Mare Javu Kyan? in Gujarati Short Stories by K. K. Desai books and stories PDF | મારે જવું ક્યાં?

Featured Books
Categories
Share

મારે જવું ક્યાં?

મારે જવું ક્યાં ?

“ દોડો, દોડો .પોલીસ આવે છે “ એક બુમ પડી અને ૫ થી ૧૫ વરસના બાળકો હાંફળા ફાંફળા જ્યા દોડાય ત્યા

દોડવા માંડ્યા. ચાર રસ્તા પર આવા બાળકોને ભીખ માંગવા માટે લાવવામાં આવતા. આ બાળકોને ન તો માતા

પિતાની ખબર હતી ન તો બીજા કોઈ સગા વાલાની. કેટલે દિવસે નહાવાનું, જે મળે તે ખાવાનું અને એકનું એક

કપડું ફાટી જાય ત્યા સુધી બદલવાનું નહી. બાર – તેર વર્ષનો રાજુ એમાંનો એક હતો.

એણે જોયું, એક ફાંદવાળો પોલીસ એની પાસે આવતો હતો. એણે દોડવા માંડ્યું, પેલો પોલીસ પણ એની પાછળ

દોડ્યો. પણ મોટી ફાંદ ને કારણે તે દોડી શકતો નહોતો અને છુટી લાકડી ફેંકી મોટેથી એક ગંદી ગાળ બોલી એણે

પોતાનું કર્તવ્ય પૂરું કર્યું. રાજુ તો , તો પણ પાછું જોયા વગર દોડતો રહ્યો. એને ભાગી જવું હતું, ફક્ત પોલીસથી

જ નહી પણ એની મજબુરીનો લાભ ઉઠાવી એની પાસે ભીખ મંગાવતા તે લોકોથી પણ, જે લોકો એને ફક્ત લુખું

સુકું ખાવાનું અને ગંદી જગ્યા મા રહેવાની સગવડ આપતા હતા. રસ્તા પરથી નાની નાની ગલીઓમાં થઈને તે

થાક્યો ત્યા સુધી દોડ્યો. છેવટે તે હાંફતો હાંફતો બંને હાથ કમર પર ટેકવીને ઉભો રહ્યો. આજુબાજુ નજર ફેરવી ત્યા

એક નવું ઘર બંધાતું હતું તેના પર તેની નજર પડી. ભુખ પુષ્કળ લાગી હતી અને તરસ પણ ઘણી લાગી હતી.

એટલે બંધાતા ઘરની પાસે ભરેલા પીપડામાંથી એણે પાણી પીધું. સ્કુલમાં એ ગયો નહોતો અને કોઈએ એને

શીખવાડ્યું નહોતું કે આવું ગંદુ પાણી પીવાથી રોગ થાય એટલે એ પાણી એણે ધરાઈ ધરાઈને પીધું. એનાથી તરસ

તો મટી ભુખ પણ ઓછી થઇ.

શિયાળાના દિવસો હતા અને આ બાજુના વિસ્તારોમાં થી ખાવાનું મળે એવી કોઈ શક્યતા નહોતી એટલે એક

સિમેન્ટનું મોટું ભૂંગળું પડ્યું હતું તેમાં જ તે સુઈ ગયો.

સવારે એ ઉઠ્યો ત્યારે વધારે ધ્યાન થી જોયું ત્યારે જણાયું કે અહીં તો મોટા મોટા મકાનો હતા , તોતિંગ બંધ

દરવાજા હતા. મકાન તો બંધ હતા પણ એમનાં તો દિલના દરવાજા પણ બંધ હતા. અને રાજુને આવા લોકોનો

રોજનો અનુભવ હતો. ચકચકિત મોંઘી મોટરોમાં નીકળતા આ લોકો રાજુના લંબાયેલા હાથની સામું પણ જોતા નહી.

અને જો કારની બારીના કાચ નીચા હોય તો તરત તેને ઉંચા ચઢાવી દેતા. એ લોકો રાજુને ખાવાનું થોડું આપે ?

અને ઘણે ઠેકાણે તો ચોકીદાર પણ હતા. એમની તો ફરજ હતી આવા બાળકોને ત્યાંથી તગેડી મુકવાની, કારણકે

આવા બાળકો લાગ મળે ચોરી કરી જાય. અને તે અટકાવવા માટે જ તો એમને રાખ્યા હતા. એમાના એકે એને

ગાળ દઈને ત્યાંથી ભાગી જવાનું કહ્યું. રાજુને વિચાર આવ્યો એમનાં છોકરાં નહોતા ? એમને ભુખ નહોતી લાગતી ?

એમને તરસ નહોતી લાગતી ? પણ એના સવાલ સાંભળવા કોઈ નવરું નહોતું અને એનો કોઈ જવાબ એને

મળવાનો નહોતો.

આ બધાથી જુદું, એક નાનું મકાન હતું. ખંડેર જેવું થઇ ગયેલું, કમ્પાઉંડ પહેલા હતું તેમ દર્શાવતા તૂટેલા

થાંભલાઓ અને થોડા ઘણા કાંટાવાળા તાર હતા. એ મકાનનો મૂળ રંગ કયો હતો તે કોઈ કહી શકે એમ નહોતું.

વરસાદ પડવાથી ઠેક ઠેકાણે લીલ બાઝી ગઈ હતી અને ત્યા થોડા નાના પીપળા જેવા છોડ ઉગી ગયા હતા.

કમ્પાઉન્ડમાં કાંટાળા છોડ ઉગી નીકળ્યા હતા જે જાણે એમ કહેતા હતા કે અમે તો ઘણા વિપરીત સંજોગોમાં ઉગી

નીકળીયે અને ટકી રહીએ. કોઈ ભંગાર વાળો આ બાજુ આવતો, તો એ તારમાંથી થોડા ટુકડા લઇ જતો. અને

તે મકાનમાં રહેતી વૃધ્ધા અસહાય ભાવે તે જોઈ રહેતી. એની જુવાનીમાં એ કદાચ જાજરમાન હશે પણ એ પણ

ખંડીયેર થઇ ગઈ હતી . એના ઓટલા પર દુધની બોટલ પડી હતી. રાજુને વિચાર આવ્યો તે બોટલ લઈને ભાગી

જાય. પણ એણે તેમ કર્યું નહી. થોડી વારે વૃધ્ધાએ બારણું ખોલ્યું , બોટલ લીધી અને પાછું બારણું બંધ કરી દીધું.

રાજુ તે બારણા પાસે ગયો અને સાંકળ ખખડાવી , વૃધ્ધાએ બારી માંથી જોયું અને પૂછ્યું, “ શું છે ?“ .

રાજુ એ કહ્યું “ભુખ બહુ લાગી છે , બે દિવસથી ખાધું નથી.”

વૃધ્ધાએ બારણું ખોલ્યું, અને લઘર વઘર કપડા પહેરેલ , ગંદા રાજુને જોઈ રહી. એને દયા આવી . એણે એક

કાગળમાં ગઈ કાલની બે ભાખરીઓ આપી અને કહ્યું “ચાહ પીવાનો ?” રાજુ જોઈ રહ્યો. કોઈ દિવસ કોઈએ એને ચા

માટે પૂછ્યું નહોતું., પણ આજે એનો દિવસ સારો હતો.

ભાખરી ચાહને ન્યાય આપ્યા પછી રાજુએ કહ્યું, “ બા, તમારા આંગણામાં કેટલો બધો એંઠવાડ પડેલો છે . તમારું

આંગણું વાળી કાઢું ? “ તે વૃધ્ધાએ ખૂણામાં પડેલો કરસાટો બતાવતા પોતાની વ્યથા કહી. બાજુમાં મારા દિયર રહે

છે. આ બંગલો મને મારા પતિના ભાગમાં મળ્યો છે. તે અને મારો એક દીકરો, તારા જેટલીજ ઉમરનો, ચાર વર્ષ

પહેલા અકસ્માતમાં ભગવાનને પ્યારા થઇ ગયા છે. દિયરને આ બંગલો પડાવી લેવો છે એટલે મને હેરાન કર્યા કરે

છે. એની કામવાળી એંઠવાડ નાંખી જાય . કોઈ વાર દુધની બોટલ તોડી નાંખે એવી હેરાનગતિ કર્યા કરે. હું એકલી

બાઈ માણસ શું કરું ?” . રાજુએ આંગણું સાફ કરતા કહ્યું, “બા, તમે ચિંતા ના કરો. હું છુને ?” અને બીજે કે

ત્રીજે દિવસે બાજુની કામવાળી પાછો એંઠવાડ નાખવા આવી તેવી જ રાજુએ એને કહ્યું, “ અહીં કચરો નાંખે તો આ

લાકડી થી ઝપેટી જ કાઢા.”

રાજુ જોડે વાત કરી અને માજીએ જાણ્યું કે તે ભિખારી છે એટેલે એને પોતાના સદ્ ગત પુત્રના કપડા આપ્યા અને

પાછળ નળ નીચે નાહી લેવાની .સુચના આપી. રાજુનો તો દિવસ સુધરી ગયો હતો. રાજુએ , “ હું છું ને ? “

એ શબ્દો વાપર્યા એટલે એને એમાં પોતાનો મદદગાર દેખાયો પરંતુ અજાણ્યા પર એક દમ વિશ્વાસ મૂકી દે તેટલી તે

ભોળી નહોતી. તેણે રાજુને કહ્યું બપોરે અહીં જ જમજે, અને તેણે ત્યા આવતી રસોઇવાળી બેનને તેની સુચના આપી

દીધી .

ધીરે ધીરે રાજુ ત્યા કમ્પાઉન્ડમાં પાછળની પરસાળમા રહેતો થઇ ગયો અને માજીનું નાનું મોટું કામ પણ કરતો થઇ

ગયો. બજારમાંથી કોઈ વસ્તુ લાવવી હોય કે કપડા સુકવવાના હોય અને નાની મોટી સફાઇમાં તે જોતરાઈ ગયો.

બદલામાં માજી તેને ખાવાનું આપતા અને થોડા જુના કપડા આપતા.

થોડા દિવસમાં દિયર ને ખ્યાલ આવી ગયો કે કોઈ છોકરો માજીનું કામ કરે છે એટલે એને કેવી રીતે અહીંથી કાઢી

શકાય તેના પેંતરા રચવા લાગ્યો,. પહેલા એણે પોલીસને ફરિયાદ કરી પણ પોલીસ કોઈ પુરાવા વગર રાજુ સામે

પગલા ભરવા તૈયાર નહોતી. અને એમ પણ પોલીસને કંઈ મળવાનું ન હોય તો કંઈ પણ કરવાની ઈચ્છા હોતી

નથી. .

એણે ભિક્ષુક ગૃહમાં પણ ફરિયાદ કરી પણ એ લોકોએ કહ્યું, રસ્તા ઉપર ભીખ માંગતો હોય તો અમે એને પકડી

જઈએ પણ તે વગર કેવી રીતે પકડાય ? દિયરે એ લોકને થોડા પૈસા આપ્યા અને એમને બોલાવી લાવ્યો. પણ

માજીએ કહ્યું, “ એ તો મારે ત્યા કામ કરે છે. “ એટલે એ લોકના હાથ હેઠા પડ્યા.

ધીરે ધીરે આજુબાજુવાળા પણ નાનું મોટું કામ એની પાસે કરાવતા અને પૈસા આપતા. તેમાંના એકે તો એને કાયમ

પોતાને ત્યા નોકરીએ રહી જવા કહ્યું, પણ રાજુ હવે આ માજીને છોડવા તૈયાર નહોતો. એની જયારે ઘણી ખરાબ

સ્થીતી હતી ત્યારે આ માજીએ એને કોઈ પણ સ્વાર્થ વગર મદદ કરી હતી.

દિયરને વિચાર આવ્યો , બાળ મજુરી ગુનોહ બને છે એટલે એ તેના અધિકારીને મળવા ગયો. પણ એ અધિકારીને

પણ જેમાં પૈસા ના મળવાના હોય તેવું કોઈ કામ કરવાની કોઈ ઈચ્છા નહોતી એટલે એણે તો એ દિયરને જ

ખખડાવ્યો, “ બચારો પોતાનું પેટ ભરે છે તેમાં તમારા પેટમાં શું દુખ્યું ? “ પણ દિયરે જયારે વધારે દલીલો કરી

અને ઉપરી અધિકારી પાસે જવાની વાત કરી ત્યારે ના છુટકે તે ત્યા આવ્યો. દિયર જાણીજોઈને સાથે આવ્યો

નહોતો.

રાજુ ત્યારે કપડા સુક્વતો હતો. એણે પૂછ્યું, “ તારું નામ શું ?“ “

રાજુએ એકાક્ષરી જવાબ આપ્યો , “ રાજુ “

પેલાએ પાછું પૂછ્યું, “માજી તારા સગા થાય છે ? “

રાજુએ માથું ધુણાવી ના પાડી. પેલાએ માજીને કહ્યું, “માજી, તમારી સામે ગુનોહ બને છે , બાળકો પાસે કામ

કરાવવું ગુનોહ છે તે ખબર છે ને ? “

માજી બોલવા જતા હતા, “ સાહેબ , આ તો બચારો ભૂખે મરતો હતો.... “

પેલા અધિકારીએ પાછો દમ માર્યો, “ તે દુનિયાના બધા ભૂખે મરનારનો તમે ઠેકો લીધો છે ? “

માજી પાછું કૈ બોલવા જતા હતા એને અટકાવીને પેલાએ પાછું કહ્યું, મારે પોલીસ ફરિયાદ કરવાની થાય છે. રાજુ

મૂંગે મોઢે આ તમાશો જોઈ રહ્યો હતો . તે આમ પણ પોલીસોની કાર્યશૈલીથી અજાણ નહોતો.તેણે કહ્યું, “ સાહેબ હું

પૈસા વગર કામ કરું તો ગુનોહ બને ? “

અધિકારી જરા ગુંચવાયો , તે કહે,” તું મફતમાં શું કામ કામ કરે ?”

રાજુ કહે, “ મારી મરજી. “ પછી પાછો કહે, “સાહેબ, રસ્તામાં પડેલું હું ખાઉં તો ગુનોહ બને ? “

અધિકારી કહે , “ ના તેતો ગુનોહ ના કહેવાય. “

રાજુએ આનદથી માજીને કહ્યું, “ બા, હું તમારું કામ મફતમાં કરી આપીશ, તમે રસ્તામાં ખાવાનું મૂકી દેજો. “

રાજુની આ ચાલાકી જોઈ માજીને પણ હસવું આવ્યું. પોતે ઘણું ભણેલી પણ વ્યવહારુ ઉકેલ ના આવડ્યો, જે આ

અભણ છોકરાએ બતાવ્યો હતો.

અધિકારીએ એની પત્નીને ફોન કર્યો, “ મીતા તારે એક કામ વાળો જોઈએ છે ને ? અહીં છે , હોંશિયાર છે .”

રાજુએ કહ્યું, “સાહેબ તમારે ત્યા કામ કરું તો ગુનોહ ના બને ? “

અધિકારી છંછેડાયો, “ ચાલ મોટા કાયદા બતાવવાવાલા, હમણાં બેસાડી દઈશ તો ખબર પડશે, બધી હવા નીકળી

જશે. “

રાજુએ કહ્યું, “ સાહેબ, હું બા શીવાય કોઈને ત્યા કામ કરવાનો નથી, થાય તે કરી લેજો. “

“ તો તો મારે પગલા ભરવા જ પડવાના. બાળ મજુરી તો હું નહી ચલાવું. “ અધિકારીને ત્યા મફતમાં કામ કરવા

તૈયાર ના થયો એટલે એણે રાજુને દમ માર્યો.

રાજુ કહે, “સાહેબ, હું ભીખ માંગું તો પેલો જાડીયો પોલીસ લાકડી લઈને પૂંઠે દોડે. કામ કરું તો સરકાર કામ ના

કરવા દે. તો હું ખાવાનું ક્યાંથી લાવું ? ચોરી કરું ? તો પણ પોલીસ પકડી જાય. “

પેલો અધિકારી કહે, “ તે કંઈ હું ના જાણું. ચોરી કરવી હોય તો ચોરી કર “.

ગુસ્સે ભરાયેલા રાજુએ પેલા તરફ આંગળી કરી કહ્યું, “ જે દાડે ચોરી કરા તે દાડે પહેલા તારે ત્યાંજ કરા. કોઈ

જીવવા જ ના દે. મારે જવું ક્યાં ? “