Anandit Ane Utsahit Jivan in Gujarati Magazine by Hardik Raja books and stories PDF | આનંદિત અને ઉત્સાહિત જીવન

Featured Books
Categories
Share

આનંદિત અને ઉત્સાહિત જીવન

આનંદિત અને ઉત્સાહિત જીવન

  • હાર્દિક રાજા
  • ઘણા લોકો જિંદગી શું છે એ જાણવામાં જ જિંદગી નો સમય વેડફી નાખે છે તો શું જિંદગી જાણવા ની ચીજ છે? શું જિંદગી ને જાણી લેવાથી તમામ સુવિધાઓ મળી જવાની છે? શું જિંદગી ને જાણીને જીવનમાં સુખ અને શાંતિ બંને છવાઈ જશે? ના, એટલે જ જિંદગી ને નકારવી ન જોઈએ. ખુલ્લા મન થી જીવન નો સ્વીકાર કરવો. જિંદગી નો ભરપુર આનંદ માંણો. જિંદગી ને જાણવા માટે માણવી જરૂરી છે. જો કોઈ માણસ આઈસ્ક્રીમ ને હાથમાં લઇ બેસે અને તેને ખુબ જ નીરખીને જોયા રાખે તો શું થશે? હા, આઈસ્ક્રીમ ઓગળી જશે, પછી તેનો માણવા નો સમય જતો રહ્યો હશે. તો પછી જિંદગી નું પણ એવું જ છે. એટલે તો કહ્યું છે “જિંદગી આઈસ્ક્રીમ જેવી છે ઓગળે તે પહેલા માંણી લો.” એટલે તમે જિંદગી જીવો છો તો જિંદગી શું છે એ તો જાણો જ છો, તો હવે માંણો...

    કેટલાક લોકો કહેતા હોય છે કે દુખ હોય ત્યારે કેવી રીતે જિંદગી નો આનંદ માણી શકાય? તો આપણે વિચારીએ કે આપણને દુખ હોય તેવું ક્યારે લાગે છે? જયારે આપણી અપેક્ષા પ્રમાણે પરિણામ ન મળે ત્યારે માણસ દુખી થાય છે. સામાન્ય રીતે માણસ જીવન જરૂરિયાત ની અને સ્વાભાવિક કેટલીક ચીજોની અપેક્ષા રાખે તો તે તેને મહેનત કરે તો મળી જવાની છે પરંતુ માણસને સંતોષ થતો નથી અને તે કાયમ દોડતો રહે છે અને દુખી થતો રહે છે એટલે જ કોઈએ કહ્યું છે કે “જેટલી જરૂરિયાત વધારે તેટલી જ જંજાળ વધારે.” અને જયારે દુખ આવે ત્યારે નેગેટીવ વિચારો ન કરો કારણ કે આ વાત વૈજ્ઞાનિક રીતે સિધ્ધ છે કે, એક પોઝીટીવ વિચાર એક નેગેટીવ વિચાર થી ઘણો શક્તિશાળી હોય છે, અને દુખ માં પોઝીટીવ રીતે ભગવાન પર ભરોસો રાખી, વિચારો કે “પરમાત્મા એ જો અંધારું કર્યું છે એક પણ આશા ની કિરણ દેખાતી નથી તો, ઈશ્વર આપણા માટે સરપ્રાઈઝ પાર્ટી નું આયોજન કરી રહ્યો છે.” અને આ એક સનાતન સત્ય છે કે સુખ અને દુખ બંને બહાદુર માણસ પાસે પણ આવશે, અને મુશ્કેલી થી ભાગતા માણસ પાસે પણ આવશે. તો પછી તેનો બહાદુર માણસ ની જેમ જ સામનો કરો.

    ઘણા લોકો ની જિંદગી માં ઘણા એવા કન્ફ્યુઝન ને કારણે કે, કેટલીક ચિંતાઓ ને કારણે જિંદગી માં ક્યાંય રસ રહેતો નથી. તેની જિંદગી નીરસ બની રહે છે. જિંદગી માં પોતાના જીવન નો આનંદ લુટો, હું તો કહું છું કે લખલુટ આનંદ લુટો. જીવાતા જીવન માં ભરપુર રસ રાખો. આનંદભરી સમજણથી, કોઈ પણ વાતને દિલ પર લીધા વિના ખુલ્લા દિલે પોતાના જીવન નો એવી રીતે આનંદ લો કે જાણે કાલે જ મોત આવવાનું છે! પોતે લહેર થી જીવતા શીખો અને બીજાને જીવવા દો. જીવન ની પળેપળ માં રસ રાખવો જોઈએ! અંગ્રેજો નું જયારે ભારત પર શાશન હતું ત્યારે તે તેના સૈનિકો ને કહેતા કે “માણસ ને મારવા માટે તેને જીવથી મારવો જરૂરી નથી ,જીવન માંથી તેનો રસ ઉડાડી દો. કોઈ પણ બાબત માં તે રસ ન ધરાવે તેવો નીરસ બનાવી દો. એટલે તે મૃત્યુ પામેલો જ છે તે માત્ર હાલતું ચાલતું મડદું રહી જાય છે.” જો માણસ ને જીવન પ્રત્યે રસ હોય તો જીવન એક સંજીવન જેવું થઇ જાય છે, માનવી એ કોઈ પણ પ્રવૃત્તિ માં પ્રવૃત રહેવું જોઈએ. નિષ્ક્રિય ન રહો વાંચો, સાંભળો, જુઓ, મિત્રો ને મળો અને જીવન ને માંણો.

    એક મહાન ડોક્ટર એ કહ્યું છે કે ‘રોજ ની ૨૪ કલાક માંથી ઓછામાં ઓછી ૨ કલાક પુસ્તકો વાંચવા જોઈએ.” આ વાત સાચી છે માણસ નો કોઈ સાચો મિત્ર હોય તો તે પુસ્તક જ છે. રોજીંદા જીવન ની ઘટમાળ માં અને કામ ધંધા માં આપણો ઘણો બધો સમય વ્યર્થ જતો હોય છે તેને બદલે જે થોડીક ફુરસદ ની પળો મળી છે એમાં જગતમાં જે કઈ ઉતમ લખાયું છે તે વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણા લોકો કહેતા હોય છે કે તેમને વાંચન નો શોખ નથી, પણ તમને જેનો શોખ હોય તે વાંચો, વાર્તા નો શોખ હોય તો દ્વિરેફ કે ધૂમકેતુ વાંચો. જો કવિતા નો શોખ હોય તો જોડકણા જેવી સસ્તી શાયરી નહિ પણ નરસિહ થી હિતાંશુ સુધીના ઉતમ કવિઓ ને વાંચો. વાંચવા માટે પણ હમેશા એટલું ધ્યાન માં રાખો કે દરરોજ ના ઘણા પુસ્તકો છપાય છે પરંતુ તેમાંથી વાંચવા જેવા હોય તે વંચાય છે. ની:સત્વ પુસ્તકો ને વાંચી જિંદગી વેડફી ન નાખીએ. તો જિંદગી માં વાંચન ઉપયોગી છે. તેવી જ રીતે હજી ઘણું બીજું પણ છે જેમકે માણસે દરરોજ એક મધુર સંગીત સાંભળવાથી માનવ ચિંતા મુક્ત અને તેનું મન પ્રફુલ્લિત રહે છે. ત્યાર બાદ દરરોજ એક સુંદર ચિત્ર જોવું જોઈએ. નવા નવા લોકો ને મળવું જોઈએ. જેથી જીવન રસપ્રદ બની રહે. માનવી એ જીવન નો આનંદ મેળવવા ના હજી ઘણા નુસખા છે જેમકે એક વૃક્ષ વાવવું જોઈએ અને પછી જાતે જ તેનું જતન કરવું જોઈએ આ આનંદ પણ અનેરો છે. દરરોજ સવારની તાજી હવામાં ટહેલવા જવાનો આનંદ પણ મજાનો છે. સવાર ના ટહેલવા જવાના આનંદ ને શબ્દો માં ઉતારવો જ અઘરો પડે. આમ, જિંદગી માં આનંદ મેળવવા નીકળીએ તો શક્ય છે કે જિંદગી નીરસ માંથી રસપ્રદ બની જાય !

    આજે આપણે જે છીએ તે છીએ, કાલે જે થશે તે જોયું જશે. પરમાત્મા એ આપણને સદૈવ ખુશમિજાજ, મસ્ત અને આનંદ થી રહેવા માટે જ આવી રમણીય પૃથ્વી પર મોકલ્યા છે. માટે કાલ ની ચિંતા માં આજને ન બગાળો. હતાશા અને ઉદાસીનતાથી ભયંકર બીજી કોઈ બાબત નથી. જે વ્યક્તિ પોતાના મનમાં નિરાશામય વિચારો ભરીને બેઠો હોય એની સાથે કોઈ પણ મિત્રતા બાંધવાનું પણ પસંદ કરતુ નથી. તમે હસી રહેલા ફૂલ ની સામે હસો, ઉષાના સ્મિતમાં મધુરતા ભરી દો, સંસાર માં હાસ્ય રેલાવતા, ચિંતાને ચપટી વગાડી ભગાડતા અલમસ્ત રહો. બસ તમે સ્વાસ્થ્ય ને પામશો., આનંદ-ઉલ્લાસ ની પ્રાપ્તિ કરી શાંતિ અને પ્રેમ ના સાગર માં લહેરાશો. તમારા જીવન ની એક એક ક્ષણ આનંદ ઉલ્લાસ ભરી વીતશે. દુનિયા ની ઝંઝટો થી બચવા માટે મસ્ત રહેવા કરતા બીજી કોઈ વધારે અસરકારક દવા નથી. રડવા ને બદલે મસ્ત રહેતા શીખો. વધુ ને વધુ આનંદ તત્વના સાનિધ્ય માં રહો. તમે જે વસ્તુઓ કે બાબતોથી ચિંતિત છો એ બધી અલ્પકાલીન છે, તો પછી આપણે જીવન ને કંટકમય શા માટે બનાવીએ? આપણે ફૂલોની જેમ હસતું ખીલતું જીવન વ્યતીત કરવું જોઈએ. પ્રકૃતિ ને જુઓ, સર્વત્ર આનંદ નું રાજ્ય છે. શીતળ મંદ પવન કેવા આનંદ થી વહી રહ્યો છે. બગીચામાં પક્ષીઓનો કલરવ સાંભળો. નદીઓ, ઝરણા, નાળાનું જળ કેવું મસ્તી થી વહેતું હોય છે એક એક ટીપું જાણે ઉછળી ઉછળી ને હસે છે અને કહે છે,” હે સંસારીઓ, આનંદ માંણો, વ્યર્થ ચિંતાઓ છોડી આનંદ પૂર્ણ જીવન વ્યતીત કરો.

    જિંદગી એક ફટાકળા જેવી છે, એ એવો ફટાકળો છે કે તે સળગી તો ગયો જ છે અને ફૂટી જવાનો છે તો પછી આનંદભરી સમજણથી કે સમજણભર્યા આનંદ થી જીવન માં રસ રાખી કેમ ન જીવવું?

    તો આવો, આપણે આપણી કૃત્રિમ ચિંતાઓ અને દુર્ભાવપૂર્ણ કલ્પનાઓનો સદાને માટે ત્યાગ કરીને, આનંદ-તત્વ ના સાધક બનીએ. જીવન રસ નું પાન કરીએ. જીનન ના પ્રત્યેક તાણાવાણા ને આનંદ ઉલ્લાસ ના રંગે રંગી દઈએ. પોતે હસીએ, પ્રસન્ન રહીએ અને અન્યને પણ આનંદ આપીએ. આપણે જગતને આનંદ-મય રીતે માણીએ. આજથી નિર્ણય કરીએ કે અમે સદા સર્વદા પ્રત્યેક સ્થિતિમાં પ્રત્યેક વાતાવરણ માં આનંદ મેળવીશું. દુનિયાભર ની ખુશીઓ પ્રાપ્ત કરીશું. અમારો જન્મ આનંદ પ્રાપ્તિ માટે થયો છે વિષમ પરિસ્થિતિઓ અમારા આનંદ માં અવરોધો ઉભા કરી શકશે નહિ. આપણે કોઈ પણ સ્થાને કે અવસ્થામાં હોઈએ, આશાવાદી દ્રષ્ટિકોણ અપનાવીને આનંદ પ્રાપ્તિ નું ધ્યેય દ્રષ્ટિ સમક્ષ રાખીને આપણે ઉલ્લાસમય જીવન વ્યતીત કરી શકીએ છીએ.

    છેલ્લે બસ એટલું જ કે :”BE HAPPY"

    -હાર્દિક રાજા