2 -
તમરાં અને આ આગિયાની એક્ધારી ફૂદડી,
શાની મચે છે ધૂમ આ અવકાશ કાળા મેશમાં !
કૈં વાયકાઓ સાથ ભેળી થાય દંતકથા અહીં,
ગઠરી બધી છોડે, ન ઓછું થાય કૈં લવલેશમાં.
-ધીરેન્દ્ર મહેતા.
‘આજની દુનિયા મેસેજીસમાં જ ઉઠે છે, મેસેજીસ સાથે જ બ્રેકફાસ્ટ – લંચ – ડીનર કરીને – ટીવીની સાથે મેસેજીસ જોતી જોતી જ રાતે મોબાઈલ કાન આગળ રાખીને સૂઈ જાય છે. ખરી છે !’
પીન્કીએ એનો એનરોઈડ ફોન સોફા પર ફેંકતા પ્રુથ્વી – એના સહકાર્યકર સમક્ષ પોતાની અકળામણ ઠાલવી.
‘શું થયું પીન્કી, આજે કેમ પારો આટલો ઉંચો ? વળી મેસેજીસમાં ખોટું શું છે ? આજની દુનિયામાં એણે આપણી લાઈફ ઉલ્ટાની સરળ બનાવી દીધી છે. ફ્રેન્ડસ, ગ્રુપ્સ એ બધામાં તો હું પણ મેસેજીસ કરું છું. આપણાં જર્નાલિઝમના ફિલ્ડમાં આ સુવિધા નજરઅંદાજ થાય એમ જ નથી.’
‘વાત એમ નથી પૃથ્વી. આખો દિવસ સુવિચારો, વધુ પડતા ઇમોશનલ અને અમુક તો બુધ્ધિનું સાવ જ દેવાળું ફૂંક્યું હોય એવા મેસેજીસ આવે જ રાખે, લાંબા લાંબા મતલબ વગરના વીડીઓ પણ મોક્લાયે રાખે જેને સાફ કરતાં મારો દિવસનો કલાક બગડે છે. આખો દિવસ તો આવા ડાહ્યાં ડાહ્યાં વિચારોથી ના જીવી શકાય ને ? હું કોઇ ફની કે ઈન્ટરસ્ટીંગ કે કોઇ પંચલાઈન જેવા મેસેજીસ જોવાની ઉત્સુકતાથી મોબાઈલ જોઉં ને ભલીવાર વિનાના સંદેશા જોવા મળે. જાણે કે અમે એકલાં જ આવા મેસેજીસ વાંચીને સમય બગાડીને હેરાન કેમ થઈએ ? લો તમે પણ ભેળા હેરાન થાવ, લેતાં જાવ.’
પ્રુથ્વી ખડખડાટ હસી પડ્યો. એણે ઇન્ટરકોમથી રિસેપ્શન પર બે કડક કોફી અને બિસ્કીટ્સ કેબિનમાં મોકલવાનું કહી પીન્કીને સામે પડેલો પાણીનો ગ્લાસ ધર્યો. પીન્કી એક જ શ્વાસે એ પી ગઈ.
‘હવે બોલ, એવો તો કયો ખતરનાક મેસેજ વાંચી કાઢ્યો આજે મેડમે ?’
‘તું પેલા ધ્વનિતીયાને તો ઓળખે છે ને ?’
‘હા, આપણી સાથે જર્નાલિઝમના ક્લાસમાં હતો એ જ ને – સૌથી કુલ એન્ડ ઇન્ટેલીજન્ટ ગાય ? ‘
‘હા, એ જ. એવા સ્માર્ટ ડ્યુડે આજે મને એક મેસેજ મોકલ્યો છે . હું તને ફોરવર્ડ નહીં કરું. જસ્ટ ટુંકાણમાં કહી દઉં છું.’
‘એક પ્રેગનન્ટ લેડી એની દીકરીને પૂછે છે- બેટા, તને શું જોઇએ – ભાઈ કે બેન ?’
‘ભાઈ’
‘કોના જેવો ?’
‘રાવણ જેવો’
‘શું, તું શું બકે છે તને કંઈ ભાન બાન છે કે ?’
‘ઓફકોર્સ મા, એણે એનું રાજપાટ એની બેનના સન્માન માટે છોડી દીધેલું. મારે એવા ભાઈની ઇચ્છા શું કામ ના કરવી જોઇએ? વળી એક અભણ ધોબીની વાત સાંભળીને સદા પોતાની પરછાઈ બનીને હસતા મુખે વનવાસ સહન કરેલ, પુષ્કળ તકલીફોમાંથી પાર થયેલી પ્રેગનન્ટ પતિવ્રતા પત્નીને છોડી દે છે, અગ્નિપરીક્ષા આપવા મજબૂર કરે છે એવા રામ જેવા માણસની સાથે કોણ રહી શકે કે એવા પુત્રની ખેવના પણ કઈ મા કરી શકે ?’
વાત સાંભળીને માતાની આંખો છ્લકાઈ ગઈ.
છેલ્લે વાર્તાનું તારણ કાઢવામાં આવેલું,’રીશ્તા વહી, સોચ નઈ!’
‘હવે બોલ પૃથ્વી, રામનો પર્યાય રાવણ ? રાવણ એક ભાઈ તરીકે સારો હતો તો રામ એનાથી પણ ઉત્તમ ભાઈ હતાં ને ... વળી માનવી ફક્ત ભાઈ જ હોય એવું થોડી હોય ? દરેક માનવી એક ભાઈ ઉપરાંત એક માનવી, પતિ, દોસ્ત,પુત્ર હોય છે. એ બધામાં તો રાવણ ફેઈલ હતો. સવાર સવારમાં લોકો લાંબુ વિચાર્યા વગર કોઇ જ મતલબ વગરના આવા મેસેજીસ ફોર્વર્ડ કરે જ રાખે છે અને સાથે સાથે એ મેસેજ આપણે બીજાઓને પણ ફોરવર્ડ કરીએ એવી સલાહ આપતાં હોય છે. મેસેજીસમાં પોતાના કોઇ જ વિચારો કે એક અક્ષરનું એડીટીંગ પણ નહીં. વિચારોનો કચરો નકરો! પોતાને સતત વ્યસ્ત અને દોસ્તોથી ઘેરાયેલી રાખવા મથતા, લેટેસ્ટ એપ્લીકેશન્સ વાપરી વાપરી મિત્ર-સગા સંબંધીના વર્તુળમાં પોતાની જાતને સુપરસ્માર્ટ ગણાવવાના ધખારામાં પોતાની સામાન્ય બુધ્ધિના નામનું તો સાવ નાહી જ નાંખે છે ને!’
આખીય વાત સાંભળીને પ્રૂથ્વીનું માથું પણ ભમી ગયું. એને થયું સવાર સવારમાં રામના પર્યાય તરીકે રાવણ જેવા ભાઈની પ્રાર્થના કરનારો મેસેજ એને વાંચવા મળે તો એની હાલત પણ કદાચ પીન્કી જેવી જ થાય.
અનબીટેબલ : દરેક માનવી પોતાના ગજા અનુસાર મૂર્ખા બનવાનું સ્વીકારતો હોય છે, જોકે એની પણ એક હદ હોય છે.