Mahilaonu Tapaspunch in Gujarati Comedy stories by Pallavi Jeetendra Mistry books and stories PDF | મહિલાઓનું તપાસપંચ

Featured Books
Categories
Share

મહિલાઓનું તપાસપંચ

Name: Pallavi Jeetendra Mistry

Email: hasyapallav@hotmail.com

મહિલાઓનું તપાસપંચ

વિષય: આજના પુરુષો ઘરની રસોઇ છોડી હોટેલ તરફ શા માટે વળ્યા છે?

[આ વિષય પર તપાસ કરવા માટે મહિલાઓનું જ એક તપાસપંચ મહિલાઓ દ્વારા નીમવામા આવ્યું છે. આ પંચ મહિલાઓનું બનેલું હોવાથી તેનો અહેવાલ / પરિણામ આવે તેવી કોઇ શક્યતા દેખાતી નથી. માટે કામગીરીની ચર્ચા કરવા માટે મળેલી મીટિંગનો અહેવાલ રજૂ કરીને અમે આનંદ અને સંતોષ વ્યક્ત કરી રહ્યા છીએ. આશા છે કે તમને પણ આ અહેવાલ વાંચીને જ્ઞાન અને મનોરંજન પ્રાપ્ત થશે.]

વીણાબહેન: શાંતિ, શાંતિ! ‘વાચાળ વનિતા મંડળ’ ની એકમાત્ર મંત્રી તરીકે હું વીણાબહેન, આપ સૌ બહેનોનું તપાસપંચ સમિતિમાં સ્વાગત કરું છું.

હેમાબહેન: પણ મંડળના પ્રમુખ રીટાબહેન હજી સુધી કેમ આવ્યાં નથી?

વીણાબહેન: એમનો સંદેશો હમણા જ મારા મોબાઇલમાં વોટ્સ અપ પર આવ્યો છે. તેઓ ટ્રાફિક જામ મા ફસાયા છે, તેથી તેઓ થોડા લેઈટ આવશે.

લતાબહેન: ટ્રાફિક જામ? આવી બળબળતી બપોરે? અને તેય અમદાવાદ ના ૧૩૨ ફૂટના પહોળા રોડ ઉપર? ‘કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના.’ ગધેડાને તાવ આવે તેવી વાત છે.

આશાબહેન: દોસ્તો, જુવોને, અમારા એમને ગઈકાલ નો તાવ છે, છતાં પણ હું સમયસર આવી જ ને? આફ્ટર ઓલ, ડ્યુટી ઈઝ ડ્યુટી.

અંગનાબહેન: ટ્રાફિક જામ નું તો બહાનું. એ ગયા હશે બ્યુટી પાર્લરમા. કેમ કે, ‘વીધાઊટ મેકઅપ શી લૂક્સ લાઇક એ હીરોઇન ઓફ હોરર ફિલ્મ.’

ગીતાબહેન: અર્ધા કલાક્થી આપણે ખોટી થઈએ છીએ.એટલામા તો સાડીની એક બ્લાઉઝ સ્ટીચ થઈ જાય.

વીણાબહેન: એ...ય. તમે લોકો અંદરોઅંદર વાતો બંધ કરો તો હું તપાસપંચની આજની કાર્યવાહી શરુ કરું.

લતા-આશા: એય, શાંતિ! શાંતિ! વીણાબહેન, તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ.

હેમાબહેન: અરે વાહ! આ તો કોઇ હિંદી ફિલ્મના નામ જેવું લાગે છે, હમ સાથ સાથ હૈ, જેવું...જેનો હીરો....

આશાબહેન: સલમાન ખાન? કે ઋત્વિક રોશન?

અંગનાબહેન:છોડોને લપ. હીરો સલમાન હોય કે ઋત્વિક, આપણને શો ફરક પડે?

આશાબહેન: આપણને ફરક ન પડે પણ નિર્માતાને તો ફરક પડે ને? સલ્લુ મિયાં હીરો હોય તો શર્ટ નો ખર્ચ બચી જાય ને?

ગીતાબહેન: શર્ટનો તો વળી કેટલો ખર્ચ? લીંકીંગ રોડ પર જઈ વજનના હિસાબે સસ્તા ભાવે શર્ટ પીસ લાવી દેવાના. મને આપે તો હું એક કલાક્મા સ્ટીચ કરી આપું.

અંગનાબહેન: ગીતાબહેન, તમે વાતવાતમાં સ્ટીચ સ્ટીચ કરીને અમારાં માથાં ન ટીચો. અરે હાં, ખર્ચ ઉપરથી મને ખાસ યાદ આવ્યું. મારે ગઈ મિટીંગ વખતનો નાસ્તાનો ખર્ચ રીટાબહેન પાસે લેવાનો છે. પણ રીટાબહેન કોણ જાણે ક્યારે આવશે?

વીણાબહેન: સાયલન્સ પ્લીઈઈઈ..ઝ. તમે લોકો આડી અવળી વાતો બંધ કરો અને તપાસપંચના વિષય ઉપર આવો.

ગીતાબહેન: આ તપાસપંચ નો વિષય શું છે, આશાબહેન?

અંગનાબહેન: લ્યો! આ તો ‘સીતાનું હરણ થયું પછી હરણની સીતા થઈ કે નહી?’ જેવી વાત થઈ.

ગીતાબહેન: મેં તમને પૂછ્યું છે કંઇ? તમે શાંત રહો.

અંગનાબહેન: ભારત દેશ માં વાણીસ્વાતંત્ર્યનો હક્ક સૌને છે, સમજ્યાં?

વીણાબહેન: જુવો, તમે આ રીતે ઝઘડો જ કરવાના હો તો બેટર છે કે આપણે આ મિટીંગ અહીં જ બરખાસ્ત કરીએ.

અંગનાબહેન: અરે! તો પછી આપણે તૈયાર કરાવેલા નાસ્તા-પાણી નું શું?

આશ-લતા-ગીતા: વીણાબહેન, તમે મિટીંગની કાર્યવાહી શરુ કરો.

વીણાબહેન: હા. તો સાંભળો. તપાસપંચ નો વિષય છે.: ‘આજ કાલ પુરુષો ઘરની રસોઇ પડતી મૂકીને હોટેલની રસોઇ ઝાપટવા જવા માંડ્યા છે.’ પોતાની સ્ત્રીઓની સલાહ તેઓ ગણકારતાં નથી.આમ કરીને તેઓ સ્ત્રીઓની લાગણીનું અપમાન કરી રહ્યાં છે. તેથી આ વિવાદાસ્પદ મામલાએ સ્ત્રી - જગતમા ખળભળાટ મચાવી મૂક્યો છે. પુરુષોના આવા અન્યાયી વલણથી સ્ત્રી - વર્તુળમા ભારે ઉહાપોહ જાગ્યો છે. ઘરમા બગડેલી રસોઇ અને તે તૈયાર કરવામા પડતી મહેનત, જે નકામી જાય છે, તે બદલ વળતર ચૂકવવાની માંગ પણ ઊઠવા પામી છે. કેટલાક પુરુષો બહાર જતી વખતે બાળકોને લઈ જાય છે અને સ્ત્રીઓને તો પૂછતાં સુધ્ધાં નથી, એવી ચોંકાવનારી આશ્ચર્યજનક વિગતો પણ બહાર આવવા પામી છે.

આમ પુરુષોએ વહાલાં-દવલાંની નીતિ અપનાવી છે. સ્ત્રીઓ સાથે વિશ્વાસઘાત કર્યાની લાગણી પણ કેટલીક વનિતાઓ મા વિસ્તરવા પામી છે. કેટલીક ભાર્યાઓએ લેખિત ફરિયાદ દ્વારા આ બાબતે ઘનિષ્ઠ તપાસ કરવાની માંગ મૂકી છે. સ્ત્રીઓની આવી તાકીદને કારણે આપણું આ તપાસપંચ નીમવાની જરુરિયાત ઊભી થઇ છે. અને એ મુજબ આપણે આ તપાસપંચ નીમ્યું છે. કમિટીની મેમ્બર બહેનોએ જાતે આ બાબતે બધી રીતની તપાસ કરી છે. આ ઊંડી સઘન તપાસ ને અંતે જે કંઈ હકીકત જાણવા મળી છે તેનો અહેવાલ આપણે આપણા પ્રમુખ રીટા બહેન ને આપવાનો છે.

અંગનાબહેન: એ પહેલા એ તપાસ તો કરો કે રીટાબહેન છે ક્યાં?

વીણાબહેન: તેઓ અહીં પધારે તે પહેલા આપણે આપણા સૌના હેવાલ પર એક સર્વગ્રાહી નજર ફેરવી લઈએ. ચર્ચાનો મુદ્દો એ છે કે ‘આજકાલ પુરુષો ઘરની રસોઇ છોડીને રેસ્ટોરન્ટની રસોઇ તરફ ઢળ્યાં છે તે-

અંગનાબહેન: ઢળ્યાં નહી, વળ્યાં છે તે-

લતાબહેન: એ બધું એક નુ એક જ ને?

ગીતાબહેન: એક નુ એક શાનું? કચ્છી ટાંકો અને રબારી ટાંકો, એ બે માં કશો જ ફરક નહી?

હેમાબહેન: ઓહ ગીતાબહેન! તમને સીવણ અને ભરત સિવાય બીજુ કશું આવડતું જ નથી?

ગીતાબહેન: આવડે છે ને, ‘કટિંગ’ કરતાં પણ આવડે છે. સીવણ માટે કટિંગ બહુ અગત્યનું છે.

અંગનાબહેન: ઓહ યૂ ગીતાબહેન, વીલ યૂ શટ અપ?

ગીતાબહેન: થોડીવાર પહેલા તમે જ તો કહ્યું કે ‘વાણીસ્વાતંત્ર્યનો સૌને હક્ક છે.’

વીણાબહેન: તમે સૌ શાંતિ રાખો, પ્લીઇ ઇ... ઝ.

આશાબહેન: મને તો લાગે છે કે પુરુષોને સારી-નરસી રસોઇની કોઇ પરખ જ નથી.

હેમાબહેન: એવું કંઇ નથી. અમારા ‘એ’ ને તો ઘરના બારણામા દાખલ થાય, એટલે સુગંધ પરથી જ ખબર પડી જાય કે ‘દાળ-ઢોકળી’ બનાવી છે, કે પછી ‘ખીચડી-કઢી.’ રસોઇ બગડી હોય તો સૌથી પહેલી ખબર એમને જ પડે.એકવાર તો પોલીથીન બેગમાથી હું દૂધ તપેલીમા રેડતી હતી, ત્યારે એમણે સૂંઘીને કહ્યું, ‘આજનું દૂધ તાજું નથી.’ અને બોલો, દૂધ ગરમ કરતાં જ બગડી ગયું. એકવાર તો ગુવાર ર્શીંગના શાકની સુગંધ પરથી એમણે કહ્યું,’ શાકમાં મીઠું ઓછું છે.’ અને બરાબર એ જ દિવસે હું મૂઇ શાકમાં મીઠું નાંખવાનું જ ભૂલી ગયેલી.

અંગનાબહેન: (ધીમેથી) ગયા જનમમા એ ચોક્કસ કૂતરા તરીકે જન્મ્યા હશે.

વીણાબહેન: હાઉ ગ્રેટ! આ બાબતે આપણે એમને મંડળમાંથી એવોર્ડ આપવાનું વિચારીશું. પણ લતાબહેન, તમે શું તપાસ કરી લાવ્યા છો?

લતાબહેન: મેં પણ આડકતરી રીતે અમારા ‘એ’ ની ઊલટ-તપાસ કરી હતી. એમાં એવી હકીકત બહાર આવી છે કે - ‘ઘરમા તો જે રસોઇ બનતી હોય તે (ફિક્સ મેનુ) ખાવી પડે, અને બીજી કોઇ ચોઇસ ના મળે. પણ રેસ્ટોરંટમા તો જે મન પસંદ હોય તે વાનગી ઓર્ડર કરીને મંગાવીને ખાઇ શકાય. એટલું જ નહી, વેઈટર હસીને, બે પાંચ ધક્કા ખાઇને પીરસે, આથી પુરુષો ઘરમા ખાવાને બદલે બહાર ખાવાનુ પ્રીફર કરવા માંડ્યા છે.

ગીતાબહેન: વેઈટર હસીને પાંચ ધક્કા ખાઇને પીરસે તે એને મળતી તગડી ‘ટીપ’ ના લીધે. અને આપણને આપણી મહેનતના બદલામા શું મળે?--- ડિંગો?--- ઠેંગો? અમારા ‘એ’ તો કહે છે, ‘રેસ્ટોરંટમા કેવું સરસ મ્યૂઝિક વાગતું હોય, ફ્લાવર વાઝમાં કેવાં સરસ ફૂલો સજાવ્યા હોય, વેઇટરના કપડા કેવા સુઘડ હોય, મોં પર સ્મિત રમતું હોય. અને તમે બૈરાંઓ? ચઢેલું મોં અને કપડાંમાંથી આવતી હિંગ-મરચાંની વાસ !’

અંગનાબહેન: સ્ટુપીડ પુરુષો! કીચનમા કામ કરવાનુ હોય તો કપડામાથી હિંગ-મરચાંની વાસ જ આવે ને? પોતે તો જાણે ‘પરફ્યુમની પબ’ મા જઈને આવતા હશે! જો કે મારા મિસ્ટરની વાત કંઈ જુદી જ છે. એ કહે છે કે, ‘તારા હાથની તાજી, ગરમ અને સ્વાદિષ્ટ રસોઇ મારાથી વધારે ખવાઇ જાય છે, તેનાથી મને આફરો ચઢે છે અને ઓફિસમા ઝોકા આવે છે, ને બોસ મારા ઉપર બગડે છે, તેથી હું સવારે ઘરમા જમતો નથી.`

ગીતાબહેન: લ્યો, આ વળી નવું કૌતુક! પાડાના વાંકે પખાલીને ડામ! પોતાની જીભ પર કાબૂ નહી અને સ્ત્રીઓને કરે બદનામ!

હેમા, આશા : આ પુરુષોને તો આ બાબતે સીધાદોર જ કરી નાંખવાં જોઇએ.

વીણાબહેન: આપણે એ પણ કરીશું, પહેલાં રીટાબહેનને આવી જવા દો. અમારા વાળાનુ કહેવું એવું છે કે, ‘ઘરમા જમતી વખતે શાંતિથી વાંચી શકાતું નથી. એક તરફ ટી.વી. સિરિયલોનો એ જ વર્ષો જૂનો કકળાટ અને બીજી બાજુ છોકરાંઓની રોકકળ. એના કરતાં રેસ્ટોરંટમા જમતી વખતે આરામથી નોવલના વીસ-પચ્ચીસ પાના વંચાઇ જાય છે.’ એટલે તેઓ ઘરના બદલે બહાર જમવાનું પસંદ કરે છે. હું તો એમના વાંચનના શોખથી કંટાળી ગઈ છું. સૂતાં-જાગતાં, ઉઠતાં-બેસતાં , અરે, હવે તો ટોઇલેટમાં પણ ચોપડાં વગર જતા નથી. ઘરમા જ્યાં જુવો ત્યાં ચોપાનીયાં જ પડ્યા હોય. હું તો ઘરની વ્યવસ્થા જાળવતા થાકી જાઉં છું. કોઇક વાર તો મને થાય છે કે તેઓ વાંચવા માટે જ ખાય છે અને વાંચવા માટે જ જીવે છે.

અંગનાબહેન: વેરી ઈંટ્રેસ્ટિંગ. ખાતે ખાતે પઢના શીખો, પઢતે પઢતે ખાના......

વીણાબહેન: લ્યો, રીટાબહેન આવી ગયાં. આવો આવો રીટાબહેન, વેલકમ.

રીટાબહેન: સોરી બહેનો, હું જરા ટ્રાફિક જામને લીધે થોડી લેઇટ પડી ગઈ. પણ વીણાબહેનને મેં કહ્યુ હતું કે ‘તપાસપંચ’ ની કામગીરી જારી રાખે.

વીણાબહેન: અમે પ્રાથમિક ચર્ચા કરી લીધી છે. બસ, તમારો હેવાલ જ બાકી છે.

રીટાબહેન: વેરી ગુડ! મારે પણ અમારા એમની સાથે આ વિષય પર ડિસ્કશન થયું. એમનું કહેવું તો એવું છે કે, ‘હકીકતમા પુરુષો નહી, સ્ત્રીઓ જ ઘરના બદલે હોટેલમા ખાવા જવાનું વધુ પ્રીફર કરે છે. કદાચ ઘરે રસોઇ બનાવવાની આળસ હોય કે પછી ઘરની રસોઇ બહારની રસોઇની સરખામણીમા ફિક્કી લગતી હોય. પણ આ બાબતમા પુરુષો કરતાં સ્ત્રીઓ જ વધુ જવાબદાર હોય છે.’

હેમા-અંગના-ગીતા-આશા-વીણા: જુઠ્ઠું, તદ્દન જુઠ્ઠું. ઉલટા ચોર કોટવાલ કો ડાંટે? સ્ત્રીઓ તરફથી કોઇ દિવસ બહાર જમવા જવાની ઓફર આવે જ નહી.

રીટાબહેન: જુઓ, આજે તો હવે ઘણું મોડું થઈ ગયું છે, એટલે મને લાગે છે કે, ચર્ચા કરવા માટે આપણે ફરી મળવું પડશે. મેં તો ઘરે રસોઇની કોઇ તૈયારી પણ કરી નથી. એટલે આજે સાંજનુ તો બહાર જ ગોઠવવું પડશે. એમને ફોન કરીને જણાવી દઉં, કે ‘ડાયરેક્ટ હેવમોર રેસ્ટોરંટ પર જ મળીએ.’

હેમાબહેન: મને લાગે છે કે હું પણ એવું જ કંઇ ગોઠવું. ઘણા સમયથી અને ‘સંકલ્પ’ રેસ્ટોરન્ટ ગયા નથી.

લતા-આશા: મોડુ તો ઘણું જ થઈ ગયું છે, હવે ઘરે જઈને શું રાંધે? એ કરતાં બહાર જ સારું.

ગીતાબહેન: અમારે તો આમ પણ આજે એક ફંકશનમા જમવા જવાનું જ છે.

રીટાબહેન: અચ્છા! તો પછી ફોનથી નક્કી કરીને ફરી મળીશું.

વીણાબહેન: ફરી મળીએ ત્યારે આ તપાસપંચના અહેવાલનું પતાવી દઈએ, હોં.

લતાબહેન: હા, નેક્સ્ટ ટાઇમ તો પતાવી જ દઈએ. વારંવાર મોડું થાય અને પછી હોટલમા જવું પડે તે ના પરવડે.

રીટાબહેન: સ્યોર.સ્યોર. ચાલો, બાય બાય.

Name: Pallavi Jeetendra Mistry

Email: hasyapallav@hotmail.com