Pyara pauani testy vangio in Gujarati Cooking Recipe by Mital Thakkar books and stories PDF | પ્યારા પૌંઆની ટેસ્ટી વાનગીઓ

Featured Books
Categories
Share

પ્યારા પૌંઆની ટેસ્ટી વાનગીઓ

પ્યારા પૌંઆની ટેસ્ટી વાનગીઓ

મિતલ ઠક્કર

નાસ્તામાં પૌંઆ સૌને પ્યારા છે. નાસ્તામાં તેનો અલગ અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. મોટાભાગના લોકો તેને ખૂબ જ શોખથી બ્રેકફાસ્ટમાં ઉપયોગમાં લેતા હોય છે. ડાયટિશિયન કહે છે કે એક પ્લેટ બટાકા પૌંઆમાંથી ૧૮૫ કેલરી મળે છે. હેલ્થ માટે પૌંઆ સારા રહે છે તેથી પૌંઆ રોજ ખાઇ શકાય છે. લોહતત્વથી ભરપૂર પૌવા હમેશાં સવારનો એક મનપસંદ નાસ્તા રહ્યો છે. હકીકતમાં પૌવા ગમે તે સમયે ખાઇ શકાય છે. ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે, ઉતાવળના સમયે નાસ્તા તરીકે અથવા ચા સાથે નાસ્તો કરવામાં સારા રહે છે. સામાન્ય રીતે પૌંઆનું નામ આવે એટલે તમારા મનમાં એક જ બટાકાપૌંઆ આવે છે. આ સિવાય પૌંઆનો ચેવડો આવે છે. પણ પૌંઆની અવનવી વાનગીઓ છે. તે ટેસ્ટી અને હેલ્ધી પણ રહે છે. આમાંની અનેક વાનગીઓ એવી છે જેને તમે કોઇપણ સમયે નાસ્તામાં ઉપયોગમાં લઇ શકો છો. અમે અહીં આપના માટે પૌંઆના અનેક નાસ્તાની રીત શોધીને લાવ્યા છે જે જાણીને તમને નવાઇ લાગશે. અને હવે તમારા નાસ્તામાં પૌંઆનું વૈવિધ્ય જોવા મળશે. ન્યુટ્રિશિયનિસ્ટ પણ કહે છે કે પૌંઆ જ ખરેખર સૌથી આરોગ્યપ્રદ નાસ્તો છે. પૌંઆમાં લગભગ 76.9% કાર્બોહાઇડ્રેડ, 23.1% ફેટ્સ અને 0% પ્રોટિન હોય છે. પૌંઆમાં ભલે ખાસ કોઈ વિટામિન ન હોય પરંતુ જ્યારે તેને પરંપરાગત રીતે બનાવવામાં આવે છે ત્યારે પૌંઆમાં સિંગદાણા નાખવામાં આવે છે. પૌંઆમાં પડેલા આ સિંગદાણા પ્રોટિનથી ભરપૂર હોય છે. પૌંઆમાં સ્વાદ માટે આપણે ગાજર અને ટમેટાનો પણ ઉપયોગ કરીએ છીએ. તે પૌંઆની ડિશને વિટામિન એ, ઇ અને સી થી ભરપૂર બનાવે છે, સાથે એન્ટિ ઓક્સિડેન્ટથી ભરપૂર બનાવે છે. પૌંઆ તાજા તાજા બનાવવામાં આવે છે, માટે તેમાં અન્ય પ્રિઝર્વેટિવ નાખવાની જરૂર પડતી નથી. એટલું જ નહીં તે ચોખામાંથી બનતા હોવાથી ગ્લુટેન ફ્રી પણ હોય છે. ચોખા વજન વધારનારા અને ડાયાબિટીઝમાં નુકસાનકર્તા હોય તો આજના ડાયેટિશ્યનો ચોખામાંથી જ બનતા મમરા અને પૌંઆ ભરપૂર ખાવાની હા કેમ પાડે છે? એવો પ્રશ્ન ઘણાને થાય છે. આ બાબતે એક આયુર્વેદ નિષ્ણાત કહે છે કે ચોખામાં સ્ટાર્ચ વધારે હોય છે, પરંતુ એને શેકીને જે રીતે પૌંઆ બને છે એમાં ઘણોખરો સ્ટાર્ચ બળીને નીકળી જાય છે. બીજો તફાવત ફાઇબરનો છે. પૌંઆ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે આખી ડાંગરનો ઉપયોગ કરવામાં આવે છે. એ કારણે એના પર કોઈ પ્રોસેસિંગ કરવામાં આવ્યું હોતું નથી. એટલે પૌંઆ ખાવામાં વાંધો નથી. પૌંઆ વઘારતી વખતે ગાયનું ઘી અને હિંગનો વઘાર જરૂરી છે. આગળ પડતી હિંગથી સ્વાદ વધે છે અને વાનગી પાચક પણ બને છે. હવે પૌંઆના સ્વાદને "બટાટા પૌંઆ" પૂરતો સીમિત રાખવાને બદલે આ બધી રીત પણ અજમાવો.

પૌંઆનાં ઢોકળા

સામગ્રી : ક્રશ કરેલા જાડા પૌંઆ પોણો બોલ, પા બોલ રવો, અડધો બોલ દહીં, કોથમીર, આદુ-મરચાંની પેસ્ટ એક મોટી ચમચી, મીઠું સ્વાદાનુસાર, મરી, ચપટી સોડા, તેલ જરૂર મુજબ, પાણી. રીત : એક બોલમાં પૌંઆ, રવો, દહીં જરૂર મુજબ પાણી નાખી પંદર મિનિટ સુધી ઢાંકીને રાખો. (રુટીન ઢોકળાંનું ખીરૂં હોય તેવી થીકનેશ રાખવાની) ત્યાં સુધી સ્ટીમને (ઢોકળીયા કુકરને) પાણી નાખીને ગરમ કરવા મુકી દો ત્યાર બાદ મિશ્રણમાં આદુ મરચાંની પેસ્ટ દો. કોથમીર મીઠું એક ચમચી તેલમાં સોડા મીક્સ કરી તે પણ મિશ્રણમાં નાખી બરાબર હલાવી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી ઉપર મરી છાંટી ને વીસ મિનિટ માટે બાફી લો. ઇચ્છેા તો કટ કરીને વઘારીને ખાઇ શકો અથવા ઉપર તેલ નાખીને ગરમા-ગરમ પણ ખાઇ શકાય છે.

પૌંઆના ખમણ

સામગ્રી : એક કપ દૂધ, અડધી ચમચી હળદર, એક ચમચી ખાંડ, બે કપ પૌંઆ, એક ચમચી વાટેલા મરચા, એક ચમચી ગરમ મસાલો, અડધું લીંબુ, બે ચમચી તેલ, એક ચમચી રાઈ, બે ચમચી કોથમીર, મીઠું પ્રમાણસર

રીત : સૌ પ્રથમ દૂધમાં ખાંડ અને હળદર નાંખી તેને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય એટલે તેમાં પૌંઆ ધોઈને નાંખો. ત્યારબાદ તેમાં મીઠું, મરચા, ગરમ મસાલો નાંખો. દૂધને પૌંઆ શોષી લે ત્યારે તેમાં લીબું નીચોવો. હવે એક થાળીમાં તેલ લગાડી તેને ઠારી દો. હવે કાપા પાડી તેની પર તેલ રાઈનો વધાર રેડો. તૈયાર છે પૌઆના ખમણ.

પૌંઆના ઢોંસા

સામગ્રી: 1 બાઉલ ક્રશ કરેલો પૌંઆનો પાવડર, 2 ચમચી લીલા મરચા, ½ વાટકી બારીક કટ કરેલી પાલક, છાશ અને તેલ જરૂર પ્રમાણે, મીઠું સ્વાદ અનુસાર.

રીતઃ પૌંઆ પાવડરમાં છાશ, લીલા મરચાની પેસ્ટ અને પાલક મિક્સ કરીને 4 કલાક રહેવા દો. હવે એક પેનમાં તેલ એડ કરીને ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે એક મોટી ચમચી મિશ્રણ એડ કરીને ફેલાવો. બંને બાજુ લાઇટ બ્રાઉન કલરના શેકી લો. ગરમા ગરમ પૌંઆ ઢોંસાને ચટણી અથવા તો સોસ સાથે સર્વ કરો.

પૌંઆનો હાંડવો

સામગ્રી : એક કપ પૌંઆ, અડધો કપ દહીં, દોઢ કપ પાણી, અડધો કપ ખમણેલી દૂધી, અડધો કપ ખમણેલું ગાજર, પા કપ બાફેલા લીલા વટાણા, એક ચમચો આદું-મરચાંની પેસ્ટ, એક ચમચી સાકર, પા ચમચી હળદર, પા ચમચી લાલ મરચું, બે ચમચી તેલ, મીઠું સ્વાદ પ્રમાણે. વઘાર માટે- એક ચમચી રાઈ, બે ચમચી તલ, ચપટી હિંગ, એક ચમચી તેલ.

રીત : દહીંમાં દોઢ કપ પાણી ઉમેરીને બરાબર વલોવી લો અને અલગ રાખો. પૌંઆને ધોઈને દહીંવાળા મિશ્રણમાં ૨૦થી ૨૫ મિનિટ માટે પલાળી રાખો. હવે પૌંઆમાં દૂધી, વટાણા, ગાજર તેમ જ વઘાર અને બે ચમચી તેલ સિવાયની બાકીની બધી સામગ્રી બરાબર મિક્સ કરો. એક પૅનમાં તેલ ગરમ કરી એમાં રાઈ, તલ અને હિંગનો વઘાર કરો. આ વઘારને પૌંઆના મિશ્રણમાં બરાબર મિક્સ કરો.હવે આ મિશ્રણને ચાર ભાગમાં ડિવાઇડ કરો. એક નૉન-સ્ટિક તવી ગરમ કરો. એમાં અડધી ચમચી તેલ ઉમેરીને બરાબર સ્પ્રેડ કરો. હવે પૌંઆના મિશ્રણનો એક ભાગ રેડીને ચાર ઇંચ જેટલી સાઇઝનો હાંડવો બનાવો. એને ઢાંકીને મધ્યમ તાપે બન્ને સાઇડથી સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દો. એ જ રીતે બાકીના ત્રણ ભાગમાંથી પણ હાંડવો બનાવો. એને સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર ભભરાવીને સજાવો અને ગરમ પીરસો.

કાબુલી પૌંઆ

સામગ્રી: બે કપ જાડા પૌંઆ, અડધો કપ બાફેલા કાબુલી ચણા, એક ચમચો તેલ, અડધી ચમચી જીરું, અડધો કપ ઝીણા સમારેલા કાંદા, અડધી ચમચી હળદર, અડધો કપ ઝીણાં સમારેલાં ટમેટાં, અડધી ચમચી લીલાં મરચાંની પેસ્ટ, અડધી ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે. બે ચમચી સાકર, દોઢ ચમચી લીંબુનો રસ, બે ચમચા ઝીણી સમારેલી કોથમીર,

રીત: પૌંઆને ચાળી લો અને ત્યાર બાદ પાણીથી ધોઈને બે મિનિટ માટે અલગ રાખો જેથી પાણી નીતરી જાય. એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં જીરું ઉમેરો. ત્યાર બાદ કાંદા ઉમેરીને બે મિનિટ માટે સાંતળો. પછી હળદર, ટમેટાં અને કાબુલી ચણા ઉમેરીને બરાબર મિક્સ કરો અને બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ લીલાં મરચાંની પેસ્ટ, લાલ મરચું, મીઠું અને બે ચમચી પાણી ઉમેરીને એક મિનિટ માટે ધીમા તાપે ચડવા દો. હવે એમાં પલાળેલા પૌંઆ, સાકર અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો. છેલ્લે કોથમીર ભભરાવીને મિક્સ કરો અને બેથી ત્રણ મિનિટ ઢાંકીને ચડવા દો. એને સર્વિંગ-પ્લેટમાં કાઢીને ગરમ સર્વ કરો.

બટાટા-પૌંઆ કટલેટ

સામગ્રી : અડધો કિલો બટાટા, ૧/૪ કિલો પૌંઆ, ૧ ચમચી આદું-મરચાની પેસ્ટ, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, મીઠું સ્વાદ અનુસાર, એક લીંબુ, એક ચમચી સાકર, તળવા માટે તેલ.

રીત: પહેલાં બટાટા બાફી લો, ત્યાર બાદ બાફેલા બટાટાનો માવો કરી, એમાં પૌંઆ, આદું-મરચાની પેસ્ટ, હળદર, મરચું, મીઠું, લીંબુ અને સાકર ભેગાં કરી માવો બનાવો. કટલેટનો શેપ આપવા માટે સ્ટીલનું બીબું લો, પછી તૈયાર કરેલા માવામાંથી સ્ટીલના બીબામાં માવો ભરો. એક કડાઈમાં કટલેટ તળવા માટે જરૂરી તેલ લો અને ગરમ કરો. ત્યાર બાદ તૈયાર કરેલી કટલેટ એમાં તળવા મૂકો. લાઇટ બ્રાઉન કલર થાય ત્યારે કડાઈમાંથી કાઢી લો. ગરમાગરમ કટલેટ ડિશમાં ટમૅટો સૉસ અને બ્રેડ સાથે સર્વ કરો.

સ્પ્રાઉટ પૌંઆ

સામગ્રી: બે ટેબલસ્પૂન ઑઇલ, એક ટીસ્પૂન રાઈ, ચપટી હિંગ, એક કાંદો બારીક સમારેલો, પા ટીસ્પૂન હળદર, ત્રણ લીલાં મરચાં ઝીણાં સમારેલાં, બે કપ પૌંઆ, એક કપ મિક્સ સ્પ્રાઉટ (મગ, ચણા, લીલા ચણા, છોલે ચણા, વટાણા), બારીક સમારેલી કોથમીર, મીઠું સ્વાદ મુજબ, સાકર સ્વાદ મુજબ, એક ટીસ્પૂન લીંબુનો રસ, પૂર્વતૈયારી- બે કપ પૌંઆને પંદરેક મિનિટ માટે પાણીમાં પલાળી રાખવા, બ્લાન્ચ કરેલાં સ્પ્રાઉટ સજાવટ માટે, કોથમીર બારીક સમારેલી, બારીક ઝીણી સેવ, તાજું ખમણેલું કોપરું

રીત : એક પૅનમાં તેલ ગરમ કરવા મૂકો. એમાં રાઈ, હિંગ તથા લીલાં મરચાં સાંતળી લો. હવે એમાં બ્લાન્ચ કરેલાં સ્પ્રાઉટ તથા પલાળેલા પૌંઆ ઉમેરો. એમાં મીઠું, સાકર, લીંબુનો રસ ઉમેરો. બધું બરાબર મિક્સ થાય એટલે ગૅસ બંધ કરીને કોથમીર, કોપરું અને સેવથી સજાવટ કરી સર્વિંગ બાઉલમાં ગરમ-ગરમ સર્વ કરો.

ઓટ્સ-પૌંઆ ચવાણું

સામગ્રી : ૩-૪ કપ ઓટ્સ (રોલ્ડ), ૧ કપ પાતળા પૌંઆ અથવા કૉર્નફ્લેક્સ, દોઢ કપ તેલ, ૧/૪ કપ કાજુ અથવા સિંગદાણા, અડધો ટી-સ્પૂન રાઈ, અડધો ટી-સ્પૂન જીરું, ૧ લાલ મરચાના ટુકડા (સૂકું), ૪-૫ પાંદડાં લીમડાનાં, ૧-૨ ગ્રીન મરચાંના ટુકડા, ૩-૪ લસણની કળી ક્રશ કરેલી, ૧/૪ કપ તળેલી ચણાદાળ અથવા શેકેલી, દાળિયાની દાળ, ૨ ટેબલ-સ્પૂન પાતળું કાપેલું કોપરું (સૂકું), લાલ મરચાંનો પાઉડર, હળદર પાઉડર, હિંગ જોઈતા પ્રમાણમાં, મીઠું, ૧ ટેબલ-સ્પૂન ઑલિવ ઑઇલ.

રીત: એક પૅનમાં પૌંઆને શેકી લેવા. એ જ પૅનમાં કૉર્નફ્લેક્સ પણ શેકી લેવા. એ જ રીતે ઓટ્સને શેકવા. તેલ ગરમ કરીને એમાં કોપરું અને કાજુ અથવા સિંગદાણાને વારાફરતી તળી લેવા અથવા શેકવા. પૅનમાં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું, લાલ મરચાના ટુકડા, લસણ, ગ્રીન મરચાં અને લીમડો મિક્સ કરવું. એમાં સૂકા કોપરાની સ્લાઇસ મિક્સ કરવી. સાથે ચણાની દાળ મિક્સ કરી લેવી. એમાં ઉપરથી લાલ મરચાંનો પાઉડર, હળદર, પૌંઆ, ઓટ્સ બધી સામગ્રી સરખી મિક્સ કરવી. એમાં ઉપરથી ઑલિવ ઑઇલને નાખીને મિક્સ્ચરને બરોબર મિક્સ કરી ઠંડું કરીને ઍરટાઇટ ડબ્બામાં ભરી લેવું.

પૌંઆ- ઓટ્સનો ચેવડો

સામગ્રી: ૬૦ ગ્રામ ઓટ્સ, ૨૦ ગ્રામ શેકેલા પૌંઆ, ૧ ચમચો શેકેલી ચણાદાળ, ૧ નાની ચમચી રાઈ, બે લીલાં મરચાં, ૫-૬ લીમડાનાં પાન, પા ચમચી હળદર, ચપટી હિંગ, પા ચમચી દળેલી ખાંડ, ૧ ચમચી તેલ, મીઠું સ્વાદ અનુસાર.રીત : એક નૉનસ્ટિક પૅનમાં તેલ ગરમ કરો અને એમાં રાઈ કકડવા દો. મરચાને વચ્ચેથી ચીરીને લાંબા સુધારી એમાં નાખો. એમાં લીમડાનાં પાન ઉમેરો. એમાં હિંગ અને હળદર પણ નાખો. સૌથી પહેલાં ઓટ્સ નાખો. અડધી મિનિટ માટે શેકો. પછી શેકેલા પૌંઆ, ચણાદાળ, મીઠું અને દળેલી ખાંડ પણ નાખો. મિશ્રણને ઠંડું પાડો અને ઍરટાઇટ ડબ્બામાં ભરી લો. બીજા પ્રકારનો એક ચેવડો મમરા, કૉર્ન ફ્લેક્સ, શિંગદાણા, સૂકા નારિયેળના પીસ, શેકેલા ચનાજોર, કિસમિસ નાખીને બનાવી શકાય છે. એમાં બધી વસ્તુને શેકીને બનાવવાથી એ હેલ્ધી જ બને છે અને ઉપરથી ચાટ મસાલો, મરચું, નાખીને એને સ્વાદ આપી શકાય છે. મહત્વની વાત એ છે કે હેલ્ધી ચેવડામાં બધી જ વસ્તુ તવા પર શેકવાની છે. એટલે સામાન્ય રીતે તળેલી વસ્તુઓ જે નુકસાન કરે છે એ આ ચેવડામાં થતું નથી.

ઉસળ પૌંઆ

સામગ્રી : બે કપ પૌંઆ, બે ચમચી ખાંડ, એક કપ બાફેલા સફેદ વટાણા, પા ચમચી હળદર, બે ચમચી લીંબુનો રસ, દસ લીમડાના પાન, બે બારીક સુધારેલા લીલા મરચાં, પા ચમચી જૂરું, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણાજીરુ, પા ચમચી જીરું પાવડર, પા ચમચી કાળું મીઠું (સંચળ).

રીત: પૌંઆ ચાળીને ધોઇ લો. થોડી વાર સુધી તેને સૂકાવવા દો. ખાંડ,મીઠું અને હળદર, લીંબુનો રસ વગેરે પૌંઆ પર નાંખીને તેને મિક્સ કરો. કડાઇમાં ગરમ તેલ નાંખો અને સાથે તેમાં રાઇ, લીમડાના પાન અને બારીક સુધારેલા લીલાં મરચાનો વઘાર કરો. તેમાં પૌંઆ મિક્સ કરો અને સારી રીતે હલાવો, ઉપરથી લીલો ધાણો એટલે કે કોથમીર ભભરાવો. તેને ઢાંકીને અલગ રાખો. હવે એક મૂઠ્ઠી ધાણો, લીલા મરચાં અને આદુના ટુકડા કરીને પેસ્ટ બનાવો.

ઉસળ બનાવવાને માટે- એક કઢાઇમાં તેલ ગરમ કરો. જીરાનો વઘાર કરો. પહેલેથી તૈયાર પેસ્ટ, લાલ મરચું અને ધાણા પાવડર, જીરા પાવડર, સંચળને ભેળવીને 1-2 મિનિટ સુધી હલાવો. તેમાં બાફેલા સફેદ વટાણાને ઉમેરો. એક કપ પાણી ઉમેરો અને સાથે પાંચ મિનિટ સુધી ચઢવા દો. પીરસવાને માટે એક પ્લેટમાં પૌંઆ મૂકો અને તેની પર તૈયાર ગરમ ઉસળ ફેલાવો. બારીક સુધારેલા કાંદા અને ટામેટાથી તેને સજાવો. તેની પર રતલામી સેવ પણ લગાવો. ચાટ મસાલો અને લીંબુનો રસ ઉપરથી ફેલાવી તેને સર્વ કરો.

પૌંઆ પકોડા

સામગ્રી : અઢીસો ગ્રામ પૌંઆ, બે નાના બાફેલા બટાકા, આદુ મરચાં સ્વાદ અનુસાર, મીઠું લીંબુનો રસ સ્વાદ અનુસાર, એક નાની ચમચી સાકર, બે સ્લાઈસ બ્રેડ, બે ચમચી આરાલોટ, એક ચમચી ચાટ મસાલો.

રીત : પૌંઆને 10 મિનિટ પલાળો તેમાં બટાકા અને બીજી સામગ્રી મિક્સ કરો. તેના નાના ચપટા ગોળા વાળો. હવે ગરમ તેલમાં તળી લો, પેપર નેપકીન પર મુકો. ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે ગરમ વડાની મોજ માણો.

***