Just Move On in Gujarati Magazine by Sneha Patel books and stories PDF | જસ્ટ મૂવ ઓન

Featured Books
Categories
Share

જસ્ટ મૂવ ઓન

3- જસ્ટ મૂવ ઓન

જાતમાં ભૂસકો મારવા,

ધોધ થાવું પડે છે પાણીને.

- ખલીલ ધનતેજવી.

‘ધ્રુવ તારું ધ્યાન ક્યાં છે આજે ? તું એકસેલની ફાઈલમાં વર્ડની ફાઈલનો ડેટા નાંખે છે ને વર્ડમાં ટેબલો દોરીને એકસેલનો ડેટા ! આર યુ ઓલ રાઈટ ડીઅર ?’ ધ્વનિએ ચિંતાતુર હાલતમાં ધ્રુવના કપાળે હાથ મૂકીને ચેક કર્યું. માથું તો ઠંડુ હતું પણ મગજ ગરમ હતું, અપસેટ હતું એ ક્લીઅર દેખાઈ આવતું હતું.

‘કંઈ નહીં ધ્વનિ, આજે ઓફિસેથી આવતાં સુનીલમામા સામા મળી ગયા અને મને ચાર વર્ષ પહેલાં એમણે મમ્મી – પપ્પા સાથે કરેલું વર્તન યાદ આવી ગયું. મમ્મીને એમના સગાં ભાઈ પોતાના એન આર આઈ હોવાની વાત યાદ કરાવી કરાવીને દરેક બાબતે નીચા બતાવવાનો – ઉતારી પાડવાનો પ્રયત્ન કરતાં હતાં. વર્ષો વીતી ગયા પણ આપણે આ ધોળીયાઓની માનસિક ગુલામીમાંથી આઝાદ નથી થઈ શક્યાં. ધાડ મારીને એ ત્યાં કામ શું કરતાં હતાં – હાઉસકીપીંગ- મોટેલમાં ગંદી – જૂની બેડશીટ બદલવાની, પાણીના જગ બદલવાના જેવા સાધારણ કામ. આપણને એમના એ કામ સામે કોઇ વાંધો નથી પણ એ અહીં આવીને આપણને દરેક બાબતમાં જે રીતે નાના બતાવે છે એની સામે વાંધો છે. આફટરઓલ આપણે જાતમહેનતથી આપણા પગ પર ઉભા થયા છીએ. થોડા વખતમાં આપણો બિઝનેસ ઇન્ટરનેશનલ લેવલે જશે. ત્યારે આ ફોરેન – બોરેન તો બહુ કોમન થઈ જશે આપણા માટે. વળી આપણામાંથી કોઇને ભારતમાં રહેવાનું દુઃખ ક્યાં છે ? આપણે તો અહીંઆ સુખ શાંતિથી રહીએ જ છીએ ને ! તો એમને આપણને આમ ટોણાં મારવાનો શું હક ? આફટરઓલ શું પ્રૂવ કરવું છે એમને એ જ નથી સમજાતું. સચ અ સીક મેન્ટાલીટી !’

‘ધ્રુવ, કૂલ ડીઅર. એમને જે પ્રૂવ કરવું હોય એ કરે , ધમપછાડા કરે આપણને શું ફર્ક પડે છે? હકીકત તો આપણને ખબર છે જ ને.એ એમના લેવલે વર્તન કરે આપણે આપણાં લેવલનું કરવાનું. ખાલી ખાલી આમ દુઃખી થઈને જીવ બાળવાનું અને પછી યોગા -પ્રાણાયામ અને જીમમાં વર્કઆઉટ કરવાનું ! વળી તું તો કહેતો હતો કે તું બધું ભૂલી ગયો છે. તેં એમને મનોમન માફ કરી દીધાં છે તો પછી આજે આમ અપસેટ કેમ ?”

‘ધ્વનિ, માફ કરી જ દીધા છે. મને એમના માટે પ્રેમ નથી તો નફરત પણ નથી. પણ ખબર નહીં એ સામે આવે ત્યારે મારાથી નોર્મલ બીહેવ નથી થઈ શકતું. હું ગુસ્સે નથી થતો તો એમની દરેક વાતમાં હા એ હા પણ નથી કરી શકતો. ખાલી ખાલી એમના મોટાપા પણ સહન નથી કરી શકતો.’

‘ધ્રુવ, જે વાત પતી ગઈ એ પતી ગઈ, ફરગેટ ઇટ. આજે એ લોકોને હકીકતનું ભાન થયું છે. આપણા વધતા જતાં મોભાની સમજ પણ આવી છે અને એના કારણે થોડા નરમ પણ થયાં છે. હવે પહેલાંની વાતો યાદ્ કરીને હેરાન થવાનો શું મતલબ ? ‘

‘પણ ધ્વનિ હું નથી સહન કરી શકતો એમના આ નાટકીય સંબંધો..’

‘ધ્રુવ ડીઅર, જે વાત પતી ગઈ એ ભૂલીને હવે આ નવા વર્ષે નવા સંબંધોની શરુઆત કરવાનો પ્રયત્ન કર. તને ના જ ફાવે તો એમને છોડીને આગળ વધી જા - ભૂલી જા- છુટો થઈ જા એ અણગમતા સંબંધથી...પણ એમનામાં આમ અટવાયેલો અટવાયેલો ના રહે..જસ્ટ મૂવ ઓન ડીઅર. હજુ તો બહુ બધી જીંદગી જોવાની, માણવાની, જીવવાની છે. આમ સુનીલમામામાં જ અટવાઈને જીવીશ તો ક્યાંથી એની મજા માણી શકીશ ? ખરેખર તો આ સંબંધને એક મક્ક્મ નિર્ણયથી સ્વીકાર કાંતો એના જે પણ પરિણામો આવે એ વિચારીને એની જવાબદારી ઉઠાવવાની તૈયારી સાથે પૂર્ણવિરામ મૂકી દે. આમ ત્રિશંકુ બનીને ના જીવ.’

‘હા ધ્વનિ,તું સાચું કહે છે. મારે આ બાબતે શાંતિથી વિચાર કરવો જ પડશે. એક સંબંધની જાળમાં ફસાઈને જીવ ના કાઢી દેવાય. હું એના બે ય પાસાઓ ઉપર શાંતિથી વિચાર કરીને તને કહું છું અને હા, જૂનું બધું ભૂલીને આગળ વધવાનો વાયદો કરું છું . યુ આર સચ અ સ્વીટહાર્ટ ‘ અને ધ્વનિને હૂંફાળા આલિંગનમાં બાંધી દીધી. ધ્વનિએ પણ પોતાનું માથું ધ્રુવના માથે મૂકીને સંતોષથી આંખો મીંચી દીધી.

અનબીટેબલ : નવા વર્ષે મનના ખૂણેખાંચરે ભરાયેલો બધો કૂડો કચરો સાફ કરીને મહાભિનિશ્ક્રમણ કરવું જ ઘટે – શુભેચ્છાઓ.