આપણી નજરોની દોસ્તી
હું તમારી સમક્ષ એક પ્રસંગ કહેવા જઈ રહ્યો છું. જોકે, આમાં હું કોઈ વાર્તા કે કોઈ બીજા વિશે વાત નથી કરવાનો,પણ મારો ખુદનો અનુભવ જ વ્યક્ત કરીશ.
( જો, ખરેખર પ્રસંગનો સાચો અનુભવ લેવો હોય તો, લખેલી એક-એક લીટી પછી થોડું થોભીને એ વાક્યોમાં જે ભાવ છે એ સમજવાનો પ્રયત્ન કરજો. જો સમયની પાબંદી ન હોય તો એક-એક ફકરો વાંચ્યા પછી ફરીથી એને વાગોળવાનો પ્રયત્ન કરજો. પ્રસંગ મોટા ભાગે વર્તમાનમાં શું થઈ રહ્યું છે એ યાદ કરીને જ લખાયો છે, એટલે વાંચવાની અચૂક મજા પડશે ! )
ક્યારેક અમસ્તા જ કેટલાક સુખદ અનુભવ થઇ જાય છે, ને એ પણ એવી જગ્યાએ જ્યાં આપણું વધુ ધ્યાન ના ગયું હોય. અહીં એવા જ એક અનુભવની હું ચર્ચા કરી રહ્યો છું:
આમ તો, વધુ બસની મુસાફરીનો કરવાનો અવસર નથી આવતો, પણ એ દિવસ હું બસમાં જ મુસાફરી કરી રહ્યો હતો. હું આરામથી કંડક્ટરની સીટથી બે સીટ પાછળ બેઠો હતો, બારી વાળી જગ્યાએ. બસ લગભગ આખી ખચોખચ ભરાઈ ગયેલ હતી, એટલે કોઈ પેસેન્જર ઉભા તો ન હતા, પણ હવે બસમાં બેસવાની લગભગ એક પણ જગ્યા રહી ન હતી. એટલે ડ્રાઇવરે પણ - ભલે સ્ટોપ હોય કે ન હોય, જો કોઈ પેસેન્જર રોડ પર ઉભેલ દેખાય તો તેને લઈ લેવા એવું મનોમન નક્કી કરી લીધું હશે, એવું મને એની ડ્રાઇવિંગ પરથી લાગતું હતું.
હવે થોડોક પરિચય મારા પડોશીનો પણ કરાવી દઉં. હું બસમાં ડાબી બાજુએ બારીની નજીક જ બેઠો હતો. મારીબાજુમાં એક આધેડ ઉંમરના કાકા બેઠા હતા. તેમણે ઊંઘ આવી રહી હતી ને વારેવારે તેઓ જોકા ખાતા ખાતા મારા પર જ પડી રહ્યા હતા. ક્યારેક હાથનો હડસેલો મારી તેમને હું ઉઠાડતો, ને તેઓ અચાનક સીધા બેસી જતા પણ પાછા વળી એને એ જ. પહેલા તો મને એમ થયું કે એક/બે વાર હડસેલા મારીશ તો તેઓ બરોબર ઉઠી જશે ને પછી ઊંઘ નહિ કરે, પણ આવું કંઈ ન થયું. હું હડસેલા માર્યા જતો હતો ને તેઓ ઊંઘ કરતા જતા હતા ! કયારેક તો હું ગુસ્સામાં જ થોડા જોરથી હડસેલો મારી દેતો ને કાકા ઉઠી તો જતા પણ કંઈ કહેતા નહીં. આ બધું મને ઘણું અકળાવી રહ્યું હતું. જોકે, એવું કર્યા પછી મને એમ થતું કે આવું ન કરાય, ભલે બિચારાને ઊંઘ કરવા દઈએ, પણ આ બધામાં મારી જ હાલત હાસ્યાસ્પદ બની ગઈ હતી. હવે એમની ઉંમર વધુ હોવાથી કંઈ કહેવા જેવું પણ ન હતું. એટલે હવે આ સફર આમ જ પૂરો કર્યે છૂટકો હતો ! હું કોઈ રીતે મારા મોબાઈલના સહારે આ સફર ટૂંકો કર્યો જતો હતો.
આ સફર કદાચ બીજા કોઈ સફર જેવો જ કંટાળાજનક હોત પણ ત્યાં તારું આગમન થયું !
હું જોકે તારું નામ હજી નથી જાણતો, પણ જો બીજી વાર ક્યાંક મળીશ તો જાણવાનો 100% પ્રયત્ન કરીશ. તું રોડ પર જ્યાં ઉભી હતી ત્યાં બીજા પેસેન્જર પણ ઘણા હશે એવું હું અનુમાન કરી રહ્યો છું, ખબર નહિ ! પણ જેવી બસ ધીમી થઈ એમ બસના બીજા મુસાફરોની જેમ મારુ ધ્યાન પણ મોબાઇલમાંથી હટીને - બસના દરવાજા તરફ ગયું.કોઈ સ્ત્રીને ઉપર ચડવા માટે તે જગ્યા કરી આપી ને એ આવી ગયા પછી એક હાથે બેગ ઉપાડીને બીજા હાથે બસના દરવાજાને પકડીને હળવેકથી તું બસમાં આવી. આ આખું દ્રશ્ય મેં આગળની બારીમાંથી જોયું ને બસ એ જ ક્ષણે તારો ચહેરો જોવાની એક અદમ્ય ઈચ્છા મારા મનમાં થઈ આવી. તરતજ મારું બધું ધ્યાન મોબાઇલમાંથી હટીને તારા તરફ ગયું. પણ મારી આ ઈચ્છા તરત જ પુરી ન થઈ. તેં પહેલા બસમાં આગળ નજર ફરાવી કે કોઈ ખાલી જગ્યા તને દેખાઈ જાય પણ ત્યાં કોઈ જગ્યા ખાલી ન હતી એની તને તરત જ ખબર પડી ગઈ. એટલી વારમાં તે તારી સાથે રહેલ બેગને નીચે રાખી દીધો હતો ને,એ થોડો ભારી હશે એવું મને લાગ્યું.
જોકે, થોડાક જ ક્ષણો પછી મારી ઈચ્છા પૂરી થઈ, ને તેં કોઈ જગ્યા હોય એ વિચારમાં બસમાં પાછળ પણ નજર દોડાવી ને ત્યારે મને તારો ચહેરો દેખાયો, ને તું માન કે ના માન હું થોડીક વાર તારા ચહેરાને જોતો જ રહ્યો !!!!
મારી નજર જ હટી શકતી ન હતી. મારી બાજુમાં બેઠેલા કાકાને પણ હડસેલો મારી ફરી જગાડવાના છે એ પણ હું ભૂલી જ ગયો હતો ! હવે, બસમાં ક્યાંય જગ્યા ન હોવાથી તને ઉભવું જ પડશે એની તને ખાતરી થઈ ગઈ એવું મને લાગ્યું. તારા પરસેવાથી થોડાક જ ભીંજાયેલા ચહેરા પર થોડી ઘણી નિરાશા પણ - જગ્યા ન મળવાના કારણે આવી ગઈ એની પણ મને ખબર પડી ! તારી સાથે આવેલ સ્ત્રીનો અવાજ હવે મને સંભળાયો,તેઓ કદાચ બોલ્યા હતા કે " પાછળ પણ જગ્યા નથી શું?" ને તે ડોકું ધુણાવી ના પાડી. એ કદાચ તારા મમ્મી હશે એવું મને લાગ્યું. તેમનો અવાજ થોડો ઊંચો હતો અને એજ સારું હતું જેથી તમારી વાતોમાં - મને એમના કારણે, તારા વિશે થોડું-ઘણું તો જાણવા મળ્યું હતું.
હવે તેં તારો બેગ નીચેથી ઉપાડીને સામેની બેગ રાખવાની કેબીનમાં મૂકી દીધો. તારી મમ્મીને બરોબર ઉભા રહેવાની જગ્યા કરી આપી ને તું થોડી પાછળ ખસી ગઈ. હવે બાજુમાં એક હાથે સીટ તથા એક હાથે ઉપર પકડીને તું બરોબર ઉભી રહી ગઈ.હું તો હજી સુધી તને જોઈ જ રહ્યો હતો. એવામાં કન્ડકટર તારી પાસે આવ્યા ને ટિકિટનું પૂછયું, તે ક્યાં જવાની ટિકિટ માંગી એ મને બરોબર ન સંભળાયું. કન્ડક્ટરે તને બે ટિકિટ આપીને, છુટા રૂપિયા આપ્યા એ મેં જોયું. તેં રૂપિયા તથા ટિકિટ તારી પર્સમાં મૂકયા ને પાછી વ્યવસ્થિત ઉભી રહી ગઈ.
(વાચકો, આ બધા વર્ણન પછી તમારા કલ્પનાઓ ઘોડા દોડાવીને જે મેં જોયું અનુભવ્યું એ અનુભવવાનો પ્રયત્ન જરૂર કરજો )
થોડી વાર રહીને તે તારી પર્સમાંથી એક નાનકડો પીળાશ-પડતા સફેદ રંગનો રૂમાલ કાઢ્યો અને તારા ચહેરા પર રહેલ પરસેવો લૂછયો ને પાછો પર્સમાં ય મૂકી દીધો. પણ મને તો તારો પહેલાનો ચહેરો જ વધુ પસંદ આવી ગયો હતો, કેમકે પહેલા એકાદ/બે વાળની લટ તારા ગાલ પર ચોંટી ગઈ હતી, પણ તારા સાફ કરવાના કારણે એ પાછી પોતાની જ જગ્યાએ ગોઠવાઈ ગઈ હતી !
આમ, જ તને નિરખતા મને ખ્યાલ આવ્યો કે હું તને ઘણી વારથી નીરખી રહ્યો છું એટલે મારુ વર્તન કોઈને અજુગતું ન લાગે એ માટે મેં એમજ કોઈ કારણ વગર જ મોબાઈલની સ્ક્રીન ચાલુ કરીને જોઈ ! જોકે, આ તો ફક્ત બહાનું હતું,મને મોબાઈલમાં અત્યારે કંઈ રસ ન હતો બસ તને જ જોયા કરું એવું થતું હતું. એટલે ફટાકથી મારું ધ્યાન પાછું તારી તરફ કરવા વિશે વિચારતો હતો. એવામાં મારી નજર બાજુમાં બેઠેલા કાકા પર ગઈ, ને મને તેમને જોઈને આશ્ચર્ય થયું!
મારા આશ્ચર્ય વચ્ચે તેમની ઊંઘ હવે ઉડી ગઈ હતી ! મારા આટલા પ્રયત્નો પછી પણ જેઓ ન ઉઠ્યા તેઓ હવે ઉઠીને બરોબર પોતાની સીટ પર બેસી ગયા હતા. તેઓ પણ તારી તરફ જ જોઈ રહ્યા હતા. પણ હું પૂરી ખાતરી સાથે ન કહી શકું કે તેઓ તારી સામે જ જોઈ રહ્યા હતા કે નહીં ? મેં પછી આજુબાજુ જોયું, મારા આશ્ચર્ય વચ્ચે બસમાં ઘણા બધા લોકો તારી તરફ કે એ બાજુ જોઈ રહ્યા હતા. જોકે, આમાં કોઈ આશ્ચર્ય થવું ન જોઈએ પણ ખબર નહિ ?
હકીકતમાં મને એ લોકોની ઈર્ષ્યા થઈ આવી ! ખરેખર એ ક્ષણે બીજું કોઈ તને ના જુએ એવું જ હું ઇચ્છતો હતો. આવી લાગણી અચાનક મને કેમ થઈ આવી મને એની કાંઈ ખબર ન હતી. આજુબાજુથી ધ્યાન હટાવી ફરીથી મેં તારી તરફ જોયું.
તું હજીય એક્દમ શાંત ઉભી હતી.હવે મારુ ધ્યાન તારા કપડાં તરફ ગયું. તેં બહુ ફેશનેબલ કપડાં પહેર્યા ન હતા. બસ, એક સાદા પીળા રંગના ડ્રેસમાં તું હતી. ફેશનના આ અંધાધૂંધીના દોર પ્રમાણે તારા કપડાં થોડા જૂના હતા એવું મને લાગ્યું. પણ તેમ છતાંય તું બહુ જ સુંદર લાગી રહી હતી કે મારું ધ્યાન હટાવવાનો મારો કોઈ ઈરાદો જ ન હતો. "સાદગીમાં જ સુંદરતા છે" એવું સાંભળ્યું તો હતું પણ પહેલી વાર એનો અનુભવ પણ થયો !
આ બધામાં હવે કોઈ કારણ વગર જ - તે પગમાં શું પહેર્યું છે એ જાણવાની મને ઈચ્છા થઈ આવી. મારી જોકે ઊંચાઈ વધુ હોવાથી મને એનો જરૂર ફાયદો મળશે એમ વિચારીને મેં ડોક થોડી ઊંચી કરી.તેમ છતાંય કંઈ જોવા ન મળ્યું, તારા પગ તારા સામેની સીટની કદાચ પાછળ તે રાખ્યા હશે એવું મેં તારણ કાઢ્યું. પણ આ તારણ કાઢવામાં જે મેં બે-ત્રણ વાર ડોક ઊંચી કરી એના કારણે બાજુના કાકાનું ધ્યાન મારી તરફ ગયું. તેમણે થોડી અચરજભરી નજરે મારી તરફ જોયું ! આવી ચેષ્ટાના કારણે તેઓ મારા વિશે શું વિચારશે એવો વિચાર મને થઈ આવ્યો. એટલે મેં એ ઈચ્છા ને મેં બાજુ પર મૂકી દીધી.
મેં એક વાર એમ પણ વિચારી જોયું કે હું ઉભો થઈ જાઉં ને તારા માટે જગ્યા કરી આપું, ખરેખર, બસ તારી સુંદરતાના કસમ !
પણ આ બસમાં મારી ઉંમરના તેમજ મારાથી નાના તથા મોટા ઘણા લોકો હતા. જો એમાંથી કોઈ જગ્યા ન કરે ને હું જગ્યા કરી આપું તો થોડું અજુગતું લાગશે એવું મને લાગ્યું. આ સિવાય બીજું કારણ એ પણ હતું કે મારી સફર લાંબી હતી એટલે એ આખા સફરમાં ઉભું ઉભું જવું પડે એ વાત પણ મને પસંદ ન હતી.
વળી,એમ પણ થવાની સંભાવના હતી કે હું અહીં જગ્યા કરી આપુંને, તું તારી બદલે તારા મમ્મી(કદાચ મમ્મી જ હતા ) ને જગ્યા આપી દે ને તું ત્યાં જ ઉભી રહે તો ! મારી તને નજીકથી જોવાની ઈચ્છા - મારા સીટ ગુમાવ્યા પછી પણ પુરી ન થઈ શકે !!!!!
એટલે, આ બધા હિસાબ-કિતાબ કરી લીધા પછી મેં મારી જગ્યા ઉપર જ બેસી રહીને તને જોતા રહેવાનું ચાલુ રાખ્યું.( મેં તને જગ્યા ન આપી શકવાની નબળાઈ માટે જોકે, તારી મનોમન માફી માંગી જ લીધી છે! )
હવે બસ તારા ચહેરાને નિરખવામાં જ આ સફર પુરી થઈ જાય એવું હું વિચારી રહ્યો હતો. જોકે, હવે તકેદારી પણ રાખી હતી કે મારી આજુબાજુના લોકોને મારું વર્તન અજુગતું ન લાગે. એટલે થોડી-થોડી વારે આજુબાજુ પણ જોઈ રહ્યો હતો. પણ, મને એક વાતનું હજુ અફસોસ હતો કે મને હજી તારું નામ ખબર ન હતી ! પણ એ હું કેવી રીતે જાણી શકું ? એ માટે મારી પાસે કોઈ ઉપાય ન હતો. મને એમ હતું કે તારી મમ્મી તને કંઈક વાત માટે બોલાવશે ત્યારે તારું નામ સાંભળવા મળી જશે. એવું એક વાર થયું પણ ખરું ! પણ એ માટે તારા મમ્મીએ તારું નામ ન લીધું બસ એમ જ વાત કરી ! એટલે મારી એ ઈચ્છા પણ અધૂરી રહી ગઈ. હું તારા નામ વિશે કલ્પનાઓ કરવા મંડી ગયો પણ આ કલ્પનાઓથી કંઈ વળવાનું ન હતું.
આ બધામાં એક વાત તો ભુલાઈ જ ગઈ, મેં તો તને જોઈ લીધું પણ તેં મારી સામે જોયું કે નહીં એની મને કંઈ ખબર ન હતી ! જો તેં જોયું હોય ને મારું ધ્યાન ન હોય એવું કદાચ બની શકે ! પણ એવું થવાનો બહુ ઓછો ચાન્સ હતો કેમકે હું તો લગભગ સમય તારી સામે જ જોઈ રહ્યો હતો ને ! એટલે જો હું આજુબાજુ જોતો હોઉંને તેં મારી તરફ જોયું હોય એવું કદાચ બની શકે, પણ ખબર નહિ ? એટલે હવે એ પણ જરૂરી હતું કે, તું મને પણ જુએ.
એટલે મને કોઈ એવો પ્રયત્ન કરવાનો હતો જેથી તું અનાયાસે પણ મારી તરફ જુએ. આ પ્રયત્ન થોડી મહેનતથી કરવાનો હતો કેમ કે એ સિવાય આ શક્ય ન હતું.
અરે, તેં લગભગ તારી આજુબાજુની સીટમાં પણ કોણ બેઠેલ છે, એ તરફ ધ્યાન નહીં દીધું હોય,તું પહેલા નીચે તરફ ને હમણાં કયારેક બારીની બહાર જોઈ રહી હતી. તું તારા જ વિચારોમાં ખોવાયેલી હોય એવું મને લાગ્યું !
હવે તું મારી સામે જુએ, એ માટે હું શું કરી શકું એ હું વિચારી રહ્યો હતો, પણ તારો વ્યવહાર પણ ક્યાં સ્વાભાવિક હતો ? મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ સામાન્ય વ્યક્તિ આટલા લાંબા સફરમાં ક્યારેકને કયારેક તો બસમાં આગળ-પાછળ નજર અચૂક દોડાવે જ ને કે ક્યાં કોણ બેઠું છે ? કોણ ક્યાં ઉતરે છે ? વગેરે વગેરે..... પણ તને તો આ શેનામાં પણ રસ ન હતો, બસ તું ને તારા વિચારો જ..... એટલે તું મારી સામે ક્યારેક તો જોઈશ જ એ વાતનો મને જરાય ભરોસો ન હતો.
પણ મારી પાસે બહુ ઉપાયો ન હતા ! હું કે પછી કોઈ પણ છોકરો, કોઈ અજાણી છોકરીને કેમ બોલાવે ? હવે હું મારા મોબાઈલમાં -અચાનક બહુ જોરથી કોઈ ગીત ચાલુ કરુંને બીજા બધાની જેમ તું પણ મારી સામે જુએ, તો મારું કામ થાય. પણ એવું કરવું મને થોડું વિચિત્ર લાગ્યું ! એટલે આ વિચાર તો રદ કરવો પડ્યો. એના સિવાય શું ઉપાય હતા ? હા, એક ઉપાય હોત - બસ વચ્ચે થોડી વાર માટે ક્યાંક ઉભી રહે ને હું નીચે કંઈ લેવા માટે તારી સામેથી નીચે ઉતરું તો કદાચ તારું ધ્યાન જાય ! આ ઉપાય થઈ શકે, પણ બીજી જ પળે મને એ વિચાર પણ આવી ગયો કે હવે આ બસ સીધું છેલ્લા સ્ટેશને જ ઉભશે. એટલે નીચે ઉતરવાનો કોઈ વિકલ્પ જ નથી. ચાલો આ આઈડિયા પણ કેન્સલ !
હવે ? તારી મમ્મીને - સીટ આપવાનો આઈડિયા ફરીથી મને આવ્યો, પણ આટલી વાર હું સીટ પર બેઠો હતો ને હવે જો હું અચાનક મારી સીટ આપી દઉં તો બધાને નવાઈ લાગે, એટલે આ પણ નહીં ચાલે ! પણ હવે ધીમે ધીમે અંતર ઘટતું જતું હતું ને સમય પણ થોડોક જ બાકી રહેતો હતો. જો કોઈ સ્ટોપ આવે તો મને એમજ ચિંતા થઈ આવતી કે તારી મંજિલ આવી જાય ને તું ઉતરી ન જાય ! કમસે કમ એકવાર તો મારી સામું જોઈને જ તું જાય !
પણ, આ વખતે મારી વાત ભગવાને સાંભળી કે શું ? હું તારી સામું જોતા જોતા આ બધું વિચારતો હતો ત્યાંજ બાજુના કાકાનો મોબાઈલ રણકી ઉઠ્યો, તેમને કોઈ ભજન રિંગટોન તરીકે રાખેલું હતું હવે એ કયું હતું એ યાદ નથી પણ હતું ભજન જ ! એટલે અચાનક રિંગ સાંભળવાને કારણે હું જરાક જબકી ગયો ને પાછું વોલ્યુમ વધુ હોવાના કારણે મારા સહિત બધાનું ધ્યાન કાકા તરફ ગયું ! પણ એ પછીની જ સેકન્ડમાં મારા મગજમાં વીજળીની ઝડપે એક વિચાર દોડી ગયો, કે ક્યાંક બધાનું ગયું એમ તારું ધ્યાન પણ કાકા તરફ તો જવું જ જોઈએ ! એટલે જે અચાનક અવાજ સાંભળવાને લીધે જે મારી નજર કાકા તરફ ગઈ હતી તે ફટાક કરતી તારા પર પાછી હું લઈ આવ્યો....
અહો, આશ્ચર્યમ !!!
તું તારા વિચારોમાંથી બહાર નીકળીને કાકા તરફ જ જોઈ રહી હતી. સંયોગ બસ એટલો હતો કે મેં જયારે મારી નજર તારા પર પાછી મૂકી એટલામાં જ તારી નજર કાકા પરથી હટીને મારા પર પડી !!!!!!!! આ ક્ષણમાં શું કરવું મને એનો જરાય ખ્યાલ જ ન આવ્યો, હું કેવી રીતે વરતું, તારી સામે જોયા કરું કે પછી નજર હટાવી લઉં ? પણ, રહેવા દે ને યાર ! મહામહેનતે આ મોકો મળ્યો છે તારી આંખોમાં આંખ પરોવી તને જોઈ શકું એ માટેનો, એટલે એટલા મિલી-સેકન્ડ જેટલા નજીવા ગાળામાં જ નક્કી કરી લીધું કે હું તારી સામેથી આંખ નહિ હટાવું ! આને તું મારી ઉદ્યતાઈ સમજ કે મારી બેફિકરાઈ, પણ મેં એમજ કર્યું.
હજી તારી આંખો ખરેખર મારા ચહેરાને નિહાળી રહી હતી. હું પહેલી વાર તારી આંખોમાં જોઈ રહ્યો હતો ને તું પણ ! પણ આ સંયોગ વધુ ન ટક્યો. ખબર નહિ ! કંઈક એક્દ-બે સેકન્ડ થયા હશે ને તારી આંખોએ મારી આંખો સાથે થયેલ તાજી-તાજી દોસ્તી તોડી લીધી. તે સ્ત્રી-સહજ સ્વભાવથી તારી નજર ચોરાવી લીધી ને ફરીથી તારું ધ્યાન બીજે ક્યાંક સ્થિર કર્યું ને મારી આંખો તો હજી એજ વિચારતી હતી કે આ દોસ્તી હજુ બીજી વાર થશે.....
મારા મનમાં ખરેખર ઊંડે ઊંડે એવો વિચાર પણ આવી ગયો કે તું જરૂરથી બીજી વખત મને જોઈશ, એટલે હવે હું તારા તરફ વધુ સતર્ક બન્યો. હું તારી આંખોમાં આંખ પરોવીને ખરેખર બીજી, ત્રીજી, ચોથી અરે ઘણી બધી વાર જોવા માંગતો હતો. મને એ પણ વિચાર આવી ગયો કે તારી નજર જે મારા પર થોડાક સમય ( ભલે ને એક સેકન્ડ) માટે ટકી હોય એનઆ વિશે તું કંઈ વિચારતી હોઈશ કે નહીં ? હું તો તારાથી આકર્ષાઈને તારી તરફ જોઈ જ રહ્યો હતો, તું પણ કદાચ મને બીજી વાર જોવા વિશે વિચારીશ કે નહીં ? હું બાકીના આખા સફરમાં આ જ વસ્તુઓ વિચારી રહ્યો હતો. ખબર નહિ ?
તારું અજબ આકર્ષણ મને જાણે ખેંચી રહ્યું હતું,પણ આ લાગણીને શું નામ આપવું એ મને ક્યાં ખબર હતી ! મેં તારી સામે વારેવારે જોયા જ કર્યું. પણ તું સ્થિર જ ઉભી હતી, એકદમ સ્થિર. હા, એક-બે વાર તે તારા વાળની લટ કે જે પવન લાગવાના કારણે ચહેરા પર આવી ગઈ હતી એ સરખી કરી લીધી, પણ એ સિવાય કંઈ નહીં. હવે મને પણ એમ લાગી રહ્યું હતું કે તું મારી તરફ કદાચ નહિ જુએ. કેમ કે તને મારામાં કદાચ રસ જ ના હોય, મારામાં તને એવું આકર્ષણ ન દેખાતું હોય જેવું મને તારામાં દેખાઈ રહ્યું હતું. આમ, છતાં તારી નજર જો મારી સાથે દોસ્તી કરવા આવે તો મારી નજર એને આવકારવા તૈયાર જ હોય ! એ વિચારે મેં તારા તરફ નજર હટાવી.
તને જોતું રહેવામાં સમય ક્યાં વહી ગયો એની મને ખબર જ ન રહી ! હવે બસ બે ત્રણ જ સ્ટોપ બાકી હતા મારુ સ્ટોપ આવવાને. હું તારું ક્યાં સ્ટોપ આવશે ? એ વિશે પણ વિચારી રહ્યો હતો. મારી બાજુના કાકા ક્યારે એમનો સ્ટોપ આવ્યો ને ઊતરી ગયા એનો મને જરાય ખ્યાલ ન હતો. અડધી નિંદ્રા કે તંદ્રા જેવી સ્થિતિમાં પણ હું કયારેક કયારેક તને જોઈ રહ્યો હતો.
એટલામાં આગળનું સ્ટોપ આવ્યું ને તેં સામેથી તારો બેગ ઉપાડ્યો, ને એ જોતાં જ હું બરોબર બેસી ગયો. તું અહીંજ ઉતરીશ એની મને ખાતરી થઈ ગઈ. તું વચ્ચેથી જવા માટે જગ્યા કરી રહી હતી. તારા ચહેરા પર હવે તારો સ્ટોપ આવી ગયો છે એનો થોડો-ઘણો હાશકારો પણ દેખાતો હતો.
મને એ હવે આશા હતી કે જતી વખતે તું છેલ્લી વાર મારુ સામું જોઇશ ! પણ તારું ધ્યાન દરવાજા પર હવે ચાલ્યુ ગયું.હવે બસ તો એકદમ ઉભી રહી ગઈ ને તું દરવાજામાંથી બહાર નીકળી ગઈ, તારી પાછળ ધીરે ધીરે તારા મમ્મી પણ દરવાજા બહાર નીકળી ગયા. બીજા પેસેન્જરો હજી ઉતરતા હતા એટલે તને થોડોક વધુ સમય જોવાશે એવું મારા દિલે કદાચ વિચાર્યું. હવે આપણી નજરોની દોસ્તી ના થઇ શકે એની મને ખાતરી થઈ ગઈ હતી !!!
એમ છતાં, એક આખરી વાર પ્રયત્ન કરી લેવાનો વિચાર મેં કર્યો. તું બસમાંથી ઉતરીને બસની સાઈડમાંથી રોડ તરફ જઈ રહી હતી. એટલે મારી બારીમાંથી હું તને જતા જોઈ શકું એમ હતું.
એટલે મેં આ વખતે થોડી હિંમત કરીને બારીની બહાર જોવા પ્રયત્ન કર્યો. પણ સાંજ હોવાથી સૂર્ય આથમી રહ્યો હતો. એટલે મેં એ બારી આખી ખોલી દીધી ને તને જોવા લાગ્યો. તું એ તરફથી થઈને જ પાછળ જઈ રહી હતી. હું બહુ ઉત્સુકતાભરી નજરે તને જોઈ જ રહ્યો હતો. તું જમીન તરફ જોઈને ચાલી જતી હતી.
મારા દિલમાં તો એમજ થતું હતું કે ગમે તે થાય પણ તું ઉપર મારી સામે જુએ !
આ, જમીનમાં એવા કયા ખજાના છે કે તું એના તરફ જોતી હતી ? તને ગમે તેમ મારી તરફ હવે તો જોવાનું જ હતું.
તેં ઉપર પણ જોયું જ !!!
પણ મારા દુર્ભાગ્યે ! મારા તરફ નહિ, પણ રસ્તા તરફ ઉપર જોયું ને તું ચાલી ગઈ !
હવે મારી પાસે તને જોઈ શકું એવો કોઈ વિકલ્પ જ નહોતો.હું પણ હમણાં જે મારી સાથે બહુ મજાનો મજાક થઈ ગયો એ વિશે વિચારતો જ રહ્યો.....
( આ પ્રસંગ અહીં જ પૂરો થાય છે. મેં આ પ્રસંગમાં મારી સાથે શું શું બન્યું, શું શું થયું એ બધું, મારા વિચારો,મારી મૂંઝવણો બધું પ્રામાણિકતાથી વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.
જો તું પણ આ પ્રસંગ વાંચતી હો ને તને આવું કંઈ યાદ આવે તો એક વાત સ્પષ્ટ કહી દઉં કે મેં કોઈ બીજી ખરાબ ભાવનાથી તને, જોવાનો પ્રયાસ કર્યો ન હતો. તારું વર્ણન કરવામાં પણ જો કપિ અતિશયોક્તિ થઈ ગઈ હોય તો મને માફ કરજે, પણ તારું આકર્ષણ.....
જેમ, કયારેક કોઈ નાનું બાળક આકાશમાં જતા વિમાનને જોઈને આકર્ષાઈ જાય ને વિમાન આકાશમાં - અદ્રશ્ય ના થઇ જાય ત્યાં સુધી એને જ જોતો રહે છે, એવું જ કંઈક મારૂં હતું !!
એટલે આ વાતે તું ખોટું ન લગાડજે એ મારી ઈચ્છા છે.
જોકે, તને ખબર પડી ગઈ હશે મારી ઘણી ઈચ્છા અધૂરી રહી જાય છે !
પણ મને હજી ક્યારેક વિચારો આવે છે કે,
કદાચ મેં થોડા વધુ પ્રયત્નો કર્યા હોત !
કદાચ એ કાકાનો ફોન બીજી વાર પણ રણક્યો હોત !
કદાચ આપણો સફર થોડો વધુ લાંબો હોત !
જો ક્યાંક બસ ખોટવાત,ને તને જોવા માટે હજી થોડો વધુ સમય મળ્યો હોત !
પણ જો તું મારી જગ્યાએ હોત તો તું શું પ્રયત્ન કરત ? ને કેટલી હદ સુધી ?
કદાચ આપણી 'નજરોની દોસ્તી' થઈ જાત તો આ 'કદાચ' શબ્દનો આટલો બધો ઉપયોગ મારે ન કરવો પડત ! ખબર નહીં !
***