દિમાગમાં એ.સી. મુકાવો!
યશવંત ઠક્કર
શિયાળો આવે છે, પણ પહેલાં જેવો નહિ. શિયાળો બહુ રોકાતો પણ નથી. ચોમાસુ આવે, ન આવે, આવે તો મોડું આવે અને વહેલું ભાગે. ઉનાળો તો કાયમી થઈ પડ્યો છે. વાતાવરણમાં બારે મહિના ગરમીની દાદાગીરી જોવા મળે છે. આ કારણથી મોટા ભાગના લોકોના દિમાગની ટાંકી પણ ગરમીથી ભરેલી રહે છે. છલકાઈ જતાં વાર નથી લાગતી. જ્યાં જુઓ ત્યાં, નાની નાની વાતોમાં લોકો ઉશ્કેરાઈ જાય છે. કોઈને કશુંય કહેવા જેવું નથી. કોઈ જાહેરમાં ગાળો બોલતું હોય ને બીજું કોઈ એને રોકે તો રોક્નારનું આવી બને. વાહન પાર્કિંગ કરતી વખતે પણ ખૂનખરાબા થઈ જાય. લાઇનમાં ઘૂસ મારનારને કોઈ અટકાવે તો એવી ધમાલ થઈ જાય કે લાઇન જ વીખાઈ જાય. અટકાવનાર ઠપકાને પાત્ર થાય. ‘જેમ ચાલતું હોય એમ ચાલવા દો’ એ સૂત્ર સામાન્ય માણસોનો જીવનમંત્ર થઈ ગયું છે.
સોશિયલ વેબસાઇટ પર પણ વાતાવરણ મોટા ભાગે ગરમ રહેતું હોય છે. વાત વાતમાં ધિંગાણાં થઈ જતાં હોય છે. રાજકારણની બાબતમાં તો ધિંગાણાં થાય એ તો સમજ્યા, પરંતુ વ્યાકરણની બાબતમાં પણ ધિંગાણાં થઈ જાય છે. પાંચમાં પુછાય એવા વિદ્વાનો પણ એકબીજાને બ્લોક કરી નાખે. બ્લોક કર્યા પછી પણ એમનાં દિમાગ શાંત નથી પડતાં. એમની જ સમજણ એમને સાથ નથી આપતી. દશેરાના દિવસે જ એમની સમજણનું ઘોડું નથી દોડતું. સોશિયલ વેબસાઇટ પર ધિંગાણાં થાય છે ત્યારે હુમલા શસ્ત્રોથી નથી થતા, પરતું શબ્દોથી થાય છે. કોઈને શારીરિક હાની નથી થતી, પરંતુ માનસિક હાની તો થાય જ છે. આથી શાંતિપ્રિય લોકો સોશિયલ વેબસાઇટ પર થતી ચર્ચામાં બહુ ભાગ નથી લેતા. જો કે, એવા લોકોને પણ ‘બીકણ બિલાડીઓ’ કહીને ઉશ્કેરનારા પણ હોય છે.
આવા સંજોગોમાં લોકોનાં દિમાગ શાંત રહે એ ખૂબ જ જરૂરી છે. લોકોનાં દિમાગ શાંત રહે એ માટે સમાજમાં પ્રવચનો, કથાઓ, ઉપદેશ વગેરે દ્વારા ઘણા પ્રયત્નો થાય છે, પરંતુ જોઈએ એવું પરિણામ નથી મળતું. કેટલીક વખત તો, શાંતિ માટે જે કાર્યક્રમોનું આયોજન થયું હોય એ કાર્યક્રમોમાં જ અશાંતિનું પ્રાગટ્ય થાય છે. તાત્કાલિક ફાયદો થાય એવા કોઈ ઉપાયની જરૂર છે. સમયની માંગ છે કે, માણસ પોતાના દિમાગમાં એ.સી. મુકાવી શકે એવી કોઈ શોધ થાય. ‘જરૂરિયાત શોધખોળની માતા છે’ એટલે વહેલા મોડી એવી શોધ તો થશે જ.
માણસ પોતાના દિમાગમાં એ.સી. મુકાવી શકે એવો જમાનો આવી જાય તો સમાજમાં કેવાં કેવાં પરિવર્તનો આવી જાય! સમાજમાં બે નવા વર્ગ અસ્તિત્વમાં આવી જાય. એક વર્ગ એ.સી. ધારણ કરેલા માણસોનો અને બીજો વર્ગ એ.સી. ધારણ ન કર્યું હોય એવા માણસોનો. બીજી રીતે કહીએ તો નરમ પંથી અને ગરમ પંથી. શરૂઆતમાં રૂઢિચુસ્ત માણસો દિમાગમાં એ.સી. મુકાવવાની સગવડને ખુલ્લા દિલથી ન આવકારે એવું પણ બને, પરંતુ સમય જતાં તેઓ પણ ઢીલા પડે. જુઓને, થોડાં વર્ષો પહેલાં ‘આપણને એ.સી. ન ફાવે’ એવું કહેનારો એક મોટો વર્ગ હતો, પરંતુ આજે એમાંથી એ વર્ગમાંથી ઘણા લોકોએ મોડા મોડા પણ એ.સી.નો સ્વીકાર કર્યો છે. ગરમી જ એટલી વધી ગઈ કે જેના કારણે લોકો એ.સી.ને સુખનું નહિ, પણ જરૂરિયાતનું સાધન મનવા લાગ્યા છે. એ જ રીતે, દિમાગમાં એ.સી. મુકાવવું એ પણ જરૂરિયાત ન બની જાય?
દિમાગમાં એ.સી. મુકાવવાની શોધ થાય તો કેવી કેવી જાહેરાતો આવે!...
-તમારા પરિવારને તમારા અક્રોશથી બચાવો. તમારા દિમાગમાં એ.સી. મુકાવો. જીવો અને જીવવા દો.’
-દિમાગમાં એ.સી. મુકાવવું એ આગ્રહનો વિષય નથી. જરૂરિયાતનો વિષય છે.
-તમારું ગરમ દિમાગ લઈને સવારે અમારી હોસ્પિટલમાં આવો. દિમાગમાં એ.સી. મુકાવો અને સાંજે ઠંડા દિમાગ સાથે ઘરે જાઓ.
દિમાગમાં એ.સી. મુકાવવાની સગવડ ઉપલબ્ધ થાય તો લોકો વચ્ચે કેવા કેવા સંવાદો થાય! કેટલાક નમૂના...
નમૂનો:[૧]
‘તમારા ભાઈએ એમનાં દિમાગમાં એ.સી. મુકાવી દીધું હો.’
‘એમ? એ તો ના પાડતા’તાને.’
‘ના તો પાડતા’તા પણ છોકરાઓએ સમજાવ્યા. માની ગયા એટલી ભગવાનની દયા.’
‘સ્વભાવમાં ફેર પડ્યો?’
‘પડ્યોને. પહેલાં તો વાતવાતમાં વડકાં નાખતા’તા. હવે તો એ મજાનાં ગીતો ગાતા થઈ ગયા છે. આજે સવારે જ પેલું ગીત ગાવા માંડ્યા’તા. એક પ્યાર કા નગ્મા હૈ, મૌજો કી રવાની હૈ. જિંદગી ઔર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હૈ’
નમૂનો [૨] :
‘ભગવતીભાઈ, તમારો રાકેશમાં આજકાલ બહુ બદલાઈ ગયો હોય એવું લાગે છે. પહેલાં તો એની સાથે વાત કરવી હોય તો વિચાર કરવો પડતો’તો. વાતવાતમાં ગરમ થઈ જતો’તો. હવે તો એકદમ ઠંડકથી વાત કરે છે. જબરો ફેર પડી ગયો છે.’
‘ફેર તો પડે જ ને. રૂપિયા ખર્ચ્યા છે.’
‘રૂપિયા ખર્ચીને શું કરાવ્યું એ તો કહો.’
‘અરે, રાકેશે એના દિમાગમાં એ.સી. મુકાવ્યું એ વાતની તમને ખબર નથી?’
નમૂનો [૩] :
‘અરે નટુભાઈ, એક ઇન્ક્વાયરી કરવાની છે.’
‘બોલો જયરામભાઈ બોલો’
‘કહું છું કે, મેં તમારી પાસે મેડિકલેઇમ ઉતરાવ્યો છે. હવે, મારે મારા દિમાગમાં એ.સી. મુકાવવું છે તો એનું બિલ પાસ થશેને?’
‘ના. દિમાગમાં એ.સી. મુકાવવાનું બિલ પાસ ન થાય.’
‘કેમ ન થાય? તમે લૂંટવા બેઠા છો? મેડિકલેઇમ ઉતરાવવાનો મતલબ શો?’
‘કંપનીના નિયમ મુજબ બધું થાય. એમાં મારું કશું ન ચાલે.’
‘તમારું ન ચાલે તો જખ મારવાને મારો મેડિકલેઇમ ઉતાર્યો?’
‘અરે જયરામભાઈ, તમે શાંતિથી વાત કરો. આટલા બધા ગરમ ન થાઓ.’
‘ગરમ થઈ જવાય છે. ગરમ થવાનો શોખ નથી થતો. આ ગરમીમાં દિમાગની દેવાઈ ગઈ છે ને તમે ઉપદેશ દેવા બેઠા છો. હાલી નીકળ્યા છો. તમને એજન્ટ કોણે બનાવી દીધા છે?’
‘જયરામભાઈ, આપણે રાત્રે વાત કરીશું, ઠંડા પહોરે. અત્યારે હું ફોન મૂકી દઉં છું.’
‘ફોન મૂકી દેશો તો હું અત્યારે જ તમારી ઘરે આવીશ.’
‘ઘરે આવશો તો ધક્કો થશે. હું દવાખાનામાં છું.’
‘કયા દવાખાનામાં? તમને શું થયું છે?’
‘ગ્લોબલમાં છું. મેં આજે સવારે જ મારા દિમાગમાં એ.સી. મુકાવ્યું. આરામમાં છું. કાલે રજા આપશે.’
[સામાપ્ત]