અહીં જિંદગી અટકતી નથી...
નામ: પાર્થ ભાવેશભાઈ દવે
E-mail: parthbdave93@gmail.com
અહીં જિંદગી અટકતી નથી...
‘learnt from life’ પુસ્તકમાં મહેશ ભટ્ટ કહે છે કે, ગુલાબ ક્યારેય બીજા ફૂલોને કહેતું નથી કે ગુલાબ બનો, મારી જેમ જીવો; એ(ગુલાબ) પોતે-માત્ર ખીલે છે, પોતાની લાઈફ જીવે છે અને મુરજાઈ જાય છે..’ આટલું કહી મહેશ ભટ્ટ ઉમેરે છે કે, ‘જિંદગી ક્યારેય શીખવતી નથી. એ ફક્ત જીવાડે છે!’
અને એ જિંદગી પ્રમાણે, એની શરતોને આધીન આપણને જીવવાનું છે! આપોઅપ શીખવાનું છે, શીખી જવાય છે. જે પરીસ્થિતિમાં આપણે બે મિનીટ પણ રહી ન શકીએ, એમ માનતા હોઈએ, એવી પરિસ્થિતિમાં લોકો આખું જીવન પસાર કરી નાખતા હોય છે. જિંદગીને નજીકથી જોવી હોય, થ્રિલ અનુભવવી હોય તો રિસ્ક જરૂરી છે! બહુ ડીફેન્સીવલી અને ડરથી જીવીએ તો જિંદગી જોખમકારક બની જાય! એને છૂટી મૂકી દેવી પડે છે...
બહુ બધું ‘શાંત શાંત’, ‘ખાલી ખાલી’, ‘શૂન્ય શૂન્ય’, ‘સુવાળું સુવાળું’ લાગતું હોય તો એકવાર દોડતા મહાનગર મુંબઈમાં આંટો મારી આવવું. અહીં ‘સ્ટોપ’ જ નથી. જિંદગી અટકતી નથી. લોકો દૌડે છે, ભાગે છે, ચિલ્લાય છે, રડે છે. જિંદગીનો મોટા ભાગનો સમય સવારની સાત ત્રીસ અને સાંજની આઠ ચાલીસની લોકલ ટ્રેન વચ્ચે પસાર થઇ જાય છે. રવિવારે નૌકરીમાં છૂટી હોય તો ઘર કહે, ‘ભાઈ મારી પાસે બેસ!’ લોકોને ઉતાવળ છે, ઈસ્ટ-વેસ્ટના ફાંટા છે, તૈયાર થયેલી માનુનીઓ અને સુંદરીઓ; ખબર નથી ક્યાં જવાની છે અને સાંજે ક્યાંથી આવવાની છે... અક્સા બીચ અને જુહુ બીચ વચ્ચેનો ફર્ક બધા સમજે છે...
ચિક્કાર ભીડ વચ્ચે કોઈ લંગડો માણસ ફંગોળાઈને પડે છે તો એની નજીકથી પસાર થતો માણસ એની પાસે ઊભશે? હાથ આપશે? સહારો આપશે? સવાલ અઘરો છે.. અહીં સહુનુભુતીની દુનિયા ખત્મ થાય છે અને બેપર્વાઈ, ખુદગર્ઝ દુનિયાની શરૂઆત થાય છે... લોકલમાં મોદીને ગાળો ભાંડતા બે જણ ઉતરતી વખતે ત્રણ જણને ‘ચોપડતા’ જાય છે...
‘મલાડ’ના એક રીકશોમાં બેઠો તો એ ભાઈ ગુજરાતી હતા. મને કહે કે, અહી ચાર-પાંચ રીક્ષાવાળા ગુજરાતી જ છે! સાલા હવે મરાઠી જેવા થઇ ગયા છે! ખરેખર અહીં કોઈ રાજ્યની સરહદો કે વાડાબંધી છે જ નહિ. સોળમાં માડેથી લીફ્ટમાં ઉતરતા કે લોકલમાં જતા કે કોલેજની સામે વડાપાઉં ખાતા ટોળામાં તમે કોણ ગુજરાતી કે કોણ મારવાડી કે મરાઠી છે એ તમે નહિ શોધી શકો... ગુજરાતી માણસ પરફેક્ટ મરાઠી બોલે છે, મરાઠી ફિલ્મો દિલથી ખુશ થઈને જોય છે અને મરાઠીઓને તો રાજેસ્થાનીની જેમ ગુજરાતી આવડી જ ગઈ છે...! માણસનો બેઝીક સ્વભાવ જ સ્વીકારનો છે, એનાથી વ્યવહાર સહેલો પડે છે; મજા આવે છે...
અહીં સો ટકા સજાગ રહીને જીવવું પડે છે. ગમે ત્યારે વરસાદથી જેમ માણસ પણ વરસી પડે, કહીં કહેવાય નહિ! ‘હેન્ડીકેપ્ડ’ ડબ્બામાં એક મુક છોકરો વિડીઓ કોલિંગમાં ઈશારાથી વાત કરી રહ્યો હતો. હી ઈઝ હેપ્પી..
કેટલાય એવા માણસો અહીં જીવે છે જેઓ આખો દિવસ કામ પતાવીને પાછા આવશે ત્યારે એના ફ્લેટનું તાળું પોતે જ ખોલવાના છે... અને વર્ષોથી તેઓ આમ કરી રહ્યા છે અને ખબર નથી કેટલા વર્ષો સુધી આમ જ કરવાનું છે! આ જિંદગીનું એક પ્રેઝન્ટ સત્ય છે, જે સ્વીકારાઈ ચૂકયું છે.. ઓબેરોય તરફ પીઠ ફેરવીને, સમંદર તરફ આંખો રાખીને પ્રેમ કરી રહેલા યુગલ અને દુર એક યુવાન, જે આજે પહેલી વાર એકલો એમ જ-અમથો જ ફરવા આવ્યો છે, લોકલમાં...
દોરંગી દુનિયા છે: તાજની સામે, દરિયાકિનારે ચાય વેંચતા ફેરિયાને તાજની અંદર આલીશાન રૂમમાં રોકાયેલા શેઠ કરતા રાતના સારી ઊંઘ આવતી હોય, એવું બની શકે! દુનિયામાં દેખાતા લોકોમાં ખરેખર ખુશ કોણ છે, એ શોધવું અને કહેવું... સાલું અઘરું છે!
નામ: પાર્થ ભાવેશભાઈ દવે
E-mail: parthbdave93@gmail.com