Patelni Prernapothi-2 in Gujarati Motivational Stories by Murtaza Patel books and stories PDF | પટેલની પ્રેરણાપોથી -૨

Featured Books
Categories
Share

પટેલની પ્રેરણાપોથી -૨


  • “ જેમ લગભગ દરરોજ આપણા શરીરને રિફ્રેશ થવા માટે નહાવું જરૂરી હોય છે, તેમ મગજને નવડાવવા વાંચન જરૂરી હોય છે. અને મનને ધવડાવવા ‘સુપર્બ સુવાક્યોની’.

    અહીં ‘સુપર્બ’ શબ્દનો ઉપયોગ એટલા માટે કર્યો કે લગભગ ૮૦% ‘સુવાક્યો’ માત્ર માહિતગાર કરવા/થવા જ લખાયા હોય છે. જ્યારે બાકીના ૨૦%માંથી જે જ્ઞાન મળે છે તેનાથી (બોર્નવિટા કરતા પણ વધારે) ‘મનકી શક્તિ, તનકી શક્તિ’ મળતી હોય છે. આવું મને મારી વર્ષોની કેરિયરના સંઘર્ષનાં દિવસોમાંથી જાણવા મળ્યું છે.

    આજે ખુલ્લંખુલ્લા મોંથી કહી શકું છું કે આખા પુસ્તકનાં વાંચન કરતા પણ તેમાં રહેલાં કેટલાંક ક્વોટસથી મને વધુ વાંચન અને લખવાની ‘પ્રેરણા’ મળતી રહી છે. એટલે જ સ્તો ‘હમારા બજાજ’ જેવી ક્લાસિક વિશ્વસનીયતાને ધોરણે કેરિયર અને ધંધો મજ્જાનો ચાલતો રહ્યો છે.

    અને એમાંથી આ પટેલની ‘પ્રેરણાપોથી’ની જન્મ થયો છે. આ પ્રેરણાપોથીનો પહેલો ભાગ આપ લોકોમાંથી ઘણાંએ વાંચ્યો હશે. (અને ન વંચાયો હોય તો સાથે જ આ એપમાં અત્યારે જ ડાઉનલોડ કરી બેવડા બન્યા વિના બેવડો લાભ ઉઠાવી લેજો.)

    દોસ્તો, શક્ય છે કે અંદર સમાયેલાં સૂત્રો, વાર્તા/ ઘટના કેટલાંકને થોડાંક ગમશે ને કેટલાંક ને “વાહ ! આ તો બહુઅચ્ચ મસ્ત છે, હોં યાર!!!!” જેવું બોલવા માટે ધક્કો મારશે. જેવી જેની અસર. પણ મને એટલું જ કહેવું છે કે, એમાંથી તમને જે ડહાપણ મળે એનો ઉપયોગ તમે તમારી પર્સનલ લાઈફ કે પ્રોફેશનલ કેરિયરમાં કરી ‘વિકાસ’ નામનું બાળક અવતારશો તો મનેય ગમશે.

    હવે જો તમને એમાંથી જે કાંઈ ગમ્યું કે ન ગમ્યું હોય તો બિન્દાસ્ત મને નીચે મૂકેલાં સંપર્કસૂત્ર પર ટહુકારજો. તો સમયાંતરે બીજાં અવનવાં પટેલ-બ્રાંડેડ સૂત્રો પબ્લિશ કરવાની પ્રેરણા મને પણ મળતી રહેશે.

    તમારો નેટ-ખટ દોસ્ત અને મિસર નિવાસી

    મુર્તઝા પટેલનાં સલામ.

    સંપર્કસૂત્ર:

    ફેસબૂક પર:

    ટ્વિટર પર:

    વોટ્સએપ પર: +20 122 2595233

    “બાળકને ચોરી કરતા શીખવજો...

    “અબ્બાજાન, આ નાનકડો તકિયો કેટલો સોફ્ટ અને ફાઈન છે, ને? જો આપણે ઘરે લઇ જઈએ તો હું તો દરરોજ એના પર જ માથું મુકીને સુઈ જાઉં.”

    – પ્લેનની એક સફર દરમિયાન મારા નાનકડા દિકરાએ મને આવા એક લલચામણા સવાલ સાથે ઈમોશનલ ઓફર મૂકી.

    “અબ્બાજાન, જલ્દી કરો ને. થોડીવારમાં તો આપણે લેન્ડિંગ કરીશું. પછી પેલા આંટી આવશે તો તકિયો પાછો લઇ જાશે અને આપણને લેવા નહિ મળે. ચલો લઇ લો !..............ઓકે હું લઇ લઉં?. પછી તમે એને આપણી હેન્ડબેગમાં મૂકી દેજો. કોઈને ખબર નહિ પડે.”

    – દિકરાની એ ખુશી તો જાણે મારા માટે લાકિંમતી હતી. એટલે જ પ્લેનની સીટ પર રહેલા એ નાનકડા અને સોફ્ટ તકીયામાં અમારા બંનેનું દિલ અને મગજ ભરાઈ ગયા હતાં. પણ એક તરફ લેવાની (કે ચોરવાની?) નાનકડી લાલચ અને બીજી તરફ એક માસૂમની માંગણી વચ્ચે અજીબ કશ્મકશ રચાઈ. - એમાં આખરે જીત્યું કોણ?

    “મારા પ્યારા બચ્ચા! આવો જ મજ્જાનો તકિયો તારા માટે હું દુકાનેથી ખરીદીને લાવી આપીશ. પણ જો આજે આ તકિયો આ રીતે પૂછ્યા વગર (ચોરી કરીને) લઇ જઈશું તો કદાચ તને સુવામાં મજા આવશે. પણ એ જોઈ મને ઊંઘ નહિ આવે. કેમ કે તેના પર મને દરરોજ એવું વંચાશે: ‘ચોરેલો તકિયો.’ – હવે તું જ બોલ કે તારા અબ્બાજાન સુઈ નહિ શકે તો તને ગમશે?”

    “નહિ અબ્બા.....”- જવાબથી દિકરાએ મારા ગાલ ભીના કરી દીધા. આંસુઓથી નહિ પણ તેની નાનકડી અને સોફ્ટ કિસથી....

    માસૂમ મોરલો:

    “બાળકને ચોરી કરતા શીખવજો. યેસ! વસ્તુઓની નહીં, પણ ઈન્સાનના દિલોની. પછી જુઓ કશાયની ખોટ નહિ પડે.”

    મૈ ખેલેગા !”

    દિવસ: ૧૪મી ડિસેમ્બર, ૧૯૮૯. સિયાલકોટના જિન્નાહ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ચોથી ટેસ્ટમેચની બીજી ઇનિંગનો પાંચમો દિવસ ચાલી રહ્યો છે.

    કેપ્ટન ઇમરાનખાન કોઈપણ ભોગે આ મેચ જીતવા માંગે છે. પીચ બાઉન્સર બની છે, અને બોલ ઊંચા ટપ્પા પાડી રહી છે. આ જોઈ એ તેના બે યોદ્ધાઓ વસીમ અક્રમ અને વકાર યુનુસને ઓર્ડર આપે છે. “જિસ તરહસે ઘાંસ કાટતે હૈ, ઉસી તરહસે બોલસે આજ ઉનકી ગરદન કાટ દો.”-

    બેઉના કાતિલ ૧૬૦-૧૭૦ની સ્પિડવાળા બોલ્સથી... શ્રીકાંત, માંજરેકર, અઝહરુદ્દીન અને રવિ શાસ્ત્રી ૩-૩-૪-૦ રન કરી રણછોડ બની ચુક્યા છે, ને સ્થિતિ મરણતોલ બની છે. પાંચમી વિકેટ માટે હવે નવજોત સિદ્ધુને સાથ આપવા ૧૬ વર્ષનો લબરમૂછિયો છોકરો મેદાનમાં ઉતરે છે.

    પહેલો બોલ...બાઉન્સર. ને બીજો હજુયે વધુ સુપર બાઉન્સર બની એ છોકરાને ડરાવી રહ્યો છે. ત્રીજો બોલ તો મેગા બાઉન્સર બની આવે છે, ને....આઆઆઆઆહ! એ છોકરાની હેલ્મેટની જાળીને તોડી સીધો નાક પર હૂમલો કરે છે.

    સેકન્ડ્સમાં એ છોકરાનું સફેદ ટી-શર્ટ છાતી આગળ લોહીથી લાલ બને છે. એ ઢળી પડે છે. નોન-સ્ટ્રાઇકર સિદ્ધુને લાગે છે કે....‘યેહ સાલે ઇસ છોટે બચ્ચેકી ભી જાન લેકર છોડેંગે.’

    - પળવારમાં તો ટિમ-ડોક્ટર અલી ઈરાની સારવાર-બેગ સાથે દોડતા આવે છે. પણ તેમને ત્યાં જ.... “સ્ટ્રેચર લાઓઓઓઓઓઓ”......ની સરદારી ચીસ સંભળાય છે.

    બેહોશ જેવા થઇ સુતેલા એ છોકરાના આંસુઓ વહેલા લોહીમાં ભળી ગયા છે. એ અંદરોઅંદર રડી તો રહ્યો છે, પણ...સ્ટ્રેચરને જોઈ એ એક ડાયલોગ બોલે છે....

    “મૈ ખેલેગા......અલી, મૈ ખેલેગા.” - તેની આસપાસ ઉભા રહી ખેલ જોનાર સૌને એ છોકરામાં હવે દર્દ નહિ.....પણ એક મર્દ દેખાઈ રહ્યો છે.

    છોકરો...કળ વળતા ‘વકાર’ (માન-ઈજ્જત) સાથે ઉભો થાય છે. અને નેક્સ્ટ બોલમાં વકારના એ ઝંઝાવાતી બોલ પર ચોક્કો મારે છે. આદત મુજબ એ લિટલ-માસ્ટર તેનું બેટ એની સામે ધરી નવો પડકાર આપે છે. ને પછી વકારી-અક્રમી બોલ્સ પર ૫૭ રન બનાવી મેચને ડ્રોમાં ફેરવી દે છે.

    મેદાની માર ખાઈ જન્મેલા એ સ્વિટ સિક્સ’ટીન’ને આપણે નામ ખાતર સચિન કહીએ છીએ. બાકી એ છોકરાના પિતાને આખી દુનિયા કહી રહી છે કે “રમેશબાબુ, ઇસ છોટેસે છોકરેકી કિંમત આપ જો ભી જાનો!!!!- હમારે લીયે તો વોહ ક્રિકેટકા ભગવાન હૈ. ક્યોંકી....ભગવાન હી તો.........હંમેશા ખેલતા રહેતા હૈ.”

    ‘મેચિંગ’ મોરલો: “ક્ષણ કોઈ ભી હો, કૈસી ભી હો..........કહો: મૈ ખેલેગા !”

    માનવતાનો રંગ કેવો હોય?

    હાથમાં લાકિંમતી લેધર-હેન્ડબેગ, બોડી પર પ્રિશિયસ પરફ્યુમ, ચેહરા પર વિવિધ મેકઅપનો થપેડો લઇ એ ભરાવદાર પ્રૌઢા બાઈ તેના બોર્ડીંગપાસ પર લખેલા નંબર મુજબ પ્લેનની સીટ પાસે આવી ગઈ.

    “વોટ?!?!?! મને આવા એક હબશી પાસે બેસવાનું?” – બોલતા જ એ બાઈના મગજમાં ક્યાંકથી ભરાયેલો ગુસ્સો પણ આ સાથે આ રીતે અચાનક બહાર દેખાઈ ગયો. ત્યાં હાજર રહેલાં સૌ કોઈ સ્તબ્ધ.

    “હું મારી સફર આવા કાળિયા પાસે બેસી ગુજારવા નથી માંગતી. પ્લિઝ મને કોઈક બીજી જગ્યા આપી દો.”- તેની આવી બૂમ સાથે એર-હોસ્ટેસ પણ હવે ત્યાં આવી ગઈ અને વિફરેલ બાઈને શાંત પાડવા લાગી. પણ ગુસ્સાનો પારો આ બેલગામ ઇંગ્લિશ બેગમ પારા પર વધતો ચાલ્યો.

    “મેમ ! આમ તો અહીં ઈકોનોમી ક્લાસની બધી જ સીટ્સ બૂક થઇ ચુકી છે. અને અત્યારે કોઈપણ પોતાની સીટ બદલવા તૈયાર નથી. હા! ફર્સ્ટ-ક્લાસની માત્ર એક સીટ ખાલી છે. જો એ અમે મેનેજ કરવાની કોશિશ કરી શકીએ. પણ એ માટે અમને અમારા કેપ્ટનને પૂછવું પડશે.” - એર-હોસ્ટેસે તેની કસ્ટમર-સર્વિસનો નુસ્ખો કામે લગાડયો.

    આ ભરાવદાર ગોરી બાઈ તેની હેન્ડબેગ સાથે હજુયે ત્યાં જ ઉભી રહી. જ્યારે પેલા હબશી ભાઈ પર શું વીતી હશે એ તો એ જ જાણે.

    ખૈર, થોડી સેકન્ડ્સમાં એર-હોસ્ટેસની વ્યવસ્થામાં હવે ફ્લાઈટનો કેપ્ટન પણ જોડાઈ ગયો. તેના અનુભવ પરથી એણે પરિસ્થતિનો તાગ પણ મેળવી લીધો અને આવતાની સાથે જ તેની કસ્ટમર-સર્વિસનું કેપ્ટનાસ્ત્ર બાણ પણ છોડ્યું......

    “મેડમ! આઈ એમ વેરી સોરી. અમારા દરેકેદરેક મુસાફર અમારા માટે ઘણાં માનનીય છે. એટલે તમને આ રીતે તકલીફ ન પડવી જોઈએ. આમ તો ઈકોનોમી ક્લાસની દરેક સીટ્સ ભરાઈ ચુકી છે. જ્યારે ફર્સ્ટ-ક્લાસમાં માત્ર એક જ સીટ ખાલી છે. એટલે હવે એ સીટ માટે અમે આ હબશીભાઈને ત્યાં બેસવાની અરજ કરીએ છીએ. એટલા માટે કે અમે અનુભવીએ છીએ કે આપના શબ્દોથી એ પણ માનસિક રીતે ખૂબ ઘવાયો છે.

    આ બાઈ કાંઈક બોલવા જાય એ પહેલા જ કેપ્ટને પેલા હબશીભાઈને હાથના ઇશારા વડે ત્યાંથી ઉઠીને તેની પાછળ ચાલી આવવા જણાવી દીધું. ઈકોનોમી ક્લાસના સૌ મુસાફરોના હાથ આવી ‘ફર્સ્ટક્લાસ’ કપ્તાની અસર હેઠળ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠયા.

    મોઘમ મોરલો: “માનવતાનો માત્ર એક જ રંગ હોય છે. : ટ્રાન્સપેરન્ટ !”

    એક નાનકડી ક્રેક

    "હેલો ડેડી, એક અંકલ અને આંટીને આપણું રાઈટ કોર્નરમાં પડેલું પેલું સિરામિકનું મોટું ફ્લાવરવાઝ ખૂબ ગમી ગયું છે. ફાઈનલ પ્રાઈઝ માટે પૂછી રહ્યા છે. શું ઓફર આપું?"- દિકરાએ તેના આજે 'ઘેર'હાજર રહેલા ડેડીને ફોન કરી ફાઈનલ ડીલની તૈયારી કરી.

    "બેટા, એમને કહે કે એ ફ્લાવરવાઝ આજે નહિ મળી શકે. એમના માટે નવું લાવી શકીએ છે, પણ એ માટે એમને બીજાં ૧૫ દિવસ રાહ જોવી પડશે."

    "કેમ ડેડી? શું એ વાઝ તમે કોઈને વેચી નાખ્યું છે કે શું?"

    "નાં દિકરા. પણ ગઈકાલે રાતે દુકાનેથી નીકળતી વખતે મારી નજર તેના પર ગઈ 'તી અને મને દેખાયું કે તેની નેક સાઈડ પર એક ક્રેક (ઝીણી ફાંચ) પડી છે. ત્યારે મેં નક્કી કર્યું કે કાલે આવીને એને રિજેક્ટેડ માલમાં મૂકી દઈશ. પણ...ખૈર તું એને આજે ન વેચતો...પ્લિઝ હાં !"

    દિકરો થોડો નિરાશ થયો અને બોલ્યો: "ડેડી, એટલી નાનકડી ક્રેક કોઈને ક્યાં દેખાવાની છે?!?!" એ લોકોય એક શો પીસ તરીકે એમના ઘરે રાખવાના છે. ને આ ગ્રાહકતો મોટો છે. ગયેલો પાછો નહિ આવે. વેચી દઉં તો કેમ....?"

    "જો દિકરા, આપણે એને વેચી દઈશું તો કાયમ માટે મારા દિલ પર ક્રેક રહી જશે અને હું આવા બીજાં ફ્લાવરવાઝ ક્યારેય વેચી નહિ શકું. એમને ચોખ્ખું જણાવી દે કે આ ક્રેકવાળો વાઝ અમે આપને અત્યારે નહિ આપી શકીએ."

    દિકરાએ પિતાએ આપેલું વેપારિક વફાદારીનું પ્રેક્ટીકલ લેસન પહેલી વાર કર્યું. અને ૧૭માં દિવસે તેને પરિણામમાં પેલાં ગ્રાહક-યુગલની સાથે બીજાં બે નવા ગ્રાહકો બોનસમાં મળ્યા...

    નક્કીમાંથી લક્કી

    ''બાળકો, એક ઝાડ પર ૧૦ પક્ષીઓ હતા. ૫ પક્ષીઓએ ત્યાંથી ઉડી જવાનું નક્કી કર્યું. બોલો હવે ઝાડ પર કેટલાં પક્ષીઓ બાકી રહે?”- ગણિતના સાહેબે સીધો સવાલ કર્યો.

    “સાહેબ! પાંચ બાકી રહે.”- કહેવાતા હોંશિયાર વિદ્યાર્થીઓએ એક સાથે જવાબ આપ્યો.

    “ના..ના..સાહેબ. ઝાડ પર તો ૧૦ જ પક્ષીઓ રહેશે. કેમ કે એ લોકો એ ફક્ત ઉડવાનું નક્કી કર્યું છે. હજુ ઉડ્યા ક્યાં છે. નક્કી કરવું અને ઉડવું બે વચ્ચે ઘણો ફેર છે.”-

    કહેવાતા ઠોઠ નિશાળીયાએ પાછલી બેંચ પરથી ખરેખરો સીધો જવાબ મુક્યો..

    એક સંતની અપાયેલી શિખામણ.....

    તમે ઈચ્છો છો કે....

    oતમારું બોલેલું વધુ સંભળાય?.... તો ઓછું બોલજો.

    oતમારું લખેલું વધુ વંચાય?.... તો ઓછું લખજો.

    oતમારું ધ્યાન લોકો તરફ વધારે જાય?... તો શાંત રહેજો.

    oતમારું અપાયેલું વધુ લોકો તરફ પહોંચે?... તો જે માંગે એને આપજો.

    oતમને લોકોની વખત ઉપર મદદ મળી રહે... તો મદદરૂપ થવા હમેશાં તત્પર રહેજો.

    oતમને મનની શાંતિ મળતી રહે,... તો દુઃખીજનની વાત દિલથી સાંભળજો.

    oતમને ઘણું ધન મળે... તો ઘણું દાન કરતા રેહજો.

    oતમારી કીર્તિ વધતી રહે,....તો એનાથી જ હમેશાં દૂર રહેજો.

    oતમને સફળતા મળતી રહે,....તો જે ક્ષેત્રમાં આવો એમાં શ્રેષ્ઠતા હાંસિલ કરતા રહેજો.

    દરરોજ સવારે જાગતી વખતે જાતને પૂછવા લાયક આ ૩ મહત્વના સવાલો…

    • “આજે... એવું કયુ ગમતું કામ કરું જે ‘માસ્ટર-પિસ’ બને?”

    • “આજે... એવું શું વહેંચું જેનાથી બીજાંને મારી શ્રેષ્ઠ સેવા મળી શકે?

    • “આજે... એવું શું વેચું જેમાંથી જરૂરી કમાણી થઇ શકે?”

    હવે જો રાતે સુતી વખતે આ સવાલોનો સાચો જવાબ આપી શકાય તો માની જ લેવું કે આપણે દુનિયાના સુખી લોકોમાંથી છીએ.


    માર્કેટિંગનું લેસન...એક મા પાસેથી !

    •“તારી પાસે કાંઈ પણ સારું કહેવાનું ન હોય ત્યારે...ચુપ રહેજે.”

    •“દરેક બાબતનું હોમવર્ક શરુ કરે પછી પૂરેપૂરું કરજે.”

    •“વાત કરે ત્યારે નજરો મેળવી વાત કરજે.”

    •“કોઇપણ પુસ્તકને તેના કલેવર(કવર)થી જજ ન કરજે.”

    •“વાતચીત વખતે ભાષા અને તેની લઢણ વિશે હંમેશા ધ્યાન રાખજે.”

    •“કોઈનું અનુકરણ કરીશ નહિ. તારી એક અલગ ઓળખ પ્રસ્થાપિત કરેજે.”

    એક એન્જિનીયરીંગ કંપનીના રીસેપ્શન-કાઉન્ટર પાસેના હાર્ડ-બોર્ડ પરથી મળી આવેલાં સોફ્ટ-સૂત્રો...

    અહીં તમને સાત પ્રકારની વ્યક્તિઓ જોવા મળશે....

  • એવા જેઓ મુશ્કેલીઓ તો સર્જે છે પણ તેમને ખુદ ખબર નથી પડતી કે એમણે શું કર્યું?!?!?!
  • એવા જેઓને એટલિસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે પણ પછી તેના ઉકેલ (સોલ્યુશન) માટે કાંઈ પણ કરતા નથી.
  • એવા જેઓને એટલિસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે ને પછી તેઓ બીજાને એ મુશ્કેલી જણાવીને 'ટ્રાન્સફર' કરી દે છે.
  • એવા જેઓને એટલીસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે ને પછી બીજાને એ મુશ્કેલી સ્ટિકી-નોટ્સ કે (હવે ઈમેઈલ કે SMS)થી 'જાણ' કરી દે છે.
  • એવા જેઓને એટલિસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે ને પછી બીજી વાર જરાયે ન થાય એ માટે પોતાની જાતને સચેત રાખે છે. (જેને અમે નોકરીની તકો ખુલ્લી કરી આપીએ છીએ.)
  • એવા જેઓને એટલિસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે ને પછી બીજી વાર જરાયે ન થાય એ માટે બીજાને સચેત કરી દે છે. (જેને માટે અમારે ત્યાં નોકરીના દ્વાર હમેશાં ખુલ્લા છે.)
  • એવા જેઓને એટલિસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે ને પછી એનો ઉકેલ જાતે લઇ આવી બીજી વાર જરાયે ન થાય એ માટે બીજાને પણ સચેત કરે છે. (એવી લીડર વ્યક્તિઓની અમારી શોધ સતત ચાલુ રહે છે.)
  • તમારું પેરેશૂટ કોણ બાંધી આપે છે?

    વિયેતનામ-યુદ્ધ વખતે એક અમેરિકન જેટ-ફાઈટર પાઈલોટ ચાર્લી પ્લમ્બ સાથે એક ઘટના બની.

    એક દિવસે ફાઈટ મિશનનું બ્યુગલ ફૂંકાયુ. સેકન્ડ્સમાં તો ચાર્લી તેની છાવણીમાંથી ઉભો થઈ તેનો પાઈલોટ ડ્રેસ-કોડ પહેરી બહાર આવી ગયો. મિનીટ્સમાં છાવણીની બહાર તેના જેવા બીજાં અન્ય પાઈલોટ્સ સાથે તેનું પણ બોડી-સ્કેન થયું અને પીઠ પાછળ પેરાશૂટ પણ ફિક્સ કરી આપવામાં આવ્યું....

    ગણતરીની પળોમાં તો ચાર્લી તેના જેટફાઈટરને લઇ ગગનમાં ગૂમ થઇ ગયો. તેની મનોસ્થિતિમાં એટલું ધ્યાન કે તેનું મિશન શું છે? પણ બાજી ગોઠવે ત્યાંજ....પ્લેનની પાછળ એક જબરદસ્ત બ્લાસ્ટ થયો. જમીન પરથી છોડવામાં આવેલા કોઈક મિસાઈલે તેના પ્લેનને ભડભડતા બોમ્બમાં ફેરવી દીધું.

    ચાર્લીની એટલી સૂઝ બાકી રહી કે પેરાશૂટ ખોલીને તે સીધો પ્લેનમાંથી કૂદી પડ્યો. પણ જે જગ્યાએ તે સલામતીથી પડ્યો હતો ત્યાં દુશ્મનોએ તેને યુદ્ધકેદી તરીકે પકડી લીધો. અને એ બાદ લગભગ ૬ વર્ષ સુધી...એક ગૂમનામ ઝિંદગીમાં ગરકાવ થઇ ગયો.

    ઘણાં વર્ષો પછી...

    અમેરિકાના કોઈક થિયેટરની રેસ્ટોરન્ટમાં ચાર્લી તેની પત્ની સાથે બેઠો હતો. દૂર બીજા એક ટેબલ પાસે એક અજાણ્યો માણસ ક્યારનો તેને તાકીને જોયા કરતો હતો. ચાર્લીને થોડું અજુગતું લાગ્યું. પણ એવા ચેહરાંઓ પાછળ રિસર્ચ કરવાનો કોઈ મતલબ? - પણ થોડી મિનીટ્સ બાદ…

    “સર ! તમે ફાઈટર પાઈલોટ ચાર્લી પ્લમ્બ છો ને?, તમે વિયેતનામના યુદ્ધમાં શામેલ હતાં ને?, તમે જ પેલો ‘ટોપ ગન’ ડ્રેસ ચડાવીને દોડતા બહાર આવ્યા હતાં ને?, તમે જ ‘કિટ્ટી હોક’ નામના ફાઈટર પ્લેનમાં પળવારમાં સચેત થઇ ઘૂસી ગયા હતા ને?....”

    ચાર્લી સવાલોની મશીનગન સામે માત્ર ‘યેસ! યેસ! યેસ!’ સિવાય બીજું શું બોલી શકે? છતાં એક સવાલ તેણે પૂછ્યો કે.. “દોસ્ત, તું મારા વિશે આટલી બધી જાણકારી રાખે છે તો એ તો બતાવ કે તું ત્યાં શું કરતો’તો?”

    “સર! હું એ જ સૈનિક છું, જેણે આપની પીઠ પર પેરાશૂટ બાંધ્યું હતું. પણ આપ ખૂબ ઉતાવળમાં હતા એટલે કદાચ આપને વિદાય કરવાનો સમય મળ્યો ન હતો. પછી અમને ખબર મળ્યા કે આપનું પ્લેન હવામાં ક્રેશ થઇ ગયું હતું. પછી કોઇજ સમાચાર મળ્યા નહિ. પણ આજે આપને જોઈને.....”

    “ઓહ દોસ્ત! તો તું એ જ છે જેણે પેરાશૂટ બરોબર બાંધી મારો જાન બચાવ્યો છે????. જો એ ન બંધાયો હોત તો...આહ! તારા થકી આજે હું જીવતો છું. ત્યારે તો મેં તને થેંક્યું પણ ન કહ્યું....આજે હું તારો અભાર કઈ રીતે...??!?!?!?!!?!?!?!?”

    મદદગારી મોરલો:

    " આપણી ‘ઝિંદગીના ઉડ્ડયનમાં’ પણ કોણ જાણે કેટલાંયે એવાં હશે જેઓએ આપણી પીઠ પાછળ પેરાશૂટ બાંધી આપ્યું હશે. જો એવું કોઈ ‘પીઠબળ’ યાદ આવી જાય તો...એમને આજે...‘થેંક્યુ’ કહેવા જેવું ખરું ને? "

    સંતોષનું ધન

    અમેરિકન લેખક જોસેફ હેલરની ૧૯૬૧માં લખાયેલી એક નોવેલ Catch-22 ઘણાં સંઘર્ષ પછી (બીજી અન્ય નોવેલ્સ લખ્યા બાદ) બેસ્ટ સેલર્સમાં સ્થાન પામી. ત્યારે એક વાર તેના માનાર્થે યોજાયેલી પાર્ટીમાં તે સમયના શેર-માર્કેટમાં ખૂબ ઝડપથી કરોડપતિ બનનારા નવયુવાનો પણ હાજર હતાં.

    પાર્ટી દરમિયાન એક એવો જ યુવક તેમની પાસે આવ્યો:

    "મિસ્ટર હેલર, તમને આ જે કરોડપતિઓ યુવાનો દેખાય છે, તેઓએ પાછલાં એકાદ વર્ષમાં જ એટલું ધન કમાયું છે, જેટલું કદાચ તમે અત્યાર સુધી લખેલી નવલકથાઓથી મેળવેલી કમાણીને દસથી ગુણો તો પણ સાવ ઓછી પડે. બલ્કે, લેખનના વ્યવસાયમાં તમે કદાચ તમારી લાઈફમાં પણ એટલું નહિ કમાઈ શકો."

    હેલર સાહેબે રોકડું પરખાવ્યું: "
    હમ્મ્મ્મ. શક્ય છે દોસ્ત. પણ મારી પાસે એક બાબત એવી છે કે એ સૌ કરોડપતિ પાસે પણ કદાચ નહિ હોય. અને એ છે: પુરતો સંતોષ."


    ગુરુ’ની કેટલીક ‘મંગળ’મય બાબતો.

    સાચો ગુરુ....

    •ફ્રેન્ડલી હોય પણ ગૂગલ-ફ્રેન્ડલી નહિ (જે માત્ર માહિતી વેચે). એ તો જ્ઞાન વહેંચતો રહે છે, એ પણ સ્વની જાહેરાત કર્યા વિના.

    •કોઈ પણ ‘ચાર્જ’ લીધાં વિના તેના શિષ્યોનું તન-મન-મગજનું ‘ચાર્જિંગ’ કરે છે. સવાલોના ‘ઉત્તર’ આપી ‘દક્ષિણા’ ન લેવી એ તેનું કામ....

    •તેની પાસે આવતા દરેકને......એ શિષ્ય તરીકે ન પણ સ્વીકારે. એ તો તેની ‘એન્ટ્રન્સ ટેસ્ટ’ લે. એમને લાગે કે આવનાર કાચો હીરો છે, પછી તેને ઘસતો રહી ચમકાવતો રહે છે...

    •પોતાની વાત ‘તું’થી કરે. પછી આપણામાં રહેલો સાચો ‘હું’ જગાડી બહાર કાઢે...

    •ક્યાંય પણ રહી શકે. ટકી શકે. ટકાવી શકે છે...

    •ખુદ અને ખુદા વચ્ચે ‘પુલ’નું કામ કરતો રહે છે...

    •જલ્દી મળતો નથી. મેળવવો પડે છે. તેની ખોજ કરવી પડે છે...

    “જે આઈડિયા તમને બ્રિલીયન્ટ લાગે અને જો તમે તેને આગળ ન ચાલવા દો...તો થોડાં સમય પછી આ આઈડિયા તમને પણ આગળ ન ચાલવા માટે મજબૂર કરી શકે છે.”

    “એટલા દુઃખી પણ શાં માટે થવું કે....ચ્યુંઈંગ-ગમ ખાતા-ખાતા ડુંગળી છોલતી વખતે પણ આંસુઓ ન રોકાય?!?!?!”

    “હાકોટા પાડીને કે ચિલ્લાઈને ઘોડા કે કૂતરાને વફાદારીનો પાઠ ભણાવવો અને પછી એ તમારું મૌન સમજી જાય એમ કઈ રીતે બને?”

    “તમારું સ્મિત કે હાસ્ય દુનિયા બદલી શકે છે, એ બાબતે કોઈ પાકું પરિક્ષણ નથી કર્યું. પણ એટલી ખબર છે કે જેને તમે તે દિલથી આપ્યું હોય તેની જરૂર બદલાઈ શકે છે.”

    “મોટા પ્રોજેક્ટમાં મોટી મોટી આશાઓ રાખવા કરતા સાવ નાનકડું કામ કરી શરૂઆત કરવી એ વધારે મહત્વનું છે.”

    “પ્રેમપત્ર...બે સામાજીક સંબંધોને મજબૂત રીતે જોડતો એક સુપર સેતુ છે. પણ બિઝનેસમાં શું એ કામ લાગી શકે?

    કેમ નહિ? - તમારા ગ્રાહકને શું જોઈએ છે અને તમે શું આપી શકો છો? જો એ તેને ગમતાં શબ્દોમાં અને તમને એ માટે લાગતાં કાર્ય દર્શાવવામાં લખીને જણાવી શકો તો...એવો વેપારીક સંબંધ પણ વર્ષો સુધી જોડાઈ (અને ટકી) શકે છે.” – જોહન ફોર્ડ.

    * તમને લાગે કે દુનિયામાં આજે તમે સૌથી દુઃખીમાં દુઃખી વ્યક્તિ છો, તો બાળકોની નર્સરીમાં થોડો ટાઇમ ફરવા જઇ આવજો.

    * તમને લાગે કે દુનિયામાં આજે તમે સૌથી સુખીમાં સુખી વ્યક્તિ છો, તો હોસ્પિટલમાં થોડો ટાઇમ ફરવા જઇ આવજો.