Smilevadi chhokarini shodhma - 1 in Gujarati Short Stories by Mehul Mer books and stories PDF | સ્માઇલવાળી છોકરીની શોધમાં.!!!

Featured Books
Categories
Share

સ્માઇલવાળી છોકરીની શોધમાં.!!!

સ્માઇલવાળી છોકરીની શોધમાં. !!!

હા દોસ્તો આજે હું મારી સાથે હાલમાં બનતી ઘટનાની ચર્ચા કરવા જઈ રહ્યો છું, એક સ્માઈલ પાછળ કેટલો નિઃસ્વાર્થ પ્રેમ છુપાયેલો છે તે કદાચ મને હવે ખબર પડી ગયી છે. જે છોકરીની હું અહીં ચર્ચા કરું છું, હું તેને પ્રેમ પણ નહિ કરતો અને એવી કોઈ ફીલિંગ્સ પણ નહિ, હું તો તેના ચહેરા પર રહેલી સ્માઇલને શોધતો શોધતો આવા કાંડ કરી બેસ્યો છું, નહીંતર હું આવું કઇ કરેત જ નહીં. તો ચાલો શરુ કરીયે મારી સ્માઈલ (ક્રશ) ની વાત.

***

બસમાં ત્રણની સીટમાં હું બારી બાજુ બેઠો હતો, કાનમાં ઈયરફોન, ફૂલ વોલ્યુમ… ઢૂમ… ઢૂમ.. રૅપ સોંગ વાગતા હતા, મગજ કંઈ બીજું વિચારતું હતું અને દિલ કંઈ બીજું. પંદર મિનિટમાં પુરી બસ ભરાઈ ગયી, બેની સીટમાં કોઈક અજાણી છોકરી બેઠી હતી અને તેની બાજુની સીટ પર કોઈ બેઠું ન’હતું. શું ખબર હું ઉભો થયો અને તેની બાજુમાં જઈને બેસી ગયો.

કોઈ પણ રીતે આજે અંજલી સાથે વાત ન કરી શકવાનું કારણ શોધવાનું હતું. બસ ઉપડી, સિહોરનો રસ્તો પિસ્તાલીસ મિનિટનો હતો, વિસ મિનિટ સુધી હું કઈ બોલ્યો નહિ. પછી ઓચિંતા જ મારા નાના મગજમાં વિચાર આવ્યો, “હું અજાણી વ્યક્તિ સાથે વાત નહિ કરી શકતો ને, આજે કારણ શોધવું જ પડશે, આ છોકરીની સાથે વાત કરવાની કોશિશ કરું?” ઈચ્છા તો થઈ પણ આપણા હિંમતદાદા તો ઘરે હતા. સ્ટોરી લખતા અટક્યો, બીજું પેજ ઓપન કરી ટાઈપ કર્યું, “મને થોડા પ્રશ્નો થાય છે, જેના જવાબ કદાચ તમે આપી શકશો, તમને નીંદ ન આવતી હોય તો ફ્રેંડલી પૂછી લઉં?, જો મૂડ હોય તો જ હો…નહીંતર ના કહી શકો છો…તમારી ઈચ્છા. ” હવે આટલું ટાઈપ તો કર્યું પણ મોબાઈલ કેમ આપવો?, ભોળાનાથને યાદ કર્યા, પણ ભોળાનાથ પાર્વતીજીને લઈને બહાર ફરવા માટે ગયા હતા. મેં મનમાં દસથી ઉલટી ગણતરી શરૂ કરી, ઝિરો પર આવે એટલે મોબાઈલ હાથમાં પકડાવી દેવો.

દસ.. નવ.. આઠ.. સાત.. છ.. પાંચ…ઉભો રહે.. ઉભો રહે…એક ઊંડો શ્વાસ લે.. હમમ.. પાંચ.. ચાર.. ત્રણ.. બે.. એક.. ઝીરો.. જય ભોળાનાથ…..

મેં કોણી મારી, તેણીને મોબાઈલ હાથમાં આપ્યો, તેણે વાંચ્યું, થોડું વિચાર્યું અને બોલી, “NO….. ”, મેં કહ્યું, “અરે બકુ હું પ્રપોઝ નહિ કરતો, હું તો ફ્રેંડલી એક પ્રશ્ન પૂછતો હતો . ”

“NO…”તેણીએ ફરી કહ્યું.

“ઑકે, સૉરી.. સુઈ જાઓ. ”મેં કહ્યું અને મનમાં જ બબડયો, “ભોળાનાથ તમે કહેતા ગયા હતા ને કે આ દેવી મારા સવાલના જવાબ આપશે, આ દેવી પણ કોપાયમાન થઈ ગયા. ”

***

શું થયું હતું મને?, કેમ અજાણ્યા લોકોને સવાલ પૂછતો હતો?, હું પાગલ તો ન’હતો થઈ ગયોને કે આમ ઇન્ટ્રોડક્શન વિના જ આવા સવાલ પૂછવા લાગ્યો હતો.

ના, એવું કંઈ જ થયું ન’હતું. તો આવા ગાંડા થવા પાછળ કારણ જાણવું પડશે ને? ચાલો આજે જાણી જ લઈએ.

આજે 28/02/2018 નો દિવસ છે, દોઢેક મહિના પહેલાની વાત છે. અમારી કૉલેજમાં General knowledge ના લેકચર શરૂ થયા હતા અને તેમાં F. Y. , S. Y. અને T. Y. B. com વાળા બધા જ સ્ટુડન્ટ બેસી શકતા. સંખ્યા વધુ થતી નહિ, માત્ર ચાલીસથી પિસ્તાલીસની સંખ્યા. મારો પહેલો દિવસ, ઘરેથી પરાણે મોકલ્યો હોય તેમ ઉદાસ થઈને કલાસમાં બેઠો હતો. બાજુના રૂમમાંથી આવાજ ન આવે એટલે બારણું બંધ હતું.. (સમજી ગયા?, ભરતભાઇ & નિલાબેન).

હા તો ધીમેથી બારણું ખુલ્યું, “મેં આઈ કમિન સર?”વાઇટ ઘેરાવ ચોયણી પર રેડ કુરતું પહેરેલી છોકરીએ પૂછ્યું. સરે માથું ધુણાવ્યું એટલે એક સ્માઈલ સરને આપી નીચે નજર ઝુકાવી તે અંદર આવી, શું સ્માઈલ હતી યાર…ડૅમ આ ડિમ્પલ વાળી સ્માઈલ જ દિલમાં કટારી પેસારી દે, નહીંતર કોઈની હિંમત છે ભોળાનાથના ભક્તોને રિઝવવાની?.

પૂરો લેકચર મારુ ધ્યાન વારંવાર પેલી સ્માઈલ પર જઇ અટકતું, પણ ત્યારે મેં એ સ્માઇલને એટલી બધી નોટિસ કરી ન’હતી.

પછીનો દિવસ, રિસનિંગનો લેકચર હતો, એ સર સૌને ખૂબ જ હસાવતા, પૂરો લેકચર તે છોકરી જેટલું કોઈ હસ્યું જ નહિ અને પેલી સ્માઈલ જોઈ બીજો નંબર હસવામાં મારો હતો. પછીના ત્રણ-ચાર દિવસ તે સ્માઈલ ન આવી પણ મને કોઈ તકલીફ ન થયી, ખબર નહિ પણ મને કંઈ તકલીફ જ ન થઈ.

સમય પસાર થતો ગયો, ક્યારે તે સ્માઈલની ઝલક જોવા મળતી તો ક્યારેક ત્રણ-ચાર દિવસ એ સ્માઈલ જોવા માટે વેઇટ કરવો પડતો. જ્યારે હું તે સ્માઈલવાળી છોકરીને જોતો ત્યારે હું અલગ જ દુનિયામાં ચાલ્યો જતો, કાનમાં નાના ઈયરિંગ, નાકમાં નાની ગોળ ચૂક, નીચેનો હોઠ સહેજ બહાર અને તે હોઠના બંને ખૂણેથી ગાલ તરફ રેળાતી સ્માઈલ. હું જે વર્ણન કરું છું તેના કરતાં તે સો ગણી પ્રિટી છે હો. તે દિવસે મેં મારા દોસ્તને કહ્યું કે આજે આ સ્માઈલવાળીની ઇન્ફોર્મેશન લેવી પડશે.

એક વાત કહી દઉં, આપણે બે પ્રકારની ફીલિંગ્સ ધરાવીએ છીએ અને તેના સોર્સ પણ બે જ છે, એક દિમાગ(મગજ)માંથી નીકળતી ફીલિંગ્સ અને બીજી દિલમાંથી નીકળતી ફીલિંગ્સ, હવે એ પણ સો ટકા સાચું જ છે કે જે ફીલિંગ્સ દિમાગમાંથી નીકળે તે ક્ષણિક, સ્વાર્થ માટે અથવા સેટીસ્ફેક્શન માટે હોય છે અને જે ફીલિંગ્સ દિલમાંથી નિકળે તે અનકન્ડિશનલ(નિઃસ્વાર્થ) હોય છે.

હવે પહેલેથી જ મને ‘ખોપરી’નું બિરુદ મળેલ છે. મારુ મગજ ચાલે નહિ દોડે, જો પોઇન્ટ મળી ગયો હોય તો…. મેં તે સ્માઇલવાળીનું નામ, સરનામું, અભ્યાસક્રમ, જન્મતારીખ બધું જ એક કલાકમાં શોધી લીધું અરે નંબર ભી મળી ગયો પણ, તેના પપ્પાનો. હવે કોઈ પૂછતાં નહિ આ બધી માહિતી ક્યાંથી મળે?, કોલેજવાળા એટલે જ આ બધી માહિતી સાચવીને રાખે છે બૉસ.

ભટ્ટ અંજલી…. S. Y. Bcom વાહ શું નામ છે. હવે મેં નક્કી કર્યું એકવાર તો સ્માઇલવાળી અંજલીને મળવું જ પડશે, હજી મારી નાનકડી સફળતાના નશામાં હું ઝુમતો હતો ત્યાં જ પછીના દિવસે મને લાગ્યો એક ઝટકો. લેકચર પુરા થયા બાદ અમે કૉલેજના કેમ્પસમાં ઉભા હતા, આ સ્માઇલવાળી રોડ પર કોઈકની રાહ જોઈને ઉભી હતી. એક બાઈક આવી અને મારી સ્માઈલ તેના પર સવાર થઈ ચાલી ગયી.

ભાઈ હશે?, ના એ તો હોસ્ટેલમાં રહે છે…બોયફ્રેન્ડ હશે.. આપણે શું મતલબ, આપણે તો એકવાર વાત કરવાથી મતલબ છે, એ પણ ફોર્મલિટીવાળી વાત, એકવાર મળી એમ કહેવું હતું, “તારી સ્માઈલ મારા માટે એક દવાની ગોળી જેવી છે, ડોઝ મળે એટલે દર્દી સાજો થઈ જાય અને આતો એવો મરીઝ છે જે વારંવાર દર્દી થવા તૈયાર છે. ”

આટલી વાત કરવા માટે કેટલા પાપડ વણવા પડશે એ મને ખબર જ ન હતી. એક મહિનો સુધી રોજે તેના કલાસના ચક્કર કાપતો રહ્યો, ન તો તેણે નોટિસ કર્યું, ન તો મને નોટિસ કરે એવી મેં કોઈ હરકત કરી, આપણે તો ડોઝ મળી જતો એટલે સાજા. ધીમે-ધીમે બેચેની વધતી ગયી. બધા જ તેની સાથે વાતો કરી શકે છે, હું જ કેમ નહિ?

તા-22/02/2018, મેં નક્કી કર્યું આજે તો વાત કરવી જ છે, જો કે રોજે નક્કી કરીને જ જતો પણ આ વખતે મક્કમ નિર્ધાર હતો, વાત ન કરું ત્યાં સુધી ઘરે નહિ જવું. હું તે સ્માઇલવાળી છોકરીના બાજુના કલાસમાં જઇ બેઠો. પહેલો લેકચર પૂરો થયો, ગભરામણ થવા લાગી, તેના કલાસના દરવાજા પાસે જઈ જોયું તો તે અંદર જ હતી, હું પાછો આવી ગયો. બીજા લેકચરમાં કોશિશ કરીશું.

બીજો લેકચર પૂરો, આ બે કલાકમાં હું વાત કેમ કરવી એ જ વિચારતો હતો. પંદર મિનિટનો બ્રેક હતો એટલે સૌ અંદર-બહાર થતા હતા. તેના ક્લાસની બહાર હું આમ તેમ ચક્કર લગાવવા લાગ્યો, પંદર મિનિટ ચક્કર લગાવ્યા પણ દરવાજા અંદર જવાની હિંમત ન થઈ, બ્રેક પૂરો.

“કેવો ફટ્ટુ છું, એક છોકરી જોડે વાત નહિ કરી શકતો, અમસ્તા તો બધાને લેકચર આપતો હોય અને પોતાના પર વીતી ત્યારે બધું ફુસસ. ”મનમાં જ વિચારણા કરવા લાગ્યો. એ જ સમયે બીજો વિચાર આવ્યો, “તેને બોયફ્રેન્ડ છે, તને નોટીસ નહિ કરતી, 150 મિનિટ વ્યર્થ ગયી આજે. ”પેલી મગજવાળી ફીલિંગ્સ આવવાની શરૂ થઈ ગઈ. દિલવાળી ફીલિંગ્સ સુઈ ગઈ ત્યારે.

કોલેજેથી નીકળી ગયો, મગજમાં વિચારોનું વાવાઝોડું શરૂ થઈ ગયુ અને વિચારોના ભંવર વચ્ચે હું ફસાઈ ગયો. બસ ડેપોએ આવ્યો અને બસમાં બેઠો.

બસમાં ત્રણની સીટમાં હું બારી બાજુ બેઠો હતો, કાનમાં ઈયરફોન, ફૂલ વોલ્યુમ…ઢૂમ…ઢૂમ.. રૅપ સોંગ વાગતા હતા,

“ભોળાનાથ તમે તો કહેતા ગયા હતા ને કે આ દેવી મારા સવાલના જવાબ આપશે, આ દેવી પણ કોપાયમાન થઈ ગયા. ”મનમાં જ ભોળાનાથને ફરિયાદ કરતો રહ્યો.

મને લાગ્યું સિહોર આવશે ત્યાં સુધીમાં અજાણી છોકરી પ્રશ્ન પૂછવાનું કહેશે પણ એવું કંઈ જ ન થયું. સિહોર આવી ગયું અને હું પ્રેમથી કઈ બોલ્યા વિના ઉતરી ગયો.

હવે વાત એમ છે કે મેં જે ‘સફરમાં મળેલ હમસફર’ સ્ટોરી લખી છે ને, તે આ સ્માઈલને જોઈને જ લખી છે, એટલે જિંકલના પાત્રમાં હું તેને એજ્યુમ કરતો, જ્યારે જ્યારે આંખો બંધ કરી આ સ્માઈલને જોતો ત્યારે મને લખવાની પ્રેરણા મળી રહેતી અને જેમ સૌ મંતવ્યકારોનો આભાર માનું છું તેમ આ સ્માઈલવાળીને પણ થેન્ક યું કહેવું હતું.

હવે હાલત એવી છે કે ‘જેને જોઈને પુરી સ્ટોરી લખાઈ ગયી, તેને જ ખબર નહિ, પણ હું હાર માનવામાં નહિ માનતો, પણ જે 150 મિનિટના સમયમાં ગૂંગળામણ અનુભવી છે તે વિચારતા જ વાત કરવાનું માંડી વાળ્યું, અમસ્તા પણ તા-22/02/2018 ના દિવસે મેં સ્ટોરીનો અંતિમ 17મો ભાગ અપલૉડ કરી દીધો હતો, ‘સ્ટોરી પુરી, સ્માઇલનો ડોઝ પણ પૂરો’તેમ વિચારીને જ મેં વાત કરવાનું માંડી વાળ્યું હતું.

પછીના ચાર દિવસ હું કોલેજ ગયો જ નહિ, સ્માઇલવાળીના કારણે નહિ હો, અમારે વેકેશન પડી ગયું હતું. મેં ચારેય બાજુથી આ કેસ ક્લોઝ કરી નાખ્યો હતો. But…But.. . But…. !!!

બરોબર ચાર દિવસ પછીની વાત, સવારે ક્રિકેટ રમી ઘરે આવ્યો તો ત્રણ-ચાર દોસ્તના કૉલ આવી ગયા હતા, પૂરું ગ્રુપ કૉલેજે આવવાનું હતું.

દોઢ મહિના પછી પહેલીવાર હું અંજલીની સ્માઈલ જોવાના ઈરાદાથી કૉલેજ જતો ન’હતો, દોસ્તોની સ્માઈલ જોવા જતો હતો. મને ખબર પણ ન’હતી કે તે કોલેજમાં આવતી હશે કે નહિ , અમે બધા દોસ્તો એક કલાસમાં બેઠા બેઠા કૉલેજની વાતો કરતા હતા. બાજુના રૂમમાં મારો એક દોસ્ત અને તેની ગર્લફ્રેંડ વાતો કરી રહ્યા હતા. બીજો લેકચર પૂરો થવાની થોડીવાર હતી તે પહેલાં બાજુના રૂમમાંથી મારા દોસ્તે મને બોલાવ્યો.

“મેહુલ આજે અંજલી જોડે વાત કરી લે. ”મારા દોસ્તે કહ્યું.

“ના, ભઈ આપણે વાત નહિ કરવી. ”મેં કહ્યું.

“તું વાત કરી જ ના શકે મેહુલ. ”દોસ્તની ગર્લફ્રેંડે ફૂલ ચડાવ્યા. આપણે બીજું શું જોઈતું હતું?બંને વચ્ચે લાગી શરત, જો હું વાત કરી શકું તો તે મને નાસ્તો કરાવશે અને જો હું વાત ન કરી શક્યો તો મારે તેને નાસ્તો કરાવવાનો. મને ખબર હતી તે બંને મને પ્રોત્સાહન આપવા શરત લગાવતા હતા.

જે કહો તે આજે તો વાત કરવી જ પડશે, બે લેકચર પુરા થયા, ત્રીજો અડધો લેકચર ગયો, ધીમે ધીમે બેચેની વધવા લાગી પણ આ વખતે હું માનસિક રીતે શાંત હતો આખરે ત્રીજો લેકચર પૂરો થયો. હું દોડીને તેના રૂમ બહાર આવી ગયો, ધીમે-ધીમે બધા ક્લાસની બહાર નીકળવા લાગ્યા. આટલું બધું કર્યું પણ છેલ્લે એ જ સવાલ ઉભો થયો, વાત શું કરવી?, ફરી જય ભોળાનાથ કરી, જોરથી બોલ્યો, “અંજલી…. ”તેણે દરવાજા તરફ જોયું. મારી ધડકન વધવા લાગી.

મેં કહ્યું, “બહાર આવને વાત કરવી છે. ” મને લાગતું ન હતું કે તે આવશે પણ તેણે પેલી સ્માઈલ મારા તરફ ફેંકી અને દરવાજા પાસે આવીને કહ્યું, “બોલો. !!!”

“બાજુના રૂમમાં આવ. ”મેં આંગળી ચીંધી અને તે અચકાતા અચકાતા બાજુના રૂમ તરફ મારી પાછળ ચાલવા લાગી.

હવે મારે મારા દોસ્ત અને તેની ગર્લફ્રેંડ દ્વારા શિખવવામાં આવેલું પ્રેઝન્ટટેશન આપવાનું હતું. એ રૂમના દરવાજા પર ઉભી રહી, મેં ફુલ્લિ કોન્ફિડન્સથી કહ્યું, “અંજલી, Really I like you But, આપણે અત્યારે ફ્રેન્ડ બની શકીએ?”

“ના”તેણે પેલી સ્માઈલ સાથે કહ્યું, મને આ ‘ના’ પેલી બસવાળી છોકરીના ‘NO' જેવી જ લાગી.. અહીં તો વાત કરવાની જ હતી, મેં પૂછ્યું, “Reason?”

“બસ અમસ્તા જ. ”તેણે કાહ્યુ. મેં વળી સફાઈ આપતા કહ્યું, “અરે બકુ, મારે તારી જોડે માત્ર વાતો કરવી છે, Bf-Gf ની લાઈન મને ખબર છે, અને હું મારા તરફથી શૉર છું કે હું આગળ નહિ જ વધું, તારી મને ખબર નહિ. ”હવે ત્યાં કેમ કહેવું કે તારી સ્માઇલને હદ બહારની પસંદ કરું છું. શું ખબર તેને શું થયું, તેણે કહ્યું, “હા આપણે ફ્રેન્ડ”મેં હાથ લંબાવ્યો, તેણે પણ હાથ લંબાવ્યો, થઈ ગયો શૅકહેન્ડ.

હું થઈ ગયો ઘેલો, ખબર નહિ જાણે મેં તેને I Love You કહ્યું અને તેણે જવાબમાં I Love You Too કહ્યું હોય તેમ ઉછળ્યો અને દોસ્તની ગર્લફ્રેંડને તાળી મારી ગળે બાજવા જતો હતો, સારું મને રોક્યો. બાજુમાં મારો દોસ્ત હતો તેને જઈને હું ભેટી ગયો. અંજલી પણ હસી પડી અને તેઓ ત્યાંથી નીકળી ગયા.

હવે એ વાત થઈ તેના બે દિવસ થઇ ગયા છે, મારે તેને થેન્ક યું કહેવું છે પણ તેની પાસે મારી સાથે વાતો કરવાનો સમય જ નહિ મળતો. હજી મારે દોસ્તની ગર્લફ્રેંડ પાસેથી શરતની પાર્ટી લેવાની પણ બાકી છે.

આટલું મોટું કાંડ કર્યું એક સ્માઈલ માટે, હવે જ્યારે ભી હું એ સ્માઈલને યાદ કરું છું ત્યારે મારા ચહેરા પર સ્માઈલ આવી જાય છે. કોઈએ સાચું જ કહ્યું છે, કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળને એટલું મહત્વ ન આપવું કે તેના વિના રહી ન શકીએ. જો સામાન્ય રીતે વાત કરીને થેન્ક યું કહી દીધું હોત તો ચાલેત પણ મેં જ સામાન્ય વાતને મરોડી-મરોડીને અસામાન્ય બનાવી દીધી.

જોઈએ હવે એ સ્માઈલવાળી ક્યારે વાત કરવાનો સમય કાઢશે અને મારી સાથે વાત કરશે. અત્યારે તો કાલ્પનિક સ્માઇલનો ડોઝ લઈને સાજો થાઉં છું.

તમે આવું કંઈક ના કરી બેસતા હો. નહીંતર સ્માઇલવાળી છોકરીની શોધમાં તમારે પણ મારી જેમ બેચેન રહેવું પડશે.

પૂર્ણવિરામ.

(પર્સનલ ડાયરીમાંથી)

-Mer Mehul

Contact info-9624755226