Shivtatva - 18 in Gujarati Spiritual Stories by Sanjay C. Thaker books and stories PDF | શિવતત્વ - પ્રકરણ-18

Featured Books
Categories
Share

શિવતત્વ - પ્રકરણ-18

શિવતત્ત્વ

ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર

સંજય ઠાકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૮. શિવ તંત્રસૂત્રના પ્રણેતા

મહાદેવ અને પાર્વતીના સંવાદોથી અનેક અદ્‌ભુત અને રહસ્યમય ગ્રંથોની રચના થઈ છે. જે પૈકી વિજ્ઞાન ભૈરવતંત્ર જેને તંત્રસૂત્રના નામથી પણ ઓળખવામાં આવે છે તે તંત્ર માર્ગનો અતિ દુર્લભ અને રહસ્યમય ગ્રંથ છે. વિજ્ઞાન ભૈરવતંત્રમાં નાનાં સૂત્રોમાં વિરાટ સત્યને સમાવી લેવાયું છે. ઓશો સહિતના અનેક વિદ્વાનોએ તંત્રસૂત્ર ઉપર પોતાનાં ભાષ્ય આપ્યાં છે. જેમાં તમિલી અને કન્નડ વિદ્વાનોએ લખેલા ગ્રંથો અંગ્રેજી ભાષામાં જોવા મળે છે. તંત્રસૂત્રમાં જણાવેલી નાની-નાની વિધિઓ પણ મોટી સિદ્ધિ અપાવે તેવી છે. ભગવાન શંકરના મુખે કહેવાયેલી આ વિધિઓ રૂપી યુક્તિઓમાં તંત્રમાર્ગના ગૂઢ રહસ્યને સૂત્રાત્મક બનાવીને પીરસાયું છે.

તંત્રના નામે લોકોને અંધ બનાવીને લોકોનું શોષણ કરવા માગતા ઢોંગી, ધુતારા અને ઠગ બાવાઓના કારણે સામાન્ય માનવીના મનમાં તંત્રની છાપ કંઈક બિહામણી અને ડરામણી ઊભી થઈ છે, પરંતુ વાસ્તવિક રીતે તંત્ર તેવું બિહામણું કે ડરામણું નથી. તંત્ર આત્મસિદ્ધિઓ સુધી પહોંચવાનો સીધો, સાદો અને સરળ માર્ગ છે.

તંત્ર શબ્દનો અર્થ ‘‘તન તંત્રાય ઈતિ તંત્ર’’ તેવો કરવામાં આવે છે. જેનો અર્થ થાય તન (શરીર) રૂપી તંત્રને ચૈતન્ય સાથે જોડવાનું વિજ્ઞાન. તંત્રમાં શુદ્ધ વિજ્ઞાન ભરેલું છે. તેમાં તર્ક-વિતર્ક અને દર્શનનો સીધો સંબંધ નથી. તેમ છતાં રહસ્યમય વિજ્ઞાન સાથે તંત્ર સીધો સંબંધ ધરાવે છે. સાંઈબાબા, રમણ મહર્ષિ અને મેહરબાબા જેવા લોકોએ પણ તેમના જીવનમાં આ વિજ્ઞાનનો ઉપયોગ કરેલો છે. જે લોકો દર્શનશાસ્ત્રની ઊંડાઈઓને પામવા યોગ્ય નથી અથવા તો દર્શનશાસ્ત્રમાં જેમની રુચિ નથી તેવા લોકો પણ તંત્રમાર્ગની નાની-નાની અને સરળ વિધિઓથી એ ઊંચાઈએ પહોંચે છે કે જે ઊંચાઈ દર્શનશાસ્ત્રની છે.

વિજ્ઞાન ભૈરવતંત્રની શરૂઆત દેવી પાર્વતીના પ્રશ્નોથી થાય છે. દેવી ભગવાન શિવને પ્રશ્ન કરે છે :

હે શિવ, આપનું સત્ય સ્વરૂપ શું છે ?

આ વિસ્મય ભરેલું વિશ્વ શું છે ?

આ વિશ્વનું બીજ શું છે ?

સતત ભમી રહેલા આ વિશ્વની ધુરી (કેન્દ્રબિંદુ) કોણ છે ?

રૂપ અને અરૂપથી પર (વ્યક્ત અને અવ્યક્તથી પર) એવું જીવન શું છે ?

દેશ, કાળ, નામ અને પ્રત્યયથી પર એમાં પ્રવેશ કેમ થાય છે ?

પાર્વતીના પ્રશ્નોનો કોઈ તર્કબદ્ધ જવાબ આપવાને બદલે શિવ તેના સત્યને સમજવા માટે વિધિઓ બતાવવાની શરૂઆત કરે છે. પાર્વતીની જિજ્ઞાસા પ્રબળ છે. તેથી શિવ પાર્વતીને કોઈ તર્ક કે દાખલા-દલીલોથી સમજાવવાના બદલે પ્રશ્નોની જિજ્ઞાસાને પરિતૃપ્ત કરવાની વિધિઓ બતાવે છે. પાર્વતીના પ્રશ્નોને નિમિત્ત બનાવીને જગતના થઈ ચૂકેલા, થયા છે તેવા અને હવે થશે તેવા તમામ જિજ્ઞાસુઓને માર્ગદર્શિત કરવા શિવ દ્વારા કુલ એકસોબાર વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અલગ-અલગ પ્રકૃતિ અને સ્વભાવના માણસોનાં કારણે આ વિધિઓનું વર્ણન છે. લગભગ કોઈ વ્યક્તિ એવી નથી કે જે આ એકસોબાર વિધિઓની બહાર રહી જાય. કોઈ હિંદુ હોય કે મુસલમાન, ક્રિશ્ચિયન હોય કે પારસી પરંતુ સૂત્રોમાં જણાવેલી વિધિઓ પૈકી જે કોઈ વિધિ જેને માફક આવે તેને અંતરના સત્ય સુધી પહોંચાડવા સક્ષમ છે.

અમુક વિધિઓનો શરીરના શ્વાસોચ્છ્‌વાસ સાથે સંબંધ છે, પરંતુ પતંજલિના યોગસૂત્રમાં કહેવાયેલો પ્રાણાયામ સાથે નહીં. તંત્રસૂત્રના શ્વાસોચ્છ્‌વાસ માટે કોઈ વિશેષ સાધના નથી. શ્વાસ જેવો છે તેના તે રૂપમાં જ તેને કામમાં લેવાની વિધિઓ બતાવાય છે. પતંજલિના યોગસૂત્રમાં પ્રાણાયામ એક યૌગિક કસરત છે. જેના નિયમિત અભ્યાસથી મનને વશ કરીને ધારણા, ધ્યાન અને સમાધિ સુધી પહોંચવાનું માધ્યમ છે, પરંતુ તંત્રસૂત્રમાં શ્વાસ જ્યાં છે ત્યાં સ્થિર કરીને, શ્વાસને નાભિકેન્દ્ર અથવા તો ભ્રકુટિ કેન્દ્રમાં સ્થિર કરીને સાદી વિધિઓ બતાવવામાં આવી છે.

સરળતાપૂર્વક સાધી શકાય તેવી શ્વાસોચ્છ્‌વાસની વિધિથી શરીરને તંત્ર બનાવી પરમ સિદ્ધિનો પ્રસાદ મેળવવાની વાત છે. તો અમુક વિધિઓ ધ્યાન સાથે સંકલિત છે. તે ધ્યાન પણ કોઈ પદ્માસન કે સિદ્ધાસનમાં બેસીને કરવામાં આવતા ધ્યાન જેવું નથી, પરંતુ મન રસપૂર્વક જ્યાં જાય છે ત્યાં તેને કેન્દ્રિત કરવા માટેનું સરળ ધ્યાન છે. તો અમુક વિધિઓ આંખોને અમુક પદાર્થો પર સ્થિર કરવા રૂપે, અમુક વિધિઓ કાનથી અમુક નાદ સાંભળવા વિશે જેવી એકસોબાર સરળ વિધિઓ આપવામાં આવી છે.

એક સૂત્રમાં શિવ દેવી પાર્વતીને કહે છે કે ભ્રકૃટિની વચ્ચે અવધાનને (ધ્યાનને) સ્થિર કરીને મનમાં ચાલતા વિચારોને સામે કરો. પછી મસ્તિષ્કમાં રહેલા સહસ્ત્રાસારચક્ર સુધી શ્વાસને પ્રાણથી ભરતા રહો. વિધિ સફળ થતાં તે તત્ત્વ પ્રકાશની જેમ વરસી પડશે.

વળી એક સૂત્રમાં એમ પણ કહે છે કે સાંસારિક કામોમાં લાગેલા અવધાનને ચાલી રહેલા બે શ્વાસોની વચ્ચે ટેકવો. આ અભ્યાસથી થોડા જ દિવસોમાં કંટાળો, માનસિક થાક અને નબળા વિચારો દૂર થઈ નવો જન્મ થશે. જે લોકોને અકારણ કોઈ ચિંતાઓ સતાવે છે, જે ડિપ્રેશનનો ભોગ બનેલા છે તેવા લોકો માટે આટલી નાની વિધિ પણ રામબાણ ઔષધ સમાન છે. સાધક પાંચ જ મિનિટમાં એ વાતનો અનુભવ કરી શકે છે કે અંદર જતાં અને બહાર નીકળતા બે શ્વાસોચ્છ્‌વાસ ઉપર જેવું ધ્યાન કેન્દ્રિત થાય કે તુરંત શ્વાસની ગહેરાઈ વધી જાય છે. શ્વાસોચ્છ્‌વાસ નાભિ કેન્દ્રને અથડાવો શરૂ થઈ જાય છે. ઊંડો, શાંત અને સ્થિર શ્વાસ વધુ પ્રાણતત્ત્વ ભરે છે અને તે સાથે જ મન પણ તુરંત શાંત અને પ્રફૂલ્લિત થવા લાગે છે.

આટલી સરળ અને સીધી સાદી વિધિઓ છે. વળી એક વિધિને સાધીને પછી બીજી વિધિ કરો તેવી વાત પણ નથી. એક જ વિધિથી પરમ સિદ્ધિ સુધી પહોંચી શકાય છે. મેહરબાબા આંખોની પૂતળીઓને એક જગ્યાએ સ્થિર કરવાની વિધિથી સિદ્ધિ પામ્યા હતા. તો રમણ મહર્ષિ મૃતવત પડ્યા રહેવાની વિધિથી, સાંઈબાબા અવધાનને ભ્રકૃટિ કેન્દ્રમાં સ્થિર કરી પ્રાણતત્ત્વથી સહસ્ત્રાસારને ભરવારૂપ વિધિ કરતા હતા. તેથી જ મહેરબાબા કલાકોના કલાકો એક વસ્તુ સામે મટકું માર્યા વિના જોતા રહેતા. રમણ મહર્ષિ મોટા ભાગે તેમના આશ્રમમાં બિછાના ઉપર શબવત પડ્યા રહેતા અને સાંઈબાબા તેમના ઓરડામાં એકાસને બેસી ધ્યાનને ભ્રકૃટિઓમાં સ્થિર કરવાની વિધિ કરતા રહેતા, પરંતુ આટલી વિધિમાં જ તેઓ પરમ સિદ્ધિને ઉપલબ્ધ થઈ ચૂક્યા હતા.

આવી નાની - નાની વિધિઓથી પણ પરમ સિદ્ધિને ઉપલબ્ધ કરાવવાની વાત વિજ્ઞાન ભૈરવતંત્રે કરી છે. ભગવાન શિવ અને પાર્વતીના સંવાદથી નીકળેલી જ્ઞાનગંગાએ ભારતને અનેક રીતે જ્ઞાનસમૃદ્ધ બનાવ્યું છે. ભારતના જ્ઞાનપથને ઉજાગર કરવામાં ભગવાન શિવનું અનેરું યોગદાન છે. શિવ ભારતના ઉપાસ્ય દેવ તો છે જ. સાથોસાથ ભારતના ગુરુ પણ છે.