છેલ્લો પત્ર
આલોક ચટ્ટ
મારી અને ફક્ત મારી જ સીમા,
હા, હજીયે ફક્ત મારી જ કહીશ, તો શું થઈ ગયું જો આપણી વચ્ચે અંતર આવી ગયું? એ બધાં જ પરિબળોથી દિલથી માન્યું હોય એમાં કે લાગણીમાં બદલાવ થોડો આવે, કદાચ તારે આવે પણ મારે તો નહીં જ આવે.
મને આજે જ કોઈએ પૂછ્યું કે તમારા માટે ‘પ્રેમ એટલે શું?’ એમને તો મેં કંઈક ભળતો જ જવાબ આપી દીધો પણ તને લખવાનું મન થયું કે ‘મારા માટે પ્રેમ એટલે તું...તું અને ફક્ત તું જ...અને તું એટલે બધું જ....’. શ્વાસ લેવો એ પણ તું અને જીવવું એ પણ તું. મારી ખૂશી, મારું હાસ્ય, મારી આંખોની ચમક, મારાં ધબકારની લય, આ બધુ જ તું છે. મારી દરેક ક્ષણ આજે પણ હું તારા જ પરિઘમાં જીવું છું. મારી આસપાસ બધું જ યંત્રવત ચાલ્યા કરે છે પણ હું સ્થિતપ્રજ્ઞ બનીને તારામય રહું છું. આજે હગ ડે છે અને આજે જ હગ આપવાને બદલે તેં મને ગુસ્સામાં બહુ ખરું ખોટું સંભળાવી દીધું, માન્યું કે હજીયે મારાથી ભૂલ થઈ જાય છે અને તારા બધાં જ આક્રોશનું કારણ પણ ક્યાંક મારી ભૂલો જ છે, પણ એ ભૂલોની હું કેટલી વખત માફી માગું? માન્યું કે મારો સ્વભાવ સારો ન હતો, તું મારાં લીધે બહુ દુઃખી પણ થઈ છે પણ એ વાતને બે વરસ થવા છતાં તારો આક્રોશ ઓછો જ નથી થતો. શું પાંચ વરસની દરેક પ્રેમાળ ક્ષણોને થોડાક ઝઘડાઓએ ભૂંસી નાખી? શું પ્રેમની એ પળો કરતાં ગુસ્સાની ક્ષણો એટલી બધી વજનદાર હોઈ શકે કે પ્રેમની અમૂલ્ય પળોની સામે પલડું નમી જાય?
મેં તને અનહદ ચાહી છે અને આજે પણ એટલી જ ચાહું છું. હું રોજ કોશિશ કરું કે તું બધું ભૂલીને મને ફરીથી પહેલાંની જેમ જ પ્રેમ કરવા લાગે, મને મારી સીમુ પાછી મળે એ માટે હું થાય એટલાં પ્રયત્ન કરું છું, પણ વ્યર્થ... હવે હું બહુ જ નાસીપાસ થઈ જાવ છું જયારે તું સાવ ન જેવી વાતમાં મારી પર બધો આક્રોશ ઠાલવી બેસે છે, સાચું કહું તો દરેક વખતે તૂટી જાવ છું, વેરવિખેર થઈ જાવ છું... પણ ક્યાંક પ્રેમની તાકાત એટલી છે કે હું દરેક વખતે એટલી જ સહજતાથી જાતને એકઠી કરી લઉં છું. એટલો અગાધ પ્રેમ જે મને તારાથી વિખુટો પડવા જ નથી દેતો, મને ક્યારેય તારા માટે આટલો આક્રોશ નથી થતો કે હું તારી પર આટલો ગુસ્સો કરી બેસું અને ક્યારેય કરીશ પણ નહીં કારણ કે હું સમજુ છું કે જયારે કોઈ આપણી લાગણી સમજવાને બદલે પોતાનો આક્રોશ ઠાલવે ત્યારે કેટલું દુઃખ થાય છે.
એક સમય એવો હતો જયારે તું અને હું ફક્ત એકબીજામાં જ ગળાડૂબ હતાં, આપણે જ એકબીજાની દુનિયા હતાં પણ હવે એવું નથી, હવે તો એ દુનિયામાં જ હું એકલો પડી ગયો છું. જાણે કોઈ ઊંડા અંધારિયા કૂવામાં એકલો હોઉં એવું અનુભવું છું. આપણી વચ્ચેના મતભેદનું કારણ પણ એ જ હતું કે તારે બીજી વસ્તુઓની પ્રાથમિકતા આપવી હતી અને મારી તો બધી જ પ્રાથમિકતા તું જ હતી. હું ફક્ત એટલું ઈચ્છતો હતો કે બસ આપણે બે જ જીવીએ અને તારા માટે બીજું બધું પણ અગત્યનું થતું ગયું અને હું એ સહન ન કરી શક્યો અને મારાથી રિએકટ થવા માંડ્યું, શરૂઆતમાં એ રિએક્શ્ન્સ તો તું પણ નોર્મલી લેતી પણ સમય જતાં તારી સહનશક્તિની હદ આવી ગઈ અને પછી તેં તારી પ્રતિક્રિયાઓ ચાલુ કરી, દિવસે દિવસે ઝગડા વધતાં ચાલ્યાં. એક સમયે જયારે મને અહેસાસ થયો કે તું મારા માટે કેટલી અગત્યની વ્યક્તિ છે ત્યારથી મેં મારા સ્વભાવમાં ધરખમ ફેરફાર કર્યા, પણ ત્યારે બહુ મોડું થઈ ગયેલું, તું ક્યારેય ઓગળે નહીં તેવા પાષણરૂપી ગુસ્સા તરફ વળી ગઈ ને હું એકલો એકલો જ આપણી બધી સ્મૃતિઓ વાગોળ્યા કરતો, એકલો જ એ બધી ક્ષણો જીવતો. તને તો એટલો આક્રોશ છે કે તું એ કોઈ વાત યાદ પણ નથી કરવા માગતી. મને પ્રેમ કર્યો એ તને તારી ભૂલ લાગે છે પણ મને ક્યારેય એવું નથી લાગતું કારણ કે પ્રેમ ફક્ત સુખ આપે એવું નથી, પ્રેમ તો પારાવાર દુઃખ પણ આપે, એ તો નસીબની વાત છે, આપણી બધી જ તૈયારી હોવી જોઈએ. પણ હું તને કાયમ એક જ વાત કહું છું કે જે સમય જઈ રહ્યો છે એ આપણે ગુમાવી રહ્યાં છીએ, એ ક્ષણો જે આપણે માણી શકીએ એ આપણે ઝગડામાં વેડફી રહ્યાં છીએ, હવેનો સમય તો આપણા માટે બહુ જ સારો સમય હોવો જોઈએ એનાં બદલે હજી આપણી વચ્ચે કંઈ સુધરતું નથી. હું રોજ એક જ આશમાં જીવું છું કે આપણી વચ્ચે બધું જ નોર્મલ રહે, હું ભગવાનને પણ એનાં માટે એટલી બધી પ્રાર્થના કરું છું પણ એ પણ કંઈ સાંભળતા નથી.
સીમુ, આ ફેબ્રુઆરી મહિનો આપણા માટે કેટલો ખાસ હતો યાદ છે ને તને? વેલેન્ટાઈન વિક અને ડેની આપણે કેટલાં સમય પહેલાથી તૈયારી કરતાં અને દરેક વખતે કંઈક ને કંઈક ખાસ રીતે એને ઉજવતા. પણ આ વખતે? આ વેલેન્ટાઈન વિક જઈ રહ્યું છે છતાં પણ તેં મને હજી એક વાર પણ વિશ નથી કર્યું, શું આટલો બધો ગુસ્સો વ્યાજબી છે? હું એક એક દિવસ તારા વિરહમાં આંસુ સારી ને કાઢું છું, અંદરથી પારાવાર દુઃખી છું માટે આજે આ લેટર લખું છું, મને ખબર છે મારાં શબ્દો આડાઅવળાં હશે લાગણી આમથી તેમ થતી હશે પણ શું કરું, મારું મન જ સ્થિર નથી. એક તું જ છે જે મારું આ બેલગામ મન સ્થિર કરી શકે એમ છે, એ પણ એક પળમાં, એક જ શબ્દથી, એ જ કદાચ પ્રેમનો જાદુ છે. બે મીઠાં વહેણ પણ મન:સ્થિતિ સુધારી શકે છે, આ ડામાડોળ મનને એકદમ શાંત કરી શકે છે. બસ તું એકવાર મારી બધી જ ભૂલો માફ કરીને મને એવી રીતે અપનાવી લે જેવી રીતે પહેલી જ મુલાકાતમાં અપનાવી લીધેલો. તારા વિના મારાં દિવસ રાત અધૂરા છે, મારી એક ક્ષણ અધૂરી છે, મારી દરેક ખૂશી અધૂરી છે એ બધું જ પૂર્ણ કરવા માટે પણ તું આવી જા.
એક સમયે તું કહેતી કે આપણો સંબંધ તો શ્વાસ અને શરીર જેવો છે એ કદાચ સાચું જ હતું, તું ગઈ એટલે મારાં શ્વાસ ચાલ્યા ગયા અને ફક્ત મારું શરીર રહી ગયું. શું તને ક્યાંય અધુરપ નથી લગતી? શું તને ક્યાંય મારી ખામી નથી વર્તાતી? શું તારા દિવસ રાત અધૂરાં નથી? જો અધૂરાં ન હોય તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જો અધૂરાં હોય તો એક ક્ષણની પણ વાર ન લગાડતી કારણ કે આજે પણ હું તારી એટલી જ આતુરતાથી રાહ જોઉં છું જેટલી પહેલીવાર મળ્યાં ત્યારે જોઈ હતી. તારું એક આલિંગનથી નિર્જીવ દેહમાં ફરી ચેતના આવી જશે, તારા બોલાયેલા ‘આઈ લવ યુ’થી મારું હૈયું ફરીથી ધબકવા લાગશે પણ આ બધાં માટે ફક્ત તારી જ રાહ છે..... બસ એકવાર આવીને મને તૃપ્ત કરી દે, મને જીવંત કરી દે.....મને નવજીવન આપી દે....બસ આવી જા એકવાર તું આવી જા... આ મારો તને છેલ્લો સાદ છે બસ આવી જા સીમુ.
-તારી જ રાહમાં ફક્ત તારો....અનુરાગ