તલાક...
શાંતિ બહેન સવારથી જ આમતેમ આંટા મારીને છેવટે છુટ્ટા વાળ અને અસ્તવ્યસ્ત ઘરને હજુ કાલે જ સાસરેથી પાછી આવેલી દીકરી તેજલના ભરોસે મૂકીને ઘરની બહાર નીકળી ગયા. ઘરમાં જો કે ઘણા સગા-વહાલા લોકો કાલના અચાનક જ આવી ચડ્યા હતા. કાલ રાતના દસથી સાવરના ૫ સુધીમાં માંડ ૩ કલાકની ઊંઘ સિવાય તરલે માત્ર અને માત્ર ઘરે મળવા આવેલ બધાની દાટ ફટકાર જ સહ્યા કરી હતી. શાંતિ બહેનના વર્તનમાં પણ જો કાઈ દેખાતું હતું, તો એ હતો સમાજ અને દુનિયાનો ડર. જો કે ઘરમાં કોઈને વાસ્તવમાં શુ બન્યું હતું, એનાથી તો કોઈ લેવા દેવા જ નહતો જાણે. સમાજ અને દુનિયાને શુ કહેવું પડશે, એની ચિંતા જ સતત બધાને સતાવતી હતી. ગામના લોકો માટે તો જાણે દરેક સમસ્યાનું નિદાન માત્ર અને માત્ર સરપંચ સાહેબ અથવા પંચોના નિર્ણય દ્વારા જ આવતું હોય એવો એક વણ કહેલ નિયમ બની ગયો હતો. જો કે સરપંચનો મોટો દીકરો કદાચ ઘરમાં આ જ વાતાવરણ જોઈને ઉચ્ચ-શિક્ષણ પ્રાપ્ત કરીને મુંબઈમાં કાઉન્સેલર બની ગયો હતો.
'હવે શુ કહું સાહેબ, આ છોકરીના કારણે તો મારી જીદંગી બરબાદ થઈ ગઈ. એની હરકતોના કારણે, આજે ઘરની વાત છેક કોર્ટ કચેરી સુધી પહોંચી ગઈ છે.' શાંતિબેને સાવ અશાંતિ પૂર્વક પોતાની વ્યથા ઠાલવી દીધી. ચહેરાની કરચલીઓમાં ઉંમરની છાપ અને વ્યથાની લકીરો ખેંચાઈ રહી હતી.
'કેમ શાંતિ બેન, શુ થયું...?' સરપંચે કહ્યું ત્યારે એમનો જુવાન દીકરો પણ એમની સાથે હતો. મુંબઈમાં સરકારી ખાતામાં ઉચ્ચ હોદ્દાનો કાઉન્સેલર રહી ચૂકેલ દીકરો, હમણાં થોડાક દિવસ પહેલા જ ગામમાં રાજાઓ ગાળવા માટે આવ્યો હતો.
'કાઈ નહીં સાહેબ, બાપની ઠાઠડી ઉઠ્યા પછી માંડ ઉછેરી એને પરણાવીને મોકલી હતી પણ છેવટે તો સાસરામાં એનું જીવન ન જ ચાલ્યું. અંતે તો કોર્ટ કચેરીના ધક્કા ખાધા અને હવે દીકરીને તલાકના નોટિસ મળ્યા છે. હવે તમે જ ક્યો સાહેબ, આ સમાજ અને દુનિયા હું અમને શાંતિથી જીવવા દેશે...?' શાંતિ બહેને પોતાની વાત ચાલુ રાખી. 'એમોય ચેવું ખબર સ આ તો કોઈન કેવાય નઈ, પણ બીજા છોકરા હારે વાત કરતી તી. એવી ફરિયાદ જમઈએ કરી છે, અને બેયને પકડીને પોલિસ ટેશનમો કેસ પણ કર્યો છે.'
'પણ, શાંતિ માસી જરૂરી તો નથીને કે વાંક તમારી દીકરીનો જ હોય...? હું તરલને નાનપણથી ઓળખું છું, અને આમ પણ શક્યતા છે, કે જમાઈનું પણ આમાં કંઇક અસત્ય છુપાયેલું હોઈ શકે ને...?' સુરજે વચ્ચે જ જવાબ આપ્યો.
'જો દીકરા ગોમની વાતો તન નઇ હમજાય. અહીંયા શે’ર જેવું કોઈ જ નો હોય હમજ્યો. અમાર તો મા બાપ જ્યો મેલ ત્યાં પાર પાડવાનું જ હોય. પસ એ ઘરવાળો ભલેન ચેવોય ખરાબ ચમ ન હોય...' શાંતિ બેને ગામના લહેજામાં સરપંચના દીકરાને પણ જોખીને સંભળાવી દીધું. 'આ મારા ઘરવાળાને જ જોઈ લેવો જોઈતો હતો, દીકરા તારે.'
'તમારી મરજી માસી. પણ, એક વાત કઉ...?'
'હા બોલ ન બેટા.'
'તમને કોના પર ભરોસો વધુ...? દીકરી પર કે જમાઈ પર...?'
'આ તો કઈ પૂછવાનું હોય...? દીકરી પર જ ને...? પણ રોઈ હખ-દખ તો પડે જીવનમો, એને જોઈન કાઈ ભાગી થોડે અવાય...?' શાંતિ બેને નજરને સહેજ જુકાવતા કહ્યું. દીકરીના મનની વ્યથા એ સમજતા હતા, પણ આ સમાજ અને ગામના લોકોનો ડર એમને કઠોર બનાવતો હતો.
'તમારી છોડીએ તમને કોઈ વાત કરી હતી, આ બનાવ બન્યો એના પેલા...?' સ્નેહલે શાંતિ માસીને સારું-ખોટું લાગવાની પરવા કર્યા વગર જ પૂછી નાખ્યું.
'હોવ લ્યા, એ તો ઘણી વાર કે’તી. પણ અમે જ એને હમજાવતા, કે જેવું છે એવું હાલવા દ્યો. ક્યારેક તો સુધરશે જ ને આ બધું...?'
'તો તમે એને સમજાવાની કોશિશ તો કરી ખરા...?'
'ઘણીએ હમજાવી તો સ, પણ તોય ઈ નઈ જ મોની અન જીવનમાં આગ લગાડી બેઠી. હવે બળેલા જીવનના પ્રવાહમાં વળી શું સમજવાનું હોય કે...?'
'કેમ ન સમજવાનું હોય માસી, તમારા સંતાનને તમે એટલી પણ અધિકારભાવના નહીં આપો, જેથી કે એ એના દિલની વાત તમને ખુલીને કહી શકે...? કેમ તમારે બસ એના સાસરિયા વાળાના કહેવાને જ સંપૂર્ણ સત્ય માન્યા કરવાનું હોય...? એ જરૂરી થોડું છે, કે દીકરી આજે પણ જુના નિયમોના આધારે સાપનો ભારો જ બનેલી રહે. જ્યારે સરકાર અને એટલે સુધી કે સંવિધાન પણ સમાનતાનો અધિકાર આપે છે, તો પછી તમે કેમ ન આપો આ અધિકાર તમારી દીકરીને...?'
'આ બયધુ મન નો હમજાય દીકરા. પણ એના કારણે આખાય સમાજ હામે તો અમાર નીચા જોયા જેવું જ થયું ને...?'
'જરૂરી નથી ને.'
'જરૂર નથી એટલે...? દીકરા, ઈ કોણ માની લેવાનું ક જમઈ ખરાબ હશે...? બધા તો એમ જ કેવાના ન ક આને જ લફરા કર્યા હશે, એટલે બાપડો કાઢી જ મુકન...'
'પણ માસી, તમારે શુ કામ કોઈને મનાવવું છે...?'
'તો શું સમાજના વાકબાણ અમારે જ સહેવાના, અને પાપનો ટોકરો માથે મઢીને જ આગળનું આખું જીવન જીવ્યા કરવાનું ને હવે...'
'તમે આવી બધી વાતો કેમ કરો છો, માસી...?'
'દીકરા તું તો શેરમાં રહ્યો છે, તને ગામડાની વાતો, રીવાજો કઈ નઈ હમજાય. દીકરી જારે ઘેર બેહ, તાણ મા-બાપની હાલત હું થાય ઈ તો તારા બાપાને જ પૂછ.’
'કેમ તે માસી, જ્યારે દીકરો આજીવન ઘરે રહી શકે તો દીકરી બિચારી મજબુરીના સમયમાં કેમ ન રહી શકે. તમને માત્ર એ વાતનો અફસોસ તો ન હોવો જોઈએ, કે તમારી દીકરી ઘરે બેસવાની છે. હા... તમારા મતે જો કોઈ અન્ય કારણો હોય તામારી દીકરીને દોષી ગણવાના, તો હું એમાં તમને કઈ જ ન કહી શકું. પણ, હા... જરૂરી નથી કે સાસરે ગયા પછી દરેક વાંક દીકરીનો જ હોય. અને જો વાંક દીકરીનો ન હોય, તો દીકરીના ઘરે રહેવાથી વળી માન-સમ્માનને અસર ક્યાંથી થવાની.'
'તું કે સ પણ, એક વાયર પૂછ તારા બાપાને કે આ બધું આપણા ગામમાં હાલે છે ખરું...?'
'માસી... પપ્પા પણ હવે પહેલા જેવા નથી રહ્યા. એમના દીકરાનું ભણતર એમને ગળે ઉતર્યું છે. અને મને વિશ્વાસ છે કે પપ્પા દ્વારા એ આખાય ગામને પણ કામ જરૂર લાગશે. કેમ પપ્પા બરબરને...?'
'હા દીકરા... ખોટી જિંદગી આંખી અંધ વિશ્વાસો અને આંધળા કુરિવાજોમાં જ વિતાવી દીધી. આમાને આમા કેટલાય જીવાનોને મારી આંખો સામે મેં બળતા જોયા છે. આ પેલી સવલીને જ જોઈ લે ને... બિચારી કઈ વાંક વગરની સજા ભોગવી રહી છે. પણ હવે એનોય ન્યાય થશે.'
'મને કઈ ખબર નો પડી, સરપંચ સા.' શાંતિએ કહ્યું.
'માસી વાંધો ન હોય, તો હું ને પપ્પા આજે તરલ સાથે વાત કરી શકીએ...?'
'તારા બાપા તો સરપંચ સે ઇ કે એટલે પત્યું, અમારી ઈચ્છા અનિચ્છાનું શુ હોય વળી.' શાંતિએ ફરી કહ્યું.
'ના હો માસી, એ ખોટું, તરલ ઇ તમારી દીકરી છે. અને બાલીક એટલે તમારી સહમતી પછી એની સહમતી પણ જરૂરી છે.'
'કોય નઈ દીકરા, હોંજે મોકલી દઉં છું હમણાં.' શાંતિ બેન આટલું કહીને સલામ ભરતા ઘરની બહાર નીકળી ગયા.
લગભગ આ આખી ઘટનાના ચોથા દિવસે ધીરજ દેવડાએ ગામમાં સભા બોલાવવાનો આદેશ આપી દિધો. તરલ સાથે સરપંચ અને દીકરાએ એજ દિવસે પૂરતી વાતચીત કરી લીધી હતી. આપેલા સમય મુજબ ગામની સભા વ્યવસ્થા મુજબ ગોઠવણ અને ગામના લોકો ત્યાં હાજર થયા. શાંતિ બેન અને તરલ પણ. સવલી અને એના દિયરને પણ બોલાવ્યા હતા પંચાયતમાં.
ધીરજ દેવડા સાથે આજે પ્રથમ વખત સુરજ દેવડા પણ પંચાયતમાં હાજર હતો. છેવટે ગામના ત્રણેક મસલા મુદ્દાના હતા, જેમાં પ્રથમ સડક નિર્માણ અંગે હતો જેનો પ્રતિભાવ ધીરજ સિંહ આપી ચુક્યા હતા. ચાર પંચોનો પણ એમાં સહકાર હતો, એટલે એમાં કોઈ જ વાતનો વધારો ન થયો.
ત્યાર બાદના મુકદમાં માટે શાંતિ બેન અને તરલને બોલાવવામાં આવ્યા. ત્યારે આસપાસના લોકો જાણે કોઈ આતંકી હાલ જ કતલ કરીને અહીં આવ્યો હોય, એ પ્રકારે આક્રોશ ભેર તરલ અને શાંતિ બેનને બધા જોઈ રહ્યા હતા. ગામ આખામાં એમને કાઢી મુકવાનો કારસો જ ઘડાતો હતો.
'એ કોઈ અપરાધી નથી, એટલે તમારી અંદર ભભકતો આક્રોશ પહેલા તો સાવ છોડી દો.' સુરેન્દ્રએ ઉભા થઈને કહ્યું. પછી એણે તરલની સમક્ષ માનભેર નજરે સ્મિત વહાવ્યું.
મુકદમાની શરૂઆત થાય એ પહેલાં ધીરજ સિંહે પોતાનો મત સવલી વાળા ચુકાદાને પહેલા લેવાય એ સુઝાવ દ્વારા મુક્યો. બધાય હકાર ભર્યો અને એના દિયરને પણ પંચાયત વચ્ચે બોલાવીને પંચોની સામે જ ઉભો કરાયો.
'તો બોલ ધનસુખ, સવલી સાચે જ ગુનેગાર હતી, એ સજા માટે જે એણે ભોગવી છે...? અને કોણ જાણે ક્યાં સુધી હજુ ભોગવશે...?' ધીરજ દેવડાના સવાલ સાથે આખી પંચાયત આશ્ચર્યમાં ગરકાવ હતી. બધાના મોઢા લીમડાનો રસ પીવડાવ્યા પછી હોય એવા કઢંગી અકારોમાં મચકોડાયા.
'સરપંચ સાહેબ તમે આ કેવી વાત કરો છો.' ગામના એક યુવકે કહ્યું.
'આ ચુકાદો તો પંચાયત પહેલા જ આપી ચુકી છે. આવા મુકદમામાં તો અસ્ત્રી જ અપરાધી હોય.' બીજો ડોસો પણ બોલ્યો.
'એવી કેવી સ્ત્રી કે દેવર હારે હુંઈને સવારે સતી સાવિત્રી થઈ જાય.' સ્ત્રીઓએ પણ કહ્યું.
'એને મળેલી સજા યોગ્ય જ છે.' ત્રણેક જણ એકી સાથે બોલી ઉઠ્યા.
થોડી જ વારમા આખું ગામ સવલીના વિરોધમાં અને એના દિયર સાથે સહમત થઈ ગયું. પણ ધીરજ દેવડા હવે જૂની વિચારધારામાં થયેલ ભૂલોને સુધારી લેવાના મૂડમાં જ હતા. એમણે પોતાનો નિર્ણય ઓચિંતો જ ગામ સામે મુક્યો.
'સવલીની બાકીની સજા આ એનો દિયર ધનસુખ ભોગવશે. અને સવલીને એનું સમ્માન ગામમાં પાછું મળશે. એનું બાળક પણ ધનસુખના ઘરથી જ સાંભળશે, અને સવલી જીવે ત્યાં લગી એનું ભરણ-પોષણ પણ ધનસુખ કમાઈને કરશે. હા, જો એ ઈચ્છે તો સવલી સાથે લગ્ન કરી એની સજા માફ કરાવી શકે. પણ, જો સવલી આ માટે તૈયાર હોય તો, બાકી ધનસુખને માફ હવે સવલી જ કરી શકે.' ધીરજ દેવડા સુરેન્દ્ર સામે મજબૂત અને બુલંદ નિર્ણય આપતી નજરે જોઈ રહ્યા હતા. જાણે કહેતા હોય કે જો દીકરા છે ને હવે, આ નિષ્પક્ષ ન્યાય...
આ સાંભળ્યા પછી કેટલાય લોકોનો કલબલાટ થયો. પંચોમા પણ અંદરો અંદર કેટલીયે વાતો થઈ. અરે સરપંચ સાહેબ આ શું કહી રહ્યા છો. તમને પંચાયતની ગરીમાંનું કાઈ માન-સ્વમાન છે કે પછી... ગામના કેટલાય લોકો આ નિર્ણયને વિરુદ્ધમાં બોલવા તત્પર હતા. પણ, ધીરજ દેવડાના નિર્ણય સામે કોઈની કાંઈ કહેવાની હિંમત ન થઈ, છતાંય દરેકના ચહેરા એનો સ્પષ્ટ વિરોધ દર્શાવી રહ્યા હતા.
'મારો નિર્ણય પાછો વાળી શકે એવું ગામમાં કોઈ જ નથી. છતાં મારે દરેક નિર્ણય માટે તમારી સ્વીકૃતિ મેળવવી હું અંગત રીતે જરૂરી માનું છું. એનું કારણ છે મારા નિર્ણયની નિષ્પક્ષતા અને ગામના બધાયનું સંમિલિત હિત. આજ પ્રથમ વખત હું મારા નિર્ણયમાં ગામના લોકોનો અવિશ્વાસ જોઈ રહ્યો છું. પણ હું જાણું છું, કે આજે એવું કેમ છે...? હું એ કારણ પણ ધીરે ધીરે તમારી સમક્ષ મૂકીશ.' ધીરજનો મક્કમ અવાજ પંચાયતના તમામ ગ્રામજનો સુધી પહોંચી રહ્યો હતો.
એમણે સહેજ વાર દરેક સામે નજર ફેરવતા કહેવાનું ચાલુ રાખ્યું. 'કોઈ મને કહેશે કે આજથી પાંચ વર્ષ પહેલાંની પંચાયતમાં ફરિયાદ શુ આવી હતી...? જ્યારે આજ સવલી બાઈ અને ધનસુખને હાજર કરાયા હતા...?'
'બધાય જાણે છે સરપંચ સાહેબ છતાં તમે આજ...' એક યુવાને કહ્યું.
‘મને કાઈ...’ આટલું કહેવા જતા જતા સવલીનો સાદ વેદનાના કારણે ફાટી રહ્યો હતો.
'માસી તમે જરાય ચિંતા ન કરો અને રડશો પણ નહિ. જ્યાં સુધી નિર્ણય ન આવી જાય ત્યાં સુધી તમે પણ એટલા જ નિર્દોષ, જેટલા નિર્દોષ હાજર રહેલા ગામના અન્ય લોકો છે.' સુરેન્દ્રએ સવલીને દિલાસો દેતા કહ્યું. ગામના લોકોની કે પંચાયતની પરવા ન હોય એમ સુરેન્દ્ર એમની પાસે પહોંચી ગયો હતો. કદાચ આખા ગામ વચ્ચે પોતાના જીવનની નગ્ન વાસ્તવિકતાની ઉછળતી લાગણીઓ સહી શકવી એક સ્ત્રી માટે શું હોઈ શકે એ સુરેન્દ્ર સમજી શકતો હતો. એણે નિરંતર આંસુએ રડતી સવલીને સંભાળી લીધી હતી.
'બસ આ જ દી બાકી રહ્યા તા ગામમો, ક પંચના સોકરા ભણીન આવ અન આપણ હંધાયન આ આબરૂ વગરની બાય જેવા ગણાવી નાખે.' એક ભા વચ્ચે જ બોલ્યા. બે ચાર જણે એમાં હાસુ છે એવી સમર્થનની ગામઠી બોલીઓ પણ ઉમેરી.
'બધાય શાંત થઈ જાઓ. હું જાણું છું કે જ્યાં સુધી આખી વાત નહિ હમજાય, ત્યાં સુધી કોઈને કાંઈ નહિ સમજાય.' ધીરજ દેવડા પોતાની ખુરશીમાંથી ઉભા થઈને મોટા અવાજે ગરજ્યા. 'આખી વાત કોઈ સાંભળશે કે બચારી એક સ્ત્રીના માન સમ્માન પર આંગળીઓ ઉઠાવીને પોતાની જાતને હીન કરતા જશો.'
'નિર્ણય ગામનો છે, અને પંચાયતમાં આવ્યો છે તો પંચાયતમાં જે નિશ્ચિત થાય એની રાહ જોતા પણ શીખો.' સુરેન્દ્રએ પિતાની વાતને સમર્થન આપ્યું.
'હા, હજુ કોઈ ચુકાદો નથી આવ્યો. દરેકને પોતાની વાત કહેવાનો સમય મળશે જ...' બીજા પંચે પણ કહ્યું.
બધા લોકો સહેજ કલબલાટ સાથે શાંત થઈને પાછા ગોઠવાયા. અને ધનસુખને પંચોની સામે આવવા માટે કહેવામાં આવ્યું. સવલી બિયાતા બિયાતા પંચની નજીક સરકી. ગામના લોકો હજુ એને ખાઈ જતી નજરે જ જોતા હતા.
'સરપંચ સાહેબ મને મારી સજા મંજુર સે... આમ આખા ગામ વસે મને લજવાય એની કરતા મારી અભાગી સજા હું ખોટી સે...?' સવલીએ કહ્યું. પણ ધીરજ દેવડા જાણે એને અવગણી રહ્યા હતા.
'ધનસુખ તું કહેવાનું ચાલુ કર...'
'સાહેબ નિર્ણય તો તમે જ આપેલો ને, આ હંધાય પંચ અને ગામની હામે.' ધનુસખે પોતાનો બચાવ કર્યો.
'તો તને સાચા ગુનેહગારની પણ ખબર જ હશે ને...?'
'સાયબ ઇ દિવસે પણ ગુનેગારને જ સજા મળી હતી ને...? તો આજ ઓચિંતા પાછું હું હુજ્યું...?'
'તો તું સાચી હકીકત આખાય ગામને નઈ જ કેવાનો એમને...?'
'પણ સાયબ...' ધનસુખ ધ્રુજતા સાદે બોલ્યો
આખું ગામ આ બંને બચ્ચેનો સંવાદ સાંભળતું જ હતું. સુરેન્દ્રની આંખોમાં એક આનંદ હતો, એના જ્ઞાનના કારણે પંચાયતમાં પ્રસરેલા પ્રકાશનો આનંદ.
'સાયબ મેં તો હાચુ જ કિધેલું ને...?'
'શુ સાચું કીધું તે...? આ ગામે અને મેં સવલીને સજા આપી હતી, એ વખતે તે જે કહેલું એ ખરેખર સાચું હતું...? કદાચ એ સમયે અમે જે માન્યું એ સાચું ન પણ હોય ને...? એટલે તું આખા ગામની વચ્ચે આજે સત્ય કહીશ. કારણ કે જો આજે તું જુઠ્ઠું બોલ્યો, તો તારું ગામમાં રહેવું અથવા ભાગવું બંને મુશ્કેલ થઈ જશે. એટલે વિચારીને જ બોલજે...' ધીરજ દેવડા ગુસ્સાથી નીતરતી આંખે ગરજ્યા.
'પણ સાયબ...' ધનસુખનો અવાજ ધ્રૂજતો હતો.
પંચોમા અને ગામના લોકોમાં અંદરો અંદર વાતો સતત ઉગ્ર બનતી જઈ રહી હતી. બધાને જે કાંઈ થઈ રહ્યું હતું એ સમજાતું ન હતું, પણ એટલું જરૂર દેખાઈ રહ્યું હતું કે નિર્ણય જરૂર સર્વસહમતી દ્વારા જ આવશે.
'વાસ્તવિકતા એનાથી નઈ કેવાય એટલે ગામના લોકોને હું જ કહી દવ. સવલીનો જે ચુકાદો પંચો દ્વારા અપાયો એ સાવ ખોટો હતો. આપણા ગામની માનસિકતા પણ એ ખોટા ચુકાદામાં જવાબદાર હતી. આપણે હંમેશા કોઈ પણ સ્ત્રી સાથેના બનાવમાં સ્ત્રીને ગુનેગાર સમજી બેસીએ છીએ. એ દિવસે જ્યારે ધનસુખ અને સવલીના આડા સંબંધોની વાત ગામમાં વહેતી થઈ, ત્યારે પણ બધો ગુનો આખા ગામે સવલીના માથે જ ફોડ્યો. જો કે મહત્વની વાત તો ઇ પણ હતી ને કે ખુદ એની મા અથવા એની બેનોએ અને અન્ય ગામની સ્ત્રીઓએ પણ વાસ્તવિકતા જાણ્યા વગર એને જ દોષી ઠેરવી દીધી. પણ, શુ વાસ્તવિકતા જાણવાની કોઈએ કોશિશ કરી...? દલસુખના મર્યા પછી સવલીનું જે જીવન હતું એ સહજ રીતે અસહાય સ્થિતિમાં હતું. એને આર્થિક અને સામાજિક રીતે પણ સહકારની જરૂર તો હતી. નાના દિયર પાસે મદદ માગવી એ કાંઈ ખોટું પણ નથી. કદાચ એ દિવસે પણ જો હું ખોટો ન હોઉં તો સવલીનો દીકરો બીમાર હતો, એટલે એને પાસેના ગામમાં મોટા સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ જવા એ ધનસુખને કહેવા ગઈ હતી. ધનસુખની પત્ની ઘરે ન હોવાનો ફાયદો ઉઠાવી દારૂના નશામાં એણે એની જ ભાભી સાથે એવા પાપ કર્યા, જે દિયર તરીકે તો શું માણસ તરીકે પણ માન્ય ન ગણાય. દીકરાની સ્થિતિ વધુ બગડી છતાંય કોઈએ એની એ લાચારી ન જોતા, આવા બધા કાવતરામાં એને દોષી ઠેરવી અને ગાળો ભાંડીને ગામમાંથી બહાર કાઢવાની વાતો જ કરી. સવલીને આખા ગામે બદચલન જાહેર કરીને એની સહાયતા કરવાની પણ કોશિશ ન કરી અને પરિણામે જીવલો બિચારો નેની ઉંમરે જ બીમારીને કારણે ગુજરી ગયો. દીકરાના મારવાના દુઃખમાં ગામના મેણા ટોણાનું દુઃખ પણ વધારાનું ભળ્યું. એક સ્ત્રી માટે એના માન સમ્માન પર ઉઠતા સવાલથી વધુ દારુણ શુ હોઈ શકે...? એ પણ એવી સ્થિતિમાં જેના જીવનમાં પતિના ગયા પછી માત્ર એક દીકરાનો સહારો હોય અને એ પણ ગુજરી જાય. જો કે પછી એણે આ ધનસુખાનો ગર્ભ રહી ગયો. દીકરાનો સહારો તો મળશે એવી જ આશાએ કદાચ એણે એ બાળક સાચવ્યું હશે, તેમ છતાંય ગામે એના દુઃખ અને નિર્દોષ હોવાના દાવાને ધિક્કારી એને જ બદચલન ગણાવીને સજાની હકદાર બનાવી દીધી. કદાચ આમાં મારી પણ ભૂલ હતી, કારણ કે એ સમયે મેં પણ પુરુષ પ્રધાન માનસીકતાના આધારે જ નિર્ણય લીધો હતો. પણ, હું કઈ વિચારી જ ન શક્યો. કારણ કે ગામની સ્ત્રીઓ પણ એ બિચારીને સમજવાના સ્થાને એની વિરુદ્ધમાં ઉભી હતી.' ધીરજ દેવડાનો બુલંદ અવાજ લાગણી સભર અને વેદનાના પ્રવાહમાં ખેંચાવા લાગ્યો હતો. 'એટલે મારા ગુનાને સ્વીકાર કરીને હું સવલીને બેગુનાહ હોવા છતાં સજા આપવાના અપરાધને કારણે પંચ પદેથી નિવૃત્તિ જાહેર કરું છું. ખોટો નિર્ણય કરનાર કોઈ પણ વ્યક્તિને પંચની ખુરશી પર બેસવાનો અધિકાર નથી. એક સરપંચ તરીકે મારે એ ફરજ પણ નિભાવવી જ રહી ને...?'
'તો શું સવલી નિર્દોષ છે...?' આસપાસ બેઠેલા લોકો અને પંચોમા પણ અંદરોઅંદર આ વાત શરૂ થઈ. દરેક લોકો ધનસુખ સામે ગુસ્સે ભરેલી નજરે જોઈ રહ્યા હતા. ધનસુખ નીચી નજર કરીને પછતાવાના આંસુઓ રડી રહ્યો હતો.
'આ નિર્ણય પછીનો હજુ એક નિર્ણય મારા પંચ પદે નક્કી થશે. ત્યાર બાદ વશરામ કાકા આપણા મુખ્ય પંચ ગણાશે અને ગામના વડીલ વેલજી કાકા વશરામ કાકાના સ્થાને પંચમાં બેસશે.' ધીરજ દેવડાએ બીજી જાહેરાત પણ કરી.
'તો ધનસુખ, હવે તારે તારી બેગુનાઈમાં કાઈ કહેવું છે...? કે પંચો એમનો નિર્ણય સંભળાવે...?' વશરામ કાકા અને અન્ય પંચોએ કડક અવાજે પૂછ્યું. આખા ગામના લોકો અચાનક બદલાયેલા નિર્ણયના કારણે વિચારોમાં ખોવાયેલા હતા.
'મારે... હું... પણ... કોઈ...' ધનસુખના શબ્દો ધ્રુજતા હતા.
'ધનસુખ ધ્યાન રાખજે ખોટું નહિ બોલતો.' વેલજી કાકાએ પણ ધીરજ દેવડાના જેવો જ રુઆબદાર હુકમ કર્યો.
'પણ... માઈબાપ... મારાથી ભૂલથી જ એ બધું... એ દિવસે હું નશામાં...' ધનસુખ ધ્રૂજતો હતો.
'એટલે તે કર્યું હતું ને બધું. તો પછી એ દિવસે કેમ કાંઈ ન બોલ્યો. તે તો એવું કહ્યું કે સવલીએ તને ઉકસાવ્યો હતો અને જમીન લેવી હોય તો આમ કર તેમ કર જેવા બહાના કાઢ્યા હતા...' પંચમાંથી એકે કહ્યું.
'એ તો... હું ડરી ગયો હતો માઈબાપ... ઇ બધું જુઠ્ઠું છે. સવલી બચારી બેગુના છે. ઇન જાવા દયો. મન મારી સજા મંજુર છે.' ધનસુખે કહ્યું.
'તો તારી સજા ધીરજ દેવડાએ પેલા કીધી એ જ રહેશે. અને યાદ રાખ કે તે ગામની સામે અને પંચો સામે જુઠ્ઠું બોલ્યું છે, એટલે તારા ઘરને પંચોની ન્યાય પ્રણાલીમાંથી બહાર કાઢવામાં આવે છે. હા, સવલી કોઈ પણ સમયે પંચો પાસે સહાય માંગી શકશે. જો સવલી હારે પરણે તો એને કષ્ટ આપવાનું વિચારતો પણ નહીં...' બીજા પંચે પણ નિર્ણય આપ્યો.
ચુકાદા બાદ આખું ગામ અલગ જ પ્રકારની સ્વતંત્રતા અનુભવી રહ્યું હતું. સુરેન્દ્રના ચહેરા પર એક તેજ ઝળહળી રહ્યું હતું. સવલીના ચહેરા પર એક તૃપ્તિનો અહેસાસ તળવળી રહ્યો હતો. શાંતિ બેન અને તરલના ચહેરા પર એક વિચિત્ર વિશ્વાસની કુંપળો અંકુરિત થઇ રહી હતી.
‘તો હવે આગળની કાર્યવાહી શરુ કરવામાં આવે.’ વશરામ કાકાએ પંચ જેવા રુઆબદાર અવાજે કહ્યું.
‘હા તરલ અને શાંતિ બેનનો મુદ્દો પણ બહુ સરળ જ છે. મને તો એમાં કાઈ નિર્ણય આપવા જેવું લાગતું જ નથી.’ ધીરજ દેવડાએ કહ્યું. ‘મેં એણે કહ્યા મુજબની બધી વિગતો સમજી છે. એનો બચારીનો કોઈ વાંક જ ન હતો. કોઈ છોકરો હતો જેની સાથે એ વાત કરતી હતી, પણ વાસ્તવમાં આ આખી કહાની સુરેન્દ્રના કહ્યા પ્રમાણે તરલને બદનામ કરવાનું કાવતરું માત્ર છે. હકીકત જરાક એમ છે કે જમઈ પોતે જ ભટકેલ લાઈનનો છે. જો કે એને આ પ્રકારના કેસ દ્વારા ઘણો ફાયદો થયો હશે. એટલે આવા અર્થહીન મુદ્દાને અહી લાવવો જ ન જોઈએ. જેને દીકરી તરીકે મોટી થતી જોઈ છે એના પર શક કરવો એ મને ઉચિત નથી લાગતું.’
‘પણ, એ આમ ગામમાં એકલી રહેશે, એ શું યોગ્ય ગણાશે...?’ બીજા પંચે મુદ્દો ટક્યો.
‘એકલી રહેશે, એટલે...?’ વશરામ કાકા બોલ્યા.
‘અરે કાકા દીકરો આખી ઉમર ઘરે રહી શકે તો દીકરી કેમ નહિ...?’
‘પણ, એનો હાથ કોણ જાલશે...?’
‘કેમ, એનો બિચારીનો વાંક કે ગુનો જ શું છે...?’ સુરેન્દ્ર વચ્ચે બોલ્યો.
‘દીકરા તને એ બધું ન ખબર પડે. આ યુવાનો બધું બહાર બોલે પણ કોઈ એને અપનાવવા તૈયાર નો થાય.’ વશરામ કાકા બોલ્યા.
‘તમારી વાત તો સાચી છે કાકા...’ ધીરજ દેવડાએ કહ્યું.
‘પણ, કાકા...’
‘તને ઈ નો હમજાય સુરેન્દ્ર.’
‘અરે પણ...?’
‘શું તું હોય તો એને અપનાવી હક...?’
‘સમજુ માણસ માટે આ કાઈ મુશ્કેલ નથી.’
‘હું તારી જ વાત કરું, બોલ તને કહેવામાં આવે કે તું એને પરણ, તો શું તું ઈ કરી શકે...?’
‘હા કાકા, જો મારા પપ્પા માને તો મને કોઈ વાંધો નથી. તરલ જેવી સ્ત્રીને પામીને હું મારી જાતને ધન્ય જ ગણીશ.’ સુરેન્દ્રએ કહ્યું. પણ, આખું ગામ એના આ શબ્દો સાંભળ્યા પછી ફાટી આંખે એને જ જોઈ રહ્યા હતા.
‘પણ... દીકરા...’
‘અરે પપ્પા, શું તમે પણ...’
‘મને કોઈ વાંધો નથી જો તને આ વાતથી કોઈ આપત્તિ ન હોય. પણ...’
‘પણ શું પપ્પા...?’
‘પાછળથી તને એમ ન થાય કે ગામના પ્રશ્નને સુલાજાવતા તું એમાં ભરાયો.’
‘ના પપ્પા, મારા કારણે કોઈનું જીવન ફરી ખુશહાલ બને તો મને એનાથી વધુ ખુશી ક્યાય મળી જ ન શકે.’ સુરેન્દ્ર આટલું કહીને બેસી ગયો. ધીરજ દેવડાની દ્રષ્ટિમાં દીકરો વધુ સમ્માનનો અધિકારી બની ગયો હતો.
આખું ગામ સુરેન્દ્રની આ સમજદારીના કારણે એને વિચિત્ર પ્રકારે જોઈ રહ્યું હતું. શાંતિ બેનની આંખો જાણે આશ્ચર્ય અને ખુશીમાં વિચિત્ર પ્રકારે ખુલી જ રહી ગઈ હતી. તરલના ચહેરા પરના ભાવ હળવા હતા. કદાચ સાસરેથી નીકાળી દીધા પછી ગામમાં કોઈ પ્રથમ વ્યક્તિનો પ્રભાવ એને સહજ સ્વરૂપે મળ્યો હતો. પંચો પણ મૌન હતા.
‘તો હવે નિર્ણયની કોઈ જરૂર નથી. હું તરલને મારી પુત્રવધુ સ્વીકારવા તૈયાર છું.’ ધીરજ દેવડાએ બુલંદ અવાજે નિર્ણય આપ્યો. બધાએ નિર્ણયને વધાવી લીધો. આજે પ્રથમ વખત કદાચ પંચાયત નિષ્પક્ષ ન્યાય વેચતા શીખી હતી. ગામમાં ઉમંગ હતો અને ધીરજ દેવડાની આંખોમાં ગર્વ.
તરલ, શાંતિ બેન, સુરેન્દ્ર, ધીરજ દેવડા, પંચો અને ગામના લોકો બધા જ આજે ન્યાયની સત્યતાને સમજી ચુક્યા હતા.
તિખારો – સત્ય હંમેશા એ જ નથી હોતું જે નરી આંખે જોઈ શકાય છે. અથવા જે અન્ય દ્વારા આપણે સાંભળીએ છીએ. સત્ય એ પણ હોઈ શકે જે આંખોથી ન જોઈ શકવા એનું અસ્તિત્વ હોય છે.
~ સુલતાન સિંહ ‘જીવન’
(૦૩:૦૯ PM, ૨૪ માર્ચ ૨૦૧૮)