બે દિવસની અમીરી
પંકજ નાડિયા
સવારના આઠ વાગતા હતા. હું ચા પીતાં પીતાં છાપું વાંચી રહ્યો હતો. થોડી વાર થઈ હશે ને મારી ભત્રીજી આકાંક્ષા દોડતી ઘરમાં આવીને મને કહેવા લાગી. “ કાકા બહાર કોઈ ભાઈ આવ્યા છે. લાલ પાઘડીવાળા. એ દાદા, ઘરડા દાદાનું નામ બોલીને કંઈક ગાય છે. એના કપડાં તો સાવ અલગ જ છે.”
આકાંક્ષા એક જ શ્વાસે ઘણુંબધું બોલી ગઈ. હું એની વાત પરથી સમજી ગયો કે બહાર બારોટ આવ્યો છે. હું એને મળ્યો અને વોલેટમાંથી સો રૂપિયા આપી એને વિદાય આપી. એ ચહેરા પર સ્મિત સાથે હાથ જોડી ‘ભલે દાતાર’ કહીને ચાલ્યો ગયો. એ ગયો અને સાથે મને પણ બાળપણની યાદોમાં ખેંચી ગયો.
***
અમારું કુટુંબ નાનું કહી શકાય એવું હતું. મમ્મી, પપ્પા અને અમે ત્રણ ભાઈ-બહેન. હું સૌથી નાનો હતો. પપ્પા અમારી પાસે જે ખેતર હતું, એ વાવતાં ને એમાંથી જ ઘર ચલાવવાનું રહેતું. આવકમાં ‘નફો’ એવો શબ્દ મેં ક્યારેય સાંભળ્યો નહોતો. પણ ઉધાર, ઉછીનું, દેવું વગેરે જેવા શબ્દોથી હું પરિચિત થઈ ગયો હતો. ઘરની આર્થિક સ્થિતિ સાવ ખરાબ હતી. ઘણી વાર તો ઘરના પાંચ સભ્યોને બે વખત જમાડવા કઈ રીતે એ પણ પ્રશ્ન બની રહેતો. આમ છતાં પપ્પાએ ક્યારેય અમને ભૂખ્યા સૂવાડ્યા નહોતા. પરંતુ બીજી કડવી વાસ્તવિકતા એ પણ હતી કે લેણદારોના અમારા ઘરે રોજના ધક્કા રહેતા. જેમ મમ્મી મને અને ભાઈ-બહેનને કપડાં, રમકડાં કે બૂટ માટે હંમેશાં નવા વાયદા આપતા તેમ પપ્પા લેણદારોને નવા વાયદા આપીનેથોડાંક સમય માટે સમજાવી લેતાં.
ઘરના ત્રણેય બાળકોના કપડાં-જૂતાં સગાં સંબંધીઓનાં બાળકોએ પહેરીને જૂના થતાં આપી દીધાં હોય એ જ રહેતાં. બે ત્રણ વરસમાં માંડ એકાદ જોડ કપડાં લેવામાં આવતા. એ પણ માપ કરતાં સહેજ મોટાં જ લેવામાં આવતાં, જેથી બે ત્રણ વરસ લગ્ન, તહેવાર કે શુભ પ્રસંગમાં પહેરી શકાય. પોતાના માટે મમ્મી-પપ્પા ભાગ્યે જ કોઈ વસ્તુ ખરીદતાં.
ઘરની આવી પરિસ્થિતિમાં પણ અમને ક્યારેય કોઈનું છીનવી લેવાનું શીખવવામાં નહોતું આવ્યું. રસ્તામાંથી ક્યારેક કોઈ વસ્તુ કે પૈસા મળતા તો કોઈના પડી ગયા હશે એમ કહી મમ્મી આખા મહોલ્લામાં દરેકના ઘરે પૂછવા મોકલતી. મળેલી વસ્તુ કે પૈસા કોઈના હોય તો આપી દેવાના અને કોઈના ના હોય તો જ તમારા એવું સૂચન હંમેશાં રહેતું. મને બરાબર યાદ છે કે એ મળેલા પૈસા કે વસ્તુ ક્યારેય અમારી નહોતી થઈ.
કુટુંબની આવી દારુણ પરિસ્થિતિમાં પણ ઘરે આવનાર માંગણ, ભિખારી કે મદારીને થોડામાંથી થોડું પણ આપવામાં આવતું. મારા મોટા ભાઈને ગરીબીની સ્થિતિમાં આવી દાતારાઈ ના ગમતી. એ અવારનવાર મમ્મી સાથે ઝઘડી પડતો.
એકવાર તો ભાઈએ ઊંચા અવાજમાં મમ્મીને સંભળાવી દીધું, “ઘરમાં કશું છે નહીં ને ભિખારીઓ માટે દાતા બનો છો?” મમ્મીએ એને સમજાવતાં કહ્યું, “બેટા, એ એમના ભાગ્યનું લઈ જાય છે. ભગવાન આપણને ઘણુંય આપશે, ભરોસો રાખ.” “ભગવાન આપશે,ભગવાન આપશે કહીને જે થોડુંક હોય એ પણ ભિખારીઓને આપી દો. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આટો.” ભાઈએ વધુ ઉગ્ર અવાજમાં કહ્યું.
“ અરે,આ શું બોલે છે તું? એ લોકો એમના હકનું લેવા આવે છે ને તું.”
“શાનો હક મમ્મી?” ભાઈ મમ્મીની વાત કાપતા બોલ્યો,“આ રીતે જ દાતાર બનશો તો એક દિવસ આપણે જ ભીખ માંગવાનો વારો આવશે. ને એ દિવસે આપણને કોઈ સૂકો રોટલોય નહીં આપે.”
“ બેટા, આવું ના બોલાય. તને સમજ કેમ નથી પડતી? ”
“ સાચી વાત મમ્મી. આવું બોલાય નહીં, આ સાલા ભિખારીઓને તો લાકડીથી મારવા જોઈએ. મફતનું લેવા આવી જાય છે તે.”
ભાઈ આગળ કાંઈ બોલે એ પહેલાં તો મમ્મીએ સટાક કરતો તમાચો એના ગાલ પર ઘસી દીધો અને કહ્યું, “કોઈને થોડુંક આપવાથી કોઈ ભિખારી ના થઈ જાય. અરે, કોઈને થોડીયે મદદ કરીએ તો ઉપરવાળો ભગવાન પણ ખુશ રાખે.” મમ્મીના શબ્દો કાને પડ્યા જ ના હોય તેમ ગાલ પર હાથ રાખીને ભાઈ બહાર જતો રહ્યો.
આમ, ઘરની નાજુક આર્થિક સ્થિતિના કારણે ઘરનું વાતાવરણ કંકાસમય પણ થઈ જતું. છતાંય હું મમ્મીની વાત પર ભરોસો રાખતો. ભગવન અમારી દશા જરૂર સુધારશે. ક્યારેક તો આ દુઃખનામ વાદળ હટશે અને સુખનો સૂરજ ઊગશે.
આવા જ દિવસોમાં એક દિવસ સવારના નવ વાગ્યાની આસપાસ આંગણામાં એક બારોટ આવી ગયો. માથે લાલ રજવાડી પાઘડી. સફેદ ખમીસ અને ધોતી. તેમ જ પગમાં લાલ મોજડીવાળા એ ભાઈનો પહેરવેશ બાળકો માટે આકર્ષણનું કારણ હતું. આંગણામાં આવતાની સાથે જ તેણે પોતાની આગવી શૈલીમાં ગાવાનું શરૂ કર્યું.
“પશા.. વીરા… વીરા… મૂળા…
મૂળા… દેવાતની… પેઢી..
દેવા… વીહા… વીહા… ચેહોર… ચેહોર… ભીમા...”
મને એના એ રાગડાવાળા ગીતમાં ‘પશા-વીરા’ એટલું જ સમજાયું. પશા-વીરા એટલે મારા દાદા, પશાભાઈ વીરાભાઈ. પછી આખી વાત કોઈએ સમજાવી હતી કે એ ભાઈ પેઢીનામું બોલતો હતો અને દાદાના નામથી શરૂ કરી લગભગ દસબાર પેઢીનાં નામ બોલ્યાં હતાં. આ નટલોકો વર્ષોથી પેઢીનામું લખતાં આવ્યાં છે અને એ પેઢીની વહી (ચોપડો) પોતાનાં સંતાનોને વારસામાં આપતાં. આમ, એમની પાસે દસથી બાર પેઢીઓનો ઉલ્લેખ રહેતો.
એ પાઘડીવાળા ભાઈ આવું બોલતા હતા, એટલામાં જ મમ્મી ઘરમાંથી બહાર આવી અને ખાટલો ઢાળીને એ ભાઈને બેસવા કહ્યું. મને પાણી લાવવાનું સૂચન થયું. પાણી પીધા પછી એ ભાઈએ બધાના સમાચાર પૂછ્યા. મમ્મીએ પણ એમના પરિવારના સમાચાર પૂછ્યા. એ પછી એમણે જણાવ્યું કે તેઓ માગણી પર આવ્યા છે અને પોતાના પરિવાર સાથે ગામથી થોડે દૂર આવેલા ખેતરમાં તંબુ બાંધીને ત્રણચાર દિવસ રોકાવાના છે. સાથે એ પણ જણાવ્યું કે કુલ સાત લોકો છે તો જમવાનું વધુ બનાવજો, કોઈ આવીને લઈ જશે. આ બધી વાતચીત ચાલતી હતી ત્યારે જ મમ્મીએ ચા બનાવી દીધી. ચા પીધા પછી એ ભાઈ બીજા ઘરે જવા નીકળી ગયા.
એમના ગયા પછી મમ્મીએ અમને સમજ આપતા કહ્યું કે આ ભાઈ બારોટ હતા. એમને અવકારો આપવો. એ આપણા ઘરે માંગવા આવે એટલે પ્રેમથી આપવું જોઈએ. અનાજ લઈ જવું એ એમનો હક છે. એ લોકો વર્ષોથી પોતાનો હક લેવા માટે આવે છે. મોટા ભાઈને ખાસ સમજાવ્યું કે એમને ખોટું લાગે એવું કંઈ જ ના બોલવું.
એ દિવસે બપોરે મમ્મીએ બારોટને આપવા બાજરીના ચાર મોટા રોટલા બનાવ્યા. સાથે શાક પણ બનાવ્યું. અમે બધાં જમવાની તૈયારી કરતાં હતાં ને બારોટભાઈનાં પત્ની વાસણ લઈને જમવાનું લેવા આવ્યાં. મમ્મીએ એક કપડામાં રોટલા બાંધી આપ્યા અને તપેલીમાં શાક આપ્યું. બારોટ સ્ત્રીના ચહેરા પર સ્મિત હતું. “ ભગવાન ઘણું આલે દાતારને.” કહીને એ ચાલી નીકળ્યાં.એ હજુ થોડી જ દૂર ગયાં હશે ને મમ્મીએ એમને બૂમ મારીને પાછા બોલાવ્યાં. એક કાગળમાં સો ગ્રામ જેટલો ગોળ મૂકીને પડીકું વાળી એમના હાથમાં આપતા કહ્યું.“ લે, બહેન, નાનાં છોકરાં શાક ના પણ ખાય, પણ ગળ્યું તો ખાય જ.સાંજે બે વાસણ લાવજે. ખીચડી અને કઢી બનાવીશ. લઈ જજો.”
આટલું સાંભળી પેલી સ્ત્રી ‘ભલે દાતાર’ કહીને ચાલી ગઈ.
એ સ્ત્રીના ગયા પછી અમે ચાર જણ જમવા બેઠાં. પપ્પા બે દિવસથી મામા સાથે બહારગામ ગયા હતા, એ મામાનું કોઈ કામ પૂરું કરાવીને આવવાના હતા. મમ્મી જમતાં જમતાં કહેવા લાગી, “આ લોકોને જેટલું આપો એટલું ઓછું. આમને ના પડાય જ નહીં. આપણા ઘરે આવે પાસે બેસાડીને જમાડવા પણ પડે, પણ આ લોકો વર્ષોથી ખેતરમાં તંબુ બાંધીને જ રોકાણ કરે છે. આ લોકો ગરીબ, બહુ જ ગરીબ હોય છે. એટલે જ તો અનાજ પણ લઈ જાય ને જેટલા દિવસ રહે એટલા દિવસ જમવાનું પણ લઈ જાય. આપણી જૂની, વપરાયેલી વસ્તુઓ આપીએ તો પણ પુણ્ય મળે.” અમે ત્રણેય ભાઈબહેન ચૂપચાપ બધું સાંભળતાં હતાં. મમ્મી વાત કરતાં કરતાં આનંદિત થઈ ગઈ. પેલી સ્ત્રીને જમવાનું આપ્યું ત્યારે પણ એના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી હતી.
મને નવાઈ એ વાતની લાગી કે અમે પોતે જ સાવ ગરીબ હતા. ઘણી વાર શાકના પૈસા ના હોવાથી ડુંગળી અને રોટલો ખાઈને મન મનાવવું પડતું હતું. છતાંય મમ્મી એવું કહેતી હતી કે આ બારોટ લોકો સાવ ગરીબ હોય, એમને આપવું જ પડે. એ લોકો અમારાથી પણ ગરીબ હશે એ વાત સમજમાં નહોતી આવતી. મનમાં થતું કે એમના માટે શાક બનાવવાની શી જરૂર હતી ? ને પાછું સાંજ માટે ખીચડી કઢીનું પણ કહી દીધું. મારી સમજ વધુ ન હતી. છતાંય મનમાં થતું કે અમે પોતે જ સાવ ગરીબ છીએ તો પણ મમ્મી આટલા દાતાર કેમ બને છે? પણ કંઈ સમજાતું નહીં ને થોડી વાર પછી હું એ વાત ભૂલી પણ જતો.
સાંજે સાડા સાત વાગ્યા આસપાસ બારોટ સ્ત્રી જમવાનું લેવા આવી. આ વખતે તેની સાથે મારી ઉંમરની એક છોકરી અને ત્રણ નાનાં છોકરાં પણ હતાં. મમ્મીએ છોકરીના હાથમાં રહેલા વાસણમાં ખીચડી આપતાં કહ્યું, “જમવાનું ઓછું તો નથી પડતું ને? ખૂટે તો કહેજો ફરી બનાવી દઈશ.” પેલી સ્ત્રીએ જવાબ આપતાં કહ્યું, “ના દાતાર તમારી દયાથી નથ ખૂટતું.”
બારોટ સ્ત્રી અને એનાં બાળકો જમવાનું લઈ ચાલ્યાં ગયાં. કોણ જાણે કેમ ઘરની પરિસ્થિતિ દારુણ હોવા છતાં મમ્મી એ લોકોને જમવાનું આપીને ખૂબ જ ખુશ હતી. એના ચહેરા પર એક અલગ જ પ્રસન્નતા જોવા મળતી હતી. કદાચ આપવાની ખુશી કંઈક મેળવવા કરતાં વધુ હોતી હશે.
બીજા દિવસે સવારે ફરી પેલા પાઘડીવાળા ભાઈ આવ્યા. એમની સાથે ચાર બાળકો પણ હતાં. મમ્મીએ ચારેયને ચા અને રોટલી નાસ્તો કરવા આપી. એ ભાઈએ માત્ર ચા જ પીધી. ત્યારબાદ મમ્મીએ મોટી છોકરીને, બીજા લોકો માટે એક બરણીમાં ચા ભરી આપી અને એક કપડામાં થોડી રોટલીઓ બાંધી આપી. આ બધું લઈને એ ચાર ભાઈબહેન એમના તંબુ તરફ ચાલી નીકળ્યાં.
બારોટભાઈ ચલમ સળગાવી હતી. એ પૂરી કર્યા પછી બોલ્યા, “માઈબાપ અનાજ કાઢી દો. આજ સાંજ લગી દેશ જાવા નીકળી જાવું સે.”
મમ્મીએ ઘરમાંથી દસેક કિલોગ્રામ ઘઉં લાવીને એની બોરીમાં નાંખતા કહ્યું, “ભાઈ, અમારે તો એક જ ખેતર છે. એમાંથી ઘરનું ને ઢોરનું પૂરું કરવાનું. માટે આ જે આપ્યું એમાં સંતોષ માનજો.”
“ ભલે દાતાર. ભગવાન જે આલે ઈ ખરું.” કહીને એ ભાઈ ઊભા થયા. મમ્મીએ એમને કહ્યું, “બપોરે જમવાનું લેવા માટે તમારા ઘરવાળીને અને છોકરાંઓને મોકલજો. એકબે જોડ જૂનાં કપડાં છે એ પણ લઈ જાય.” “ ભલે આવશે ઈ તો. રામ રામ.” કહીને એ ભાઈ ચાલી નીકળ્યા.
મમ્મીએ ઘરમાં આવીને કબાટ ખોલ્યું અને આપી શકાય એવાં જૂનાં કપડાં શોધવા લાગી. મોટી બહેનનું એક ફ્રોક જે મામાની છોકરીએ એક વર્ષ પહેરીને આપ્યું હતું એ પેલી મોટી છોકરીને આપવા માટે નીકાળ્યું. મારા જૂના શર્ટ જે દોઢેક વર્ષથી હું પહેરતો હતો એ પણ નીકાળ્યા. એક જૂની ચડ્ડી થોડી ફાટી ગઈ હતી એને સાંધીને પહેરવા લાયક કરી દીધી. મારા ફોઈના ભાણાએ આપેલો શર્ટ પણ નીકાળ્યો. એ મને ખૂબ જ ગમતો હતો. મેં આપવાની ના પાડી તો મમ્મી મને સમજાવા લાગી. “ ભઈલું, તારે તો કેટલાં બધાં કપડાં છે? એમનાં છોકરાં ગરીબ છે. એમની પાસે કપડાં નથી. આપણે આપીએ ને તો જ એમને કપડાં મળે. આપી દે બેટા, તારા માટે દિવાળીએ નવાં ખરીદી લઈશું.”
મમ્મીની સમજાવવાની રીતથી હું કમને પણ શર્ટ આપવા રાજી થઈ ગયો. મમ્મીએ બધાં કપડાં એક બાજુ કર્યાં. ચારેય બાળકોને આપવાનાં કપડાં તો થઈ પણ એમની મા માટે શું આપવું? મમ્મીએ પોતાની સાડીઓ જોઈ. મમ્મી પાસે ત્રણ જ સાડીઓ હતી ને ઘરની પરિસ્થિતિ જોતાં હજુ બે વરસ સુધી નવી સાડી લાવવી એ નકામો ખર્ચ કહેવાય. થોડી વાર વિચાર્યા બાદ મમ્મીને થયું કે એ સ્ત્રીને આપવા માટે વધારાની કોઈ જ સાડી નથી. આથી બાળકોને આપવાનાં કપડાં એક બાજુ મૂકીને મમ્મી રસોઈ કરવા લાગી.
બપોરે મને ખૂબ જ ભૂખ લાગી હતી તો હું વહેલાં જ જમવા બેસી ગયો. એ જ સમયે બારોટ સ્ત્રી પોતાનાં બાળકો સાથે જમવાનું લેવા આવ્યાં. મમ્મીએ એમને ઘરમાં બોલાવીને બેસાડ્યાં. સૌથી નાના છોકરાને એક જૂનો શર્ટ અને સાંધેલી ચડ્ડી આપ્યાં. મોટી છોકરીને ફ્રોક આપ્યું. બીજાં બે છોકરાંઓને મારા શર્ટ આપીને કહ્યું, “બહેન આ કપડાં છોકરાંઓને પહેરાવજે. વધુ પહેરેલાં તો નથી પણ કદાચ બટન ના હોય તો ટાંકી દેજે.”
પેલી સ્ત્રીને મમ્મી પાસેથી હજુ પણ આશા હતી. મમ્મીએ તેને દસ રૂપિયા આપતા કહ્યું, “બહેન કોઈ સાડી જૂની નથી. ફરીથી આવો ત્યારે લઈ જજે.” સ્ત્રીએ કહ્યું, “ભલે, માઈ-બાપ. ભગવાન ઘણુંય આલે દાતારને.”
મમ્મીએ એમના વાસણમાં શાક ભરી આપ્યું અને કપડામાં ચાર રોટલા બાંધી આપતા કહ્યું, “ખાવાનું ખૂટતું તો નથી ને? બીજાં ઘરોમાંથી મળી રહે છે ને?” “ના ના, નથ ખૂટતું દાતાર. ઘણું મલે સે.” કહીને સ્ત્રી ઊભી થઈને બાળકો સાથે ચાલતી થઈ. મમ્મી એમને જતાં જોઈ રહી હતી. એ લોકો સાંજે જતાં રહેશે પછી આવતાં વર્ષે કદાચ અવશે. મમ્મીના ચહેરા પર ગરીબોને આપ્યાનો અનેરો આનંદ દેખાઈ આવતો હતો. એ ખુશીને સમજવી કે એનો અંદાજ લગાવવો એ કઠિન કામ હતું.અચાનક મમ્મીને શું સૂઝ્યું? દોડીને બહાર જઈને બૂમ મારીને બારોટ સ્ત્રીને પાછી બોલાવી. એ સ્ત્રી પહોંચે ત્યાં સુધીમાં તો ઘરમાં જઈ કબાટમાંથી આછા ગુલાબી રંગની, ફૂલોની ભાતવાળી, એકબે વખત જ પહેરેલી એક સાડી લઈ આવી. બારોટ સ્ત્રી આંગણામાં આવીને ઊભી હતી તેના હાથમાં સાડી આપતાં કહ્યું, “લે બહેન, કદાચ તારા ભાગ્યની જ હશે. સાડી જૂની નથી, એકદમ નવી જ છે. તને આમ ખાલી હાથ મોકલતા મન ના માન્યું. તમે ભોળા જીવ બેત્રણ વરસમાં એકાદ વાર તો આવો છો.”બારોટ સ્ત્રી હાથમાં સાડી લઈ ખુશ થતા બોલી, “ઘણી ખમ્મા માઈબાપ, ભગવાન તમને ઘણુંય આલે. આવજો. રામ રામ.” ‘ રામ રામ, આવજો.’ કહીને મમ્મી ઘરમાં ચાલી ગઈ. એના ચહેરા પરનો આનંદ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. એના ચહેરા પર સંતોષ, સુખ, ખુશી. કંઈક કેટલીય રેખાઓ જોઈ શકાતી હતી. કદાચ આ બે દિવસમાં મમ્મી એ પણ ભૂલી ગઈ હતી કે અમે પોતે સાવ ગરીબ છીએ. ખાવાનું પૂરું કરવા અને બીજા ખર્ચને પહોંચી વળવા અનેક લોકો પાસે ઉધારી કરેલી છે. કેટલાંયનું દેવું માથે છે. કપડાં કે જૂતાં લાવવાની પરિસ્થિતિ નથી. સગાંસંબંધીઓએ આપેલાં કપડાં ને જૂતાં પહેરીને ચલાવવું પડે છે. પરંતુ મમ્મીને કદાચ એટલું જ યાદ હતું કે એ લોકો સાવ ગરીબ છે. એમને આપવું આપણો ધર્મ છે.
એ વખતે મારી ઉંમર કે સમજ એટલી મોટી નહોતી કે બધું જ સમજી શકું. પરંતુ એટલું તો જરૂર સમજાયું કે સાવ દારુણ ગરીબીમાં પણ એ બે દિવસ અમને ખૂબ જ અમીર બનાવી ગયા હતા. એ બે દિવસની અમીરી મમ્મીના મુખ પર અનેરી ખુશી આપી ગઈ હતી જેની કલ્પના પણ નહોતી કરી. એ બે દિવસોમાં મમ્મી પોતાનાં બધાં જ દુઃખ, તકલીફો એ રીતે ભૂલી ગઈ હતી જાણે અમારા જીવનમાં એમનું અસ્તિત્વ જ ના હોય.
એ સમયે હું મારો જૂનો શર્ટ આપવાની ના કહેતો હતો પરંતુ આજે જ્યારે સમજણ આવી ત્યારે સમજાય છે કે એ બારોટ પરિવાર કેટલું અમૂલ્ય સુખ આપી ગયો હતો. એ લોકોનો હું દિલથી આભાર માનું છું. જેમણે અમારા જીવનની સાવ દારુણ પરિસ્થિતિમાં, એક પણ રૂપિયો કે વસ્તુ આપ્યા વિના અમને બે દિવસ માટે ખૂબ અમીર બનાવી દીધા હતા. મમ્મીના ચહેરા પર જોવા મળેલી હર્ષ, ખુશી અને સંતોષની રેખાઓ આજેય યાદ આવે છે.
આજે સારી નોકરી છે. બંગલો, ગાડી, સંપત્તિ ઘણું છે. દુનિયાની નજરમાં અમીર છું. છતાં પણ બાળપણમાં જોયેલી એ અમીરીની તુલનામાં આજની અમીરી સહેજ ફિક્કી લાગે છે.
***
સંપર્ક :
મુ.પો. માથાસુર, તા. કડી, જિ. મહેસાણા-૩૮૨૭૦૧
મો. ૯૭૨૪૮ ૭૫૦૧૯
Email: phnadiya5671@gmail.com