No Return - 2 - Part - 3 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન - 2 - ભાગ - 3

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નો રીટર્ન - 2 - ભાગ - 3

નો-રીટર્ન-૨

ભાગ-૩

થરાદનાં સૌથી બદનામ ગણાતા વિસ્તારમાં આવીને એભલે પોતાનું બુલેટ થોભાવ્યું. હજુ સવારનાં દસ જ વાગી રહયા હતાં. આટલી વહેલી સવારે આ વિસ્તારમાં ઝાઝી ચહલ-પહલ હોવી એ એક સપનાં સમાન હતું. રાત્રે મોડે સુધી ધમધમતા દારૂનાં અડ્ડઓમાં પણ અત્યારે ખામોશી પથરાયેલી હતી. એભલસીંહ માટે આ ગમતી પરિસ્થિતી નહોતી. શેરીનાં એક છોર પર ઉભા રહીને તેણે એ ગંધાતી સાંકડી શેરીમાં નજર નાંખી. ચાલની બંને તરફ ઝુંપડા જેવા પતરાનાં કાચા પાકા મકાનો હારબંધ ઉભાં હતાં. શેરીની બરોબર વચ્ચે નાનકડી નીક જેવી ગંદી ગટર સતત વહેતી હતી. બુલેટને શેરીનાં નાકે, એક બંધ દુકાનનાં થડાં પાસે રહેવા દઇ એભલ શેરીમાં દાખલ થયો. તેને ખબર હતી કે અત્યારે કંઇ ખોલીમાં તેને નશો મળશે. થોડુ ચાલીને તે એક રુમનાં પતરા જડેલાં બારણાં સામું ઉભો રહયો અને પોતાનાં ભારેખમ હાથથી એ દરવાજો ખટખટાવ્યો.

“ કોણ છે અત્યારે...? ” થોડીવાર બાદ અંદરથી કોઇ સ્ત્રીનો ઉંઘરેંટયો અવાજ આવ્યો. તેની ઉંઘમાં કદાચ ખલેલ પડી હતી જેનો ગુસ્સો અવાજમાં ભળ્યો હતો. એભલે જવાબ દેવાને બદલે ફરીથી દરવાજો ઠોકયો.

“ મૂવા...દરવાજો તોડી નાંખશ કે શું....? ઉભા રો...! આવું છું. થોડીવાર તો જપ લો..” સ્ત્રી અંદરથી જ બરાડો પાડતાં બોલી પરંતુ એભલે જાણે એ સાંભળ્યું જ ન હોય એમ ફરીથી જોરથી દરવાજો ધમધમાવ્યો. “ મારા રોયા સવાર-સવારમાં પી ને મંડી પડયા છે...” અને ધડામ દઇને એ સ્ત્રીએ દરવાજો ખોલી નાંખ્યો. સામે એભલ ઉભો હતો.

“ એભલ...તું...! આવ...અંદર આવ...” એ સ્ત્રી એકાએક બોલી ઉઠી. એભલને દરવાજે ઉભેલો જોઇને તેનો ગુસ્સો પળભરમાં ગાયબ થઇ ગયો હતો અને ગુસ્સાનું સ્થાન આશ્વર્યએ લીધુ હતું. આટલાં વર્ષોમાં એભલ સવાર- સવારમાં આવ્યો હોય એવો આ પહેલો દાખલો હતો એટલે આશ્ચર્ય ઉદભવવું સ્વાભાવીક હતું. ભરઉંઘમાંથી જાગેલી જણાતી તેની કાયા ઉપર અસ્ત-વ્યસ્ત થયેલા કપડાને તેણે સંકોર્યા... છાતી ઉપરથી નીચે ઢળેલો પાલવ કંઇક બેફીકરાઇથી ખભે નાંખ્યો અને દરવાજેથી ખસીને તેણે જગ્યા કરી એટલે માથું નમાવીને એભલ ખોલીમાં દાખલ થયો. કંઇપણ બોલ્યા વગર તે એક ખૂણે ઢાળેલા પતરાનાં પલંગ ઉપર જઇને બેઠો. પેલી સ્ત્રી તેની નજીક આવી અને એભલનાં ચહેરા સામું તાકતી ઉભી રહી. કમરામાં ચૂપકીદી છવાઇ.

“ બોતલ લાવ...! ” આખરે એભલ બોલ્યો. તેના મગજમાં અત્યારે ધમાસાણ મચ્યું હતું. માલિક સામે નીચા જોવાપણું થયું અને તે પણ એક નાજૂક નમણી બે-બદામની છોકરીનાં કારણે એ તેને નહોતું ગમ્યું. છેલ્લાં એક અઠવાડિયાથી તે એ છાકરી ઉપર નજર રાખી રહયો હતો. તે કયાં જાય છે..? શું કરે છે..? કોને મળે છે...? આવી તમામ નાનામાં નાની બાબતોની જાણકારી મેળવીને તેણે તેનાં માલિક સુધી પહોંચાડી હતી. એક વાતનું આશ્વર્ય પણ તેને થતું હતું કે શા માટે એ છાકરીનો પીછો તેની પાસે કરાવવામાં આવી રહયો છે...? એવું તો શું છે એ છોકરીમાં....? હાં...એ રૂપાળી હતી. ગજબનાક રૂપાળી. કોઇનાં પણ અરમાનો બહેકી જાય એટલી ખૂબસુરત. એભલે પોતાની આખી જીંદગી આવી દિલકશ ઓરત જોઇ નહોતી. પણ, એથી વિશેષ તેણે અઠવાડિયા દરમ્યાન એવી કોઇ વિશેષ હિલચાલ નહોતી કરી જે શંકાસ્પદ હોય કે જેનાં કારણે આમ તેનો પીછો કરવો પડે. એભલ આ બાબતે મુંઝાતો હતો. કોઇ ચોખ્ખા દેખીતા કારણ વગર તે એ છોકરી પાછળ ભમી રહયો હતો જે તેને ખરેખર પસંદ આવતું નહોતું. માલિક કોઇ “હિન્ટ ” આપે તો એ “ ખાસ ” બાબતને ધ્યાનમાં રાખીને તેનો પીછો કરે તો કંઇક કામનું જાણવાં મળે, પરંતુ અહી એવું કંઇ નહોતું.

એ છોકરી આખો દિવસ બસ, અહી- તહી ભટકતી રહેતી હતી. થરાદ, થરાદ- ધાનેરા હાઇવે અને ત્યાંથી ધાનેરા શહેર... આ ઉપરાંત “ ઇન્દ્રગઢ ” જેવાં સ્થળોએ એકથી વધુ વખત તે ફરી આવી હતી. કોઇ સામાન્ય ટુરીસ્ટની જેમ કોઇ જ મકસદ વગર તે ઘુમી રહી હતી. કમ સે કમ એભલને તો એવું જ લાગતું હતું... એટલે જ તે કંટાળ્યો હતો. કોઇ ચોક્કસ મકસદ વગરની રખડપટ્ટીએ તેનાં મગજનો પારો છટકાવ્યો હતો. એ છોકરી પાસે પોતાની કાર હતી. એભલ પોતાનું ખખડધજ બુલેટ લઇને સતત છેલ્લા અઠવાડિયાથી તેનો પીછો કરી રહયો હતો. ગઇકાલે સાંજનાં સમયે તે યુવતી “ ઇન્દ્રગઢ ” ની વિશાળ કહી શકાય એવી લાઇબ્રેરીમાં ગઇ હતી. થોડા દિવસની અંદર પાંચમી વખત તે આ લાઇબ્રેરીમાં આવી હતી. ભારે કંટાળાથી એભલ પણ તેની પાછળ લાઇબ્રેરીમાં દાખલ થયો હતો. તેને ડર હતો કે ક્યાંક યુવતીને ખ્યાલ ન આવી જાય કે એ તેનો પીછો કરી રહયો છે. ઇન્દ્રગઢ જેવા નાનકડા વિસ્તારમાં આવો ખ્યાલ આવવો સ્વાભાવીક હતો. તે યુવતી લાઇબ્રેરીની દેખરેખ રાખતાં યુવાન પાસે ગઇ હતી અને તેને કશુંક કહયું હતું. પેલો યુવાન પણ હવે કદાચ આ યુવતીથી થાકયો હશે એટલે મોંઢુ બગાડતા જાણે પરાણે કામ કરતો હોય એમ તે લાઇબ્રેરીનાં રિસેપ્શન કાઉન્ટર તરફ ગયો અને કાઉન્ટરનાં ખાનામાંથી એક ભૂરું પેકેટ લાવીને એ યુવતીનાં હાથમાં મુકયું હતું. યુવતીએ પેલા યુવાનનો આભાર માન્યો અને ઝડપથી તે બહાર નીકળી પોતાની કારમાં ગોઠવાઇ હતી અને કારને પુરપાટ વેગે હાઇવે તરફ ભગાવી મુકી હતી. એભલ લાઇબ્રેરીમાંથી બહાર નીકળે એ પહેલાં તો યુવતીની કાર લાઇબ્રેરીનાં કંમ્પાઉન્ડ વોલનો ફાટક વટાવીને મેઇન રોડે ચડી ગઇ હતી. એભલ દોડયો...પણ, તે મોડો પડયો. તે પોતાનાં બુલેટ ઉપર સવાર થાય...બુલેટ શરૂ કરે, એટલીવારમાં તો એ યુવતીની કાર તેની નજરો આગળથી અંતર્ધ્યાન થઇ ગઇ હતી. બુલેટ શરૂ કરી તે દરવાજાની બહાર નાકળ્યો અને યુવતીએ જે તરફ કાર ભગાવી હતી એ તરફ બુલેટને નાંખ્યુ. “ ઇન્દ્રગઢ ” વિરાસત બહુ મોટી નહોતી. રાધનપર- જેસલમેર હાઇવેને અડીને આવેલું “ ઇન્દ્રગઢ ” નાનકડું એવું ટાઉન ગણી શકાય એટલી તેની વસ્તી હતી. ઇન્દ્રગઢનાં રાજવી મહેલ અને તેની બાજુમાં બનેલી હવેલી ફરતે આખા ગામની વસ્તી વસેલી હતી. રાજવી મહેલ તો અત્યારે ખાલી હતો પરંતુ હવેલીમાં કાયમ ચહલ- પહલ રહેતી કારણ કે ઇન્દ્રગઢની સરકારી સ્કુલ અને એક વિશાળ લાઇબ્રેરી આ હવેલીમાં જ હતા. હવેલીથી એક સીધો રસ્તો ગામ વીંધીને હાઇવેને મળતો. એ જ રસ્તે પેલી યુવતીની કાર ગઇ હતી. એભલસીંહે પોતાનું બુલેટ એ રસ્તે ભગાવ્યું પણ એ કાર તેને કયાંય દેખાઇ નહી. તે હાઇવે ઉપર ચડયો હતો અને છેક મીયાળ અને પિલુડા સુધી જઇ આવ્યો. તેને ખાસ ખબર હતી કે તે યુવતી આ તરફ જ, હાઇવે બાજું વળી હતી. પણ અત્યારે તેની કાર કયાંય દેખાતી નહોતી. જાણે હવા ગળી ગઇ હોય એમ તે યુવતી અને તેની કાર બન્ને અંતર્ધાન થઇ ગયા હતાં. એભલને પોતાની જાત ઉપર ગુસ્સો આવ્યો. આટલી બેદરકારી તે કેવી રીતે દાખવી શકે...! પિલુડાની સીમમાં તેણે પોતાનું બુલેટ ઉભુ રાખ્યું હતું. ભયાનક ગુસ્સાથી તેનું મગજ ફાટ-ફાટ થતું હતું. “ કમબખ્ત છોકરી...” તે મનમાં જ બબડયો. થોડીવાર ત્યાં જ ઉભા રહી તેણે થરાદ તરફ બુલેટ ભગાવ્યું હતું. છોકરી તેનાં હાથમાંથી છટકી ગઇ હતી એ હકીકત પચાવતા તેને થોડો સમય લાગ્યો હતો. પોતાની નાલોશી ભરી બેદરકારી તેને ખુદને જ કઠતી હતી. માલિકને કયા મોંઢે વાત કહેવી એ તે નક્કી કરી શકતો નહોતો એટલે આખરે તેણે દારૂનું શરણું લીધું. ગઇકાલે રાત્રે તેણે ચિક્કાર ઢીંચયો હતો અને આજે સવારે તેણે પોતાનાં માલીકને ફોન કર્યો હતો. માલીકે તેની ધારણાં મુજબ જ તેને ખખડાવી નાંખ્યો હતો.

“ અત્યારે...? સવાર-સવારમાં દારૂ ઢીંચવો છે તારે...? ” એક ઓરડીની પતરાવાળી રૂમમાં અડધી ઉઘાડી ઉભેલી ઔરતે આશ્વર્ય ઉછાળ્યું.

“ શબ્બો તું મારું માથુ ન ખાં...! જા...બોતલ અને ગ્લાસ તૈયાર કર...” એભલે હુકમ ભર્યા અવાજે કહ્યું. તે જ્યારે ખુબ જ અપસેટ હોય ત્યારે અહીં આવતો. આ શબનમ... ” શબ્બો ” તેની ખાસ દેખભાળ કરતી. શબ્બો એક ચાલુ બાઇ હતી. પૈસા માટે તે કંઇ પણ કરતી. રોજ રાત્રે નીતનવા આદમીઓ તેની ખોલીએ આવતા જેનું ભરપુર મનોરંજન તે કરતી. તેમાં આ એભલસીંહ પણ એક હતો. પરંતુ એભલ પ્રત્યે તેને કંઇક વિશેષ અનુરાગ જન્મ્યો હતો. બીજા ગ્રાહકોની જેમ એભલ તેની પાસે માત્ર શારિરીક ભુખ મિટાવવા નહોતો આવતો. તે તેની પાસે બેસતો...તેની વાતો સાંભળતો....પોતાની વાતો કરતો. હતો તે એક ગુંડો જ પણ બીજા બધાં કરતાં બહેતર હતો અને એટલ જ શબ્બોને એભલ ગમતો. સામે પક્ષે એભલને પણ શબ્બોનું પડખું સેવવું ગમતું. તેને જ્યારે કોઇ દિશા સુઝતી નહી ત્યારે તે અહી આવતો. અત્યારે પણ આવ્યો હતો.

શબનમે એભલ તરફ એક દ્રષ્ટી નાંખી અને કામે વળગી. ખૂણામાં પડેલા નાનકડા ફ્રીઝમાંથી એક બોતલ ઉપાડી લાવી એભલ સમક્ષ મુકી અને પછી કંઇક ખાવાનું મળે એ માટે ખાંખા-ખોળા કરવા લાગી.

***

દાદાએ મને મારવા છડી ઉઠાવી અને હું સડાક કરતો પથારીમાં બેઠો થઇ ગયો. મારા કપાળે અને આખા શરીરે પરસેવો ફૂટી નીકળ્યો હતો. ઉપર સિલીંગમાં જડેલો પંખો ફુલ સ્પીડમાં ફરતો હોવા છતાં હું પરસેવે રેબઝેબ થઇ ગયો હતો. “ ઓહ... કેવું વિચિત્ર સ્વપ્ન...! ” મેં વિચાર્યું. સ્વપ્નમાં ઇન્દ્ર બનીને હું ખુદ ઇન્દ્રાસન ઉપર બેઠો હતો અને ઇન્દ્રસભાની અપ્રતીમ સુંદર ઇન્દ્રાણીઓને ભોગવી રહયો હતો. તેમાં અચાનક કોણ જાણે કયાંથી દાદા પ્રગટ થયા અને ધમકીભર્યા સ્વરે તેમણે મને કંઇક કહયું. શું કહયું દાદાએ...? ઓહ...હાં...! “ તારી જરૂર ઇન્દ્રગઢમાં છે, અહી ઇન્દ્રસભામાં નહી...! ” બસ એવાજ મતલબનું કંઇક...!

“ પણ શું કામ...? ” મેં મારો ચહેરો હાથેથી લુંછયો, વિચારશીલ દિશામાં જ પથારીમાંથી ઉભો થયો અને રૂમનાં એક ખૂણે મુકાયેલા ફ્રીઝમાંથી ઠંડા પાણીની બોટલ કાઢી અડધી બોટલ પાણી ગટગટાવી ગયો. “ શું આ એક સ્વપ્ન માત્ર હતું....? કે પછી મારી કોઇ કોરી કલ્પના...? ” દિવસ દરમ્યાન અવનવા વિચારો મારા મનમાં સતત ચાલતા જ રહેતા હોય છે. એવા જ કોઇ વિચારોનો આ પડઘો તો નહી હોયને...? હું બેચેન બની ગયો. સ્વપ્નમાં દાદાએ મને સ્પષ્ટપણે આદેશ આપ્યો હતો કે મારે “ ઇન્દ્રગઢ ” પહોંચવું. ત્યાં મારી જરૂર છે.

પણ, કેમ...? આટલા વર્ષોમાં કયારેય નહી અને આજે જ કેમ દાદા મારા સ્વપ્નમાં આવ્યા...? મારે શું કરવું જોઇએ...? “ ઇન્દ્રગઢ ” અમારી રિયાસત હતી...હતી શું કામ, અત્યારે પણ છે જ. ભલે અમે રાજવી નહોતાં રહ્યા છતાં અમારા નામે ત્યાં ધણું બધું હતું. આજે પણ હું કે મારા પિતાજી ઇન્દ્રગઢ જઇએ તો એક રાજ-પરિવારનાં સભ્યને જેવો માન-મરતબો મળવો જોઇએ એવો જ માન-મરતબો ત્યાંની પ્રજા અમને આપતી એ સત્ય હકીકત હતી. જોકે પાછલાં ઘણાં વર્ષો, એટલે કે મારા દાદાનાં અવસાન બાદ મારા પિતાએ કયારેય ઇન્દ્રગઢમાં પગ નહોતો મુકયો. ઇન્દ્રગઢનો સંપૂર્ણ વહીવટ તેમણે પેઢી દર પેઢીથી અમારી દિવાનગીરી કરતા આવતા બિશ્નોઇ પરીવારનાં કનૈયાલાલ બિશ્નોઇને સોંપી દીધો હતો. મહીનામાં એકાદ વખત તેઓ કનૈયાલાલ સાથે ફોન ઉપર વાત કરી લેતા. બાકી બધું તેમનાં ભરોસે ચાલતું. મારા પિતાનો ખુદનો બિઝનેસ એટલો મોટો થઇ ચૂકયો હતો કે તેમને હવે અમારી આ જુની વિરાસતમાં સહેજે રસ રહયો નહોતો. પિતાની જેમ હું પણ ઇન્દ્રગઢને કયારનો ભૂલાવી ચૂકયો હતો. મારા માટે તો હું ખુદ જ મારી દુનીયા હતો. બહારની દુનીયાની જરૂર મને બહુ ઓછી પડતી. પણ... આ સ્વપ્નએ મને ખળભળાવી મુકયો હતો. બેચેન જીવે રૂમમાં આંટા મારતો વિચારતો રહયો કે મારે શું કરવું જોઇએ...? એક સ્વપ્નને હકીકત કેમ માની લેવી...? એક બેચેની ઘેરી વળી મને. “ ઇન્દ્રગઢ ”... આ નામ મારા જહેનમાં વારે-વારે ઉભરતું રહ્યું. જાણે એકાએક મને મારુ વતન બોલાવી રહયું હોય એવું પ્રતિત થવા લાગ્યું હતું.

“ શું મારે ત્યાં જવું જોઇએ...! યસ્સ, હું ત્યાં જઇશ.” થોડીવાર પછી આખરે હું એક મક્કમ નિર્ણય ઉપર આવ્યો હતો. આંખો બંધ કરીને મેં દાદાને સંભાર્યા અને પછી તૈયાર થવા બાથરૂમમાં ઘુસી ગયો.

(ક્રમશઃ)