પ્રેમની કૂંપળ
શ્રુતિ શાહ
પ્રિય નિઝલ,
‘હું તને પ્રેમ કરું છું!’
ઓહ, કેટલા મીઠા શબ્દો છે!
આ જિંદગીમાં જાણે બધું વ્હાલું - વ્હાલું લાગે છે, જાણે બધું મીઠું - મીઠું લાગે છે!
તને કહું છું ત્યારે એવું લાગે છે કે હું તને હમણાંથી નહીં વર્ષોથી નહિ પણ જન્મો જન્મથી જાણું છું ને ચાહું છું.
ક્યાંથી નીતરતી હશે આટલી બધી મીઠાશ!
એ માંથી?
એ અઢી અક્ષરના શબ્દ માંથી!
દુનિયાના બધા મિષ્ઠાન પણ ફિકા લાગે છે જ્યારે તારા પ્રણયની અમી વરસે છે ત્યારે.
બસ, એ જ નથી સમજાતું. હા, બાકી બધું સમજાઈ જાય છે.
એવું લાગે છે કે પ્રેમનો આ એહસાસ અદભુત છે.
અરે, હવે જ ખબર પડી કે સ્વર્ગ તો અહીંયા જ છે. ચારેકોર સુખની જ અનુભૂતિ થાય છે. મન તો આસમાનમાં છે, ખબર નહિ ક્યાંય ઉડતું હશે! પગ પણ જમીન પર આવવા તૈયાર જ નથી. મારી દુનિયા તો તારામાં વર્તુળમય બની ગઈ છે. તારા થી શરૂ થઈ તારામાં જ પુરી થાય છે.
“સ્નેહનું ઝીણું ટપકું તું પાડે,
હું અથાગ પ્રેમનું ઝરણું વહાવું.”
મન ભરીને નાચી લઉં, કઈ ઉપમા આપું આપણા પ્રેમની?
રોશની પણ સુરજથી શરમાઈ - શરમાઈને દીપ પાથરતી હોય ને, તારા ને મારા પ્રેમની સાક્ષી ભરે છે. ચંદલિયો થાક તો નથી મારા મોઢે તારી વાત સાંભળી સાંભળી. મુરઝાયેલી કળીઓ ફરી ખીલી ઉઠી છે. અંતરના ઉમળકા શાંત થવાનું નામ નથી લેતા. ખોવાઈ ગયેલી પાંદડીઓ ને પણ રસ્તા જડી ગયા. દિલના હાલ ના પૂછો, સોળે શણગાર સજવું છે. કોઈકની લાલી લીધી ને કોઈકની કાજલ. દરેક ઘડીએ તારી આવવાની રાહ જોવાય છે.
“નશો નથી કૈફ નથી, તો શું છે?
જીદ નથી જરૂરત નથી, તો શું છે?
ઓળઘોળ કરે તારી પ્રીત પર એ
કુદરતની અનોખી રીત છે.”
એકલતાના સમુંદરમાં ખળભળતા સપનાના જળ તરંગોને ઓટ પછી ભરતી આવ્યાનો અહેસાસ થાય છે. સુખની તૃપ્તિ ને સંતોષની પ્રાપ્તિનો નજરો માણું છું. તારા આવવાથી મને મારા પણાંનો અનુભવ થાય છે. સાત અજાયબી જોઈ નથી પણ મારી પેહલી ને સાતમી અજાયબી તો તું જ છે! ઉમંગ છે, ઉલ્લાસ છે, ઉત્સવ છે. જ્યાં તું છે ત્યાં બધું જ છે.
“વિના સવાલે મળ્યા જવાબ,
પ્રેમ સૃષ્ટિમાં મળ્યા નવાબ”
શ્યામ હોવા છતાં રાત્રીનો આ ગગન સુંદર લાગે છે. તેમાં ખળભળ વહેતા વાદળાં તેનું રૂપ વધારે છે. અને તરતા તારાએ નભની ચમક ચોરી છે. અમાવસ્યાની રાતલડી વધુને વધુ ખીલી રહી છે.
ચાંદ ની ચાંદની શાંત ઝરણામાં તેનો રૂપકડો પ્રતિબિંબ પાડી રહ્યો છે, આવા નિરાલા સમયમાં પ્રસન્ન સમીર હિંડોળા લઇ રિસામણી તરૂને મનાવવાની કોશિશ કરે છે, એ જોઈ મને પણ રીસાઈ જવાનું મન થાય છે.
“લાગી છે પ્રેમતણી પ્રીતલડી,
જુઓ ત્યાં નજરાય સુરત આપની”
હાથમાં હાથ પરોવાયેલા ત્યારે મોહનો ધગો બંધાઈ ગયો, આ નશો છે કે જિદ્દી, તારી આદત ચોક્કસ છે. નથી રહેવાતું દૂર તારા વગર, આ ઘડી બે ઘડી નો સંગાથ નથી જન્મોજન્મનો છે.ક્યારેક શતરંજની રમત પણ સમજાય પણ આ પ્રેમની રમત નથી સમજાતી. બધું છે છતાં પણ ડર નામનો દાગ પણ છે.
“મોસમે પોતે તારીખ બદલી,
હેતની એક નવી કૂંપળ ફૂટી.”
રણમાં મૃગજળ ની આશામાં જળ મળ્યું નો પરમ આનંદ એવો તું છે. મારા વેરાન રણમાં તારા આવાથી લીલોછમ થઈ ગયો છે. શુ કરું? નથી રહેવાતું. તારા સાનિધ્યની પળોમાં તરબતર થઈ જાઉં છું. એ ઘડી જ્યારે આપણું મિલન થયું તે ઘડી ને પણ મારો આભાર.
“જરા નાદાન છું હજી હું પ્રેમમાં, જાન
આમ, પ્રેમનો પાઠ ભણાવ્યા ના કરો.”
હું સંપૂર્ણ નથી પણ તમારાથી પૂર્ણ થાઉં છું. મારી થોડી ખામીઓને નજર અંદાજ કરવાની તમારી આ રીત નિરાલી છે. મનના માળા માં દિલ તમારુ નામ જપે છે. કોણ જાણે ઈશ્વરનું કયું વરદાન છો તમે! મારા મનના કાલ્પનિક રાજકુમારની છબીમાં તમારી આકૃતિ બરોબર ગોઢવાય છે. મને અત્યારે સાતમા આસમાને ઊડવા નું મન થાય છે. અત્યાર સુધી એકલા એકલા દોડ્યા હતા, હવે હાથ માં હાથ પરોવી ચાલવા નું મન થાય છે. બગીચામાં ઘણા ફૂલો પર પતંગિયા ખીલે છે છતાંય લાલ ગુલાબ ની સુગંધ આજેય પણ મન માં ઘુમરાય છે.
“લખ્યું છે દિલના રસ્તાઓ પર,
મારી પાછળ તારું નામ હોય.”
મારી લાગણીઓ ના ભીના તારમાં મનની ઘણી વાતો કહેવી છે. જીંદગીની કઈક એવી વાતો જે મેં ક્યારેય કોઈને નથી કીધી. મન ભરીને જાણવું છે કે હું કોણ છું. મારી પણ એક વાર્તા છે. જેના કથાબીજ કેહવા છે. બસ! તું ક્યારેક સાંભળીશ એવી ઉમ્મીદ છે.
“મહેફિલ તણાં આંનદ સાગરમાં
રચાય તારા વિચારના અંગારા”
ડુંગરાઓ ની વચ્ચે ઉગતો સૂરજ ને જોઇ, તાજા ફૂટતા પડદાને જોઈ, નિરંતર વહેતા નિરને નીરખી, તારી બાહોમાં સમાવી જવાનું મન થાય છે. કુદરતે તો આટલું બધું સર્જન આપણા પ્રેમરસ ને પોષવા જ કર્યું હોય એવું લાગ્યા કરે છે. બધું જ સુંદર છે, બધું જ અનોખું છે. બધું જ છે એવી જ લાગણી મને મન મૂકી ને નાચવા મજબૂર કરે છે.
હૃદયથી હૃદયની વચ્ચે બંધાયેલો પુલમાં ચાલવું, હાથમાં હાથ પરોવીને, સપનાની મંઝીલમાં એકબીજાના સથવારે, ગોષ્ઠીની સંગાથે, ફક્ત તું ને હું જ.
“પ્રવૃત્તિને કળામાં ને;
શબ્દને કાવ્યમાં, ફેરવવાની પ્રેરણા છે તું.
લયને તાલમાં ને;
લાગણીને પ્રેમમાં બાંધવાનો બંધ છે તું.”
મારા પ્રેમ એકરારનો તો કર્યો છે. મારી લાગણીઓ વિશે તો તું જાણે જ છે. પણ હું એવું જ ઈચ્છું છું કે તારા મનમાં મારી છબી હમેશા હોય, પલકો ઝબકયા કરે જેટલી વાર, એટલી વાર આંખ બંધ થાય, ને હંમેશા તારા દિલ - દિમાગમાં મારુ ચિત્ર રચાય. શ્વાસનો પહેલો આગમન ની સાથે તારા રોમ- રોમમાં મારા નામના રૂંવાટા ઉભા થાય.
“ઉઘાડી આંખે જોવું છું સપના
એ સપનામાં જીવતી જાઉં છું,
પ્રણયની વ્યાખ્યા નથી જાણતી
બસ, પ્રેમથી પ્રેમ કરતી જાઉં છું.”
તારી સાથે જોડાયેલું મારું ભવિષ્ય ને વર્તમાન બને સલામત છે. તારા એક સ્પર્શથી મારા તન મન ખીલી ઉઠે છે.
મારો કલ્પના સાગર તો અટકવાનું નામ જ નથી લેતો. જ્યાં તું છે ત્યાં હું છું. તારી સાથે છું તો આ હાલ છે તો તારા વગર શુ?
હું તને પ્રેમ કરું છ.!!
“પ્રભુની સૌગત ગણું કે ઉપકાર,
તારા પ્રણયનો અહેસાસ છે નિરાકાર”
માત્ર વચન કે શબ્દો એ જિંદગી નથી. હમેશા એકરાર કરવો જરૂરી નથી. જે - જે ઘડીએ તે મને સાથ આપ્યો છે. મારી ખામીને નજર અંદાજ કરી. તે હર પળ હું તારી આભારી છું. જ્યારે - જયારે મેં ભૂલ કરી છે ત્યારે - ત્યારે તે ઢાંકી દીધી છે તે હર વખત હું તારી આભારી છું.
હું નારાજ હોવું તારાથી, એ નારાજગી જાયશ હોય કે નાજાયશ હોય છતાં પણ હું માફી માંગુ છું. હું ગુસ્સે હોવું તારાથી ને, તોય તું સહી લે છે. તેની પણ હું માફી માંગુ છું. હું જીદે ભરાઈ હોય, જે જરૂરી હોય કે બિનજરૂરી હોય તોય હું માફી માંગુ છું.
છલ્લે એક વચન, ચાહે સુખ હશે કે દુઃખ, ગમે તે પરિસ્થિતિમાં હું તારી સાથે છું. મારા છેલ્લા શ્વાસ સુધી.
હું તને પ્રેમ કરું છું.
તારી અર્ધાંગિની,
શ્રુતિ.