''વીલ યુ બી માય વેલેન્ટાઈન ?''
બીપીન અગ્રાવત
ખુલ્લી આંખે સૂતો ને બંધ આંખે જાગતો રહ્યો છું,
બસ ! દરેક સમયે તારા જ સપનાં જોતો રહ્યો છું.
જો ન હો તું સાથે તો રહું દવા લેવા છતાં બિમાર,
– ને તારી સાથે દવા વિના પણ સાજો રહ્યો છું....
પ્રિય જાનુ,તારા વિરહમાં શબ્દોનો સાથ લઈ દિલની વાતને કાગળ પર શાયરી રૂપે લખતો થઈ ગયો છું. આજથી વેલેન્ટાઈન વીકની શરૂઆત થતાં જ બરાબર બે વર્ષ પહેલાં લખાયેલા આપણા લગ્નનો એ દિવસ યાદ આવી ગયો. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૬ એ નિર્ધારેલ આપણા લગ્ન સુધીનાં એ સાત દિવસ આજીવન સંભારણું બનીને હૃદયમાં વસી ગયા છે. આપણી સગાઈ થયા પછીનો એ પ્રથમ 'વેલેન્ટાઈન ડે' હતો અને તેની સાથે જ વિરહની અગ્નિમાં ભડકે બળી રહેલા આપણા તન અને મનને મિલનની ઠંડકથી શાંત કરવાનો એ દિવસ નજીકમાં આવી ગયો હતો. મોબાઈલનાં માધ્યમથી આપણે 'રોઝ ડે' થી શરૂ કરી 'પ્રપોઝ ડે', 'ચોકલેટ ડે', 'ટેડી ડે', 'પ્રોમિસ ડે', 'હગ ડે' અને 'કિસ ડે' ની રંગભેર ઉજવણી કરી હતી અને અંતે 'વેલેન્ટાઈન ડે' નાં દિવસે સપ્તપદીનાં સાત વચનો સાથે એકબીજા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ 'વેલેન્ટાઈન ડે' નાં દિવસે આપણા લગ્નને બે વર્ષ પૂરાં થશે, પણ તારા ગૃહપ્રવેશ પછીનો સમય ખૂબ ઝડપથી પસાર થઈ ગયો હોય એવું લાગે છે.
લગ્ન પછીની પ્રથમ મેરેજ એનિવર્સરિ પર આપણે માઉન્ટ આબુ ગયા હતા. શિયાળાની કડકડતી ઠંડીમાં આપણે બહાર ફરવા માટે નિકળેલા ને અચાનક સ્નો ફોલ શરૂ થઈ જતાં તું મને ભેટી પડી હતી. પછી હોટલનાં રૂમમાં જ આખો દિવસ પસાર કરવો પડ્યો હતો. પણ એકબીજાની હૂંફમાં આખો દિવસ કેમ પસાર થઈ ગયો તેની ખબર જ નહોતી પડી. પછીનાં દિવસે સવારમાં બાથરૂમમાંથી નાહીને બહાર નીકળી તેં મને જગાડતાં સાદ પાડેલો, 'જાગો, ઊભા થાવ. આમ બહાર જુઓ, કેવું સરસ ધુમ્મસ આચ્છાદિત વાતાવરણ છે.' અને રૂમાલથી ધોયેલા વાળ ઝાટકી રહેલી તને જોઈ મેં ગીત ગાયેલું, 'તેરે ચહેરે સે નજર નહીં હટતી, નજારે હમ ક્યા દેખે...' અને તું શરમાઈને મારી બાહોમાં આવી ગઈ હતી. પછી તારા ભીનાં વાળમાં હાથ ફેરવતાં-ફેરવતાં મેં શાયરી કહેલી,
સાથે છીએ આજે, ત્યાં મીઠી વાતો કરી લઈએ,
આંખોના માર્ગે પ્રેમનગરમાં જરાક ફરી લઈએ.ક્યારે આવી જશે પાનખર જીવનમાં, કોને ખબર?તો છે વસંત ત્યાં થોડાં શ્વાસો ચાલ, ભરી લઈએ.
તારા ધોયેલા વાળની ભીનાશ અને તેમાંથી આવી રહેલી સુગંધમાં હું તરબોળ થઈ રહ્યો હતો અને મારા હાથોનો નરમ સ્પર્શ અને ગરમ ઉચ્છવાસ તને માદક બનાવી રહ્યા હતા. અન્ય કોઈ શાયરી કે ગીત હું બોલું તે પહેલાં જ તેં તારા ગુલાબી નાજુક હોઠથી મારા હોઠને બંધ કરી દીધા હતા ને ફરી આપણે પ્રણયક્રીડામાં રત બની ગયા હતા.
અલૌકિક આનંદની અનુભૂતિને અંતે મેં તને કાનમાં હળવેકથી કહ્યું કે, 'વીલ યુ બી માય વેલેન્ટાઈન ?' અને તેં જવાબ આપતાં કહેલું કે, ''વેલેન્ટાઈન ડે' તો કાલે જતો રહ્યો.' અને મેં કહેલું કે, 'મારા માટે તો તું સાથે હો એટલે રોજ 'વેલેન્ટાઈન ડે' જ છે.' અને તું ફરી શરમાઈને મને વળગી પડેલી.
ત્યાંથી પરત આવ્યાને ત્રીજા મહિને તારે સારા દિવસોની શરૂઆત થઈ. ત્યારથી શરૂ થયેલા આનંદના દિવસો તને સિમંત કરી તેડી ગયા ત્યાં સુધી આપણે સાથે વિતાવ્યા એટલે ઝડપથી પસાર થઈ ગયા, પરંતુ છેલ્લાં એક મહિનાથી મારી સ્થિતિ શરૂઆતમાં લખેલી શાયરીમાં જણાવી, એવી થઈ ગઈ છે. બસ, સગાઈથી લગ્ન સુધી વિતાવેલા એ વિરહનાં દિવસોનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એવું લાગે છે. એમાં પણ આપણી બીજી એનિવર્સરિ નજીકમાં આવતાં જ પ્રથમ એનિવર્સરિએ કરેલો એ આનંદ યાદ આવી જાય છે અને હૈયું ભરાઈ આવતાં જ આંખ ભીની થઈ જાય છે. ખરેખર જાનુ, તારા વિનાની જિંદગી વિશે તો હવે કલ્પના કરવી પણ અશક્ય છે.
તારા જીવનમાં પ્રવેશ કર્યા પહેલાંની વાત કરું તો જ્યારે હું કોલેજમાં અભ્યાસ કરતો હતો, ત્યારે ઘણીવાર વિચારતો કે કોઈ સુંદર છોકરીને રેડ રોઝ આપી, 'વીલ યુ બી માય વેલેન્ટાઈન ?' કહી તેને પોતાની લાઈફ પાર્ટનર બનાવવા માટે પ્રપોઝ કરું. પરંતુ જ્યારે પણ એ છોકરીઓ વિશે હું જાણતો તો મને ખબર પડતી કે તે તન અને મનનાં પ્રેમ કરતાં ધનનાં પ્રેમની વધુ ભૂખી છે. હું પહેલેથી જ એ માનતો આવ્યો છું કે, 'પૈસો જીવન જીવવા માટેનું જરૂરી માધ્યમ જરૂર છે, પરંતુ પૈસો જ જીવનમાં બધું ક્યારેય ન હોઈ શકે. સારું જીવન જીવવાનાં પાયામાં તો હંમેશા લાગણી અને પ્રેમસભર સંબંધો જ હોવા જોઈએ. વધુમાં એ સમયે એક મિત્રનું બ્રેકઅપ થતાં મેં તેને પૂછ્યું કે, ''તને ગુસ્સો નથી આવતો તે છોકરી પર ?'' તો તેણે જવાબ આપતાં કહ્યું કે, ''યાર, એ છોકરીએ તો જીવન જીવવાનો ગુરુમંત્ર આપી દીધો. તેના પર હવે ગુસ્સો થોડો આવે..!' મેં પૂછ્યું, 'કેમ ? એવું તે શું કહ્યું તેણે કે તું તેને ગુરુ માની બેઠો ?'' તો તેણે જણાવ્યું કે, 'તેણે મારા પ્રપોઝ કરવા પર કહ્યું કે, જીવનમાં આપણે જેને પ્રેમ કરીએ તેની સાથે નહીં, પરંતુ આપણને જે પ્રેમ કરે તેની સાથે જીવન જીવવાની સાચી મજા આવે.'' અને એ વાત મને પણ પાણીની જેમ ગળે ઊતરી ગઈ. બસ, ત્યારથી મેં મનોમન નિર્ણય કરી લીધો હતો કે, સંપૂર્ણ કાળજીમાં ખીલેલાં બાગનાં કોઈ મોંઘેરા ગુલાબને પ્રેમ કરવા કરતાં કાદવમાં ખીલેલાં કમળને ચાહવું વધુ યોગ્ય છે.
કોલેજ પૂર્ણ થતાંની સાથે જ મેં નાની એવી કંપનીમાં નોકરી શરૂ કરી દીધી અને થોડાં સમય પછી જીવનની લાંબી સફરમાં હાથ પકડી સાથ આપવા માટે જીવનસંગિનીનાં રૂપમાં તું જીવનમાં પ્રવેશી. સામાન્ય પરિવારમાં ઉછરેલી, દેખાવમાં થોડી ભીનેવાન પરંતુ સંસ્કારી અને પ્રેમાળ એવી તેં કોલેજકાળમાં લીધેલા મારા નિર્ણયને સાર્થક કરી બતાવ્યો. સાચે જ તારા જેવી પત્નીને જીવનસંગિનીનાં રૂપમાં મેળવી હું ધન્ય થઈ ગયો. આજે હું ધનથી કેટલો અમીર છું તેની તો મને નથી ખબર, પરંતુ નસીબથી ખૂબ જ અમીર છું, એનો દિલથી સ્વિકાર કરું છું. કોલેજકાળનાં મારા મિત્રો અને અન્ય કુટુંબીજનોનાં દામ્પત્ય જીવન પર નજર કરતાં મને આપણા પર ગર્વ થાય છે. જીવનનાં દરેક સુખ અને દુ:ખમાં એકબીજાની સાથે ખભેથી ખભો મેળવી ઊભા રહેવાનાં લગ્નજીવનનાં વિશ્વાસને તેં સુંદર રીતે નિભાવ્યો છે અને ધર્મપત્નિ તરીકેની તારી ફરજ અને કર્તવ્ય પણ પૂરાં નિષ્ઠાથી નિભાવ્યા છે, જેનાં કારણે તને આગળનાં સાત જન્મ જ નહિ, પરંતુ જન્મોજન્મ ધર્મપત્નિ તરીકે મેળવવા હું ઈશ્વરને મનોમન રોજ પ્રાર્થના કરું છું. હવે તું જ કહે, આ કળિયુગનાં સમયમાં પણ સુસંસ્કારોથી સજ્જ પત્નિને રોજ 'વીલ યુ બી માય વેલેન્ટાઈન ?' કહેવાનું મન ન થાય ?
અંતમાં એટલું જ કહેવાનું કે, આમ તો ફોન કોલ્સ ને વોટ્સએપ દ્વારા આપણે સતત સંપર્કમાં જ છીએ, તનથી દૂર હોવાછતાં મનથી દરેક ક્ષણ એકબીજાની પાસે જ છીએ, તેમછતાં ફોન પર કે વોટ્સએપ દ્વારા હૃદયની ભીતરની ઊર્મિઓને વિગતવાર વર્ણવવી અશક્ય હોવાથી આજે મેં પત્ર દ્વારા તેને જણાવવાનો પ્રયાસ કર્યો છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે એ તારા અંતર સુધી જરૂર પહોંચશે અને આ પત્ર વાંચી તું પણ તારી અશ્રુભીની લાગણીઓને કાગળ પર વાચા આપી પ્રત્યુત્તર પાઠવીશ. આઈ લવ યુ....
એ જ લિ.તારો ને બસ તારો જપ્રેમ...