Admission in Gujarati Short Stories by Poojaba Jadeja books and stories PDF | એડમિશન

Featured Books
Categories
Share

એડમિશન

‘એડમિશન’

નીચે આરસની અરીસા જેવી લાદી ને ઉપર સુંદર, વિશાળ ઈમારત. એ સાફ, ચમકતી લાદી પર પગ મુકતા કાનજીનું મન કકળ્યું. આંખો બંધ થઇ ગઈ ને નરમ નરમ માટીના સ્પર્શને તે અનુભવતો રહ્યો. “બાપુ, હાલો...” હાથ પકડીને અધીરાઈથી ચાલતા દીકરાના અવાજથી આરસની સખ્તાઈ ફરી આવી ગઈ. વિચલિત મને એ આગળ વધ્યો. ‘મારો રાજુ આ નીસાળમાં ભણસે, મોટો થઇને સાયેબ બનસે...’ કાનજીનાં મગજે તર્ક કર્યો ને વિચલિત થયેલું મન તરત જ માની ગયું, કપાળની કરચલીઓ ખસી ગઈ. સાંકડી લોબી, બુલેટીનબોર્ડ, પંખાવાળા નાના મોટા ક્લાસ-રૂમ્સ, રંગ-બેરંગી ચિત્રોવાળું ફર્નિચર, ને સરસ મજાની બેન્ચીસ, અને આસપાસ આંટા મારતા જોઈ ને જ ગમી જાય એવા સાહેબો... આ બધું વટાવીને કાનજીની ચકળ વકળ ફરતી આંખો સામેની ઓફીસ ઉપર મંડાઈ. “રાજુ, આજ હસે ને?! પેલો મોટા સાયબનો ઓરડો?!” “હા બાપુ, આજ લાગે સે. ઈં તો આવો જ હોય.” રાજુનો આનંદ એના અવાજમાં ઝળક્યો. મનનાં બધા વિચારોને કાચના દરવાજા સાથે હડસેલીને બંને અંદર પ્રવેશ્યાં.

અવાજથી ‘રીવોલ્વીંગ ચેર’ પર બેઠેલાં ‘સુટેડ-બુટેડ’ સાહેબની નજર આગંતુકો પર પડી. ને એમના મોઢામાંથી પ્રશ્ન સરી પડ્યો, “યેસ?” પણ સામે બાપ-દીકરો અંદરનું એશ્વર્ય માણવામાં જવાબ કેવી રીતે આપી શકે? સાહેબ આ વિચિત્ર આગંતુકોને જોઈ રહ્યા. વિખરાયેલા વાળ, સાવ સાદો પણ સ્વચ્છ પોશાક, પગમાં ચપ્પલ ને હાથમાં કપડાની થેલી, અને સાથે ઇન્સર્ટ કરેલા ટી-શર્ટ, પેન્ટ પહેરેલો આઠ-નવ વરસનો છોકરો. સાહેબને નીરીક્ષણ પરથી કંઈક વરતાયું હશે કે કેમ પણ એણે નાકનું ટેરવું ચડાવી અણગમાસાથે ગુજરાતીમાં જ શરુ કર્યું. “બોલો?”

...ને કાનજીનું ધ્યાન ભંગ થયું. હાથ જોડી બોલ્યો, “રામ રામ સાયબ” “હા, શું કામ પડ્યું?”

“સાયબ, આ મારો છોકરો...રાજુ, લે પગે લાગ, આ, આને આયાં ભણવા બેહાડવો સે...”

“હેં??!! શું?? તમને કોણે કીધું કે તમારા છોકરાને અહિયાં એડમીશન મળશે? જુવો ભાઈ, ખોટી આશા ન રાખો, આતો બહુ મોંઘી, ઈગ્લીશ સ્કૂલ છે. તમને ખબર છે ફી કેટલી છે? કોણે મોકલ્યા છે તમને? કેવી વાત કરો છો?!”

કાનજી અને રાજુનાં હસતા મોઢાં વિલાયા પણ કાનજીએ સ્વસ્થતા જાળવીને આગળ ચલાવ્યું, “સાયબ બધી ખબર છે, આ તો બઉ મોટી નીસાળ કેવાય ને કેટલાય રૂપિયા જોવે આયાં ભણાવવા હાટુ! પણ મારે ક્યાં પૈસા દેવાના સે! મારા છોકરા હાટુ તો મફત છે ને?”

“શું? એવું કોણે કીધું? ફાટી આંખે સાહેબ કાનજીનાં ‘કોન્ફીડન્સ’ને જોઈ રહ્યા.

“ભૂલી ગયા સાયબ, હું કાનજી, જેણે આ નીસાળ બનાયવી એ મારા ગામડે આયા’તા. ઘરે હોતેન ઘણી વાર આયા’તા. સું નામ ઇંનું...હા, વીરદયા સાયબ.”

“વિરડયા.” સાહેબે ખોટું ઉચ્ચારણ સુધાર્યું, “એને કેવી રીતે ઓળખો! ને ક્યાંથી આવો છો? સાહેબ તમારા ઘરે આવ્યા’તા એટલે.... અહી ખુરશી પર બેસો આવો.”

કાનજી ને રાજુનાં મોઢાં ફરી ખીલી ઉઠ્યા. આગળ જઈ બંને મુલાયમ ખુરશી પર, બરાબર સાહેબની સામે બેઠાં, સાહેબ એકીટશે જોઈ રહ્યાં.

“તો કાનજીભાઈ તમે... બાજુના ગામના છોને? હા યાદ આવ્યું.” થોડા અસ્વસ્થ, વિચારશીલ અવાજમાં સાહેબ કાનજીને કહી રહ્યા. “...હજી થોડા દિવસ પહેલા જ વિરડીયા સાહેબ મીટીંગમાં તમારા વિષે કહેતા હતાં. હવે યાદ આવ્યું. બરાબર, લો પાણી પીવો.”

કાનજી એ પાણી પીધું એટલે આંખો જીણી કરીને, નરમ અવાજે સાહેબે ચલાવ્યું, “મને ખબર છે કે તમારે માટે એડમિશન ફ્રી છે, પણ તમારા સારા માટે એક સલાહ આપું છું. તમારા છોકરાને અહીં બેસાડવા જેવો નથી. અહીં તો બધા અમીરોના છોકરા ભણવા આવે છે. એની સાથે તમારો, શું નામ છે? રાજુ, હા એને કેવી રીતે ફાવશે? સાચી વાત ને? નીચા મોઢે સાંભળી રહેલા કાનજીનાં ભાવો સાહેબને ન કળાયા એટલે એણે ફરી ચલાવ્યું, મને એડમિશન આપવામાં કઈ વાંધો નથી, પણ હું તો તમારા છોકરા માટે કહું છું, એને અંગ્રેજીમાં ભણવાનું ફાવશે?! એના કરતાં ગામની સરકારી... મને ખબર છે તમારે ફી નાં પૈસા દેવાના નથી પણ બીજા ખર્ચનું શું? યુનિફોર્મ, મોંઘા પુસ્તકો, ને પછી કલ્ચ.... એટલે સાંસ્કૃતિક કાર્યક્રમો એ બધા માટે તો પૈસા ભરવા પડશે ને? એ બધા થઇ ને લગભગ...”

આગળના શબ્દો કાનજીનાં કાને ન પડ્યા. એનું મન બે વરસ પાછળ પહોંચી ગયું. આવી જ સ્થિતિ, આવો જ ફોસલાવાનો નરમ અવાજ, લલચાવનારી વાતો. બસ, નરમ ખુરશી ને બદલે ખાટલો ને ‘એરકંડીશનર’ ને બદલે ઝાડનો છાંયો ને ઠંડો વાયરો. ફરતે ઓફિસની ચાર દીવાલોને બદલે ગામ લોકોનો ઘેરાવ. સામેના ખાટલે બેઠેલાં વિરડીયા સાહેબ બોલી રહ્યા હતાં ને પોતે નીચે મોઢે સાંભળી રહ્યો હતો. “...ને તમારા બધા માટે તો આ બહુ સારી વાત કહેવાય કે તમારા ગામની નજીક સ્કૂલ બનશે, ને ગામના બધાય છોકરાઓ ભણશે.”

“પણ આ સેરમાં આટ-આટલી નીસાળો તો છે, પછી તમારે આયાં હુ કામ બનાવવી છે? ને ગામમાં તો સરકારી નીસાળેય છે.” કોઈ એ વળી તર્ક કર્યો.

“શહેરમાં તો ઘોંઘાટ કેટલો! ને જગ્યા? છોકરાઓને રમવા ‘પ્લેગ્રાઉન્ડ’ શું કેવાય... મેદાન, પણ નહી. એના કરતા અહી જગ્યા સારી. ને આ કંઈ જેવી તેવી નહિ, સારામાં સારી સ્કૂલ બનશે. મેં તમારી સરકારી શાળા જોઈ છે, છત પડું પડું થાય છે ને છોકરા નીચે બેસીને ભણતા હોય. એમાં ભણે તો છોકરાઓ આગળ ક્યાંથી આવે. આતો હાઈક્લાસ સ્કુલ બનશે. અને તમારે તો નજીકેય... બોલો શું કહો છો સરપંચ?”

“વાત તો સાચી, સ્કૂલ બનસે તો ગામનાં છોકરા ભણસે... ને ગામનું નામ ઊંચુંયે લાવસે. ને કાનજી તને તો વિદ્યાદાનનું પુણ્ય પણ મળસે..” સરપંચે કાનજી તરફ ફરીને કહ્યું.

“હા, હા કાનજી મારી દે અંગુઠો...” બીજા એ પાછળથી સુર પુરાવ્યો.

“ને કાનજીભાઈ, તમારા છોકરાનું એડમિશન ને એજ્યુકેશન મફત બસ.” વિરડીયાસાહેબે વળી શાંત કાનજી સામે જોઈ જુસ્સો વધાર્યો.

“હા કાનજી મારી દે અંગુઠો, તારી જમીન પર નીસાળ બનસે ને તારો રાજુય ભણી ગણીને સાયબ બનસે. મારી દે અંગુઠો...”

“હા મારી દે અંગુઠો...” અવાજનાં પડઘા કાનજીનાં કાનમાં ક્યાંય સુધી અથડાતા રહ્યા...

“કાનજીભાઈ, સાંભળો છો ને?!?” ટેબલના છેડેથી સાહેબે પૂછ્યું. જવાબ આપવાને બદલે કાનજી રાજુનો હાથ પકડી ચાલવા લાગ્યો. સાહેબ અસમંજસથી ઘડીક જોઈ રહ્યા ને પછી ટટ્ટાર થઇ વિજેતાની અદાથી સ્વગત બોલ્યા, ‘વિરડીયાસાહેબ ખુશ થઇ જશે... કહેતા’તા ને કે કાનજી આવે તો સ્કૂલની ‘રેપ્યુટેશન’ માટે કાનજીનાં છોકરાને એડમિશન નહિ આપતા...થઇ ગયું કામ.’

પાછા વળતા આરસની લાદી કાનજીને થોરડીના કાંટાની જેમ ખૂંચી. “બાપુ, તમે તો કેતા’તા ને કે હું આયાં ભણીસ! આપણી જ નીસાળ કેવાય.” નિશાળનું પરસાળ કે રાજુના સવાલો, કાનજીને વધારે શું ચૂભતું હતું એ ખબર ન પડી.

“બાપુ, આયા આપણું ખેતર હતું ને? તમે તો કેતા’તા ને...” પણ કાનજીનાં કાન સુન્ન થઇ ગયા. સ્કૂલનો મોટો દરવાજો વટાવતાં તો કાનજીની આંખો આખી ઈમારત ફરતે ફરી વળી. પેલો વડલો, સામેની માલ ભરવાની ઓરડી, આ બાજુ વાડો ને લહેરાતો પાક એ બધું આંખ સામે ફરી વળ્યું.

“બાપુ, મારું એડમિશન... તમે કેતા’તા....” ચાલતા ચાલતા, અકથિત ભાવો સાથે કાનજીનાં મોઢેથી શબ્દો સારી પડ્યા, “હા દીકરા, મને હતું, જમીનના પરતાપે ઉપજેય સારી હસે, મને સું ખબર કે ઉપજાવ જમીન ઉપરની નીસાળ ખરાબો નીકળસે?!!?” ને બાપ દીકરાની વિદાય પાછળ ધૂળ ઉડી રહી, માટી ને બદલે ધૂળ...!

***