વાંસળી હજીય વાગે છે...
[નવલિકા ]
લેખક : હેમંત ગોહિલ
પરમ દિવસ – ગઈકાલ અને આજ .
ત્રણ દિવસ. ત્રણ દિવસમાંથી બે તો પૂરા થઇ ગયા- પીડાદાયક ઘટનાઓ આપીને. અને આજે ? દિવસ પૂરો થાય ત્યારે ખબર પડે .
ગાડી શરુ થઇ...
ધૈર્ય એની દરરોજની બેઠક ઉપર આવીને બેઠો.ધૈર્યને દરરોજ એજ ડબ્બો અને એજ બેઠક મેળવવામાં આજ દિન સુધી કોઈ મુશ્કેલી પડી નહોતી.
કારણ?
કારણ, રેલવે માર્ગવ્યવહારનું આ ભાવનગર શહેર ટર્મિનલ હતું. છેલ્લું સ્ટેશન હતું. શહેરના પશ્ચિમ છેડાને ચીરીને શહેરમાં પ્રવેશતી ગાડીનો હંફાતો શ્વાસ એના સમાંતર પાટા પર છોડાતો ત્યારે ગાડીમાં બેઠેલા તમામ મુસાફરો પાનખરમાં ખરી પડતા પાંદડાની જેમ ખરી પડતા.જેમાં નિયત કરેલી મંઝીલવાળા પણ હોય અને મંઝીલે નિયત કરેલા પણ હોય !!
એન્જીન એની દિશા બદલતું અને વસંત આવતા મ્હોરી ઊઠતા ઠૂંઠાની જેમ ગાડી પુન: ધીમે ધીમે મુસાફરોથી પલ્લવિત થવા લાગતી.એક-બે સ્ટેશન વટાવતાં તો એ ઘેઘૂર આમ્રઘટા જેવી બની જતી. પગ મુકવાની વાત તો ક્યાં શ્વાસ લેવામાં પણ આપદા અનુભવાય એવી ભીડ ડબ્બામાં જામી જતી.
ધૈર્ય દરરોજ ગાડીના આ ક્રમશ: વિકાસને અવલોકતો,અને પોતાની જાતને પ્રથમ કૂંપળ ગણી ભાગ્યશાળી માનતો.
પ્લેટફોર્મ ઉપરની ડીઝીટલ કલોકમાં ૪:૪૫ A.M. ના આંકડા ડિસ્પ્લે થાય એટલે એનો અર્થ એ થાય કે પાર્કિંગ ઝોનમાં સ્કૂટરને સ્ટેન્ડ કરી ધૈર્ય, એન્ટ્રીગેઈટમાં પ્રવેશી પોતાના રિઝર્વેશન પાસને સંભાળતો હોય જ.
રજાના દિવસો સિવાય આ એનો રોજીંદો ક્રમ હતો. અને કેમ ન હોય ? આ તો નોકરીનો મામલો હતો . નિયમિતતા એ તો નોકરીની પ્રથમ લાયકાત છે – એવું તો ધૈર્યનું પહેલેથી જ
માનવું હતું.
લીલોતરીથી આચ્છાદિત એવા નવસારી શહેરમાંથી પ્રમોશન સાથેનો સૌરાષ્ટ્રના બોટાદ શહેરમાં હાજર થવાનો બદલી ઓર્ડર મળ્યો ત્યારે તેણે રહેવા માટે ભાવનગરને પસંદ કર્યું. સહકર્મચારીઓએ શહેરનો વણમાગ્યો પરિચય આપતા કહેલું:” ભાવનગરની ત્રણ ચીજ વખણાય છે.: ગાય .ગાંડા અને ગાંઠિયા.”
“ હવે એમાં એકનો વધારો થશે.” સી.ડી. બોલ્યો.
“ એટલે ?” ધૈર્ય અજ્ઞાન ધરીને ઊભો રહ્યો.
“ તું ગાય તો છે નહીં,અને ગાંઠિયા તો તું હોઈ જ ન શકે. વધારો શેમાં થઇ શકે ?” કહી સી.ડી. ખડખડાટ હસી પડ્યો. ત્વરિત ચમકારો થતા ધૈર્ય સી.ડી. તરફ ધસ્યો ,પરંતુ ચૌધરીએ તેને રોકી લીધો.
આજે આઠ-આઠ વર્ષના આરામદાયક અપડાઉન પછી એને લાગેલું કે ભાવનગર સ્ટેશનથી ઉપડતી ગીર્દી વગરની ગાડી પણ ખરેખર વખાણવાલાયક ચીજ છે.
વહેલી સવારના પોણા પાંચ થાય એટલે ધૈર્યના પગ પ્લેટફોર્મ ઉપર મંડાતા હોય અને હાથ ખિસ્સામાં પડેલા પાસને સંભાળતા હોય એજ વખતે એના કાન સહેજ અંધકારમાં ઢંકાયેલા બાકડા સુધી અવશ્ય લંબાઈ જતા. બાકડા ઉપરથી રેલાતા વાંસળીના સૂર એને નિયમિત રીતે સાંભળવા મળી જતા .રેલવેના લંબાતા ટ્રેક જેવું એનું આશ્ચર્ય પણ આટલા વર્ષો સુધી લંબાતું જ ગયેલું કે બાકડે બેસીને વાંસળી વગાડતો આ પાગલ, કાયમ એક જ ધૂન કેમ વગાડતો હશે ? શું અન્ય કોઈ ધૂન એને નહીં આવડતી હોય ? કે પછી અન્ય કોઈ ધૂનમાં એને દિલચશ્પી જ નહીં હોય? કારણ ગમે તે હોય પણ ધૈર્યને વહેલી સવારના આછા અંધકારમાં આ ધૂન આઠ-આઠ વર્ષથી અખંડપણે સાંભળવા મળતી.:
: અરર મેરી જાન હૈ રાધા ,
તુજ પે કુરબાન મૈ રાધા ,.....રહ ના શકુંગા તુજ સે દૂર મૈ ......
ટાઢ ,તડકો કે વરસાદનો અવરોધ રેલાતા આ સૂરને ક્યારેય રોકી શક્યો નથી. એ બાબત ધૈર્યના અવલોકનમાં હતી. હળવી ઠંડકમિશ્રિત હવામાં આ સૂર ભળતા ત્યારે વાતાવરણ ખરેખર આહલાદક બની જતું. ધૈર્યના કાનને પણ અનાયાસે જ આ સૂરીલા સૂરનું બંધાણ થઇ ગયું હતું. લોકોના કોલાહલની આડશ ચીરીને પણ તેના કાન અવશ્ય સૂરને આંબી જતા. ઘણીવાર એને એ સૂરના છેડનાર પાગલ સુધી પહોંચવાનું મન થઇ આવતું પરંતુ સમયની બેડી એના પગને બાંધી લેતી.
પરંતુ આઠ-આઠ વર્ષથી પગમાં લાગી જતી સ્મ્ય્નીએ બેડી પરમ દિવસે તૂટી .
થોડા દિવસ પહેલા જ ધૈર્યને ચીફ ઓફ ડીવીઝન તરીકે બઢતી મળી. ધૈર્યને વળગી પડતા જ ધારા બોલેલી:” આ કોઈના આશીર્વાદની મહેર છે.મારી ઈચ્છા છે આ ખુશીના પ્રસંગે શહેરના ઘરવિહોણા લોકોને ચાદર ઓઢાડવી.અને એ રીતે મારે ખુશી વ્યક્ત કરવી. આપની જો રજામંદી હોય તો..”
“ અરે ,એમાં પરવાનગી હોય ? આપની ઈચ્છા એજ અમારી ઈચ્છા કેમ ન હોઈ શકે ?મિલે જો સૂર મેરા તુમ્હારા ; તો સૂર બને હમારા.” કહી ધૈર્ય હસી પડ્યો.
હરખથી થયેલા કામમાં કંજૂસાઈ બહુ ઓછી હોય છે.- એ ન્યાયે શહેરમાંથી ખરીદાઈને સુંદર મજાના જથ્થ્બંધ ધાબળા આવી ગયા. એકાદ દિવસની રજા મૂકી આ શુભ કાર્યને ઝડપથી આટોપી લેવાનું નક્કી થઇ ગયું.
ધાબળાવિતરણકાર્યની શરૂઆત ક્યાંથી કરવી ? એ વાત આવતા જ ધૈર્યને રેલવે સ્ટેશન યાદ આવ્યું. આઠ-આઠ વર્ષથી જેના સૂરથી કાન જે લયના વ્યસની થઇ ગયા હતા એ લયનો છેડનાર પાગલ સૌથી પહેલા યાદ આવ્યો. ધારાએ પણ એ વાતને મહોર મારી દીધી. એવું કહીને ‘ કે અમારો સૂર અલગ શું કામ ? મિલે જો સૂર મેરા તુમ્હારા ,તો સૂર બને હમારા ..” ધૈર્ય એના રતુંબડા ગાલને હળવી ટપલી મારીને દીવાનખંડમાં પહોંચ્યો ત્યાં સુધીમાં તો હર્ષની હેલી ઘરના ખૂણે ખૂણે ફરી વળી હતી.
વહેલી સવારથી જ શુભકાર્યનો શુભારંભ કરવો એવા આશય સાથે ધૈર્ય અને ધારા ધાબળાના બંડલ સાથે પરમ દિવસના પરોઢિયે રેલવે સ્ટેશન પહોંચી ગયા. દરરોજ નો જાણીતો
સૂર અને જાણીતું સ્થળ ધૈર્યના પગને વિનાવિઘ્ને એ સૂરના ઉદગમસ્થાન સુધી દોરી ગયા. સ્ટેશનના છાપરાનો એ છેલ્લો થાંભલો. થાંભલાને અડીને આવેલો સહેજ ત્રાંસો બાકડો. એ બાક્ડાનો ટેકો લઈને ઊખડી ગયેલા ભોયતળીયા ઉપર ગાભા જેવા ગોદડાંમાં વીંટળાઈને ,ઊભડક બેસીને ,અંધારાને અજવાળતા સૂર છેડતો મનુષ્યદેહ .
આજે પણ એજ ધૂન વગાડતો હતો,ધૈર્ય જે ધૂનને વર્ષોથી સાંભળતો આવ્યો હતો.
ધૈર્ય અને ધારા એની સાવ લગોલગ આવીને ઊભાં છતાં એની દ્રષ્ટીએ એની સહેજ પણ નોંધ ન લીધી. જાણે એ પાગલ સૂરની મહાસમાધિમાં ન ડૂબી ગયો હોય ? એની સૂરાવલી અવિરામ, અસ્ખલિત વહી રહી હતી. સહેજ પાછળ રહીને સાંભળી અરહેલી ધારાને સમજાવતા ધૈર્યે કહ્યું:” આ મહાશય, કેવળ એક જ ધૂન વગાડી જાણે છે.”
“એમ ?” ધારાએ પાગલ જેવા માણસને નીરખતા કહ્યું.
“ હા, હું અહી આવ્યો ત્યારથી એને આ જ ધૂન વગાડતા સાંભળું છું.”
“ અને એટલે જ કદાચ આટલી બધી મીઠાસ એના સૂરમાં અનુભવાય છે.,અન્યથા શક્ય નથી.” ધારાએ ઝડપથી બંડલમાંથી ચાદર કાઢી. અને ઝડપથી કામ આટોપી અહીંથી નીકળી જવા ધૈર્યને મૌન ઈશારો કર્યો.
ચાદરને હાથમાં પકડતા ધૈર્યે કહ્યું:” આજ તો એની એકજ ધૂન વગાડવા પાછળનું રહસ્ય જાણી જ લેવું છે. “
વાંસળીને હોઠેથી અળગી કરીને સૂરને થંભાવતા એ પાગલ જેવા લાગતા મનુષ્યદેહે ઉપર તરફ દ્રષ્ટિ કરી તો ચાદર આપવાના ઈરાદાથી લંબાવેલા ધૈર્યના હાથ હવામાં જ તોળાઈ ગયા.
ઝંઝાવાતની થપાટો ખાઈને જર્જરિત થઇ ગયેલા ઝાડના ઠૂંઠા જેવા એ મનુષ્યદેહના જમણા નેણની ઉપર લંબગોળ આકારનું લાખું એની ઓળખ માટે પર્યાપ્ત હતું. ધૈર્યના મુખમાં આશ્ચર્ય સાથે ઊગી નીકળેલા શબ્દો પીડાના એક જોરદાર ધક્કા સાથે હોઠમાંથી બહાર સારી પડ્યા :” અરે, તું માધવ તો નહિ ?!!”
દ્રષ્ટિનું દિવેલ ખોઈ બેઠેલો એ દેહ થોડો ઝંખવાણો,કશુક શોધવા વ્યર્થ ફાંફા માર્યા.અને છેલ્લે બાજુમાં જ મુકેલી વાંસળીને હાથવગી કરતા વેદના નીતરતા સ્વરમાં બોલ્યો:” ચલો, એક માણસ તો હજી ઓળખે છે.તું ધૈર્ય છે ,ખરું ને ?”
“ હા, “ કહેતા ધૈર્ય એની સામે જ ઊભડક બેસી ગયો. ધારા છૂટી ગયેલા બંડલને અવળું ફરીને બાંધી રહી હતી....
**** ****** ****** ****
માધવનું સુખી કહેવાય એવું કુટુંબ હતું.એના પિતા કંડલા પોર્ટમાં ચીફ એક્ષ્પોર્ટ ઓફિસર હતા.ભૂજની ઓફિસર્સ કોલોનીમાં એનું કુટુંબ સ્થિર થયું હતું ત્યારે છાતીના પોલાણમાં વીસમાં વર્ષના શ્વાસ ભરતો , રમેશ પારેખના પ્રણયગીતો મમળાવતો ,માધવ પોતાની જાતમાં અસ્થિરતા અનુભવતો હતો.
એજ દિવસોમાં જાતને હચમચાવી નાખે એવો સૌન્દર્યનો એક મુલાયમ ધક્કો લાગ્યો!!
ઓફિસર્સ કોલોનીના બાજુના જ બ્લોકમાં એક કુટુંબ રહેવા આવ્યું. માધવ એકવાર એના બ્લોકની પાછળની અગાસીમાં અમસ્તો જ ટહેલતો હતો ત્યાં જ બાજુના બ્લોકની અગાસીમાં એણે નવયૌવનાનું રૂપ ધારણ કરીને ફરતું વાવાઝોડું જોયું. માધવ ત્યારે માંડ માંડ પોતાની જાતને સંભાળી શકેલો. ત્યાર પછીથી માધવે પોતાનો અભ્યાસખંડ પણ આગળના ભાગેથી ખસેડી બાજુના બ્લોકની અગાસી દેખાય તે રીતે પાછળના રૂમમાં ફેરવી નાખેલો. મમ્મી –પપ્પાને પણ લાગેલું માધવનું મન હવે અભ્યાસમાં ખૂબ લાગી ગયું છે. કોઈએ તેને ડીસ્ટર્બ ન કરવો.
------ ને આમ, માધવ અભ્યાસમાં તલ્લીન થઇ ગયો!!
માધવની સવાર હવે સૂરજ ઊગવાથી નહિ પરંતુ બાજુની અગાસીમાં સૌંદર્યની આભા રેલાવાની સાથે થતી.લાવણ્યથી લથબથ એ સૌન્દર્યમૂર્તિ માધવની આંખ સામે અલપઝલપ દેખાઈને ઓઝલ થઇ ગયા પછી પણ પ્રણયગઝલના રદીફ-કાફિયાની જેમ દિવસના અંત સુધી માધવની ભીતર પુન:પુન: સ્પંદન જગાવ્યા કરતી.પ્રણયની મૌન ભાષા ઉચ્ચારતી એની આંખોના પોપચાં ઢળતા
ત્યારે તો માધવ એની જાતને એમાં કેદ થઇ ગયેલી અનુભવતો.
દિવસોથી ઘૂમરાતી આતુરતાને એ ઓળખી ગઈ હોય તેમ એણે એક દિવસ સવાર સવારમાં જ પોતાનું નામ બતાવી દીધું: રાધા.
માધવનું મન વાંસળી થઇ ગયું!!
માધવનું મન વિચારવા લાગ્યું: ઘણીવાર કલ્પનાને પણ ટપી જાય એવી વાસ્તવિક ઘટનાઓ બનતી હોય છે.અને આવી વાસ્તવિક ઘટનાને સમજવા કે માનવા માટે પણ આપણી કાલ્પ્નાની ધાર બુઠ્ઠી પુરવાર થતી હોય છે.
માધવ “ રાધા “ નામના આ સંયોગને ભાષાની રીતે નહિ પણ લાગણીની રીતે પ્રમાણવા લાગ્યો.
તે દિવસે માધવને એક વાતનો અફસોસ રહી ગયો કે ગુલાબી પાંખડી શા એના હોઠ ખૂલ્યા હોત અને એ હોઠોમાંથી મધુર લય સાથે એના નામનું ઉચ્ચારણ થયું હોત તો કાનમાં હજીય એના પડઘા ગૂંજ્યા કરતા હોત.પરંતુ રાધાએ એવું ન કર્યું.એણે એનું નામ પાટીમાં લખીને બતાવ્યું.પાટીની એક બાજુ મોટા અક્ષરે “રા” અને બીજી બાજુ “ધા “ લખીને એક હાથની હથેળીમાં પાટીનો એક ખૂણો ટેકવી ,ઉપરના ખૂણાને અંગૂઠાથી હળવો ધક્કો મારીને ઉપરની હથેળી દ્વારા ફરતી પાટીનું સમતોલન જાળવતા-જાળવતા એણે એના નામનું દર્શન કરાવ્યું.જવાબમાં પોતે તો પોતાનું નામ જોરથી બોલી જ નાખ્યું “ માધવ. “
યમુનાજીના ઘૂમરી ખાતા જળ જેવું ઊંડાણ અને ખેચાણ માધવને રાધાની આંખમાં કળાયું.પોતાના નામનું પ્રતિબિંબ એ જળમાં કેવું ઝીલાયું એ નીરખવા મળે એ પહેલા જ ઘરમાંથી એક હળવો સાદ થયો અને રાધા ઘરમાં ચાલી ગઈ.જતા જતા ગરદનનો લયબદ્ધ મરોડ આપીને પોપચાને એવા તો ઢાળ્યા કે માધવના રોમ રોમ રાસલીલામાં લીન થઇ ગયા.
તે દિવસથી માધવ રોજ કલ્પનાની ગાયો ચરાવતો થઇ ગયો.નીંદરની મટકી ફોડી-ફોડીને મધમીઠા સમણાના મહી-માખણ ખાવા લાગ્યો. શ્વાસની નિરંતર વાગતી વાંસળીમાં રાધાનું નામ ઘૂંટીને હવે વહેતું મૂકવા લાગ્યો ધબકારમાં .......
અષાઢી દિવસોની એક ગોરંભાયેલી સાંજે માધવ, રાધાની અગાસી ભણી મીટ માંડીને બેઠો હતો ત્યાં જ રાધા હવાની લહેરખીની જેમ સામેની અગાસીમાં આવી.આંગળીને હોઠ ઉપર ધરી ચૂપ રહેવાના ઈશારા સાથે એણે એક ભેટને માધવ તરફ ફેંકી .માધવે હળવા હાથે એ ભેટને ઝીલી લીધી. જાણે ગોવર્ધન ઊંચક્યો !! રાધાએ મૌન ભાષામાં એ ભેટને સ્વીકારવા વિનતી કરી.
રાધાએ સુંદર મજાની વાંસળી ભેટમાં આપી હતી.
માધવ નખ-શિખ ઝંકૃત થઇ ગયો. માધવ કશુક બોલે ,કશુંક પૂછે એ પહેલા તો રાધા એ અગાસીની ફ્રેમમાં ખાલી અવકાશને ગોઠવીને અંદરના ઓરડા તરફ પ્રસ્થાન કરી ચૂકી હતી.
માધવને લાગ્યું કે પોતે કેન્દ્રબિંદુ છે અને સમગ્ર બ્રહ્માંડ એની ફરતે તાલબદ્ધ રીતે ચક્રાકારે ફરી રહ્યું છે. જાણે પ્રણયનો મહારાસ !! માધવ આખી રાત એ મહારાસમાં ઘૂમતો રહ્યો.
સવાર થતા વાસ્તવિકતાની ભૂમિ પર પગ મૂકતા જ એ ગડથોલિયું ખાઈ ગયો.
સવારે ખ્યાલ આવ્યો કે રાધા અને એનું કુટુંબ વહેલી સવારે જ એના પિતાની બદલી થતા અન્ય શહેરમાં શીફ્ટ થઇ ગયું છે.
માધવ અંદરથી કડડભૂસ થઇ ગયો. માધવ,માધવ મટીને મહા દવ થઇ ગયો.અંદરની જ્વાળા એણે દઝાડવા લાગી.
ખાસ કહી શકાય એવા મિત્ર ધૈર્યને સઘળી કથા કહી.ધૈર્ય એમ.બી.એ.નો સ્ટુડન્ટ. દરેક બાબતને વેપાર વાણિજ્ય સાથે જોડીને નફા-ખોટનો તાળો મેળવી લેતો. એણે માધવને સમજાવેલું:” યાર, જીવન એક સતત ચાલતો પ્રવાસ છે. આપણે પ્રવાસે નીકળેલા પ્રવાસી છીએ. આપણે એક બસ ચૂકી ગયા તો શું થયું ? પ્રવાસ અટકાવી દેવો? નો, નેવર .પ્લીઝ વેઈટ ફ્યુ મિનીટ્સ . બીજી આવતી જ હશે, સમજ્યો ?”
પણ ધૈર્યની આવી ફિલસૂફીને માધવ ન સમજ્યો. ખરેખર તો એમ કહેવું યોગ્ય લાગશે કે ધૈર્યની આવી ફિલસૂફી માધવને ન સમજાવી શકી.
ધૈર્ય એમ.બી.એ. પૂર્ણ કરી નવસારી ખાતે જોબ માટે ચાલ્યો ગયો. એના બીજા જ વર્ષે જાણવા મળ્યું કે માધવે હદ કરી નાખી છે .પોતાના જ હાથે આંખમાં એસિડ રેડીને પોતાની દ્રષ્ટિ ખોઈ નાખવાનું પાગલપન કર્યું છે. પોતાની રંગીન દુનિયાને શ્વેત-શ્યામ બનાવી નાખ્યાને હજી તો માંડ પાંચ-છ માસ થયા હશે ત્યાં જ કુદરતનો વિકરાળ પંજો ભૂકંપ બનીને કચ્છને ભરખી ગયો.ઓફિસર્સ કોલોનીના મોટા ભાગના બ્લોક જમીનદોસ્ત થઇ ગયા.
માધવનું આખું કુટુંબ માધવને એકલો વેદનામાં એકલો સબડતો મૂકીને સદાને માટે માટીમાં મળી ગયું. સત્તર કલાકની જહેમત બાદ સ્વયંસેવકોએ માધવને બહાર કાઢ્યો ત્યારે એ લોહીથી લથબથ હતો. સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં એડમીટ કર્યા પછી એની હાલતમાં સુધારો દેખાયેલો.પરંતુ પછીના દિવસોથી માધવ કોઈને કયાંય ન દેખાયેલો.
તે છેક પરમ દિવસે ધૈર્યને દેખાયો. તે પણ કેવી હાલતમાં ! કેવું પીડાદાયક દ્રશ્ય હતું એ ! હજી એ પીડા કંઇક અંશે ઓછી થાય એ પહેલા જ ગઈ કાલે વધુ એક આઘાતજનક ઘટના બની.
સાંજની ગાડી સ્ટેશન આવીને હજી થંભી ન થંભી ત્યાં દેકારો થયો.રેલવે ટ્રેક પર પડતું મૂકીને એક પાગલે જીવન ટૂંકાવી દીધું હતું. કુતુહલવશ ધૈર્ય પણ ડબામાંથી ઉતરીને મૃતકને નિહાળવા પહોંચી ગયો. મૃતકને ઓળખતા જ ધૈર્યના હોશકોશ ઊડી ગયા.
અલગ-અલગ ટુકડામાં વહેંચાયેલો એ દેહ માધવનો હતો. લોહીના ખાબોચિયામાં કપાઈને પડેલા એના હાથની મુઠ્ઠીમાં હજીય વાંસળી અકબંધ રીતે દબાયેલી હતી. ધૈર્ય થથરી ગયો.
ધારાને ટેલીફોનથી સમગ્ર ઘટનાની જાણ કરી અને પોતે મિત્રધર્મ બજાવવામાં વ્યસ્ત બન્યો.પોલીસકર્મીને પૂરેપૂરો સહયોગ આપ્યો. અંતિમ સંસ્કાર પતાવ્યા. મૃતક વ્યક્તિના એક માત્ર સ્વજન તરીકે ધૈર્યને માનીને મૃતકની મિલકતરૂપ વાંસળી તપાસકર્મીએ ધૈર્યને સુપ્રત કરી. સૂરવિહોણી વાંસળીને પંપાળતો ધૈર્ય ઘરે આવ્યો ત્યારે રાતનો પોણો એક થવા આવ્યો હતો. ધારા હજી જાગતી હતી. ઉજાગરાથી હોય કે ગમે તે હોય પણ ધારાની આંખો સૂઝાઈ ગઈ હતી.
પરમ દિવસ અને ગઈકાલ – એ બે દિવસ . અને એ બે દિવસોમાં એક-એકથી ચડિયાતી બે આઘાતજનક ઘટનાઓ.
આજે ત્રીજો દિવસ . શી ખબર આજે શુંયે થશે !
ધૈર્યને અંદરથી ફડકો હતો. પણ ઈશ્વરની મહેર થઇ. આજે કશું થયું નહીં. ધૈર્ય મનોમન બોલ્યો : પીડાને પણ એક સરહદ હોય છે.” પીડાદાયક ઘટના બનવાનો મનમાં અંદેશો ઘૂમરાતો હતો ત્યાં ઉલટાના શુભસમાચાર મળ્યા કે આજે ઓફિસનું રીનોવેશન હોવાથી ઓફિસ હાફ-ડે રહેશે. ધૈર્ય મનોમન ઈશ્વરનો આભાર માનવા લાગ્યો .મનોમન બોલ્યોય ખરો :” પીડાની સરહદ પછી સુખનો પ્રદેશ શરુ થતો હોય છે.”
બપોરની ગાડીમાં જ પાછા ઘરે જઈ ધારાને સરપ્રાઈઝ આપવાના ઈરાદાથી ધારાને ટેલીફોનિક જાણ પણ ન કરી. સતત બે દિવસની આઘાતજનક ઘટનાઓની અસરમાંથી બહાર નીકળવાના પ્રયાસરૂપે સાંજ વેળાએ બહાર ફરવા જવાનો ઉપક્રમ પણ ઘડી નાખ્યો.
ચારેક વાગ્યાના સુમારે ધૈર્ય પોતાના બંગલાના કંપાઉન્ડમાં આવ્યો.હળવેથી દરવાજો ખોલ્યો. સરપ્રાઈઝ ઓપન કરવાના ઈરાદા સાથે બંગલાના પગથિયા પર પગ ટેકવ્યા. પડદો હટાવી ધારાને જોઈ લેવા ડોકિયું કર્યું.
............... ધૈર્ય હબક ખાઈ ગયો. જે દેખાયું એનાથી ધૈર્ય એનું બધું જ ધૈર્ય ખોઈ બેઠો. જીવનનું સરવૈયું ઊઘડતી સિલકમાંથી બાકી સિલકમાં ફેરવાઈ ગયું.
ધારા વાંસળીને બાથમાં ચપોચપ ભીડીને સૂતી હતી.
રડી રડીને એની આંખમાંથી નીતરેલા આંસુ ગાલ ઉપર આવીને સૂકાઈ પણ ગયા હતા. ધૈર્યને આટલા વર્ષે નહોતું સમજાયું તે એક ક્ષણમાં સમજાઈ ગયું.
ધૈર્યની આંખે ચક્કર આવવા જેવું લાગ્યું.ગોળ ગોળ ફરતી ધરતી સાથે એણે ધારાને પણ જોઈ. ધારાના હાથમાં ફરતી પાટી પણ જોઈ. જેમાં એક બાજુ “ધા “ અને બીજી બાજુ “રા “ લખેલા હતા.ધૈર્ય નક્કી ન કરી શક્યો કે વાંચવાની શરૂઆત ક્યાંથી કરવી ?
.................... અને એ ગડમથલમાં જ ધૈર્ય પગથિયા પર બેસી પડ્યો.
[ સમાપ્ત ]