Adhura Armano - 6 in Gujarati Fiction Stories by Ashq Reshammiya books and stories PDF | અધુરા અરમાનો ૬

Featured Books
Categories
Share

અધુરા અરમાનો ૬

અધુરા અરમાનો-૬

વિદાય એટલે ધોરણ દશ અને બારમાંના વિધ્યાર્થીઓનું રીડીંગ વેકેશન.

અને સાથે જ કાયમ માટે શાળાજીવનનો અંત.

વિદાયના એ પ્રસંગે ૧૦માંના અને ૧૨ના છાત્રો પર ખતરનાક માયુસી છવાઈ ગઈ. હરપળ હસતા-મુસ્કરાતા ચહેરાઓ પર ઉદાસીના કાળામેશ વાદળ છવાઈ ગયા. વળી બારમાના બાળકો માટે તો શાળાજીવનનો આખરી દિવસ હતો. આટલા બધા મિત્રો, પાંચ-પાંચ સાલનો સ્નેહભર્યો સહિયારો સહવાસ! અને હવે અચાનક વિખૂટા પડવાનું! ક્યું હૈયું આ આઘાત જીરવી શકે? વિદાયના એ ખતરનાક કુપ્રસંગે શાળાનું આખું વાતાવરણ ઘેરા શોકમાં ગરકાવ થઈ ચૂક્યું હતું. એમની વિદાય વેળાએ શાળાની દીવાલો જાણે પડું-પડું થઈ રહી હતી. શાળાના બારી-બારણા અને બ્લેકબોર્ડ પણ જાણે રડી રહ્યાં હતાં. બાગના માસૂમ છોડવાઓ કરમાઈ જવા લાગ્યા હતાં. વૃક્ષો તો એવા ગમગીન બની ગયા હતાં કે જાણે લીલો ડુંગર જ જોઈ લો!

હૈયું એકમેકનો સાથ છોડવા તૈયાર નહોતું પરંતું હવે વિખૂટા પડ્યા સિવાય છુટકો જ ક્યાં હતો!

સૌ વિદાય થયા. પોતપોતાને ઘેર જવા રવાના થયા કિન્તું સૂરજ અને એના મિત્રો હજું ત્યાં જ, શાળાના દરવાજામાં જ ઊભા હતાં. જાણે એમના ચરણો જમીન સાથે ચોંટી ગયા ન હોય!

"સંયોગ કેવો કે મિલન થયું અજાણતા,

વિયોગ કેવો કે હૈયાઓ રડશે વરસો-વરસ યાદોમાં!"

શાળાએથી મહામહેનતે ઘેર પહોંચેલી સેજલ ધ્રુસકાના ધમાલે ચડી. માંડ એની મમ્મીએ છાની રાખી. થોડીવારે રહી મમ્મીના પૂછવા પર બતાવ્યું કે સહેલીઓથી છૂટા પડવાના કારણે એ રડી રહી હતી. પરંતું એનું અસલી કારણ તો એ પોતે જ જાણતી હતી. એના ઝળઝળિયા ભરેલ નયનોમાં સૂરજના આભાસી કિરણો ચમકી ઊઠ્યા.

પરીક્ષાને હજું થોડાંક જ દિવસોની વાર હતી. સેજલ રોજ બપોરી વેળાએ સૂરજની યાદોને વાગોળવા અને સૂના સીનાને સાંત્વના આપવા શાળાના દરવાજા સુધી એક મીઠી,છતાં ઉદાસ લટાર મારી આવતી.

જ્યાંથી જીંદગીની સુહાની સફરની શરૂઆત થતી હતી એવા બારમાંના આખરી અભ્યાસ વખતે ખાવાનું પણ ભૂલી જઈને મનતોડ મહેનત કરવી પડે એવા મહત્વના અને સૂરજના સપના સરખા છેલ્લા વરસના છેલ્લા દિવસોમાં વાંચવાના બદલે સૂરજ વિચારોના રંગીન રવાડે ચડ્યો. ચોપડીમાં અને પ્રશ્નોના સવાલમાં એને સેજલ જ દેખાતી.

આવા જ એક દિવસે સેજલની યાદોએ એના મનમાં ઘેરો ઘાલ્યો. એણે પહેરેલા કપડે પાલનવાડાની વાટ પકડી. અહીં આવીને એના મિત્રોને ખૂબ સંભાર્યા. ત્યારબાદ એ સેજલની ગલીમાં વળ્યો. સેજલની દિવાનગીમાં ઓળઘોળ સૂરજને ગલીના દરેક ઘરના દરેક દરવાજે સેજલ ઊભેલી દેખાતી. સેજલના દીદાર માટે નશીલી બનેલી એની આંખો મટકુંય માર્યા વિનાની, હતી એના કરતા વધારે લાલાશે ચડી ગઈ હતી. ધડકનો ધમણમાં ફેરવાઈ હતી. એવે વખતે સહસા સેજલે દેખા દીધી! એ સૂરજની નજરે ચડી. ને સૂરજ સડક બનીને પ્રેમાતુર થઈ એને તાકી રહ્યો. એ કંઈ વિચારે એ પહેલા તો પળનીયે પરવા કર્યા વિના દોડતી આવીને સેજલ સૂરજના ગાલે પપ્પી કરીને ઘરમાં પૂરાઈ ગઈ. ઘડીભર બાદ જાગૃત ઘેનમાંથી કળ વળતા સૂરજને યકીન ન બેઠો. એણે ફાટેલી આંખે ચકળવકળ જોવા માંડ્યું. એની નજર સામેની બારીમાં પડી. જોયું તો લીલીછમ્મ લજ્જાથી લથબથ સેજલ એને ટીકીટીકીને તાકી રહી હતી. થોડીવારે સેજલના ઈશારાથી સામે જ પડેલા બાઈકના અરીસામાં મોઢું જોયું તો સૂરજ આનંદના અતિરેકથી વગર ઢોલે નાચી ઊઠ્યો.

એણે અરીસામાં જોયું તો એના ગાલ પર સેજલના હોઠોની મશરૂમ લાલી ચોંટેલી હતી. ઘડીભરમાં તો ક્યાંયની ક્યાંય મીઠી સફર પૂરી કરીને સૂરજ હતો ત્યાં નો ત્યાં આવીને ઊભો રહી ગયો.

થોડીવારે સૂરજ ત્યાંથી આગળ ગયો.

"સૂની ગલીમાં દિવાના બે દિલ મળી ગયા,

બે હતાં જે એ ઘડીએકમાં એક બની ગયા. "

દરમિયાન બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ. હેમખેમ પાર ઉતરેલી પરીક્ષાની ઊજવણીમાં વીરબાપજીના ડુંગરે એક મુલાકાત ગોઠવાઈ. સૂરજના સૂના હૈયામાં મિત્રોને મળ્યાનો ઉમંગ નહોતો સમાતો.

સાંજ ઢળવાને થોડી વાર હતી. નરી નીરવતામાં આભ જાણે રડી રહ્યું હતું. ચારે કોર દૂર દૂર સુધી શૂનકાર છવાયેલ હતો. સમગ્ર સૃષ્ટિ લીલોતરી વિનાની નિશ્ચેતન લાગતી હતી. અવની ઉનાળાના તાપથી બળું બળું થઈ રહી હતી. ક્યાંક ક્યાંક કોઈ ખેતરોમાં લીલોતરી જોઈને એમ લાગતું હતું જાણે સૂકી ધરતી પર લીલા રંગના થીંગડા માર્યા ન હોય!

મંદિરના સામેના ચબૂતરામાં બિચારૂ એક કબૂતર ઘુ.... ઘુઉઉઉઉઉ... કરતું હતું. નીચે આવેલા નળમાંથી ટપકતા પાણીમાં બે ચકલીઓ નહાઈ રહી હતી. એક પોપટ વાંકી ચાંચે, વાંકો વળીને નળમાંથી પાણી પી ને તરસ છિપાવી રહ્યો હતો. મંદિરની ડાબી બાજુએ આવેલી બોરડીના આછા છાયામાં રાખેલી બેન્ચ પર બેઠા-બેઠા સૂરજ આ સૃષ્ટિને નિહાળી રહ્યો હતો. એકલા ઘુમતા કબૂતરને જોઈ એ બોલ્યો:"અરે ઓ વહાલા મિત્રો... ! વિધિની વક્રતા તો જુઓ! આપણે પાંચ-પાંચ વરસ સાથે ભણ્યા,સુંદર જીંદગી એકમેકના સાનિધ્યમાં આનંદથી વીતાવી ને આજે ! હવે કેવા અચાનક વિખુટા થઈ ગયા! આપણે ક્યારેય વિચાર્યું હતું કે આપણે મળીશું,ભાઈબંધ બનીશું? ને પછી અચાનક આમ જુદા થઈશું?" ઊભા થતાંકને આગળ ઉમેર્યું," ખરેખર આ મધુરા દિવસો ભૂલ્યા ભૂલાશે નહી. આપણો એ સહવાસ મને તો જરાય ભૂલાશે નહી હો યાર. સ્કૂલના એ સુનહરા દિવસોને યાદ કરૂ છું ને આંખે ધારા વહી જાય છે. " એ આમ બોલતો હતો ને સહસા એને સેજલ સાંભરી આવી. એ ગળગળો થઈ ઊઠ્યો. અને હરજીવનને બાઝી પડ્યો.

"યાદ તો હજી ઘણી આવશે સૂરજ! કેમ ન આવે? કેવા હસતા એ દિવસો હતાં ને કેવી હસીન જીંદગી! કોઈની રોકટોક વિના જે શાળાએ જતાં હતાં એ જ શાળામાં જવું હવે એક મોંઘેરૂ ખ્વાબ બની ગયું. ખરેખર છાત્રજીવનનું આ છેલ્લું વરસ,છેલ્લી શાળા,છેલ્લા મિત્રો આપણને જીવતરના આખરી દમ સુધી સતાવશે. સૂરજ તું તો વળી શિક્ષક બનવાના શમણા સજાવી બેઠો છે જેથી ક્યારેક તારા ભાગ્ય ખૂલે ને તને આ શાળામાં સેવા આપવાનો અવસર મળશે કિન્તું અમારૂ શું?"

નોટી કંઈ વધારે કહે એ પહેલા જ પ્રકાશે હસીને કહેવા માંડ્યું:"અલ્યા સૂરજ,ભાઈ એ તો કહે કે સેજલ યાદ આવે છે કે પછી પરીક્ષાની માફક તારા એ પહેલા પ્રેમને ભૂલી જ ગયો? કે પછી એ જ તને વીસરી ગઈ છે? " આમ કહી એ ખડખડાટ કરી હસી ઊઠ્યો. એનો સ્વભાવ જ એવો હતો કે અન્યોને મીઠાસથી ચીડવવાની એને મજા આવતી.

"દોસ્ત, પ્રકાશ! જીંદગીની મોંઘેરા મિરાતસમાં પહેલા પ્રેમને કંઈ ભૂલાતું હશે? એ તો મારા લહુંમાં વણાઈ ચૂકી છે! મારા હૈયાના હિંડોળે એ સદાય ઝૂલતી રહે છે અને ઝૂલતી રહેશે. "

ફરી વચ્ચે જ પ્રકાશે કહેવા માંડ્યું:"તો પછી રાહ શાની જુએ છે? સેજલને કહી નાખને કે તું એને દિલફાડ મહોબ્બત કરે છે. એ હરણીથી આટલો ગભરાટ શાને કરે છે? અરે ભાઈ તું ના કહી શકતો હોય તો મને કહે. પછી જો તારો આ બંદો કેવું ચપટી વગાડતામાં જ તને સેજલનો સહવાસ કરાવી આપે છે!"

"અરે ભાઈ મારી ચિંતા છોડ. ઘેર જઈને પેપર સોલ્વ કર.

અને હા પ્રકાશ,મે તમને બધાને પહેલા પણ કહઈ રાખ્યું છે કે હું એને નહી જ કહું,નહી જ! કહીને ,પૂછીને જે થાય છે એ પ્રેમ નથી.

પ્યાર તો પ્યારા હ્યદયમાંથી સ્વંયભૂ પ્રગટે છે. "

ફરીવાર સૂરજના મોએથી આવા પવિત્ર શબ્દો સાંભળીને એના ભાઈબંધોએ એને બિરદાવ્યો.

સૂર્ય આથમવા સુધી અવનવી વાતો ચાલતી રહી. પરંતું સર્વ ચર્ચાઓ દરમિયાન ધર્મેશ શાંત વદને શૂન્યમનસ્ક બની જમીન ખોતરતો બેઠો હતો. વારે વારે એની ચકોર આંખો સૂરજના ચહેરાના દીદાર કરી આવતી હતી.

"બકા,ધર્મેશ!" ધર્મેશના ગાલ પર ટપલી મારતા સૂરજે વાત શરૂ કરી, "અરે ભાઈ ! તું આમ શાને બેઠો છે? તું તો કંઈક બોલ. શા માટે જીવનને શૂનકારે સજાવે છે? ભાઈ,તારે તો આ બાબતમાં મને કંઈક કહેવું જોઈએ,બોલ... બોલ... !"

વળી પાછા પ્રકાશે શબ્દો વેર્યા:"લ્યો,ભાઈ મારૂ કહેવું ગળે ઊતરતું નથી એટલે ધર્મેશની સલાહ માગે છે?"

ધર્મેશે બેય હાથે ભીની થયેલી આંખો કોરી કરી. એ કંઈ બોલવા જાય એ પહેલા જ એની આંખોથી બોર બોર સમાં આંસું ટપકવા લાગ્યા. આ જોઈને સૌના દિમાગમાં ધર્મેશની પેલી વાત તાજી થઈ. રડવાનું કારણ સૌ સમજી ગયા. ન સમજી શક્યો માત્ર સૂરજ જ.

એ દર્દનાક ઘટના એટલે... . !

રાહ જુઓ... આવતા અંકે... !

ક્રમશ: