Name: - Gaurav Bhatt
Email : -
ભારતીય સંસ્કૃતિ.. થોડી જાણી-અજાણી વાતો! - ગૌરવ ભટ્ટ
મૂળ ભારતીય સંસ્કૃતિ, થોડી જાણી-અજાણી વાતો... - ગૌરવ ભટ્ટ
વિદેશથી આવેલ માણસને આપણે ભારતીયો આપણી સંસ્કૃતિ વિષે સમજાવીએ છીએ કે અમારે કે અમારે અહિયા હેન્ડશેકની જગ્યાએ નમસ્કાર કરે છે. અતિથિ (મહેમાન) ને અહિયા ભગવાનનો દરજ્જો અપાય છે (ખરેખર અપાય છે?) વગેરે વગેરે...
પણ આપણે શું એ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ એટલે શું? અથવા તો તેના માટે કોઈ સ્પેશ્યલ ગ્રંથ છે જેના દ્વારા ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન થાય? ના! ભારતીય સંસ્કૃતિ એ મૂળ શબ્દ સંસ્કૃતભાષા પરથી છે.વેદો,પુરાણો,ઉપનિષદો,દાર્શનિક ગ્રંથો તથા યુગોનું વર્ણન વગેરે બધું સંસ્કૃત ભાષામાં રચાયેલ છે, ત્યારે ભારતમાં સંસ્કૃતેતર વિષય લઈને પાંચસો જેટલા પન્નાઓ ભરીને પોતાના નામની આગળ ડોક્ટરેટ થયેલ વ્યક્તિ જેને પૂછો કે વેદો કેટલા? યુગો કેટલા? તો જવાબ માટે ફાંફા મારે છે...
ફક્ત ‘માતૃદેવો ભવ’ થી લઈને ‘આચાર્યદેવો ભવ’ જેવા સંસ્કૃતના વેઢે ગણી શકાય એટલા બુલેટ વાક્યોને લઈને ભારતીય સંસ્કૃતિના દૂર છેક વિદેશ સુધી ગોગા ગાવા એટલે ચાર પાણી પૂરી લઇને વિદેશ વેપાર કરવા જેવી વાત થઇ! ‘નમસ્તે લંડન’ જેવી મૂવીથી ઘણી હદ સુધી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર થયો જેમાં સંસ્કૃતના ભ્રાતૃ શબ્દથી બ્રધર તથા માતૃ શબ્દથી મધર જેવા અંગ્રેજી શબ્દો નિષ્પન્ન થયા, તેવું દર્શાવાયું.
સંસ્કૃતને દેવભાષા કહે છે, દેવો દ્વારા બોલાતી ભાષા એટલે દેવભાષા. ઘરે થતા કોઈ ધાર્મિક કાર્યમાં પૂજન દરમિયાન બ્રાહ્મણ (ગોરબાપા) શરૂ કરે...
વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ
નિર્વિઘ્નમ્ કુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા
અર્થાત... વાંકી સૂંઢવાળા,મોટી કાયાવાળા,કરોડો સુર્ય સમાન તેજવાળા ગણપતિ મારા બધા કાર્યો નિર્વિઘ્નપણે પૂર્ણ કરો...કોઈ દિવસ એ જાણ્યું કે યજ્ઞવિધિ કે પૂજાકર્મ કરાવવા આપણે ગોરબાપાને કેમ બોલાવીએ છીએ? ના રે ભાઈ! અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી!- આવો જ કોઈ જવાબ હશે આપણો. ભગવાન દેવભાષા સંસ્કૃતભાષાને જ સમજે છે, નહીતર તો ઉપર કહેલો વક્રતુંડનો અર્થ એકદમ સરળ છે, ગણપતિ આગળ હાથ જોડીને તે ગુજરાતીમાં પણ બોલી શકાય!
ગુજરાતી અથવા તો બીજી કોઈ ભાષામાં ભગવાન ભાવ સમજે છે, પણ સંસ્કૃતમાં તો તે અર્થ સહીત ભાવ સમજે... જેમ આપણો ઈંગ્લીશ સાથે સંબંધ છે એમ! તેથી જ તો કર્મકાંડ કે કોઈ ધાર્મિક ક્રિયા કરાવવા સંસ્કૃત જાણતા બ્રાહ્મણને બોલાવાય છે. વેદો,પુરાણો,ઉપનિષદો,શ્રીમદ ભગવદ્ગીતા એ ભારતીય સંસ્કૃતિ અથવા સંસ્કૃતના મૂળભૂત સ્તંભો છે! હવે તેનાથી જ્ આપણે અજાણ છીએ તો પછી કેવી સંસ્કૃતિ? જો કે આ ગ્રંથો વગેરેને સાચવી રાખવાની સલાહ પણ આપણને અંગ્રેજ પાસેથી જ મળી છે કે? આપણે કયા યુગમાં જીવીએ છીએ? વેદો કેટલા છે? ભગવદ્ગીતામાં કોની વચ્ચે સંવાદ છે? પુરાણો કેટલા છે? આ બધું જ હાલ ફક્ત નામ પૂરતું અથવા તો ઘરડાઓની વાતો પૂરતું જ સીમિત છે... બીજા દેશોની સંસ્કૃતિ તેના અભ્યાસક્રમ સુધી વણી લેવામાં આવી છે ત્યારે આપણા પ્રયાસો કેટલા એને જીવિત રાખવાના? અથવા તો આપણે આપણી જ સંસ્કૃતિને જીવિત રાખવા શા માટે કોઈ અભિયાન ચલાવવા કે આંદોલનો કરવા પ્રેરાવુ પડે? વિચારવા જેવું ખરું...
ઘરે માતા-પિતાને સરખો જવાબ પણ ના આપતો વ્યસ્ત દીકરો ઈશ્વર સામે હાથ જોડી ઉભો રહે છે, આ કરુણતા છે આપણી, આપણા સમાજની... વિકટ પરિસ્થિતિના સમયમાં એક માણસ સજીવ મનુષ્યને પણ છોડી એક મૂર્તિ પર શ્રદ્ધા રાખે છે.. આ શીખવનાર કોણ? યેસ્સ આપણો સમાજ, આપણી સંસ્કૃતિ! આ બધાનું મૂળ સંસ્કૃત ગ્રંથોથી વિસ્તર્યું છે. જે ઋષિઓ દ્વારા કહેવાયેલું,શીખવેલું છે, કે જેનાથી આપણી સંસ્કૃતિ શ્વસે છે!
છેલ્લો ડોઝ-એક વિચિત્ર વાત- કોઈપણ ભારતીય વિદેશમાં જઈ
, ત્યાંના નિયમો જાણી રસ્તા પર થૂંકતો નથી, પણ તે જ ભારતીય જેવો ભારત આવે કે, ‘અહિયા થૂંકવાની મનાઈ છે’ તે લખાણ ઉપર જ થૂંકે છે,કદાચ ભારતના માણસો આ વસ્તુના આદિ બની ગયા છે!
- ગૌરવ ભટ્ટ
૦૮/05/૨૦૧૩
અર્ધસાપ્તાહિક પૂર્તિ,જયહિન્દ