“વૈશ્વિક આતંકવાદ
બુદ્ધિજીવીઓની દ્રષ્ટિએ.”
***
જબ અપને હી હુએ જાં કે દુશ્મન,
અબ ગૈરોને હાથ થામા હૈ!
ખુદા સલામત રખે ઉન જાંનિસારોકો
જિન્હોને આજ હમેં અપનાયા હૈ..
~સલીમ શેખ
એક સમયનું ખુશહાલ, જીંદગીની રોનકથી ભરપૂર શહેર સિરીયા ખંડેરોનું શહેર બની ગયું, ત્યાં વસતાં અને રોજેરોજ કમોતે મરતાં કમનસીબ માનવો જીવવાની આશા છોડી ચૂક્યાં હતાં, ફાયદો પણ શું હતો જીવીને? પોતાનાં બાળકોની લાશો સામે પડી હોય, કઈ માં કે બાપ એવાં નિષ્ઠુર હશે, જેનાં ગળે એક કોળિયો પણ ઉતરે? વર્ષોની મહેનતની કમાણીથી જે ઘર ઉભું કર્યું હતું, એની તૂટેલી દિવાલોનાં કાટમાળ વચ્ચે કયો વ્યક્તિ સ્વસ્થતાથી અડધી રોટી પણ ખાઈ શકે? એક એક સેકંડ એ ભીતિ સતાવ્યા કરતી હોય કે હમણાં કોઈ રાક્ષસ આવશે, બાકીનાં બાળકોને પણ ઉપાડી જશે! એક ધડાકો થશે અને બાજુની અડધી દીવાલ તૂટીને આપણાં પર પડશે! કયો માણસ આ પરિસ્થિતિમાં જીવવાની અપેક્ષા રાખશે? છેવટે તેઓનાં હ્દયમાં એક ગાંઠ વળવા લાગી, રાત-દિવસ વૃદ્ધિ પામી રહેલાં અમાનુષી અત્યાચાર એ ગાંઠને વધુ મજબૂત કરી રહ્યાં હતાં! એ લાચાર માનવો માનવા લાગ્યાં કે માનવતા અને ઈન્સાનિયતનાં પાઠ જે સ્કૂલમાં ભણ્યાં હતાં, એ બધી પોકળ વાતો હતી, એ પાઠ ફક્ત ભણવા માટે જ લખાયાં હોય છે! સહુ કોઈ પોતાની દુનિયામાં મસ્ત હોય છે, જાહેર જીવનમાં કોઈને કોઈની પડી હોતી નથી! તેઓનો માનવતા પરનો વિશ્વાસ હ્દયનાં કોઈક ખૂણામાં બેસી આસુરોનાં ટોળામાંથી એક માનવનાં દર્શનની ઈચ્છા સાથે માંયકાગલો થઈ મોતનાં કગારે પહોંચી ચૂક્યો હતો.. કદાચ એ વિશ્વાસ મરી પણ ગયો હોત! પરંતુ ના.. એવું ન થયું, થવા ન દીધું... એ લોકોનાં એ વિશ્વાસને ફરી જીવંત કર્યો, એ મૂઠી ઉંચેરા માનવોએ!
હા, એ માનવો.. જેમણે પાઠ્યપુસ્તકનાં પાને છપાયેલાં માનવતાનાં એ પાઠને પોતાની અંદર ઉતારી નખશિખ માનવ બનીને બહાર આવ્યાં, તેઓ દેખાવમાં બીજા લોકો જેવાં સામાન્ય જ છે, પરંતુ તેઓનાં કર્મોએ તેમને જે ઊંચાઈએ પહોંચાડ્યાં છે, ત્યાં સુધી પહોંચવાનું આપણું ગજું નથી! ખંડેરોનાં એ શહેરમાં પગ મૂકી તનમનથી ભાંગી ચૂકેલાં એ નિરાધારોને ગળે લગાવીને ફરી એક વાર સિદ્ધ કર્યું કે, હજી માનવતા મરી પરવારી નથી, અપંગ, પાંગળી જરૂર થઈ હતી, પણ અમે એને મરવા તો નહીં જ દઈએ, ઈન્સાનિયત જીવે છે અમારાથી, અમે એનાં રખેવાળ હજી બેઠાં છીએ! દિલથી સલામ છે એ વીરોને.. એમની વીર ભૂમિને.. એમની જનેતાઓને.
નિશંકપણે સમગ્ર માનવજાત ધરતીનાં એ વીર સપૂતોનાં ઉપકાર તળે દબાઈ ચૂક્યાં છે, સમગ્ર ભારત જેમને સરદારનાં નામથી ઓળખે છે, એ પંજાબનાં પુત્તરોએ જગતની ધરા પર દેશનું નામ રોશન કરી “સરદાર” નાં લકબને સાર્થક કર્યું છે, તેઓને ખોરાક વહેંચતાં જોઈ, બાળકોને વહાલ કરતાં, તેમની સાથે રમતાં જોઈ હાથ આપોઆપ સલામી આપવા માટે ઊઠી જાય છે, દિલમાંથી વારંવાર એક અવાજ નીકળે છે, આપ જ સરદાર બનવાને યોગ્ય છો, કુદરત આપનાં મસ્તક હંમેશા ઊંચા રાખે.. આમીન.
કેનેડા એક અતિ શાંતિપ્રિય દેશ છે, આપણે ત્યાંથી કેનેડાની સિટીઝનશીપ મેળવવા માટે યુવાનો મેરેજબેઝ પર જવાનું વધુ પસંદ કરે છે, તે માટે પણ અંદાજે દોઢ વર્ષ સુધી વિઝા માટે રાહ જોવી પડે, તે ઉપરાંત કેટલાક લોકો આજીવન સ્થાયી થવાં માટે લાખો રૂપિયા ખર્ચે છે! ત્યાંનાં લાગણીશીલ માનવતાવાદી રાષ્ટ્રપ્રમુખ શ્રી જસ્ટિન ટુડોએ પચ્ચીસ હજાર સિરીયન નિરાશ્રિતોને આશ્રય આપ્યો અને ફ્રી સિટીઝનશીપ આપવાની દુર્લભ ઓફર પણ આપી, નિરાશ્રિતોને આવકારતી વેળા તેઓની દયાજનક હાલત જોઈ એ મૂઠી ઉંચેરા માનવીની આંખમાંથી આંસુ નીકળી પડ્યા હતાં, સેલ્યુટ સર.. ખુદા તમારા જેવું લાગણીશીલ હ્દય દરેકને અર્પે… આમીન.
વીરતા અને જવાંમર્દીની વાત થતી હોય ત્યાં તુર્કીનાં રાષ્ટ્રપતિ તૈયબ અર્દોગાનનો ઉલ્લેખ ન થાય, તો એમનાં અતિ ઉચ્ચ વ્યક્તિત્વને અન્યાય થયો ગણાય! ખરબોપતિ આરબ દેશો જ્યારે પોતાની આન-બાન-શાનમાં વ્યસ્ત છે, વૈશ્વિક કટોકટીથી આંખ આડા કાન કરી રહ્યાં છે, એ સમયે આ જવાંમર્દ એક લશ્કરને છાજે એ રીતે અડીખમ ઉભો રહી અત્યાચારીઓને લલકારે છે, બર્માનાં રોહિંગ્યા સમુદાયને પણ એમણે જ મદદ પહોંચાડી હતી, જ્યારે કે એમનો દેશ આપણાં મુકાબલે બર્માથી ઘણો દૂર છે! જ્યારે આપણાં આંગણે આવેલ લાચાર મેહમાનોને પણ આપણે રાખવા નથી ઈચ્છતાં! સલામ સર.. અલ્લાહ આપની વયમાં વૃદ્ધિ અર્પે.. આમીન.
દોસ્તો, એક પળ.. એક મિનિટ માટે સોચી જુઓ.. આ વીર જવાંમર્દોએ જો આ નિરાશ્રિતોને મદદ ન કરી હોત તો? કાલે ઉઠીને એ લોકોમાંથી કોઈક જીવિત રહી જવા પામે અને એનાં હાથમાં ભયાનક હથિયાર આવી જાય તો? પોતાનાં જ શાસકો દ્વારા થયેલાં અન્યાય માટે આખી દુનિયાને પોતાની વહારે ન આવવા માટે દોષી માનીને સમગ્ર માનવજાતનાં દુશ્મન બની બેસે તો? દુનિયા એને શું કહેશે? એક જ શબ્દ હશે લોકો પાસે, આતંકવાદ.. ટેરેરિઝમ! ઉલ્ટાનું એક છોગું પણ ઊમેરશે, જેહાદી ઈસ્લામિક ટેરેરિઝમ! હજી અઠવાડિયા પહેલાં જ મને આ વાતનો અનુભવ થયો! એક મુસ્લિમ મિત્રે ઈસ્લામ ધર્મની સંકુચિતતા દૂર કરવાનાં પ્રયાસરૂપે એક સરસ પોસ્ટ મૂકી હતી, એમની વિચારસરણી સાથે પોસ્ટનાં મોટાભાગનાં મુદ્દા સાથે હું સહમત હતો... તે સમયે એક બહુ ઉચ્ચ કક્ષાનાં કટારલેખક પોતાનાં વ્યસ્ત સમયમાંથી થોડો સમય કાઢી એ પોસ્ટ પર સ્પેશિયલ નિદાન કરવા માટે આવ્યાં, એમનાં કહેવા પ્રમાણે ધર્મની સંકુચિતતાનાં મૂળમાં “જેહાદી ઈસ્લામિક ટેરેરિઝમ” છે! અને આ નિદાન એમનું દસ વર્ષ પહેલાં નું છે! હજી એ નિદાનની વેલિડિટી પૂરી નથી થઈ! કહેતા ભી દિવાના.. સુનતા ભી દિવાના! મેં એ મહાશયને એક સવાલ પૂછ્યો, વર્તમાન સમયમાં જગતમાં થઈ રહેલ નરસંહારને આપ શું કહેશો? એને ટેરેરિઝમ કહી શકાય? મહાશય એ પછી જવાબ આપવા માટે ફ્રી જ નથી થયાં, બોલો! જ્યારે તમે નિષ્પક્ષ રહી કોઈને મૂલવી નથી શકતાં, સાચું મૂલ્યાંકન નથી કરી શક્તાં, તો તમને કોઈ વ્યક્તિને અથવા સમુદાયને કોઈ પણ પ્રકારનો લકબ આપવાનો કોઈ અધિકાર નથી!
આખી દુનિયા ગમે તે કરે, એને બંડખોરી અને બગાવત કહેવાશે! લેકીન.. કિન્તુ.. પરંતુ જો એમાં વચ્ચે એક પણ નામ મુસ્લિમ આવી ગયું તો આતંકવાદનો થપ્પો લગાવી જ દેવાનો બેધડક! આખી દુનિયા જાણે છે.. આતંકવાદી કોણ છે તે? સિરીયાનાં શાસકો, બર્માનાં શાસકો તો પોતાનું કામ કરે છે સાહેબ, એમને આતંકવાદી થોડાં કહી શકાય?!? એમનો દેશ છે, તેઓ મનફાવે તે કરે..આપણને શું? આંધળુકિયા કરનાર અને પાછળ ચાલનારા જીવોની વાત છોડો.. પ્રખર બુદ્ધિજીવીઓ મનાતાં ગુજરાતી સાહિત્યનાં અજોડ વારસો એવાં લેખકો પણ નવલકથાઓ વેચવા માટે એક ચેપ્ટર આતંકવાદને લગતું ઉમેરી દે એટલે પત્યું! નવલકથા બેસ્ટ સેલર! એ કાલ્પનિક પાત્રોનાં ભાગે બે-ચાર વાર ઈન્શા અલ્લાહ, માશા અલ્લાહ લખી દે એટલે વાચકો પણ ખુશ! બોસ.. શું લખ્યું છે યાર? ખરેખર આવું જ થતું હશે હેં ને? સાલી જબરી ઝનૂની કોમ કહેવાય યાર!! અરે.. લેખક મહાશય, આપની મહામૂલ્ય નવલકથાનાં પરિણામ સોચ્યું છે કે એમ જ ઠોક્યે રાખો છો? પરિણામ જાણવું હોય તો કોઈક ગામડાની સફર ખેડી નાખો, આપને નવલકથાનો નવો પ્લોટ પણ મળી જશે! શિર્ષક રાખજો.. “રમખાણ”..! એક સાદું ઉદાહરણ- આપનાં ચાહક વાચક આતંકવાદ વિશે વાંચીને ધ્રુજી ઉઠે છે, બાજુમાં રહેતાં રહીમચાચા જે વારે વારેઘડીએ ઈન્શા અલ્લાહ, માશા અલ્લાહ બોલે છે, એ પાત્રમાં પરફેક્ટ છે.. ઈન્સ્ટન્ટલી વગર મહેનતે વાચકનાં મગજમાં રહીમચાચા ઘર કરી ગયાં! એક વાર ગાડી મૂકવા બાબતે નાની અમથી બોલાચાલી થઈ એટલે એ વાચકે ધડ દઈને આપનાં લખેલ શબ્દોને આગ બનાવીને ગોળો ફેંક્યો, “તમે તો આતંકવાદી છો!” જેવું કંઈક! પત્યું… દિવસ-રાતમાં પાંચ વાર હિન્દની પાક જમીન પર મસ્જીદમાં માથું ટેકવતાં ચાચાનો પિત્તો ગયો! વાત વધતી મારામારી સુધી પહોંચી, બંનેનાં ટેકેદારો ટોળે વળ્યાં, વાતને વાળવાને બદલે આગમાં ઘી હોમવાનું કામ થતું ગયું! બીજે દિવસે કોમવાદી છમકલાંની હેડલાઈન પેપરનાં પહેલાં પાને છપાશે! રોજ હસીને વાત કરનાર, સાંજે ઓટલે સાથે બેસીને પવન ખાનાર બે પડોશીઓ અને બીજાં ઘણાં લોકો વચ્ચે નફરતની એક અદ્રશ્ય રાતોરાત દીવાલ ઊભી થઈ જશે, અને એ દીવાલનાં કડીયા બન્યાં એક મહા બુદ્ધિશાળી લેખક! એ છો આપ! વાહ..આપને જેટલી શાબાશી આપીએ ઓછી પડશે!
મુહમ્મદ પયગંબર સ.અવ.ની એક હદીષ છે, “જે વયસ્કોનું સમ્માન ન કરે, મહિલાઓને આદર ન આપે અને નાના બાળકો સાથે પ્રેમપૂર્વક ન વર્તે, એ અમારામાંથી નથી.” આતંકવાદીઓની તુલના આ કથન સાથે કરી જુઓ! આતંકવાદનું કોઈ કનેક્શન ઈસ્લામ સાથે સાબિત થાય તો મારૂં માથું, બધાનાં ચંપલ-જોડાં! જો એ આતંકવાદીઓ ઈન્શાઅલ્લાહ, માશાઅલ્લાહનો અર્થ સમજતાં હોત તો આ હથિયારોને હાથ લગાવવાનું તો દૂર, એને સોચશે પણ નહીં. પણ આ બુદ્ધિજીવીઓને કોણ સમજાવે? એ લોકોએ બીજાને પોતાનાં લખાણ થકી સમજાવવું જોઈએ.. એને બદલે તેઓ જ લોકોની માનસિકતાને વિકૃત સ્વરૂપ આપી મનમાં પોરસાઈ રહ્યાં છે! લાનત છે એવા બુદ્ધિશાળી જીવો પર! ધિક્કાર છે તેમની કહેવાતી પ્રતિભાશાળી લેખની પર!
મને એ સમજ નથી પડતી કે પાકિસ્તાન સાથે ભારતનાં મુસ્લિમોને શું લેણું દેણું ? પાકિસ્તાન એક આતંકવાદી રાષ્ટ્ર છે એ જગજાહેર છે, ધરતીનું સ્વર્ગ કાશ્મીરને આપણાં હાથમાંથી ખેંચી લેવા માટે એ નિતનવા પ્રપંચ કરે છે, એ મક્કાર છે, ફરેબી છે, તમારે પાકિસ્તાનને જેટલી ગાળો આપવી હોય બેઝિઝક આપો. જેટલું ભારતની બીજી પ્રજાતિઓ પાકિસ્તાનનાં કૃત્યોને ધિક્કારે છે, એટલું જ એકેએક ભારતીય મુસ્લિમ પણ ધિક્કારે છે. અમે ભારતીય મુસ્લિમો આ ભૂમિને દીલથી ચાહીએ છીએ, એ માટે વારેઘડીએ સાબિતી આપવાની કોઈ જરૂર છે ખરી? તો ભારતનાં મુસ્લિમોનો કોઈ વાંક-ગુનો ખરો કે જેઓને નાની સરખી વાતમાં પાકિસ્તાન ચાલ્યાં જવાની વણમાગી સલાહ આપવામાં આવે છે! બીજી એક હદીષમાં છે, “વતનની મુહબ્બત ઈમાનની દલીલ છે.” અર્થ – જો તમારા હ્દયમાં તમારા વતન પ્રત્યે પ્રેમ છે તો તમારા હ્દયમાં ઈમાન છે. તમે સાચા અર્થમાં મુસ્લિમ છો. નહીં તો.. અર્થ સાફ છે! અમારા વડવાઓએ આ વતનને બીજાં દેશવાસીઓ સાથે મળી આઝાદ કરવામાં ખભેખભા મેળવ્યાં છે, જવું હોત તો આઝાદી સમયે જ ચાલ્યાં ગયાં હોત! લોહી-પરસેવો પાડીને આ જમીનને પોતાની બનાવી છે, અમારા વડવાઓ આ જમીનની નીચે દટાયેલ છે. પોતાનાને છોડીને કોઈ દૂર કઈ રીતે જઈ શકે? અને શું કામ જવું જોઈએ? એક ભારતીય નાગરિક હોવાને નાતે જવાબ મેળવવાનો મારો અધિકાર છે!
~ સોલી ફિટર
હુરમતે હિંદ તુજે ખાક ન હોને દેંગે,
ફિરસે તેરે દામન કો ચાક ન હોને દેંગે,
હમને સજદો સે સંવારા હૈ તેરી જમીં કો,
હમ તેરી મિટ્ટી કો નાપાક ન હોને દેંગે.
***
લેખક:- સોલી_ફીટર (સુલેમાન),
મોબાઈલ:-9909652477
ઈમેઈલ:- smoothsolly2001@yahoo.com