શિયાળાનો બપોરનો દિવસ હતો. રાકેશ વસ્તુઓનું લીસ્ટ બનાવી પેકિંગ કરી રહ્યો છે. આજુબાજુ પણ દુકાનો બંધ છે. આમ તો બપોરે બે થી ત્રણ જમવાનો સમય, પણ આજે કામ ખુબ હોવાથી રાકેશ કુરીઅર નું પેકિંગ એકલો એકલો કરી રહ્યો હતો.
ટ્રીન...ટ્રીન..ટ્રીન..."હલો! XYZ કુરીઅર સર્વિસ"રાકેશે ફોન ઉપાડતા જ આદત મુજબ જવાબ આપ્યો. પણ સામેથી કોઈ અવાજ ના આવ્યો.રાકેશે ફરી પૂછ્યું,"હલો! હું શું મદદ કરી શકું આપની?"રાકેશે પૂછ્યું પણ કંઇ જવાબ ન મળ્યો.તે ફોન મૂકી કામમાં વ્યસ્ત થઇ ગયો. થોડી વારમાં ફરી ટેલીફોન રણક્યો ટ્રીંન...ટ્રીન... રાકેશે ફરી ફોન ઉપાડ્યો. રાકેશ હલો હલો કરતો રહ્યો an સામેથી કોઈ જવાબ નહી. રાકેશ જ્યાં ફોન રાખવા ગયો ત્યાં જ એક અવાજ આવ્યો,"શું તમે?" અને એટલું બોલી આવજ બંધ થઇ ગયો. રાકેશે ફોન કાને ધર્યો,"તમે શું? શું કામ છે?" ત્યાં સામેથી અવાજ આવ્યો,"શું તમે ભૂત-પ્રેતમાં વિશ્વાસ કરો છો?" અચાનક આમ સાંભળી રાકેશ બે ઘડી સ્તબ્ધ થઈ ગયો. "ભાઈ! રોંગ નંબર." કહીને રાકેશે ફોન મૂકી દીધો. થોડી વાર થઈ ત્યાં ફરીને ફોન રણક્યો ...ટ્રીન..ટ્રીન...ટ્રીન...ટ્રીન...
ક્યારનો ફોન રીસીવ કરીને થાકેલા રાકેશે ફોન ઉપાડીને કહ્યું, "હલો! હું આપની... " એટલું બોલ્યો ત્યાં વચ્ચેજ સામેથી અવાજ આવ્યો, "શું તમે વિશ્વાસ કરો છો?" રાકેશ હવે થોડો ગુસ્સે હતો,"એ ભાઈ! ખોટી મગજની નસ નાં ખેંચ. ફોન મુક. તારી જેમ નવરીનો નથી." ફોન મુકીને રાકેશ બબડતો જતો હતો,"આટલું બધું કામ છે 'ને આ ટાઈમ પાસ ..." હજી તો રાકેશે એક બે કુરીઅર પેક કર્યા ત્યાં રીંગ વાગી. ગુસ્સામાં રાકેશે ફોન ઉપાડ્યો અને જવાબ આપ્યો, "હલો ! XYZ કુરીઅર સર્વિસ. શું કામ છે?" સામેથી એક ક્ષણ પુરતું સાયલેન્સ અને પછી ધીમેથી અવાજ આવ્યો, "શું તમને ક્યારેય એવો આભાસ નથી થયો કે કોઈ રાતે રસ્તામાં તમારો પીછો કરી રહ્યું હોય? ક્યારેય રાતે કોઈના ઝાંઝરનો અવાઝ નથી સાંભળ્યો? છીન..છીન...છીન..." પછી સામેથી કંઇ બોલે તે પહેલા રાકેશે શરુ કરી દીધી, "એ બંધ કરી લવારી. આ તારા બાપનું ઘર નથી કે ક્યારનો ટાઇમ પાસ કરે છે. મગજ ગયો તો સાંભળીશ મારા મોં ની બે-ચાર." રાકેશ વધુ કંઇ બોલે ત્યાં સામેથી અવાજ આવ્યો, "એક બે ત્રણ ચાર, ગણતરીનો આ ખેલ, ગણતરી જો આવડે તો મળી જાય ઉકેલ." "તારી તો... જો તને છેલ્લી વાર કહું છું હવે જો ફોન કર્યો છે તો...ફોન મુક" રીસીવર પછાડીને રાકેશ ગયો. વચ્ચે પડેલા કુરીઅરને પગેથી ઠેલતો તે બાથરૂમમાં ગયો. ત્યાં ફરી રીંગ વાગી. ટ્રીન ટ્રીન...ટ્રીન ટ્રીન...રાકેશ બાથરૂમમાં જ બબડ્યો,"આજે આને બે-ચાર સંભળાવીશ નહી ત્યાં સુધી સાલ્લો મગજનું દહીં જ કરશે." પેન્ટની ઝીપ બંધ કરતો કરતો જ રાકેશ ફોન રીસીવ કરવા પહોચ્યો ત્યાં રીંગ પૂરી થઇ ગઈ અને જોયું તો એક વોઈસ મેસેજ હતો. રાકેશ મેસેજ સાંભળવા બટન પ્રેસ કર્યું 'ને મેસેજ વાગ્યો, "એક બે ત્રણ ચાર, ગણતરીનો આ ખેલ, ગણતરી જો આવડે તો મળી જાય ઉકેલ." રાકેશના મગજનો પારો ચડી ગયો હતો. તેણે પોતાના મિત્ર આલોકને ફોન કર્યો.જેવો સામેથી ફોન રિસીવ થયો કે રાકેશે સીધું જ પૂછ્યું, "આલોક ! કોઈના મોબાઈલ નંબર પરથી તે વ્યક્તિ કોણ છે એ ખબર પડે કે નહી?" આલોક બીએસએનએલ ની ઓફિસમાં જે.ટી.ઓ. હતો. તેને રાકેશને અચાનક આવો સવાલ પૂછતા જોઇને થોડું આશ્ચર્ય થયું. "આ અચાનક તને શું થયું?" આલોકે હળવેથી કીધું. રાકેશ હજી ઉતાવળમાં જ હતો, "હું તને એક નંબર આપું છું એનું એનું ફટાફટ નામ સરનામું જોઈએ છે." આલોકે પૂછ્યું, "પણ રાકેશ ! થયું શું એ તો કે" રાકેશે તેને આખી વાત કહી કે,"કોઈકનો ક્યારનો ઓફીસમાં ફોન આવ્યા કરે છે. મગજનું દહીં કરી નાખ્યું એણે. મને લાગે છે કે કોઈક અહિયાનું જ છે. એટેલે નામ - સરનામું મળે તો તરત ખબર પડી જાય કે કોણ અળવીતરો છે. પછી જો એનો વારો પાડું. તું મને જલદી કે' ને કે કોણ છે આ ચક્રમ." આલોકે હસીને કહ્યું, "સારું સારું કહું તને પણ મને એનો નંબર તો આપ." "હા લખ" રાકેશ ઉતાવળમાં નંબર બોલવા લાગ્યો, " નાઈન એઈટ સેવન fફોર થ્રી સેવન એઈટ ફાઈવ નાઈન. જલ્દી કહે કોણ છે એ?"
"શું શું...?સેવન એઈટ ...પછી શું?"
"અરે ! સેવન એઈટ નહી... એઈટ સેવન ફોર થ્રી સેવન એઈટ..."
"એ લખ્યું... પણ થ્રી સેવન એઈટ ...પછી શું? ફરી બોલ." આલોક થોડો ચિડાયો.
"લખ...લખ...નાઈન એઈટ સેવન ફોર થ્રી સેવન એઈટ ફાઈવ નાઈન"
"લાગે છે કે તારું મગજ બહેર મારી ગયું છે." આલોક થોડો ચીડાયેલો જ હતો, "એક નંબર બરાબર નથી બોલતો. નંબર બોલ ને સરખો. ફરી વાર ચેક કર નંબર !"
"સરખો તો છે." રાકેશ થોડો ચીડાયેલો હતો જ એમાં વળી આલોકની આ હરકતથી તે વધુ ચિડાયો, "આ જો મારી સામે લાસ્ટ રિસીવ માં નંબર છે તે જ બોલું છુ." અને રાકેશે ફરી વાર એ નંબર જોયો 'નાઈન એઈટ સેવન fફોર થ્રી સેવન એઈટ ફાઈવ નાઈન' અને રાકેશ ના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો.નંબર નાઈન ડીજીટનો જ હતો. ...અને ફોનનાં સ્પીકરમાંથી અવાજ આવ્યો....
"એક બે ત્રણ ચાર, ગણતરીનો આ ખેલ... ગણતરી જો આવડે તો મળી જાય ઉકેલ."