લેખિકા : આરતી જાની
સરનામું : ૧/૧૦, ઇન્દ્રવિલા, નવાવાસ,
માધાપર,તા.ભુજ-કચ્છ.
પુસ્તકનું નામ : વિચારોનો જાદુ
ઈ-મેઈલ : jani.arti90@gmail.com
વિચારોનો જાદુ.
અનુક્રમણિકા
૧. પ્રસ્તાવના
૨. આપણું નકારાત્મક મન
૩. અલાદીનનો ચિરાગ અને આપનું મન
૪. વિચારોનો જાદુ.
૫. વિચારોથી શું મેળવી શકાય?
૧.પ્રસ્તાવના :
આપણી ઈચ્છાઓ અમર્યાદિત છે. છતાય તેને પૂરી કરવા દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે એક એક બીજી રીતે સ્પર્ધામાં ઉતરતી જોવા મળે છે. આ દરેક વ્યક્તિ સફળ થઇ શકતી નથી. આ માટે જવાબદાર કોણ? આપણું મન. હા, આપનું મન એ આપણી હાલની પરિસ્થિતિ માટે જવાબદાર એકમાત્ર પરિબળ છે. આપણી શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક તમામ પરિસ્થિતિનું કારણ છે આપણા વિચારો. આ જ વિષય પર અહી વધુ પ્રકાશ પાડવામાં આવ્યો છે. મને આશા નહિ પૂરો વિશ્વાસ છે કે આ સંક્ષિપ્ત છતાં શ્રેષ્ઠ હકારાત્મક સરણીનું પુસ્તક આપ સૌ વાચકમિત્રોને ગમશે જ.
આ મારું પાંચમું પ્રેરણાત્મક શ્રેણીનું પુસ્તક પ્રકાશિત થઇ રહ્યું છે જે માટે હુ માતૃભારતીની ખુબ જ આભારી છું.
૨.આપણું નકારાત્મક મન.
સામાન્યતઃ આપણે બધા જ નકારાત્મકતાના આદિ થઇ ગયા છીએ. કોઈ પણ ઘટના કે પરિસ્થિતિ માટે આપણે નકારાત્મક વિચાર પહેલો આવશે. દીકરીને ટ્યુશનથી ઘરે આવતા મોડું થઇ ગયું છે, તેની મમ્મીને પહેલો કયો વિચાર આવશે? પપ્પા તેના દીકરાને બાઈક આપતા ખચકાય છે, કેમ? ખુબ જ સારું પ્રેઝન્ટેશન તૈયાર કરનાર કર્મચારી પહેલા એ વિચારશે કે તેના બોસને નહિ ગમે તો? પેપર તો સારું જ ગયું છે છતાંય હું પાસ નહિ થાઉં તો? મને આ નોકરી નહિ મળે તો?...........વગેરે અનેક નકારાત્મક વિચારોના ઢગલાઓ...!!! અરે ગાડી ચલાવતા ચલાવતા પણ ઘણાને એકસીડન્ટના વિચારો આવતા હોય છે, સાચું ને!!!!!!
આ છે નેગેટિવીટીનું સામ્રાજ્ય !! આપણે તેમાં જ નથી રહેવાનું, બહાર નીકળી આગળ વધવાનું છે. તો ચાલો આમાંથી આગળ વધીએ.
૩.અલાદીનનો ચિરાગ ને આપણું મન
તમે સૌએ વાર્તા સાંભળી જ હશે કે અલાદીન ચિરાગ ઘસે ને તેમાંથી જીન પ્રગટ થાય જે એક જ વાક્ય બોલે, “આપકી ખ્વાહીશ મેરા હુકમ હે”.આ વિષે વિચારીને આપણે પણ એ વિચાર આવે કે ‘કાશ ! મારા પાસે પણ એ ચિરાગ હોય ને હું જીન પાસે મારું ગમતું કામ કરાવી શકું !!’
શું તમે જાણો છો કે એ આજ્ઞાકારી જીન આપના સૌ પાસે છે, જો ન જાણતા હો તો આજે જ જાણી, તમારી ઈચ્છાઓ પૂરી કરવાના કામમાં લાગી જાઓ. આ જીન છે આપનું મન.
હા, આપનું મન, આપના વિચારો જ આપણને આપની મંજિલ સુધી લઇ જશે. તમે હાલ એકદમ સ્વસ્થ છો, પણ તમે એવું સતત વિચારવાનું શરુ કરો કે તમે થાકી ગયા છો, તેને કારણે માથું દુખે છે, ને જુઓ તમારા એકધારા વિચારનું પરિણામ !! તમને સાચે જ માથું દુઃખવા માંડી જશે. તો આ આપણા વિચારી જાદુને આપણે હકારાત્મક રીતે આપણી પ્રગતિ માટે કેમ ઉપયોગ ન કરીએ !!!!
૪.વિચારોનો જાદુ.
તમે કોઈ પણ સફળ વ્યક્તિ ધીરુભાઈ અંબાણી, રતન તાતા, જે.કે.રેલીંગના જીવન પર પ્રકાશ પાડી જોજો તો ખ્યાલ આવશે કે આ વ્યક્તિઓ કેટલી હકારાત્મક વિચારસરણી ધરાવનાર હતી, તેઓએ તેમને મળેલ સફળતા માટે તેના ઉચ્ચ વિચારો જ જવાબદાર ગણાવ્યા છે. તેઓ ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં હિમત નહોતા હાર્યા કે ક્યારેય પોતાના માર્ગથી પીછેહઠ પણ કરી ન હતી. એમને વિચારોથી જ બધું મેળવ્યું છે.
આપણે સૌને શારીરિક, માનસિક, આર્થિક પ્રગતિ જોઈતી હોય છે. તમને શું જોઈએ છે તે એક પાનામાં લખી રાખો. બસ તેના જ વિચારો કરો, તેને તમારા જીવનમાં ઓતપ્રોત કરી દો. તેના જ સપના જુઓ. તમારા દરેક કાર્યને તમારા ધ્યેય સાથે જોડી દો. તમને જરૂર તમારી મંજિલ મળી જશે અથવા તો તે મેળવવા માટેનો રસ્તો તો તમે જરૂરથી શોધી લેશો.
૫. વિચારોથી શું મેળવી શકાય?
આ પ્રશ્નનો જવાબ છે, વિચારથી બધું જ મેળવી શકાય છે. જેનો તમે વિચાર કરો છે તે વસ્તુ તમારી થઇ શકે છે.
હું ખુબ જ તંદુરસ્ત અને સ્વસ્થ છું એવું સતત વિચારતા રહો કોઈ બીમારી તમારા શરીરમાં ઘર નહિ કરી શકે. કરશે તો પણ તમારા શરીરની ઈમ્યુન સીસ્ટમ તેને ટકવા નહિ દે. હું પૈસાદાર છું એવા વિચારો કરતા રહો તમે તે ક્ષેત્રમાં કોઈ નવી દિશા મળશે. તમને શું જોઈએ છે (કાર, બંગલો) તે તમને મળી જ ગયું છે તેવા વિચારો સાથે ખુશ રહો તમે તેને મેળવી જ શકશો. બસ, આ પ્રકૃતિના નિયમ પર વિશ્વાસ રાખો.
બસ, તો આ હકારાત્મક વિચારોને તમારા મન પર હાવી થઇ જવા દો. તેના જ વિચારો કરો. તમારા અસ્તિત્વને તેનામાં જ જુઓ. તમારા દરેક કાર્યને તમારી ઈચ્છા અને ચાહ સાથે જોડી દો. પછી જુઓ પરિણામ !!!!