Ek Anokho Shokh in Gujarati Comedy stories by Pallavi Jeetendra Mistry books and stories PDF | એક અનોખો શોખ

Featured Books
Categories
Share

એક અનોખો શોખ

Name: Pallavi Jeetendra Mistry

Email: hasyapallav@hotmail.com

એક અનોખો શોખ.

શોખ એટલે અમુક વસ્તુ કે વિષય પરત્વે વિશિષ્ટ અભિરુચિ. આ શોખ વિશે હું કંઇ પણ કહું તે પહેલાં આપણા પંડિતો એ વિશે શું કહે છે, તે વાત આપણે બરાબર સમજી લઈએ. પંડિતો કહે છે કે ઉચ્ચ અને કલાપોષક અભિરુચિ માનવીના જીવનને ઉર્ધ્વગામી બનાવે છે, જ્યારે દીન એટલે કે ગરીબ - ઉતરતી વસ્તુઓ કે વિષયોની અભિરુચિ માનવીને પતનના માર્ગે ધકેલે છે. એમની આ વાત સાથે હું આંશિક રીતે સહમત થાઉં પણ ખરી, પણ સંપૂર્ણ રીતે સહમત થઈ શકતી નથી, અને એનું કારણ છે, મારો એ પરત્વે નો એક વિશિષ્ટ અનુભવ.

વાત જાણે એમ બની હતી, કે - હું નાની હતી ત્યારે સોસાયટીમાં રમતાં રમતાં અમે સરખે સરખા પાંચ દોસ્તો અમારા ઘરથી થોડે દૂર આવેલી આંબાવાડીમાં અનાયાસ ઘૂસી ગયા. વાડીમાં આંબા પર ભરપૂર પ્રમાણમાં અને હોવી જોઈએ એ કરતાં નીચી ઉંચાઈએ કેરીઓ લટકતી જોઇને અમરા બધાનું મન લલચાયું. અમે સૌએ એકબીજાની સામે સાંકેતિક રીતે જોયું. પ્રથમ તો એ નજરોમા આવું કામ કરવાનો ઈન્કાર આવ્યો, પણ પછી લાલચને વશ થઈને અમે સૌએ થોડી થોડી કેરીઓ તોડી લીધી. અમે કેરીઓ તોડવામાં મગ્ન હતાં, ત્યાં જ વાડીના માલિકની દૂરથી બૂમ સંભળાઇ, ‘એ કોણ છે ત્યાં?’ આ બૂમ સાંભળતાં જ અમે ચમકીને ભાગ્યા. વાડીનો માલિક અમારી પાછળ દોડ્યો, એટલે રસ્તામા કેરીઓ ફેંકી દઈ અમે ભાગ્યા. ઘરે આવી અમે ઉપલા માળે સંતાઇ ગયાં. વાડીના માલિકની વાત સાંભળી અમારા વડીલોએ અમને અમારા આવા કાર્ય બદલ ઠપકો આપ્યો અને એને એની નુકસાનીના પૈસા આપ્યા. [કેરીઓ પણ ગઇ ને પૈસા પણ ગયા.] આમ તો ચોરી કરવી એ અધમ ક્રુત્ય ગણાય ને એ પતનને માર્ગે લઈ જાય. પણ એ જ ક્રુત્યએ અમને ઉર્ધ્વગામી [ઉપલા માળે જવા પ્રેર્યા] બનાવ્યા.

આ બનાવ પછી, મારા મમ્મી પપ્પા ના ઠપકાને લીધે, મેં એ પ્રવૃત્તિમાંથી મારું મન વાળી લીધું હતું. ત્યાં જ મારી ફ્રેંડ મીનાએ મને નવી નકોર અને લેટેસ્ટ ડીઝાઈન વાળી એક નહી પણ ત્રણ ત્રણ પેંન્સિલ બતાવી. મેં એને પૂછ્યું, ‘તને આ ક્યાંથી મળી?’ તો એણે કહ્યું, ‘ક્લાસમાંથી મળી.’ જો કે પછી ખબર પડી કે એ પેન્સિલ તો અમરની હતી, એના પપ્પા એને માટે મુંબઈથી લાવ્યા હતા. મીનાની ચોરી પકડાઈ ગઈ અને એને અમારા ક્લાસ ટીચરનો ઠપકો અને એના મોટાભાઈનો માર પડ્યો. જો કે મને પણ તો દોસ્તોના રબર, પેન્સીલ, કંપાસ, ફૂટપટ્ટી વગેરે ચોરી લેવાનું ઘણું ગમતું. પણ વડીલોએ ‘આજ પછી હું કદી ચોરી કરીશ નહી’ એવા સોગંદ લેવડાવ્યા એટલે (નૈતિકતા કરતાં પણ મારના ડરથી) બાળપણમાં વિકસું-વિકસું થઈ રહેલો મારો આ શોખ બાળમરણને વર્યો. પણ એ પછી વિકસેલો મારો શોખ- ‘અન્યની નિંદા કરવી અને અન્યની નિંદા સાંભળવી’ ઘણો લાંબો ટક્યો અને હજીય ટકી રહ્યો છે જે વિશે આજે હું તમને વિસ્તારથી સમજાવીશ.

તમને એ જાણીને નવાઇ લાગશે કે, નિંદા કરવાનો મારો આ શોખ બચપણથી નહોતો. એ તો હું ઘણી મોટી ઉંમરે — લગભગ લગ્ન કર્યા પછી શીખી. જો કે એ વિશે મેં કોઇ ક્લાસીસમાં જઇને પધ્ધતિસરની તાલીમ લીધી નથી. એને તો મેં મહિલાઓ ના ઓટલા પરિષદમાં જઈ જઈને મારી આત્મસૂઝથી વિકસાવ્યો છે. આ શોખે ફક્ત મારા દિમાગનો જ કબજો નથી લીધો, એણે મારાં દિલનેય જીતી લીધું છે. એટલે જો પૂરતાં સ્ટુડન્ટ મળી રહે તો એના ક્લાસીસ શરુ કરવાની મારી મહેચ્છા છે. અને મને આશા છે કે એ માટે મને જોઈતા પ્રમાણમાં સ્ટુડન્ટ્સ પણ મળી જ રહેશે.

નિંદારસ નો મારો આ અનોખો શોખ મને મારા પ્રાણથી ય અધિક પ્રિય છે. જો કે મારે હજી સુધી આમા પ્રાણ આપવાનો પ્રસંગ જ પેદા નથી થયો, અને પેદા થશે પણ નહીં એનો મને વિશ્વાસ છે. કેમ કે આ શોખ એ રીતે જરા પણ જોખમી નથી. બસ, થોડી કાળજી એ રાખવી પડે એની ના નહીં. અને તે કાળજી એ વાતની રાખવાની, કે - જે વ્યક્તિ ગેરહાજર હોય એને આપણું લક્ષ્ય બનાવવું. એની ભરપૂર નિંદા કરી શકાય. વ્યક્તિની ગેરહાજરીના લીધે માર પડવાની સંભાવના જ નહીં. તમને પ્રશ્ન થશે કે કોઇ ત્રાહિત વ્યક્તિ ગદ્દાર પાકે અને નિંદિત વ્યક્તિને આ વિશે માહિતી પહોંચાડે તો તો રીલેશન જ ખતમ થઈ જાય ને? પણ ના. એનો પણ એક રસ્તો છે. જો એમ થાય તો આપણે આપણા નેતાઓની જેમ વચનફેર કરી દેવાનુ. પણ હું તો હવે આમા એટલી બધી એક્ષપર્ટ થઇ ગઈ છું કે ખુદ ગદ્દાર વ્યક્તિને જ એવી ફસાવી દઉં કે બીજી વાર મારું નામ લેવાનું કે દેવાનું જ ભૂલી જાય. એટલે હવે મારી સાથે કોઇ ગદ્દારી કરવાનું સાહસ કરતું જ નથી.

નિંદારસનો મારો આ શોખ કંઈ માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી. એ રસ તો કેટલાય અનુભવોની ચક્કીમા પીસાઇને તૈયાર થયો છે. બે નંબર વાળા રમીલાકાકી મારા ગુરુ છે અને નીમા, વીણા અને સીમા મારાં સાથીદારો છે. રમીલાકાકીને મેં ‘મંથરા’ નું બિરુદ આપ્યું છે, તો નીમા-કાળિકા, વીણા-ચંડિકા અને સીમા-દુર્ગા છે. મને પ્રસિધ્ધિની પડી નથી એટલે મારું વિશિષ્ટ નામ અહીં અપ્રગટ રાખવાનો હું આગ્રહ રાખું છું. કાળિકા એની સાસુની, ચંડિકા એના વરની અને દુર્ગા એની નણંદની નિંદા કરવામાં એક્ષપર્ટ ગણાય છે. જ્યારે હું તો મારા ગુરુજી (મંથરા) ની જેમ કોઇની પણ નિંદા ખૂબ જ ત્વરિત, સરળતાથી અને કુશળતાપૂર્વક કરી શકું છું. મારી આ પ્રસિધ્ધિથી પ્રેરાઇને એક્વાર તો એક પત્રકારે મારો ઇન્ટરવ્યુ પણ લીધો હતો, કદાચ તમને એમાંથી કંઈ શીખવાનું મળી રહેશે, અને એ ન મળે તો પણ મજા તો મળશે જ એની મારી ગેરેંટી છે.

પત્રકાર: સાંભળ્યું છે કે તમે નિંદા કરવામાં એક્ષપર્ટ છો?

હું: મેં પણ સાંભળ્યું છે, કે તમે પત્રકારો પણ આ કળામાં ઘણા માહેર છો, છો કે નહીં?

પત્રકાર: થોડું ઘણું એવું ખરું, પણ સાવ એવું નહીં.

હું: હું એમ જ એવું નથી કહેતી. સાંભળો, ઘણી જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. મારી એક ટી. વી. આર્ટિસ્ટ ફ્રેન્ડનો ઇન્ટરવ્યુ લેવા આવનનારો પત્રકાર પરણેલો હોવા છતાં એક કરોડપતિ બાપની એકની એક કુંવારી છોકરી સાથે લફરામાં હતો. જો કે એ કુંવારિકા પણ કંઇ કમ નહોતી. આ પત્રકાર જેવા તો કંઇ કેટલાંય બકરાઓને એ ફસાવી ચૂકી હતી. એના એક એક કારનામાની....

પત્રકાર:બસ, બસ, બસ. નિંદા કરવાની તમારી કુશળતા વિશે મને હવે લેશમાત્ર પણ શંકા નથી. ફક્ત એટલું કહો કે એ કરવા પાછળ તમારો આશય શું હોય છે?

હું:એક આશય તો સરળ અને સ્પષ્ટ છે. ‘નિજાનંદ’, અન્ય વ્યક્તિની નિંદા કરવાથી જે આનંદ આવે છે તે અનેરો છે, એ તો જે માણે તે જ જાણે.

પત્રકાર: અને બીજો આશય?

હું:બીજો આશય શુભ છે, કોઇક સંતે કહ્યું છે,

‘નિંદક નિયરે રાખીએ, આંગન કુટિર છવાય,

બિન પાની બિન સાબુના નિર્મલ કરે સુભાય.’

નિંદા કરનારને નજીક રાખવાથી સાબુ અને પાણી વગર સ્વભાવ નિર્મળ થતો હોય તો, આજના મોંઘવારીના જમાનામાં આનાથી રૂડી વાત બીજી કઇ હોઇ શકે? એટલે સંતજનની પ્રેરક વાણીની અસરથી જ મેં નિંદારસ વિકસાવ્યો છે.

પત્રકાર: તમારા સાથીદારોમાં કોઇ પુરુષ સભ્ય નથી?

હું: ના. પુરુષો આ બાબતમાં કાચા પડે. અમારા ‘એ’ ની જ વાત લઈ લો. હું જરા સરખી કોઇની કંઈ વાત માંડું ત્યાં જ એ કહે, કોઇ પણ વ્યક્તિ વિશે વાત કરવી એ હીન કક્ષાનું કામ છે, કોઇ પ્રસંગની વાત કરવી એ મધ્યમ કક્ષાનું કામ છે અને કોઇ સારા વિચારોની વાત કરવી એ ઉત્તમ કક્ષાનું કામ છે.’ હશે, આ એમની માન્યતા છે. એ લોકો વેલ્યુઝ, બિલીફ સીસ્ટમ, રીસ્પોંસીબીલીટી, કમિટમેન્ટ..એવી બધી વાતો કરે એ ઉચ્ચ કક્ષા. અને આપણે સાસુ- નણંદ.. એવી વાતો કરીએ તે અધમ કક્ષા?

પત્રકાર: તમારી કોઇ નિંદા કરે તો તમને કેવી લાગણી થાય?

હું: ગુસ્સાની અને ક્રોધની.

પત્રકાર:તમે બીજાની નિંદા કરતાં આનંદ અનુભવો અને બીજા તમારી નિંદા કરે ત્યારે તમે ગુસ્સો અનુભવો, એવું કેમ?

હું: ગુસ્સો મને કોઇ મારી નિંદા કરે એ વાત પર નથી આવતો. ગુસ્સો એમની નિંદા કરવાની અણ- આવડત પર આવે છે. નિંદા કરતાં બરાબર ન આવડતું હોય તો અમારા જેવા અનુભવી પાસે શીખવામાં વળી નાનમ શી?

પત્રકાર: વાત તો તમારી ગળે ઉતરે એવી છે.

હું: તમારે શીખવું છે?

પત્રકાર: નિંદા કરવાનું? ના ના. સોરી. હમણા તો મારે બીજી જગ્યાએ ઇંટરવ્યુ લેવા જવાનું છે, એટલે બીજી કોઇ વાર વાત. તમારો આ શોખ ખુબ વિકસે એવી શુભેચ્છા! આવજો.

પત્રકારે ભલે મને મારા શોખને વિકસાવવા માટે શુભેચ્છા આપી. પણ આ શોખ તો કોઇની શુભેચ્છા વિના વિકસે એવો સરળ અને સહજ છે. મારા આ સિવાયના અન્ય શોખો મર્યાદિત છે. દા.ત. ચિત્રકામ, વાંચન, લેખન, સંગીત-શ્રવણ...વગેરે. જેમાં કલાક- બે કલાક ગાળ્યા પછી કંટાળો આવવા માંડે છે, જ્યારે નિંદા કરવાના શોખમાં તો કલાકો ના કલાકો, દિવસો ના દિવસો, મહિનાઓ ના મહિનાઓ..અરે, વર્ષોના વર્ષો આનંદમાં પસાર થાય છે. કોઇને મારો હાસ્યલેખ સંભળાવું તો તે પંદર મિનિટમાં બગાસું ખાવા માંડે છે, પણ જેવી કોઇની કૂથલી માંડું કે એની ઊંઘ - સુસ્તી આપોઆપ ઊડી જાય છે. કેટલો પણ સમય જાય તો પણ એની આંખોમાં, ‘હજી વધુ કહોને’ ની આજીજી ડોકાય છે. એ હોંશે હોંશે હોંકારો પુરાવે છે, એટલું જ નહીં પણ પોતાના તરફથી પણ શક્ય એટલી માહિતી પૂરી પાડે છે.

આ નિંદા કરવાનો મારો શોખ એ મારા માટે માત્ર ફૂરસદની પળો પસાર કરવાનું સાધન નથી, પણ એક ગંભીર છતાં મનોરંજક પ્રવૃત્તિ છે. આ ક્ષેત્રમાં મેં ઘણી પ્રગતિ કરી છે. મેં મારાં મિત્રોની નિંદા કરી છે, પડોશીઓની નિંદા કરી છે, કુંટુંબીજનોને પણ નથી છોડ્યા. અરે! મારાં ગુરુજનોની નિંદા પણ મેં ખુબ જ આનંદપૂર્વક કરી છે. નેતાઓ અને અભિનેતાઓની નિંદા કરી છે. ચાંદ, તારા અને સૂરજની નિંદા કરી છે. ફૂલ, પાંદડી અને પતંગિયાઓની કૂથલી કરી છે. નિંદા કરવાની બાબતમાં મેં ઈશ્વરને પણ નથી છોડ્યા, (જે અમારા મકાન માલિક છે.) સાચું કહું તો મેં મારી જાત સિવાયના તમામ જનોની નિંદા ખુબ પ્રેમપૂર્વક કરી છે.

મેં સવારે, બપોરે અને સાંજે નિંદા કરી છે. અરે! ક્યારેક તો મેં રાત્રે ઊંઘતાં અને સપનામાંય નિંદા કરી છે. મેં સૂતાં-જાગતાં-ઊઠતાં-બેસતાં-લખતાં-વાંચતાં અને ગાતાંય કોઇ કોઇની નિંદા કરી છે. મેં ઘરમાં, બહાર, બગીચામાં, થીયેટરમાં અને ક્યારેક તો મંદિરમાં પણ નિંદારસનું પાન કર્યું છે. નિંદા કરવા માટે મને ક્યારેય વય, સ્થિતિ, વ્યક્તિ, સ્થળ કે કાળનાં બંધન નડ્યાં નથી. મારા આવા અનોખા શોખની અનેરી સિધ્ધિથી મને પરમ આનંદ અને અપ્રતિમ સંતોષની અનુભૂતિ થાય છે.

આજની જોક:

રીના: શીલા, તારી નવી પડોશણ મોના કેવી છે?

શીલા: રીના, મોના ખુબ સારી અને પરોપકારી છે.

રીના: અચ્છા! ચાલ તો પછી બીજા કોઇની વાત કરીએ.

Name: Pallavi Jeetendra Mistry

Email: hasyapallav@hotmail.com