Gussana Fal in Gujarati Magazine by Sneha Patel books and stories PDF | ગુસ્સાના ફળ

Featured Books
Categories
Share

ગુસ્સાના ફળ

૫- ગુસ્સાના ફળ.

બહી અટકળ, બધી ભ્રમણા, ખુલાસા પણ બધા ખોટા,

બધું છોડ્યા પછી તો આ જગત પણ બહુ મજાનું છે.

-સુરેન ઠાકર.

રોડની ડાબી બાજુ પાર્ક થયેલી એ.સી ગાડીમાં બેઠેલી વિસ્મયા વારેઘડીએ પોતાના નાજુક કાંડા ઉપર બંધાયેલી ગુચીની ડિઝાઈનર વોચમાં સમય જોતી હતી. મિનીટના કાંટાઓ સાથે સાથે એની અકળામણનો પારો એની ઉચ્ચતમ સપાટીને સ્પર્શતો જતો હતો. ભાદરવા મહિનાનું બાફવાળું વાતાવરણ એના પારાને ઓર છંછેડતું હતું. એસી ગાડીના ઠંડા વાતાવરણમાં પણ એના કપાળની બે ય બાજુએથી પસીના પતલી ધાર રેલાતી હતી. ટીશ્યુબોકસમાંથી સુગંધિત ટીશ્યુ કાઢીને વિસ્મયાએ એ પરસેવાને લૂછ્યો. મનોમન રાહુલને એ અંગ્રેજીમાં એને આવડતી બધી ગાળો આપતી જતી હતી.

‘સાત વાગ્યે આવવાની વાત થયેલી, સાત ને પંદર મિનીટ થવા આવી હજુ એ (ગાળ ) ના કોઇ ઠેકાણા જ ક્યાં છે ? પુરુષોની જાત જ એવી. મારી જિંદગીમાં કોઇએ મને આવી રાહ નથી જોવડાવી અને હું પણ સમયની એકદમ નિયમીત, આ રાહ બાહ જોવાનું કામ મને ના ફાવે. રાહુલ આ વાત સારી રીતે જાણે છે એમ છતાં મોડો ! આજે તો હું એની સાથે બોલવાની જ નથી. રાહ જોવડાવીને રામજાણે એ લાટસાહેબ આખરે શું ‘પ્રૂવ’ કરવા માંગે છે ? સામેવાળાના સમયનું કોઇ મૂલ્ય જ નથી કોઇ !’

અકળામણ અને ગુસ્સાથી વીતતો સમય અટકવાનો નહતો અને રાહુલના આવવાના સમયમાં કોઇ ફેરફાર થવાનો નહતો. ફરક ફક્ત વિસ્મયાના મગજને જ પડવાનો હતો અને એ જ થઈ રહ્યું હતું. સાત ને ચાલીસે રાહુલની બાઈક વિસ્મયાની ગાડી પાસે બ્રેક મારીને ઉભી રહી. રાહુલને ઘેરાયેલા વાતાવરણનો અંદાજ તો હતો જ એટલે અવાજમાં બને એટલી ચાસણી ભેળવીને બોલ્યો,

‘હાય ડાર્લિંગ, સોરી આજે જરા…’

વિસ્મયાએ રાહુલને આગળ કશું જ બોલવા ના દીધું અને એના પર વરસી પડી. રાહુલે વરસાદની અટકળ તો કરેલી જ પણ આ ધોધમાર વાવાઝોડું એની ધારણા કરતાં વધારે થઈ ગયું. વિસ્મયાના શબ્દો એના દિલ પર આરીની જેમ ફરી રહ્યાં હતાં. વાત એના કંટ્રોલ બહાર જતી લાગી. ગમે એમ કરીને રાહુલે પોતાના મગજને કંટ્રોલમાં રાખ્યું અને વિસ્મયાને પૂરેપૂરું બોલી લેવા દીધું. વિસ્મયાનો ગુસ્સો પળભરમાં ખતમ. હવે એને ભાન થયું કે પોતે ગુસ્સામાં રાહુલને કેવા કેવા શબ્દો બોલી ગઈ હતી. એને પોતાની જાત ઉપર બહુ જ ગુસ્સો આવ્યો અને પરિણામે એ રડી પડી. પછી ચાલુ થયો 'સોરીનો સિલસિલો,

‘સોરી રાહુલ..સોરી , મારું મગજ ઠેકાણે નહતું...તું તો જાણે છે કે મને રાહ જોવાની સહેજ પણ ટેવ નથી…’ વગેરે વગેરે.

રાહુલ બે ઘડી વિસ્મયાના નાજુક મનમોહક વદન સામે તાકી રહ્યો અને પછી હળવેથી બોલ્યો,

‘વિસ્મયા, રાહ જોવાની ટેવ નથી તો થોડી મહેનત કરીને એ ટેવ પાડ ડીઅર. રાહ જોવાથી ધીરજ વધે છે અને ધીરજથી આપણા બહુ બધા કાર્યો બગડતા અટકે છે. જેમ કે તેં આજે ધીરજ રાખી હોત તો હું આવ્યો ત્યારે મારી પર ગુસ્સે થઈ જવાના બદલે કાયમ સમયસર આવી પહોંચતા તારા રાહુલને આજે એના મોડા પડવાનું કારણ પૂછવાનો પ્રયત્ન કરત.ધીરજના ફળ મીઠાં હોય છે કે નહીં એ વાતે હું બહુ શ્યોર નથી પણ ગુસ્સાના ફળ હંમેશા હાનિકારક જ હોય છે ડીઅર.’

અને વિસ્મયાને એની ભૂલ સમજાઈ. તરત એણે રાહુલને પૂછ્યું ,

‘અરે હા, પણ આજે મોડો કેમ પડ્યો એ તો બોલ’

‘વિસ્મયા, મમ્મીને સવારથી તબિયત નહતી સારી, એમનું પ્રેશર હાઈ હતું અને એમને બહુ જ અકળામણ થતી હતી. એમને ડોકટરની પાસે લઈ ગયો હતો. ત્યાં બહુ જ ભીડ હતી. એમનો ઇસીજી કાઢ્યો બહુ ચિંતા જેવું નથી.બે દવા આપી છે ડોકટરે, અઠવાડીઆ પછી ફરી ચેકઅપ કરાવવાનું છે.’

‘ઓહ્હો…પણ આ વાત તું મને ફોન કરીને કહી ના શકે ? જેથી મને ખ્યાલ આવે.’

‘વિસ્મયા, ફોન કરવાનો સમય જ ના મળ્યો, એમ છતાં મેં તને બે થી ત્રણ મેસેજ કર્યા છે . ફોન જો તારો.’

વિસ્મયાએ તરત પોતાનો ફોન ચેક કર્યો તો એનો ફોન બંધ હતો. બેટરી ખતમ થઈ ગયેલી અને ગુસ્સામાં એને ફોન ચાર્જ કરવાનું ધ્યાન જ ના રહ્યું. વળતી પળે એને એવો પણ ખ્યાલ આવ્યો કે એ પોતે પણ રાહુલને ફોન કરીને એના મોડા પડવાનું કારણ પૂછી જ શકત ને ! ગુસ્સામાં ને ગુસ્સામાં આખી ય વાત બગાડીને મૂકી દીધેલી. રાહુલને મળવા માટે માંડ કલાકનો સમય મળતો હતો એમાંથી અડધો કલાક તો ઝગડવામાં જ નીકળી ગયો. પારાવાર અફસોસ સાથે વિસ્મયાએ રાહુલનો હાથ પકડીને એને ‘સોરી’ કહ્યું અને કોઇ પણ સંજોગોમાં ધીરજ ખોઈને પોતાના મગજ પરનો કાબૂ ના ખોવે એવો પ્રયત્ન કરવાનું વચન આપ્યું.

રાહુલે એનો હાથ દબાવીને શેતાની હાસ્ય સાથે બોલ્યો,

‘તો ડીઅર, ઘરમાં આપણા લગ્નની વાત આ અઠવાડીઆને બદલે બે મહિના પછી કરું તો ચાલશે ને?’

અનબીટેબલ : આપણી ધીરજ એ આપણું આભૂષણ છે.