કંદર્પ પટેલ
Patel.kandarp555@gmail.com
www.kparticleworld.wordpress.com
+91 9687515557
એક્સ્પ્રેસ હાઈવે
-જિંદગીની અનોખી સફર
“જીવન નામનું એક પુસ્તક. એક પુસ્તકના પાનાંઓમાં એક-બે મિસ્ટેક ચાલે, પણ દરેક પાને પ્રિન્ટીંગ ન ચાલે.”
જાણે એક સ્ટ્રેઈટ ફોરવર્ડ રાઈડ. એક નોખી-અનોખી-અનકહી-અનસૂની સફર. છેડો તેનો મૃત્યુ અને જન્મ તેની શરૂઆત. રિઝર્વ્ડ કર્મો સાથે આ હાઈવે પર વ્યાજ ભરવા માટે ઈશ્વરના સંકેતોનું એન્ટેના લઈને દોડવાનું. સારું તો મારું, ખરાબ તો ઈશ્વરનું. આ રેસમાં કોઈને પાછળ રાખવા કે પોતે આગળ વધવા દોડવાનું છે. મારા માટે, મારા કુટુંબ માટે અને આ સમાજ સાથે. કોઈને છોડી નહિ શકીએ. ઋણાનુબંધ છે આ દુનિયા સાથે, સજીવો સાથે અને નિષ્ક્રિય નિર્જિવ સાથે. કેટલાયે ધાગા સાથે ધાગો જોડાય તેમ એકરૂપ અને સમરસ થઈને ચાલવાનું છે. ‘મારું’ને ત્યજીને ‘અમારું’ જ્યારે થાય ત્યારે આ એક્સપ્રેસ હાઇવે પર સંબંધોની ગાડી પૂરપાટ ઝડપે દોડે. કેટલીયે જીજીવિષા અને વિજીગીષા સાથે દિલની છેડાછેડી જોડીને સફર ખેડવી છે. સંબંધો હસતા મોઢે સાચવવા છે. અહી કોઈ સ્પીડ બ્રેકર નથી. છે માત્ર ‘સફર’. દિલની, દિમાગની અને દાસ્તાંની. સમયનું લિનીઅર ચક્ર આ હાઈવે પર ચાલ્યા કરે છે. જેમાં કદાચ ‘હું’ હોમાઈને ‘અમે’ની કુંપળો ફૂટી નીકળે છે. રડવું-હસવું અને દિલ ફાડીને જીવવું આ જ કદાચ આ રસ્તાનો પર્યાયી છે.
‘મારેલ’ અને ‘મરેલ’ વંદા જેવી જિંદગી જીવવી તેના કરતા જિંદગીની દરેક ક્ષણ એવી જીવીએ કે જેથી મૃત્યુ કદાચ સામે આવીને ઉભું રહી જાય તો પણ તેણે હસતા-હસતા જવાબ આપી શકીએ, “યાર..! યમ... તું લેટ પડ્યો. હું તો એકદમ ‘યમ્મી’ જિંદગી જીવીને બેઠો છું. ચલ..તારા પાડાની સવારી કરવાની બાકી હતી, એ પણ આજે કરી લઉં.” આ પાંસળાની છાતીની અંદર કાચિંડાની જેમ દુનિયાને જોયા કરતુ દિલ હોય, જે દરેક પ્રસંગો સાથે ડૂબીને લાગણીના અલગ રંગોમાં ખોવાઈ જાય. ‘વાર’ – ‘તહેવાર’ અને ‘પરિવાર’ને સંભાળીને દરેક ‘વહેવાર’ સાચવવા તે જ આ ‘અવતાર’નું સાધ્ય છે. આપણું શરીર તેનું સાધ્ય છે અને ખુશી તે હેતુ છે. જો આ દરેકની સાબિતી મૃત્યુ પહેલા મેળવી લેવાય તો પ્રમેય સાચો.
લાઈફના દરેક રંગો માનવા-માનવા અને મનાવવા તે જ પૃથ્વી પરના આ ખોળિયાનો અર્ક છે. જીવાય તેટલું ઓછું અને અનુભવાય તેટલું ઓછું. રમાય તેટલું ઓછું અને વિચારાય તેટલું ઓછું. ફરાય તેટલું ઓછું અને યાદ કરાય તેટલું ઓછું. લાઈફને જીવવાનો નશો જ્યાં સુધી ‘રેડ વાઈન’ જેટલો ન ચડે ત્યાં સુધી બધું ખોટું. રોજ ઉઠીને મોં માંથી નિરાશા ભરેલી વાણીને ગળવા જો આખો દિવસ પિપરમિન્ટ રાખવી પડે તે જિંદગી શું કામની? જ્યાં સુધી પોઝિટીવ આઉટલુક ઉભો ન થાય ત્યાં સુધી નિરાશાની કિંમત કેમ કરીને સમજાય? તરબૂચ પર ખચાક... કરતી તલવાર ન પડે ત્યાં સુધી એ તરબૂચની કિંમત શું? તેમ જો સુખનો દરવાજો બંધ થાય અને દુઃખની મજબૂત દીવાલો અડીખમ ઉભી રહી જાય તો તે સુખ ફરી મેળવવાનો તલવલાટ ક્યાંથી આવે? અડચણની સાથે યારી બને ત્યારે જ તો સલામતીની ભૂખ જાગે ને...! અને વાત, હે ઈશ્વર....! દુઃખ એટલા બધા આપ કે જેથી દરેક સુખનો અનુભવ સ્વર્ગ સમાન આનદની અનુભૂતિ કરાવે. એ હાઈવે પરના તાપમાં ઉકળીને પોતે આગળ વધવું છે. એ દરેક પ્રસ્વેદની ખારી બૂંદ અંતે સફળતાનું ઝરણું બની જાય. એ શરીરના સ્નાયુઓનું ખેંચાણ છેક મંઝિલ સુધી ખેંચી જાય.
*****
કેટ-કેટલાયે રંગો જિંદગીના એક્સપ્રેસ વે પર વણવા છે, ગૂંથવા છે, સજાવવા છે, યાદ કરવા છે અને એ યાદોનો માળો ગૂંથીને હસતા હસતા આ જ હાઈવે પરથી વિદાય લેવી છે. આ વિશ્વના દરેક ખૂણે કોઈને કોઈ એવા પ્રસંગો આકાર લે છે, એ પણ સમયના ક્ષણાર્ધમાં કે જે અનુભવવાના આપણે મિસ કરી જતા હોઈએ છીએ. સમયના એક જ પળમાં અનેક સંવેદનાઓ આકાર પામે છે. જરૂર છે તે નજરની, તે વિચારની. બસ, કેટલીક આવી જ સત્ય ઘટનાઓ સાથે હૃદયના કોઈક ખૂણાને નવપલ્લવિત કરવા લાઈફનો ‘એક્સપ્રેસ હાઈવે’ ગતિમાન થઇ ચુક્યો છે.
જિંદગીનું સ્વપ્નિલ ઝૂનુન
એક પાંચ-છ વર્ષની નાની બચ્ચી પોતાના ઘરની બારી પાસે ઉભી છે. પોતાની પગની પાની થોડી ઉંચી કરીને બંને હાથ બારીની ધાર પર મુકે છે. આંખમાં કોઈક આશાનું કિરણ લઈને પોતાની આંખની કીકી બારીની બહાર ફેરવે છે. વાહ...! વરસાદનો બૂંદ બારીની ધાર પર રહેલા તેના કોમળ હાથોને સ્પર્શી. તે ખુબ ખુશ થઇ. તે હૃદયની ખુશી ચહેરા પર હસી બનીને છલકાઈ. કાલુ-ઘેલું સંગીત સ્વરપેટીમાંથી નીકળ્યું. એક હાથ બારીની બહાર કાઢ્યો અને હથેળી પર એ બૂંદોની સાથે રમવા લાગી. તે એકલી નહોતી, કોઈક રમકડું...જાણે એ બૂંદ..! તેનો દોસ્ત હતો. હાથ ઉલટો ફેરવ્યો, પોતાના હાથમાંથી બૂંદને નીચે પાડવાનો આનંદ લેતી જતી હતી. પોતાના ચહેરા પર એ ઠંડી-ઠંડી બૂંદ ઉડાવ્યે જતી હતી. તેણે બીજું કઈ જોઈતું નહોતું. તેણે રમવું હતું...બસ, રમવું હતું.
એટલી વારમાં જ તેની મમ્મી આવી.
“શરદી થઇ જશે. હજુ હમણાં જ સારી થઇ છે દિકુ... ખ્યાલ છે ને..!”
એમ કહીને બારી બંધ કરીને તેણે ઊંચકી. એ કોમળ બૂંદની સાપેક્ષે મમ્મીનો પોતાની કમર પર રહેલા બંને હાથ શારીરિક વેદના આપતા હોય તેવું લાગતું હતું. છતાં, એ પકડમાંથી છૂટવાની કોશિશ કરી. પ્રયત્ન વ્યર્થ...! છેવટે બારીની બહારની બાજુએ દડતા જલકણને નિહાળ્યા કરતી હતી. થોડી વાર પછી ફરી ઉભી થઈને બારી પાસે ગઈ. મમ્મીના ડરથી થોડી-થોડી ઘડીએ પાછળ જોયા કરતી હતી. બારીની અંદરની બાજુએ જામેલ ભેજ પર ફૂંક મારીને તેમાં પોતાનું નામ લખતી હતી.
ટેડીબેર સાથે રમવું, પપ્પાના ખોળામાં સુઈ જવું, મમ્મીના ડ્રેસનો દુપટ્ટો પકડીને ઉભા રહેવું, રિસાઈ જવું, ખિલખિલાટ હસવું, કાલી-ઘેલી ભાષામાં બોલીને બધાનું પ્રિય થવું, મમ્મીને મદદ કરવી, હોમવર્ક કરવું, નોવેલ વાંચવી, સિરિયલ્સ જોવી, કાર્ટૂન બનવું, કોઈના હસવાનું કારણ બનવું, મમ્મી-પપ્પાના પ્રેમને અતૂટ રાખવા માટેનું કારણ બનવું... આ જાણ્યે-અજાણ્યે બધી જ પ્રવૃત્તિઓ તેના જીવનનો એક ભાગ હતો. તેમાં કોઈ સ્વાર્થ નહોતો. ધીરે-ધીરે એ દીકરી મોટી થતી ગઈ. હોર્મોન્સ એક્ટિવેટ થવા લાગ્યા. આકર્ષણના ભાવ જાગ્યા. ‘આ મને ગમે છે અને આ નહિ..!’ આવા તફાવતો મનમાં આકાર લેતા થયા. પસંદ-નાપસંદ વડે દરેક વાતોનું મૂલ્યાંકન થતું ગયું. ગુસ્સો, પ્રેમ, તકરાર..આ દરેક ભાવો વધુને વધુ સુદૃઢ અને સ્થિર થતા ગયા.
શારીરિક સૌંદર્ય તરફ વધુને વધુ ધ્યાન ખેંચાતું ગયું. ચહેરાની વધુ કાળજી લેવાતી થઇ. ઘરેથી બહાર નીકળતી વખતે થોડા અલગ દેખાવાની ચાહત ઉભી થઇ. અરીસામાં સ્તનના ઉભારને જોતી થઇ. થોડી ઈચ્છાઓ અને અપેક્ષાઓ સેવતી થઇ. માસચક્રની સાથે જીવનના ચક્રમાં ગૂંથાતી થઇ. પોતાની ફ્રેન્ડ્સ સાથે અજાણી હરિફાઈમાં ઉતરી. પોતાના ફ્રેન્ડ સર્કલમાં પોતાનું વધુ માન પડે તે માટે પ્રયત્નો કરતી થઇ. ઘણી વાર કોઈ છોકરા જોડે આંખ મિલાવતી થઇ. આંખના કાજળ અને ગાલના વળાંકોને વધુ આકર્ષક બનાવતી થઇ. કોઈ પુરુષમિત્ર પણ પોતાનો દોસ્ત હોય તેવી મનમાં અભિલાષાઓ જાગી. કમરના વળાંકને પોષવા માટે પૌષ્ટિક ખોરાક લેતી બંધ થઇ. ભૂખ્યા રહીને શરીરસૌંદર્ય ટકાવી રાખવાની યુક્તિઓ અજમાવવા લાગી. અંત:વસ્ત્રોની ખરીદી પોતે કરતી થઇ. એ જુવાનીના નશામાં રસથી તરબોળ બનતી ગઈ. ઈચ્છાઓ ન સેવાતા એકાંતમાં અશ્રુ સાથે દોસ્તી કરી લેતી. શૃંગાર અને અશ્રુની વચ્ચે એક હસતી-રમતી અને કેટલાયે સપનાઓ સાથે છોકરી જીવ્યે જતી હતી. ધીરે-ધીરે એકલતા કેળવતી થઇ. આત્મશ્લાઘા અને ઈર્ષા દિલ અને દિમાગની એક ઉપજ જાણે બની ગઈ...! ફ્યુચર અને કેરિયરની વચ્ચે વિચારો સેવતી થઇ.
એક દિવસ એવો આવ્યો, જેની રાહ ડર અને દિલની હલચલથી ઘણા સમયથી તે જોતી હતી. કોઈક ગમ્યું. હૃદયના કોઈક ખૂણે ડર અને બીજા ખૂણે નવા અહેસાસની સંવેદનાઓ. ધીરે-ધીરે આકર્ષણ વધતું ગયું. સત્તર વર્ષની ઉંમરમાં હાર્ટબીટ ફાસ્ટ ચાલતી હોય તેમાં પણ એ કોઈકના માટે..! ઈનોસેન્ટ & ક્યુટ લવ. એટ્રેક્શન એ પ્રેમનો એક ભાગ જ તો છે વળી..! એ સાથે હોય ત્યારે તેના તરફ જોયા કરતી. વળી, છુટા પડે એટલે પાછુ મળવા અને જોવા માટે ઝૂર્યા કરવાનું. આ સ્કુલિયો ઇશ્ક કંઇક અલગ જ હતો. દર્દ જોઈતો હતો, પ્રેમ જોઈતો હતો, વિરોધ હતો, સંલગ્ન થવું હતું, મનની મરજીના માલિક બનીને ઉડવું હતું. લાગણીના તરંગોનું ઘોડાપૂર હતું. જે ઉમંગ અને ઉત્સાહની અભિલાષ હતી તે મળી ચુક્યું હતું. સમય વીતતો જતો હતો.
એક દિવસની વાત છે. એ વાતમાં કોઈ મૌન નામનું તત્વ છે. સફેદ-શીતળ પવનની ખુશ્બુ છે. બંને પ્રેમી જોડાઓ સાથે બેઠા છે. જીવનને એકબીજા સાથે ‘એક’ થઈને વિતાવવું છ. બાળબુદ્ધિનો નિર્ણય છે. ઘસાયેલ બુદ્ધિની એરણ પર લેવાયેલો નિર્ણય નથી. માત્ર, એકબીજા તરફના શારીરિક અને માનસિક ખેંચાણની મીઠી અસર છે. એ પ્રવાહમાં ખેંચાવાની મજા જ કોઈક અલગ હતી. આજુબાજુની વાતોની અસર નહોતી. બસ, ખોવાયેલું રહેવું હતું. ઝઘડવું હતું, રીસાવું હતું, નજીક આવું હતું, દૂર જવું હતું.... બધું ઇન્ટેન્શનલી જ..! એ વરસાદના બૂંદ સાથે રમવાની માફક જ સ્તો ...! બસ, એ મજા આવતી હતી. કોઈક રંગો પુયા હતા, તેમાં ખેંચવું હતું. એ વમળમાં ઘૂસીને દુનિયાથી અલગ થવું હતું. જિંદગીમાં સપનાના રંગોની રંગોળી પુરાઈ રહી હતી. એ ચિત્રને કોઈ નુકશાન ન પહોચે તે માટે જાનથી વધુ જિંદાદિલી હતી.
ફરી સપનાઓ ગુંથાયા. દુનિયાનો ખૂણે-ખૂણો ફરવો હતો. સાથે મળીને...! દરેક પ્રકારની વાનગીઓ આરોગવી હતી. એન્જોય કરવું હતું. મસ્તીમાં જ રહેવું હતું. દુઃખનો કોઈ ઓપ્શન નહોતો. કોઈ એવું હતું જેના માટે તે પૂરી લાઈફ કંઇક કરવા માટે તૈયાર હતી, ગમે તે ભોગે..! એ દુનિયા હતી સપનાઓની... સ્વપ્નિલ દુનિયા. આઇડીયલ લાઈફ, જે દરેક એક્સ્પેકટ કરે છે. આ છોકરીના શરીરના દરેક ખૂણામાં કોઈ અહેસાસ દોડતો હતો, રમતો હતો, ગલીપચી કરતો હતો. ક્યારેક એકલા હસી લેતી. આ દરેક પરિવર્તનો એ છોકરીની પુખ્તતા હતી. અજીબ સપનાઓ હતા. બસ, એ પાણીની દરેક બૂંદ સાથે ખેલવું હતું.
અચાનક...! સપનું તૂટ્યું. અહમ સફરની વચ્ચે આવ્યો. ‘અમે’ની બદલે ‘હું’ અને ‘તું’ છૂટા પાડવા લાગ્યા. સ્વાર્થ નામનું ઝેર એ સંબંધમાં ભળ્યું. પ્રાઈવેસી અને મેલા વિચારોનો મેલ દિમાગ પર ચડી ચુક્યો. ગળું ફાડીને રડવું આવતું હતું, પરંતુ કોઈને સંભળાય નહિ તે રીતે સુતી વખતે ગાદલાની અંદર માથું નથીને આખી-આખી રાત રડી. મમ્મી-પપ્પાની વધુ નજીક આવવાનો પ્રયત્ન કરવા લાગી. આજકાલ વધુ શાંત બની હતી. સચ્ચાઈમાં અર્કમાં ઉકળીને વધુ સહનશીલ અને મેચ્યોર બની હતી. સાચા-ખોટાનો તફાવત જાણતી થઇ હતી. રડવાને બદલે ઉત્સાહથી લાઈફમાં આગળ વધવાનો પ્રયત્ન કરતી હતી. ચીલાચાલુ બનવા કરતા ક્રિએટીવ બનવાનો પ્રયત્ન કરવા લાગી હતી. હવે દિશા દેખાઈ રહી હતી. લાઈફમાં એ ભૂતકાળને ભવ્ય બનાવીને તેમાંથી મોટીવેશન લેતી હતી. આવનારા ભવિષ્યને ખુબ જ રિયાલીટી સાથે જોઈ રહી હતી. કંઇક કરવું હતું, બનવું હતું. મમ્મી-પપ્પાની સાથે કુટુંબનનું નામ રોશન કરવું હતું. ફેમિલીનો ‘દીકરો’ બનીને ‘હિરો’ બનવું હતું. જે બનવા તરફ તે આગળ વધી રહી હતી.
દરેક ક્ષણને જીવતી થઇ, દરેક રંગને ઓળખતી થઇ. સંવેદનાઓને અનુભવતી થઇ. પવિત્રતાની આગમાં શુદ્ધ થતી ગઈ. લાઈફને ટ્રાયલ & એરર મેથડની મદદથી જોવા લાગી. તેણે ઉડવું હતું, અનંત સફર ખેડવી હતી. દુનિયાને જોવી હતી. ફરી એક આંખમાં નવું સપનું ઉઠ્યું. સ્વપ્નિલ ઝૂનુન...! બસ, હવે કેરિઅર તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો. ખુબ બધા સપનાઓ વણી લીધા. માત્ર નારી આંખે તેણે જોયા જ નહિ, પરંતુ તેને જીવંત બનાવવા માટે પણ અનેક રાહ પર ચાલી. પ્રવાસો ખેડ્યા. પોતાની ભાવનાઓને કોરા કાગળ પર ઉતારતી થઇ. સંગીત સાથે તાલ મિલાવીને નૃત્ય કરતી થઇ. જીવ અને શિવના મિલનમાં એવી એકાકાર થઇ કે જાણે પોતાનું અસ્તિત્વની હયાતી ભૂલી ચુકી. ગળાડૂબ કામમાં પ્રવૃત્ત થઇ. દરેક સંભારણાને વાગોળીને મનમાં હસતી થઇ. હૃદય થોડું વધુ મોટું કરીને તેમાં અનેકના પ્રેમને સમાવતી થઇ. પ્રેમ લૂંટાવી જાણતા શીખી. નાની-નાની વાતોને જોડીને અનુભવોનું એક મોટું વટવૃક્ષ બનાવતી થઇ. તેમાં હાસ્યના અનેક પુષ્પોની સુવાસને સમાવતી થઇ. આવતા-જતા લોકોને મદદરૂપ બનતી થઇ. એક આદર્શ પતિના સપનાઓ ફરી જોવા લાગી. કડવી સચ્ચાઈને પચાવવા માટે તૈયાર થઇ ચુકી હતી.
ફરી પાછો એ જ દિવસ આવ્યો...! નવી જિંદગીની સફરે નીકળી પડવાનો...! તે દિવસે પાછું ફરીને જોવાનું નહોતું. માહ્યરામાં બેઠેલી તે પોતે વિધિની એ ક્ષણોમાં ક્ષિતિજને આરે આવીને ઉભી રહે છે અને પૃથ્વીને ઓળંગીને આકાશ તરફ જવાની તૈયારીઓ કરતી હોય ત્યારે પોતાની વીસ વર્ષની વીતી ચુકેલી જિંદગીને પોતાની આંખની સમક્ષ તાદૃશ્ય નિહાળતી હોય છે. સપ્તપદીના સાત ફેર ફરવા માટેની ક્ષણ આવીને ઉભી રહે છે. ઉંમરભરની શરમ જાણે તેની પાંપણો પર આવીને બેઠેલી હોય ત્યારે તેની નજાકત, ચંચળતા, જીદ, શરમ તો જાણે કેટલાયે ગાંવ દુર છૂટી ચુકી હોય છે. સજાવટ, લગ્નના ગીતો, આભૂષણો, હાથમાંની દુલ્હાના નામથી સજેલી મહેંદીની સાથે ‘કન્યા પધરાવો સાવધાન’ ના ગોર મહારાજના શબ્દો કર્ણપટ પર પડતાની સાથે જ હોઠ કંપી ઉઠે છે. હૃદય જાણે ધબકવાની કોઈ ક્ષણ ચુકી જાય છે. આંસુઓમાં જાણે વહી જાય છે માતા-પિતાના ઉપકારો, તેમનું સાન્નિધ્ય અને તેમનું વાત્સલ્ય. આવતી કાલે એક મધુર દિવાસ્વપ્ન બની જવાની હતી એ ..! હૃદયના ઊંડાણમાંથી એક અનોખો અવાજ નીકળી પડે છે, અસ્તિત્વ રડી પડે છે, આંસુઓને રોકી શકાતા નથી. દીવાલ પરના હાથની ઝાંય ધીરે-ધીરે ઝાંખી પડતી જશે પરંતુ એ સ્પર્શ, સંવેદના કે સ્મૃતિ તો તેની તે જ રહેશે. ધીરે-ધીરે પોતાની દીકરીને ‘કન્યા’ બનીને પોતાના સ્વગૃહેથી મોકલતા કોઈના પગ ઉપડતા નથી, જીભ અચકાય છે, હૈયું રડે છે, મન વ્યાકુળ છે અને વર્ષોની કેટલાયે સંબંધોની દોર ખેચીને રાખેલ છે.
વીસ વર્ષ દરમિયાન વિતાવેલ ક્ષણો...નાના-નાના ગુલાબી હાથ, એ ચંચળ પગલા, મીઠી જીદ, મધુર ટહુકો, પ્રથમ નંબરે પાસ થતી વખતે છવાયેલી ચહેરા પરની ખુશી, પ્રિય ટીવી સીરીયલની ચેનલ પર ફરતી આંગળીઓનો સ્પર્શ, પોતાને ગમતો હીંચકો, પુસ્તકો, ગમતા રંગના પરિધાનો, રિસાઈ જવાનું હોય ત્યારે નક્કી એવો રૂમનો ખૂણો, વાળને સજાવતો કાંસકો, મનગમતા ગીતની સીડીઓ, મનભાવતી ચોકલેટનો ફ્રીજમાનો ડબ્બો, પોતાનો જ માલીકીભાવે રાખેલ કોફીનો મગ, બર્થ ડે પર લઇ આપેલ ‘ટેડી બેર’, નાનપણથી આજ સુધી સાચવી રાખેલ ‘બાર્બી ડોલ’, ઘરની બહાર જતી વખતે “પપ્પા..! હું જાઉં છું..” એટલી ક્યુટનેસ સાથે કહેતા જ ચહેરા પર છવાઈ જતી ખુશી, ઘરે આવતા મોડું થતા જ એટલો જ ધીર-ગંભીર બની જતો ચહેરો અને છવાતા ચિંતાના વાદળ, સ્પર્શ, ચંચળતા, મસ્તી, જીદ,...આ દરેક છોડીને ફરી એક સ્વપ્ન મહેલ લઈને નીકળી પડે છે. જિંદાદિલ સ્વપ્ન...! સ્વપ્નિલ ઝૂનુન...! ઝનૂની હૃદય...! એ પણ પેલી વરસાદની બૂંદમાં ખોવાઈ જવાય તેવું....
:સ્વપ્નિલ ટહુકો:
કુટુંબની લાડકી ટચલી આંગળી, માં-બાપના વૃદ્ધત્વના કિનારાને હમેશા હર્યો-ભર્યો રાખતી પાણીની છાલક, ક્યારેય ના ભૂંસી શકાય એવી મનની લાગણી, વિષાદી મનનો સાથ, સ્વપ્ન બનીને ઉડી જતી માં-બાપની પરિકલ્પનાની ‘પરી’, હૃદયના તારને હમેશા જીવંત રાખતી સરગમની ધૂન, મનના માનસપટ પરનું ‘સ્ક્રીન-સેવર’, રંજને પરાજિત રાખતો મનનો આફતાબ, જીવવા માટેની આશાને પ્રજ્વલ્લિત રાખતી જ્યોત...! એ આ લાડકડી છે.