શરીર એમનું ભારે હતું. એ ટૂંકીબોયનું અંગરખું પહેરતા. અડધી સદી વટાવી ગયેલ એમની મુખાકૃતિ કરચલી વિનાની હતી.
ચપળતા અને દક્ષતા એમનાં વિશિષ્ટ ગુણ હતા. સ્થાવર અને જંગમ મિલકતના લીધે પટેલની આખા ગામમાં ઘણી વગ હતી. એમનો જાજરમાન પટલાણી અને બે સંતાનો સાથે એ સુખેથી જીવતા હતા.
ખુલ્લી બારીમાંથી ઉષા ઉજાસ સાથે પોતાના આગમનની પ્રતીતિ કરાવતી હતી. પંખીઓ કલરવ કરી રહ્યા હતા.
ડેરીમાં દૂધ નો સમય થયો હોય ગાયો ભેંસો ભોંભરવા લાગેલી. મંદિરમાં આરતી અને ઘંટ નાદ ગુંજી ઉઠ્યો. વેળા થયાની જાણ થવા છતાં પટેલને પથારીમાંથી બેઠા થવાનું મન જરાય નહોતું. એ જાગતી આંખે પડ્યા રહ્યા. એમને હજીયે માન્યામાં નહોતું આવતું કે રાત્રે જે જોયેલું એ દ્રશ્ય સત્ય હતું.
પેલા બે સફેદ પડછાયા હજુ એમની આંખોમાં ઘુમરાતા હતા.
રાત્રે બહાર ધમાચકડી મચી ગયેલી. વિચિત્ર પ્રકારના અવાજો અને કોઈની દોડધામથી પટેલની આંખ ખુલી ગયેલી શરીરે પરસેવો વળ્યો હતો. જીરો વોલ્ટનો લેમ્પ ઓફ કરી એમને ટ્યુબલાઈટ ચાલુ કરી. બેડરૂમમાં અપ્રિય દુર્ગંધ પ્રસરી હતી.
કૂતરા ભસતા હતા. ઘુવડ અને ચામાચીડિયા શોર મચાવતાં હતાં. કંઇક અઘટિત ઘટના ઘટી હોય. એમ એ બારી તરફ આગળ વધ્યા જેવો એમને દરવાજાની સ્ટોપર ખોલવા હાથ લંબાવ્યો કે પટલાણી જાગી ગયાં.
"શું વાત છે..?" પટેલને અડધી રાત્રે બારી ખોલતાં જોઈ પટલાણી એ પૂછ્યું.
પટેલે હોઠ પર આંગળી મૂકી પત્નીને ચુપ રહેવા નો ઈશારો કર્યો. પછી ખૂબ જ સાવધાનીથી બારી ખોલી. બહાર નું દ્રશ્ય જોયું બહાદુર એનાં વસ્ત્રોના કારણે તરત ઓળખાઈ જતો હતો. પરંતુ એનો ચહેરો એનું સ્વરૂપ ...! હે ભગવાન...!
પટેલના મુખમાંથી ઉદ્ગાર નીકળી ગયા. બહાદુર નું મુખ તરડાઈ ગયું હતું. ચામડી જગ્યા જગ્યાએથી લીરા બની લટકવા લાગેલી. એની આંખો લાઈટના બલ્બની જેમ પ્રકાશતી હતી.
એના મુખમાંથી બે કાળા દાંત બહાર ધસી આવ્યા. એ બેઠો થઈ ગયો. અને તરત જ ભેમજી પર અણધાર્યો હુમલો કરતા ભેમજીએ ચીસ પાડી હતી.
એના હાથના કાંડા પર બચકું ભર્યું. પણ એણે જોરદાર ધક્કાથી શેતાન બનેલા બહાદુરને ભૂમિ પર પટકી નાખ્યો.
આવું ભયાનક દ્રશ્ય જોઈ પટેલે બારી ભીડી દીધી. એમનું શરીર કાપતું હતું.
પંખાની ગતિની જેમ હ્રદયના ધબકારા તેજ થઇ ગયા હતા. મોં પર પરસેવો ફૂટી નીકળ્યો હતો.
"શું થયું આમ અચાનક આમ ગભરાઈ કેમ ગયા..?"
બારીમાંથી બહાર નું દ્રશ્ય જોયા પછી ભયભીત બની ગયેલા પતિને જોઈ પટલાણી એ પૂછ્યું.
પટેલનું ચહેરો રૂની પૂણી જેવો બની ગયો હતો. એમણે પોતાની પડખે જ પથારીમાં સૂતાં બંને સંતાનોના માથે વહાલથી હાથ ફેરવ્યો.
પછી એ પટલાણીની પડખે આવી બેઠા. આમ અડધી રાત્રે જાગી બારી બહાર ડોકિયું કરી ડરી ગયેલા પતિ નું વર્તન અને કાળી રાત્રિનો કકળાટ પટલાણીના મનમાં અગણિત આશંકાઓના વમળો સર્જી ગયો.
"તમારી તબિયત તો ઠીક છે ને બહાર શું છે..? કંઇ બોલો તો સમજ પડે..!"
પટલાણીના ચહેરા પર મૂંઝવણ હતી દયામણી નજર એમના પર નાખતાં પટેલે કહી દીધું.
"શારદા માનવામાં ના આવે એવી ઘટના બની છે બહાર મેં ભૂત જોયું..!"
" ભૂત..?" પટલાણીની આંખો આશ્ચર્ય અને ભયથી પહોળી થઈ ગઈ. ગાત્રો ઢીલા થઈ ગયાં.
ભેંકાર રાત્રિનો ભય પતિ નો ભયભીત ચહેરો અને ધ્રુજાવી દેતો ભૂતનો ઘટસ્ફોટ..! પટલાણી બેહોશ બની ગયાં. એમને હોશમાં લાવવાની પટેલે કોશિશ કરી જોઈ. આખરે કોઈ જ પ્રતિક્રિયા ન થતાં પટેલ પથારીમાંથી બેઠા થયા.
એમણે મનોમન પસ્તાવો થયો. મારે આમ ભૂતનો ઉલ્લેખ નહોતો કરવો જોઇતો. થોડુંક પાણી લાવી પત્નિને મુખ પર પટેલે છાંટ્યું. ત્યાર પછી તેઓ ગભરાયેલી પત્નીને જોતા રહ્યા. શારદા હોશમાં આવી રડતાં રડતાં થોડી ક્ષણો પતિને આલિંગી રહ્યા બાદ ડરતાં ફફડતાં એણે પૂછ્યું.
"પેલુ ભૂત ગયું કે નહીં..?" શારદા સ્વસ્થ ભલે થઇ હતી. પણ એના મનનો ડર ઓછો થયો નહોતો. એટલે એને કશી વાત કરવી પટેલને ઉચિત ના લાગી. એના મનના સમાધાન માટે ફક્ત હકારમાં પટેલે માથું ધુણાવ્યું. એકાએક સ્મરણ થયું. શેતાનના સ્વરૂપમાં બહાદુરને અથડાઈને ભૂમિ પર પડતો એમણે જોયો હતો. 'ન કરે નારાયણ ને કદાચ.. એને કંઈ . ..!" એમનું મન ગડમથલ અનુભવતું હતું.
આવું બને જ કેવી રીતે..? બહાદુર અને..ના ના જે જોયુ એ પણ ખોટું નથી..! તો પછી શું બહાદુર કોઈ મેલીવિદ્યા જાણતો હશે..? કે પછી એના શરીરમાં કોઈ પ્રેતાત્મા એ વાસ કર્યો હશે...?" પટેલે ઘણા તર્કો કર્યા. શારદા માયુસ બની ડાયલ થતા ટેલીફોન પરની આંગળીઓ ને તાકી રહી. રીસીવર ક્રેડલ પર પછાડતા પટેલ બોલ્યા.
આ ચાલુ ડોગલાને અત્યારે જ બંધ થવુ હતુ..?"
"મને લાગે છે પેલાં ભૂતનું જ પરાક્રમ હશે..?" શારદા યે ભય વ્યક્ત કર્યો.
"શારદા એ શક્ય પણ હોઈ શકે..! અને અશક્ય પણ... સત્ય અને અસત્ય પણ હોય..! મને લાગે છે હવે તુ ઘણી સ્વસ્થ છે. અણધારી આવેલી આ આફતને હવે તેં માનસિક રીતે સ્વીકારી લીધી છે. બહાર જે બન્યું એ કહેવામાં હવે તને કશો વાંધો નથી. પછી પટેલે જેમજેમ બોલતા ગયા એમએમ શારદાના ચહેરાએ અનેક રંગ બદલ્યા.
ક્યારેક ચહેરાની ક્રાંતિ ફિકીથઈ ગઈ. તો ક્યારેક આંખોમાં ગભરાટ ફેલાઇ ગયો. એ ફાટી આંખે પતિને સાંભળતી રહી. એ આખી વાત જાણીને સમસમી ગઈ. પટેલ વિચારતા હતા. થોડું-ઘણું જોવા અને સાંભળવા માત્રથી અમારી હાલત એવી થઈ ગઈ છે, તો પછી ભેમજીએ પ્રેતને નજર સામે જોયું છે. એની સામે ઝઝૂમ્યા છે..
એની કરુણકથની તો સાંભળવાની હજુ બાકી જ હતી.
"શારદા બહાર જવા જેવું નથી ઘણું બધું આડુંઅવળું બની ગયું છે..!"
'ઇન્સ્પેકટર સાહેબને જાણ પણ કેવી રીતે કરવી..?"
શારદા પથારીમાં આડી પડી હતી. તેણે ડર ખંખેરી નાખવાનો પ્રયાસ રૂપે આંખો મીંચી દીધી. પ્રત્યક્ષ ન જોવા છતાં પટેલે કરેલા વર્ણન પરથી પટલાણીની આંખોમાં પેલુ વિકૃત સ્વરૂપ ભમતું હતું.
પત્ની પર એક દ્રષ્ટિ નાખી પટેલ મનોમન બબડ્યા. મને પણ સૂવાદ્યો સવારની વાત સવારે..જે હશે એ જોયું જશે..! શું બન્યું છે એ ભેમજી કહેવાનો જ છે..! પ્રેતનો પ્રત્યક્ષ સામનો કરનાર ભેમજી જોડેથી બધી વાત સાંભળવાની હતી.
એ મૉંડીને બધી વાત કરવાનો જ છે. પટેલનું મન ગોળ-ગોળ ફરતું હતું. ઉંધ વેરણ થઇ ગયેલી. તેઓ મોડીરાત સુધી જાગતા રહ્યા. ઊંઘ કયારે આવી ગયેલી એમને ખ્યાલ ન રહ્યો.
નિંદર રાણીનો નશો બંગલાની રગેરગમાં પુનઃવ્યાપી ગયો. બંગલાની બહાર પણ તોફાન આવીને વહી ગયા પછીની શાંતિ પ્રસરી હતી. સન્નાટો હતો માત્ર ચલિત હતું સમયનું ચક્ર..જે ધીમી ગતિએ ડગ માંડતુ આગળ ધપી રહ્યું હતું.
***
આજે મેરુ અને મોહન ઘણા ખુશ લાગતા હતા. એમણે પહેલી વાર વિદ્યાનો ટેસ્ટ કર્યો હતો. અને માનવનું રક્ત પીધું હતું. એક અદ્ભુત અનુભૂતિ સાથે એમણે શેતાની લાલસા પરિપૂર્ણ કરી હતી. તૃપ્ત થયેલા બંને જણા હોઠોમાં મલકાતા ગાડીના દરવાજા આગળ આવી રહ્યા હતા.
બંનેએ એકબીજા સામે જોયું અને આંખ મિચકારી. મેરુએ ગાડીનો દરવાજો ખોલી નાખ્યો. બંને જણા જેવા ગાડીમાં બેઠા એવી ગાડી સ્ટાર્ટ થઈ ચાલવા લાગી.
ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલો કુલદીપ આક્રમક બની ગયો હતો. મેં જે નહોતું ધાર્યું એ જ થયું. તમે બંનેએ મનમાની કરી નિર્દોષ લોકોનું ખૂન પીધું. આ દુશ્ક્રૃત્યની સજા તમને મળશે.
કૂલદિપની આંખોમાં ખૂન ઉતરી આવ્યું હતું." ગુરુએ તમને શું કહ્યું હતું. આટલી જલદી તમે એ વાત ભૂલી ગયા..?" એનાં ભાલા જેવા શબ્દો મેરુ અને મોહનને ભોંકાયા.
તમારા બંનેના મોઢા માનવ રક્તથી ગંધાય છે. અને આ તમારા કપડા પરના ખૂનના લાલ ધબ્બા..! અરે..! પેલાની ગરદનમાં તમારા રાક્ષસી દાંત ખૂંપાવી તમને લોહી પીતા ને જોયા છે. તમે હવે માણસ મટી પિશાચ બની ગયા છો..તમને માફ કરવા એટલે મોતનું તાંડવ ખેલવુ.! કુલદીપ નો ચહેરો ગુસ્સાથી રાતો લાલ થઈ ગયો હતો .!
મેરુ અને મોહન ગરીબ ગાય બની ગયેલા. કુલદીપે વીંધી નાખતી નજર મેરૂ પર નાખી. તેનો ડાબો હાથ કસકસાવીને પકડ્યો. ઇલેક્ટ્રિક શૉક લાગ્યો હોય એમ મેરુ ધ્રૂજી ઊઠ્યો.
"નહિ કૂલદિપભાઈ..! મને માફ કરી દો..! હવે પછી આવું નહીં થાય..! તમને હાથ જોડું છું..! મારો હાથ છોડી મૂકો. મને અંગારા ચંપાતા હોય એમ જલન થાય છે મારું શરીર બળે છે મેરું ટપ ટપ આંસુ પાડી રડવા લાગ્યો. કુલદીપના હાથ પકડવાથી આખા શરીરમાં ઝાળ ઉપડી હતી.
ઈલેકટ્રીક તાર પર હાથ અટકી ગયો હોય એમ એના શરીરને જબરજસ્ત ઝટકા લાગી રહ્યા હતા.
"અમને માફ કરો કુલદીપ..!"
મેરુ ની હાલત જોઈ મોહન સમજી ગયો કે મારી પણ આવી જ હાલત થવાની છે. જેથી એ પહેલાં જ કરગરવા લાગ્યો..
"દોસ્તી ખાતર એકવાર અમને માફ કરી દે. સુધરવાની એક તક આપો. અમે કાન પકડીએ છીએ કે હવે પછી આવું નહીં થાય..!"
કુલદીપને મેરૂ અને મોહન પર દયા આવી ગઈ. કારણ કે પોતે જાણતો હતો કે જે કંઈ થઈ રહ્યું છે, એના માટે કારણભૂત પેલી પિશાચી શકતિ હતી. જે અત્યારે મેરુ અને મોંહન પર હાવી હતી.
કૂલદિપ ગાડી હંકારતો રહ્યો.
એનુ ચિત ચકડોળે ચઢ્યું હતું. ગુરુજી ના શબ્દો એના કર્ણપટલ પર પડઘાતા હતા. ગુરુએ કૂલદિપને એક તરફ બોલાવી કહ્યું હતું.
" બેટા.. વિદ્યા તો અમર છે. જેને ગ્રહણ કરનારા બદલાય છે. જેમ કે કાલે મારી પાસે હતી એમ આજે અમે તમને એ સમર્પિત કરી છે. મારો અંતકાળ નજીક છે. તમે ત્રણેય મિત્રોએ પૂરેપૂરી વિદ્યા ગ્રહણ કરી લીધી છે.
હવે તમારા દ્વારા થનારા સત્કાર્યો અને દુષ્કૃત્યોની મને પહેલાથી જાણ છે. વિધાતાના લેખ પણ મિથ્યા થતા નથી. બેટા મારી વાતને ધ્યાનથી સાંભળ.. તારા વહાલા બંને મિત્રો આ વિદ્યાના જોરે શેતાન બની જશે. તબાહી મચાવી દેશે પણ તારા આત્મા સાથે થયેલો આ વિદ્યાનો પવિત્ર સંગમ એમના માટે કાળ સાબિત થશે..!
આ કઠિન કાર્ય ને પાર પાડવા.. તારું પ્રિયજન તારો પડછાયો બની સાથે રહેશે.
હા..વત્સ, તારા મિત્રોના હાથે થનારી પ્રથમ હત્યા તારા માટે રેડ એલર્ટ હશે..તુ..સાબદો નહિ થાય તો આ હત્યાઓની પરંપરા સર્જાઇ જશે..
ગુરૂએ ઉંડો શ્વાસ લઈ હાથની આંગળીમાંથી મુદ્રા સેરવી કૂલદિપ તરફ આગળ ધરી.
આ મુદ્રાને તારી તર્જનીથી પરથી ક્યારેય અળગી કરીશ નહીં.
એ તને પ્રેતલોકના પડછાયાથી બચાવી લેશે તું એને જીવની જેમ જાળવજે..!"
ગાડી બંગલાના કમ્પાઉન્ડમાં આવી ઉભી રહી. કુલદીપની આંગળીઓ મુદ્રા પર ફરતી હતી. ગુરુના શબ્દો પણ એના કાનમાં પડઘાતા રહ્યા. "વત્સ..આ મુદ્રાને જીવની જેમ જાળવજે..! એ પ્રેતલોકનો પડછાયો પણ તારા પર પડવા નઈ દે..!" ચિત્ત વિચારોથી તર હતુ.
એમ સાહજિક ક્રિયાઓ પણ ચાલુ જ હતી. કુલદીપની પરેશાનીઓ હવે ઘટવાની નહોતી. પોતાના મિત્રો મેરુ અને મોહનના કુકર્મો પોતાની સાથે જાણે-અજાણે સંકળાઈ ગયાં હતાં. પરંતુ ખરી મુસીબત તો હવે શરૂ થતી હતી. પોતાના બાળપણના મિત્ર કુમારના ઘરે કૂલદિપ મોહન અને મેરુ સાથે રોકાયો હતો.
કૂલદિપ બહારથી જેટલો શાંત દેખાતો હતો. એટલું જ એના અંતરમાં દ્વંદ્વ ઉઠયું હતું.
મિત્ર કુમારનુ ક્યાંય નામ આવવું જોઈએ નહિ.. એનું અંતર ફફડી રહ્યું હતું. કુમાર એક ઈમાનદાર અને નેકદિલ પ્રેસ રિપોર્ટર હતો. એના પોતાના ઘરે નિર્દોષ લોકોના હત્યારાઓએ રાતવાસો કરેલો.
એવી જાણ કુમારને થાય તો એને કેવો આઘાત લાગે એ વિચારીને કુલદીપનુ મન વ્યાકુળ હતુ. કુમાર ક્યારેય પોતાને માફ ના ઘરે. કુલદિપનો માંહ્યલો બળતો હતો. બાળગોઠિયા લંગોટીયા મિત્રો કુલદીપ અને કુમાર કિશોરાવસ્થામાં પ્રવેશતા જ છૂટા પડી ગયેલા. વર્ષો પછી મળ્યા ત્યારે કેવું ભયાનક સંકટ ઊભું થયું હતું. બંનેને આ ગોઝારી ઘટનાએ આમને-સામને લાવી દીધા હતા. અન્યાય અને અત્યાચારનો જંગ છેડનારા ફરજપરસ્ત વીર હતો કુમાર..
જ્યારે કુલદીપ આજે બે હત્યારાઓને સાથી બની ગયો હતો. ભલે કુલદીપની ઈચ્છા વિરુદ્ધ આ પિશાચી ઘટના ઘટી. પણ સંજોગો પેલા બન્નેની સાથે કુલદીપનેય કસૂરવાર ઠેરવવાના હતા... કૂલદિપ વિચારતો રહ્યો.
કુમારને આ લોકોના દુશ્કૃત્યની જાણ થાય તો પણ...મોટો હોબાળો ના થાય...એવો નક્કર ઉપાય વિચારી રાખવો એને જરૂરી લાગ્યો.
( ક્રમશ:)