રેડલાઇટ બંગલો
રાકેશ ઠક્કર
પ્રકરણ-૯
અર્પિતાએ જ્યારે રચનાને કહ્યું કે તે રાજીબહેનની ગુલામ બનવા તૈયાર છે ત્યારે તેના મનમાં કેટલીક ગણતરીઓ ચાલી રહી હતી તેનો રચનાને જરા પણ અંદાજ ન હતો. અર્પિતા હમણાં રચનાને કોઇ વાત કરવા માગતી ન હતી. તેને હજુ રચના પર વિશ્વાસ આવ્યો ન હતો. રાજીબહેને હજુ સુધી તેને વેશ્યા તરીકે કામ કરવાની વાત કરી ન હતી. પણ રચનાએ તેને અણસાર આપ્યો એ પરથી તેના નાકમાં નથ પહેરાવવાની રાજીબહેનની પૂર્વતૈયારીઓ સમજી શકાતી હતી. તેના માટે નવા કિમતી કપડાં, બ્યુટીપાર્લરવાળીને બોલાવવાની વાત અને તેને અપાઇ રહેલી સુખસુવિધાઓ રચનાની વાતને સમર્થન આપતા હતા. અને જ્યારે રચનાએ રાજીબહેનના બાથરૂમમાં તે નહાતી હતી ત્યારનો વીડિયો બતાવ્યો ત્યારે અર્પિતાને ખ્યાલ તો આવી જ ગયો હતો કે રાજીબહેને તેને ધંધો કરવા મજબૂર કરવાની બધી તૈયારી કરી લીધી છે.
અર્પિતાએ રાજીબહેન માટે કામ કરવાની તૈયારી બતાવી એ પછી રચનાએ તેને કહ્યું:"તેં યોગ્ય નિર્ણય લઇને તારું અને તારા પરિવારનું ભવિષ્ય સુધારી લીધું છે."
"રાજીબહેનના ભવિષ્યની પણ તારે ચિંતા કરવી જોઇએ" એમ કહેવાનું તેને મન થઇ ગયું. પણ તે બોલી:"એ માટે તારો આભાર!"
"એમાં આભાર શું! તારી આ લાયકાતથી તું બધું મેળવશે." રચનાએ તેના શરીર પર ઉપરથી નીચે સુધી નજર નાખી કહ્યું. રચનાને અર્પિતાની સુંદરતાની ઇર્ષા આવી ગઇ. તેનો લંબગોળ ચહેરો અને મારકણી આંખો સુંદરતાને વધારતા હતા. અને તેનું ફિગર તો કોઇ પણ પુરુષની કામવૃત્તિને ઉત્તેજે એવું જ હતું.
રચના તેને લઇને કોલેજ પર ગઇ. રચનાએ પોતાનું બીજા વર્ષનું ફોર્મ ભર્યું અને અર્પિતાએ તેના પ્રવેશની બાકીની વિધિ પતાવી.
***
પોતાના વોટ્સએપ મોબાઇલ પર એક પછી એક ઇંક્વાઇરી આવી રહી હતી તેથી રાજીબહેન ખુશ હતા. અર્પિતાના પાડેલા ત્રણ ફોટા તેમણે તેમના વોટ્સએપ ગૃપમાં મૂક્યા પછી પૂછપરછ વધી ગઇ હતી.
રાજીબહેને પોતાના ભાગીદાર શર્માજીને ફોન કર્યો.
શર્માજીએ તરત જ ઊપાડી લીધો અને બોલ્યા:"મેડમ, આપને તો કમાલ કર દીયા."
શર્માજી ગુજરાતી બોલતા અને સમજતા હતા એટલે રાજીબહેને કોડવર્ડ વાપરીને વાત શરૂ કરી."શર્માજી, "નવું મકાન" લીધું છે. હજુ સજાવી રહી છું. વગર સજાવટે જ ગમી જાય એવું છે ને? એના પર ઘણો ખર્ચ કરી રહી છું. આ મકાનમાં પ્રથમ પ્રવેશ કરનાર માટે મોટી કિંમત વસૂલ કરવાની છે. મને લાગે છે કે મોંમાંગી કિંમત મળી રહેશે. તમે કોઇ મોટો આસામી શોધી કાઢો. તમને પણ કમિશન સારું મળશે."
"મેડમ, ઢૂંઢને કી જરૂરત નહીં હૈ. મકાનનો ફોટો જોઇને જ લાઇન લાગી ગઇ છે." શર્માજી પણ મોટા કમિશનની વાત સાંભળીને ખુશ હતા.
"અરે, મેરે પાસ ભી કઇ લોગો કે ઓફર આયે હૈ. લેકિન મુઝે કમ લગ રહે હૈ. આવું મકાન સસ્તામાં ભાડે ના અપાય. પહેલા ગ્રાહક માટે તો બોલી જ લગાવવી પડશે."
"ઠીક હૈ મેડમ. આપકે હિસાબ સે આગે બઢીએ." શર્માજીએ રાજીબહેનની વાતને સંમતિ આપી ફોન મૂકી દીધો.
રાજીબહેન ફરી એક વખત અર્પિતાના ફોટા જોવા લાગ્યા. આ હીરાને કેટલો ક્યાંથી તરાશવો તેનો વિચાર કરવા લાગ્યા. તેમણે અર્પિતાનો બાથરૂમનો વીડિયો પણ બે વખત જોયો. તેના મસ્ત અંગો જોઇ એકવાર તો રાજીબહેનને તેની ઇર્ષા આવી ગઇ. રાજીબહેનને થયું કે યુટ્યુબ પર અર્પિતાનો નહાતો વીડિયો મૂક્યો હોય તો લોકો પૂનમ પાંડેને ભૂલી જાય એમ છે. રચના પણ આટલી તો સુંદર અને સેક્સી નથી. ગામડાની કઇ ચક્કીનો આટો ખાધો હશે. એની મા પણ એટલી જ ભરીભરી હતી. એ પણ તૈયાર થાય તો કોઇ કોલેજીયન યુવતીને પાછળ મૂકી દે એવી છે. એ ગામડાની બાઇ એની શું કિંમત જાણે? એનો વારસો એવો ઉતર્યો છે કે અર્પિતા સ્વર્ગની કોઇ અપ્સરા જેવી લાગે છે. પહેલી જ નજરે એને પસંદ કરી લીધી હતી. ઘણા સમયથી એક નવા ચહેરાની તલાશ હતી એ અર્પિતામાં પૂરી થઇ છે. એક પુરુષની ફેન્ટસી માટે હોવું જોઇએ એ બધું જ અર્પિતામાં છે. ફક્ત એને થોડી શણગારવાની જ જરૂર છે.
અર્પિતાનો વીડિયો રચનાને મોકલાવ્યા પછી તેમને એ બાબતે કોઇ શંકા ન હતી કે તે તેમની કેદમાં આવી ગઇ છે. રાજીબહેને અર્પિતાને તેના કામ માટે તૈયાર કરવા પોતાના જાણીતા ડોક્ટરને ફોન કર્યો."નમસ્તે રીનાબેન, અમારા કોલેજની એક નવી છોકરી છે એનો હેલ્થચેકઅપ ક્યારે કરી આપશો?"
"આજે સમય છે.." સામેથી જવાબ આવ્યો.
"હા, આજે સાંજે જ આવી જઇશું." રીનાબેને આજની એપોઇન્ટમેન્ટ આપી એટલે રાજીબહેને હા પાડી દીધી. તે પોતાની નવી નોટને વટાવવા બહુ દિવસો રાહ જોવા માગતા ન હતા.
***
રચના અને અર્પિતાએ કોલેજમાં પોતાના પ્રવેશની વિધિ પતાવી દીધી. બંને અલકમલકની વાતો કરતા રાજીબહેનના બંગલા પર આવી પહોંચ્યા. રાજીબહેન અર્પિતાની રાહ જોઇને જ બેઠા હતા.અર્પિતાએ રાજીબહેન સામે ખોટું સ્મિત કર્યું. રાજીબહેને તેને કહ્યું:" અર્પિતા, તું કાલે ઘરે જવાની છે ને? તો આજે તારા મેડીક્લેઇમ માટે ડોક્ટરી તપાસનું ગોઠવ્યું છે. સાંજે આપણે જઇ આવીશું."
"જી મેડમ" કહી અર્પિતા પોતાના રૂમ પર આવી.
રચના તેના રૂમમાં જતી હતી એને અટકાવીને પોતાના રૂમ પર બોલાવી અને તેણે પૂછ્યું:"રચના, મેડમનું આ વળી શું નવું નાટક છે?"
રચના હસી:" અર્પિતા, એ તારો વીમો કરાવવા માગે છે. તને કોઇ પણ બીમારી થાય તો વીમો હોય તો સારું. આ ગુપ્ત કામના ધંધામાં ગુપ્ત રોગનું જોખમ રહે છે."
"પણ એની આટલી ઉતાવળ શા માટે? તારો મેડીક્લેઇમ પણ આમ તરત ઉતરાવ્યો હતો?" અર્પિતાએ સવાલ કર્યો.
રચનાએ તેને જવાબ આપતાં સમય લીધો:"જો, મેં તને બહેન જેવી માની છે એટલે તારાથી કંઇ છુપાવીશ નહીં."
અર્પિતા તેને સાંભળવા ઉત્સુક બની.
"ડોક્ટર પાસે તારા આરોગ્યની સાથે કુંવારાપણાની પણ તપાસ થશે..." રચના બોલવા લાગી.
"વ્હોટ?" અર્પિતા ચમકી. તેના માટે આ નવી વાત હતી. આવું તેણે જીવનમાં ક્યારેય વિચાર્યું જ ન હતું.
"હા, આ ધંધામાં નવી છોકરીનો પહેલી વખત સંગ કરવા માટે વધુ કિંમત અપાય છે. એટલે જો તારું કુંવારાપણું અકબંધ હશે તો વાંધો નહીં આવે. પણ જો કોઇ કારણથી એ અકબંધ નહીં હોય તો ઓપરેશન કરાવશે. અને તને કુંવારી છોકરી તરીકે પહેલા ગ્રાહક પાસે રજૂ કરશે."
અર્પિતા તો આ સાંભળીને ચક્કર ખાઇ ગઇ. પુરુષોમાં કુંવારાપણાનો આટલો ક્રેઝ હશે એ તેના માટે નવી વાત હતી. તેણે રચનાને પૂછ્યું:"તારા વખતે શું થયું હતું?"
"મેં કોઇ યુવાનનો સાથ માણ્યો ન હતો. હું તો તોફાની છોકરી હતી. સ્કૂલમાં રમત-ગમતમાં ઉત્સાહથી ભાગ લેતી હતી. એટલે..."
"એટલે તારું ઓપરેશન કરાવ્યું હતું. અને કુંવારી સાબિત કરી હતી?"
"હા." રચના બોલી.
"પણ આ રીતે કોઇને છેતરી શકાય?"
"અર્પિતા, આ રીતે જ નહીં ઘણી રીતે રાજીબહેન ગ્રાહકોને છેતરે છે. ધીમે ધીમે બધી ખબર તને પડવા લાગશે. ચાલ, હું હવે આરામ કરી લઉં." કહીને રચના પોતાના રૂમ પર ગઇ.
રચના તેની રૂમ પર ગયા પછી અર્પિતાનું મગજ દોડવા લાગ્યું. ત્યાં કોઇએ દરવાજો ખખડાવ્યો. અર્પિતાએ દરવાજો ખોલ્યો તો સામે વીણા ઊભી હતી. તેને ખ્યાલ આવી ગયો કે રાજીબહેનનો સંદેશ હશે. તેની શંકા સાચી પડી.
અર્પિતા રાજીબહેન પાસે પહોંચી ત્યારે તે તેમના બેડરૂમમાં લેપટોપ લઇ બેઠા હતા. તેમણે દરવાજો બંધ કરવાનો તેને આદેશ આપ્યો.
અર્પિતાનું દિલ ધડકી રહ્યું.
રાજીબહેન બોલ્યા:"જો અર્પિતા, તને ખબર પડી જ ગઇ હશે કે તારે શું "કામ" કરવાનું થશે. હું તને બહુ હેરાન નહીં કરું. ક્રિમ ગ્રાહકો માટે જ તારે જવાનું રહેશે. જો કોઇપણ ચાલાકી કરી ભાગવાની કોશિષ કરીશ તો તારું ભવિષ્ય બગડશે. કે પછી ભવિષ્ય રહેશે જ નહીં. એટલે મારો આદેશ માથે ચડાવતી રહેજે. અને તો સુખી થઇશ. આમાં તારો પણ લાભ છે. તને તારું વિશેષ મહેનતાણું મળી રહેશે."
"જી" અર્પિતા એટલું જ બોલી શકી.
"જો, આજે બ્યુટીપાર્લરવાળીનો કાર્યક્રમ કેન્સલ કર્યો છે. તું ગામ જઇ ચાર દિવસ પછી આવીશ ત્યારે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવીશું. અત્યારે તારા મેડીક્લેઇમનું અગત્યનું છે. હું બોલાવું ત્યારે આવી જજે." રાજીબહેને તેને બધું સાનમાં સમજાવી દીધું.
"જી મેડમ." કહી અર્પિતાએ તેમની રજા લીધી.
સાંજે અર્પિતાને લઇ રાજીબહેન ડોક્ટર રીનાબેન પાસે ગયા. રીનાબેને તેના આખા શરીરની તપાસ કરી અને બ્લડના સેમ્પલ લીધા. પછી ધનુરના ઇંજેક્શનની જરૂર હોવાનું જણાવી એક ઇંજેક્શન આપ્યું. પછી તેને બહાર મોકલી રાજીબહેન સાથે થોડીવાર વાત કરી.
રાજીબહેન ખુશ થતા બહાર આવ્યા. અને ઇશારામાં બોલ્યા:"તને કોઇ તકલીફ નથી. તારી કોઇ સારવાર કરવાની જરૂર નથી."
રાજીબહેનનો ગર્ભિત ઇશારો અર્પિતા સમજી ગઇ. તેનું કુંવારાપણું અકબંધ છે એ વાતે રાજીબહેન બહુ ખુશ જણાતા હતા. ઓપરેશનનો ખર્ચ બચી ગયો હતો અને તેનાથી પહેલો ગ્રાહક ખુશ થવાનો હતો.
અર્પિતાએ સ્મિત ફરકાવ્યું. પણ તેમને પહેલી માત આપવાની યોજના અર્પિતાના દિમાગમાં આકાર લઇ રહી હતી તેનો રાજીબહેન સપનામાં પણ વિચાર કરી શકે એમ ન હતા.
અર્પિતા રાજીબહેનને કયો પહેલો આંચકો આપવા જઇ રહી હતી એ જાણવા હવે પછીનું પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં.