Sambandh-Bandhan-ni Anti-Ghuti: 'Sambandhan' in Gujarati Magazine by Bhargav Patel books and stories PDF | સંબંધ-બંધનની આંટીઘૂંટી : 'સંબંધન'

Featured Books
Categories
Share

સંબંધ-બંધનની આંટીઘૂંટી : 'સંબંધન'

શીર્ષક જરાક અળવિતરું લાગે તો લાગવા દો હમણાં પુરતું!!! લેખના અંતે કદાચ હું એને લેખે લગાવવામાં સફળ થાઉ. વાસ્તવમાં આ શીર્ષક પર થોડુક ધ્યાનથી જોવામાં આવે તો એ સંબંધ અને બંધનના સંધીકરારનો સમન્વય પ્રતીત થશે.!! આજકાલ આ બંને શબ્દોમાં પ્રવર્તતી ગેરસમજે થોડાક શબ્દો લખવાની સમજ આપી. મનની માટીમાં ધરબાયેલા આ બીજને શબ્દની શાખાઓ વડે તમારા સુધી પહોચાડવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરું છું, કદાચ એકાદ કુપળ પણ તમારા સુધી પહોચે તો તમારો ઋણી થાઉં......

કોઈક આસપાસનું ઉવાચ : “અરે યાર!! અમારો ઘણો જુનો સંબંધ છે, આટલું કામ તો એણે કાઢી જ આપવું પડશે!!”

આટલા ૧૫ શબ્દોના કહેણમાં મેં કંઈક જુદું જ અનુભવ્યું. એક બાજુ તો સંબંધની વાત છે અને બીજી બાજુ સંબંધનો દુરુપયોગ કરવાની નીતિ??? આવો કેવો સંબંધ??? જેના બંધનમાં તમે કોઈ પાસેથી સંભવતઃ ગેરકાયદાકીય કામ કરવાની ફરજ પાડો.આમ તો સંબંધ શબ્દનો સંધિ-વિગ્રહ ’સમ’ અને ‘બંધ’ એમ બે અલગ અલગ વર્ડ્સનો સમન્વય છે, પણ આ ઘટના સગી આખે કેટલીય વાર પુનરાવર્તિત થતી જોઇને એમ લાગે છે કે ‘સમ’ શબ્દ પેલા અકળ અને અકડું ‘ન’ ને વણનોતર્યું કહેણ પાઠવી દે છે, અને વળી એ અજુગતો ‘ન’ પાછો આવીને ‘બંધ’ની પાછળ ગોઠવાઈ જાય અને નામ પડે ‘બંધન’.

સંબંધને બંધન બનાવતા કાળા માથાવાળા આપણે સૌ એ બંને વચ્ચેની પાતળી અને આછી ભેદરેખા ઓળંગી ગયા છીએ. બંધન એ એક પ્રકારનું મોનોલોગ(એકમાર્ગીય) રિલેશન છે જેમાં અપેક્ષાઓ અને આશાઓ માત્ર વન વેમાં જ ગતિ કરે છે જયારે સંબંધના કિસ્સામાં દ્વીમાર્ગીયતાનો અણસાર છે,જે સામસામી પેલા ‘ન’ની અસરને નિષ્કાષિત કરી જાય છે. રોજીંદા વ્યવહારથી થોડા આગળ વધીને અધ્યાત્મની વાત કરીએ તો સ્વાભાવિક એવો સવાલ મને ઝંઝોળી જાય છે કે ‘ભગવાન સાથે પણ આપણે સંબંધ જ છે કે પછી હરિને આપણું બંધન છે???’(હા! જો તમે શ્રીફળ-ફળ-ફૂલ-ધૂપસળી વગેરેને દ્વીમાર્ગીય માધ્યમના વાહક ગણતા હોય તો વાત અલગ છે)!!!

“હે પ્રભુ!! મારું આટલું કામ થઇ જાય તો તને અગિયાર ઘીના દીવા કરું” આવી અથવા તો આને લગતી માનતાઓ મેં અને તમે બધાએ ઘણીવાર રાખી હશે અને કામ થયે પ્રામાણિકતાથી એ પૂરી પણ કરી હશે, તેમ છતાં મને આભાસ થાય છે કે ક્યાંક ને ક્યાંક તો આપણે અલૌકિક શક્તિને એકબાજુ બાંધીએ છીએ અને બીજીબાજુ કામ પૂરું થયે મુક્ત પણ કરી દઈએ છીએ છતાય રોજ યાદ તો કરીએ જ છીએ. આ રીલેશન એટલું બધું સંદિગ્ધ છે કે મારું મન એને એક જ નામ આપી શક્યું ‘સંબંધન’.

ખરી પડેલા અંગો અને ચાલી ચાલીને ધૂળધાણી થયેલા કપડા સાથે જ્યારે સુદામો દ્વારકાના રસ્તાઓ પર રઝળી રઝળીને કૃષ્ણના દ્વારપાલ પાસેથી હળહળતો અનાદર પામી વગર કહ્યે કે વગર કોઈ આશાએ ત્યાંથી જ પાછો વળી ગયો ત્યારે એનાય મનમાં કાના પર વિશ્વાસ તો હશે જ ને!! એવો વિશ્વાસ ખરા અર્થમાં સંબંધ ગણી શકાય. વળી, વળતા જવાબમાં કૃષ્ણ પણ નગ્ન પગે અને ભગ્ન હૃદયે રાજકામ પડતું મુકીને દોડ્યો હતો પોતાના મિત્રને પામવા ત્યારે બંનેમાંથી એકેયને મન કોઈ અપેક્ષા નહતી. હતો તો માત્ર તીવ્ર પ્રેમ-સંબંધ. “તકલીફ તો નથી પાડીને આવવામાં?” કૃષ્ણના આ સવાલમાં સુદામા, ”અરે ભાઈ તકલીફ સિવાય બીજું કઈ નથી પડ્યું” એવો જવાબ આપી શક્યો હોત પણ એ પેલા ‘સંબંધ’ની અસર હતી જે એની આખોમાંથી વરસતા શ્રાવણ સ્વરૂપે નીતરતી હતી.આવું કઈ આ એકમાત્ર ઉદાહરણ નથી, નળ-દમયંતી, શકુંતલા-ભરત, જેસલ-તોરલથી માંડીને પન્નાલાલ પટેલની કલમે જીવંત કરેલા કાનજી-જીવી વગેરેના સંબંધો, બંધનની પેલેપારના હતા. પણ એ સમય જુદો હતો અને જુદી હતી એ વખતની સંબંધ સાચવવાની રીતભાત.

કલિયુગની વાત આવે એટલે ભલભલા માણસોને મેં જુદી જુદી રીતે એક જ અર્થવાળું વાક્ય બોલતા સાંભળ્યા છે કે “એ બધું સતીયુગમાં થઇ ગયું એ થઇ ગયું પણ હવેના જમાનામાં બધા સંબંધો સ્વાર્થના થઇ ગયા છે”. જો કે એમની વાત સો ટકા ખોટી પણ નથી, પરંતુ સો ટકા સાચી પણ નથી, કારણ કે બધા સંબંધોનું બંધનમાં પરિણમતું સ્વરૂપ એ છેવટે તો આપણી પોતાની જ ઉપજ છે. કોઈક સાથે તમારો સંબંધ હોવો એટલે એમ નઈ કે એ વ્યક્તિ કે તમે એકબીજાના બંધનમાં છો અથવા તો તમે એને આધીન છો. આ હકીકત આજકાલ માનસપટ પરથી ભૂંસાતી જાય છે. રખે ને જો આમનું આમ ચાલ્યું તો આવનારી પેઢી કદાચ સંબંધની મૂળ વ્યાખ્યા જ વિસરી જશે એવી પ્રતીતી થાય એમાં નવાઈને સ્થાન નથી.

સંબંધ અને સ્વાર્થના સરવાળે બંધનનું નિર્માણ થાય છે એ સમજાવવા માટે કદાચ મારા લેખના આ જુજ શબ્દો કદાચ પર્યાપ્ત તો નથી જ પણ અંતે હું સંબંધને વ્યાખ્યાયિત જરૂર કરવા માગું કે,

“બે ભિન્ન વ્યક્તિત્વો (માત્ર વ્યક્તિઓ જ નહિ) વચ્ચે માત્ર વાતો અને અપેક્ષાઓના ગુંદર વડે નહિ, પણ લાગણીના પાકા સિમેન્ટ વડે આકાર પામતો બંધ એટલે ખરા અર્થમાં સંબંધ”

યોર્કર :- સંબંધ એ ખરા અર્થમાં એકબીજાથી બિલકુલ સ્વતંત્ર રહીને ‘એકબીજા પર આધીન’ રેહવા કરતા ‘એકબીજાને આધીન’ રહેવાનો અનોખો કોયડો છે જેનો ઉકેલ કદાચ સમયનો રેતપ્રવાહ જ આપી શકે.