Achetan Mann in Gujarati Philosophy by shahnaz murani books and stories PDF | અચેતન મન

Featured Books
Categories
Share

અચેતન મન

“અચેતન મન”

આલીશાન ઑફિસની રિવોલવિંગ ચેર ઉપર બેઠો હું વિચારી રહ્યો. મારા વિચારોમાં વિક્ષેપ પાડતા પટ્ટાવાળાએ અવાજ આપ્યો.

"મે આઈ કમ ઇન સર?"

"કમ ઇન."

હું એ પટ્ટાવાળાને જોતો રહી ગયો. આ હું ક્યાં આવી ગયો? એ પટ્ટાવાળો તો મારા બોસ જેવો લાગતો, અને એને તો મેં હમેશા સૂટ-બુટમાં જોયેલ. હંમેશા મારી તરફ રોફ ઝાડતો જોયેલ! આજે આ મારી ઑફિસમાં પટ્ટાવાળો! અને હું કોણ?

અનિકેત!

હા હું અનિકેત.

હું વિચારતો રહ્યો અને પટ્ટાવાળાએ બેત્રણ ફાઇલનો થપ્પો મારા ટેબલ પર પટક્યો. મેં તેની સામે પ્રશ્નાર્થ ભરી નજરથી જોયું, અને કહ્યું.

"ડોફા મારા માટે ચાય અને પાણી લાવ, અને આજે યુનિફોર્મ કેમ નથી પહેર્યું?"

"જી ..જી.. અનિકેત સર.. બ..ફ...ફ.. મમ."

"શુ ગેંગે ફેફૅ કરે છે? ચાલ જા અહીં થી."

પટ્ટાવાળો જતો રહ્યો પણ, મારા દિમાગમાં કોઈ ઘમાસાણ ચાલવા લાગ્યું. આ ફાઈલમાં શુ છે?

હું આમ તેમ પાના ઉથલાવવા લાગ્યો.

અરે બાપરે! પાંચ કરોડનો ચેક! ઓહ! મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. ચેકમાં જ્યાં સાઈન કરવાની હતી ત્યાં મારું નામ લખ્યું હતું!ઓહ ! આ તો મારું ખાતું છે? ના હોયજ નહીં! જે થવું હોય તે, એ તો હું સાઈન કરીશ તો પકડાઈ જઈશ!

કોઈ કંપનીને પેમેન્ટ કરવાનું હતું! એવુંજ કંઈક હતું. ફાઇલ માના કાગળ અને બિલ જોઈએને લાગતું હતું કે કાચા માલનું પેમેન્ટ કરવાનું હતું. હું એજ વિચારી રહ્યો હતો, અને પટ્ટાવાળો ચાય-નાસ્તો લઈને આવ્યો. મેં એના ઉપર ફરી રોફ જમાવ્યો, અને મેં મારા બુટ મારા બોસ જેવા લાગતા એ પટ્ટાવાળા પાસે સાફ કરાવ્યા.

ખભે લટકાવેલ ગમચાથી એ મારા બુટ સાફ કરતો રહ્યો, અને હું ઘડીભરમાં બે દિવસ પહેલાનાં વિચારોમાં ખોવાઈ ગયો. અરે! બે દિવસ પહેલાતો મેં મારી ઑફિસની સામે જે ચાયની લારીવાળો છે તેને પૂછ્યું હતું! મને કશું યાદ કેમ નથી રહેતું? પણ એ ચાયવાળો તો મારા ખાસ મિત્ર રમેશ જેવો લાગે છે! હૂબહૂ ચહેરો! મેં એના ઉપર વિશ્વાસ રાખતા પૂછ્યું હતું કે, હું કોણ? અહીં કેવી રીતે આવ્યો? ઓહ! ત્યારે એણે મને કહ્યું હતું કે, તમે? અરે સાહેબ તમને યાદ શકતીની તકલીફ છે. તમે અનિકેત. તમે દરિયા કિનારે આત્મ હત્યા કરવા ગયા હતા. ત્યાંથી તમારો પગ લપસી પડ્યો હતો, અને તમને માથામાં મૂંઢ માર લાગેલ, તો પણ તમે દરિયામાં ઝંપલાવવા કોશિશ કરેલ, પણ તમને સિક્યોરિટી સ્ટાફ દ્વારા બચાવી લેવાયા. ત્યારે મેં એને પૂછ્યું હતું, કે મારા પિતાશ્રી? કોણ છે?મારી તમામ મિલકતની એણે મને જાણકારી આપી હતી, પણ એ રમેશ જેવો લાગતો હતો! પણ એનું નામ તો ભૂરો છે. એ તો એનેજ મને કહ્યું હતું. જરૂર મને કોઈ મગજની તકલીફ છે.

હશે, પણ હું અનિકેત ખરો, પણ આટલો નશીબદાર! આટલી સંપત્તિનો માલિક! ઓહ! પણ હું તો ગામડામાં રહેતો હતો, અને આ મહાનગરીમાં ક્યાંથી આવી ગયો? પણ પછી એ ચિંતા છોડીને હું મનગમતી જિંદગી જીવવા લાગ્યો. મારા પપ્પાથી મુલાકાત થઈ, પણ એ તો મારા કાકા જેવા લાગે છે, પણ હું એનેજ પપ્પા કહું છું! અરે! હું ઘરે ગયો હતો, મારી એક સુંદર મજાની પત્ની પણ છે?

પણ એ તો મારી કૉલેજની પ્રોફેસર મિસિસ રિસ્તોગી જેવી લાગે છે,

પણ, મિસિસ રિસ્તોગી તો પરણેલી છે, પણ એ મારી પત્ની કેમ હોય! ના એજ મારી પત્ની છે. એ મિસિસ અનિકેત પુંજીયા છે.

***

સાંજે ઘેર ગયો તો મહેમાન આવ્યા હતાં. મારી બહેન હિના, અને તેનો પતિ કિશોર, અરે! આ હિના છે? પણ આ તો મારી માસીની દીકરી રશ્મિ જેવી લાગે છે! મારી સાથે વાતો કરે છે, અને આ કિશોર! મારો બનેવી? અરે એ તો પેલા ચાયવાળા ભૂરા અને મારો મિત્ર રમેશ જેવો લાગે છે. હશે આવું થતું હશે. મેં આ બધું સ્વીકારી લીધું હતું. બધાજ મારી સાથે નૉર્મલ વર્તન કરી રહ્યા હતા, અને મને કશું યાદ આવ્યું. મેં ખિસ્સામાંથી પચાસ રૂપિયા કાઢીને બનેવીને હાથમાં આપતા કહ્યું.

"અરે રમેશ આ લે તારા પચાસ રૂપિયા, મારે તને ચૂકવવાના હતા, તે હું ભૂલી ગયો હતો."

"પણ આતો સાઈઠ રૂપિયા છે"

"અરે વાંધો નહીં, રાખોને બનેવી સાહેબ."

થોડીવાર પહેલા મેં એને રમેશ કહ્યું હતું, અને હવે બનેવી! આવું બધું હું ધીરે ધીરે સ્વીકારતો ગયો, કોઈ ઘેરું ઘટનાચક્ર મારી સામે ફરી રહ્યું હતું,

મહેમાનો મારી પત્ની સાથે વાતો કરી રહ્યા. હું મારા આલીશાન મકાનની અંદર નીરખી રહ્યો. દીવાલ ઉપર લાગેલું મહાકાય શાહરૂખખાનનું પોસ્ટર જોવા લાગ્યો. મોંઘીદાટ માર્બલ, પાક્કા લાકડાનું સોફાસેટ! ઘરમાં નાનું એવું માછલીઘર, છત ઉપર પ્લાસ્ટર ઓફ પેરીસનું આવરણ, વીજ ઉત્પાદિત વાતાનુકૂલિત વાતાવરણ, મોંઘાદાટ કાંચના સોકેસ,, સાચેજ હું પુન્જીયા એન્ડ સન્સનો વારસદાર છું? ઘડીના પાંચમાં ભાગમાં હું મારા લગ્નનો આલબમ જોવા લાગ્યો, અરે! આ તો મારોજ ફોટો છે..હું અરીસા સામે જઈ ઊભો રહ્યો. હું ખુદને જોવા લાગ્યો. હા, હું અનિકેત, હું અંદર અંદર ખુશ થવા લાગ્યો, અરીસામાં જોતજોતામાં મારો ચહેરો થોડીવારમાં શાહરૂખખાન જેવો લાગવા લાગ્યો! અરે! હું શાહરૂખખાન છું? ના હું શાહરૂખખાન જેવો લાગુ છું.

અરીસાથી થોડે દૂર રસોડામાં મોટું ડાયનીંગ ટેબલ પડ્યું હતું. અવનવા ફ્રુટ્સ અને સુકોમેવો જોઈ હું એ તરફ ગયો. ઓહ! હું તો ભૂખ્યો છું, એમ વિચારી હું એક સફરજન ઉઠાવી ખાવા લાગ્યો.

***

મારા ચહેરા ઉપર પાણીનો છંટકાવ થયો, મારી આંખો ધીરે ધીરે ખુલી, આકાશ ઉપરથી પડતા સૂર્યપ્રકાશને લીધે મારી આંખો અંજાઈ ગઈ, અને બંધ થવા લાગી. હું મારી આંખ આડા હાથ રાખી ધીરે ધીરે હોશમાં આવ્યો. આજુ બાજુ નજર દોડાવી, લોકો મને ઘેરીને ઉભા હતા. હું અમારા ગામના દરિયા કિનારે ચીંથરે હાલ પડ્યો હતો. થોડીવારમાં મારી આંખ ફરી બંધ થઈ ગઈ.

મારી ઊંઘ ઊડી ગઈ, મારી આંખ ખુલતાં હું સરકારી હોસ્પિટલના જનરલ વૉર્ડમાં હતો. છત ઉપર ફરતા મહાકાય પંખાને, આજુબાજુના બેડ અને દર્દીઓને જોઇને હું માર્મિક હસ્યો. સ્વસ્થ થઈ બેઠો થયો, અને માથામાં એક ટપલી મારી સ્વગત બબડ્યો “ ઓહ! હું અનિકેત! એલ આઈ સી એજન્ટ?”

મારા બેડની સામે બેઠેલા રમેશએ ચાયનો કપ અને પારલે બિસ્કિટનું પેકેટ મારી તરફ લંબાવતા કહ્યું..

“કેમ માથામાં ટપલી મારી? અને આમને આમ કેટલા વર્ષ મને હેરાન કરીશ?”

અફસોસ હું ફરી એજ નર્કમાં આવી ગયો? હું બચી ગયો, અરે હું જીવતે જીવતો મરેલો જ હતો મને કેમ બચાવી લેવાયો? રમેશ મને સવાલ ઉપર સવાલ કર્યે જતો હતો અને હું ફરી એજ જુના હિસાબમાં લાગી ગયો, સાંજ પડશે અને ફરી એજ ઉઘરાણી વાળા ને જવાબ આપવાનો, અમુક ગ્રાહકોના પ્રીમિયમના રૂપિયા પણ હું ચાવી ગયો હતો! એમને શું જવાબ આપીશ?

“અનિકેત શું ચિંતામાં ખોવાયો ભાઈ, તું પૈસાની ચિંતા છોડ જીવતા રહેશું તો ધીરે ધીરે બધાને ચૂકતે થઇ જશે પણ હવે પછી બીજીવાર આવું પગલું નહી ભરતો દોસ્ત. અને હા હમણાં પોલીસ આવી હતી, દસ હજાર રૂપિયા તફડાવી ગઈ મારી પાસેથી, તારે મરવું હોય તો એ રૂપિયા ચૂકવીને પછી મરજે..” રમેશે હસતા હસતા કહ્યું..

“અરે યાર હું કોઈ સપનાની દુનિયામાં ખોવાઈ ગયો હતો.”

“અરે આ સપનાઓની દુનિયામાંથી બહાર આવીને કાંઈક કામ ધંધો કરીશ ત્યારે કર્જામાંથી બહાર આવીશ, આ તારો આત્મહત્યાનો બીજો પ્રયાસ હતો. અરે દરિયાના પાણીએ પણ તને જીવતો બહાર ફેંકી દીધો, અરે તું મરીશ પણ નહી અને સુખેથી મરવા પણ નહી દે.”

“અલ્યા રમેશ,,સોરી ભૂરા.. અરે સોરી કિશોર,, મને તારું સપનું આવ્યું હતું..”

“એ સપનાઓની વાતો ઘરે જઈને કરીશું, ખમ હું ડૉક્ટર સાહેબ પાસેથી રજા લઈ આવું.”

“અરે ના ના, પહેલા તો તું મારું સ્વપ્ન શાસ્ત્રનું જ્ઞાન સાંભળતો જા પછી ઘેર જઈએ, એટલું જોરદાર સપનું આવ્યું હતું! પછી હું ભૂલી જઈશ, તને ખબર છે સપનાઓ આપણે યાદ નથી રહેતા.”

પણ રમેશને મારી વાત સાંભળવામાં રસ ન હતો, હું બે દિવસથી ભૂખ્યો હતો, રમેશ ડૉક્ટર સાહેબ પાસે રજા લેવા ગયો, અને હું ચાય અને બિસ્કિટ આરોગવા લાગ્યો. મનોમન હસવા લાગ્યો, હોસ્પિટલની અંદર લાગેલા કેલેન્ડરમાં શાહરૂખખાનનો ફોટો જોઈ ફરી માર્મિક હસવા લાગ્યો, ત્યાં તો રમેશ જનરલ વૉર્ડમાં આવતા આવતા બબડ્યો..

“આ ડૉક્ટર સાહેબને જમવા પણ અત્યારેજ જવું હતું! હવે ચાર વાગ્યે આવશે, ત્યાં સુધી હોસ્પિટલમાં રહેવું પડશે.”

રમેશ ફરી મારી સામે સ્ટૂલ ઉપર બેસી ગયો, અને બબડ્યો.

“હા બોલ હવે, ચાર વાગ્યા સુધી તને સહન કરવોજ પડશે, જણાવ તારા સ્વપ્ન શાસ્ત્ર નું જ્ઞાન. મને ખબર છે તે સ્વપ્નશાસ્ત્રની બુક વાંચી છે, એટલે તારી કથા મારે સંભાળવી રહી.”

રમેશની વાત સાંભળી હું મનોમન હસવા લાગ્યો. ત્રણ વર્ષથી મને સહન કરી રહ્યો છે. આજે એ મને ત્રણ કલાક પણ સહન નથી કરી શકતો! હું છુંજ એવો. છેલ્લા ત્રણ વર્ષથી એલ.આઈ.સી એજન્ટ તરીકે કામ કરું છું, પણ એક રૂપિયો નથી કમાયો, અને કેવા કેવા કઠલા કરવા પડે! ગ્રાહકોની પત્નીને બાધી મુઠીએ કહેવું પડે, કે તમારા પતિને કાંઈક થઇ જાય તો તમને આટલા રૂપિયા મળે.

છેલ્લા ત્રણ વર્ષથી રમેશ બિચારો મને ટીફીન સર્વિસ આપે છે, એને પણ એક રૂપિયો નથી આપ્યો, ઉપરથી કેટલા રૂપિયા ઉધાર ઉઠાવી ચુક્યો છું. મકાનનું ભાડું ભરવાના રૂપિયા ન હતા, તો એ રમેશએજ મને રહેવાની સગવડ કરી આપી, ભલેને એ ભૂકંપથી જર્જરિત થયેલી બિલ્ડિંગ છે, પણ મારા રહેવા પૂરતી વ્યવસ્થા તો છે. હું રમેશના વિચારોમાં ગળગળો થઈ ગયો. રમેશ સામે જોવા લાગ્યો. ત્યાં રમેશ એ ફરી કહ્યું..

“હા તો તારા સ્વપ્ન શાસ્ત્રની કથાનું શું થયું?”

“હા જો એજ વિચારી રહ્યો હતો, મારા સપનામાં તું આવ્યો હતો..”

એમ શરૂઆત કરીને મેં રમેશને મારું સપનું જણાવ્યું.. મારી સપનાઓની વાતો સાંભળી રમેશ મને પૂછવા લાગ્યો..

“પણ આમાં કેવું સ્વપ્નશાસ્ત્ર? અને આવું અટપટું સપનું કેમ આવ્યું તને?”

“એજ તો!”

“તને તો ખબર છે હું રહ્યો...”

“સાયકોલોજી ઍક્સ્પર્ટ! બરાબર ને? “ મને વચ્ચે અટકાવતા રમેશએ કહ્યું..”

“હા એજ, હવે સાંભળ પેલો મારો બોસ જોશી સપનામાં મારો પટ્ટાવાળો બનીને આવ્યો, કેમ?”

કેમકે એ હમેશા મારી ઉપર રુઆબ કરતો હોય છે. હમેશા નાની નાની બાબતો માં મને ઉતારી પાડતો હોય છે, એટલે એ મારા સપનામાં મારો પટ્ટાવાળો બનીને આવ્યો, અરે યાર સપનામાં મેં એની પાસેથી મારા બુટ પણ સાફ કરાવ્યા, એ કેમ ખબર છે તને?

“ના નથી ખબર, એટલેજ તો તને કહ્યું, તારું સ્વપ્નશાસ્ત્ર સાંભળ્યા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.”

“જો રમેશ એમાં એવું હોય છે, કે આપણે સપના શા માટે આવે છે, એ તારે સમજવું પડશે, અને પછી આવા વિચિત્ર સપનાઓ કેમ આવે છે, એ પણ સમજવું પડશે. આપણા સપનાઓ આપણો અરીસો છે. સાયકોલોજી એવું કહે છે કે તમે તમારા નેવું દિવસના સપનાઓ કોઈ નોટબુકમાં નોંધી, અને પછી તમે તેનું વિવરણ કરો, તો તમે શું છો, એ તમને ખબર પડી જાય. કારણ કે આપણે જે રોજ વિચાર કરીએ છીએ એમાંના અમુક વિચારો આપણે ઉપયોગી નથી હોતા, અને જેમ બિનઉપયોગી વસ્તુઓને આપણે કચરાપેટીમાં નાખીએ છીએ, એવીજ રીતે આપણું મગજ બિનઉપયોગી વિચારોને નાના મગજને આપી દે છે. આપણું નાનું મગજ છે એ એક પ્રકારની કચરા પેટીજ છે, પણ એ કચરા પેટીમાં ભરાવો થાય તો? એનો પણ નિકાલ તો કરવોજ પડેને? બસ! આ સપનાઓનું એવુજ હોય છે. આપણું અચેતન મન આવી રીતે આપણા મગજમાં રહેલા કચરાનો નિકાલ સપનાના સ્વરૂપમાં કરે છે, અને સાયકોલોજી એવું પણ કહે છે કે સપનાઓ આવવા જોઈએ. જો તમને સપનાઓ નથી આવતા તો તમે મેન્ટલી ડીસટર્બ છો.”

“તું આટલાં મોટા સાયકોલોજીના બણગાં ફૂંકે છે! તો તું આત્મહત્યા કરવા કેમ ગયો હતો?

“સાચી વાત, એનો જવાબ પણ તને પછી આપીશ, પહેલા આ સ્વપ્નશાસ્ત્ર પૂરું થાય પછી, હા તો ક્યાં પહોંચ્યા હતા આપણે?”

“મેન્ટલી ડીસ્ટર્બ.”

“હા એજ હવે મને આવેલ સપનાનું વિવરણ સાંભળ, પેલો મારો બોસ જોશી મને દીઠો નથી ગમતો, એટલે હું એના માટે એવાજ વિચાર કરતો રહું, એટલે એની પાસેથી સપનામાં મેં મારા જોડા સાફ કરાવ્યા.

પછી? ચાર દિવસ પહેલા બીડી લેવા તારી પાસેથી પચાસ રૂપિયા ઉધાર લીધા હતા, એટલે સપનામાં પણ પાંચ કરોડનો ચેક સાઈન કરવાનો વારો આવ્યો, કેમ? કેમ કે હું એવું વિચારતો, અને પેલો ચાય વાળો ભૂરો તારા જેવોજ લાગતો હતો, કેમ? કેમ કે એ ખૂબ ભલો ઇન્સાન હતો, અને એક ભલા માણસની જગ્યાએ હું તનેજ મૂકી શકું, મારું આ દુનિયામાં તારા સિવાય બીજું કોણ છે? હું પંદર વર્ષનો હતો ત્યારેજ મારા પપ્પા ટપકી ગયા હતા. અને મારી અને મારા પપ્પા સાથે મારી ઊભી નહોતી બનતી. એતો તને ખબર છે, એટલેજ મેં સપનામાં પણ મારા સાચા પપ્પાની જગ્યાએ મારા કાકાની કલ્પના કરી.”

“અને પેલી મિસિસ રીસ્તોગી નું શું રહસ્ય છે?” રમેશએ હસતા હસતા પૂછ્યું.

“હા એ વાત મેં આજ દિવસ સુધી કોઈને નથી જણાવી, એ કૉલેજમાં અમને કેમિસ્ટ્રી ભણાવતી, એ ખૂબ આકર્ષક હતી, મને એના તરફ આકર્ષણ હતું, જે તે સમયે હું કૉલેજ કરતો, તો હું એવુજ વિચાર કરતો કે મારી પત્ની પણ મિસિસ રીસ્તોગી જેવી સ્લીમ, ગોરી, અને સ્માર્ટ હોય.”

“અને પેલા કિશોર અને ભૂરાનું શું કોન્ફલિકટ છે? અને તારી બેન હીના ની જગ્યાએ તને રશ્મી કેમ દેખાઈ ?”

“હાસ્તો એજ. મારી સગી બહેનથી પણ મારી ક્યાં બનતી? એ હંમેશા પપ્પા પાસે મારી ચાડી કરતી રહેતી, પણ મારી માસીની દીકરી રશ્મી હંમેશા મારી કેર કરતી, મારી બચપનની દોસ્ત પણ કહી શકું, અને તારા માટે મને હમેશા એવોજ વિચાર આવેલ, કે મારો બનેવી રમેશ જેવો ભલો હોવો જોઈએ, એટલેજ મને કિશોરમાં તારો ચહેરો દેખાયો. અને મારી સગી બહેનના પતિનું નામ કિશોરજ છે. એ પણ સાલો લાલચુ છે, અને એટલેજ એની જગ્યાએ સપનામાં મને તારો ચહેરો જોવાયો..

“અને શાહરુખખાનનો તો તું આશિક છો, એટલે એના વિષે મારે તને પૂછવાની જરૂર નથી. સાલ્લા, એ દિવસે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે મુવી જોવા માટે મારી પાસેથીજ તો ઉધાર લઈ ગયો હતો.”

“અને હા પેલ્લું ઘરનું આલીશાન દ્રશ્ય કેમ જોવાયું? એ નાં પૂછ્યું?”

“હા એ તો સમજી ગયો, સાલ્લા તું શેખચલ્લી જેવો છે, એવાજ વિચાર કરતો રહીશ હંમેશા.”

સાંજે હોસ્પિટલમાંથી રજા મળતા રમેશ મને મૂકવા આવ્યો, પેટમાં દરિયાનું ખારું પાણી ભરાઈ ગયું હતું જેના કારણે શરીરમાં થોડી કમજોરી આવી ગઈ હતી. ખખડધજ બિલ્ડિંગના ચોથામાળે મારો હાથ પકડી રમેશ મને મૂકવા આવ્યો.

બિલ્ડિંગના ચોથામાળે મારા મકાનના દરવાજાની જગ્યાએ રેતી ચારવાની મોટી ચારણી હટાવી અંદર પ્રવેશ કરતા કહ્યું..

“તો મિસ્ટર શાહરુક ખાન,, હવે હું જઈ શકું?”

“મિસ્ટર ભૂરા,, શાહરુખખાન નહી..કરોડપતિ મિસ્ટર અનિકેત પુંજીયા, ધી પ્રોપરાઈટર ઓફ પુંજીયા એન્ડ સન્સ.”

અને અમે બંને હસી પડ્યા...

સમાપ્ત..

લેખક :- શહેનાઝ નીલેશ મુરાણી.

એડિટર: નીલેશ મુરાણી.

ઈમેઈલ:- astaranjar@gmail.com