Ketluy khute chhe - 2 in Gujarati Short Stories by Ranna Vyas books and stories PDF | કેટલુંય ખૂટે છે !!! - 2

Featured Books
Categories
Share

કેટલુંય ખૂટે છે !!! - 2

(૦૪)

ધૂમ્ર સેર

એ રાત્રે અચાનક જાગી ગઈ. જોયું, તો હેમલ રૂમ માં નહતો. એને સમજતાં વાર ન લાગી. હળવેથી ઉઠી ને બહાર ની તરફ ના ઝરૂખા માં એ સરકી. સરકી એવી જ સળગી ઉઠી – હેમલ – પોતાના પતિને મધરાતે આમ સિગારેટ ફૂંકતો જોઈ ને કોઈ પણ પત્ની ક્રોધ, ચિંતા, નફરત અને ન જાણે કેટલાય નકારાત્મક ભાવ ના ઘુઘવાટ થી સળગી ઉઠે. નવું તો નથી – ધુઘવાટ થી બચવા હેમલ જેવા પતિ છાના માના ફેફસાં માં ધુમાડો ભર્યા કરે ને પકડાય ત્યારે ચિંતા કરતી પત્ની ના ખોટા સમ ખાઈ સિગારેટ છોડવાની પ્રતિજ્ઞા લીધા કરે. ફરી પકડાય ને ફરી ખોટે ખોટા સમ – ચાલ્યા કરે. એમને સમજાય પણ નહી કે સિગારેટ ની સાથે એમની પત્ની પણ ચિંતા થી સળગી રહી છે. આવી છાની સિગારેટ સાથે સળગતી પત્નીઓ તો ઘેર ઘેર છે પણ અહી સળગતી પત્ની નું નામ તુલસી.

નામ પ્રમાણે પવિત્ર – શુદ્ધ ચારિત્રવાન, નિષ્ઠાવાન પત્ની તુલસી જેને મળી એ હેમલ બાહ્ય દ્રષ્ટિ એ ખોટો તો નહી. સારો દેખાવ, ઉચ્ચ અભ્યાસ, સરસ પગાર ની નોકરી, ઘર પણ સારુ....પણ સિગારેટ નું વ્યસન. અને એય પાછુ એણે તુલસી થી છુપાવેલું. લગ્ન પહેલાં મુલાકાત વખતે તુલસી એ વ્યસન અંગે પૂછેલું ત્યારે હેમલે સહજતાથી કહેલું, “ હું તો કોઈ પણ વસ્તુની આદત રાખવા માં માનતો જ નથી. સવારે ચા પીવું, અરે દસ વાર પીવું, પણ ના પીવું તો કઈ નહી. આવું જ જોઈએ, આમ ના જ ચાલે, એવું નહી. અને મજબુરી કે લાચારી તો કોઈ વસ્તુ વગર નહી.” અને... તુલસી હેમલ ના આવા પ્રભાવશાળી શબ્દોથી અંજાઈ ગઈ ... પ્રભાવિત થઇ ગયેલી. અલબત્ત લગ્ન પછી એક મહિનો પણ પૂરો ન થયો ને તુલસી એ હેમલ ને સિગારેટ ફૂંકતો પકડી પાડ્યો.

ગૃહસ્થાશ્રમ ની ધન્યતા જાણે નંદવાઈ ગઈ. સિગારેટ ના વ્યસન કરતાં પણ વ્યસન છુપાવ્યા ની વાત તુલસી ને ડંખી ગઈ. ફક્ત તુલસી ને જ નહી, તેનાં માતા-પિતા, સગાં-સંબંધી તમામ ને. તુલસી આવી વાત છુપાવી – બાંધી મુઠી લાખ ની રાખવા માં નહતી માનતી. લગ્ન ના દોઢ વર્ષ પછી સગર્ભાવસ્થા દરમ્યાન તુલસી હેમલ થી વધારે દૂર થઇ ગઈ. આમેય સિગારેટ- કે બીડી ના ધુમાડા ની વાસ તુલસીથી પહેલેથી જ સહન નહતી થતી. ક્યારેય હેમલ તો શું, બીજા કોઈને પણ સિગારેટ પીવી હોય તો પણ તુલસી ની હાજરી માં એ શક્ય નહતું બનતુ. અરે સાથે મુસાફરી કરતા અજાણ્યા લોકો સાથે બસ કે રિક્ષા માં ઝઘડી પડતી તુલસી. હવે એ પોતાના બાળક નો પિતા જ સિગારેટ નો વ્યસની છે એ વાત થી ઉદાસ થઇ ગઈ. હેમલ સિગારેટ પી ને નીકળ્યો હોય એ ઓરડા માં ભૂલથી પણ તુલસી જઈ ચઢે તો સિગારેટ ના ધૂમાડા ની અસર તેને અકળાવી મુકતી. એ ધૂમ્રસેર તુલસીનું મગજ ચકરાવી દેતી.

નિરાશા ની પળો માં તુલસી ને રજત યાદ આવતો. કોલેજ કાળ માં બસ માં થયેલી ઓળખાણ ...મૈત્રી અને પછી રજત તરફ થી એક પક્ષીય પ્રેમ લાગણી ની જાણ ...તુલસી ક્યારેક ભૂતકાળ ની યાદોમાં ખોવાઈ જતી. રજત ને પણ સિગારેટ ની આદત હતી. અને એ વાત તો મિત્ર તરીખે તુલસીએ ખુબ વખોડેલી. અલબત્ત રજત ને સિગારેટ છોડવા સમજાવતી વખતે તુલસીને તેના તરફથી એક પક્ષીય લાગણી વિષે હજી ખબર નહતી પડી. અને એટલેજ રજત સાથે બસમાં આવતાં – જતાં તે વાતો કરતી રહેતી. રજત પણ સિગારેટ છોડવાનો પ્રયત્ન કરતો હતો પણ એની પાછળ વ્યસન મુક્ત થવા કરતાં તુલસીયુક્ત થવાનો આશય વધારે હતો.

જયારે તુલસીને રજત તરફથી એક પક્ષીય પ્રેમની જાણ થયેલી ત્યારે તે થોડી ઉદાસ થયેલી. જેના ધ્વારા જાણ્યું એ મિત્ર ધ્વારા એવું પણ જાણ્યું કે રજત સિગારેટ તુલસી માટેજ છોડવા પ્રયત્ન કરી રહ્યો છે. પણ તુલસીએ ક્યારેય રજત માટે એ દ્રષ્ટિએ વિચાર્યું જ નહી. ભાવી પતિ ની કલ્પનાની છબી સિગારેટ ની ધૂમ્રસેર થી ધૂંધળી થઇ જતી હતી. વર્ષો સુધી રજત તુલસી ને મનાવવા પ્રયત્ન કરતો રહ્યો.... કોલેજ...પોસ્ટ ગ્રેજ્યુએશન...બી.એડ. ..અરે તુલસી ને સ્કૂલમાં નોકરી મળી ત્યાં સુધી રજત મથ્યો પણ મિથ્યા. અને પછી તુલસીને ખબર પણ ન પડી કે ક્યારે એ ઓસ્ટ્રેલીયા પહોચી ગયો. વારંવાર સમજાવવા-રડવા ને લડવા છતાં જયારે હેમલ સિગારેટ ન છોડતો, ત્યારે.... અજાણપણે.... રજત ની યાદ..... એક બીજી ધુમ્રસેર તુલસી ના મન પર છવાઈ જતી. અને થોડો અફસોસ પણ લઇ આવતી કે એક હતો જે સિગારેટ છોડવાનો પ્રયત્ન તો કરતો પણ ....

ધૂમ્ર સેર ઓરડા માં થી તો અદ્રશ્ય થઇ જતી પણ તુલસી ના મનમાં ગોટાયા કરતી. એક આન્ટી તો તુલસી ને આ વેદીયાવેડા છોડી દેવા સમજાવતાં. ‘ડ્રીન્કસ’ લેતાં મોર્ડન ઉષા આન્ટી માટે તો સિગારેટ કોઈ પ્રશ્ન જ નહતો. તુલસીએ તેમને ઘર માં જાતે ડ્રિન્ક્સ – પેગ તૈયાર કરી ને તેમના પતિને આપતાં જોયેલાં. તુલસી મનોમન તેમને કોસતી. પણ સિગારેટ ની ધુમ્રસેર ની જેમ અહી વાતાવરણ અસહ્ય નહતું એટલે એ લોકો જયારે સાંજે ડ્રિન્ક્સ લેતાં હોય અને તુલસી એમને ઘેર જઈ ચઢે તો તેમની સાથે એક રૂમ માં બેસી ને વાતો કરી શકતી. તુલસી ના પિયર પક્ષ તરફથી આ એકજ કુટુંબ તેના શહેર માં રહેતું. એટલે ખાસ તો રોજિંદા જીવન થી કંટાળે ત્યારે હળવી થવા તુલસી ઉષા આન્ટી ના ઘરે જતી. અને આમ પાછો એ કુટુંબ માં બધાનો સ્વભાવ પણ સારો. ભણેલા-સંપન્ન અને શિષ્ટાચારી પરિવાર માં આ ડ્રિન્ક્સ સિવાય કોઈ ખરાબ બાબત નહી. એટલે તુલસીએ એ આદત અવગણેલી.

ખરેખર તો તુલસી લગ્ન પછી સિગારેટ વાળી વાત ખબર પડી કે તરત હેમલ નું ઘર છોડવા તૈયાર થઇ ગયેલી. પણ વ્યસન ની બાબત સભ્ય સમાજ માં બહુ ક્ષુલ્લક ગણાઈ અને કોઈએ તુલસી ને સંબંધ-વિચ્છેદ ની વાત માં સમર્થન ના આપ્યું નહિતર તુલસી જુઠ્ઠા દંભી પુરુષ નું આખી જિંદગી પડખુ સેવવા બંધાઈ ન રહે.

તુલસી હેમલ ને કહેતી કે જયારે કોઈ બીડી કે સિગારેટ પીવે તો તેનો ધૂમાડો નજીક રહેલ વ્યક્તિ ના શ્વાસ માં પણ જાય. અને તેનાથી પણ નુકસાન થાય. હવે અન્ય વ્યક્તિ વગર વાંકે તમાકુ નું ઝેર શ્વાસ માં લે તેને અંગ્રેજી માં પેસીવ સ્મોકીંગ કહે છે. અને તુલસી પોતે હંમેશાં પેસીવ સ્મોકીંગ થી બચીને જ રહેતી. પોતાના આવનારા બાળક ને અજાણપણે પણ પેસીવ સ્મોકીંગ નો ભોગ ન બનવું પડે એની સતત ચિંતા તુલસી ને રહેતી. અલબત્ત તેની હાજરી માં તો હેમલ બાળક ને નજીક રાખી ને તો શું બાળક ની હાજરી માં પણ સિગારેટ કાઢવાની હિંમત નહી કરે તેની તુલસી ને ખાતરી હતી. પણ તેની ગેર હાજરી માં ક્યાંક બાળક ના દેખતાં હેમલ સિગારેટ સળગાવે તો બાળક પર તેની કેવી અસર થશે ... એ ચિંતા એના મગજ માં ઘુમરાયા કરતી. અને જે એ કોઈ ને કહી ન શકતી, પણ મગજ માં વલોવતી એ હતી બીજી એક ચિંતા કે ભવિષ્ય માં બાળક પણ હેમલ ની જેમ કોઈ વ્યસન નું આદિ તો નહી થઇ જાય ને? જીનેટિક હેરીટેજ – આનુસંગિક વારસો ક્યાંક તેના બાળક માં હેમલ નું જુઠાણું અને દંભ તો નહી લઇ આવે ને? અને પચીસ-ત્રીસ વર્ષ પછી કોઈ બીજી તુલસી મીઠી વાણી ના વમળ માં ફસાઈ ને આંસુ સારતી તો નહી થઇ જાય ને? ધણી વાર આ નકારાત્મક વિચાર નું વાવાઝોડું તુલસી ને એ હદે હતાશા ની ગર્તા માં ધકેલતું કે તેને બાળક ના જન્મ પહેલાં તે પોતેજ મરી જાય તો સારુ, એવો ખતરનાક વિચાર આવતો. અલબત્ત આત્મ હત્યા કરવા જેટલી હિંમત હજી તેના માં નહતી. એ પોતાની જાત ને અનહદ પ્રેમ કરતી, અને એટલેજ ઘણી વાર હેમલ મરી જાય તો સારુ એવું પણ વિચારી લેતી. આવા મરવા – મારવા ના વિચારો ના વમળ માં નવ માસ પુરા થયા

લગ્ન પહેલાં સાહિત્ય પ્રેમી રહેલી અને લગ્ન માં અન્ય સામાન ની સાથે થોડી સારી ચોપડીઓ પણ લઇ આવેલી તુલસી જેની સૌથી વધારે જરૂર હતી તેવા સગર્ભાવસ્થા ના સમય માં સારુ વાંચન ન કરી શકી. જયારે ઘણી સાધારણ છોકરીઓ જેને વાંચન સાથે સ્નાન સુતક નો પણ સંબંધ નથી હોતો એ બધી રામાયણ અને ગીતા આજુ બાજુમાં થી માંગી લાવી ને વાંચતી હોય છે, ત્યારે જેની પાસે આ પુસ્તકો વસાવેલ હતાં તે તુલસી એને ખોલી પણ ન શકી. અને આ હતાશા થી સભાન એવી એ વિચારી પણ રહી કે આવનાર બાળક માટે આ બધું ખોટુ થઇ રહ્યું છે. પોતાની સાથે નોકરી કરી ચુકેલાં એક મેડમ જે હવે અન્ય શાળા માં આચાર્ય હતાં, તેમને તુલસીએ ફોન માં જણાવ્યું પણ ખરું કે આવનાર બાળક ની માનસિક સ્થિતી ની તેને ખરેખર ચિંતા રહેતી. અને એ મેડમે તેને સાંત્વના આપી કે ભલે ત્યારે તુલસી માટે સારુ વાંચવું-વિચારવુ શક્ય ન હોય પણ બાળક ના જન્મ પછી માતા ધારે તો તેને સારા માં સારી રીતે કેળવી શકે છે. તો વળી રેખા માસી નું કહેવું હતુ કે ભવિષ્ય માં સંતાન ના જન્મ પછી તુલસીથી પ્રેમ થી હેમલ નું આ વ્યસન પણ છોડાવી શકાશે. આવાં આશ્વાસન – દિલાસા અને આશા ના ચકરાવા વચ્ચે નિસાસા નાંખતી ક્ષણો મળી નવ માસ પુરા થયા.

શ્રીમંત નો પ્રસંગ ઉજવાઈ ગયો જેમાં તુલસી ને કોઈ રસ નહતો. હતાશાએ એને એ રીતે ઘેરી લીધેલી કે ઘણી વાર તો તે પોતાની દવા લેવાનું પણ ભૂલી જતી. હેમલ ના વર્તન ને લઇ ને તેને ભગવાન પ્રત્યે થોડો રોષ જાગેલો કે શું એ કોઈ ને ખબર નથી પણ એણે સંધ્યા સમયે દીવા-બત્તી કરવાનું પણ છોડી દીધેલું. હા, મનોમન એણે વિચારેલુ કે આવનાર બાળક જો તેની પોતાની પર પડે તો હેમલ ની ઘણી ખામીઓ એ બાળક માં ન આવે અને કદાચ દેવસ્થાન ની સામે બેઠા વગર પણ ભગવાન ની નજીક રહી એણે મનોમન કામના કરેલી....સાચા દિલ થી કરેલી એ પ્રમાણિક પ્રાર્થના હતી. અને પ્રાર્થના ના પ્રતિસાદ ની પ્રતિક્ષા માં અને ઈશ્વર પ્રત્યે ના રોષમાં એમ ઉભય ભાવે નવ માસ પુરા થયા.

અને એક સાંજે તુલસી એ એક સુંદર દીકરા ને જન્મ આપ્યો.

સુંદર દીકરા નું નામ પાડવામાં આવ્યું,’ રાજ’

નામ હેમલ શોધી લાવ્યો. રાશિ પ્રમાણે ઈન્ટરનેટ પરથી હેમલે તૈયાર કરેલી નામ ની યાદી માં આ નામ હતુ અને તુલસી ને એ ખુબ જ ગમી ગયું.

હવે રાજ ના ઉછેર વિષે શું કહેવું?

જશોદા-કૃષ્ણ પ્રેમ, બાલકૃષ્ણ નો ઉછેર અને કૃષ્ણ-લીલા ની વાત બધાએ સાંભળેલી જ હોય ત્યારે અન્ય કોઈ બાળક ના ઉછેર નું વર્ણન આકર્ષી નહી શકે.

હા, એટલું જરૂર કહેવું પડશે કે આપણી તુલસી માતા તેના કૃષ્ણ – રાજ ને હેમલ ના સ્વભાવ ની અસર ન પડે એ બાબત ને લઇ ને અત્યંત સાવધ હતી. નાનપણથીજ રાજ ને વાંચન શોખ કેળવાય એટલે લાઈબ્રેરી માં થી સારાં પુસ્તકો લાવી આપતી અને વાંચવાની ટેવ પાડતી. પાંચ વર્ષના રાજ ને તુલસીએ ચેસ પણ શીખવાડી દીધી. દરરોજ સવાર -સાંજ બે વખત શતરંજ ની બાજી માં-દીકરા વચ્ચે જામતી. આ બધા પાછળ તુલસી નું એવું માનવું હતુ કે સારા વાંચન અને સારા વિચાર કેળવાય હોય તો માણસ માં દંભ કે અસત્ય ને બદલે પારદર્શિતા હોય. એને પોતાને હેમલ ના વર્તન માં રહેલી પારદર્શિતાની ખામી જ ડંખતી રહેલી. પેલા લગ્ન પહેલાંની મુલાકાત ના પ્રભાવક શબ્દો ....’’ હું તો કોઈ વસ્તુ ની આદત રાખવા માં માનતો જ નથી.....લાચારી કે મજબુરી તો કોઈ વસ્તુ વગર નહી...’’તુલસી ના કાન માં વારંવાર પડઘાતા. હા, હેમલ મજબુત હતો. એવો મજબુત કે એકવાર ઝઘડો કરી ને તુલસી પિયર જતી રહેલી તોય તે આરામ થી રહી શકેલો. એના વાણી-વર્તન માં જરા સરખો પણ ફેર નહી પડેલો. ચહેરા નું નૂર પણ પહેલાના જેવુજ હતુ. હા, પતિ-પત્ની વચ્ચે ઝઘડા નું મૂળ એવી સિગારેટ ની આદત તે નહી છોડી શકેલો. એના વગર એની લાચારી અને મજબુરી બંને દેખાઈ આવતાં. હેમલ પણ રાજને ભણાવતો. અને તુલસી સભાન રીતે સંસ્કારો સિંચતી. કલર કરવા ની પ્રેક્ટીસ માટે તુલસી નકશા માં કલર કરાવતી. અને સાથે સાથે ભૂગોળ નું સામાન્ય જ્ઞાન રાજને આપતી રહેતી. આવી તો કેટલીય વાતો છે .... રાજ ભણતો ગયો...સારા માર્ક્સ સાથે પાસ થતો ગયો. ... સ્કુલ લેવલે ચેસ ચેમ્પિયન બનતો ગયો. તુલસીની મહેનત એક સાધના – તપશ્ચર્યા સંપન્ન થઇ અને રાજ એમ.એસ ની ડીગ્રી પ્રાપ્ત કરી સારી હોસ્પિટલ માં જનરલ સર્જન બની ગયો. ...લક્ષ્મી અને સરસ્વતી બંને મળીને વરસી રહ્યાં હતાં અને રાજ ને પાછુ સોપારી સુદ્ધાં ખાવાની આદત ન હતી એ વાતનો તુલસી અને હેમલ બંને ને આનંદ હતો. રાજ હતો પણ વિવેકી અને વિનમ્ર.

નાત માં થી સારી છોકરીઓ નાં માંગા આવી રહ્યાં પણ રાજને તેની સાથે ભણતી એક યુવતી પસંદ હતી. ભલે નાત જુદી હતી, પણ તુલસી માટે રાજ ની પસંદ વધારે મહત્વની હતી. અને જાતે શોધેલ જીવનસાથી માં છેતરાવાનો, દંભથી ભરમાયાનો કે દગો થવાનો અવકાશ ઓછો હોય છે એમ તુલસી માનતી. એને પોતાની હેમલ ની વાતોમાં ભારમાયાની કહાની પુનરાવર્તિત કરવાની જરાય ઈચ્છા નહતી. દેખાવે સુંદર ઝંખના પૈસાદાર માં-બાપ ની એકની એક દીકરી એટલે લાડ-કોડ માં ઉછરેલી. હેમલ ને ઝંખના થોડી વધારે આઝાદ વિચાર વાળી હોવાની દહેશદ હતી. હેમલની નામરજી વહોરીને તુલસીએ રાજને લીલી ઝંડી આપી દીધી. ધામ ધૂમ થી લગ્ન સંપન્ન થયાં.

પોતાની ફરજ સારી રીતે પૂરી કર્યા ના સંતોષ ની વાતો હવે તુલસી પેલાં ઉષા આન્ટી ને ઘરે બેસી કરતી. હેમલ સામે પણ તે ક્યારેક બડાશ મારી લેતી. એક સંસ્કારી દીકરા ને ડોક્ટર બનાવ્યાનો તેને ગર્વ હતો. વળી રાજ સોપારી ય નહતો ખાતો. ભગવાને તુલસી ની પ્રાર્થના સાંભળેલી અને એટલેજ રાજ તુલસી જેવો હતો – વિનમ્ર, ન કોઈ વ્યસન અને પારદર્શી ઘમંડ રહિત વ્યક્તિત્વ. અને પાછો ડોક્ટર પત્ની લઇ આવ્યો....સારુ બંને એકબીજાને ઓળખી-સમજી પરણ્યાં છે એ વાતનો તુલસી ને સંતોષ હતો. એને એ પણ વિશ્વાસ હતો કે દીકરો દસ ને ફલર્ટ કરવા ને બદલે એક ને સમજી,વિચારી પ્રેમ કરી ને પરણી લાવ્યો છે. અને જેને લાવ્યો છે એને વફાદાર પણ રહેશે. પોતાના લોહી ના સંસ્કાર માં તુલસી ને વિશ્વાસ હતો. એમ.એસ. દીકરો અને એમ.એસ. વહુ! આખી નાત માં વટ પડી જાય એવી સ્થિતી હતી. હેમલ તુલસી ની આ બડાશ વાળી વાત સાંભળી ખાસ કઈ બોલતો નહી. એના મન માં હજી ઝંખના ના વર્તન પ્રત્યે કઈક શંકા હતી કદાચ.

એક દિવસ..... તુલસી ના મન માં વર્ષો પછી ફરી ધ્રાસકો પડ્યો. ....રાજ ના લગ્ન ને ત્રણેક મહિના પુરા થયા હતા. અને એક દિવસ ધોવા માટે કપડાં કામવાળી ને આપવા માટે તુલસીએ રાજ-ઝંખના ના બેડ રૂમ માં જવું પડ્યું. એ દીવસે ઝંખના ને ઉતાવળ હતી. એક ઈમરજન્સી ઓપરેશન માટે તેને વહેલા હોસ્પિટલ પહોચવું પડ્યું. એટલે એ કપડાં બેડરૂમ પાસેની બાથરૂમ માં થી બહાર નાખ્યા વગર જ જતી રહેલી. લગ્ન પછી રાજ ના રૂમ માં તુલસી ભાગ્યે જ પગ મુકતી અને હેમલને તો કદી એવી જરૂર જ નહતી પડતી. ઝંખના ના લટકતા એપ્રોન ને તુલસીએ ધોવા ખેચ્યું. પણ ખીસા માં કઈ હતુ એટલે તુલસી એ ખીસુ ખાલી કરવા અંદર હાથ નાંખ્યો. અને અંદરથી એક મોઘી બ્રાન્ડની સિગારેટ નું પેકેટ નીકળ્યું. સાથે લાઈટર પણ.....તો શું પૈસાદાર બાપ ની લાડલી ઝંખનાને સિગારેટ ની આદત હતી? તુલસી ખળભળી ઉઠી. અનેક પ્રશ્નો તેનાં મન માં ઉઠ્યા. શું રાજ ને આ વાતની ખબર હતી? લગ્ન પહેલાં તો નહી જ હોય... રાજને માટે પણ તુલસી ની જેમ સિગારેટ ની વાસ અસહ્ય હતી. તો શું રાજ હવે જાણતો હશે? મને દુખ નહી થાય એટલે નહી કહ્યું હોય?કેવો જમાનો આવી ગયો...છોકરીઓ આવી રીતે પણ પુરુષ સમોવડી થઇ રહી છે....કે પછી રાજ હજી નહી જાણતો હોય..... એ શું ઝંખના થી ભરમાઈ ગયો? કાશ એ મારા જેવો ના હોત ......ઝંખના શું સમજાવટથી માનશે? સિગારેટ છોડી શકશે? અરે જિંદગી ગઈ હેમલ ના છોડી શક્યો અને હવે રાજ ના જીવન માં પણ આજ....સિગારેટ સળગતી નહતી પણ તુલસી ના મનમાં ધુમ્રસેર છવાઈ રહી હતી....માથુ હલાવવા પ્રયત્ન કર્યો પણ ગઈ નહી. એના અને હવે એના દિકરા ના જીવનમાં વણાઈ ગયેલી કાયમી ધુમ્રસેર ....