બાજી
કનુ ભગદેવ
13 - ધમકીનો અમલ અને અંત...!
સુપ્રિમ હોટલના ત્રીજા માળ પર આવેલા આઠ નંબરના રૂમમાં મહેશ, રાજેશ, વિલીયમ અને જોસેફ બેઠા હતા.
તેમના એક હાથમાં શરાબનો ગ્લાસ અને બીજા હાથમાં સિગારેટ સળગતી હતી.
વાતાવરણમાં ચુપકીદી છવાયેલી હતી.
છેવટે રાજેશે ચુપકીદીનો ભંગ કર્યો.
‘ મહેશ...!’ એણે મહેશ સામે જોતાં કહ્યું, ‘ પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ ?’
‘ હા, રાજેશ...પણ...’
‘ પણ, શું...?’
‘ હું એકદમ મુંઝાઈ ગયો છું’
‘ કેમ...?’
‘ બ્લેક ટાઈગર મને એક અઠવાડિયામાં મારી નાખવાની ધમકી આપી છે...!’
‘ ક્યારે...?’
‘ પરમ દિવસે...!’
‘ એ કમજાતથી તું ગભરાય છે...?’ જોસેફે પૂછ્યું
‘ હા...’
‘ તું નાહક જ ગભરાય છે...! અમે તારી સાથે છીએ...એ શું તને મારવાનો હતો, આપણે જ તેને સ્વધામ પહોંચાડી દેશું.’ જોસેફ ઉત્તેજીત અવાજે બોલ્યો.
‘ જોસેફ...જે માણસ બબ્બે ખૂન કરી ચૂક્યો છે...અને નાગપાલ જેવો બાહોશ ઓફિસર જેના પડછાયા સુધી પણ નથી પહોંચી શક્યો એને સ્વધામ પહોંચાડવાનું કામ તું માને છે. એટલું સહેલું નથી.’ મહેશનો અવાજ ગંભીર હતો.
‘ તું જલ્દીથી નિરાશ થઈ જાય છે. મહેશ!’ વિલીયમ પોતાને માટે પેગ બનાવતાં બોલ્યો.
‘ મોત એક એવી વસ્તુ છે. વિલીયમ, કે જેને નજર સામે જોઈને ભલભલાં પહેલવાનની છાતીનાં પાટિયાં આઉટ થઈ જાય છે અને કમ્મર પરથી પેન્ટ બે-ત્રણ ઇંચ નીચે સરકી આવે છે. સમજ્યો ?’
‘ ખેર, તું યોજનામાં પૈસા રોકે છે કે નહીં ?’ રાજેશે પૂછ્યું.
સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.
‘ હું જોઉં છું...’ કહીને મહેશ ટેલિફોન તરફ આગળ વધ્યો.
‘ હલ્લો...હું મહેશ બોલું છું...!’ એણે રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું.
‘ અને હું તારા કાળ બોલું છું. કમજાત...!’
‘ બ્લેક ટાઈગર...!’ સામે છેડેથી બ્લેક ટાઈગરનો અવાજ પારખીને એના મોંમાંથી સિસકારો નીકળી ગયો.
મહેશના મોંએથી બ્લેક ટાઈગરનું નામ સાંભળીને રાજેશ, જોસેફ અને વિલીયમ ચમકી ગયા.
વળતી જ પળે તેઓ ઊભા થઈને મહેશ પાસે પહોંચ્યા.
‘ હા, કમજાત...હું બ્લેક ટાઈગર જ બોલું છું. તમે ચારેય ભેગા થઈને જે રોટલો રોકવાનો પ્રયાસ કરો છો, એ ક્યારે નહીં શેકાય...!’
‘ એટલે એમ કે જો તમે નરોત્તમ ઝવેરીની કંપનીની વાન લૂંટવાનો પ્રયાસ કરશો તો તમને દોઢ કરોડ રૂપિયા નહીં મળે, પણ પોલીસ તરફથી ગરમાગરમ ગોળીઓ ઈનામમાં મળશે!’
‘ શું...’ મહેશે એકદમ ડધાઈ ગયો.
એની આંખોમાં અવિશ્વાસના હાવભાવ છવાઈ ગયા હતા.
‘ હા, કમજાત...મને તમારી યોજનાની ખબર છે...! અને તમારી યોજના વિશે હું નાગપાલને જાણ કરી ચૂક્યો છું. જો તમે લૂંટનો પ્રયાસ કરશો તો આ મહિનાની અંતિમ તારીખ, તમારી જિંદગીની છેલ્લી તારીખ હશે...ત્યારબાદ તમારા ચારમાંથી એકેય જીવતાં નહીં હોં એટલું યાદ રાખજો.’
‘ ઓહ...’
‘ હું તને શા માટે સાવચેત કરું છું, એ તું જાણે છે...?’
‘ ના...’
‘ તો સાંભળ...જો તે લૂંટમાં ભાગ લીધો હોત તો તું પોલીસના હાથે માર્યો જાત! અને આવું થાય એમ હું નથી ઈચ્છતો!’
‘ તો તું શું ઈચ્છે છે...?’
‘ હું મારા હાથેથી જ તને મારવા માંગુ છું. શયતાન...!’
સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.
મહેશના હાથમાંથી રિસીવર છટકી ગયું.
‘ શું કહેતો હતો એ લબાડ...?’ ત્રણેયે વ્યાકુળ અવાજે પૂછ્યું.
‘ રાજેશ...!’ મહેશ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો, ‘ આપણે લૂંટનો વિચાર માંડી વાળવો પડશે.’
‘ કેમ...?’
‘ કમજાત બ્લેક ટાઈગરને આપણી યોજનાની ખબર પડી ગઈ છે અને આ બાબતમાં એણે નાગપાલને પણ બાતમી આપી દીધી છે.’
‘ શું...?’
‘ હા...’
‘ પરંતુ આપણી યોજનાની એ નાલાયકને કેવી રીતે ખબર પડી...?’
‘ ભગવાન જાણે...’
ચારેય લમણે હાથ દઈને બેસી ગયા.
તેમની મતિ મુંઝાઈ ગઈ હતી.
શું કરવું ને શું નહીં, એ તેમને કંઈ સમજાતું નહોતું.
થોડીવાર રોકાઈને મહેશ તેમની રજા લઈ બહાર નીકળી ગયો. એ વખતે રાતના સાડા બાર વાગી ગયા હતા.
નીચે આવીને તે પોતાની કારમાં બેઠો.
બે મિનિટ પછી એની કાર પુરપાટ વેગે તેનાં બંગલા તરફ દોડતી હતી.
એના ચહેરા પર છવાયેલા ભય અને દહેશતના હાવભાવ સ્પષ્ટ રીતે દેખાઈ આવતા હતા.
બ્લેક ટાઈગર પોતાને કોઈ કાળે જીવતો નહીં રાખે...પોતાનું મોત નક્કી જ છે...દુનિયાની કોઈ તાકાત બ્લેક ટાઈગરના હાથેથી પોતાને મરતો નહીં અટકાવી શકે એવું તેને લાગતું હતું.
સહસા તેની ગરદન પર કોઈક કઠોર, ઠંડી વસ્તુનો સ્પર્શ થયો.
એ પગથી માથા સુધી ધ્રુજી ઊઠ્યો.
ભયનું એક ઠંડુ લખલખું વીજળી વેગે એના દેહમાં પગથી માથા સુધી ફરીવળ્યું.
એણે બેકવ્યુ મિરરમાં જોયું તો તેના રહ્યા-સહ્યા હોંશ પણ ઊડી ગયા.
પાછળની સીટ પર એક નકાબપોશ બેઠો હતો અને એના હાથમાં જકડાયેલી રિવોલ્વરની નળી તેની ગરદનને સ્પર્શતી હતી. રિવોલ્વર પર સાયલેન્સર ચડાયેલું હતું.
નકાબપોશ બીજું કોઈ નહીં, પણ બ્લેક ટાઈગર છે, એ વાત તરત જ તે સમજી ગયો.
નકાબપોશના રૂપમાં બ્લેક ટાઈગર અને બ્લેક ટાઈગરના રૂપમાં પોતાનું મોત સામે આવીને ઊભું રહી ગયું છે. એવું તેને લાગતું હતું.
એનો સમગ્ર દેહ પરસેવાથી તરબરત થઈ ગયો.
હૃદયના ધબકારા એકદમ વધી ગયા.
આંખોમાં નર્યો ખોફ છવાઈ ગયો.
એણે કારની ગતિ ધીમી કરીને ભયભીત નજરે ચારે તરફ નજર દોડાવી.
દૂર દૂર સુધી વસ્તીનું નામો-નિશાન નહોતું.
સડક ઉજ્જડ હતી.
‘ ત...તું...?’ એ માંડમાંડ આટલું બોલી શક્યો.
‘ હા, કમજાત...હું...તારો કાળ...અર્થાત્ બ્લેક ટાઈગર...! કોઈ જાતની તીડીબાજીનો પ્રયાસ કરીશ નહીં...કરીશ તો પછી મારે થોડી વહેલી મારી આંગળીને ટ્રેંગર દબાવવા માટે તકલીફ આપવી પડશે. કારને દેવગઢ લઈ જતાં કાચા માર્ગ પર વાળી લેજે...! નહીં તો હું પળનોય વિલંબ કર્યા વગર તેને ગોળી ઝીંકી દઈશ!’
મહેશે એના આદેશનું પાલન કર્યું.
થોડીવાર પછી કાર દેવગઢ તરફ જતાં કાચા માર્ગો પર દોડતી હતી.
‘ તું ગાયત્રીદેવીના મૃતદેહને આ માર્ગેથી જ જંગલ તરફ લઈ જતો હતો ને ?’
‘હા...’
‘ તો તારો અંજામ પણ એવો જ આવવાનો છે! જે હાલત તમે ગાયત્રીદેવીની કરી હતી, એ જ હાલત તારી થવાની છે!’
‘ ના...’ મહેશે કરગરતા અવાજે બોલ્યો, ‘ મારા પર દયા કર બ્લેક ટાઈગર...! હું મરવા નથી માગતો...! મને છોડી દે...માફ કરી દે...’
‘ ના...જરા પણ નહીં...! તને માફ કરવો, એ માફી શબ્દનું અપમાન છે...! માણસાઈની મજાક ઉડાવવા સમાન છે...હું કોઈ કાળે તને માફ નહીં કરું!’
‘ મને મારી નાખવાથી તને શું લાભ થશે બ્લેક ટાઈગર ?’
‘ મને...?’ નકાબપોશના ગળામાંથી રાની પશું જેવો ઘૂરકાટ નીકળ્યો, ‘ મારા કલેજાને ઠંડક પહોંચશે...!
‘ છેવટે, તું કોણ છે...?’
‘ ચિંતા ન કર લબાડ...! તને મારતાં પહેલાં હું મારો સાચો પરિચય પણ આપીશ...! સારિકા અને જોરાવરને પણ આપ્યો હતો. કાર ઊભી રાખ...!’
મહેશે કાર ઊભી રાખી દીધી.
‘ તારા હાથ ઊંચા કર...! અને ખબરદાર...કોઈ જાતની ચાલાકી વાપરવાનો પ્રયાસ કરીશ નહીં, તો મારો પરિચય જાણ્યા પહેલાં જ આ સંસારમાંથી તારે વિદાય થઈ જવું પડશે.’
મહેશે ચૂપચાપ હાથ ઊંચા કર્યા.
‘ સરસ...હવે બેક વ્યુ મિરરમાં તું મારો ચહેરો જોઈ શકે છે!’ કહીને નકાબપોશે પોતાના ચહેરા પરથી નકાબ કાઢી નાખ્યો.
એનો અસલી ચહેરો જોતાંની સાથે જ મહેશના મોંમાંથી ચીસ સરી પડી.
અની આંખોમાં અચરજ મિશ્રિત અવિશ્વાસના હાવભાવ છવાઈ ગયા.
‘ ઓહ...’ એ આશ્ચર્યથી બોલી ઊઠ્યો, ‘ તો બ્લેક ટાઈગરનો પાઠ તું...’
એનું વાક્યા અધુરું રહી ગયું.
વળતી જ પળે તેના કંઠામાંથી ચીસ સરી પડી.
બ્લેક ટાઈગરના હાથમાં જકડાયેલી રિવોલ્વરમાંથી ફીશના હળવા અવાજ સાથે આગનો તીવ્ર લીસોટો વેરતી એક ગોળી છૂટીને તેની ગરદનના પાછલા ભાગમાં પ્રવેશી ગઈ હતી.
મહેશ ડ્રાઈવીંગ સીટ પર જ ઢગલો થઈ ગયો.
બ્લેક ટાઈગરે રિવોલ્વરની નળી પર ફૂંક મારી.
ત્યારબાદ તે નીચે ઊતરીને પગપાળા જ એક તરફ આગળ વધી ગયો.
***
આઈ.જી.સાહેબ રોષભરી નજરે પોતાની સામે બેઠેલા નાગપાલ સામે તાકી રહ્યા હતા.
નાગપાલના ચહેરા પર નિરાશા વ્યાપેલી હતી.
‘ નાગપાલ...હું બ્લેક ટાઈગરનું નામ સાંભળીને થાકી ગયો છું...મારા કાન પાકી ગયા છે...! આઈ.જી.સાહેબે ક્રોધથી ટેબલ પર હાથ પછાડતાં કહ્યું, ‘ જોઈ લે...એ કમજાતે મહેશને પણ મારી નાખો...! આપણે તેને કશું જ ન કરી શક્યા...!’
‘ સોંરી, સર...’ નાગપાલ દિલગીરીભર્યા અવાજે બોલ્યો.
‘ નાગપાલ...હું બ્લેક ટાઈગરને જેમ બને તેમ જલ્દી ફાંસીના માંચડે જોવા માગું છું...! એ કમજાત ફાંસીના માંચડે નહીં, લટકે ત્યાં સુધી મને ક્યાંય ચેન નહીં પડે!’
‘ હું આપના મનની હાલત સમજું છું સર!’
‘ સમજે છે તો પછી કંઈ કરતો કેમ નથી ? જો ટૂંક સમયમાં જ બ્લેક ટાઈગર નહીં પકડાય તો મારે રાજીનામુ આપવાનો વખત આવશે...! ઉપરથી મારા પર ફોન પર ફોન આવ્યે રાખે છે...! મારે એ બધાને શું જવાબ આપવો ? તાપસ ચાલુ છે...ખૂની પકડાવાની તૈયારીમાં જ છે...એવા જવાબો આપી આપીને હું થાકી ગયો છું...! માત્ર મારા મનની હાલત સમજવાની કંઈ નહીં વળે! તું જેમ બને તેમ જલ્દીથી એ નાલાયકને શોધી કાઢ!’
‘ જી, સર...’
‘ અમીચંદ અને રાકેશની સલામતિ માટેની વ્યવસ્થા વધુ મજબૂત બનાવી દે! બ્લેક ટાઈગર તેમને પણ મારવાનો પ્રયાસ કરશે. આ વખતે એ બંને ન મરવા જોઈએ, પણ બ્લેક ટાઈગર પકડાવો જોઈએ.’
નાગપાલ ધીમેથી માથું હલાવીને રહી ગયો.
***
અમીચંદ તથા રાકેશ એક કલાક પહેલાં જ મહેશના અંતિમ સંસ્કાર કરીને પાછા આવ્યા હતા.
બંનેના ચહેરા ઉદાસ અને થાકેલા હતા.
તેઓ અત્યારે નિરાશ અને ગમગીન વદને ડ્રોંઈગરૂમમાં બેઠા હતા.
‘ આ તે કંઈ જિંદગી છે...?’ રાકેશ ધૂંધવાતા અવાજે બોલ્યો, ‘ આપણે ચોવીસેય કલાક પોલીસના પહેરા હેઠળ જીવવું પડે છે. આપણે આપણી ઈચ્છાથી નથી ક્યાંય જઈ શકતાં કે નથી કંઈ કરી શકતા! આપણે બંગલાની બહાર પગ મૂકીએ છીએ તો પોલીસ પડછાયાની માફક આપણી પાછળ પડી જાય છે. આવી જિદંગી જીવવા કરતાં તો મને મરી જવાનું વધુ યોગ્ય લાગે છે પિતાજી...!’
‘ તું સમજવાનો પ્રયાસ શા માટે નથી કરતો રાકેશ...?’ અમીચંદે ગંભીર અવાજે કહ્યું, ‘ પોલીસ કંઈ કરે છે, તે આપણા હિત માટે જ કરે છે! બ્લેક ટાઈગર આપણને મારવા માટે અહીં આવશે કે તરત જ પોલીસ તેને પકડી લેશે.’
‘ પિતાજી...બ્લેક ટાઈગર કંઈ મૂરખ નથી કે પોલીસની આ જાળમાં ફસાઈ જાય! આપણે જ્યાં સુધી પોલીસના પહેરા વચ્ચે રહેશું, ત્યાં સુધી તે આપણા પર હુમલો નહીં કરે!
‘ એટલે...?તું છેવટે કહેવા શું માંગે છે ?’
‘ પોલીસ આપણને બ્લેક ટાઈગરના પંજામાંથી નહીં બચાવી શકે પિતાજી! આપણે જાતે જ આપણું રક્ષણ કરવું પડશે. જે માણસ પોતાની જાતને મદદ નથી કરી શકતો, તેને ભગવાન પણ મદદ નથી કરતો! બ્લેક ટાઈગરથી બચવા માટેનો માત્ર એક જ ઉપાય છે પિતાજી!’
‘ શું ?’
‘ આપણે, બ્લેક ટાઈગર આપણો પડછાયો પણ ન શોધી શકે, એવા કોઈક સ્થળે ચાલ્યા જવું જોઈએ!’
‘ એટલે...? તું વિશાળગઢ છોડી દેવાની વાત કરે છે ?’
‘ હા...’
‘ ના, રાકેશ...હાલ તુરત એવું શક્ય નથી.’
‘ કેમ...?’
‘ પોલીસ આપણા પર નજર રાખે છે!’
‘ બરાબર છે...પરંતુ પોલીસને તો આપણે થાપ પણ આપી શકીએ તેમ છીએ.
‘ મને થોડું વિચારવા દે!’
‘ એમાં વિચારવા જેવું શું છે પિતાજી...? જો બ્લેક ટાઈગરથી બચવું હોય તો તાબડતોબ બોરીયા બિસ્તરા સમેટ્યા વગર જ અહીંથી નાસી છૂટીએ.’
રાકેશ જાણે પાગલ થઈ ગયો હોય એમ અમીચંદ તેની સામે તાકી રહ્યો.
***
રાતના દસ વાગ્યા હતા.
નાગપાલ હમણાં જ બહારથી પાછો ફર્યો હતો.
હકલાને કોફી બનાવી લાવવાનો આદેશ આપીને તે ઓફિસરૂમમાં પહોંચ્યો.
ત્યારબાદ ખુરશી પર બેસી, પાઈપ સળગાવીને એના બે-ત્રણ કસ ખેંચ્યા પછી તે કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.
સહસા ટેલિફોનની ઘંટડીના આજતી એની વિચારધારા તૂટી ગઈ.
એણે પાઈપને ટેબલ પર મૂકીને રિસીવર ઊંચક્યું.
‘ હલ્લો...મેજર નાગપાલ સ્પીકીંગ...!’
‘ નાગપાલ સાહેબ, હું બ્લેક ટાઈગર બોલું છું છું!’ સામે છેડેથી બ્લેક ટાઈગરનો પૂર્વ પરિચિત બરફ જેવો સ્વર તેના કાને અથડાયો.
‘ બોલ...શું કામ હતું...?’
‘ રાકેશ ઈશ્વરના દરબારમાં પહોંચી ગયો છે નાગપાલ સાહેબ!’
‘ શું ?’ નાગપાલ એકદમ ચમક્યો.
‘ હા...મેં એને સ્વધામ પહોંચાડી દીધો છે.’
‘ તું...તું...’
‘ તમને મારી વાત પર ભરોસો નથી બેઠો લાગતો’ સામે છેજેથી વચ્ચેથી જ એની વાતને કાપી નાખવામાં આવી, ‘ હું કદાપી ખોટું નથી બોલતો, એની તો તમને ખબર જ છે! એ કમજાત મારાથી ગભરાઈને હંમેશને માટે વિશાળગઢ છોડી દેવા માંગતો હતો. મેં પાંચ નંબરના રેલ્વે ક્રોસિંગ પાસે એને ગોળી ઝીંકી દીધી છે. એનો મૃતદેહ હજુ પણ ત્યાં જ પડ્યો છે. જાઓ...તમારા લાવ-લશ્કર સાથે જઈને એના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની વ્યવસ્થા કરો...’
‘ બ્લેક ટાઈગર...!’ કહેતાં કહેતાં નાગપાલનાં જડબાં એકદમ ભીંસાયા...ચહેરો કમાનની જેમ ખેંચાયો...! એક હાથની મુઠ્ઠી વળી ગઈ...રિસીવર પરની પક્કડ વધુ મજબૂત બની, ‘ બ્લેકટાઈગર...!’ એના મોંમાંથી ક્રોધિત સર્પના ફૂંફાડા જેવો અવાજ નીકળ્યો, ‘ હું તને પકડીને જ જંપીશ...!’
‘ નાગપાલે સાહેબ...હું તમને અગાઉ કહી ચૂક્યો છું ને આજે પણ કહું છું કે મને પકડવાનું તમારું સપનું, સપનું જ રહી જશે... તમે ક્યારેય મને નહીં પકડી શકો...હા...અમીચંદનુ ખૂન કર્યા પછી હું સામેથી જ તમારી સામે રજૂ થઈ જઈશ!’
‘ મારા જીવતાં જીવત હું તને અમીચંદનુ ખૂન નહીં કરવા દઉં બ્લેક ટાઈગર...!’
‘ એમ...?
‘ હા...’
‘ નાગપાલ સાહેબ, તમે સારિકા, જોરાવર, મહેશ અને રાકેશને મારા હાથેથી મરતાં નથી બચાવી શક્યા તો પછી અમીચંદને શું બચાવી શકવાના હતા ? એ કમજાતનું મોત મારા હાથેથી જ લખાયું. છે! જો તમે તેને બચાવી શકો તેમ હો તો બચાવી લેજો. પરંતુ નહીં બચાવી શકો એની પૂરી ખાતરી છે! ભગવાન પોતે પણ અમીચંદને મારા હાથેથી મરતો નહીં અટકાવી શકે તો તમારી શું વિસાત છે ?’
સામે છેડેથી સંબંધ કપાઈ ગયો.
નાગપાલ રિસીવર મૂકીને બહાર નીકળી ગયો. એ કોફી પીવા પણ નહોતો રોકાયો.
બે મિનિટ પછી એની કાર પાંચ નંબરના રેલ્વે ક્રોસિંગ તરફ દોડતી હતી.
***
જ્યારે રાકેશના અવસાનના સમાચાર ગોપાલે સરોજને જણાવ્યા ત્યારે થોડી પળો માટે જડવત્ બની ગઈ.
પરંતુ વળતી જ પળે એણે પોતાના આઘાત પર કાબૂ મેળવી લીધો.
એનો ચહેરો એકદમ કઠોર અને નઠોર બની ગયો.
‘ ભાભી...!’ ગોપાલ ઉદાસ અને ગમગીન અવાજે બોલ્યો, રાકેશ ગમે તેમ તોય તમારો પતિ હતો...! એને તેના ગુનાઓની સજા મળી ગઈ છે. બ્લેક ટાઈગરે એનું ખૂન કરી નાંખ્યુ છે. જો તમે એના અવસાનના શોકમાં સામેલ નહીં થાઓ...એના મૃતદેહની છાતી પર તમારી બંગડીઓ નહીં તૂટે તો લોકો શું વિચારશે ?’
‘ લોકો શું વિચારશે ને શું નહીં એની મને જરા પણ પરવાહ નથી! જેને જેમ વિચારવું હોય તેમ વિચારે...! જે માનવું હોય તે માને! લોકોની નજરે તો રાકેશ આજે મર્યો છે, પરંતુ મારી નજરે તો જે દિવસે એણે સુજાતાને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો....મારી મા સમાન સાસુ ગાયત્રીદેવીનું ખૂન કર્યું. હતું, એ દિવસે જ મરી ગયો હતો. મને એ નીચ માણસના મૃત્યુનો જરા પણ વસવસો નથી. એ કમજાતને બ્લેક ટાઈગરે મારી નાખ્યો, તે સારું જ કર્યું છે...! રાકેશ જેવા પાપીનો ધરતી પરથી ભાર હળવો થયો છે! હું એનું મોં પણ જોવા નથી માંગતી!’
સરોજની વાત સાંભળીને સુજાતાની આંખમાં આંસુ ઘસી આવ્યા
એ અશ્રુભરી નજરે સરોજના ચહેરા સામે તાકી રહી.
‘ ભાભી...’
‘ કંઈ જ ન બોલ ગોપાલ...મારે કંઈ નથી સાંભળવું...! લે, આ...’ સરોજે પોતાના હાથમાંથી બંગડીઓ કાઢીને ગોપાલના હાથમાં મૂકી દીધી.
‘ આ બંગડી...’
આ બંગડી જઈને રાકેશના મૃતદેહ પર મૂકી દેજે ગોપાલ!’ કહીને સરોજ પોતાનો ચાંદલો લૂછી નાંખ્યો.
પછી અચાનક એની આંખોમાં આંસુ લૂછતો બારણાં તરફ આગળ વધી ગયો.
***
નાગપાલ અત્યારે ઈન્સ્પેકટર વામનરાવ સાથે બેસીને બ્લેક ટાઈગરને સપડાવવાની યોજના બનાવતો હતો.
સહસા ટેલિફોનની ઘંટડી રણકતાં જ નાગપાલે રિસીવર ઊંચક્યું.
‘ હલ્લો...મેજર નાગપાલ સ્પીકીંગ!’
નાગપાલ સાહેબ...!’ છેડેથી બ્લેક ટાઈગરનો પૂર્વ પરિચીત અવાજ તેને સંભળાયો.
‘ બોલ, બ્લેક ટાઈગર...!’
‘ આજે રાત્રે અમીચંદ આ દુનિયામાંથી વિદાય લઈ લેશે!’
‘ શું...?’
‘ હા...તમારે એના બચાવ માટે જ કંઈ વ્યવસ્થા કરવી હોય તે કરી રાખજો...!’
‘ હું અમીચંદના બચાવની વ્યવસ્થા તો નહીં કરું...હા તને પકડવાની વ્યવસ્થા જરૂર કરી રાખીશ! અમીચંદને મારી નાંખવાનું તારું સપનું પૂરું નહીં થાય!’
‘ નાગપાલ સાહેબ...સાકાર ન થાય એવું કોઈ સપનું જોવાની મને ટેવ નથી. તમે તમારી સગી આંખે મારું સપનું પૂરું થતાં જોશો. ગુડ બાય...’
સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.
‘ શું કહેતો હતો એ નાલાયક, નાગપાલ સાહેબ!’ વામનરાવે ઉત્સુક અવાજે પૂછ્યું.
‘ એણે આજે રાત્રે અમીચંદને મારી નાખવાનો દાવો કર્યો છે.’
‘ ઓહ...’ વામનરાવ બબડ્યો.
‘ હવે...’ નાગપાલનું વાક્ય અધૂરું રહી ગયું.
અચાનક ફરીથી ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.
આ વખતે વામનરાવે રિસીવર ઊંચક્યું.
હલ્લો...ઈન્સ્પેકટર વામનરાવ સ્પીકીંગ...!’
‘ ઈન્સ્પેક્ટર સાહેબ...! સામે છેડેથી એક બેહદ ગભરાટ ભર્યો સ્ત્રી સ્વર તેને સંભળાયો, ‘ હું સરોજ બોલું છું...નાગપાલ સાહેબ છે ત્યાં...?’
‘ હા, છે...’
‘ તો કૃપા કરીને તેમને રિસીવર આપો...’
‘ લો નાગપાલ સાહેબ...!’ વામનરાવે નાગપાલ સામે રિસીવર લંબાવતા કહ્યું, ‘ સરોજ આપની સાથે વાત કવા માંગે છે!’
‘ હલ્લો...નાગપાલ સ્પીકીંગ...! નાગપાલ એના હાથમાંથી રિસીવર ઊંચકીને કાને મૂકતાં બોલ્યો.
‘ નાગપાલ સાહેબ...! હું...હું સરોજ બોલું છું...!’ સામે છેડેથી સરોજનો કંપતો અવાજ તેના કાને અથડાયો.
‘ સરોજ...તારો અવાજ આટલોબધો ગભરાયેલો શા માટે છે ?’ નાગપાલે ચિંતાતુર અવાજે પૂછ્યું.
‘ નાગપાલ સાહેબ...! મને...મને ખૂબ જ ડર લાગે છે...! મારો જીવ ગભરાય છે!’
‘ કેમ...?
‘ બ...બ્લેક...ટાઈગરનો હમણાં મારા પર ફોન આવ્યો હતો.’
‘ હા...એણે આજે રાત્રે મને મારી નાખવાની ધમકી આપી છે!’
‘ શું વાત કરે છે...?’
‘ હું સાચું જ કહું છું નાગપાલ સાહેબ...!’
‘ સરોજ...બ્લેક ટાઈગરે આજે રાત્રે અમીચંદને પણ મારી નાખવાની ધમકી આપી છે.’
‘ શું...!’
‘ હા...અને હું એક સાથે તમારા બનેની રક્ષા કરી શકું તેમ નથી. તું એક કામ કરીશ...’
‘ બોલો...’
‘ તું આજની રાત અમીચંદના બંગલામાં રહી શકીશ...!’
‘ નાગપાલ સાહેબ...હું એ બંગલામાં પગ પણ મૂકવા નહોતી માંગતી. પરંતુ મારું નસીબ તો જુઓ...આજે મારે ફરીથી એ જ બંગલામાં પગ મૂકવો પડે છે...ઈચ્છા ન હોવા છતાં પણ ત્યાં જવું પડે છે.’
‘ તું સાંજે જ ત્યાં પહોંચી જજે...’
‘ ભલે...’
નાગપાલે રિસીવર મૂકી દીધી.
ત્યારબાદ એણે વામનરાવને સરોજના ફોનની વિગતો જણાવી દીધી.
‘ હવે શું કરવું છે...?’
‘ તું સાંજથી જ દસ-પંદર સિપાહીઓને બંગલાની ચારે તરફ ગોઠવી દેજે!’
‘ અને આપ...?’
‘ હું અંદર સરોજ તથા અમીચંદ પાસે રહીશ!’
‘ ઓ.કે...’
ત્યારબાદ નાગપાલ વિચ્છેદ થઈ ગયો.
ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને છેવટે સાંજના સાત વાગ્યા.
નાગપાલ સરોજ તથા અમીચંદ સાથે ડ્રોંઈગરૂમમાં બેઠો હતો.
અમીચંદ કેમેય કરીને સરોજ સાથે નજર નહોતો મેળવી શકતો. મનોમન એ ખૂબ જ ગ્લાનિ અનુભવતો હતો.
‘ નાગપાલ સાહેબ...આમ ને આમ ક્યાં સુધી ચાલશે...?’
‘ જ્યાં સુધી બ્લેક ટાઈગર ન પકડાઈ જાય ત્યાં સુધી...!’ બ્લેક ટાઈગર ખૂબ જ હોંશિયાર અને ચાલાક છે...તેને માત્ર આ રીતે જ પકડી શકાય તેમ છે!’
‘ બ્લેક ટાઈગરની પહેલાં આપ મારી ધરપકડ કરી લો નાગપાલ સાહેબ...! મને ફાંસી પર લટકી જવાનું કબૂલ છે પણ બ્લેક ટાઈગરના હાથેથી કૂતરાંના મોતે મરવું કબૂલ નથી!’
‘ આ તમે શું કહો છો મિસ્ટર અમીચંદ...?’
‘ હા...હું સાચું જ કહું છું...આપ મારી ધરપકડ કરી લો...’
‘ પણ હું ક્યા આધારે તમારી ધરપકડ કરું...?’
‘ નાગપાલે સાહેબ...હું બ્લેક ટાઈગર કરતાં પણ વધુ ક્રૂર અને દયાહિન છું...! બ્લેક ટાઈગરે તો માત્ર ગુનેગારોને જ માર્યા છે, જ્યારે મારા હાથેથી તો નિર્દોષ લોકોનાં ખૂન થયા છે!’ ત્યારબાદ અમીચંદ પોતાના એક એક ગુનાઓ કબૂલ કરતો ગયો.
એની વાત સાંભળ્યા પછી નાગપાલની આંખો આશ્ચર્યથી ફાટી પડી.
અમીચંદે પોતાની માતા, શંકર, શંકરની પ્રેમિકા, પ્રેમિકાની માતા, સુજાતાના પિતા દામોદાર ત્રિવેદીના ખૂન તથા સુજાતાને ઝેર આપવાનો પ્રયાસ કર્યો હતો એવી તો એણે કલ્પના પણ નહોતી કરી. એટલું જ નહીં, ગાયત્રીદેવીના મૃત્યુનો પણ એ જ જવાબદાર છે.!
‘ આપને કદાચ મારી વાત પર ભરોસો નથી બેઠો નાગપાલે સાહેબ, પણ હું સાચું જ કહું છું. શંકરનો મૃતદેહ મારી વાડી, કે જેમેં નરોત્તમ શેઠને વેચી નાંખી છે, એના પાછળના ભાગમાં પીપળાના વૃક્ષ નીચે દાટેલો છે! ત્યારબાદ એણે કબાટમાંથી એક ડાયરી કાઢીને નાગપાલને આપતાં કહ્યું. ‘ નાગપાલ સાહેબ, આ ડાયરીમાં મારાં એક એક કાળા કુકર્મોની નોંધ ટપકાવેલી છે! આ ડાયરીમાં મેં મારા તમામ ગુનાઓની કબૂલાત લખી છે. પૈસાની લાલચમાં હું પાગલ થઈ ગયો હતો. મારા ગુનાઓ સમયરૂપી ચાદરથી ઢંકાઈ જશે. એમ હું માનતો હતો. પરંતુ મારી આ માન્યતા ખોટી હતી. પાપ ક્યારેય છૂપાતું નથી એક ને એક દિવસ તે જરૂર છાપરે ચડીને પોકારે છે, એ વાત હું ભૂલી ગયો હતો. હું કાયદાનો...સરોજનો સુજાતાનો અને ગોપાલનો ગુનેગાર છું...! કાશ...મેં લાલચ રાખીને...ગુનો ન કર્યો હોત તો મારું કુટુંબ આટલું બરબાદ ન થાત...! હું ખૂબ જ કમનસીબ માણસ છું...! આજે મને પાણી પીવડાવવાવાળું પણ કોઈ નથી રહ્યું. મારી ધરપકડ કરી લો...મને ફાંસી પર લટકાવી દો...હું મરવા માગું છું. નાગપાલ સાહેબ, પણ બ્લેક ટાઈગરના હાથે નહીં, કાયદાના હાથેથી...! કાયદેસર રીતે સજા ભોગવીને...!’ કહીને અમીચંદે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
એના એક એક શબ્દમાંથી પશ્વાતાપનો સૂર વહેતો હતો.
નાગપાલ વામનરાવને બોલાવવા માટે બહાર ચાલ્યો ગયો.
એ હજુ કંપાઉન્ડમાં પહોંચ્યો હતો ત્યાં જ તેના કાને ગોળી છૂટવાનો અવાજ સાંભળ્યો.
એ ઝડપભેર ડ્રોંઈગરૂમમાં પહોંચ્યો. એના પગ બારણા પાસે જ થંભી ગયા.
અંદર ડ્રોંઈગરૂમમાં બરાબર વચ્ચેના ભાગમાં અમીચંદનો મૃતદેહ પડ્યો હતો અને તેની સામે હાથમાં રિવોલ્વર અને ચહેરા પર નફરતના હાવભાવ સાથે સરોજ ઊભી હતી. રિવોલ્વરની નળીમાંથી હજુ પણ ધુમાડો નીકળતો હતો.
‘ આ...આ તેં શું કર્યું સરોજ...?’ નાગપાલે અચરજભર્યા અવાજે પૂછ્યું.
‘ નાગપાલ સાહેબ...મેં મારી ચેલેન્જ પૂરી કરી બતાવી છે...! મેં આપનું કહ્યું હતું ને કે આજે રાત્રે અમીચંદ, આ દુનિયામાંથી વિદાય લઈ લેશે! જુઓ...એ સ્વધામ પહોંચી ગયો છે...!’
‘ તો...તું જ બ્લેક ટાઈગર છે એમ ને...?’ આ દરમિયાન અંદર આવી પહોંચેલા વામનરાવે પૂછ્યું.
‘ હા, ઈન્સ્પેકટર સાહેબ...! હું જ બ્લેક ટાઈગર છું...! સારિકા, મહેશ જોરાવર અને રાકેશના ખૂન મેં કર્યા છે આ શયતાનોએ નિર્દોષ સુજાતાને ઝેર આપીને મારી નાંખવાનો પ્રયાસ કર્યો છે. એવી મને ખબર પડી, એ જ વખતે મેં તેમને જીવતા ન રાખવાનું નક્કી કરી લીધું હતુ. ગાયત્રીદેવીનું ખૂન કરીને આ કમજાતોએ પોતાની શયતાનિયતનો પરિચય આપી દીધો. તેમને સ્વધામ પહોંચાડવાનો નિર્ણય વધુ મજબુત બની ગયો. હું ધારત તો તેમને ગાયત્રીદેવીના મૃતદેહ સાથે પકડાવી શકું તેમ હતી. પરંતુ મેં એવું ન કર્યું કારણ કે રાક્ષસને પણ સારા કહેડાવે એવા આ નરાધમોને હું મારા હાથેથી જ સજા કરવા માંગતી હતી. મેં તેમને બ્લેક મેઈલ કર્યા....માનસીક યાતનાઓ આપી અને પછી એક એક કરીને સૌને મોતને ઘાટ ઉતારી દીધો. તેમના ખૂન કરવા બદલ મને કોઈ જાતનો અફસોસ નથી. તેમને મારી નાંખીને મેં ગુનો નથી કર્યો....માણસનું ખૂન કરવું એ ગુનો છે, પરંતુ શયતાનને મારવો એ તો પુણ્યનુ કામ છે...! ખેર, તેમની પાસેથી બ્લેક મેઈલ દ્વારા મળેલી રકમ મેં ગોપાલને સોંપી દીધા છે...મારી ગુડ્ડી પણ તેના હવાલે કરી દીધા છે...! અલબત્ત મારું સાચું રૂપ જાણ્યા પછી તેને જરૂર દુ:ખ થશે પરંતુ સમયની સાથે સાથે તે મને ભૂલી પણ જશે.
‘ સરોજ...! તારી જાતને કાયદાને હવાલે કરી દે...!’ કહીને નાગાપાલે ગજવામાં હાથ નાખ્યો.
પરંતુ એ હાથ બહાર નીકળે તે પહેલાંજ સરોજ પોતાના હાથમાં જકડાયેલી રિવોલ્વરની નળી લમણાં પર મૂકીને ટ્રેગર દબાવી દીધું. વળતી જ પળે એનો દેહ જમીન પર ઉથલી પડ્યો.
‘ નાગપાલ સાહેબ...એ લથડતા અવાજે બોલી, ‘ મેં આપને કહ્યું હતું ને કે આપ ક્યારેય મારી ધરપકડ નહીં કરી શકો...! મને પકડવાનું આપનું સપનું જ રહી જશે...જુઓ આજે મેં મારી વાતને સાચી પુરવાર કરી બતાવી છે...! આપ હારી ગયા છો ને હું...હું...જી...તી...અ...ગઈ છું...’
વળતી જ પળે એની ગરદન એક તરફ નમી ગઈ.
એ મૃત્યુ પામી હતી.
વામનરાવે માથા પરથી કેપ ઉતારી નાખી.
નાગપાલ ગમગીન અને ઉદાસ નજરે સરોજના મૃતદેહ સામે તાકી રહ્યો.
ખરેખર સરોજ જીતી ગઈ છે અને પોતે હારી ગયો છે, એવો તેને ભાસ થતો હતો.
‘ વામનરાવ...’ છેવટે એ બોલ્યો, ‘ પોલીસ હેટક્વાર્ટરે ફોન કરીને એમ્બ્યુલન્સ વિગેરેને બોલાવી લે...!’
‘ યસ સર...!’
વામનરાવ ટેલિફોન તરફ આગળ વધી ગયો.
(સમાપ્ત)