શિક્ષણ પદ્ધતિ
આપણી શિક્ષણ પદ્ધતિ ખટારાના ફાટેલા એન્જીન જેવી છે, જે પહોંચાડે ક્યાંય નહીં પણ સાયલેન્સર માફક ફક્ત અવાજ જ કરે!
જે દેશમાં 'ક્લાર્ક'ની પોસ્ટ માટે પણ કરોડોની સંખ્યામાં અરજીઓ 'પેન્ડિંગ' પડી હોય તે દેશ 'કોપીકેટર' બને પણ 'ક્રિએટર'નહીં.
આ લિસ્ટ જોવો-ટૂથપેસ્ટ, બ્રશ, વોશરૂમ હાર્ડવેર, સિલિન્ડર, બલ્બ, મોબાઈલ, પંખો, ઇલેક્ટ્રીસિટી, ફ્રિજ, ડાઇનિંગ ટેબલ, વિહકલ્સ, વૉચ, કોસ્મેટિક્સ, પરફ્યુમ, જિન્સ, કોમ્યુટર ને ઈન્ટરનેટ-લિસ્ટ ધારો એટલું લંબાવી શકશો.
આ બધું જ ફોરેન દેશોમાં શોધાયેલું છે, ભારતમાં નહીં.
આપણે તો ફક્ત ત્યાંથી ઉઠાંતરી કરી અહીં ઉત્પાદન કરીએ અથવા એ પણ નહીં.
આ વખતનું બજેટ પણ સાક્ષી છે કે શિક્ષણ ને સંશોધન ક્ષેત્રે સૌથી ઓછા ફેરફારો ને ફંડ આપવામાં આવ્યાં. ફોરેન દેશો 'સંશોધકો' પેદા કરે અને આપણે ગ્રાહકો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના નામની એક પણ બ્રાન્ડ નથી, પતંજલિ સ્વદેશી બ્રાન્ડ છે, પણ બીજા દેશો જેવા કે યૂકે, નોર્વે, ડેનમાર્ક માં કોઈએ પતંજલિનું નામ પણ નહીં સાંભળ્યું હોય.
ગુજરાત જેવડા નાનકડા દેશો પાસે ઢગલોએક નોબેલ પ્રાઈઝ હોય પણ આપણે 70 વર્ષમાં 10 નોબેલ પણ માંડ મેળવ્યાં.
કારણ-નબળી શિક્ષણ પદ્ધતિ.
આમ તો આપણે ત્યાં શિક્ષણ પદ્ધતિ જ નથી, ફક્ત 'પરીક્ષા-પદ્ધતિ' જ છે જે ફકત ગોખણપટ્ટીના જોરે 'માર્ક્સ' લાવતા શીખવે.
આઠમા ધોરણથી જ એક પેટર્ન બની જાય-વિકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, પ્રિલીમીનરી ટેસ્ટ ને અંતમાં એન્યુઅલ ટેસ્ટ, વિદ્યાર્થી સતત 'યાદ શક્તિ'આધારિત પરીક્ષા જ આપતો રહે. આ પદ્ધતિમાં માર્કસનું મેડનેસ એટલું હદબાર કે વિદ્યાર્થીઓ ગોખીને બધું જ 'યાદ' રાખી લે પણ 'સમજવાનું' કાઈ જ નહીં પરિણામે યાદ રાખેલું ભૂલાઈ જ જાય, બસ માર્ક્સ આવી ગયા એટલે ભૈયો-ભૈયો.
હવે આ જ વિદ્યાર્થી જ્યારે જોબ માટે આગળ વધે ત્યારે ગડબડ દેખાય. સ્કૂલ/કોલેજમાં એકલી થિયરીઓ ગોખી હોય અને જોબમાં જોઈએ પ્રેક્ટિકલ નોલેજ. સ્કૂલ-કોલેજમાં જે ભણાવાય છે એ આઉટ ડેટેડ સિલેબસ મોટાભાગે આગળ ક્યાંય કામ નથી આવતો અને જે પ્રેક્ટિકલ ફાવટ કામ આવે એ ક્યાંક ભણાવાતી નથી.અહીં એની આંખ ખૂલે કે માર્ક્સ ફક્ત માર્કશીટ પર શોભે, જો ખુદમાં આવડત ના હોય તો બધું નકામું.
જોબમાં 'યાદ' રાખેલું કામ નથી આવતું પણ 'સમજીને શીખેલું' કામ આવે છે.
નજરે ના દેખાતી હકીકત છે કે આપણી મોટાભાગની યુનિવર્સિટીઓનાં સિલેબસ જ 'બાબા આઝમ'ના જમાના માફક આઉટ ડેટેડ જ છે, સતત બસ એકને એક જ થિયરીઓ ભણાવાની, જે નવું 10% એડ કરે એ પણ મહાપ્રયત્ને ગુગલમાંથી આવેલું હોય, વિદ્યાર્થી ડિગ્રી લઇ બાર નીકળે ત્યાંતો નવું એડ થયેલું પણ જૂનું થઈ ગયું હોય એ ઝડપે વિશ્વમાં સંશોધનો થાય છે, પરિણામે ગમે તેટલો ટેલેન્ટેડ હોવા છતાં આપણો વિદ્યાર્થી થોડો પાછળ જ રહી જાય છે.
માર્ક્સ પાછળ વિદ્યાર્થીઓ એટલાં પાગલ બને કે ગોખણપટ્ટીમાં એમની મૌલિકતા જ મરી પરવારે, અહીં પણ વાંક વિદ્યાર્થીનો ઓછો અને સડેલી 'પરિક્ષા-પદ્ધતિ'નો વધુ છે. સિંગાપોર જેવા ટોચના દેશો નિયમિત વિષયો જોડે તદ્દન ફ્રીમાં 'શોખ'ના વિષયો પણ ભણાવે.
જેમકે મેથ્સ, સાયન્સ, ઇકોનોમિકસ તો ખરું જ પણ જો કોઈ વિદ્યાર્થીને ગિટારમાં, મ્યુઝિક કે આર્ટમાં, ગ્રાફિક્સ, ડિઝાઇન, વેબ ડેવલપમેન્ટ, સિગિંગ, ડ્રોઈંગ કે લેખનમાં ફાવટ હોય તો સ્કૂલ ફ્રી માં એનું એક્સ્ટ્રા કોચિંગ આપે, જેથી જો કોઈ વિદ્યાર્થી ભણવામાં કાચો પડે તો એની કરિયર બગડવાને બદલે શોખનું શીખેલું હોય એના જોરે કંઇક લાઈફમાં હાસિલ કરી શકે, કદાચ આ જ કારણે ત્યાં બેરોજગારી નહિવત હશે.જ્યારે આપણે??? આપણે ત્યાં તગડી ફી વસૂલી લેતી કેટલી સ્કૂલો આવું શોખનું અલગથી ભણાવે છે?બહારના દેશો માફક મોરલ એજ્યુકેશન પણ દરેક યુનિવર્સિટીમાં સિલેબસ તરીકે હોવો જોય, સાયન્સમાં ટોપ કરી લેતો સ્ટુડન્ટ ઘણી વાર સંબંધોમાં ફેલ જતો હોય છે, આવા સમયે લાગણીનું મેનેજમેન્ટ માર્ક્સ નથી શીખવાડી શકતાં. કાશ મોરલ એજ્યુકેશન પણ આપણા કોર્ષમાં હોત, તો કદાચ બોર્ડ એક્ઝામ નજીક આવતા આપઘાતના સમાચારો વધે છે એ ના હોત.
શિક્ષિત વ્યક્તિનો આત્મવિશ્વાસ બુલંદ હોવો જોઈએ પણ આપણે ત્યાંતો ગ્રેજ્યુએટ થયેલો પણ આગળ જતાં કન્ફ્યુઝ થઈ જાય એવી ઢીલી ઇન્ટરવ્યૂ સિસ્ટમ ને સેટિંગયું તંત્ર છે જ્યાં આવડત નહીં પણ લિંક અને પૈસા બોલે.
સરકારોને વાતો યુવાઓનાં દેશની કરવી છે પણ બેરોજગારી ઘટે કે વેલ-ક્વોલિફાઇડ વ્યક્તિને જરૂરી જોબ કે ગમતું ફિલ્ડ મળી રહે એ માટે કોઈ પ્રેક્ટિકલ રીતે સહેલા લાગે એવા પગલાં ભરેલા દેખાતા નથી.
શિક્ષણની ગૂંચવાળી માયાજાળમાં જ્યાં મોંલિકતા જ ના હોય એ દેશ ક્રિએટર નહીં પણ કોપીકેટર જ રહે.
* બહારના પીઝ્ઝા અહીં આવી ગ્યા પણ આપણી ભાખરી ઘર બહાર ન નીકાંળી શક્યાં
* ટેસ્ટી સ્ટાર્ટર આપણે સ્વીકાર્યા પણ આપણા જ ટેસ્ટફૂલ અથાણાં બહાર મોકલતા હોત તો!!? તો એ પણ રોજીરોટીનો જ એક માર્ગ હોટ, એક પ્યોર બિઝનેસ માફક.
* બહારના સોફ્ટડ્રિન્કસ ભલે પીએ પણ કાશ સાયન્સ કે બિઝનેસ મેનેજમેન્ટમાં આરોગ્યપ્રદ છાશ, શેરડીનો તાજો રસ કે અઢળક વાનગીઓ કેમ બ્રાન્ડ બનાવી બહાર મોકલવી એ ભણાવી શકાતું હોત કે ચોપડી બાર વિચારી શકાતું હોત તો પીઝ્ઝા, બર્ગર , બ્રેડ જેમ ઢોકળા, સમોસા, રસપાત્રા , સુખડી, તાજા અડદિયા પણ ગર્વ સાથે 'ભારતીય બ્રાન્ડ' હોત.
આપણાં મસાલાનો ટેસ્ટ તો દુનિયાને વર્ષોથી લાગેલો, એટલે તો 200 વર્ષ ગુલામી વેઠી દેશે! પણ કમનસીબે આપણને બહારના દેશો જેમ ખુદની વસ્તુઓનું બ્રાન્ડિંગ કરતા જ ના આવડ્યું નહીંતો અલગ જ ફિલ્ડ આમાં પણ હોત.
શિક્ષણ પદ્ધતિ એ હદે સડેલી છે કે ચોપડી બાર વિચાર પણ કરતા ફાવે નહીં, આઉટ ઓફ ધ બોક્સ થીંકીંગ- થિયરી વર્ષોથી મેનેજમેન્ટ માં 'યાદ રખાવાય છે' , બસ 'શીખવાડાતું નથી'!
યુવાઓનો આવડતથી ખદબદતો દેશ છે પણ પ્રેક્ટિકલી શક્ય હોય એવી કોઈ દિશા જ નથી જ્યાં સર્જનાત્મકતાં કે સંશોધન ને પ્લેટફોર્મ મળે.
અહીં વાત નિરાશાની નથી પણ સતત દેશભક્તિમાં ડાયાંબિટીશ થઈ જાય એ હદની ગળી-ગળી વાતો કરી ત્યારે કોઈએ તો કડવી દવા જેવી વાસ્તવિકતા તરફ ધ્યાન દોરવું પડે.
ગ્રાઉન્ડ રિયાલિટી સામે આંખ આડા કાન કરવાથી મહાસત્તા તો નહીં જ બનાય.
અહીં લખીને આક્રોશ ઠાલવી શકાય પણ એજ્યુકેશન સિસ્ટમ જડ-મૂળથી બદલાવી જોય એ સમયની માંગ છે નહીંતો અપરિવર્તનનો અભિગમ હમેશાં 'સડો' જ પેદા કરે. એજ્યુકેશનની જે એક વ્યવસાય જેવી લઢણ બની ગઈ છે એ જ્યાં સુધી પાયા માંથી નહીં બદલાઈ ત્યાં સુધી સમસ્યાઓ એ જ રહેશે કેમ કે આપણાં જેવા વસતિગીચ દેશ માં સરકાર બદલવાથી , સમસ્યાઓ બદલાતી નથી.
***