Real stories - 2 in Gujarati Short Stories by MB (Official) books and stories PDF | આસપાસ ચોપાસ - 2 (True Story Series Gujarati)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

આસપાસ ચોપાસ - 2 (True Story Series Gujarati)

આસપાસ ચોપાસ

(સત્યઘટના પર આધારિત વાર્તાઓ)

ભાગ - ૨

અનુક્રમણિકા

1 - જ્ઞાન વસિયત - વિજય શાહ

2 - ઝગમગતી છત્રી - આકાશ કડિયા

3 - ઝુબેદા માસી - વલીભાઈ મુસા

4 - દિવાળી વેકેશન - સુરેશ. એમ. પટેલ

5 - દિવ્યાંગ સીંગલ મધર - દર્શિતા શાહ

6 - પરપોટો - ARUN A. GONDHALI

1 - જ્ઞાન વસિયત

વિજય શાહ

મારા પપ્પા એટલે મારા જ પપ્પા!

તે દિવસે રાત્રે મને તેઓ સ્વપ્નામાં આવીને કહે “જો શીતુ તું મારા ઘરે બહું મોડી આવી એટલે તારા માટે મને સતત એવું રહે કે બીજાઓનાં કરતા તને મળવું જોઇએ એટલું વહાલ ઓછુ મળ્યુ.. પણ એટલું માનજે કે તું મારી દીકરી નહિં પણ દીકરો છે.”

“પણ પપ્પા આ કેવો વેશ કર્યો છે?”

“ જો બેટા મને તો જિંદગી એ બધું જ આપ્યુ છે એટલે તો કહું છું હવે ગમે ત્યારે ઉપરથી તેડુ આવે અને તમારા બધાનો સંગ છુટે તો અફસોસ ના કરીશ.”એમનું મન મોહક હાસ્ય વેરતા તેઓ બોલ્યા.”લીલી વાડી છે અને કોઇ અફસોસ બાકી નથી. પ્રભુએ માંગ્યા કરતા ઘણું આપ્યુ છે.

“એવું ના બોલોને પપ્પા.”

“ જો બેટા આયુષ્ય કર્મથી વધુ એક મીનીટ પણ આયુષ્ય મળતું નથી..હવે ૮૦ તો થયા.તમે બધા તમારી દુનિયામાં ખુશ છો અને કુદરતનો નિયમ છે ને વડવાઓએ નવાંગતુકોને જગ્યા આપવીજ રહી અને તેથી જ મૃત્યુ ને હસતા મોએ સ્વીકારવું રહ્યું”

“પપ્પા તમે તો કહી દીધું પણ મને તો વિચાર માત્રથી કમ કમીયા આવે છે, તમારો છાંયડો જઈ શકે છે.”

“ હા સ્વિકારવું જ રહ્યું જન્મ્યું છે તે જવાનું જ છે કોઇ વહેલું કે કોઈ મોડું.”

“પપ્પા મોટી બેનોનાં જેટલો મને તમારો છાંયડો નહીં?”

સ્વપ્નમાં જાણે દૂંદૂભી વાગતી હોય અને ભવાઇનો પડદો પડે તેમ અચાનક દ્રશ્ય બદલાયુ અને શીતલ એકદમ જાગી ગઈ. વહેલી પરોઢનું સ્વપ્ન …તેનું મન તે સંકેતોને સમજવા મથતું હતું

તરત ભારત ફોન જોડ્યો..ફોન મમ્મીએ ઉપાડ્યો અને શીતલથી ડુસકું મુકાઇ ગયું.

કુમુદ બા બોલ્યા “કેમ બેટા સવારનાં પહોરમાં ડુસકું?”

“બા સવારનાં પહોરમાં આવું વિચિત્ર સપનું આવ્યું..પપ્પાને ભવાઇમાં વેશ ભજવતા જોયા અને વાતો મૃત્યુની કરતા હતા.. હેં મમ્મી વહેલી પરોઢ્નું સ્વપ્નુ હતું તેથી જરા ડરી ગઈ.”

કુમુદબા તરત બોલ્યા “તને તારા બાપા પર બહુ પ્રેમ છે ને એટલે આવા ડરામણા સ્વપ્ના આવે્છે. ખરેખર તો આવું સ્વ્પ્ન આવે તો તેમની ઉંમર વધે તેથી રડના.”.

***

શીતુ મોટી ઉંમરે જન્મી હતી એના જન્મ વખતે મોટી બહેન કોલેજનાં છેલ્લા વર્ષમાં હતી.પુત્રેષણાની તે અકસ્માતે આશાઓ વધારી દીધી હતી, પણ તેવું બન્યુ નહોંતુ. બુધ્ધીજીવી પ્રોફેસરને તો તે વાતનો જરાય ગમ નહોંતો..તેમણે તો ચારેય છોકરીને સરખીજ માવજત આપી હતી પણ ક્યારેક કુમુદબાને ઓછું આવી જતું.. ભગવાને વારસ આપ્યો હોત એમનો વંશ ચાલતેને?

કુમુદ બાને રાજી રાખવા પ્રોફેસર કદીક શીતલને દિકરાની જેમ રમાડતા. શીતલ દીકરો પણ હોય અને દીકરી પણ હોય..તેનાથી શું ફેર પડે?

પણ સ્કુલમાં એક નાટક્નાં દ્રશ્યમાં છોકરો બનવાનું હતું ત્યારે બૉય કટ વાળ કર્યા પછી તે અદ્દલ છોકરો લાગતી ત્યારે કુમુદ બાનું મન ભરાઇ આવેલું..ત્યારથી પ્રોફેસર બાપ પણ વહાલમાં શીતલ દીકરો કહેતા.તે વખતે રક્ષા બંધને કુમુદબા એ તેને રાખડી બાંધી. આવતે ભવ મારા પેટે દિકરો થઈને આવજે નાં આશિષ દીધા હતા.

તે દીવાળી એ ઘરમાં સૌ પત્તા રમતા બધા બેઠા હતા ત્યારે પપ્પા બોલ્યા “પત્તાની રમત વ્યસન બને ના તે રીતે રમવી જોઇએ પણ તે આયોજન કરતા શીખવે છે અને સાથે સાથે ટેબલ ઉપર આખા કુટંબ ને એક સાથે ભેગા રહેતા શીખવે છે.સાથે સાથે એક વાત એ પણ સમજવી કે પત્તા સાથે નાણા ન રમવા જોઇએ આગળ જતા એ જુગટું બને..”

***

એક્ બે વરસે ફોન ઉપર મૃત્યુ વિશે ચર્ચા કરતા પપ્પા બોલ્યા “ શીતલ સમાજમાં ગમે તે દેખાય પણ મારા મૃત્યુ પછી અગ્ની દાહ બધી બહેનો સાથે દેજો.”

“પપ્પા આવી વાતો કરવી જરુરી છે?”

જો બેન આયોજન બધ્ધ રહેતા મેં મારી જિંદગી કાઢી છે. અને હું માનું છું કે પહેલેથી વિચાર્યુ ન હોય તો તે ઘટનાઓનો જગકાજી સમાજ બને અને ક્યારેક દુખતી રગ ખોટી રીતે દબાય તેથી આજે આ વાત સૌને જણાવી દીધી. હું માનું છું તમે સૌ મારું જ પંડ છો અને મારા પૈસા મિલ્કત્નાં સાચા અધિકારી કુમુદ પછી તમે છો તેથી તે રીતનું વીલ બનાવ્યું છે.

“પપ્પા તમારી સાથે દીદી છે અને તેના ઉપર મને પણ પુરો ભરોંસો છે તેથી આવી બધી વાતો મને ના કરી દુઃખી ના કરો”.

“આયોજન એવી રીતે કરવું જોઇએ કે જગ છુટ્યે કોઇ મનદુખ રહેવું ન જોઇએ”

કુમુદ બાએ સંમતિ દર્શાવતા કહ્યું “ બાકીની ત્રણ બહેનો અહીં ભારતમાં, પણ તું અમેરિકામાં તેથી બધી માહીતિ પુરે પુરી તારે પણ જાણવી જોઇએ.

ડબ ડબાતી અંખે શીતલ બોલી. “મારે તો તમારો છાંયડો લાંબા સમય માટે જોઇએ.” ફોન નાં બેઉ છેડા આંસુ સારતા હતા.

પપ્પા બોલ્યા.”સંપીને રહેજો અને મન મોટૂં રાખજો.અને શક્ય તેટલું ધર્મમય ભાવે જીવજો”

“ પપ્પા હજી ઘણું લાંબુ તમે જીવવાનાં છો.”

હા એટલી જ લાંબી મારે તમને સૌને જ્ઞાન વસિયત આપવાની છે. તેથી જ્યારે આંતર મન આપવા સક્રીય થાય ત્યારે તેને ધ્યાન દઈને સાંભળો..ધન દોલત તો નજરે ચઢશે પણ આ જ્ઞાન વસિયતતો જ્યારે ઉદય થશે ત્યારેજ સંભળાશે.

.જિંદગીનાં અંતિમ તબક્કે સૌને મારું શ્રેષ્ઠ છે તે આપવું છે પણ મને ખબર નથી અંતિમ તબક્કો ક્યારે આવશે. .જ્યારે આવશે ત્યારેની રાહ ન જોતા હાલ સંભળાવી દઉં કે હવે જે સાથે નથી આવવાનું તેના ઉપરનો મોહ ઘટાડો અને જે સાથે આવવાનું છે તેને ઓળખો. તે પાપ અને પૂણ્યને સાથે લઈ જવા પછેડી બાંધો. ઉર્ધ્વ ગામી બનવા હલકા થાવ અને પાપગામી કશાયો છોડો. મુસ્લીમ ધર્મનાં સંત પુરુષો કહે છે કયામતનાં દિવસે ઉજળા રહેવા એવું કશું જ ના કરો કે જેનાથી ભાર વધી જાય.

ખુબ જ અંદરથી આવતી વાણીને સાંભળતી શીતલ ગળ ગળા અવાજે પુછી બેઠી પપ્પા તમને કંઈક થઈ ગયુ હોય અને અમારે તમારી પાસે આવવું હોયતો કેવી રીતે અવાય?

પપ્પા કહે મેં આજ પ્રશ્ન મારી મા ને પુછ્યો હતો તો બે ચોપડી ભણેલ માએ એક જ વાત કહી હતી…કર્મો ખપાવ્યા પછી સાચા હ્રદયે સૌને માફ કર્યા અને માફી માંગી લીધી પછી આત્મા પરમાત્માનાં શરણે પહોચે છે ત્યાં પરમાત્મા સાથે મિલન થાય ત્યારે હું તને મળીશ.

શીતલ સ્તબ્ધ હતી પણ આ બધુ થાય તેને માટે થતો વિલંબ તેને ખપતો નહોંતો.

પપ્પા જાણે તેના ચહેરા ઉપર આ વાત વાંચી રહ્યા હોય તેમ બોલ્યા. મોહનાં તાંતણાં સૌથી સુંવાળા પણ અત્યંત મજબુત હોય છે. તારો આત્મા તે મોહબંધને ભેદવા સમર્થ થશે તો ક્ષણ માત્રનોય વિલંબ નહીં થાય.

હું તો આ મોહનાં રેશમધાગાને હણી રહ્યો છું અને તેજ રીતે તમને પણ કટીબધ્ધ થવા કહી રહ્યો છું.

વાત પુરી થઈ પણ હજી પપ્પાનાં અવાજ્ને સાંભળવો હતો.. ફોન ફરી લગાડ્યો…

ફોન મમ્મીએ ઉપાડ્યો.

અતિ ભારે અવાજે મમ્મીએ કહ્યું “ પપ્પા તો તારી સાથે વાતો કરતા કરતા સુઈ ગયા છે. ડોક્ટર કહે છે તેમને સુઈ રહેવા દો. એ જાગશે ત્યારે ફરી ફોન કરાવીશું”

શીતલને લાગતું હતું પપ્પા હવે કદાચ નહીં જાગે. તેમની લાડલીને તેમની જિંદગીનાં સર્વ સત્યો સમજાવી પપ્પા અનંતને માર્ગે નીકળી ગયા હતા. તેણે નવકાર ગણ્યા અને જય જીનેંદ્ર. કહી ફોન મુક્યો.

કથા બીજ -પીનુ ( ભક્તિ શાહ)

***

2 - ઝગમગતી છત્રી

આકાશ કડિયા

"ક્યાંક વરઘોડો જતો લાગે છે...!" મમ્મી બોલી. જમવાનું પતાવીને બસ બહાર આંટો મારવા નીકળતો જ હતો ત્યાં કોઈક ડીજે કે લાઉડ સ્પીકર પર ગીતો વગાડતું હોય એવો અવાજ સંભળાયો. રાતે જમ્યા બાદ આંટો મારવાની જૂની આદત મુજબ સ્લીપર પહેર્યા અને ઘરની બહાર નીકળ્યો. અવાજ હવે થોડો વધારે મોટો અને સ્પષ્ટ સંભળાતો હતો પણ ગીત ના શબ્દો સ્પષ્ટ નહોતા સંભળાતા, પણ હા હતું અત્યારના લગનોમાં વાગતું કોઈક ફેમસ ગીત જ. હું આંટો મારવા રોજ જતો એજ દિશા માંથી અવાજ આવતો હતો. જેમ જેમ આગળ વધ્યો તેમ અવાજ વધારે તીવ્ર થતો ગયો અને આછી એવી સફેદ રોશની પણ દેખાતી હતી.

આછી સફેદ અને ધીમે ધીમે આગળ તરફ આવતી રોશની અને અવાજની તીવ્રતા પરથી જ લાગ્યું કે વરઘોડો જોરદાર હશે જોવાની પણ મજા પડશે એ વિચાર સાથે મેં પણ મારા ચાલવાની ઝડપ વધારી. જોવા માટે હું એકલો જ તલપાપડ થતો હતો એવું નહતું રસ્તા પર સાઈડ ના મકાન ના લોકો પણ ઘર ની બહાર આવી ગયા હતા. ચાલતા ચાલતા થોડો વધુ આગળ પહોંચ્યા બાદ હવે વરઘોડાનું દ્રશ્ય વધારે સ્પષ્ટ હતું તેમાં વાગી રહેલા મ્યુઝિક ની તીવ્રતા હવે હું મારા શરીરમાં કંપન ના રૂપે અનુભવી શકતો હતો. વરઘોડામાં આગળ એક ટેમ્પામાં મોટા સ્પીકર ગોઠવેલા હતા પાછળ લોકો નાચી રહ્યા હતા અને તેની પાછળ એક બગી હતી.

બી આર ચોપરા ના મહાભારત માં યુદ્ધ સમયે બતાવાઈ હતી એવી રીતની બે ઘોડા વડે ખેંચાઈ રહેલી બગી સોનેરી રંગથી રગેલી હતી. બગીની ધારે ધાર એલ ઇ ડી લાઇટની પટ્ટી લાગેવેલી હતી અને તેથી વરઘોડામાં સહુ થી પ્રથમ બગી પર જ નજર જતી હતી. બગી માં પાછળની બેઠક ની ઉપર છત્ર હતું અને આમને સામને બેસી શકાય એ રીતની બેઠક હતી. આ છત્ર પર પણ એલ ઈ ડી લાઈટો લગાવી હતી એટલે દૂરથી જ વરઘોડાના અવાજ સાથે બગી પણ નજરે ચડતી હતી.

બગી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. એ બગીએ મારુ નહિ આસપાસના બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વરઘોડા ની સામેની બાજુના રસ્તે જતા વાહનો પણ તેમના વાહન ની ગતિ થોડી ઓછી કરી તેને જોઈ રહ્યા હતા તો વરઘોડો આવતો હતો તેની પાછળના વાહનો પાસે તો વાહન ધીમે ચલાવ્યા સિવાય કોઈ બીજો ઉપાય જ નહતો. પાછળ આવી રહેલા વાહનો કદાચ જોર થી તેમના વાહનનું હોર્ન પણ વગાડી રહ્યા હશે જોકે સ્પીકરો માંથી આવતા અવાજ સામે કદાચ વિમાનનો અવાજ પણ ઓછો પડી શકે એટલું તીવ્ર મ્યુઝિક વાગી રહ્યું હતું.

કેટલાક છોકરાઓ નું ટોળું પણ એ જ દિશામાં મારા કરતાં ઝડથી જઈ રહ્યું હતું અને ચાલવાની સાથે સાથે તેમાંના કેટલાક તો વરઘોડામાં વાગી રહેલા ગીત પર નાચી પણ રહ્યા હતા અને તેમને નાચતા જોઈ રસ્તાની આજુ બાજુમાં ઉભેલા બીજા ટાબરીયાઓ પણ મસ્તીમાં આવી એક બે કુદકા મારી લેતા જોકે મોટાઓને એ છોકરાઓના નાચવા કુદવામાં કાંઈ ખાસ રસ નહતો તે લોકો તો વરઘોડો વધુ નજદીક આવવવાની રાહ જોઈ રહ્યા હતા. ચાલતા ચાલતા હું એ વરઘોડા ની સામેની તરફ આવી ને ઉભો રહ્યો.

એ સામાન્ય દિવસ હોઈ રાતે કામે થી પરત કે કોઈ અન્ય કામ માટે જઈ રહેલા લોકો ની સંખ્યા પણ વધારે હતી અને રસ્તાનો એ ભાગ થોડો સાંકળો હોઈ વરઘોડાને લીધે રોડની એક ટ્રાફિક જમા થવા લાગ્યો હતો. વરઘોડાની પાછળ વાહનોની લાંબી લાઈનમાં લાગી ગઈ જેમાં દરેક વાહનચાલક પોતાની જરૂરિયાત અને સ્વભાવ મુજબ વર્તતું દેખાયું. કોઈ ગાડી વાળા હોર્ન મારી રહ્યા હતા તો કોઈ શાંતિ થી આગળ જઈ રહેલી બગીને નિહાળતા હતા તો કેટલાક ટુ વ્હીલર વાળા જમણે ડાબે જેમ તેમ કરી તેમનું ટુ વ્હીલર આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા તો કેટલાક મોજીલા લોકો પોતાના વાહન પર બેઠા બેઠા જ વાગી રહેલા ગીત સાથે તાલ મિલાવી પોતાના વાહન પર બેઠા બેઠા જ માથું હલાવી રહ્યા હતા ક્યાંતો હાથ વડે તેમના બાઈક ની ટાંકી પર તબલા વગાડી રહ્યા હતા. અને આ બધામાં કેટલાક એવા પણ હતા જે સમય નો ફાયદો ઉઠાવી આજુબાજુનો માહોલ ભૂલી પોતાના મોબાઇલની દુનિયામાં ડૂબી ગયા હતા.

બગી અને સ્પીકર લઈને આગળ વધતા ટેમ્પા ની વચ્ચે નાચી રહેલા લોકો... પુરુષોમાં કોઈએ સ્યુટ પહેર્યો હતો તો કોઈ શેરવાની તો સ્ત્રીઓમાં કોઈક ચણીયા ચોળી તો કોઈક ભારેખમ સાડીઓ પહેરીને સોળે સિંગાર સજીને નાચી રહી હતી અને જોડે કેટલાક નાના છોકરા છોકરીઓનું ટોળું જે પોતા પોતાની રીતે ગરબા,ડાન્સ કે ભાંગડા કરી રહ્યા હતા. અને આખાય ટોળાના ચારે ખૂણે એક એક છોકરો જેઓ થોડા લઘર વઘર કહી શકાય તેવા કપડા સાથે હાથમાં એક દંડો લઇ ને આગળ વધી રહ્યા હતા. દંડાની ઉપર એક લાલ રંગની છત્રી, છત્રીની ઉપર એક ફાનસ જેવો લાઈટનો ગોળો જેના પ્રકાશથી છત્રીની ધાર પર જોડવામાં આવેલી કાચના મોતીઓની માળા પણ જાણે એલ ઈ ડી લાઇટની પટ્ટી હોય તેમ ઝગમગી રહી હતી. સ્યુટ, મોંઘીદાટ ચણીયા ચોરી કે સાડીઓ ની વચ્ચે એ ચાર છોકરાના લઘર વઘર કપડાં થોડા અલગ પડી જાત પણ તેમના હાથમાં રહેલી એ ઝગમગાટ વાળી છત્રી એ બધું સાચવી અથવા કહો કે ઢાંકી દીધુ હતું.

મારી પાછળ રહેલી બેકરી પાસે ઉભેલી એક વૈભવી કાર જોડે ઉભેલ વ્યક્તિ કારમાં પાછળની સીટમાં બેઠેલા છોકરાને તેના હાથમાં રહેલી પેસ્ટ્રી ખાવા કહી રહયો હતો પણ એ છોકરાનું ધ્યાન તો ગાડીની આગળ નાચી રહેલા કેટલાક નાના છોકરાઓ તરફ હતું તો એ છોકરાઓ માંથી કેટલાક સામેથી પસાર થઈ રહેલા વરઘોડાની રોશની થી ઝગમગીત બગી અને છત્રી પર હતી. અને છત્રી પકડીને જઈ રહેલા માંથી એક છોકરાનું ધ્યાન સામેની તરફની બેકરીમાં પડેલી ખાવાની વસ્તુઓ તરફ લાગી રહ્યું હતું. મારા મનમાં આ જોઈ ફિલોસોફીકલ વિચાર જાગ્યો ત્યાં જોરદાર હોર્ન નો અવાજ આવ્યો અને મારી પાછળ થી આવી રહેલા બાઈક વાળાએ રસ્તો કરી આપવા કહ્યું. વરઘોડો પણ હવે આગળ નીકળી ગયો જ્યાં રસ્તો વધારે પહોળો હોઈ તેની પાછળના વાહનો આગળ નીકળવા લાગ્યા અને વરઘોડાને જોવા ઉભેલા લોકો વિખેરાવા લાગ્યા અને હું પણ મારા નિયત રસ્તે આગળ ચાલવા લાગ્યો મનમાં એક જ વિચાર હતો કે રોશની થી ઝગમગતી આવી કેટલીયે છત્રીઓ પોતાની ઝગમગાટ નીચે ઘણું બધું ઢાંકી દે છે.

***

3 - ઝુબેદા માસી

વલીભાઈ મુસા

તમે બરાબરનાં એવાં સલવાયાં હતાં, ઝુબેદા માસી, કે ધોબીના પોઠિયા જેવી તમારી દયામણી વલે થઈ ચૂકી હતી! એક તરફ પુતરપ્રેમ પાંગર્યો હતો, ફરીકો તમારા વેરાન હઈડામાં; અને, બીજી તરફ ઘરમના માનેલા તમારા ભઈલા મામદના નજર સામેના ચહેરાની કલ્પના માત્રથી તમે શરમિંદગી અનુભવી રહ્યાં હતાં. ગમે તે ગણો, ઝુબેદા માસી, પણ આજે તમે તમારી વધારે પડતી સંવેદનશીલતાની કિંમત જાણે કે ચૂકવી રહ્યાં હતાં! બાલ્યવયે જે લાડલો હતો અને વચાળે પાછો વેરીડો બની ગએલો એ જ તમારો સાવકો પુતર અબ્દો વળી ફરીવારકો યુવાનવયે આવતાં તમારો લાડકવાયો બની ગયો હતો. તમે તેનાથી રિસાઈને તમારી આકરી શરતોએ ભાઈ મામદના ઘરે આશરો લીધો હતો અને તે વાતને પાંચેક વરહનાં વહાણાં વાઈ ચૂક્યાં હતાં. હવે અબ્દાના ઘોડે બેસવાના દિવસો નજીક આવી રહ્યા હતા અને, તમે ઝુબેદા માસી, તેના વિવાહનાં ગાણાં ગાવા અને તેના લગનમાં મહાલવા હરખપદુડાં થઈ રહ્યાં હતાં.

હવે ઘટના એમ આકાર લઈ રહી હતી હતી કે છેલ્લી કેટલીક રાત્યુંથી ભાઈ મામદને અંધારામાં રાખીને તમે બેઉ માદીકરો મધ્યરાત્રિનાં કાળાં ડિબાંગ અંધારાં ઓઢીને એકબીજાંને મળતાં હતાં, એટલા માટે કે ગૂંચવાઈ ગએલી સૂતરની આંટીમાંથી દોરો કઈ રીત્યે ઉકેલવો! તમે ઝુબેદા માસી, તમારી જીદને અબ્દા પ્રત્યેની નફરતનાં પાણીડાં પાઈપાઈને એવી વકરાવી દીધી હતી કે એ દિવસોમાં તો તે માપમાં આવવા માગતી ન હતી અને હવે એ જ જીદ અચાનક ઢીલીઢસ થઈ ગઈ હતી! આમ તો તમે બેઉ માદીકરા વચ્ચે પડેલી આંટી તો સાવ ક્ષુલ્લક હતી. એ રાતે પોતાના ગોઠિયાઓ સાથે મોડી રાત સુધી રખડીને ઘરે આવેલા અબ્દાને તમે રડમસ અવાજે, તે ખરાબ સોબતે વંઠી જશે તેવા ભય હેઠળ, એક જ સવાલ કર્યો હતો કે તને મા વ્હાલી કે તારા ભેરુડા?’. રોજનો ટિટિયારો સાંભળતો આવતો એ અબ્દો તે રાતે મર્યાદા વળોટી બેઠો હતો અને તોછડાઈથી બકી ગયો હતો, ‘ભેરુડા, ભેરુડા, ભેરુડા…, સાડી સત્તર વાર, ભેરુડા! લ્યો, હવે શું ક્યો છો!

અણધાર્યો અબ્દાનો જવાબ સાંભળીને ડઘાઈ ગએલાં, તમે ઝુબેદા માસી, તે રાત્રે ઊંડો નિસાસો નાખતાં હાયકારા સોતાં બેસી ગએલા સાદે એટલું જ બોલી શક્યાં હતાં, ‘અરર…, આંગળીથી નખ વેગળા તે વેગળા! તું મારો જણ્યો હોત તો આવું ન બોલત!આમ કહેતાં ઘરના વચલા બારણાની પોતાના તરફની સાંકળ ચઢાવી દઈને ઘરના પછવાડાના ભાગે તમે તમારી રોજિંદી પથારીએ જઈ સૂઈ ગયાં હતાં. અબ્દાને પણ ગુસ્સામાં એ ભાન રહ્યું ન હતું કે હંમેશાં આડા રહેતા વચલા કમાડને તે રાતે તમે સાંકળ વાળી દીધી હતી!

એ રાત તમારા માટે નિંદર કાજે વેરણ બની ચૂકી હતી. અવિરત વહ્યે જતાં આંસુડાંએ તમારા તકિયાને ભીંજવી નાખ્યો હતો. રોજીરોટીની તલાશમાં વર્ષો પહેલાં દેશવટે નીકળી ચૂકેલા તમારા મરહુમ ખાવિંદ ઈભુને તમે સ્મરી રહ્યાં હતાં. તેમના કોઈક મેમણ દોસ્તે દરિયાઈ માર્ગે મોકલેલી રખડતી રખડતી આવેલી એ ટપાલ થકી જ તમને જાણવા મળ્યું હતું કે તેઓ ટૂંકી માંદગી ભોગવીને અલ્લાહને પ્યારા થઈ ચૂક્યા હતા અને ઈરાકના બસરામાં દફન થઈ ગયા હતા. તમારી ઐરાકી શોક્ય અને અબ્દાનો મોટો ભાઈ કે જેનું તમે નામ પણ ભૂલી ગયાં હતાં એવાં તે બેઉની તમને વર્ષોથી કોઈ ભાળ પણ ન હતી.

ઝુબેદા માસી, તમારે વતનમાં માથું ઢાંકવા માટેનું નળિયાંવાળું સાદું મકાન હતું અને તમને માદીકરાને ખાવા માટે પૂરતું થઈ રહે તેટલું વડીલોપાર્જિત એક ખેતરના ટુકડામાંથી ઘેરબેઠે આવ્યે જતું અનાજ હતું. રેંટિયાકામ અને ખાખરા-પાપડ વણવાના ગૃહકાર્ય થકી અને કોઈકવાર તમારા ખાવિંદે કોઈ ઈરાકની ઝિયારતોએ ગએલા હમવતની સાથે થોડાંઘણાં મોકલી આપેલાં નાણાં થકી તમારી અન્ય આર્થિક જરૂરિયાતો સંતોષાતી હતી. તો વળી વર્ણભેદ વગર ગામની સ્ત્રીઓની સુવાવડ કરાવી આપવાના સેવાકાર્ય થકી તમારી આત્મસંતોષની લાગણી પણ પરિતૃપ્ત થતી હતી અને તેથી જ તો લોકોએ તમને માસીનું બિરૂદ આપ્યું હતું. જિંદગીભર સંતાનવિહીન સ્થિતિમાં પતિથી દૂર રહીને એકલવાયું જીવન વ્યતીત કરી ચૂકેલાં તમે એવાં સંવેદનશીલ બની ચૂક્યાં હતાં કે તમે કોઈ વાતે જ્યારે મનોમન હિજરાયે જતાં, ત્યારે કદીય પોતાની વ્યથામાં કોઈને સહભાગી પણ બનાવતાં ન હતાં. તમારી દાયણ તરીકેની સેવાઓથી ઉપકૃત એવી સ્ત્રીઓ તમારી લાગણીઓ ન ઘવાય તે માટે હંમેશાં ખામોશ રહેતી હતી. ગામમાં ભિક્ષાવૃત્તિ માટે આવતા ભરથરીઓનાં ભાઈબહેન, પિતાપુત્રી, માદીકરા કે પતિપત્નીના લાગણીસભર સંબંધો ઉપરનાં સદીઓથી ચાલ્યાં આવતાં વિરહગીતો સાંભળવાની, તમે ઝુબેદા માસી, હિંમત કરી શકતાં ન હતાં. તેવા ટાણે તમે ઘરનાં આગળપાછળનાં કમાડ બંધ કરી દઈને ઘરમાં ભરાઈ જતાં હતાં અને હૈયાફાટ રડી લેતાં હતાં.

વતન છોડ્યા પછી તમારા ખાવિંદ ઈભુ ઈરાકના બસરામાં કોઈક આરબણને પરણ્યા હતા, જેના થકી બે જોડિયા છોકરા જન્મ્યા હતા. સાંભળવા મળતું હતું કે ઈભુ આર્થિક રીતે તંગ હાલતમાં જીવતા હતા અને તેથી જ તો તેમણે, ઝુબેદા માસી તમને, કાગળ લખીને તમારી સંમતિ જાણ્યા પછી અબ્દાને તેની ત્રણેક વર્ષની ઉંમરે તમારી પાસે છોડી ગયા હતા. પેલી આરબણ અરબી ભાષા જ જાણતી હોઈને અથવા તો નાના અબ્દાને ભારત છોડી જતાં તેને અપાર વેદના થશે તેવા બહાના હેઠળ કે પછી આખા કુટુંબનું મુસાફરીનું ખર્ચ પોષાય નહિ તેવાં કોઈ કારણ કે કારણો હેઠળ ઈભુ અને અબ્દો બંને જણ જ વતનમાં આવ્યા હતા.

અબ્દા સાથેની તે રાતે ચકમક ઝર્યા પછી તમે ઊંઘી શક્યાં ન હતાં. તમારી વેદનાને હળવી કરવા તમે આખી રાત ઈબાદતમાં ગાળી હતી અને વ્હેલી સવારની નમાજ પઢી લીધા પછી ઘર પાછળના વાડાના છીંડેથી તમે બેએક જોડ કપડાં સાથે અને ઓઢણાના છેડે થોડુંક પરચુરણ બાંધીને ગૃહત્યાગ કરી લીધો હતાં.

તમારા ધર્મના માનેલા ભાઈ મામદ માટે આંગળીથી નખ વેગળાઉક્તિ લગીરેય લાગુ પડતી ન હતી; કેમ કે માત્ર મામદ જ નહિ, પણ તમારી ભાભી સુકયના અને તેનાં છોકરાં પણ જનમદુ:ખિયારાં એવાં તમને તમારી લાગણીઓ ન દુભાય એ રીતે કાચના વાસણની જેમ સાચવતાં હતાં. તમે જે રાત્રિએ ગૃહત્યાગ કર્યો હતો, તેની વહેલી સવારે અબ્દો રડતો રડતો તેમની પાસે આવ્યો હતો. મામાભાણેજે અને ગામના કેટલાય માણસોએ દિવસો સુધી દૂરદૂર સુધી જઈ આવીને તમને શોધવામાં કોઈ કસર બાકી છોડી ન હતી. આખું ગામ હાથવણાટ કાપડઉદ્યોગમાં પરોવાયેલું હતું અને ગામના કેટલાયે ફેરીઆઓને ભાઈ મામદે તાકીદ કરી હતી કે તેઓ પોતાની કાપડની ફેરીની સાથેસાથે તમારી શોધખોળ કરવાનું ચાલુ રાખે.

* * *

આખરે ગામ આખાયના સહિયારા પુરુષાર્થ થકી તમારા ગામથી થોડેક જ દૂર આવેલા એક નાનકડા શહેરમાંથી, ઝુબેદા માસી, તમારી ભાળ મળી ગઈ હતી. એક દિવસે તમને ભાળી ગએલો પેલો ફેરીઓ અને તમારો ભાઈ મામદ એમ બેઉ જણ જ તમને મનાવીને ઘરે પાછાં લાવવા પેલા શહેરે આવ્યા હતા. વાત વણસી ન જાય તેની સાવચેતીરૂપે અબ્દાને એ લોકોએ સાથે લીધો ન હતો. કોઈક વ્હોરાજીના ત્યાં ઘરકામે લાગી ગએલાં એવાં, ઝુબેદા માસી તમે, બજારમાંથી શાકભાજી ખરીદીને તમારા શેઠિયાના ઘર તરફ જઈ રહ્યાં હતાં. તમને ખબર ન હતી કે તમારો ભાઈ મામદ અને પેલા ફેરીઆભાઈ તમારો પીછો કરી રહ્યા હતા. તમે ઘરમાં દાખલ થઈને દરવાજો બંધ કર્યો કે તરત જ પેલાઓએ કોલબેલ વગાડી અને તમે જ એ દરવાજો ખોલતાં પૂછ્યું હતું, ‘ટમારે લોકોને કોનું કામ છે?

અમારે શેઠ કે શેઠાણી જે કોઈ ઘરમાં હાજર હોય તેમને મળવું છે!મામદે કહ્યું.

માલકિન, કોઈક ટમને મલવા આવ્યું છે!એમ કહીને પેલા બંનેને સોફા ઉપર બેસાડીને, તમે ઝુબેદા માસી, પાણિયારે પાણી લેવા ગયાં હતાં.

મામદે પેલા ફેરીઆભાઈ સામે આંખ મટમટાવતાં હળવા અવાજે જણાવી દીધું હતું કે મારી બહેન કેવી અજાણી થઈ રહી છે! વળી જૂઓ તો ખરા, એ લોકો જેવું બોલતાં પણ શીખી ગઈ છે!

થોડીવારમાં શેઠાણી બેઠકખંડમાં આવીને એક ખુરશી ઉપર બેઠાં અને તેઓની વચ્ચે વાતચીત શરૂ થઈ.

બોલો ભાઈઓ, ટમારે લોકોને કેમ આવવાનું ઠિયુ?’’

જૂઓ ને બહેનજી, તમારા ત્યાં કામ કરતી આ બાઈ કેવી ચાલાકી કરી રહી છે?

કેમ વલી સાની ચાલાકી? એનું નામ સોફિયા છે અને છેલ્લા પાંચેક મહિનાથી અમારા ટ્યાં કામ કરે છે અને બિચારી નિરાધાર છે. પન, સાચ્ચું કહું તો હવે ટે નિરાધાર નઠ્ઠી! સોફિયા અમારા ઘરનું ફેમેલી મેમ્બર ઠઈ ગઈ છે!

બહેનજી, તેનું નામ સોફિયા નહિ, પણ ઝુબેદા છે અને હું તેનો ભાઈ મામદ છું અને સાથેવાળા મારા ગામના ફેરીઆભાઈ છે!

ઓ સોફિયા, આ લોકો કેછે ઈ વાત સાચ્ચી છે?’

નહિ, માલકિન! એ લોકોને કંઈક ગેરસમજ ઠઈ લાગે છે! હું એવનને ઓલખતી નઠી!

જૂઓ ભાઈઓ, અમારી સોફિયા કડ્ડી જૂઠ્ઠું બોલે નહિ. વલી, અમે બાઈ માનસો છીએ; બપ્પોરે સેઠજી આવે ટ્યારે ફરી આવજો. બીજી વાત કે ટમારા લોકનું જમવાનું કેમનું છે, ટે કહી દો. ટમે લોકો એટલી વાર બજારમાં ફરી આવો અને અમારી સોફિયા ટમારું ખાવાનું પણ બનાવી દેસે!પેલા બેઉને પ્રતીતિ થઈ ચૂકી હતી કે તેમના ચહેરાનો હાવભાવ પારખીને શેઠાણી વાતનો કંઈક મર્મ પામી ગયાં હતાં!

ના બહેનજી, અમારું કામ પતે નહિ ત્યાં સુધી અમે જમવાના નથી. વળી અમને તમારી દુકાનનું સરનામું બતાવો તો અમે શેઠજીની પાસે જઈને અમારી કેફિયત રજૂ કરીએ!

સોફિયા, આપની દુકાનનું વિઝિટીંગ કાર્ડ આ લોકોને આપ ને!

* * *

સોફિયા, આ લોકોએ ડુકાને આવીને મને સઘલી વાટ કહી સંભલાવી છે. આ મોમના લોક છે, વેપારી લાઈનના માનસો છે. એવન વરસોઠી આપના સહેરમાં હાથવનાટના કાપડની ફેરી કરવા આવટા હોય છે. મને ટેમની વાટ ઉપર યકિન ઠૈ ગ્યું છે. જો ટું અમારા ટ્યાંથી જાય ટે અમને ગમે બી નંઈ; પન, ઈન્સાનિયટનો ટકાજો ટો એ કહે છે ટારે ટારા ભાઈ સાથે જટા રેવું જોયેં. ટારું મન નોં માને ટો ટારા ડીકરા પાસે નંઈ જતી, પન મારા ડીકરા, ટારા વગર ટારું આખું ગામ ઝૂરે છે!

તમારા માલિક તૈયબઅલી શેઠની વાત સાંભળીને, તમે ઝુબેદા માસી, પોક મૂકીને એટલું બધું રડ્યાં હતાં કે તમારાં શેઠશેઠાણી, ભાઈ મામદ અને પેલા ફેરીઆભાઈ એ સઘળાં પણ પોતાના રૂદન ઉપર કાબૂ રાખી શક્યાં ન હતાં. તૈયબઅલી શેઠે તેમનાં પત્નીને સંબોધીને જ્યારે એમ કહ્યું હતું કે ઝુબેડા બેટીને રોઈ લેવા ડે કે જેથી ટેના ડિલનો ભાર હલવો ઠઈ જાય!’, ત્યારે, તમે ઝુબેદા માસી, પામી ગયાં હતાં કે હવે ખુદ તમારા શેઠ તમને ઝુબેદા નામે બોલાવે છે તો તમારી બનાવટ લાંબી નહિ ચાલે. આમ છતાંય તમે તમારા શેઠ અને શેઠાણીને હાથ જોડીને માફી માગતાં હવે તમારી પોતાની મૂળ બોલીમાં તમે આમ કહ્યું હતું કે, ‘હું મારી આખી જિંદગીમાં તમારા લોક આગળ પહેલીવહેલી મારા સંજોગોને કારણે જૂઠ્ઠું બોલીને નોકરીએ લાગી હતી! તમે લોકો મને માફ કરો અને ખુદા તઆલાને પણ મારી માફી માટેની દુઆ કરજો. હવે તમે બધાં કહો છો તો તમારી વાતની શરમ ભરું છું અને મારી આકરી શરતોને મારો ભાઈ મામદ માને તો તેની સાથે જવા હું તૈયાર છું.

મામદ અને તેમના સાથીની ખુશીનો પાર ન રહ્યો, કેમ કે તેમના મતે એકદમ પેચીદો મામલો સાવ સરળતાથી પતી ગયો હતો. મામદે કહ્યું, ‘જો ઝુબેદા, અમે તને જીવતી જોઈ એટલે અમે ખુદાનો જેટલો શુક્રિયા માનીએ તેટલો ઓછો જ છે. તારી શરતો બોલ અને તૈયબઅલી શેઠ અને શેઠાણીજીની સાક્ષીએ હું ખાત્રી આપું છું કે મારા જીવના ભોગે પણ તારી શરતોનું પાલન કરીશ અને તને જીવનભર દુ:ખી નહિ કરું!

જો સાંભળ, મારા ભઈલા. મારી પહેલી શરત એ છે કે હું મારા ઘરે હરગિજ પાછી નહિ ફરું! બીજી શરત એ કે હું તારા ત્યાં જ રહીશ, પણ તારે મને તારા રહેવાના ઘરની સામેના પડતર ઘરમાં રહેવા દેવી પડશે. ત્રીજી શરત એ કે હું તારું રેંટિયાકામ કે અન્ય જે કંઈ કામ કરું તેનું તારે મને મહેનતાણું આપવું પડશે અને હું તંદુરસ્ત હાલતમાં હોઈશ ત્યાં સુધી હું જાતે જ રાંધીને ખાઈ લઈશ. હું પેલાનું નામ લેવા માગતી નથી; પણ તને કહી દઉં છું કે જો તેની સાથેનો રાજીપો કરવાની તું મને ક્યારેય પણ વાત કરીશ, તો ફરી પાછી મારાં માવતર સમાં આ શેઠશેઠાણીને ત્યાં પાછી આવી જઈશ.’’

હા, મારી મા, હા! તારી બધી શરતો મને મંજૂર છે. જો મારાથી કુદરતી રીતે જ તને માકહેવાઈ ગયું, તેનો મતલબ તું એમ સમજી લે કે હું મારી માનું વેણ કદીય ઉથાપું ખરો!

* * *

એ રાત્રે અબ્દો તેના પિતૃપક્ષનાં સગાંવહાલાંને લઈને, ઝુબેદા માસી, તમને મનાવવા ભાઈ મામદના ત્યાં આવી પુગ્યો હતો. એકાદ મહિના પછી તેનાં લગન લેવાવાનાં હતાં. સામાન્ય રીતે દરેક સમાજમાં ખુશીના પ્રસંગોએ દુભાએલાં સગાંવહાલાંને મનાવી લેવાના પ્રયત્નો થતા હોય છે, બસ તેમ જ અબ્દો તમને, માસી, મનાવીને ઘરે તેડી જવા આવ્યો હતો. તમે ભાઈ મામદના રહેવાના ઘરની વચલી ખૂંભીને અઢેલીને બેઠાં હતાં. સામેની દિવાલની ભીંતે દેખાતા ઘડિયાળમાં આઠના ટકોરા પડ્યા હતા. તમને શરમમાં નાખી શકાય તે હેતુસર અબ્દો સ્ત્રીપુરુષો મળીને દસેક સગાંવહાલાં લઈને આવ્યો હતો. અડધાએક કલાક સુધી ખૂબ જ રકઝક ચાલી હતી. અબ્દાએ કાકલૂદીઓ કરીને હાથ જોડ્યા હતા અને એક વખત તો ખાટલેથી નીચે ઊતરીને ફરસ ઉપર બેઠેલાં એવાં, ઝુબેદા માસી, તમારા પગે પડીને તમને વીનવ્યાં હતાં, પણ તમે ટસનાં મસ થતાં ન હતાં. અબ્દો મામદ મામા અને મામીને કરગરતો હતો કે તેઓ તમને સમજાવે. મામાએ તો ચોખ્ખું કહી દીધું હતું કે, ‘મારે તો તારી મા સાથે એવા આકરા કોલકરાર થયા છે કે મારા મોંઢે તો તેમને તારા ત્યાં આવવાનું કહીશ નહિ, અને હા, તેમની રાજીખુશીથી તેઓ આવવા તૈયાર થતાં હોય તો મારો કોઈ વિરોધ પણ નથી.

મામદે બરાબર અવલોકન કર્યું તે મુજબ બરાબર સાડાઆઠના એક ટકોરે, તમે ઝુબેદા માસી, તમારી અબ્દા સાથેની કડકાઈને ઢીલી પાડવાનું શરૂ કરી દીધું હતું. વળી પાછી નવી પંદરેક મિનિટ સુધી થોડીક રોકકળ અને થોડાંક મેણાંટોણાં ચાલ્યાં. આખરે અબ્દાએ, ઝુબેદા માસી, પોતાનો આખરી દાવ ફેંકતાં તમને કહી દીધું હતું કે જો તમે મારાં લગનમાં નહિ આવો, તો મારી સગાઈ તોડી નાખીશ અને હું આજીવન કુંવારો રહીશ!

ના, અબ્દા બેટા ના, એવું ન કરતો!એવા તમારા કથનમાંના અબ્દા બેટાએવા સંબોધનથી, ઝુબેદા માસી, હાજર સૌના આનંદનો પાર રહ્યો ન હતો. બરાબર નવ વાગવાની થોડીક જ સેકંડો પહેલાં તમે અબ્દા સાથે ઘરે જવાના તમારા નિર્ણયની જાહેરાત કરી દીધી હતી અને એ ખુશખબરીની જાણે કે ખુશાલી અભિવ્યકત કરવા ઘડિયાળે તરત જ નવના ટકોરા વગાડવા શરૂ કરી દીધા હતા.

ઝુબેદા માસી, આમ તમે માદીકરાએ તમારી વચ્ચેની અણબનાવની પડેલી સૂતરની આંટીની ગૂંચને સમયસર ઊકેલી તો જરૂર હતી, પણ તમને એક વાતની ખબર પડી ન હતી કે તમારા ભાઈ મામદ તમારી માદીકરાની પૂર્વયોજનાને પહેલેથી જ જાણતા હતા. તમે માદીકરો ખાનગીમાં એકબીજાને મળો છો તેવી પાકી બાતમી મળતાં, તેમણે તમારી વાતને આગલી જ રાતે તમારા નિવાસના પછવાડાના ભાગે હાજર રહીને શબ્દશ: સાંભળી લીધી હતી. આમ રમતગમતની દુનિયામાં આજકાલ અગાઉથી નિયત થઈ જતી હારજીતની જેમ તમે અબ્દાને જીતાડ્યો હતો અને તમે રાજીખુશીથી હારી ગયાં હતાં; એટલા માટે કે તમે અબ્દાનાં દેવકીમાતા સમાં જન્મદાત્રી ભલે ન હતાં, પણ યશોદામાતા સમાં પ્રેમાળ પાલકમાતા તો જરૂર હતાં!

***

4 - દિવાળી વેકેશન

સુરેશ. એમ. પટેલ

દસેક વર્ષનો સંજુ ખુબ રમતીલો અને મજા નો છોકરો છે. પણ, હમણાં દિવાળી વેકેશનમાં ગયા પછી અને એની ફ્રેન્ડ ખુશી સાથે વેકેશન વિશેની વાતો કર્યાં પછી થોડો મુંજાયેલો રહે છે. ન જાણે કોઈ પ્રશ્ન એના મનમાં ગુંટાયા કરતો હોય તેમ ફર્યા કરે છે. આમ તો એ હસતો રમતો સ્કૂલે પણ જાય છે અને દોસ્તો સાથે રમે છે પણ મોજ થી. પણ, જયારે એ એકલો હોય ત્યારે જાણે એના મનમાં કંઇક વાતો ફર્યા કરે છે. અને હવે એના થી બહુ રેહવાતું નથી એટલે એ એના પપ્પા ઓફીસથી ઘરે આવે એની રાહ જોઈ રહ્યો છે. જેવા પપ્પા ઘરે આવશે કે હું પપ્પાને મારા બધા સવાલો કરી નાખીશ એવું વિચારીને શેરીમાં રમવા જતો રહયો.

રાત્રે જયારે ડાયનીંગ ટેબલ પર એ જમી રહ્યો હતો. એટલામાં એના પપ્પા ઓફીસથી આવ્યા કે તરત કુદીને પપ્પા પાસે પોહચી ગયો. પપ્પાને બેગ પણ મુકવા ન દીધી અને સીધો કુદકો મારીને ખભા પર ચડી ગયો.

‘અરે, બેટા ઉભો રહે મને આ બેગ તો મુકવા દે, ક્યાંક વાગી જશે તને..!’ પપ્પા એ જરા રોક્યો.

‘મને કંઈ નહિ વાગે, હું તમને નહિ જવા દઉં મારે તમને એક વાત કરવી છે’ સંજુ મોં માં કોળિયા સાથે બોલ્યો.

‘શેની વાત..?’ પપ્પાએ નીચે ઉતરતા કહ્યું.

‘જે વાત હોય એ બધી પછી કરજે, ચલ પેહલા તારું જમવાનું ફીનીશ કર, અને પપ્પા ને જવા દે હાથ મો

ધોવા’ મમ્મીએ રસોડા માંથી બુમ પાડી.

‘નહિ...નહિ...! મારે એક વાત પૂછવી છે પપ્પાને. હું નહિ જવા દઉં.!’ સંજુ જીદે ચડ્યો.

‘અરે, હા બેટા તારે જે પૂછવું હોય એ પૂછજે પણ મને હાથ-મો ધોઈને આવવા દે ઓકે.’ પપ્પા એ સમજાવ્યો.

સંજુ ધીરેથી પપ્પાના ખભે થી ઉતરી ડાયનીંગ ટેબલ તરફ અને એના પપ્પા શર્ટ સરખું કરી રૂમ તરફ વળ્યા.

સંજુ, એના પપ્પા અને મમ્મી બધા ડાયનીંગ ટેબલ પર જમી રહ્યા છે પણ સંજુ ના મનમાં હજુ એ વાત ગુમ્યા કરે છે જે એના પપ્પાને કહ્યા વગર રહે એમ નથી. વારંવાર એની મમ્મીની આંખો જોયા પછી પણ સંજુ થી રેહવાયું નહિ એટલે પપ્પા ને પૂછી જ નાખ્યું.

‘પપ્પા, ઓ પપ્પા મને એક વાત નથી સમજાતી કે આપણે જેટલા દિવસ દિવાળી વેકેશનમાં ગયા હતા એટલાજ દિવસ ખુશી લોકો પણ ગયા હતા. તોય આપણા કરતા એ કેમ ગણા બધા પ્લેસ જોઈ આવ્યા? આપણે તો બસ ત્રણ-ચાર પ્લેસ જ જોયા અને મારી ફ્રેન્ડ ખુશી લોકોએ તો આપણા જેટલા જ દિવસમાં પૂરી ૭-૮ જગ્યાઓ જોઈ આવ્યા. મને એના ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા.! બોલો!’ સંજુ એ સંગ્રહી રાખેલી નાના મગજની બધી વાત કરી નાખી.

‘ઓ... તો એ વાત થી તું આટલો ટેન્સનમાં હતો એમને..?’ મમ્મીએ સંજુ ની બેચેની જાણે હવે જાણી.‘કેમ બેચેની એટલે..?’ પપ્પા એ અમસ્તું પૂછ્યું.

‘અરે હા, આપણે જયારે વેકેસન માંથી ફરીને આવ્યા છીએ એના બીજા દિવસ થી જ સંજુ બહુ ટેન્સનમાં રેહતો હતો મેં પૂછ્યું પણ કંઈ કહ્યું નહી, હવે ખબર પડી કે પેલી ખુશી આના કરતા વધારે જગ્યાઓએ ફરી આવી એનું ટેન્સન હતું!’

મમ્મીએ બધી ફોડ પાડી.

‘કેમ એમાં શું થયું ભલે ને એ વધુ જગ્યાએ ફરી આવી.!’ પપ્પા એ જમતા જમતા નોર્મલ જવાબ આપ્યો.

‘પણ, પપ્પા આપણે જેટલા દિવસ ગયા હતા એટલાજ દિવસ એ લોકો ગયા હતા તોય કેમ આપણા થી વધુ જગ્યાઓ જોઈ લીધી..?’ હજુ સંજુને જોઈતો જવાબ મળ્યો નથી.

‘હમમમ, વાત તો સાચી છે સંજુ ની!’ હવે સંજુ ની મમ્મીને પણ ઈર્ષ્યા થઇ અને કોળીયો ભરેલા મો એ માંથું હલાવીને ‘હમમમ..’ નીકળી ગયું.

‘શું હમમમ..?’ સંજુના પપ્પા થાળીમાં ચમચીથી ખીચડી એકઠી કરતા બોલ્યા.

‘મને પણ હવે એવું લાગે છે કે કેમ આવું થયું? દિવસો પણ આપણા જેટલા જગ્યાઓ પણ એજ. પાછું એ લોકો પણ ગાડી લઈને ગયા’તા અને આપણે પણ અને હા, રૂટ પણ એજ હતો તોય કેમ એ આપણા થી ડબલ જગ્યાઓએ ફરી આવ્યા.?’ હવે મોરચો સંજુની મમ્મીએ સંભાળ્યો.‘અરે એ લોકો રાત્રે પણ ડ્રાઈવ કરતા હશે અને આપણે લોકો બધી જગ્યાએ રાત્રે હોલ્ટ કર્યો તો તુય શું આવી નાની વાતે ટેન્સન લે છે..!’ પપ્પાએ મમ્મીની વાત ઉડાડવાની કોશિશ કરી. ‘ના..ના.. હવે કાલે જ મારી ખુશીની મમ્મી સાથે વાત થઇ એ લોકો આપણે જે હોટલોમાં રોકાયા હતા એ જ જગ્યાઓમાં રોકાયા હતા, અને આપણા જેટલીજ અને આપણા થી પણ વધારે શોપિંગ પણ કરી આવ્યા છે બોલો..!?’ મમ્મીએ કાઉન્ટર સવાલો કર્યાં.‘અને હા, પપ્પા કેટલા બધા ફોટા પણ પડ્યા છે બોલો..!’ સંજુએ પણ મમ્મીને ટેકો આપ્યો.‘અરે..અરે..! હવે લાગે છે મારે તમને બંનેને પૂરેપૂરી ડીટેઇલ થી સમજવું પડશે. તમે બંને જમી લ્યો અને લીવીંગરૂમમાં આવો હું લેપટોપ અને કેમેરો લઈને આવું જેમા આપણા વેકેશનના ફોટા છે.’ સંજુના પપ્પા હાથ સાફ કરીને ઉભા થયા.‘પપ્પા..પપ્પા મેં પણ જમી લીધું હું પણ આવું છું તમારી સાથે બધું લેવા..!’ સંજુ ઉતાવળો થયો.‘અરે શું જમી લીધુ આ પૂરું કર પેહલા’ મમ્મી એ હાથ પકડીને બેસાડ્યો.‘હા, બેટા તું આરામથી જમીને મમ્મી સાથે આવ ત્યાં સુધી હું બધું લઈને આવું છું ઓકે.’ પપ્પાએ જતા જતા કહ્યું.સંજુ ફટાફટ પોતાની થાળી ખતમ કરવા લાગ્યો. અને એની મમ્મી પણ બધા કામ પતાવવા ફટાફટ રસોડામાં ગઈ.થોડીવાર પછી સંજુ એની મમ્મી સાથે લીવીંગરૂમમાં આવી ગયો અને ઉત્સુકતાવસ કંઈક જાણવા છેક પપ્પાને અડીને બેઠો. ‘અરે, સંજુ આ બાજુ આવ પપ્પાને ચાલુ કરવા દે લેપટોપ. અહી આવ આપણે અહિયાં બેસીએ.’ મમ્મીએ મુખવાસની ડબ્બી સાઈડમાં મુકતા સંજુને પાસે બોલવ્યો.પપ્પાએ ચાર્જર લગાવીને લેપટોપ ઓન કર્યું કેમેરા માંથી એસ.ડી. કાર્ડ કાઢીને લગાવ્યું અને વેકેશનના ફોટા શોધવાના ચાલુ કર્યા.‘અમે એ બધા જ ફોટા જોયા છે. એમાં શું તમે નવું બતાવના છો..?’ મમ્મી થી રેહવાયું નહિ.‘હા, પપ્પા મેં પણ આ બધા ફોટા જોયા છે.’ સંજુ ધીમા અવાજે બોલ્યો.‘અરે..! એક મિનીટ એક મિનીટ કહું છું તમને બધુજ.’ પપ્પાએ લેપટોપ ખોળામાં લઈને સોફા પર બેસતા કહ્યું.‘ફોટા જોઈને શું કરવાનું..?’ મમ્મી બોલી પડી.‘અરે, હું એજ તો સમજાવું છું કે તમે લોકો બીજાના ફોટા જોઇને કેમ છેતરાઈ ગયા.?’ પપ્પાએ ખરી વાત શરું કરી.‘છેતરાઈ ગયા? અમે..? એ કેવી રીતે?’ સંજુ ઝબકયો.‘જો બેટા. આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં એ જગ્યાને માણવા જઈએ છીએ નહિ કે એને ફક્ત કેમેરામાં કેદ કરવા.’‘એટલે તમે કેહવા શું માંગો છો..?’ સંજુની મમ્મી હવે શાંત થઇ.‘જો.. હું તને બહુ ઊંડાણથી સમજાવીશ તો તને થશે કે કોઈ બાબાનું પ્રવચન ચાલુ થયું અને સંજુને પણ એવું લાગશે જાણે સિલેબસ બહારનું એક્ઝામમાં આવ્યું. એટલે હું તમને બંનેને સમજાય એવું સિમ્પલ અને સરળ રીતે સમજાવું.’ પપ્પાએ બધું પેહલાજ સ્પષ્ટ કર્યું.જેટલી જગ્યાઓએ આપણે ગયા એ બધીજ જગ્યાઓએ એ લોકો પણ ગયા પણ તમે એ ભૂલી ગયા કે જેટલો સમય આપણે એ જગ્યાઓ પર માણ્યો એટલો સમય એમણે પણ માણ્યો હતો..?‘એટલે કે ક્વોલીટી ટાઇમ એમને..?’ સંજુની મમ્મી સોફા પર સરખી થઇ.‘એક્ઝેટલી, તમે ફક્ત એમની નંબર ઓફ પ્લેસિસ ની વાતમાં છેતરાઈ ગયા કાલે જઈને સંજુ તું ખુશીને પૂછજે કે તમે કેટલો સમય એ બધી જગ્યાઓ પર રહ્યા હતા તો એ ચોક્કસ કહેશે કે માંડ એકાદ કલાક કે એના થી થોડા વધુ, અને આપણે કેટલો સમય એક જગ્યા પર હતા એ તું આ ફોટા જોઇને જાણી લેજે.’‘ઓકે હું કાલે ખુશી ને પૂછી લાવીશ.’ સંજુ બિચારો જાણે પપ્પા એ હોમવર્ક આપ્યું હોય તેમ સમજ્યો.‘જો બેટા, આ ફોટા જો જ્યાં આપણે સનસેટ માટે રોકાયા હતા યાદ છે ને..?’‘હા..હા.. મને યાદ છે. મમ્મી પાછળ રહી ગઈ’તી અને હું પેહલા પોહચી ગ્યો’તો ત્યાં.’ સંજુએ બધું ફરી યાદ કર્યું.‘હા, હવે એ વેહલો એકલો પોહચી ગયો હતો અને તમે પણ જાણે એને કોઈ મેડલ મળવાનું હોય તેમ ખાલી એના એકલા ની જ ફોટો ક્લિક કરી’તી આ..!’ નાનકડા સંજુથી એ વખતે હારી ગયેલી મમ્મી એ ભડાશ કાઢી.‘હા, અને તમને બંનેને યાદ હશે કે લોકો સનસેટ ના ફોટા પાડવા કેવા પડાપડી કરતા હતા અને કેવા કેવા અદભૂત પોઝ આપતા હતા હેને..!!?’ સંજુનો ગાલ પકડતા પપ્પાએ યાદ કરાવ્યું.‘હા, પપ્પા અને પેલી છોકરીયો કેવું મોઢું કરીને સેલ્ફી લેતી’તી નઈ..!’ સંજુ થોડો મૂડમાં આવ્યો.‘હા, હવે એ બધું યાદ છે અમને પણ એનું અને આપણી આ વાતનું શું લેવા દેવા..?’ સંજુની મમ્મી લાઈન પર આવી.‘હમમ... તારી વાત સાચી એ ફોટા પાડવા ની પડાપડી અને આપણી આ વાત નું શું..? તો જો, હું એજ સમજાવું છું, તમને ખબર હશે કે મેં તને એક બે ફોટા પછી રોકી હતી અને છેક છેલ્લે સુધી બધા જતા રહ્યા તોય આપણે ત્યાં જ બેસીને એ ડૂબતા સુરજ ને જોયો અને માણ્યો હતો યાદ છે ને એ ઠંડી હવા, ક્ષિતિજ પરથી આવતું એ અંધારા નું લશ્કર, લાઈનસર જતા એ પક્ષીઓ, બાજુની ઝાડી માંથી આવતો તમ્મરાઓ નો મધુર અવાજ બધુંજ કેવું આહલાદક લાગતું હતું..!!? યાદ છે તને સંજુ?’ પપ્પાએ એક ચમક સાથે બંને તરફ જોતા કહ્યું.‘હા, પપ્પા મને એ બધું યાદ છે અને હમણાં પણ આ ફોટાને જોઇને મને એવું લાગે છે કે હું ત્યાંજ બેઠો છું.’‘હા...યાર સાચેજ તમે જે કહ્યું એ બધુજ મને ફિલ થવા લાગ્યું..હોં..!!’ સંજુ સાથે એની મમ્મી પણ જોડાઈ.‘એજ તો વાત છે.! જે હું તમને સમજાવવા માંગું છું.’ ચપટી સાથે પપ્પા બોલ્યા.‘એટલે..શું?!’ જાણે હજુ કંઇક રહી ગયું હોય તેમ સંજુ બોલ્યો. ‘એટલે એજ કે આપણે જે પણ જગ્યોએ ગયા છીએ એ બધીજ જગ્યાઓને આપણે ભરપુર તન-મન થી અને પુરેપુરી હયાતી થી માણી છે, ખાલી બસ, ફોટા પડાવવા કે જોવા ખાતર જોવાઈ ગયું એમ કરીને નહિ..!’‘હા, તમારી એક વાત તો સાચી કે આપણે જેટલી પણ જગ્યાઓએ જઈને આવ્યા એ બધી હજુ મારા મનમાં ભમ્યા કરે છે અને જયારે પણ આ ફોટાને જોવું છું ત્યારે એવું ફિલ થાય કે જાણે હું ત્યાંજ છું. ત્યાંની એજ ખુશ્બુ, એજ અવાજ, એજ શાંતિ..!’ મમ્મીને વાતમાં હવે મજા આવી.‘હા, હવે તું સમજી..!’ પપ્પા એ માંથું હલાવ્યુ.‘જો બેટા આપણે ફરવા ક્યારે જઈએ છીએ? અને શેના માટે જઈએ છીએ?’‘દિવાળીએ જઈએ છીએ. અને ફરવા ને મજા કરવા જઈએ. બીજું શેના માટે?’ સંજુએ વળતો જવાબ આપ્યો.‘હા, ફરવા, મજા કરવા અને મનની શાંતિ મેળવવા પણ. તો જો આપણે જયારે કોક’દિ ફરવા જઈએ અને એ પણ આપણી રોજીંદી જિંદગીની જેમ બસ ફટાફટ ખાલી ચક્કર મારીને કે એક બે ફોટા ક્લિક કરીને આવતા રહીએ તો શું કામનું?આપણે તો કુદરતને માણવા અને મનને રીલેક્સ કરવા ફરવા જઈએ છીએ અને જેના થી આપણું મન શાંત અને તન પણ તરોતાજા થઇ જાય છે, જેથી આપણને પાછા આવીને બીજા બધા કામો કરવામાં પણ મજા પડે છે. જો આપણે પણ એક દિવસમાં અનેક જગ્યાઓએ ફરી લેવું હોય અને ખાલી ફોટા પડાવવા ના હોય તો આપણે એવું કરી શકીએ પણ એમાં પછી એ જગ્યાઓની યાદો, એની મહેક, એની એકેએક પળ જે આપણે હમણાં આટલા દિવસો પછી પણ માણી રહ્યા છીએ એ શક્ય નહિ બને. તમને બંનેને આ ફોટા જોઇને ત્યાં જ હોવા નો જે એહસાસ થાય છે એવો એહસાસ કદાચ ખુશી અને એની મમ્મી ને નહિ થાય આ ફોટા કે એના ફોટા જોઇને એ તું પૂછી જોજે..! જુવો હું તમને આ બધા ફોટા બતાવું એ બધી જગ્યોને તમે હજુ પણ અહિયાં બેઠા બેઠા માણી શકશો. જો એ દિવસે પણ જો આપણે ફટાફટ ખાલી બે ચાર સારા ફોટા પાડીને આવી ગયા હોત તો એ ફોટા ભલે ગમે એટલા સારા હોત તો પણ એમાંથી તમને એ જગ્યાની આવી ફીલિંગ ના આવી હોત જેવી તમને આ ફોટાઓમાં આવે છે. જુવો, આ ફોટો ભલે એક નો એક છે એ જગ્યા નો પણ આ ફોટામાં એ જગ્યા જેટલી જ ફીલિંગસ અને મોહકતા છે એમાં જેને જોઇને તમે એ બધી યાદો ને તાજી કરી શકો છો, એક વખત ટ્રાય કરી જોજો..!’‘હા.. પપ્પા મને હજુ આ બધા ફોટા જોવું તો બહુ મજા આવે છે અને આંખો બંધ કરું તો જાણે હજુ ત્યાંજ હોઈએ એવું લાગે’ સંજુએ અનુભવ શેર કર્યો.‘સંજુ, હવે તો તને ખબર પડીને કે મેં તને કેમ કેમેરો બંધ કરીને બસ આ દરિયા કિનારે પણ એ રેતીમાં બેસાડી દીધો હતો થોડીવાર તને ખોટું લાગ્યું હતું પણ જેમ જેમ પાણી તારા પગ ને સ્પર્શતું તેમ તેમ તારા ચેહરાની ચમક વધતી જતી હતી પછી તો તું ત્યાંથી નીકળવાનું નામ પણ નહોતો લેતો યાદ છે! તારી મમ્મીએ તને ખેંચીને બહાર કાઢેલો. એ બધું ભલે આપણા કેમેરામાં કેદ નથી થયું પણ એ બધું આપણા મનમાં તો કાયમ ને માટે કેદ થઇ ગયું છે ને.!?તું કાલે જઈને ખુશીને પૂછજે કે તને કઈ કઈ જગ્યાઓ હજુ એવીને એવી મજા પડાવે એવી યાદ છે..?અને હા સંજુ ની વકીલ તું પણ ખુશીની મમ્મીને મળીને પૂછજે કે ‘એમને એવી કઈ જગ્યા યાદ છે જેની ફીલિંગ્સ હજુ એવીને એવી તાજી હોય..!!’અને એક વાત યાદ રાખજો ખાલી તનથી રખડવું અને થાકી જવું એ વેકેશન નહિ, પણ મનથી માણવું અને તનથી તાજા થઇ જઉં એટલે વેકેશન..!વેકેશન ખાલી કેમેરામાં ફોટો ભરવા માટે નહિ પણ મનમાં, હ્રદયમાં યાદો ભરવા માટે હોય છે..!સમજ્યા..!‘હવે હું બધું સમજી ગયો..!! વેકેશન ખાલી ફોટો ભેગા કરવા માટે નહિ પણ કંઇક નવી યાદો ભેગી કરવા માટે હોય છે.!’સંજુને હવે પુરેપુરો સંતોષ થયો.

***

5 - દિવ્યાંગ સીંગલ મધર

દર્શિતા શાહ

આજ ના યુગમાં આ શબ્દ નવો નથી. આ વાત ૩૦ વર્ષ પહેલા ની છે. જ્યારે સ્ત્રી નો સમાજ મામ કોઇ દરજ્જો જ ન્હોતો. સ્ત્રી નો કોઇ અવાજ અને સમાજ માં સ્થાન ન્હોતું.

આવા સમાજ માં સીંગલ મધર ની ફરજ અદા કરવી અને સમાજ માં માનભેર અને ગૌરવ ભર્યુ સ્થાન મેળવવું એ નાની સૂની વાત ન્હોતી. ગુજરાત ના જાણીતા શહેર સુરત ની આ વાત ત્યાં અંજનાબેન રહે. સારા કુટુંબ માં જન્મ થયો. પિતા ક્લાર્ક ની નોકરી કરતા હતાં અને માતા ઘરમાં લોકો ના કપડાં સીવતા. એક નું એક સંતાન હોવાથી માતા-પિતા એ ઉછેર માં કોઇ ખામી ન્હોતી રાખેલ. ઉચ્ચ શિક્ષણ આપ્યું.

દેખાવ માં પણ ગૌરવર્ણ હતાં,

પણ કુદરત એ એક ખામી આપી કમર થી નીચેનું અંગ પોલીયોગ્રસ્ત. આથી ચાલવા માં ઘણી તકલીફ પડતી. ઉમર વધતા ચાલવામાં તકલીફ પડવા લાગી આથી લગ્ન નો વિચાર માંડી વાળ્યો. અભ્યાસ ની સાથે સાથે અંજનાબેને સીવણ ની કલા શીખી હતી તથા સારું ગાતા આવડતું. સ્કૂલ માં થતા પ્રોગ્રામમાં ગીતો ગાતા. આમ જીવન સારી રીતે પસાર થતું. માતા-પિતા એ કોઇ વાતમાં ઓછું આવવા દીધું ન્હોતું. અંજનાબેન પણ સમજુ હતાં અંજનાબેને નોકરી કરવા માંડી ત્યાં તેમની કોઠાસૂઝ અને હળીમળીને સાથે રહેવું એ સ્વભાવ ને કારણે ઓફિસ મામ તેમને બધાં જ મદદરૂપ થતાં. દિવસો ઘોડાની માફક દોડતા.

આ બાજુ સાથી બહેનપણીઓ ના લગ્ન થવા લાગ્યાં. અને માતા-પિતાને અંજનાબેન ના લગ્ન ની ચિંતા કોરી ખાવા લાગી પરંતુ અંજનાબેન તો લગ્ન નહી કરવાનો નિર્ણય લઇ ચૂક્યાં હતાં. જીવન સરળતા થી ચાલતું હોવાથી તેમને લગ્ન જરૂરી લાગતાં જ ન્હોતાં

આમ ને આમ દિવસો પસાર થવા લાગ્યાં.

માતા-પિતા ઘરડાં થતાં ઘર નો ભાર અંજનાબેન પર આવ્યો પરંતુ તેઓ એક પળ માટે પણ ગભરાયા વગર ઘરની જવાબદારી ઊપાડી લીધી. ઘરના નાના મોટા કામ સાથે ઓફિસ નું કામ પણ ખૂબ રહેતું છ્તાં પણ થાક્યાં વગર તેઓ હસતાં મોઢે જીન્દગી જીવતાં હતાં. આ દરમ્યાન સહેલીઓ નું હળવા મળવાનું ઓછું થઇ ગયું અને તેમને જીવન થોડું નિરસ લાગવા માંડયું. જીવન સહેલું તો ન્હોતું જ પરંતુ સરળ બનાવી દીધું હતું. કારણ કે શારિરીક તકલીફ નાનપણ થી હોવાથી દરેક પડકારો હસતા મુખે સહન કરતાં.

આમ ને આમ વર્ષો વીતવા લાગ્યાં માતા-પિતા ની છત્રછાયા પણ ગુમાવી. એકલતા વધારે કોરી ખાવા લાગી. આ બાજુ તેની સહેલી સંધ્યા ની ગંભીર માદગી ના સમાચાર મળ્યાં. આમે તેણી લગ્ન ના બીજા વર્ષે વિધવા બનેલ. તેને એક બાબો હતો છ વર્ષનો.

અંજનાબેન તાબડતોડ તેણી ના ખબર અંતર પૂછવા હોસ્પિટલ ગયાં. સંધ્યાનું દુનિયામાં કોઇ બીજું સગુ વ્હાલું પણ ન્હોતું. હોસ્પિટ્લ પહોચતા જ અંજનાબેન ને પરિસ્થિતિ નો ખ્યાલ આવી ગયો. ત્યાં તેમની નજર અચાનક સંધ્યાના બાબા પર પડી. પહેલી નજરે જોતા જ વ્હાલ ઉભરાઇ ગયું અને પોતાની સોડમાં લઇ લીધો. અને નામ પૂછ્યું . સંધ્યાએ ખુબ જ દર્દ સાથે તેનું નામ અજય કહ્યું અને અચાનક અંજનાબેન થી અંજનાનો અજ્ય બોલાઇ ગયું

તરત જ સંધ્યાએ કહ્યું હવે બાબો તારો જ છે હું તો લાંબી સફરે જઇ રહી છું. એમ બોલી સંધ્યાએ આંખો કાયમ માટે મીચીં દીધી. અંજનાબેન મૂક થઇ ફાટી આંખે સંધ્યાને જોઇ રહ્યાં.

ના રડી શક્યાં ન કંઇ બોલી શક્યાં. હોસ્પિટ્લ ની વિધિ પતાવી અને સંધ્યાના અંતિમ સંસ્કાર ની જવાબદારી પૂરી કરી. ચલાતુ તો ખૂબ જ ઓછું હતું છતાં વ્હીલચેર અને આજુબાજુ ના પડોશીઓને સહારે તેણી એ સમગ્ર કાર્ય કર્યાં

હોસ્પિટલ થી ઘરે બાબા સાથે આવ્યા હોવાથી બાબા ને સાચવાની સમગ્ર જવાબદારી તેણી ના એકલાના ખભે હતી. જરાક પણ ગભરાયા વગર તેણીએ પોતાની દિનચર્યા સાથે બાબા ની દિનચર્યા ગોઠવી દીધી. પૈસાની તકલીફ તો હતી હવે બાબા ના જીવન માં આવતા તેમાં ઊમેરો થયો. કોઇ પણ જાતની ચિતાં કર્યા વગર તેણીએ અજય નો ઊછેર કરવા માંડ્યો. તેણી ને ભગવાન પર ખૂબ જ ભરોસો હતો. તેણી એમ જ કહેતી ભગવાન ને ખબર છે આપણ ને ક્યારે શું આપવું અને અજય તો મને ભગવાન ખુદ પોતે આપેલ પ્રસાદ છે અને મારે તેનું લાલન પાલન અજય ને છાતીએ વણગાળી ખૂબ જતન થી કરવાનું છે અને ભગવાન પોતે મને આ કાર્ય પાર પાડવામાં મદદ કરશે.

અજય ના ભણતર પાછળ વધારે ને વધારે સમય આપવા લાગ્યાં. અજય ના મગજ માં પહેલે દિવસ થી જ તેણીએ ઠસાવી દીધું હતું કે અંજનાબેન નો અજય શહેર નો મોટામાં મોટો ડોકટર બનશે અને તે માટે અંજનાબેન પોતે પણ કામે લાગી ગયાં. પોતાની જરૂરિયાતો નામ પૂરતી જ રાખી, દિવસો ના દિવસો ઊપવાસ રાખતા અને પૈસા બચાવતાં

ચાર જોડી કપડાં જ હતાં છતાં હસતે મોઢે પોતાની જવાબદારી પૂરી કરતાં. અજય ને કોઇપણ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખતાં, તેની દરેક ઇચ્છા ઇશ્વર ઇચ્છા માની ને પૂરી કરતાં. અજય પણ ખૂબ સમજુ હતો. તેની માતાની દરેક વાત માનતો. આધુનિક જમાના ની તેને હવા લાગી ન્હોતી. તેને માતા ની તકલીફો અને કુરબાની જાણ હતી તે પોતે પણ માતા ને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરતો. પરંતુ અંજનાબેન તેને અભ્યાસ માં ધ્યાન આપવા જોર કરતાં. અજય દસમા અને બારમા ધોરણ માં પ્રથમ નંબરે પાસ થયો. આથી મેડીકલ માં વિના તકલીફે પ્રવેશ મળી ગયો પરંતુ અજયે, અંજનાબેન ને જણાવ્યું કે મેડીક્લ માં અભ્યાસ માટે ખૂબ જ પૈસાની જરૂર પડશે, જે તેણી માટે અશક્ય છે પરંતુ અંજનાબેન જેમનું નામ તેણી માટે અશક્ય શબ્દ તેમના જીવન ના શબ્દકોશ માં જ ન્હોતો. પોતાની દિવ્યાંગતા ને લીધે નાનપણ થી દરેક કામ અશક્ય હતાં તે શક્ય કરેલાં. તેમણે ભગવાન પર ભરોસો રાખવા અજય ને જણાવ્યું અને તેનો પ્રવેશ મેડીક્લ મા લઇ લીધો. રાત-્દિવસ એક જ ધૂન મારો અજય મોટો ડોકટર બને. સારામાં સારા સંસ્કાર આપેલા હોવાથી,

અજયે તનતોડ મહેનત કરવા માંડી. પૈસા માટે અંજ્નાબેન આખો દિવસ પોતાની નાજુક તબિય્ત ને ગણકાર્યા વગર કામ કરવા લાગ્યાં, કુટુંબીજનો, સગા સંબંધીઓ અને સોસાયટીના લોકો મોઢામાં આંગણા નાખી દીધા કે આ અંજનાબેન આ પરિસ્થિતિ માં અજય નો જે રીતે ઉછેર કર્યો.

અજય અભ્યાસ ના ચાર વર્ષ પૂરા કર્યા અને અંજબાબેન ને જણાવ્યું કે તે હવે નોકરી કરશે, તેણીએ તરત જ ના પાડી દીધી અને ઊચ્ચ અભ્યાસ માં અજય નો પ્રવેશ કરાવી દીધો. આમ સળંગ દસ વર્ષ અજયે સખત મહેનત કરી અને સૂરત નો મોટો ડોકટર બની ગયો. તેને બધી જ હોસ્પિટલ માંથી ઊચા પગારો ની નોકરી ની વાતો આવવા લાગી પરંતુ અંજનાબેન ના સ્મ્સ્કાર તેને સરકારી દવાખાનામાં નોકરી શરૂ કરી અને ગરીબ દર્દીઓની સેવા કરવા માંડી. મેડીકલ નો અભ્યાસ પણ પ્રથમ નંબરે પાસ કર્યો હોવાથી મેડીક્લ એસોશિયેસ્ન દ્વારા તેના સન્માન કરવાનો કાગળ તેને એક દિવસ મળ્યો. નસીબ સંજોગે આ કાગળ અંજનાબેન ના હાથમાં જ આવ્યો. તેણી તો ચોધાર આંસુએ ભગવાન નો ઉપકાર માગવા માંડી.

સન્માન સમારોહ શહેર ના મોટા હોલમાં ગોઠવવામાં આવ્યું હતું. હોલ મા બે હજાર થી પણ વધારે લોકો આવેલાં. અજય, અંજનાબેન ને વ્હીલચેર માં બેસાડીને હોલમાં લઇ જવા સમજાવતો હતો, પરંતુ અંજનાબેન ના પાડતાં હતાં . લાખ વાર સમજાવા છ્તાં તેણી એ સન્માન સમારોહ માં જવા તૈયાર થતાં ન્હોતાં, આખરે અજય તેણીને ભગવાનની કસમ આપી પોતાની સાથે લઇ જાય છે. હોલ માં પ્રવેશતા જ તેણી ની આંખો આંસુ થીછલકાઇ જાય છે, અને ભગવાન નો આભાર માને છે કે તેને આ દિવસ જોવડાવ્યો.

મંચ પર બધાં ગોઠવાઇ જતાં કાર્યક્રમ ચાલુ થાય છે, અજય નું સન્માન થવાનું હોવાથી અજય અને અંજ્નાબેન ને હોલની પહેલી હરોળ મામ બેસાડ્વામાં આવેલ. અંજનાબેન નું દિલ જોર જોર થી ધડકે છે. ત્યાં જ માઇફ માં અંજ્ય નું નામ બોલાય છે,

જાણે અંજનાબેન નું દિલ ધબકારો ચૂકી ગયું એવું અંજનાબેન ને લાગે છે, અજય મંચ પર જાય છે, અને માઇક માં તેના વિષે ખૂબ જ વખાણ થતાં સાંભળી અંજનાબેન ની આંખો સંધ્યાને યાદ કરી વરસી પડે છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ના હસ્તે અજયનું સન્માન થવાનું હોવાથી હોલમાં ખૂબ જ શાંતિ અને સન્નાટો હોય છે. અંજનાબેન ની વર્ષો ની તપસ્યાનું આજે ફળ મળવાનું હતું.

અજય નું સન્માન કરવા અને તેને પુષ્પહાર પહેરાવા મંત્રી હાથ ઊ્ચો કરે છે અને અને અજય બે ડગલાં પાછો હટી જાય છે અને હાર પહેરવાની ના પાડે છે, અને હાથ જોડી અને હાથ માં માઇક લઇને મંત્રીજી ને વિનંતી કરે છે કે જો સન્માન કરવું જ હોય તો મારી માતા અંજનાબેન નું કરે, કારણકે સન્માન ની હકદાર તેની માતા છે અને અજય તેની માતાના મૄત્યુ થી શરૂ કરી આજ્ના દિવસ સુધીનો અંજનાબેન નો સંઘર્ષ બધાને જણાવે છે,

આ સાંભળી હોલ તાળીઓના ગળગળાટ થી ગૂંજી ઉઠે છે અને અંજનાબેન ની આંખો વરસી પડે છે. મંત્રીજી સંચાલકોને અંજનાબેન ને મંચ પર બોલાવા જણાવે છે ત્યારે અજય તેમને જણાવે છે કે મારી માતા –દિવ્યાંગ છે અને વ્હીલચેર માં આવેલ છે તેણી ની વ્હીલચેર હું તેનો બાહુબલી દિકરો –તેણીને ઉચકી ને મંચ ઊપર લાવીશ ત્યારે હોલના સમગ્ર લોકો ઊભા થઇ ને મા-દિકરાને જુએ છે અને મંત્રીજી પોતે અજય ની માતા ને મંચ પર લાવવામાં અજય ને ટેકો કરે છે અને અંજનાબેન અને અજય નું સન્માન પુષ્પહાર, ટ્રોફી, પ્રમાણપત્ર અને પાંચ લાખ રૂપિયાથી કરે છે.

અંજનાબેન ના સંસ્કાર ને લીધે અજયે આ પાંચ લાખ રૂપિયા મેડીક્લ કોલેજ ના ગરીબ વિધાર્થીઓના ઉ્ચ્ચ અભ્યાસ માટે દાનમાં આપી દે છે અને મા-દિકરો હોલમાં નીચે આવી પોતાના સ્થાને બેસી જાય છે. મંત્રીજી નું ભાષણ શરૂ થાય છે અને અંજનાબેનનો ખૂબ આભાર માને છે અને વખાણ કરે છે અને હોલ માં ઊપસ્થિત લોકો ને ઊભા થઇ માન આપવાનું કહે છે.

“દિવ્યાં સીંગલ મધર ” નું બિરુદ આપી રાજ્ય તરફથી તેણી ને દસ લાખ રૂપિયા અને સાલ ઓઢાડી ફરી થી સન્માન કરે છે અને તેણી ને સલામી આપે છે. અંજનાબેન મનોમન સંધ્યાનો ઉપકાર માની સૌને વંદન કરે છે.

***

6 - પરપોટો

(એક સાક્ષી)

ARUN AMBER GONDHALI

આ વરસે ચોમાસું સમયસર શરુ થયું હતું. ગામનાં વયોવૃધ્ધ શીવાકાકા હવામાનની આગાહીઓ સચોટ કરતાં. ગામના ખેડૂતોને શીવાકાકાની આગાહીઓ ઉપર વિશ્વાસ રહેતો. આગાહીઓ સાથે વરસાદના અનુરૂપ કયાં કયાં પાક લેવાં તેની સલાહ શીવાકાકા આપતાં એટલે જ તો ગામના બધાં ખેડૂતો માટે એ આદરણીય હતાં. દરેક મોસમના પાકની કાપણી થાય અને દરેક ખેડૂત પોતાની યથાશક્તિ અનાજની ભેટ એમને પહોંચાડતાં.

ભેગાં થયેલ અનાજથી શીવાકાકા ગામમાં એક નાનું અન્નક્ષેત્ર ચલાવતાં. જર-જમીન વગરના અતિ ગરીબ ગામવાસીઓ અને બેસહારા વૃધ્ધો એનો લાભ લેતા અને સાથે સાથે સેવા આપી પોતાનો ગુજારો કરતાં. આ ગામમાં કોઈ ભિખારી નહોતા કે કોઈ ભિખારી ગામમાં આવે તો તેઓ એને સમજાવીને ભીખ માંગવાનું પણ છોડાવતાં. શીવાકાકા કહેતા જેની પાસે શરીરના બધાં અંગો હોય અને કદાચ એકાદ અંગ સલામત ના હોય તો શું થયું ? આત્મવિશ્વાસ એ અંગની ખામી પૂરી કરે છે અને આત્મવિશ્વાસવાળી વ્યક્તિ અપંગ ના હોઈ શકે. ખુદ્દારીથી જીવતાં આવડવું જોઈએ. શીવાકાકાની સોચ બહુ ઉમદા હતી. એ જમાનામાં મેટ્રિક પાસ થયેલ હતાં. ગામનાં ઉદ્ધાર માટે હંમેશ તત્પર રહેતાં. ગામવાસીઓના એ સાચા સેવક હતાં.

વરસોથી તેઓ એકલા જ હતાં. એમની પત્ની દિકરાને જન્મ આપી પ્રસુતિમાં મૃત્યુ પામી હતી. દિકરાને ભણાવી ગણાવી ઉછેરીને એક સશક્ત નાગરિક બનાવ્યો અને એકનો એક સહારો દેશને સોપી દીધો. નવલ જયારે આર્મીમાં ગયો ત્યારે ગામનાં લોકોએ અને આજુબાજુના બાર ગામનાં લોકો એને વિદાય આપવા આવ્યાં હતાં અને બધાંને મન એ ગર્વની વાત હતી. થોડાંક વર્ષો બાદ ગામમાં ત્રિરંગામાં લપેટાયેલ એક પેટી આવી એ નવલનો મૃતદેહ હતો. કારગીલના યુદ્ધમાં એ શહીદ થયો હતો. ગામમાં અને આજુબાજુનાં ગામોમાં શોકની લાગણી પસરી ગયી. અંતિમ સંસ્કારમાં માનવ મેદની ભેગી થઇ.

શિવાકાકાએ બધાંને સંબોધતા કહ્યું - “દુઃખ મનાવશો નહિ આ તો નવલના નસીબનાં લેખ સારા કે ભારતમાતા માટે એ કામ આવ્યો. આ બલિદાન ના કહેવાય, આ તો રાષ્ટ્રની સેવા કહેવાય. માતા કોઈ દિવસ બલિદાન નહિ માંગે એ તો સેવા માંગે. રાષ્ટ્રને માટે ફના થવા કહે ! રાષ્ટ્રની લાજ રાખવાં કહે ! એણે આપણાં ભારતમાતાની લાજ રાખી ઋણ ચુકવ્યું છે. દુશ્મનો સામે લડતાં રાષ્ટ્રનું અને આપણાં ગામનું નામ રોશન કર્યું છે.”

એ જ વખતે એમણે જાહેર કર્યું – “સરકાર તરફતી નવલના જે પૈસા આવશે તે રાષ્ટ્રની તિજોરીમાં જમા થાય અને સરકાર જરૂરિયાતો માટે એ પૈસા વાપરે. મારે એક પણ પૈસો જોઈતો નથી. એણે આપેલ સેવાના મોબદલાના પૈસા મારાથી ના લેવાય, જો રાષ્ટ્રને આપેલ સેવાની બદલીમાં પૈસા લવું તો મારા જેવો નપાવટ કોઈ નહિ !”

જયારે અંતિમવિધિ ચાલી રહી હતી ત્યારે શીવાકાકાના પડખે બે મિત્રો ગુલાબ અને હેમુ ઉભાં હતાં. ગુલાબને શીવાકાકાના શબ્દો અર્થપૂર્ણ અને અમલ કરવા જેવાં લાગતાં હતાં !

ગુલાબ અને હેમુ હવે જુવાન થઇ ગયાં હતાં. બંનેએ એક સાથે શાળાએ જવાનું શરુ કર્યું હતું અને હવે ગ્રેજ્યુએટની ડીગ્રી લઇ બંને ખેતી કરતાં હતાં. બંનેના ખેતરો લગોલગ હતાં. બંનેના ખેતરોની સીમની વચ્ચે એક સહિયારો મોટો કુવો હતો જેમાં બારેમાસ ખૂબ પાણી રહેતું. બંનેની મિત્રતા ગુલાબના છોડ જેવી ઘનિષ્ટ હતી. ગુલાબ, ગુલાબ જેવાં જ સ્વભાવનો, બધાંને ગમી જાય તેવો. જયારે હેમુનો સ્વભાવ કાંટા જેવો. દોસ્ત ગુલાબનું કાયમ રક્ષણ કરે, એક રક્ષક જેવો. દોસ્તીમાં બંને પાકા. ગામમાં એમની દોસ્તીના વખાણ થતાં. બંનેની ખેતીનું ઉત્પાદન પણ સારું હતું. ગુલાબને ખેતીમાંથી જે કંઈ મળતું તેનાથી તે ખુશ હતો પરંતું હેમુને હંમેશ અસંતોષ રહેતો. પૈસા ખાતર ખોટું કરવું હોય તો એ અચકાતો નહિ.

સમય બદલાઈ રહ્યો હતો. બેઈમાની, કાળાબજારી, બ્લેક-મની, છેતરપીંડીના સમાચારો હેમુને આકર્ષિત કરતાં. એને હવે લોભ ચડ્યો હતો, પૈસા કમાવવાનો, ભલે બેઈમાની કરવી પડે !

ગુલાબ કાયમ સમજાવતો કે – “ભાઈ...બેઈમાનીનો આશરો લઈશ નહિ એના ફળ તાત્કાલિક સારા તો લાગશે પણ સરવાળે આત્માને લાંછન રૂપ છે. એ તકલીફ આપશે. એક કુટુંબનાં ભરણપોષણ માટે જોઈએ એટલું ઈમાનદારીથી મળી તો રહે જ છે ને ! લાલચ માણસને બગાડે છે. એક જીન્દગી ચાલે એટલું ધન બસ છે. વધારાનું જો ખર્ચી ના શકવાના હોય કે એ પૈસા કામમાં આવવાના ન હોય એનો સંગ્રહ કે લોભ શું કામ કરવો ? પૈસાથી દવા ખરીદી શકાય, જીન્દગી નહિ દોસ્ત.. એ વાત યાદ રાખજે !” હેમુ ફક્ત એને સાંભળી લેતો અને મૂછમાં હસતો. બસ...

એક દિવસે બંને ખેતરમાં કામ કરી ને રોટલો ખાવાં બેઠાં ત્યારે હેમુએ ગુલાબને કહ્યું – “ચાલ આ વર્ષે સરકાર દુકાળવાળા ખેડૂતોનું કર્જ માફ કરવાની છે આપણે પણ તેમાં નામ નોંધાવી દઈએ જેથી કરજ માફ થઇ જાય”.

સાંભળીને ગુલાબે કહ્યું – “ અલ્યા ભલે દુકાળ હતો પણ આપણને ક્યાં એની અસર થઇ. આપણાં પાક તો સારા જ આવ્યાં હતાં આ કુવાને લીધે, આપણને ક્યાં ખોટ ગયી છે ? આમ તે કંઈ ખોટું કામ કરાય ? રાષ્ટ્રનાં પૈસા ખોટી રીતે પડાવવા એ તો ચોરી કહેવાય ભાઈ... ચોરી....! સરકારની તિજોરીના પૈસા એ નોકરિયાત નાગરિકના ખુન-પસીનાના છે, તેઓ ઇન્કમટેક્ષ ભરે છે. ઈમાનદાર ધંધાવાળાના ટેક્ષના પૈસા છે. એ પૈસાથી સરકાર રાષ્ટ્રનો વિકાસ કરે છે, સુખ સગવડો આપે છે. ખોટું કરીએ એ તો લુંટ કહેવાય ! અત્યારે સુખના બે રોટલાં મળી રહ્યાં છે તો શા માટે ચોરી કરવી અને સરકાર પાસે ભીખ માંગવી ? આપણે તો અન્નદાતા કહેવાયીએ ! જે દાતા હોય એનાથી ભીખ મંગાય ? વિચાર કર, આપણા દેશમાં એવા તો ઘણાં લોકો છે કે જેમની પાસે કંઇ જ નથી અને દેવાદાર છે. એ બિચારા ક્યાં જાય કરજ માફી માટે ? સ્વાભિમાનથી જીવ અલ્યા હેમુ ... ભિખારી ના થા ....”

બસ આ શબ્દો હેમુને ના ગમ્યા અને બંનેની જીભા-જોડી, હાતાપાઈમાં પરિણમી અને કંઈક અજુગતું બન્યું.

***

સમયની સાથે વિચારો પણ બદલાઈ રહ્યાં હતાં. લાગણીઓ ડીજીટલ થઇ રહી હતી. ગામમાં સરપંચની ચુંટણી હતી. હેમુએ ઉમેદવારી નોંધાવી અને બિનહરીફ ચુંટાઈ આવ્યો એટલે પોતા માટે અભિમાન થયું અને હિંમત વધી આખરે અહંકારે કબજો જમાવી લીધો, હેમુના માનસ ઉપર ! તે ખૂબ આગળ વધવા માંગતો હતો કારણ રાજકારણ સમજી ગયો હતો. મોભ્ભો અને પૈસા, પૈસા અને મોભ્ભાની રમતમાં એ માહિર બની ગયો. સેવક તરીકે ચૂંટાયેલાં, હવે નેતા કહેવાતા હતાં, લીડર કહેવાતાં હતાં. નેતા અને લીડરની તો પરિભાષા જુદી હોય પરંતું પ્રજાને એ ઉપર ચિંતન કે મનન કરવાનો સમય નહોતો કારણ રાષ્ટ્રહિત કરતાં પોતાના ભ્રામક હિતની, પોતાના ભ્રામક સમાજ-સમુદાયના હિતની આવશ્યકતા લાગતી હતી, ફક્ત પોતાનાં હિત ખાતર. શીવાકાકા જેવાં લોકો જડવા મુશ્કેલ હતાં.

વર્ષો બાદ ....

હેમુ આજે જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. એની બંને કિડનીઓ ખરાબ થઇ ગયી હતી. આજે એની પાસે ખૂબ પૈસો હતો. માણસ પાસે રૂપિયા હોય તો તે બહુ-રૂપિયો બની જાય છે. ગામના સરપંચ તરીકે શરૂઆત કરી તે આજે વિધાનસભાનો એક મોટો હોદ્દેદાર હતો. પત્નીને ખોળાનો ખુંદનાર નહોતો. પૈસા, ધન-દૌલત હતાં છતાં લાચાર હતો.

ઘણાં દિવસો બાદ હેમુને વ્હિલચેરમાં બેસાડી એની પત્ની એને વિશાળ ઘરનાં ઓસરીમાં હવાફેર માટે લઇ આવી. ધીમે ધીમે પડતાં વરસાદે હવે જોર પકડ્યું. વરસાદનું પાણી જમીન ઉપર ભેગું થઈ રહ્યું હતું અને દરેક ટીપું એક એક પરપોટો બની આગળ વહી રહ્યું હતું. પત્ની શાંતિથી વહી જતા પરપોટા અને પતિને જોઈ રહી હતી. હેમુની નજર પણ વહી જતાં પરપોટાઓ ઉપર મંડાયેલી હતી. બંનેની નજર પરપોટા ઉપર હતી પણ બંનેના મનની ગડમથલ જુદી જુદી અને ગંભીર હતી.

વહી જતા પાણીના પરપોટાથી નજર હઠાવી પત્ની તરફ જોતાં હેમુ હસ્યો.. જોરમાં...અહંકારમાં... એક ખતરનાક અટહાસ્ય... “હા… હા.. હા.. આ એ..એ.. એ..જ પરપોટો છે, એ..જ પરપોટો છે, મારા એક ગુનાહને આજ સુધી કોઈ પકડી શક્યું નથી કે સાબિત કરી શક્યું નથી કે ગુલાબનું ખુન મેં કર્યું હતું. ગુસ્સામાં મેં મારા ભાઈબંધને ખોયો, મારી ઈચ્છા એવી નહોતી, પણ ખોટું થયાનું ભાન થયું ત્યારે અફસોસ શિવાય કંઈ નહોતું. હું તે ઘડીએ ત્યાં જ કુવાની પાળ ઉપર બેસી રડતો હતો, અફસોસ કરતો હતો. કુવા ઉપર બેસાડેલ સબમર્સીબલ પંપમાંથી નીકળતું પાણી ખેતરની નીકમાં ઠલવાઈ રહ્યું હતું અને આમ ... આમ.. જ નીકમાં પાણીના પરપોટા વહી રહ્યાં હતાં અને જાણે મને કહી રહ્યાં હતાં કે ભલે તને ખુન કરતાં કોઈએ જોયો ના હોય પણ અમે તો તને જોયો છે ! અમે સાક્ષી છીએ, આજની ઘટનાનાં !

અચાનક પાછળથી એક અવાજ આવ્યો, એ અવાજ હતો ગુલાબના દિકરા સુરજનો – “હા... કાકા... હા... મને શંકા હતી કે બાપુજીનું ખુન કદાચ તમે જ કર્યું છે. હું તે દિવસે ઓટલા ઉપર રમી રહ્યો હતો. તમે ખેતરેથી વહેલાં આવેલાં. તમારી ચાલમાં ઉતાવળ હતી. તમારાં કપડાં ઉપર લોહીનાં ડાઘ મેં જોયા હતાં. આજે તમારી કબુલાતથી પાકું થયું કે એ ડાઘ બાપુજીના લોહીનાં જ હતાં ! કદાચ આજ’દિ સુધી તમે આ વાત કોઈને કરી જ નહિ હશે ! પુરાવા અને શાક્ષીના અભાવે તમે આખો કેસ અકસ્માતમાં ખપાવીને પોતાની જાતને બચાવી લેવાં સફળ રહ્યાં. વાહ...કહેવું પડે ! પરંતુ તમને યાદ નહિ હોય પણ આ પાણીનાં પરપોટા શિવાય બીજો એક પુરાવો મારી પાસે છે અને તે છે તમારું એ શર્ટ ! કદાચ પોતાને નિર્દોષ સાબિત કરવાની દોડધામમાં વાડામાં દોરી ઉપર મુકેલ શર્ટનો નિકાલ કરવાનું તમે ભૂલી ગયાં અને એ શર્ટ પવનથી ઉડીને અમારાં વાડામાં આવી પડેલું. અમે આજે પણ એ શર્ટ ઓસરીમાં સંતાડી રાખેલ છે.... છાણાઓનાં ઢગલામાં.

મા ને પણ શંકા હતી, પરંતુ તમારી ભાઈબંધી ઉપર કોઈ હસે અને મજાક કરે એ એને મંજુર નહોતું એટલે આજ સુધી એમણે એક હરફ પણ ઉચાર્યો નથી અને તમારી મિત્રતાને બલિદાન આપ્યું – ભર જુવાનીમાં રંડાપો સહન કરીને !”

અજાણતાં હેમુથી પોતાનાં ગુનાહની કબુલાત થઇ ગઈ. એ ધ્રુસકે ધ્રુસકે રડતો હતો ... “હું તમારો ગુન્હેગાર છું, મને માફ કરી દો. હું ગુલાબ પાસે પણ માફી માંગું છું. મને માફ કરી દો, એનાં અવાજમાં સાચો પશ્ચાતાપ હતો. આખરે કહેવત સાચી પડી – પાપ પોકારે આપોઆપ !

***

હેમુનાં મૃત્યુ બાદ એની પત્નીએ હેમુનાં સંપત્તિની પાઇ-પાઇ સ્વ.શીવાકાકા સ્થાપિત ટ્રસ્ટને દાનમાં આપી દીધી.

સુરજ હવે બે માતાઓનો આશરો હતો, બે કુટુંબની મિત્રતા કાયમ રાખવાં !!!

***