Gaadi in Gujarati Short Stories by chintan lakhani Almast books and stories PDF | ગાડી

Featured Books
Categories
Share

ગાડી

ગાડી

ચિંતન લખાણી

ગાડી બંધ થઈ ગઈ. લાખીને તો કોઈએ કીધુ જ નહિ. એને ક્યાં વાંચતા આવડે છે ? અને આવડતું હોય તોયે એને ક્યાં ગાડીમાં બેસીને અમદાવાદ જવું’તું તો પાટીયા સામું જોવા ઊભી રહે ! એ તો ગાડીના સમયે એની નક્કી કરેલી જગ્યા એ આવીને બેસી ગઈ. સાવ ખાલી સ્ટેશન જોઈને એને વહેમ તો પડ્યો હતો પણ બીજા કોઈ આવે ન આવે એને શું ? બહુ ગણકારવાની એને આદત નહોતી. બહુ ગણકારવાની એની ઉમર નહોતી.

માંડ સાતેક વરસની હશે. ગોળ, નાનો અમથો ચહેરો. ગલગોટા જેવા ગાલ એના નાના ચહેરાને લીધે વધુ ફુલેલા લાગતા હતાં. એમાં નાનકડું એનું મોઢું. જેમાં કોઈ મહાન શિલ્પી એ ખુબ મહેનતથી કંડારીને ગોઠવેલા, અરે ગોઠવેલા જ નહિ પણ અસ્તવ્યસ્ત કરીને જાણે શણગારેલા એવા અદભુત ગમાણિયા એના દાંત. બાળપણની એક સહજ નિખાલસતા દરેક બાળકમાં હોય છે પણ આને તો જાણે બાળકપણુ સોળે કળા એ ખીલ્યું હતું. એની માસુમ આંખો પર મોહે નહિ એ તો કોઇ પત્થર જ હોઇ શકે. એનું ફ્રોક મેલું હતું પણ ફાટેલું ક્યાંયથી નહોતું. ફાટેલા કપડાં તો એ પહેરતી હશે ? એ તો જાતે કમાય અને જાતે વાપરે.

હવે એ થાકી. એણે ટીકીટબારીએ આંટો માર્યો. બારી તો બંધ હતી. એને ખબર પડી ગઈ કે આ ગાડી આવવાની નથી. આવી રીતે ઘણીવાર ગાડીઓ રદ થતી હોય છે એવો એને ખ્યાલ હતો. એણે આરામથી બાંકડા માથે લંબાવ્યું અને બીજી ગાડીની રાહ જોવા લાગી. હાથમાંથી ડોલ એણે મુકી નથી. એમાં તો એનો ખજાનો હતો. એને મૂકે તો તો કોઇક ચોરી જ જાય ને !

ડોલમાં ચાર-પાંચ જુની બોટલોમાં પાણી ભરીને રાખેલી હતી. સૌરાષ્ટ્રના ભાલ વિસ્તારમાં આજે પણ પિવાના પાણીના ફાંફા પડે છે. ગાડી લગભગ સવા સો કિલોમિટર ભાલમાં ચાલીને આવતી એટલે અહિ પાણીની કિંમત વધી જતી. જો કે લાખીની દરેક બોટલની કિંમત માત્ર પાંચ રૂપિયા જ હતી. ગાડી આવતા જ એની પાંચ બોટલો ક્યાં ખાલી થઈ જતી એને જ ખબર નહોતી રહેતી. ઘણીવાર તો એને બીજીવાર પાણી ભરી આવવાનો સમય પણ મળી રહેતો. એવી રીતે એને રોજના આશરે બસો રૂપિયા મળી રહેતા.

એ બેઠી થઈ. આજ તો એકેય ગાડી નહોતી આવી. એણે સ્ટેશનવાળા કાકાને પૂછ્યું. હવે એને ખબર પડી. આ લાઈન જ બંધ કરી દેવામાં આવી હતી. જુના પાટા ઉખાડી એના પર નવા લગાડવાનું કામ ચાલું થયું હતું. લાખીને ઘડીક ધ્રાસકો પડ્યો. એની તો રોજીરોટી છીનવાઈ ગઈ. પણ એમ કાંઈ ભાંગી પડે એવી એ નહોતી. હવે એની પાસે બે રસ્તા હતા. પહેલો સરકારી શાળાએ જતો હતો. ત્યાં એને વાર્ષિક ત્રણસો રૂપિયા શિષ્યવૃત્તિ મળવાની હતી. બપોરે જમવાનું મળવાનું હતું. શિક્ષણ મળવાનું હતું જેની એને કાંઈ પડી નહોતી. એને એમાં એક વાંધો હતો. શાળાએ એને વાટકો ઘરેથી લઈ જવાનો હતો. લાઈનમાં બેસવાનું હતું. ભિખારીની જેમ જે મળે એ ખાવાનું હતું. શિક્ષક કહે એટલું જ કરવાનું હતું અને ચોપડીમાં હોય એટલું જ ભણવાનું હતું.( માણસ દાન કરવામાં ક્યારેક વિનય ભુલી જાય છે. વિદ્યાદાન પણ આખરે દાન જ છે એ આજકાલ શિક્ષકો ભુલતાં જાય છે.) એ શાળા નામના પીંજરાનું પંખી હતું જ નહિ. ત્યાં તો એ ઘુંટાઇ ઘુંટાઇને મરવાનું હતું. બીજો રસ્તો એની બા સાથે ખેતરે જતો હતો. ત્યાં એને રોજની બસો દા’ડી મળતી હતી. એણે એની મા ની ક્ષીણ થતી કાયા જોઈ’તી. તરસ્યાને પાણી પિવડાવવામાં જે અજબની મજા એને આવતી એવી એ ખેતરમાં કલ્પી શક્તી નહોતી. મહેનત કરવા સામે એને કોઇ વાંધો નહોતો પણ... કદાચ એને એની મા જેવું નહોતું થવું.

અચાનક એને આગલા ખૂણે બેસતી ઘરડી ડોશી યાદ આવી ગઈ. એની સાથે જ એનાં કાંટાથી ખરડાયેલા હાથ યાદ આવ્યા. એવા હાથે એ કેવાં મીઠા મીઠા બોર વીણી લાવતી ! ગાડીમાં આવતા જતા બધાને ખવડાવતી. એનાં મગજમાં ચમકારો થયો. “અરે, રે.... એનોય ધંધો હવે તો ભાંગી ગ્યો.” એણે એ ખૂણા બાજુ પગ ઉપાડ્યા. એણે પાણીની ડોલ સાથે લીધી હતી. ડોશીને પાણી પિવડાવવાનું એનું મન હતું.

ડોશીની જગ્યાએ એણે એક ટોળું જોયું. આવા ટોળાની વચ્ચે ઘુસવાની એનામાં ગજબની ફાવટ હતી. આવા કેટલાંય ટોળામાં એ મદારીના ને નટોના ખેલ જોવા તરત જગા કરી લેતી. અહિ પણ એને વાર ન લાગી. એણે રોડ ઉપર અચેતન પડેલી ડોશી દીઠી. ઘરડાંનું મોત આમ તો શંકાને પાત્ર હોતું નથી. પણ જો કોઇ લાખીને પૂછે તો એતો આનો પૂરેપૂરો આરોપ ગાડી ઉપર નાખવા તલપાપડ હતી. એણે મુઠ્ઠિઓ ભીંસીને દોડવાનું શરૂ કર્યુ. દૂર એક બાગ સુધી એ દોડી ગઈ. એ અહિયા થી રોજ નીકળતી પણ ક્યારેય અંદર નહોતી ગઈ. આ બાગ એનાં સ્ટેશન જવાના રસ્તામાં હતો. એની પાસે ક્યારેય અંદર જવાનો, વેડફવા માટેનો વધારાનો સમય નહોતો. આજ એ અંદર જઈને બેઠી.

એની બાજુ ના બાંકડે વાતો ચાલુ હતી. ગાડીના નવા પાટા નખાઇ જશે ત્યારે મુસાફરોને કેવાં કેવાં ફાયદા થશે એની ચર્ચાઓ ચાલતી હતી. લાખીને એ વાતમાં રસ પડ્યો નહિ. એને ગાડીમાં એક ડબ્બાથી બીજા ડબ્બા એ ફરતો સીંગચણા વેચતો પેલો લુલો યાદ આવ્યો. એવા અસંખ્ય ભેલપુરી કે દાલ વાળા યાદ આવ્યા જેમના ઘર આ ગાડીની અવિરત ગતી ઉપર નભતા હતા. આ બધા હવે કરશે શું ? એને કોઇ જવાબ મળતો નહોતો. એની ઉમર નાની હતી. એની સમજ ઓછી હતી. નવી આવનાર ગાડી ના ફાયદા કોણ જાણે કેમ એના નાના એવા મગજ મા બરાબર બંધ બેસી શક્તા નહોતા ! એને તો ચારેકોર નુક્સાન નુકસાન જ દેખાતું હતું.

બીજા દિવસે એણે સરસ મજાનો ગણવેશ પહેરી લીધો. એની મા એ જ પહેરાવ્યો હતો. બે દોરી બાંધીને એને ચોટી પણ બનાવી દીધી હતી. શાળા માથી એને મફત પુસ્તકો મળી ગયા. એના વાટકામાં એને રોજ બપોરે જમવાનું મળવા લાગ્યું. પહેલા પહેલા તો એને આ બધુ નહોતું ગમતું પણ ધીમે ધીમે એ એના રોજિંદા જીવન નો ક્રમ બની ગયો. લાખીનું મન તો આમેય કૂમળું હતું જ ! એની સાથે સહજ થતા એને વાર ન લાગી. એક નવું પૂતળું બીબામાં ગોઠવાઈ ગયું. દુનિયા એની અવિચળ ગતિ એ ચાલતી રહી. થોડા વર્ષો પછી નવાં પાટા નખાઈ ગયા. ગાડી ફરી થી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી. નવા દાળ વાળા આવી ગયા, ભેળપુરી વાળા બદલાઇ ગયા, કોઈ કાકો સીંગ ચણા પણ વેચે છે. લુલિયો ક્યાં ગયો એની ખબર નથી. ડોશી ઉપર બેઠા બેઠા આ બધું જોતી જ હશે. સ્ટેશન વાળા કાકાની તો બદલી થઈ’તી એ ત્યાં ને ત્યાં જ રહ્યાં. લાખીની જગ્યા બીજા નાના નાના વારસદારો એ લઈ લીધી. ફરી સ્ટેશન પર એ જ ભીડ જામવા લાગી. ભાલમાં હજુયે પાણીની તકલિફ યથાવત રહી છે એટલે અહિ પાણી ની કિંમત તો વધેલી રહેવાની જ હતી. અલબત્ત હવે પાંચ રૂપિયામાં બોટલ મળતી નથી. નવી ગાડીનો નવો ભાવ દસ રૂપિયા છે. લાખી ક્યાં ગઈ એનાં વિષે બહુ ખયાલ નથી. હા, પણ એનું બાળકપણું ઓલા જુના પાટા સાથે ઉખડી ગયું.

***