Anubandh - 4 in Gujarati Classic Stories by Raeesh Maniar books and stories PDF | અનુબંધ - 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અનુબંધ - 4

અનુબંધ

રઈશ મનીઆર

ભાગ 4

અમોલાને ઉપરથી મૂઢ લાગતાં સૌમિન વિશે જિજ્ઞાસા થઈ. એણે સુલેખાને પૂછ્યું, “સૌમિનના ઘરવાળા કોણ છે? એ આવે છે એને મળવા?”

સુલેખાએ કહ્યું, “પૂરી ખબર નથી, પણ સૌમિન 18 વરસનો હતો ત્યારથી આ બિમારીથી પીડાય છે. ડો. પરીખસાહેબે વધુ માહિતી નથી આપી, પણ કહે છે કે ઘરમાં ધમાલ બહુ કરે છે એટલે ઘરવાળા અકળાઈ ગયા છે. ગમે તેટલો ખરચ કરી એને આમતેમ દાખલ રાખવાની પેરવીમાં જ હોય છે અને મારે ત્યાં છે ત્યારથી કદી ખબર લેવાય આવ્યાં નથી. એ લોકો પૈસા પરીખ સાહેબના એકાઉંટમાં જમા કરે, અને પરીખ સાહેબ મને મોકલી આપે!”

અમોલાએ એકાદવાર સૌમિન સાથે વાત માંડી જોઈ, “તમારું નામ શું?” મૂળ નામ ભૂલી ગયેલો સૌમિન બોલ્યો, “પપ્પા!” એ તો રમત રમતમાં અનુ એને ‘પપ્પા’ કહેતી એટલે એ એને યાદ રહી ગયું. અનુ ખુશ થઈ ગઈ. એની મહિનાભરની મહેનતનો પડઘો સાંભળીને! બન્નેની નિર્દોષતા જ કંઈ એવી લાગી કે અમોલાને ય ગુસ્સો ન આવ્યો.

અમોલાએ પણ અકળાયા વગર વાત ચાલુ રાખી, “પપ્પા તે કંઈ કોઈનું નામ હોય! અને એ તો અત્યારે અનુએ પાડ્યું! પણ તમારું જૂનું નામ?” સૌમિનના ચહેરા પર કંઈ યાદ ન આવતું હોય, એવું કષ્ટ તરવરી ઊઠ્યું. શાળા કઈ, કોલેજ કઈ, વતન કયું, સરનામું શું, માબાપનું નામ શું, આવી કોઈ વાત એને યાદ ન હતી, માત્ર છેલ્લા એક મહિનાની ઘટનાઓ વિશે એ હા કે ના નો સચોટ જવાબ આપતો. આગળની સ્મૃતિનો ડેટા જાણે ડિલિટ થઈ ગયો હતો. કે પછી એ જાતે ડિલિટ કરીને બેઠો હતો?

મા-દીકરી ક્રમ મુજબ સૌમિનને મૂકવા નીકળ્યા ત્યાં જ અચાનક સામેથી સુલેખા દોડતી આવી.

“મમ્મીને ગોત્રીની હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવાના છે ત્યાં એનું વિનામૂલ્યે ઓપરેશન થશે. કેમ્પ વખતે અરજી કરેલી અત્યારે ડ્રોમાં નંબર લાગ્યો. ત્રણેક મહિના અમારે બન્નેએ ત્યાં રહેવું પડશે. હવે શું કરું?”

“પરીખસાહેબને કહી દેવાનું, એ બીજી નર્સની વ્યવસ્થા કરશે!” અમોલાએ સહજ જવાબ આપ્યો.

“અરે, મને જરૂર હતી એટલે સૌમિનના પરિવાર પાસે પરીખસાહેબે પંચોતેર હજાર એડવાન્સ લઈ મને આપી દીધા છે. હવે એમને કયા મોઢે કહું કે..”

બે ક્ષણની ચૂપકીદી પછી સુલેખાએ કહ્યું, “સૌમિનના ફેમિલીને તો બસ એટલી જ ખબર છે કે સૌમિન ક્યાંક, કોઈને ત્યાં રહે છે. અને ડો.પરીખ સાહેબ બધુ મેનેજ કરે છે, એટલે આ ત્રણ મહિના જો તમે સૌમિનને સાચવી લો તો.. ફેમિલીને કે ઈવન પરીખસાહેબને પણ જાણ કરવાની કોઈ જરૂર ન પડે”

કંઈ ન સમજતી હોય એમ તાકી રહેલી અમોલાને સુલેખાએ કહ્યું, “માત્ર દવા જ આપવાની સમયસર, એનું જમવાનું તો ટિફિન આવશે. બસ બીજું કંઈ નહીં. એ તમારી સાથે હળી ગયો છે. અને કંઈ પ્રોબ્લેમ થાય તો હું બેઠી છું ને! એક કોલ જ કરવાનો ને! અને પરીખસાહેબ તો છે જ! થોડી આવક પણ થઈ જશે. અત્યારે પચીસ હજાર આપી જાઉં. મહિના પછી મારા એફ ડી.ના પૈસા આવવાના છે. મહિને પચીસ હજાર લેખે આપી દઈશ તમને”

અમોલા કંઈ ન બોલી. પચીસ હજાર. એના પગાર કરતાં મોટી રકમ હતી. અને ત્યાં ઓફિસમાં એ બોસની માંગણીને તાબે થતી ન હતી એટલે નોકરી તો આમેય વહેલી મોડી છૂટવાની હતી.

અમોલાના મોંથી ચોખ્ખી હા કે ના નીકળે એમ ન હતું, “સાંજનો એકાદ કલાક હોય, એ ઠીક હતું, પણ..”

આખો દિવસ, અને રાત, આ નવી આફત મોલવાની હિંમત નહોતી એનામાં. બુદ્ધિથી નિર્ણય લેવાય એવું નહોતું.

સુલેખાએ હળવેથી અમોલાના ખભે હાથ મૂક્યો. વર્ષો પછી અમોલાના ખભાએ કોઈ સ્ત્રીનો હૂંફભર્યો હાથ અનુભવ્યો. “અમોલા, તને નહીં તો બીજા કોને કહું?” એક મહિનાની અછડતી દોસ્તીના બળ પર સુલેખાએ અમોલાના ખભે મોટો બોજ નાખી દીધો.

***

ત્રીજા દિવસે સૌમિન એના સામાન સાથે અમોલાના ઘરે હતો. સુલેખા ગઈ. અમોલાનો જીવ અધ્ધર હતો. ભાઈને કે બીજા કોઈ વડીલને પૂછ્યા વગર નોકરી છોડીને આ અજાણ્યાને ઘરે રાખ્યો હતો; એમાં પૈસાની લાલચ હતી? સુલેખાની બે આંખોની શરમ હતી? માનવતા હતી? કે પછી દીકરીની ખુશી? અમોલાને કશું સમજાયું નહીં. નોકરી પર આખો દિવસ ભયજનક ભદ્ર લોકો સાથે રહેતી હતી. એની સરખામણીમાં રાતે, ઘરે, આ મનોવિક્ષિપ્ત સાથે રહેતાં, કોણ જાણે કેમ, એને એટલો બધો ડર નહોતો લાગતો. પહેલા દિવસે સૌમિનને બેડરૂમમાં સૂવડાવી, મા દીકરી બહાર સૂઈ ગયા.

સવારે જાગીને જોયું બાજુમાં અનુ પથારીમાં નહોતી. એને ફાળ પડી. એ બેડરૂમમાં ગઈ. સૌમિન પણ પથારીમાં નહોતો. ત્યાં જ બહારથી અનુની બૂમ સંભળાઈ. “મમ્મી જો તો!” સૌમિન બાલકનીમાં કૂંડાને પાણી પાઈ રહ્યો હતો. નર્મદાબહેન કૂંડાનું ધ્યાન રાખવા કહી ગયા હતા, પણ અમોલા પાણી નાખવાનું ભૂલી જતી. કૂંડામાં બહુ દિવસો બાદ પાણી પડ્યું અને પાંદડા ટટ્ટાર થયા. સાંજે સૌમિન જિદ કરીને અમોલા અને અનુને સુલેખાને ઘરે ખેંચી ગયો. આખે રસ્તે અમોલાએ સમજાવવાની કોશીશ કરી કે સુલેખા ગામમાં નથી. સુલેખાના ઘરે પહોંચતા જ એ ફૂલછોડને પાણી પાવા લાગ્યો. કૂંડાં ભીનાં થયાં અને અમોલાની આંખો પણ. થોડીવારમાં જ એક બિલાડી આવી, ભૂખી તરસી હોય એમ સૌમિનના પગ ચાટવા માંડી. સૌમિનની આંખોની ભાષા સમજીને અનુએ કહ્યું, “મમ્મી, આને દૂધ પીવડાવીએ?” ત્રણે જણા જઈ આજ પૂરતું ટ્યુશન ટીચરને ત્યાંથી એક વાટકી દૂધ માંગી લાવ્યા. કાયમ નિયમોમાં જીવતી અમોલાને આ સાહસિક કામ કરવાની મઝા આવી. અમોલાને થયું, સૌમિન કદાચ પુખ્ત માણસોની ભાષામાં કોઈ માનસિક રોગનો દર્દી હશે, પણ સૌમિનને ફૂલછોડ, પ્રાણીઓ અને બાળકો સાથે કોઈ પ્રોબ્લેમ નહોતો.

બીજા દિવસે અમોલાએ સૌમિનની બેગમાં કપડાં જોયાં. સુલેખાની કામવાળી વેઠ ઉતારતી હતી એ ખ્યાલ આવ્યો. સૌમિનના કપડાં પહેલીવાર બરાબર ધોવાયા. સુલેખા જરા આળસુ તો હતી જ, એટલે એને રસોઈનો ખાસ્સો સમય મળતો છતાં એના ઘરે ત્રણ જણ માટે ક્યાંકથી ટિફિન આવતું. સુલેખાએ હવે એ ટિફિન ચાલુ રાખવાની ઓફર કરી હતી, જેથી અમોલાને રસોઈની ઝંઝટ ન રહે. પણ અમોલાએ બે જ દિવસમાં એ ટિફિન બંધ કરાવ્યું. નોકરી ન કરે, રસોઈ ન બનાવે તો એ કરે શું? મધ્યમવર્ગીય ગૃહિણીનો આમેય મંત્ર હોય, પૈસા બચી શકે તો બચવા જોઈએ અને સમય બચવો ન જોઈએ.

અમોલાએ કરેલા વઘારના છમકારાથી સૌમિનને છીંક આવી અને અનુ હસી. થાળી વાસણમાં પીરસાતી તાજી રસોઈના સામ્રાજ્યમાં સુલેખા મંગાવતી એ ટીફીનના ખાલી ડબલાં ખૂણે બેઠાં મોં વકાસી રહ્યાં.

સૌમિન અનુને ટ્યુશન મૂકવા જતો. અમોલા ચિઠ્ઠી લખી આપે તે મુજબ શાકભાજીવાળાને ચિઠ્ઠી આપી શાક બરાબર લઈ આવતો. કોઈ સાથે વાત ન કરતો પણ હિસાબમાં પાકો હતો. વળી એકેએક વસ્તુ ચેક કરી, કાગળિયા પર પેન્સિલથી ટીક કરી, યાદી મુજબની ચીજવસ્તુઓ બરાબર લઈ આવતો. એકવાર ટ્યુશનથી આવતી વખતે કૂતરું અનુની પાછળ પડ્યું, એક પથ્થર લઈ એણે કૂતરાને ભગાડ્યું. સૌમિનની આ બહાદુરીની કથા કહેતાં અનુ થાકતી નહીં. ગોત્રી ગયેલી સુલેખા આંટીનો ફોન આવ્યો ત્યારે પણ એણે આ કથા, ફોન પર ન દેખાય, તોય, અભિનય સાથે સંભળાવી.

અમોલાએ જોયું કે અનુ હવે ખુશ રહેવા લાગી હતી. ભણવામાંય એનું ધ્યાન વધ્યું હતું. રિઝલ્ટ સુધર્યું. પ્રિંસીપાલની પણ ફરિયાદો બંધ થઈ. જો કે અનુમાં આ ફરક માનસિક રોગના ડોક્ટરને ત્યાં જઈ આવવાથી નહીં, પણ એક માનસિક રોગના દર્દીને ઘરે રાખવાથી આવ્યો છે, એવી એમને કદી ખબર ન પડી. અમોલાને પોતાને ય થયું, “હુકમ ન છોડે, કરડી નજરે ન જુએ, વાતેવાતે તોલે નહીં એવા માણસોની હૂંફ કેવી મોટી હોય છે!” અઠવાડિયામાં જ અરીસાએ પણ નોંધ્યું કે અમોલાના ચહેરે ફરાર થયેલું સ્મિત ફરી હાજર થયું હતું.

અમોલા આપે તે દવા સૌમિન ચૂપચાપ પી લેતો. સૌમિનના દવાના બોક્સમાં બે જ દિવસની દવા બચી હતી. નવી દવા માટે નવું પ્રિસ્ક્રીપ્શન જોઈએ. સાદી દવા તો કોઈ પણ મેડીકલવાળો આપી દે પણ આ તો માનસિક રોગની દવા! અમોલાએ સુલેખાને ફોન કર્યો. પણ ગોત્રી ગયેલી સુલેખાને રહેવા માટે રૂમ એવી જગ્યાએ આપવામાં આવી હતી, જ્યાં સેલફોનના સિગ્નલ જ નહોતા. નેટવર્કના એરિયામાં આવીને સુલેખા સામેથી ફોન કરે તો જ વાત થાય. એટલે અમોલાએ કેન્સર હોસ્પીટલના રિસેપ્શન પર સુલેખા માટે મેસેજ લખાવ્યો. પછી પરીખ સાહેબના ક્લીનીક પર ફોન કર્યો, પણ નો રિપ્લાય! ક્લીનીક બંધ હશે? કે ફોન ડેડ હશે? સોમવારે સાંજે સાડા છએ તો ક્લીનીક બંધ ન હોય ને! અમોલાને અનુભવ હતો કે એના ફૂઆને પાગલપણની દવા એક દિવસ માટે ય બંધ થાય તો એ ધમાલે ચડતા. એક અજ્ઞાત ભય એના શરીરમાંથી પસાર થઈ ગયો.

બીજા દિવસે પરીખસાહેબના ક્લીનીક પર દાદર ચડતાં વિચાર્યું કે અપોઈંટમેંટ લીધી નથી, ફાઈલ નથી, ડોક્ટર દવા આપશે કે કેમ? ઉપર જોયું તો ક્લીનીક પર તાળું! બોર્ડ પર એક કમ્પાઉંડર કાગળ ચોંટાડી રહ્યો હતો. “ડો. પરીખસાહેબનું દુખદ અવસાન થવાથી દવાખાનું બંધ રહેશે”

બપોરે સુલેખાનો ફોન આવ્યો. ઓહ માય ગોડ! એની પાસે ન તો સૌમિનના ઘરનું સરનામું હતું, ન તો કોઈ આઈ ડી હતું, ન કેસ ફાઈલ હતી. સુલેખાએ પરીખસાહેબના કમ્પાઉંડર સાથે વાત કરી, સૌમિન નામના દર્દીનો કોઈ રેકર્ડ એમની પાસે જડ્યો નહીં. સૌમિનના સગાઓના કોઈ સગડ મળ્યા નહીં. એ માહિતી પોતાની સાથે લઈ પરીખ સાહેબ સ્વધામ પહોંચી ગયા! ડો. પરીખ સાહેબના પાર્ટનર ડો.ગાંગદાણીને કશી ખબર નહોતી. સૌમિનના સગા સામેથી ક્લીનીક પર તપાસ કરવા આવે ત્યાં સુધી શું કરવું? કોઈપણ રીતે સૌમિનના સગાઓનો સંપર્ક કરવાનું કહી કંપાઉંડરને સરનામું નમ્બર વગેરે આપીને આવી.

કાલે સુલેખાની મમ્મીનું ઓપરેશન હતું. એ તરત રાજપુર આવી શકે એમ નહોતી. એણે તો અમોલાને કહી દીધું કે બહુ થાય તો સૌમિનને પોલિસ સ્ટેશન સોંપી દે!

અમોલાને એના જેઠ-જેઠાણીએ એક્વાર પોલિસ સ્ટેશનનો ધક્કો ખવડાવ્યો હતો. ‘એના પતિનું એક્સીડેંટથી થયેલ મૃત્યુ શંકાસ્પદ છે’ એવી નનામી અરજીઓ કરીકરીને. પોલિસે એની કડકાઈથી પૂછપરછ કરી હતી. ત્યારથી એ પોલિસના નામથી ધ્રુજતી હતી.

તો પછી શું કરવું? એક અજાણ્યા માણસને ઘરે રખાય? ના ના! અને પોલિસને સોંપીએ તો પોલિસ શું કરશે? સિવિલમાં મોકલશે? સિવિલવાળા લાંબીલચક તપાસ કર્યા પહેલા એને દાખલ કરશે ખરા? ત્યાં સુધી પોલિસ એને ક્યાં રાખશે? ઇનવેલિડ સ્ત્રીને નારીનિકેતનમાં રખાય, પુરુષોને? સરકારી ભિક્ષુકગૃહમાં? ત્યાં કેવી રીતે રહેશે સૌમિન? સૌમિન એટલો ભયજનક હતો?

અનિશ્ચિત નિયતિથી બેખબર એવાં અનુ અને સૌમિન રમતાં રહ્યા. અમોલા બાંકડે બેસવાને બદલે આંટા મારતી રહી, એણે બ્લોકની દીવાલ પર ઝાંખો થયેલો ચાર એકાનો ઘડિયો જોયો. ચાર દિવસ રાહ જોવાનું નક્કી કર્યું. ભારે મૂંઝવણ વચ્ચે દવાનો છેલ્લો ડોઝ આપ્યો. એણે સુલેખાને જલદી આવવા કહ્યું અને રોજ સામેથી ચાર ફોન કરવા કહ્યું.

સુલેખા મહિનાના ખર્ચ માટે પચીસ હજાર રુપિયા આપી ગઈ હતી. એમાંથી માંડ પાંચ હજાર વપરાયા હતા. એ પૈસા આમ તો સૌમિનના જ હતા ને! અમોલાએ યેલો પેજીસમાં સાઈકિયાટ્રીસ્ટ યાદી જોઈ, એમાંથી એક મહિલા સાઈકિયાટ્રીસ્ટના નામ પર એની નજર ઠરી અને એણે અપોઈંટમેંટ લીધી.

***