આજે ફરી એ આવી લંગડાતા પગે ..માંડ માંડ ચાલી શકતી હતી ને છતાં કામ પર આવવું એટલું જ જરૂરી ..નામ ભલે જીવી હતું પણ આ જીવીનાં જીવડાને જીવવામાં કેટલી તકલીફ પડતી હતી એ આડોશપાડોશમાં કોઈનાંથી અજાણ નહોતું હા ..નહોતી જાણતી તેની શેઠાણી ..!! બસ હુકમ આપવા સિવાયની એક પણ વાત આ નવી શેઠાણીના પલ્લે પડતી જ નહોતી. “ અલી એ ય ક્યાં મરી ગઈ ..? આ બાબાસાહેબનું દૂધ લાવ જલ્દી ..!!! નહાવાનું પાણી તૈયાર કર ....જો બાબાની પથારી ભીની થઈ લાગે છે ...જલ્દી બદલી નાખ અને પાછું બધુ ધોઈને તડકે સુકવજે ....! ઉભા થતા કમરમાં સટાકો તો બોલ્યો ને માથામાં સણકો પણ બોલ્યો ..!! આ તે કેવી માયાજાળ મારા રામ ?? મનમાં ને મનમાં જ માંડી ફરિયાદ ..મોઢે તો ક્યાં બોલવાપણું હતું .?? શું આમ જ જીંદગી જશે ?? આગળ કઇં જ નહિ ...?? ઘરકામ કરવાની વાતે અહીં કામ કરવા રહી હતી પણ લાગે છે કે હવે તો આ બાબાસાહેબની સેવા કરવામાં જ જન્મારો જશે ..!!! બાબાસાહેબની સંભાળ માટે રખાયેલી કામવાળી તો શેઠાણીનાં ત્રાસે ભાગી ગઈ પણ એ ક્યાંય ભાગી શકે તેમ છે જ નહીં એને તો આખો દિવસ બસ આ શેઠાણીનો રૂવાબ જ સાંભળવાનો જ રહ્યો ... બસ આ ફરિયાદને દાદ મળવાની જ નથી તે યાદ આવતા જ આ મનમાં માંડેલી ફરિયાદ પણ બંધ થઇ . મગજના દરવાજાને ફટાફટ તાળું મારી , દુખતા પગની પીડા ,કમરની પીડાને રામ રામ કરીને શેઠાણીનાં આડાઊભા ફેલાયેલા શરીરની જેમ જ ફેલાયેલા એના રાજનાં કામકાજમાં મદદ કરવા લાગી ગઈ. એમ ને એમ જ રોજની જેમ જ સાંજ પડી ગઈ.
આથમતા સુરજનાં સથવારે ઘર ભણી ચાલવાનું શરુ કર્યું ... રોજનાં રસ્તાએ ઓળખાણ રાખી છે ને એના પગ સાથે દોસ્તી પણ ,એટલે પગને પગનું કામ કરવા દઈને એ ઉપડી એની રોજની સફરમાં ..... એને યાદ આવી તેને ગામડે ઉગતા સુરજની !!! એ સ્મરણના જોરે રોજની માફક રસ્તો જલ્દી કપાવવા લાગ્યો ... ભૂતકાળમાં ઉગેલા સુરજના લીધેલા ઓવારણા યાદ આવ્યા ને સાથે યાદ આવી વહેતી નદી ..તૂટેલો ઘાટ ...કપડા સાથે ઘસાઈને લીસા થયેલા છીપરા ....ધોકાનો ધબ ધબ અવાજ ..વીરડા ઉલેચતી પનીહારીઓ ને છબછબીયા બોલાવતા નાનકાઓ ... નદીનાં કિનારે આથમતી સાંજ ..મંદિરની ઝાલર પછી ફરી વળતાં અંધારાની સાથે જ તેની સાથમાં રહેતું અજવાળું ....એ અજવાસનાં જોરે કપાતા સાવકી મા નાં ત્રાસ ને જીવવાનું મળતું બહાનું ....ઓહો ...શું દિવસો હતા !!! એ દિવસોની યાદ જાણે આખા શરીરમાં ફરી વળી .. ને ચાલ ઉતાવળી થઇ ગઈ , ઘર ઝડપથી આવી ગયું. ઘર તો એ જેમ મૂકીને ગઈ હતી એવું ને એવું જ ઊભું રાહ જોઈ રહ્યું હતું . શંકર હજુ આવ્યો નથી લાગતો ??? સ્વગત બબડી પણ અંદરખાને એક જાણીતો ભય ઘેરી વળ્યો ..પણ શું થાય હવે ? આ ફરિયાદ તો ઈશ્વર સાંભળવાનું જ ભૂલી ગયો છે ને એ થાકીને હવે ઈશ્વરને કહેવાનું પણ ભૂલી ગઈ છે ....આગળ પાછળ પણ કોઈ ક્યાં આપ્યું છે !!!! દર વર્ષે આજુ બાજુની પાકી ઝુંપડીઓમાંથી આવતો ઉંવા ઉંવાનો અવાજ હવે એને કોઠે પડી ગયો છે. હવે ઉદરમાં કઈ ફરફરતું નથી એ વિચારે લાય નથી લાગતી , દર મહિને ધોવાતા લોહીને જોઈને એને અરેરાટી નથી થતી ....ઊલ્ટાની ટાઢક વળે છે કે, શંકરના ઘરમાં એક જ જીવને દુઃખી થવાનો અધિકાર છે અને તેનું નામ જીવી છે. કોણ જાણે શું જોઈને નામ રાખ્યું હશે મારા બાપાએ ..!!! ‘ જીવી ‘ જેના ખુદનાં જીવવાનાં ઢંગધડા નથી . વળી શંકર યાદ આવ્યો ..કોણ જાણે ક્યાં ગયો હશે આજે ..??? કોણ એને ઘર સુધી પહોંચાડશે આજે ..?? સાવ ભાનમાં જ ન હોય તો સારું ..અડધોપડધો ભાનમાં હશે તો વળી કાલની જેમ મૂવો પેલા ખાશે પછી મારશે ને પછી પગની પાનીથી લઇને સુકા હોઠ ને સુજી ગયેલી આંખ સુધી વાસ મારતા મોઢે ચાટશે . તે હે !! એને મારા ખારા આંસુ કેમ ભાવતા હશે ?? અને હું યે મૂઈ પાછી , એને જે ભાવે એ ખાવા દઉં છું ને પાછી પીવા પણ દઉં છું . હા બે દિવસ પહેલા વિચારતી હતી ને કે રાતે જો તેને રોટલો અને મારો ખાટલો ન આપું તો થઇ થઇને શું થશે ?? એ વિચાર મારો રોયો પામી ગયો લાગે છે . કાલે રાતે તો સોથ બોલાવી દીધી હતી ...પંડની એ ભોગવેલી પીડાના સણકાએ પાછા એના રૂંવાડા ઊભા કરી દીધા .....એ ‘વિચાર’ તો મારા મનમાં ભૂલે ચુકે પણ ન આવવો જોઈએ હો ....બબડીને પાછુ મનના બારણાંને ‘ખાલી’ આગળીયો મારી દીધો ..ખાલી એટલા માટે કે વળી મધરાતે એ ખોલવો પડશે ને !!!! નહીં તો રાત કેમ જશે ..?? ત્યાં જ ચૂલાનાં ધુમાડાની અસર આંખ પર થઈ ને પાછી વિચારોના વમળમાંથી બહાર આવી . અરે રે !! આ ચુલાને શું થયું છે કાં સળગે નહિ ? કેરોસીનમાં બોળેલો ગાભો નાખ્યો ને એકાદ લાકડું ઠૂસ્યું ત્યારે માંડ માંડ ચૂલો સળગ્યો , હવે સાથે મારી અંદરની બુજાયેલી આગ પણ સાથે સળગશે. ઝટ ઝટ બાજરીનો લોટ કાઢ્યો ને ફરી પાછું યાદ આવ્યું .........રોજની જેમ રોટલાના ટપાકા પાછી મને એ લીલોતરા ખેતરમાં મોકલશે ..પાછું એ ખેતરમાં પાણી વાળતા વાળતા મનુડાએ વાળેલું મારું રૂદિયું યાદ આવશે ... ત્રાસી આંખ કરીને ભેગી થયેલી નજર ક્યારે આંખોમાં આંખો નાખીને સીધું જ જોતી થઈ ગઈ એનું ભાન તો ક્યાં રહ્યું હતું ? વડલાની છાયામાં પકડેલો હાથ પછી ગાલે પહોંચ્યો ને પાછી ગળે ,ખેતરની કોરી માટીને બે શરીરોનાં પરસેવાથી ભીંજવેલ ..એ સુગંધીદાર ગંધ યાદ આવશે ..આખા શરીરમાં ફરી વળેલી એ સુગંધને નવ મહિના સુધી સાચવીને મા કોણ જાણે મામાને ગામથી ક્યાં મૂકી આવી હશે ..??? બસ એક અણસાર યાદ રહ્યો છે ડાબી કમર પર રહેલું લાખું ...બસ એ જ ....! ફરી ભૂતકાળની ભૂતાવળ નાચવા લાગી ...એક વાર પરસેવાથી ભીંજાયેલી માટી વારેઘડીએ ભીંજાવાનું વેન કરવા લાગી ...એ ભીંજાયેલી માટીમાં કોટા ફૂટયા અને એ મનુડાએ ધારિયું લઈને ત્યાં જ વાઢી નાખવાનું નક્કી કર્યું પણ એ આડી ઉતરી એ કૂંપળને વઢાવા ન દીધી .મનુડો તો ધારિયું અને કૂંપળને ત્યાં જ મૂકીને ભાગ્યો ...ક્યાં ગયો એ કોઈને ખબર ન રહી ..........જો આજે ફરી એક વાર મનના દરવાજા એવા ખુલ્યા કે બંધ થવાનું નામ નથી લેતા ..આજે શંકર આવ્યો ને પડ્યા ભેગો પડ્યો જ રહ્યો ને જો રાત ‘મનુડા ‘ની સાથે ગુજારવી પડશે તો ...?? એના ઘા તો પાછા શંકરીઆથી પણ આકરા ..... ક્યાં સુધી આ તાપને જીરવ્યા કરવાનો છે ? ક્યાં સુધી તનની તોડને મનની જોડ સાથેની ઝીંક જીલવાની છે ....!!! કોઈ રાતે હાડચામનાં દેહને શંકરને સોંપવો તો કોઈ રાતે આ મનનાં દેહ ઉપર મનુડાંનો કબ્જો હોય છે ...!!! આવા વિચારો સાથે આમ જ સવાર પડી .
એ રાતે શંકર ‘અડધો’ ભાનમાં હતો ને સવારે એને ઉઠાડીને એની સરભરા કરીને માંડ માંડ પહોંચી શેઠાણીને ઘેર .. દર બે ત્રણ મહિને છૂટતા કામને એ પોતાની નીતિથી બાંધી રાખવા શક્તિમાન ન હતી કારણ કે .....એ શંકરની પાર્વતી નહીં જીવી હતી જીવી .....અપમાન સહન કરીને પણ ભીખની જેમ કામ માંગવુ પડતું ને ભાઈસાબ બાપા કરવા પડતાં ... તો ક્યાંક પગારમાં બાંધછોડ કરવી પડતી ને ક્યારેક કેટલીયે લોલુપ નજરોનો સામનો કરવો પડતો ... શંકરે મારેલા મારનાં નિશાન છુપાવવા એને સાડીનો આખો પાલવ વીંટી રાખવાની ટેવ પડી ગઈ હતી ને આ પાલવ વીંટવાની ટેવે , તેને કેટલીયે વખત બચાવી હતી .બસ આ એક જ બાબતે જીવી , શંકરનો ‘આભાર ‘ માનતી હતી .........સઘળા વિચારોનો ઘા કરીને ભાંગેલા પગે ઘરના દરવાજે જ્યાં પહોંચે છે ત્યાં જ સામે બે વર્ષના બાબાસાહેબ દેખાય છે . જેની સરભરા હવેથી એના ભાગે આવવાની છે . .. ..શેઠાણી બેઠા બેઠા એના ઉઘાડા ડીલને માલીશ કરે છે જીવી જઈને ત્યાં ઊભી રહી જાય છે .....શેઠાણી , જ્યાં બાબાસાહેબને ઉંધા ફેરવે છે ને ત્યાં જ ડાબી કમર પર રહેલું એ ‘લાખું ‘દેખાય છે ને બસ , હવે જીવીમાં જોમભેર જીવવાની તાકાત આવી જાય છે.