પ્રકરણ ૧૯
‘...અને..’
ઓફ ધી રેકર્ડ
લેખકનો પરીચય :-
ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.
સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ..જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.
ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે.
લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.
પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.
આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા – ‘…અને’ – ઑફ ધી રેકર્ડ
‘...અને’ – ઑફ ધી રેકર્ડ
સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન..
રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા..
વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.
‘…અને’ બીજું ઘણુંબધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં..... ભવ્ય રાવલની કલમે.......
Bhavya Raval
ravalbhavya7@gmail.com
પ્રકરણ ૧૯
‘...અને...’
ઓફ ધી રેકર્ડ
...અને મહિલા વૉર્ડરે આફ્ટર બેરેક નંબર ૧૩નો દરવાજો ખોલ્યો, ‘ચલ બે નોટંકી. તેરી જમાનત હો ગેલી હૈ.’
સત્યા પોતાની જગ્યા પર ઊભી થઈને ચાલવા ગઈ.
‘રુક રે. તુ નહીં. એ તુ... ચલ...’ સત્યા પાછળની તરફ ખસી. મહિલા વૉર્ડરે લાકડી બતાવી, ‘નતાશા તેરા નામ હૈના...’
‘હા.’ નતાશા ઝડપથી સત્યાને ગોડ બ્લેસ કહી હાશકારો કરતાં બેરેકમાંથી ચાલી ગઈ.
સત્યા નતાશાને થેંક્સ અને બાય કહી પથ્થરની ચોરસ પાટલી પર બેસી સિગારેટ જલાવી પીવા લાગી. તે મનોમન ઉચ્ચારવા લાગી. ‘લાંચ-રુશવત લેવાના કેસમાં જામીન આસાનીથી મળી જાય છે. ખૂનના આરોપમાં જામીન મળવા મુશ્કેલ થઈ પડે છે. વિબોધ... વિબોધ... ક્યાં છે તું? સાત દિવસો કેવી રીતે પસાર થશે આ કેદખાનામાં? શું થશે તારા વિના આગળ? અને જો તું નહીં આવે તો? અને આવી જાય તો.. જ્યાં હોય ત્યાંથી પ્લિઝ...’
સિગારેટનો લાંબો કશ લઈ સત્યાએ વિબોધની ડાયરીના આગળના પાનાંઓ ફેરવવા લાગ્યા. ઘણું વંચાઈ ગયું હતું. હવે બહુ થોડાં પાનાંઓ લખેલા બચ્યાં હતાં જેમાં તારીખ લખી ન હતી. વિબોધનાં મરોડદાર, નાના અને સાફ અક્ષરથી લખેલાં પાનાંઓ પલટાવતાં સત્યાની આંખો વિબોધના વિચારો પર ઘૂમવા લાગી.
જન્મ છે એટલે મૃત્યુ છે તો જીવ છે એટલે મોક્ષ છે. એક દિવસ બધા જીવોને મોક્ષ મળી જશે અને આ પૃથ્વી પર મોક્ષ પામેલા જીવો અવતાર લેશે. કોઈ જ વિજ્ઞાન, ધર્મ કે ફિલસૂફી પર આધાર રાખ્યા વિના જીવન સીધી દિશામાં આગળની તરફ ગતિથી પ્રયાણ કરતું રહે છે. સમયને પાંખ ફૂટે ને ઉડે, પગ આવે ને દોડે. વર્તમાનમાં સ્થાયી અને સ્થિર બની જીવતા રહેવાની જંગ જ સર્વાઈવલ ઑફ લાઇફનો સિદ્ધાંત સમજાવી શકે છે.
જે જાણીએ છીએ તે જ્ઞાન, જેના વિશે નથી જાણતા તે વિજ્ઞાન.
ધર્મ પાસે માણસમાંથી મહાત્માઓ બનવવાનું રસાયણ છે. વિજ્ઞાન પાસે સારા માણસો સર્જન કરવાનો કોઈ ફોર્મ્યુલા કેમ નથી?
વેદી અને ચિતામાં, લગ્નના અગ્નિ અને મૃત્યુની આગમાં મને એક જ તફાવત દેખાય છે. બંધન અને મુક્તિ.
સ્ત્રી-પુરુષના શારીરિક સંબંધ સમય હોય ત્યારે નહીં જરૂરત હોય ત્યારે જોડાય તો વધુ ટકે છે. આજ સુધી સમય અને શરીરની જરૂરિયાત પૂરી કરવા જેટલા વિજાતીય સંબંધો સ્થપાયા તેનો અંત સુખદાયી ન હતો.
કુદરતે દરેક માણસને ચોવીસ કલાક આપ્યાં છે. આઠ કલાક સૂવાનું, આઠ કલાક જીવન જરૂરી કામકાજ કરવાનું અને બાકીની આઠ કલાક ગમતી વ્યક્તિ, વસ્તુ અને વિચાર પાછળ ખર્ચવાના.
ગુજરાતી પ્રજામાં છોકરીઓનાં નામ પૂજા, પ્રીતિ, ભૂમિ અને કાજલ બહુ હોય છે.
માતૃભાષામાં આવતા સપનાં સાકાર કરવા અંગ્રેજી આવડવું જરૂરી છે.
ખરાબ આદતો અને વિચારો જેટલા જલ્દીથી આપણી અંદર પ્રવેશે છે એટલા જલ્દીથી દૂર જતાં નથી.
ધર્મનો આશરો લઈ જન્મ બાદ તો ખ્યાલ નથી પરંતુ જીવતા-જીવતા ઘણા કાર્યો સરળ બની જાય છે. માદા અને ધર્મનો આશરો લીધા વિના કોઈ જીવ ટકી ન શકે.
સ્ત્રી વિશે લખવા-બોલવામાં સદાય માતા અને બહેનની મૂરતને નજર સમક્ષ રાખી છે. જો પ્રેમિકાઓને ધ્યાનમાં રાખી લખું-બોલું તો મહિલા આયોગવાળી મારુ એન્કાઉન્ટર કોઈ મહિલા એસ.પી.ના હાથે કરાવી નાંખે. મને સદ્દામ, ગદ્દાફી જેવા વિશેષણથી નવાજીને મીડિયાને ટી.આર.પી.ની પાવર કેપ્સૂલ આપી દે, સાથોસાથ મારુ એન્કાઉન્ટર કરનારીને લક્ષ્મીબાઈનું બિરુદ આપી સમ્માન કરે.
પુરુષ કેવો હોવો જોઈએ? સ્ત્રીને કેવો પુરુષ ગમે?
દરેક સ્ત્રીને પ્રભાવશાળી કરતાં પ્રેમાળ પુરુષ ગમે છે. પુરુષનો દેખાવ સ્વયંને અરીસામાં જોઈ ગમે તેવો નહીં પરતું તેની પાર્ટનરને આકર્ષે તેવો હોવો જોઈએ. તે તહેઝીબ, અદબ, એલિગન્સ અને ક્લાસનાં લક્ષણ ધરાવતો હોવો જોઈએ. ઈમ્પેકેબલ પર્સનાલિટી ન હોય તો ચાલે પણ દંભ પર નમ્રતાનું લેમિનેશન ચીપકાવેલો ક્લિન સેવ બબૂચક ન હોવો જોઈએ.
એ દિલથી પૈસા ખર્ચી અને દિમાગથી પૈસા કમાઈ શકે તેવો હોવો જોઈએ. શરીરથી નહીં મનથી મજબૂત હોવો જોઈએ. એટલે કે તે મસલ્સમેન કે મનીમેન નહીં પુરુષ માયાળુમેન હોય તો ગમે.
સ્ત્રીના ૧૮૦ ડિગ્રી ફેલાયેલા સાથળો વચ્ચે પોતાનું પુરુષત્વ અજમાવી કે જમા કરી મર્દ હોવાની સાબિતી આપી શકાતી નથી. સ્ત્રીને ચાહવી અને પામવી કરતાં પણ જીતવી અઘરી છે. પુરુષ સ્ત્રીને જીતી તેના પર વિજય પ્રાપ્ત કરી શકે તેવો હોવો જોઈએ. સ્ત્રીને સમ્માન આપે અને સ્ત્રી સમ્માન માટે શહીદ થવા તૈયાર હોય એ સાચો મર્દ.
જે સ્ત્રીના હોઠને બંધ કરી તેના પર પોતાના હોઠ પરોવી દે તેવો નહીં પરંતુ જે સ્ત્રીના હોઠ ખોલાવી શકે, જે પુરુષ પાસે સ્ત્રી કંઈપણ છૂટથી બોલી શકે, કબૂલ કરી શકે પુરુષ એવો હોવો જોઈએ. જેના પ્રત્યે આકર્ષણ નહીં ગુરુત્ત્વાકર્ષણ થાય.
એ કૃષ્ણ જેવો પૂર્ણપુરુષ કે રામ જેવો મર્યાદા પુર્ષોત્તમ ન હોય તો ચાલે. દુનિયામાં માટે ભલે એ કંઈપણ હોય. પોતાની ગમતી સ્ત્રી પાસે એ ફક્ત પ્રેમાળ અને પ્રમાણિક હોવો જોઈએ. એ જૂઠ ભલે બોલે પણ સત્ય બદલાતો રહેતો ન હોવો જોઈએ. સામે પક્ષે સ્ત્રીએ પણ સત્ય સાથે ચેડા ન કરવા જોઈએ.
સ્ત્રીઓને ક્યારેક વિચાર આવતા હશે, મને પણ ક્યારેક એક વિચાર આવે છે. આ દુનિયામાં કરોડો પુરુષો છે પણ સ્ત્રીને માત્ર એક પુરુષની જીવન જીવવા માટે જરૂર પડવી અને એ એકમાત્ર પુરુષમાં ગમતી વાતો-આદતો મળી આવવી, વળી એ પુરુષ સાથે પૂરી જિંદગી વિતાવવાનો અવસર પણ મળવો. ઉફ્ફ આટલું બધુ એક જ પુરુષ સાથે કે પુરુષ નામના અનેક માણસ સાથે...
સંબંધો અને શ્વાસની કોઈ ગેરેંટી નથી હોતી, એ ગમે ત્યારે છૂટી કે ચૂકી જાય.
સત્યાએ અનિચ્છાએ ડાયરી વાંચવાનું બંધ કર્યું. સિગારેટ હોલવાઈ ચૂકી હતી. તેણે પેકેટમાંથી નવી સિગારેટ કાઢી જલાવીને ઊભી થઈ, બેરેકની જાડી લોખંડી સલાખો પકડી તેણે વિચાર્યું.
વિબોધ પણ પ્રિય પુરુષમાંનો એક ગમતો પુરુષ હતો. તેની જોડેનો સંબંધ પણ તૂટી પડ્યો છે. સત્યાએ પોતાનો વિચાર સુધાર્યો. વિબોધ હતો નહીં, વિબોધ છે. તેનો પી.એમ. રિપોર્ટ આવી ગયો હોવા છતાં વિબોધના જીવતા હોવાની પ્રતીતિ સતત થયા કરે છે. વિબોધ આંખો બંધ કર્યા વિના પણ સ્પષ્ટ જોઈ શકાતો હતો, અનુભવી અને આત્મસાત કરી શકાતો હતો. શરીરથી સાથે ન હોવા છતાં વિબોધ સાથે આત્માથી એકાકાર કરી શકાતો હતો.
વિબોધ આવશે. વિબોધ જીવિત હશે. વિબોધ જ તમામ સમસ્યા, સવાલો, શંકાનું નિરાકરણ છે.
સત્યાએ ઊંડાણપૂર્વક તર્ક લગાવ્યો, વિબોધ જો મૃત્યુ પામ્યો હોય તો તેનું ડેડ બૉડિ કૌશર કે મોહનને સોંપાયું હોય અથવા કોઈ લાગતાં-વળગતા પરિચિતોનો સંપર્ક કરી પોલીસખાતાએ વિબોધનું ડેડ બૉડિ આપ્યું હોય. નક્કી વિબોધ જીવે છે. બીજું એક કારણ, મોહન લાપતા છે. મતલબ એ વિબોધ જોડે આ સમયે અંડર ગ્રાઉન્ડ હોવો જ જોઈએ. એવું પણ બની શકે વિબોધની પહેલાં મોહનને મારી તેની લાશ દુશ્મનોએ ઠેકાણે પાડી દીધી હોય. વિબોધને બંધી બનાવી દુશ્મનો ઑફ ધી રેકર્ડ ફાઇલ વિબોધ ક્યાં રાખી છે એ રાઝ ઉકેલાવતા હોય. કેમ કે, વિબોધ પર ફાયરિંગ થયું ત્યારે મોહન અને ઑફ ધી રેકર્ડ ફાઇલ બંને ત્યાં ન હતા. જો એ શક્ય હોય તો વિબોધનો પી.એમ રિપોર્ટ તૈયાર કરનાર ડૉક્ટરનું ખૂન કોને કર્યું હશે? ડૉક્ટરની લાશ શંકાસ્પદ હાલતમાં મળવી ઘણા સવાલો ઊભા કરી જાય છે.
જેલવાસ દરમિયાન સત્યાએ પસાર થતાં સમયની સાથે વિબોધની આખી ડાયરી વાંચી નાખી. ડાયરીમાંથી કશું તર્કસંગત સ્પષ્ટીકરણને બળ આપનાર કે આધાર પુરાવા ન મળ્યા. મગજના તર્ક આગળ મન સમાધાન કરવા ઈચ્છતું ન હતું. વિબોધની રાહમાં યાતનાભર્યા સાત દિવસ જેલની બંધિયાર કોઠડીમાં સિગારેટના ગુંગળાતા ધુમાડામાં સખત રીતે પસાર થતા ગયા. અનિંન્દ્રા, બેચેની અને બેબસીમાં સત્યાની આંખો સોજી તબિયત લથડી ગઈ.
નવા જજ્જ અને સરકારી વકીલની નિયુક્તિ સાથે પોલીસખાતા તરફથી ચાર્જશીટ સાથે સત્યાને કોર્ટમાં હાજર કરવાનો સમય પાકી ગયો. અને..
ક્રમશ: