મગજ સેકન્ડમાં વેચવાનું છે
ફલાણી વસ્તું ને ઢીકડી વસ્તુ સેકન્ડ હેન્ડમાં વેચવાની છે, એવી જાહેર ખબરો તો બધાએ વાંચી હશે, પણ મગજ સેકન્ડ હેન્ડમાં વેચવાનું છે...!! આ તો પહેલી જ વાર સાંભળ્યું.
અત્યારના આ ઈન્ટરનેટના જમાનામાં OLX પર અને એવી કેટલીએ વેબસાઈટ પર સેકન્ડ હેન્ડ વસ્તુઓનો રાફડો ફાટ્યો છે. ઘરમાં કોઈ પણ વસ્તુ બિનજરૂરી કે ઓછી જરૂરી લાગે કે તરત તેનો ફોટો પાડીને નાના ટાબરીયાઓ પણ વેબસાઈટમાં અપલોડ કરીને વેચવા મૂકી દે.
પણ હદ તો ત્યારે થઈ, કરશને તેની પત્ની મોંઘીનું મગજ વેચવા કાઢ્યું. વાતે વાતે કરશન સાથે ધળ કરતી મોંઘીથી કંટાળીને કરશને એક દિવસ મોંઘીના થોબળાનો ફોટો પાડીને વેબસાઈટ પર ચઢાવી દીધો અને લખ્યું... "મારી પોતાની પત્ની મોંઘીનું મગજ સસ્તા ભાવે સેકન્ડમાં વેચવાનું છે" મોંઘી ગામડાની નિશાળમાં ચાર ચોપડી ભણેલી ને પછી એના બાપાએ ખેતરમાં વખેડુ વાઢવામાં જોતરી દીધી. કરશન પણ કાંઈ જાજુ ભણેલો નહીં. માંડ-માંડ ત્રણ ટ્રાયે મેટ્રિક પાસ થયેલો. પણ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન કહે છે ને...!! ગામના છોકરાઓ કે જે કરશન સાથે જ ભણતા હતા, કરશનના લંગોટિયા મિત્રો... ભીખો, થોભણ, છગન, તરસી, ઠાકરસી ને દુદાબાપાનો ભૂરો બધા સાત-આઠ ચોપડી ભણીને ઉઠી ગયેલા. ફક્ત ગંગારામબાપાનો આ કરશન જ મેટ્રિક પાસ માંડ-માંડ થયેલો.
આખા ગામમાં ગંગારામબાપા મેલા કોલરનેય ઊંચા કરીને કહેતા ફરે કે ‘અમારો કરશન તો મેટ્રિક ભણેલો છે.’ જો કે ગામમાં કાંઈ પણ કરતુત થયા હોય તો એ કરશને જ કર્યા હશે, એવી ગળા સુધી ગામ આખાને ખાતરી. કારણકે અગાઉ પતંગની લૂંટબાજી કરતા કરશનને અને દિવાળીમાં આખો ડામચિયો સળગાવીને ભાગી ગયેલા કરશનને ગામ સારી રીતે ઓળખતું હતું. સમયની વહેતી સવારીએ ગામ લોકોને એવું લાગવા માંડ્યું કે "કરશન મોટો થયો એટલે થોડો ડાહ્યો થયો છે" પરંતુ એ માનવામાં કરશનનું કુટુંબ અને ગામ આખું થાપ ખાઈ ગયેલું.
મેટ્રિક પાસ થવા છતાં કરશનને કોઈ ધંધો જામતો નો'તો ને નોકરીએ કોઈ સંઘરતું નો'તું. આમને આમ ભણેલ-ગણેલ બેકાર જીવન જીવતો હતો. તેવામાં કરશનના લગ્નનું માંગુ આવ્યું. કોણ જાણે કન્યાપક્ષવાળાને કરશનમાં શુએ દેખાયું હશે...!! આમ ગંગારામબાપાએ તેના ભણેશ્રી કરશનના લગ્ન અવચર ઝીણાની ઓછું ભણેલી દીકરી મોંઘી સાથે ધામધૂમથી કરી નાખ્યા.
કરશનને અને મોંઘીને જાણે છત્રીસનો આંકડો...!! લગ્નની પહેલી રાતથી આજ દિવસ સુધી બંને ક્યારેય કોઈ વાતે એક થયા નથી. કરશનનો એકવડો બાંધો, તો મોંઘી 135 કિલોનો દાગીનો..!! કરશન ટાઈઢમાં થરથરતો હોય તો મોંઘી પાંચ ઉપર પંખો રાખીને સુએ મોંઘીએ હનીમૂન કરવા માટે મનાલી જવાની હઠ પકડી. ગરમીના દિવસોમાં આમ તો મનાલીના બરફના પહાડોમાં મજા આવી પણ એક પ્રસંગ એવો બન્યો કે આખા હનીમૂનની મજા બગાડી નાખી ને અધવચ્ચે ઉલાળ્યો કરીને ભાગવું પડ્યું. વાત જાણે એમ હતી કે બરફના પહાડ ઉપર એક જગ્યાએ કરશન અને મોંઘી હાથમાં હાથ નાખીને બેઠા હતા. તેવામાં કોણ જાણે શું થયું તે મોંઘી કરશનનો હાથ છોડીને ઊભી થવા ગઈ અને પગ લપસ્યો....!! જાણે કે શિવાય ફિલ્મનો હીરો અજય દેવગણ બરફમાં સરકતો હોય એમ રમરમાટી કરતી મોંઘી સરકતી નીચે આવતી હતી. "હવે આ હેવી વિહિકલને બ્રેક નહીં લાગે" એવું કરશનને લાગવા માંડ્યું. પણ કરશન એટલો ભાગ્યશાળી નો'તો !! આગળ એક સેલ્ફી લેતા કપલ સાથે મોંઘી ધડામ કરતી ભટકાણી ત્યારે ગાડીને બ્રેક લાગી. પણ સેલ્ફી લેતા નવ દંપતી તો ઢીંઢે હાથ પસવારતા મોંઘી ઉપર તૂટી પડ્યા. મોંઘી પણ કાઈ ઓછી નો'તી, એણેય બટાજટી બોલાવી દીધી. હાંફતા હાંફતા થોડીવારે કરશન આવી પહોંચ્યો, સોરી અને માફી વિધિ પતાવી. માંડ-માંડ મોંઘીને છુટી પાડી નીચે લાવ્યો અને સીધા ઘરભેગા થઈ ગયા.
લગ્ન વખતે કન્યા વિદાયના પ્રસંગ ટાણે ગાડીમાં કરશન અને મોંઘી બેઠેલા. ગાડી જેવી ચાલું કરી કે તરત જ ગાડીના પૈડાં નીચે રાખેલ નારિયેળ ફૂટવાને બદલે ગાડીનું ટાયર ફાટી ગયું. અને ત્યારથી જ કરશનના મગજનો બાટલો ફાટેલો. મોંઘીને પાછું વાત-વાતમાં ખોટુંય એવું લાગી જાય !! તેને મનાવવા માટે કરશન ઉપરા ઉપર ચાર-પાંચ ગ્લાસ લસ્સી કે જ્યુસ પાય ત્યારે ધરપત થાય. આમેય કહેવાય છે ને કે "બુદ્ધિ વગરના લોઠકા બહુ હોય!" તે આ મોંઘીના કેસમાં સદંતર સાચું પુરવાર થયું છે.
એકવાર તો મોંઘીથી કંટાળીને કરશને તેના સસરાને પરબીડિયું લખ્યું કે "અત્યારે ઓફર ને સ્કીમ બજારમાં બહુ ચાલે છે, તો કોઈ એવી સ્કીમ નથી કે પત્ની જૂની આપી જાવ ને નવી લઈ જાવ...!!" કરશનને એમ કે જો સ્કીમમાં લાભ મળતો હોય તો આ લપ જાય. પણ ત્રીજા જ દિવસે તેના સસરાનું ઉઘાડું પોસ્ટકાર્ડ આવ્યું કે "જમાઇરાજ તમારી પાસે જે કટપીસ છે તેનો આખો તાકો મારી પાસે છે. ન ભાવે તોય નભાવો...!" કરશન બિચારો જાય તો જાય ક્યાં ? સાવજ જેવો કરશન જયારે ડાયનાસોર જેવી મોંઘીની સામે આવે ત્યારે બકરી બની જાય. કરશનની કર્કશા મોંઘી કરશનની બા જીવીબેન સાથે રોજ બાજે. ક્યારેક તો બંને સાસુ-વહુ સામ-સામે વાસણોના છુટ્ટા ઘા કરે અને બન્ને વચ્ચે સેન્ડવીચ થાય બિચારા કરશનની. કરશન ના તો તેની બાને કઈ કહી શકે કે ના તો મોંઘીને કંઈ કહેવાય. કરશનની હાલત તો ‘લક્કડ કા લાડુ’ જેવી થઈ ગઈ. ‘જો ખાયે વો પછતાએ, જો ના ખાયે વો ભી પછતાએ, બલિહારી ઉસકી જો ખા કે નિકલ જાયે’
કરશને પણ ખાઈને નીકળી જવાનો શાણપણ ભર્યો નિર્ણય લીધો. પણ આ સેકન્ડ હેન્ડ પાર્સલ રાખવા કોઈ તૈયાર નો'તું. એટલે કરશને કંટાળીને મગજથી શરૂઆત કરી કે "મગજ સેકન્ડમાં વેચવાનું છે...!!"