળ ઘણી દૌલત મૂકી ગયા છે. જેથી મન માને એમ જીવવામાં મને વાંધો નથી...!"

'તો છેલ્લે રહી વાત મારી..! "

કુલદીપે રમતિયાળ સ્વરે કહ્યું.

"હું માસ્ટર મનજીતસિંહ નો લાડકો દીકરો હોઈ મને કશી રોકટોક નહોતી. સાહિત્યમાં ગજુ કાઢવા માંગુ એટલે વસ્તુ અને વાતાવરણની ભિન્નતા માટે મને માસ્ટરજી મતલબ કે મારા પિતાજી તરફથી પૂરેપૂરી છૂટ છે ઓ કે..!"

કુલદીપે પોતાના સહપાઠી મિત્ર કુમાર સાથે ઘરોંબો જાળવી રાખ્યો. સારા-નરસા પ્રસંગે બંને મિત્રો અચૂક મળતા હતા. લાંબા સમય માટે બહાર જવાનું હોય તો પરસ્પરને ટેલિફોનથી જાણ કરી દેતા. તેથી જ કુલદીપે પિતાશ્રીની પરવાનગી લઈ તરત જ કુમાર ને જાણ કરી દીધી કે પોતે અનિશ્ચિત સમય માટે સાહિત્યના એક સરસ પ્રોજેક્ટને પ્લેટફોર્મ મળે એ હેતુસર બહાર જઈ રહ્યો છે. સામેથી કુમારે "પોતાના ખ્યાલ રાખજે" એવી સલાહ આપેલી કૂલદિપે બધી તૈયારી કરી લીધી. અને બીજા દિવસે સૂર્યોદય પહેલા નક્કી કર્યા મુજબ જરૂરિયાત પૂરતો સામાન લઈ ત્રણે મિત્રોએ પોતાની મંઝિલ ભણી પ્રયાણ આદરી દીધું...

(ક્રમશ:)