Baadpan no prem in Gujarati Short Stories by Sanjay Solanki books and stories PDF | બાળપણ નો પ્રેમ

Featured Books
Categories
Share

બાળપણ નો પ્રેમ

એક છોકરીએ મારો હાથ પકડ્યો અને મને ગુલાબ આપ્યું ! એણે કહ્યું, તને ખબર છે ને આનો મતલબ ? હું બોલું ત્યાં તો મમ્મીનો અવાજ આવ્યો, પાર્થ બેટા ઉઠી જા હવે, આઠ વાગ્યા ! મેં કહ્યું, હમમમમમ….! બાલ્કનીમાં બિલાડીઓ ઝઘડતી હતી અને નીચે બિચારા કુતરાઓ ટોળું વળીને ઉભા હતાં. આ દરરોજનું હતું. હું ઉઠ્યો અને તરત બાથરૂમમાં જઈને ફ્રેશ થયો. હું છું આળસુ પણ એકવાર પથારી માંથી ઉભા થયા બાદ જ્યાં સુધી તૈયાર ન થાઉં ત્યાં સુધી ચેન ન પડે ! મમ્મીનો પાછો અવાજ આવ્યો, બેટા પાર્થ તૈયાર થયો કે નહીં ? મેં કહ્યું, હા મમ્મી તૈયાર જ છું ! મમ્મીએ કહ્યું, તો જલ્દી આવીને નાસ્તો કરી લે ! આપણે આજે કવિતા માસીને ત્યાં પણ જવાનું છે. હું નાસ્તો કરતો હતો અને મારા પપ્પા મારી સામે જોઇ રહ્યા હતાં ! મેં કહ્યું, મમ્મી, પપ્પાને કે ને જ્યારે હું નાસ્તો કરતો હોઉં ત્યારે પેલા કૂતરા જાણે બિલાડીની સામે જુએ એમ મારી સામે ન જુએ ! પપ્પાએ કહ્યું, એ તારી સામે નહીં, તારા વાળની સામે જોઉં છું ! ક્યારે કપાવ્યા હતાં ? મેં કહ્યું, ત્રણ મહિનાથઈ ગયા ! પપ્પાએ કહ્યું, તો લાગે છે કે બેંગ્લોરમાં ત્રણ મહિનાથી બધા વાળંદોની હડતાળ છે ! મેં મમ્મીની સામે જોતા કહ્યું, મમ્મી પેલા થોડીક દાઢી રાખતો હતો તોય પપ્પાને પ્રોબ્લેમ હતો અને આજે થોડાંક વાળ સાથે પ્રોબ્લેમ છે ! મમ્મીએ કહ્યું, હવે તમારા બંનેના નાટક બંધ થઈ ગયા હોય તો હું કંઈ બોલું ? મમ્મીએ કહ્યું, આવતીકાલે કવિતા માસીની દીકરીની સગાઈ છે અને હજુ આપણે સુરતમાં જ છીએ ! મેં કહ્યું, મમ્મી હું કાર સાફ કરું અને ત્યાં સુધી તમે તૈયાર થઈને બહાર આવી જાઓ ! મમ્મીએ કહ્યું, મારો પાર્થ કેટલો ડાહ્યો છે ! આમ હું બહાર કાર સાફ કરવા માટે ગયો.

હું મૂળ સુરતનો અને છેલ્લા ચાર વર્ષથી બેંગ્લોરમાં પ્રોગ્રામર મેનેજર તરીકે એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરું છું. લાઈફમાં મારો કોઈ ગોલ નહીં પણ સારું એવું કમાવું છું એટલે એક જ કંપનીમાં સ્થિર હતો. પપ્પા બેગ લઈને બહાર આવ્યા અને મેં કારની ડિક્કીમાં બધા બેગ મુક્યા ! મમ્મી અને પપ્પા કારમાં બેઠા અને મેં કાર હંકારી ! પપ્પા કહેવા લાગ્યા, પાર્થ ધીમે ધીમે જવા દેજે. મેં ધ્યાન ન આપ્યું, સુરતની શેરીઓમાં કાર ચલાવવાની પણ એક અલગ જ મજા હતી. મીઠાઈની સુંગધ જાણે ફેફસામાં તાજી હવા ભરતી હતી, મેં કાર થોભાવી અને મમ્મીને કહ્યું, મમ્મી માસી માટે મીઠાઈ લીધી ? મમ્મીએ કહ્યું, હા બેટા, કાલે જ લીધી ! મેં કહ્યું, તોય હું મારા અમદાવાદના મિત્રો માટે લઈ લઉં. હું કાર માંથી ઉતર્યો અને તરત જ મીઠાઈની દુકાન પર ગયો અને કહ્યું, ઓ રમેશભાઈ કેમ છો ? રમેશભાઈ મીઠાઈની દુકાન પર વર્ષોથી કામ કરતાં હતાં. એમણે કહ્યું, કેમ છો પાર્થભાઈ ? મેં કહ્યું, એ બધુ છોડો, નેહા ક્યાં છે એ બોલો ? રમેશભાઈએ કહ્યું, નેહા અને એનો પરિવાર તો ગાંધીનગર જતો રહ્યો ! હું વિચારમાં પડી ગયો અને નિરાશ થઈને કહ્યું, સારું હવે બે કિલો મીઠાઈ આપો. હું મીઠાઈ લઇને કારમાં બેઠો.

હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે નેહાના પપ્પાએ મીઠાઈની દુકાન ખોલી હતી. હું અને નેહા સ્કૂલમાં સાથે ભણતાં હતાં ! નેહા મારી માટે દરરોજ મીઠાઈ લઈ આવતી અને અમે બધા મિત્રો સાથે મળીને મીઠાઈનો આનંદ માણતા ! બારમાં ધોરણના વેકેશનમાં નેહાએ મારા માટે એક પત્ર લખેલો અને એ પત્રમાં નેહાએ મારા માટે એની લાગણીઓ વ્યક્ત કરી હતી ! નેહા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી, આથી તે આગળ ભણવા અમદાવાદ જતી રહી અને આજે પણ એ પત્ર મારી પાસે છે ! હું જ્યારે પણ સુરત આવું ત્યારે મીઠાઈના બહાને આ દુકાન પર આવીને રમેશભાઈ સાથે વાત કરું ! પપ્પાએ કહ્યું, અમદાવાદ પહોંચીને પહેલા તારે વાળ કપાવજે. હું બોલ્યો, મમ્મી….! મમ્મીએ કહ્યું, તમે ઘરે આ વાત કરો તો બરાબર પણ અહીંયા તો પાર્થને છોડો. સેટેલાઇટમાં મારા માસીનું ઘર હતું અને અમે ત્યાં પહોંચ્યા. માસીએ દરવાજો ખોલતાં જ કહ્યું, અરે મારો પાર્થ આટલો મોટો થઈ ગયો ! હું કંઈ ન બોલ્યો અને ઘર માંથી માસીની છોકરી અવની આવીને મને ભેટી પડી ! અવનીએ કહ્યું, ભાઈ બહુ ટાઈમે આવ્યો હો ! મારે કોઈ સગી બહેન નહોતી અને અવનીને કોઈ સગો ભાઈ નહોતો, એટલે હું અને અવની સગા ભાઈ-બહેનની માફક જ ઝઘડતા ! મેં અવનીને કહ્યુ, આજે તો મારે તારા હાથનું જ જમવું છે. અવનીએ કહ્યુ, અત્યારે નહી સાંજે બનાવીશ ! મેં કહ્યુ, સારું. બપોરે જમ્યા બાદ અવનીએ કહ્યુ, નેહા સાથે કોઈ કોન્ટેકટ થયો કે નહીં ? હું નિરાશા સાથે બોલ્યો, ના…!અવનીએ કહ્યુ, ભાઈ તને એક મસ્ત વાત કહું ? મે કહ્યુ, હા બોલ. અવનીએ કહ્યુ, આજે તને ખબર પડી જશે. મે કહ્યુ, હા, હશે !

મેં કહ્યુ, મમ્મી હું થોડીવાર માટે સુઈ જવું છું ! મમ્મીએ કહ્યુ, સારું બેટા. હું બે કલાક સુધી સૂતો. હું જેવો ઉઠ્યો અને ત્યારે અવનીએ કહ્યુ, ભાઈ મારે પાર્લર જવું છું તો તું કાર લઇને મારી સાથે આવીશ ? મેં કહ્યુ, એમાં થોડી પૂછવાનું હોય ? હું અવની સાથે પાર્લરમાં ગયો અને જ્યારે આવ્યો ત્યારે રાત થઈ ચૂકી હતી. અવનીની કેટલીક ફ્રેન્ડ્સ ઘરે આવી હતી અને તેમાંથી એક છોકરીએ કહ્યુ, તમે જ પાર્થ છો ને ? મેં કહ્યુ, હા, પણ તમે ! એ છોકરીએ કહ્યુ, ઉપરના રૂમમાં કોઈ તમને બોલાવતું હતું ! મેં કહ્યુ, સારું. હું વિચારતો જ હતો કે મમ્મી મને સગાઈ માટે પાછી કોઈક છોકરી બતાવશે અને શિખામણ આપશે. હું બુમો પાડતો પાડતો ગયો, મમ્મી…મમ્મી…!ઉપરનો એક બેડરૂમ ખુલ્લો હતો અને એ રૂમ હંમેશા બંધ જ રહેતો અને આજે એ રૂમને ખુલ્લો જોઈને હું થોડો વિચારમાં પડી ગયો ! હું એ રૂમ તરફ આગળ વધ્યો, રૂમમાં મને દૂરથી કોઈ દેખાતું નહોતું. હું રૂમની અંદર ગયો અને ત્યારે જ કોઈકે અચાનક રૂમનો દરવાજો બંધ કરી દીધો ! હું જેવો પાછળ ફરીને જોઉં ત્યાં તો કોઈકના હાથ મારા મોઢા પર આવીને ચોંટી ગયા ! હું થોડી ડરી ગયો પણ આ હાથની સુંગધ અને પકડ જાણીતી લાગતી હતી ! મેં ધીમેથી હાથ હટાવ્યા અને કહ્યુ, તું નેહા જ હોઈ શકે અથવા નેહા તારું ભૂત હોઈ શકે ! ત્યારે જ એક મધુરો અવાજ આવ્યો, પાર્થ તું મને હજુ નથી ભુલ્યો ! જાણે કોઈ દઝાડીને ટાઢક આપે એવો જ મને અહેસાસ થતો હતો. નેહા મારી તરફ ફરી અને એની આંખ આંસુથી ભરેલી હતી અને એ બોલી, ગાંડા તને હજી એટલો જ પ્રેમ કરું છું. તારી મેં કેટલી રાહ જોઈ એની તને ખબર પણ છે ? મેં કહ્યુ, હું તારી પાછળ કેટલો ભાગ્યો એની તને પણ ખબર નહી હોય ! હું એકદમ શાંત થઈ ગયો હતો અને હું અને નેહા બન્ને મૌન હતાં.

અવનીનો મેસેજ આવ્યો, હવે આ રૂમ સવારે પાંચ વાગ્યે જ ખુલશે ! હું ચોંકી ગયો અને ત્યારે જ બીજો મેસેજ આવ્યો, મેં માસીને એમ કીધુ છે કે પાર્થ એના મિત્રની ઘરે ગયો છે અને એ સવારે આવશે ! મે નેહાને કહ્યું, આ તારો જ પ્લાન છે ને ? નેહાએ કહ્યુ, અવની અને મારો બન્નેનો ! મેં કહ્યુ, યાર તું હજી બદલાઈ નથી અને પહેલા જેવા જ નાટકો કરે છે અને મારી બેનનું તારે ન માનવાનું હોય, આમ હું ચિંતામાં નેહા સામે બોલતો હતો અને નેહા અચાનક મારી નજીક આવી અને મને બાથ ભરી લીધી ! હું કુવાના પાણીની જેમ શાંત થઈ ગયો. વર્ષોથી બળતું હૈયું જાણે આજે શાંત થયું હોય એવો અહેસાસ થતો હતો. નેહાએ કહ્યુ, પાર્થ શાંત રે…! નેહાએ બાલ્કનીનો દરવાજો ખોલ્યો અને લાઈટ ઑફ કરી દીધી. બાલ્કનીમાં એક સોફો હતો, હું અને નેહા એ સોફા પર બેઠા. અમે કંઈ ન બોલ્યા, શાંત વાતાવરણમાં ચંદ્રની શીતળતામાં નેહાએ પોતાનું માથું મારા ખભા પર ધર્યું ! બન્ને શાંત હતાં.

નેહાને કહ્યું, હવે હું તને ક્યાંય નહીં જવા દઉં. નેહાએ સ્મિત આપ્યું અને એના સ્મિતને જોઈને હું મારી જાતને રોકી ન શક્યો અને નેહાને ભેટી પડ્યો ! નેહાએ મને જકડી રાખ્યો હતો, હું કંઈ જ ન બોલ્યો. અમે એકબીજાનો હાથ પકડીને બેઠા અને થોડીવાર બાદ નેહા બોલી, પાર્થ, પાંચ વાગી ગયા છે ! અમારો પ્રેમ સમયની સીમા પણ પાર કરી ગયો હોય એવું લાગતું હતું ! મેં અવનીને મેસેજ કર્યો અને અવનીએ આવીને દરવાજો ખોલ્યો, હું નીચે ગયો અને ફટાફટ તૈયાર થઈ ગયો ! નેહા મારા રૂમમાં આવી અને કહ્યું, પાર્થ તારી માટે કપડાં લાવી છું, જો તું પહેરીને બહેનની સગાઈમાં આવીશ તો મને ગમશે. હું તૈયાર થઈને નીચે ગયો અને મમ્મીએ કહ્યું, બેટા આ નવા કપડાં ક્યાંથી લાવ્યો ? હું કંઈ બોલું એ પહેલા નેહા આવીને બોલી, મેં લઈ આપ્યા છે આંટી ! મમ્મી નેહાને એક મિનિટ સુધી તો જોઈ રહી અને કહ્યું,

અરે..નેહા…તું અહીંયા ! પપ્પા અને મમ્મી બંને નેહાને જોઈને ખુશ હતાં અને મેં પણ હિંમત કરીને મમ્મી-પપ્પાને કહ્યું, મમ્મી, પપ્પા, મને આ છોકરી ગમે છે ! મમ્મીએ કહ્યું, બેટા સાચે ? પપ્પા કંઈ જ ન બોલ્યા અને નેહાએ કહ્યું, પણ મારા ઘરના લોકોને તમારે જ મનાવવા પડશે ! ત્યારે પપ્પાએ કહ્યું, એ મનનિયો શેનો ના માને ! મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયા અને હું મમ્મીને ભેટી પડ્યો. મમ્મીએ કહ્યું, બેટા તું ખુશ છે, એજ અમારી સૌથી મોટી ખુશી છે, અમે દરરોજ ભગવાનની નેહા કરીએ છીએ અને ભગવાને સાક્ષાત નેહા જ આપી દીધી !

જીવનમાં સૌથી મોટી સમસ્યાનું સમાધાન થયાનો આનંદ હતો અને અવનીની સગાઈ પણ એના પસંદના છોકરા સાથે થવાની હતી, એનો પણ રાજીપો હતો. સગાઈ ચાલુ થઈ અને નેહાએ મને કોણી મારીને કહ્યું, એક વાત પૂછું ? તે તારા મિત્રોને મીઠાઈ આપી કે નહીં ! હું આશ્ચર્યમાં મુકાઈ ગયો અને મેં કહ્યું, તને ક્યાંથી ખબર ? નેહાએ કહ્યું, મને તો રમેશભાઈએ કહ્યુ..! હું મનમાં બોલ્યો, ઓહહ…રમેશભાઈ તો તમે ખલનાયક હતાં, હવે તમારો વારો !

***